સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સત્ય તમારા માટે કેટલું મૂલ્યવાન છે?

સત્ય તમારા માટે કેટલું મૂલ્યવાન છે?

સત્ય તમારા માટે કેટલું મૂલ્યવાન છે?

“તમે સત્યને જાણશો, અને સત્ય તમને મુક્ત કરશે.”​—⁠યોહાન ૮:⁠૩૨.

૧. ઈસુથી ભિન્‍ન પીલાતે “સત્ય” શબ્દનો કઈ રીતે ઉલ્લેખ કર્યો?

 “સત્ય શું છે?” પીલાતે આ પ્રશ્ન પૂછ્યો ત્યારે, તેને ફક્ત સામાન્ય અર્થમાં જ સત્યમાં રસ હતો. બીજી બાજુ, ઈસુએ ફક્ત આટલું જ કહ્યું: “એજ માટે હું જનમ્યો છું, અને એજ માટે હું જગતમાં આવ્યો છું, કે સત્ય વિષે હું સાક્ષી આપું.” (યોહાન ૧૮:​૩૭, ૩૮) પીલાતથી ભિન્‍ન, ઈસુ પરમેશ્વરના મૂળભૂત સત્યનો ઉલ્લેખ કરી રહ્યા હતા.

સત્ય પ્રત્યે જગતનું વલણ

૨. ઈસુનું કયું વાક્ય સત્યનું મૂલ્ય બતાવે છે?

પાઊલે કહ્યું: “સર્વ માણસો વિશ્વાસ કરનાર નથી.” (૨ થેસ્સાલોનીકી ૩:૨) સત્ય વિષે પણ એમ જ કહી શકાય. ઘણા લોકોને બાઇબલ આધારિત સત્ય જાણવાની તક મળે છે ત્યારે, તેઓ એની જાણીજોઈને ઉપેક્ષા કરે છે. તોપણ, સત્ય કેટલું મૂલ્યવાન છે! ઈસુએ કહ્યું: “તમે સત્યને જાણશો, અને સત્ય તમને મુક્ત કરશે.”​—⁠યોહાન ૮:⁠૩૨.

૩. કપટી શિક્ષણ વિષેની કઈ ચેતવણીને આપણે ધ્યાન આપવું જોઈએ?

પ્રેષિત પાઊલે કહ્યું કે માનવીય ફિલસૂફીઓ અને સંપ્રદાયોમાં સત્ય જોવા મળતું નથી. (કોલોસી ૨:૮) ખરેખર, આવું શિક્ષણ છેતરામણું છે. પાઊલે એફેસીઓના ખ્રિસ્તીઓને ચેતવણી આપી કે જો તેઓ માનવીય ફિલસૂફીઓ અને પ્રણાલીઓમાં વિશ્વાસ મૂકતા હોય તો, તેઓ આત્મિક અર્થમાં બાળકો જેવાં છે કે જેઓ “માણસોની ઠગાઈથી, ભ્રમણામાં નાખવાની કાવતરાંભરેલી યુક્તિથી, દરેક ભિન્‍ન ભિન્‍ન મતરૂપી પવનથી ડોલાં ખાનારા” બનશે. (એફેસી ૪:​૧૪) આજે, “માણસોની ઠગાઈ” બાઇબલ સત્યનો વિરોધ કરનારાઓના જૂઠા પ્રચારથી ફેલાયેલી છે. આ પ્રકારનો ખોટો પ્રચાર કપટી રીતે સત્યને જૂઠું અને જૂઠાને સત્ય તરીકે રજૂ કરીને ફેલાવે છે. આપણે આવાં કપટી દબાણોનો સામનો કરતા હોવાથી, સત્ય શોધવા માટે ખંતપૂર્વક બાઇબલનો અભ્યાસ કરવો જ જોઈએ.

ખ્રિસ્તીઓ અને જગત

૪. સત્ય કોના માટે પ્રાપ્ય છે અને એને મેળવનારાઓની કઈ ફરજ છે?

ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યો વિષે યહોવાહને પ્રાર્થના કરી: “સત્યથી તેઓને પવિત્ર કર; તારૂં વચન સત્ય છે.” (યોહાન ૧૭:૧૭) આ શિષ્યો યહોવાહની સેવા કરવા તથા તેમના નામ અને તેમના રાજ્યને જાહેર કરવાના હેતુથી પવિત્ર થવાના હતા અને એ માટે તેઓ અલગ થવાના હતા. (માત્થી ૬:​૯, ૧૦; ૨૪:૧૪) જોકે, દરેક લોકો યહોવાહના સત્યને જાણી શકતા નથી છતાં, જેઓ પણ એને શોધે છે તેઓ માટે એ ભેટ તરીકે પ્રાપ્ય છે પછી ભલે તેઓ ગમે તે દેશ, જાતિ કે સંસ્કૃતિમાંથી આવ્યા હોય. પ્રેષિત પીતરે કહ્યું: ‘હું સમજું છું કે દેવ પક્ષપાતી નથી; પણ દરેક દેશમાં જે કોઈ તેની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેને માન્ય છે.’​—⁠પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫.

૫. શા માટે ખ્રિસ્તીઓની સતાવણી કરવામાં આવે છે?

ખ્રિસ્તીઓ સર્વ લોકોને બાઇબલ સત્ય જણાવે છે પરંતુ દરેક જણ એને સ્વીકારતું નથી. ઈસુએ ચેતવણી આપી: “તેઓ તમને વિપત્તિમાં નાખશે, ને તમને મારી નાખશે, ને મારા નામને લીધે સર્વ પ્રજાઓ તમારો દ્વેષ કરશે.” (માત્થી ૨૪:૯) આ કલમ પર ટીકા આપતા આઇરિશ પાદરી જોન આર. કોટરે ૧૮૧૭માં લખ્યું: “[ખ્રિસ્તીઓ] પોતાના પ્રચાર કાર્ય દ્વારા માણસજાતને સુધારવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તેઓનો આભાર માનવાને બદલે, લોકો તેઓને ધિક્કારે છે અને તેઓની સતાવણી કરે છે કેમ કે શિષ્યો તેઓનાં ખરાબ કામોને ખુલ્લાં પાડે છે.” આવા સતાવણી કરનારાઓએ “પોતાના તારણ અર્થે પ્રેમથી સત્યનો અંગીકાર કર્યો નહિ.” આથી, “જેઓએ સત્ય પર વિશ્વાસ કર્યો નહિ, પણ અધર્મમાં આનંદ માન્યો, તે સર્વેને દોષિત ઠરાવવાને માટે તેઓ અસત્ય માને માટે દેવ તેઓને ભ્રમણામાં નાખે છે.”​—⁠૨ થેસ્સાલોનીકી ૨:​૧૦-​૧૨.

૬. ખ્રિસ્તીઓએ કઈ ઇચ્છાને વિકસાવવી જોઈએ નહિ?

આ દુષ્ટ જગતમાં જીવતા ખ્રિસ્તીઓને પ્રેષિત પાઊલ સલાહ આપે છે: “જગત પર અથવા જગતમાંનાં વાનાં પર પ્રેમ ન રાખો. . . . જગતમાં જે સર્વ છે, એટલે દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી, પણ જગતથી છે.” (૧ યોહાન ૨:૧૫, ૧૬) યોહાન “સર્વ” કહીને દરેક બાબતોનો સમાવેશ કરે છે. આથી, આપણને સત્યમાંથી ધીમે ધીમે દૂર લઈ જાય એવી આ જગતની કોઈ પણ બાબત માટે આપણે ઇચ્છા વિકસાવવી જોઈએ નહિ. યોહાનની સલાહને ધ્યાન આપવાથી આપણા જીવનમાં ઘણી સારી અસર પડે છે. કઈ રીતે?

૭. સત્યનું જ્ઞાન નમ્ર વ્યક્તિઓને કઈ રીતે પ્રેરે છે?

વર્ષ ૨૦૦૧ દરમિયાન, યહોવાહના સાક્ષીઓએ દર મહિને જગત ફરતે ૪૫ લાખ કરતાં વધારે બાઇબલ અભ્યાસો ચલાવ્યા. પરમેશ્વર આપણી પાસે શું માગે છે એ વિષે તેઓએ ઘણા લોકોને વ્યક્તિગત અને કુટુંબ તરીકે શીખવ્યું. પરિણામે, ૨,૬૩,૪૩૧ લોકો બાપ્તિસ્મા પામ્યા. આ નવા શિષ્યો માટે ખરેખર સત્યનો પ્રકાશ મૂલ્યવાન બન્યો છે. તેઓએ આ જગતની વધતી જતી ખરાબ સંગત અને અનૈતિકતા જેવા, પરમેશ્વરનું અપમાન કરતા કાર્યોને છોડી દીધાં છે. બાપ્તિસ્મા પામીને, તેઓ સર્વ ખ્રિસ્તીઓ માટે પરમેશ્વરે બેસાડેલાં ધોરણો પ્રમાણે જીવે છે. (એફેસી ૫:૫) શું એ સત્ય તમારા માટે મૂલ્યવાન છે?

યહોવાહ આપણી કાળજી રાખે છે

૮. યહોવાહ આપણા સમર્પણને કઈ રીતે પ્રત્યુત્તર આપે છે અને ‘રાજ્યને પ્રથમ શોધવું’ શા માટે મહત્ત્વનું છે?

આપણામાં અપૂર્ણતાઓ હોવા છતાં, યહોવાહ માયાળુ રીતે આપણા સમર્પણને સ્વીકારે છે. આપણને તેમની નજીક લાવવા માટે તે જાણે કે આપણી આગળ ઝૂકે છે. આમ, તે આપણા ધ્યેયો અને ઇચ્છાઓને ઊંચા લાવવાનું શીખવે છે. (ગીતશાસ્ત્ર ૧૧૩:૬-૮) એ જ સમયે, યહોવાહ આપણને તેમની સાથે વ્યક્તિગત ગાઢ સંબંધ રાખવા દે છે અને જો આપણે ‘પહેલાં તેમના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધીએ’ તો, તે આપણી કાળજી રાખવાનું વચન આપે છે. જો આપણે એ પ્રમાણે કરીશું અને આપણી આત્મિકતા જાળવી રાખીશું તો, તે આપણને વચન આપે છે: “એ બધાં વાનાં પણ તમને અપાશે.”​—⁠માત્થી ૬:⁠૩૩.

૯. “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” કોણ છે અને આ ‘ચાકરનો’ ઉપયોગ કરીને, યહોવાહ કઈ રીતે આપણી કાળજી રાખે છે?

ઈસુ ખ્રિસ્તે પોતાના ૧૨ પ્રેષિતોને પસંદ કર્યા અને અભિષિક્ત ખ્રિસ્તીઓના મંડળ માટે પાયો નાખ્યો. તેઓને “દેવના ઈસ્રાએલ” કહેવામાં આવ્યા. (ગલાતી ૬:૧૬; પ્રકટીકરણ ૨૧:૯, ૧૪) પછીથી તેઓનું વર્ણન ‘દેવની મંડળી, સત્યનો સ્તંભ તથા પાયા’ તરીકે કરવામાં આવ્યું. (૧ તીમોથી ૩:​૧૫) ઈસુએ એ મંડળના સભ્યોને “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” અને “વિશ્વાસુ તથા શાણો કારભારી” તરીકે ઓળખાવ્યા. ઈસુએ કહ્યું કે ખ્રિસ્તીઓને ‘વખતસર ખાવાનું આપવાની’ જવાબદારી આ વિશ્વાસુ ચાકરની હશે. (માત્થી ૨૪:​૩, ૪૫-​૪૭; લુક ૧૨:​૪૨) ખોરાક વગર આપણે ભૂખે મરી શકીએ. એવી જ રીતે, આત્મિક ખોરાક લીધા વગર આપણે આત્મિક રીતે નબળા પડીને મરી જઈ શકીએ. આથી, ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરનું’ હોવું એ બીજો પુરાવો છે કે યહોવાહ આપણી કાળજી રાખે છે. “ચાકર” દ્વારા પૂરા પાડવામાં આવતા મૂલ્યવાન આત્મિક ખોરાકની આપણે હંમેશાં કદર કરવી જોઈએ.​—⁠માત્થી ૫:⁠૩.

૧૦. ખ્રિસ્તી સભાઓમાં નિયમિત જવું શા માટે મહત્ત્વનું છે?

૧૦ આત્મિક ખોરાક લેવામાં વ્યક્તિગત અભ્યાસનો સમાવેશ થાય છે. એમાં બીજા ખ્રિસ્તીઓની સંગત રાખવાનો અને મંડળની સભાઓમાં જવાનો પણ સમાવેશ થાય છે. તમે છ મહિના પહેલાં, અરે, છ અઠવાડિયાં પહેલાં શું ખાધું હતું એ બરાબર યાદ છે? કદાચ નહિ હોય. તેમ છતાં, તમે જે કંઈ ખોરાક લીધો એનાથી તમે તંદુરસ્ત રહેવા જરૂરી પોષણ મેળવ્યું હતું. ત્યાર પછી, તમે એવો જ ખોરાક ઘણી વાર લીધો હશે. આપણી ખ્રિસ્તી સભાઓમાં આપવામાં આવતા આત્મિક ખોરાક વિષે પણ એવું જ છે. આપણે સભાઓમાં જે સાંભળ્યું એની નાનામાં નાની માહિતી આપણને યાદ ન પણ રહી શકે. વળી, એવી જ માહિતી એક કરતાં વધારે વાર આપવામાં આવી હોય શકે. તોપણ, એ આત્મિક ખોરાક આપણા ભલા માટે મહત્ત્વનો છે. આપણી સભાઓમાં હંમેશાં સમયસર યોગ્ય આત્મિક ખોરાક આપવામાં આવે છે.

૧૧. ખ્રિસ્તી સભાઓમાં જઈએ ત્યારે આપણી કઈ ફરજ બને છે?

૧૧ ખ્રિસ્તી સભાઓમાં જવું એ પણ આપણી એક જવાબદારી છે. ખ્રિસ્તીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ ‘એકબીજાને ઉત્તેજન આપીને’ મંડળના બીજા સભ્યોને “પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા” પ્રોત્સાહન આપે. બધી જ ખ્રિસ્તી સભાઓની તૈયારી કરીને એમાં હાજરી આપવાથી અને એમાં ભાગ લેવાથી વ્યક્તિગત રીતે આપણો વિશ્વાસ દૃઢ થાય છે તેમ જ બીજાઓને પણ ઉત્તેજન મળે છે. (હેબ્રી ૧૦:​૨૩-​૨૫) નાનાં બાળકો ખોરાક લેવા સામે નખરાં કરે છે તેમ, કેટલાક લોકો પણ આત્મિક પોષણ લેવા માટે એવું કરી શકે. આથી તેઓને સતત ઉત્તેજનની જરૂર પડી શકે. (એફેસી ૪:૧૩) આવી વ્યક્તિઓને જરૂર હોય ત્યારે આપણે ઉત્તેજન આપીએ એ સારું છે. એનાથી તેઓ એક પરિપક્વ ખ્રિસ્તી બનવા સુધી પ્રગતિ કરી શકશે. તેઓ વિષે પ્રેષિત પાઊલે લખ્યું: “જેઓ પુખ્ત ઉમ્મરના છે, એટલે જેઓની ઇંદ્રિયો ખરૂંખોટું પારખવામાં કેળવાએલી છે, તેઓને સારૂ ભારે ખોરાક છે.”​—⁠હેબ્રી ૫:​૧૪.

આપણી આત્મિકતાની કાળજી રાખવી

૧૨. આપણે સત્યના માર્ગમાં રહીએ એ માટેની મુખ્ય ફરજ કોની છે?

૧૨ આપણા લગ્‍નસાથી કે આપણા માબાપ આપણને સત્યના માર્ગમાં ઉત્તેજન આપી શકે. એવી જ રીતે, મંડળના વડીલો પણ આપણી એક ઘેટાંપાળકની જેમ કાળજી રાખતા હોય શકે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮) પરંતુ, આપણે સત્યના માર્ગમાં ચાલતા રહીએ એ માટેની મુખ્ય ફરજ કોની છે? હા, એ આપણી પોતાની ફરજ છે. વળી, એ સામાન્ય સંજોગોમાં અને મુશ્કેલ સમયોમાં પણ લાગુ પડે છે. નીચેના બનાવને ધ્યાન પર લો.

૧૩, ૧૪. ઘેટાંના ઉદાહરણમાંથી શીખ્યા તેમ, આપણે કઈ રીતે જરૂરી આત્મિક મદદ મેળવી શકીએ?

૧૩ સ્કૉટલૅન્ડમાં કેટલાક નાનાં ઘેટાં ચરી રહ્યાં હતાં. એમાંનું એક બચ્ચું ધીમે ધીમે રખડતું રખડતું એક નાની ખીણમાં પડી ગયું. હા, તેને કંઈ ઈજા થઈ ન હતી, પરંતુ તે ખૂબ ડરી ગયું હતું અને ઉપર ચઢી શકતું ન હતું. તેથી, તેણે જોરથી બેં બેં કરવાનું શરૂ કર્યું. એની માતાએ એ સાંભળ્યું અને ઘેટાંપાળકે આવીને નાના બચ્ચાને બહાર કાઢ્યું નહિ ત્યાં સુધી એણે પણ બેં બેં કરવાનું ચાલુ રાખ્યું.

૧૪ અહીં એક પછી એક બનેલી ઘટનાઓને ધ્યાન આપો. ઘેટાંનું બચ્ચું મદદ માટે બરાડવા લાગ્યું અને એની માતા પણ સાથે શરૂ થઈ ગઈ. પછી સાવધ ઘેટાંપાળકે તરત જ એને મદદ કરવા પગલાં લીધાં. જો એકદમ નાનું પ્રાણી અને એની માતા જોખમને જોઈને તરત જ મદદ માટે પોકારી ઊઠતા હોય તો, શું આપણે પણ આત્મિક રીતે ઠોકર ખાઈએ કે શેતાનના જગત તરફથી અચાનક કોઈ જોખમ આવી પડે તો, મદદ ન માંગવી જોઈએ? (યાકૂબ ૫:૧૪, ૧૫; ૧ પીતર ૫:⁠૮) આપણે નાના હોઈએ કે સત્યમાં નવા નવા હોઈએ અને આપણામાં અનુભવની ખામી હોય તો, આપણે પણ મદદ માંગવી જોઈએ.

પરમેશ્વરના માર્ગદર્શનને અનુસરવાથી મળતું સુખ

૧૫. એક સ્ત્રીએ મંડળમાં આવવાનું શરૂ કર્યું ત્યારે તેણે કેવું અનુભવ્યું?

૧૫ સત્યના પરમેશ્વરની સેવા કરનારાઓ જે બાઇબલ સમજણ મેળવે છે અને જે મનની શાંતિનો અનુભવ કરે છે એનો વિચાર કરો. એ કેટલી મૂલ્યવાન છે! એક ૭૦ વર્ષની સ્ત્રી અત્યાર સુધી ચર્ચ ઑફ ઇંગ્લૅંડમાં જતી હતી. તે પછીથી યહોવાહના સાક્ષીઓ સાથે વ્યક્તિગત બાઇબલ અભ્યાસ કરવા સહમત થઈ. બહુ જલદી જ તેને જાણવા મળ્યું કે પરમેશ્વરનું નામ યહોવાહ છે. તેણે રાજ્યગૃહમાં કરવામાં આવતી હૃદયપૂર્વકની પ્રાર્થનામાં “આમેન” બોલવાનું શરૂ કર્યું. તે લાગણીપૂર્વક કહે છે: “પરમેશ્વર આપણાથી બહુ જ દૂર ઉપર રહે છે અને આપણે તેમના સુધી પહોંચી શકતા નથી એમ ચિત્રિત કરવાને બદલે, તમે તેમને એક ગાઢ મિત્રની જેમ આપણી મધ્યે લાવો છો. આવું મેં પહેલાં ક્યારેય અનુભવ્યું ન હતું.” દેખીતી રીતે જ, આ રસ ધરાવતી સ્ત્રી પોતાના પર સત્યની પડેલી પહેલી અસરને ક્યારેય ભૂલશે નહિ. એવી જ રીતે, આપણે પણ પહેલી વાર સત્ય સ્વીકાર્યું ત્યારે એ કેટલું મૂલ્યવાન હતું એ ભૂલી જવું જોઈએ નહિ.

૧૬. (ક) આપણે પૈસા મેળવવાને આપણો મુખ્ય ધ્યેય બનાવીએ તો શું થઈ શકે? (ખ) આપણે સાચું સુખ કેવી રીતે મેળવી શકીએ?

૧૬ ઘણા લોકો માને છે કે જો પોતે ધનવાન હોત તો સૌથી વધારે સુખી હોત. તેમ છતાં, જો આપણે પૈસાને જ આપણા જીવનનો મુખ્ય ધ્યેય બનાવીએ તો, આપણે “ઘણાં દુઃખો” સહન કરવા પડી શકે. (૧ તીમોથી ૬:૧૦) ઘણા લોકો પોતાનું ભવિષ્ય ઉજ્જ્વળ થશે એવું વિચારીને લોટરીની ટિકિટો ખરીદવામાં, જુગાર રમવામાં કે શેરબજારના સટ્ટામાં અઢળક પૈસા ખર્ચે છે, એનો વિચાર કરો. પરંતુ, એમાંથી બહુ જ થોડા લોકોના સપના સાકાર થતા હોય છે. અરે, એવા લોકો પણ જોવા મળે છે જેઓને આવી અચાનક મળેલી સંપત્તિ પણ સુખ આપી શકતી નથી. એનાથી ભિન્‍ન, યહોવાહની ઇચ્છા પ્રમાણે કરવાથી અને તેમના પવિત્ર આત્મા તથા તેમના દૂતોના માર્ગદર્શન હેઠળ ખ્રિસ્તી મંડળોમાં કામ કરવાથી હંમેશનું સુખ મળે છે. (ગીતશાસ્ત્ર ૧:૧-૩; ૮૪:૪, ૫; ૮૯:૧૫) આપણે એ પ્રમાણે કરીએ છીએ ત્યારે, અણધાર્યા આશીર્વાદો અનુભવીએ છીએ. શું તમે સત્યને એટલું મૂલ્યવાન ગણો છો કે જેનાથી તમને આશીર્વાદો મળે?

૧૭. પ્રેષિત પીતર સીમોન ચમાર સાથે રહ્યા એનાથી તેમનું કેવું વલણ જોવા મળે છે?

૧૭ પ્રેષિત પીતરને થયેલા એક અનુભવનો વિચાર કરો. તેમણે ૩૬ સી.ઈ.માં મિશનરિ કાર્ય માટે શારોનના મેદાનમાં મુસાફરી કરી. તે લુદામાં રોકાયા અને એનિયસ નામના એક પક્ષઘાતીને સાજો કર્યો. પછી તે જોપ્પાના બંદર તરફ ગયા. ત્યાં તેમણે મરી ગયેલી દરકાસને ફરીથી જીવતી કરી. પ્રેરિતોનાં કૃત્યો ૯:૪૩ આપણને કહે છે: “પછી જોપ્પામાં સીમોન નામે એક ચમારને ત્યાં પીતર ઘણા દહાડા રહ્યો.” આ ટૂંકો સંદર્ભ બતાવે છે કે પીતરે એ શહેરના લોકોની કોઈ પક્ષપાત વગર સેવા કરી હતી. કઈ રીતે? બાઇબલ સંશોધક ફેડરિક ડબલ્યુ. ફારાર લખે છે: “[મુસાના] મૌખિક નિયમોનું ચુસ્તપણે પાલન કરનારી કોઈ પણ વ્યક્તિ ચમારના ઘરે રહેવાનું વિચારે પણ નહિ. ચમારનો વ્યવસાય જ એવો હતો કે તેણે દરરોજ અનેક પ્રકારનાં જાનવરોના શબ અને ચામડાના તથા એને લગતી બીજી વસ્તુઓના સંપર્કમાં આવવું પડતું હતું. આ બધું ચુસ્ત નિયમોનું પાલન કરનારાઓની નજરમાં અશુદ્ધ અને ઘૃણાસ્પદ હતું.” જો સીમોનનું ‘સમુદ્રકાંઠાનું ઘર’ તેના મોચીકામના વ્યવસાયથી દૂર હોય તોપણ, ફારાર કહે છે, કે સીમોન ‘એવો ધંધો કરતો હતો જેને ઘૃણાસ્પદ ગણવામાં આવતો હતો અને એ કામ સાથે જોડાયેલાઓ પોતાને હલકાં ગણતા હતા.’​—⁠પ્રેરિતોનાં કૃત્યો ૧૦:⁠૬.

૧૮, ૧૯. (ક) પીતરને થયેલા સંદર્શન પછી તે શા માટે ગૂંચવાતા હતા? (ખ) પીતરે કયો અણધાર્યો આશીર્વાદ મેળવ્યો?

૧૮ કોઈ જાતનો પૂર્વગ્રહ રાખ્યા વગર, પીતરે સીમોનની પરોણાગત સ્વીકારી અને અણધારી રીતે પરમેશ્વરનું માર્ગદર્શન મેળવ્યું. તેમણે એક સંદર્શન જોયું કે જેમાં, તેમને યહુદીઓના નિયમ પ્રમાણે અશુદ્ધ હોય એવા પ્રાણીઓ ખાવાની આજ્ઞા કરવામાં આવી. પીતરે એનો આમ કહેતા વિરોધ કર્યો કે તેમણે ક્યારેય ‘કોઈ નાપાક કે અશુદ્ધ વસ્તુ ખાધી નથી.’ પરંતુ ત્રણ વખત તેમને કહેવામાં આવ્યું: “દેવે જે શુદ્ધ કર્યું છે, તેને તું નાપાક ન ગણ.” શક્યપણે જ, ‘આ જે દર્શન તેમને થયું હતું તેનો શો અર્થ હશે, એ વિષે પીતર બહુ ગૂંચવાતા હતા.’​—⁠પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૫-૧૭; ૧૧:૭-૧૦.

૧૯ પીતર એ વાતથી અજાણ હતા કે બીજા દિવસે ૫૦ કિલોમીટર દૂર આવેલા કાઈસારીઆમાં એક કરનેલ્યસ નામના વિદેશીને પણ સંદર્શન થયું હતું. યહોવાહના દૂતે કરનેલ્યસને સીમોન ચમારના ઘરે રોકાયેલા પીતરને તેડી મંગાવવા, તેના સેવકને મોકલવાનું જણાવ્યું. કરનેલ્યસે પોતાના સેવકોને સીમોનના ઘરે મોકલ્યા અને પીતર તેઓની સાથે કાઈસારીઆ પાછા આવ્યા. ત્યાં તેમણે કરનેલ્યસ અને તેના સગાં તેમ જ મિત્રોને પ્રચાર કર્યો. પરિણામે, તેઓ રાજ્યના વારસદાર તરીકે પવિત્ર આત્મા મેળવનાર સૌથી પહેલા બેસુનત વિદેશી બન્યા. જોકે આ માણસો બેસુનત હતા છતાં, પીતરના શબ્દો સાંભળનાર સર્વ બાપ્તિસ્મા પામ્યા. એણે યહુદીઓ જેઓને અશુદ્ધ ગણતા હતા એવા ભિન્‍ન રાષ્ટ્રોના લોકો માટે ખ્રિસ્તી મંડળના સભ્ય બનવાનો માર્ગ ખોલ્યો. (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૧-૪૮; ૧૧:૧૮) પીતર માટે કેવો ખાસ લહાવો! હા, પીતર એ માટે યોગ્ય જ હતા કેમ કે સત્ય તેમના માટે મૂલ્યવાન હતું અને સત્યએ તેમને યહોવાહના માર્ગદર્શનને ધ્યાનથી સાંભળીને એ પ્રમાણે કરવા પ્રેર્યા.

૨૦. સત્યને આપણા જીવનમાં પ્રથમ રાખીએ છીએ ત્યારે, આપણને પરમેશ્વર તરફથી કઈ મદદ મળે છે?

૨૦ પાઊલ સલાહ આપે છે: “પ્રેમથી સત્યને અનુસરીને, ખ્રિસ્ત જે શિર છે, તેમાં સર્વ પ્રકારે વધીએ.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) (એફેસી ૪:૧૫) હા, જો આપણે હમણાં સત્યને પોતાના જીવનમાં પ્રથમ રાખીશું અને યહોવાહના પવિત્ર આત્મા દ્વારા મળતા માર્ગદર્શનને સ્વીકારીશું તો, સત્ય આપણા માટે અજોડ સુખ લાવશે. વળી, એ પણ ધ્યાનમાં રાખો કે આપણા પ્રચાર કાર્યમાં પવિત્ર દૂતો પણ મદદ કરે છે. (પ્રકટીકરણ ૧૪:૬, ૭; ૨૨:૬) આપણે કેટલા આશીર્વાદિત છીએ કે યહોવાહે આપણને સોંપેલા કાર્યને કરવા, આપણી પાસે આ પ્રકારની મદદ છે! આપણે પ્રમાણિકતા જાળવી રાખીશું તો, એ આપણને હંમેશ માટે સત્યના પરમેશ્વરની સ્તુતિ કરવા દોરી જશે. શું એના કરતાં કોઈ બીજી મૂલ્યવાન બાબત હોય શકે?​—⁠યોહાન ૧૭:⁠૩.

આપણે શું શીખ્યા?

• શા માટે ઘણા લોકો સત્ય સ્વીકારતા નથી?

• ખ્રિસ્તીઓએ શેતાનના જગતની બાબતોને કઈ રીતે જોવી જોઈએ?

• સભાઓ પ્રત્યેનું આપણું વલણ કેવું હોવું જોઈએ અને શા માટે?

• આપણી પોતાની આત્મિકતા જાળવી રાખવી હોય તો, આપણી કઈ ફરજ છે?

[Questions]

[નકશા/પાન ૧૮ પર ચિત્ર]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

મોટો સમુદ્ર

શારોનનું મેદાન

કાઈસારીઆ

જોપ્પા

લુદા

યરૂશાલેમ

[ચિત્ર]

પીતર પરમેશ્વરના માર્ગદર્શન પ્રમાણે ચાલ્યા અને અણધાર્યા આશીર્વાદો મેળવ્યા

[ક્રેડીટ લાઈન]

નકશો:Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.

[પાન ૧૩ પર ચિત્ર]

ઈસુએ સત્ય વિષે સાક્ષી આપી

[પાન ૧૫ પર ચિત્ર]

શારીરિક ખોરાકની જેમ, આત્મિક ખોરાક પણ આપણા ભલા માટે ખૂબ મહત્ત્વનો છે