સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાલ્ડૅન્સીસ કૅથલિક વિરોધી પ્રોટેસ્ટંટ

વાલ્ડૅન્સીસ કૅથલિક વિરોધી પ્રોટેસ્ટંટ

વાલ્ડૅન્સીસ કૅથલિક વિરોધી પ્રોટેસ્ટંટ

દક્ષિણ ફ્રાંસના પ્રૉવૉંશ પ્રદેશમાં લુબ્રૉન આવેલું છે. ત્યાં ૧૫૪૫માં કૅથલિક ધર્મ વિરોધી પંથોનો વિનાશ કરવા મોટી સેના એકઠી કરવામાં આવી હતી. એ અઠવાડિયામાં કત્લેઆમ થઈ હતી.

ગામડાંઓ ધૂળ ભેગા થઈ ગયાં અને એના રહેવાસીઓ માર્યાં ગયા અથવા કેદ કરવામાં આવ્યા. સૈનિકોએ ક્રૂર કતલ કરી હોવાથી યુરોપ ધ્રૂજી ઊઠ્યું. લગભગ ૨,૭૦૦ પુરુષોના મોત થયા અને ૬૦૦ને વહાણમાં કેદીઓ તરીકે કામ કરવા મોકલવામાં આવ્યા. સ્ત્રીઓ તથા બાળકોએ જે દુઃખ સહ્યું એની તો વાત જ બાજુએ રહી. પોપ અને ફ્રેન્ચ રાજાએ, આ ક્રૂર કતલ કરનાર લશ્કરના સેનાપતિના વખાણ કર્યા.

જર્મનીમાં ધર્મ સુધારકોના કારણે ભાગલા પડી રહ્યા હતા. એથી કૅથલિક ધર્મ પાળતો ફ્રાંસનો રાજા ફ્રાંસિસ પહેલો ગભરાયો. પોતાના રાજ્યમાં પણ એમ ન થાય માટે તેણે કહેવાતા પંથો વિષે તપાસ કરાવી. પ્રૉવૉંશના અધિકારીઓને ફક્ત થોડાંક જ લોકો નહિ, પણ આખા ગામો મળી આવ્યા જેઓ કૅથલિક ધર્મ પાળતા ન હતા. તેથી, એ પંથોનું નામનિશાન મિટાવવા નિયમ બહાર પાડવામાં આવ્યો, અને ૧૫૪૫માં કત્લેઆમ કરવામાં આવી.

તો પછી, કૅથલિક વિરોધી કોણ હતું? શા માટે કૅથલિક ધર્મ તેઓ પર આક્રમણ કરતો હતો?

અમીરમાંથી ગરીબી

જે પંથની કત્લેઆમ કરવામાં આવી, તેઓની શરૂઆત બારમી સદીમાં થઈ હતી અને યુરોપના ઘણા ભાગોમાં તેઓ ફેલાયા હતા. અમુક સદીઓ સુધી જે રીતે તેઓ ફેલાયા અને ટકી રહ્યા એ ધાર્મિક પંથના ઇતિહાસમાં અજોડ છે. તેમ જ મોટા ભાગના ઇતિહાસકારો માને છે કે એની શરૂઆત લગભગ ૧૧૭૦માં થઈ હતી. ફ્રાંસના લીઓન શહેરમાં એક ધનવાન વેપારી હતો, જેનું નામ વૉડ્‌સ હતું. તે પરમેશ્વરને પ્રસન્‍ન થવા ખૂબ આતુર હતો. ઈસુએ એક ધનવાન માણસને કહ્યું હતું કે તારી મિલકત વેચીને જે છે તે ગરીબોને આપી દે. એ પ્રમાણે વૉડ્‌સ પોતાના કુટુંબ માટે પૈસાની વ્યવસ્થા કરીને, પોતાનો ધંધો છોડી અને બાઇબલનો પ્રચાર કરવા લાગ્યો. (માત્થી ૧૯:૧૬-૨૨) લોકો ઝડપથી તેના અનુયાયી બન્યા અને પછીથી તેઓ વાલ્ડૅન્સીસ તરીકે ઓળખાવા લાગ્યા. *

વૉડ્‌સ માટે સાદું જીવન, પ્રચાર કાર્ય અને બાઇબલ ખૂબ જ મહત્ત્વના હતા. ઘણાએ ફરિયાદ કરી હતી કે પાદરીઓ એશઆરામમાં જીવે છે. અરે, અમુક પાદરીઓ પણ ફરિયાદ કરતા કે ચર્ચ ભ્રષ્ટ છે અને એ સત્તાનો દુરુપયોગ કરે છે. પરંતુ, વૉડ્‌સ તથા તેના મોટા ભાગના અનુયાયીઓ સામાન્ય જ હતા. તેથી, આપણે સમજી શકીએ કે વૉડ્‌સ ઇચ્છતો હતો કે લોકોને તેઓની પોતાની ભાષામાં બાઇબલ મળે. ચર્ચે જે બાઇબલ લૅટિનમાં ભાષાંતર કર્યું હતું, એ ફક્ત પાદરીઓ જ વાંચી શકતા હતા. તેથી વૉડ્‌સે, માત્થી, માર્ક, લુક, યોહાન અને બાઇબલના બીજાં પુસ્તકો ફ્રાન્કો-પ્રોવેન્સલ ભાષામાં ભાષાંતર કરવાનું કામ સોંપ્યું. એ ભાષા ફ્રાંસના પૂર્વીય મધ્યભાગમાં * સામાન્ય લોકો સમજી શકતા હતા. ઈસુની આજ્ઞા માનીને ‘લીઓનના ગરીબો’ બધે જ પ્રચાર કરવા લાગ્યા. (માત્થી ૨૮:૧૯, ૨૦) ઇતિહાસકાર ગાબ્રીએલ ઑડીસીઑ સમજાવે છે કે વાલ્ડૅન્સીસ લોકોનો ચર્ચે વિરોધ કર્યો, કારણ કે તેઓ ઉત્સાહથી પ્રચાર કરતા હતા.

કૅથલિકમાંથી વિરોધી બન્યો

એ દિવસોમાં ફક્ત પાદરીઓને જ પ્રચાર કરવાનો હક્ક હતો. પાદરીઓ એવું માનતા કે વાલ્ડૅન્સીસ લોકો અજ્ઞાની અને અભણ છે. પરંતુ, ૧૧૭૯માં પોપ એલેક્ઝાંડર ત્રીજા પાસેથી વાલ્ડૅન્સીસે પ્રચાર કરવાનો હક્ક મેળવ્યો હતો, જો આસપાસના પાદરીઓને વાંધો ન હોય તો. ઇતિહાસકાર માલ્કમ લેમ્બર્ટ કહે છે કે એ “જવાબ ના બરાબર જ હતો.” હકીકતમાં આર્ચબિશપ જિન બેલીસમેન્ઝે સામાન્ય લોકોને પ્રચાર કરવાની મના કરી હતી. ત્યારે વૉડ્‌સે બાઇબલમાંથી પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯ના શબ્દો ટાંક્યા: “માણસોના કરતાં દેવનું અમારે વધારે માનવું જોઈએ.” વૉડ્‌સે તેઓનું કહ્યું ન કર્યું, તેથી તેને ૧૧૮૪માં કૅથલિક ધર્મમાંથી કાઢી મૂકવામાં આવ્યો.

જોકે વાલ્ડૅન્સીસ લોકોને ચર્ચ અને શહેરમાંથી કાઢી મૂકવામાં આવ્યા છતાં, એવું લાગે છે કે એ ફક્ત દેખાવ પૂરતુ જ હતું. ઘણા લોકો વાલ્ડૅન્સીસ લોકોની પ્રશંસા કરતા, કારણ કે તેઓ સદાચારી અને પ્રમાણિક હતા. અરે, બિશપો પણ તેઓની સાથે વ્યવહાર રાખતા.

ઇતિહાસકાર ઉન કૅમરોનના કહ્યા પ્રમાણે, એવું લાગે છે કે વાલ્ડૅન્સીસ પ્રચારકોએ “કારણ વગર કૅથલિક ધર્મનો વિરોધ કર્યો ન હતો.” તેઓને ફક્ત “બાઇબલનો પ્રચાર કરવાનો અને શીખવવાનો હક્ક જોઈતો હતો.” ઇતિહાસકારોનું કહેવું છે કે ધીમે ધીમે તેઓ પર જુલમ કરવામાં આવ્યો એથી તેઓ કૅથલિક ધર્મના વિરોધીઓ બન્યા હતા. કૅથલિક ધર્મ તેઓને એટલો ધિક્કારવા લાગ્યો કે તેઓની ચોથી લાટ્રાન ન્યાયી કમિટિએ ૧૨૧૫માં વાલ્ડૅન્સીસના લોકોને ધર્મમાંથી કાઢી મૂકયા. તેથી, તેઓના પ્રચાર કાર્ય પર કેવી અસર થઈ?

છૂપી રીતે પ્રચાર કાર્ય

લગભગ ૧૨૦૫-૭ના સમયગાળામાં વૉડ્‌સ ગુજરી ગયો. પછી સતાવણીના લીધે તેના અનુયાયીઓ ફ્રેન્ચ આલપ્સ ખીણમાં, જર્મની, ઉત્તર ઇટાલી અને મધ્ય યુરોપના વિસ્તારોમાં ફેલાઈ ગયા. સતાવણીના કારણે વાલ્ડૅન્સીસ લોકો ગામડામાં રહેવા લાગ્યા, તેથી તેઓનું પ્રચાર કાર્ય મર્યાદિત હતું.

વર્ષ ૧૨૨૯માં દક્ષિણ ફ્રાંસમાં કૅથલિક ધર્મે કેથરાઈ અથવા આલ્બીજેન્સીયન સાથે ધર્મયુદ્ધ પૂરું કર્યું. * પછી તેઓ વાલ્ડૅન્સીસ પર એ જ પગલા લેવા માંડ્યા. એટલું જ નહિ, પરંતુ જેઓ કૅથલિક ચર્ચ વિરુદ્ધ હતા તેઓને પણ ઈન્ક્વીઝીશનમાં ક્રૂર રીતે મારી નાખવા લાગ્યા. તેથી, વાલ્ડૅન્સીસ લોકો ગભરાયા અને છાની છૂપી રીતે પ્રચાર કરતા. વર્ષ ૧૨૩૦ સુધીમાં તેઓએ ખુલ્લી રીતે પ્રચાર કાર્ય બંધ કર્યું. ઑડીશીઑ સમજાવે છે: “નવા શિષ્યો શોધવાને બદલે . . . પોતાના અનુયાયીઓને જ તેઓ મદદ આપતા, જેથી બહારના દબાણ અને સતાવણીનો દૃઢ વિશ્વાસથી સામનો કરી શકે.” તે કહે છે કે “પ્રચાર કરવું તેઓ માટે જરૂરી હતું, પરંતુ સંજોગોના કારણે બધું બદલાઈ ગયું હતું.”

તેઓની માન્યતા અને રિવાજ

વાલ્ડૅન્સીસના બધા જ શિષ્યો પ્રચાર કરતા ન હતા. ચૌદમી સદી સુધી તેઓ પ્રચારકો અને સભ્યો વચ્ચે તફાવત રાખતા હતા. ફક્ત તાલીમ પામેલા પુરુષો જ પાળકો તરીકે સેવા આપી શકતા. સમય જતાં આ પ્રવાસી પાદરીઓ બાર્બ્સ (કાકા) તરીકે ઓળખાવા લાગ્યા.

બાર્બ્સ, પોતાનો ધર્મ ફેલાવવા નહિ, પણ બીજા વાલ્ડૅન્સીસ શિષ્યોને ઘરે મળવા જતા, જેથી તેઓ વિશ્વાસમાં દૃઢ રહી શકે. દરેક બાર્બ્સ ભણેલા હતા અને છ વર્ષ સુધી તેઓએ બાઇબલનું શિક્ષણ લીધેલું હતું. તેથી તેઓ સારી રીતે કેળવાયેલા હતા. તેઓ લોકોને પોતાની ભાષામાં બાઇબલ વાંચી સમજાવતા હતા. અરે, તેઓના દુશ્મનોએ પણ સ્વીકારવું પડ્યું કે વાલ્ડૅન્સીસ તેમ જ તેઓનાં બાળકો બાઇબલ વિષે ઘણું જાણતા હતા, અને તેઓને ઘણી કલમો મોઢે હતી.

એ ઉપરાંત, શરૂઆતના વાલ્ડૅન્સીસ લોકો કદી જૂઠું ન બોલતા, પાપમાંથી મુકિત માટે પોપ પાસેથી માફીપત્ર લેવા ન જતા. તેમ જ મરિયમ, “સંતો,” નરક અને મૂએલાં માટેની કૅથલિક વિધિમાં પણ માનતા ન હતા. પરંતુ, તેઓ વર્ષમાં એક વાર પ્રભુનું સાંજનું ભોજન ઉજવતા. લેમ્બર્ટના કહ્યા પ્રમાણે “સામાન્ય લોકોનો ધર્મ એ જ તેઓનો ધર્મ હતો.”

“ઢોંગી જીવન”

વાલ્ડૅન્સીસના સભ્યો કુટુંબ તરીકે જીવતા અને પોતાના સમાજમાં જ લગ્‍ન કરતા. તેથી, અમુક સદીઓ પછી વાલ્ડૅન્સીઅન અટક ચાલુ થઈ. સતાવણી નીવારવા તેઓ પોતાના વિચારો બીજાને જણાવતા નહિ. તેઓ પોતાનો ધાર્મિક રિવાજો છૂપી રીતે પાળતા. તેથી તેઓના દુશ્મનો તેઓ પર મન ફાવે તેવા આરોપ મૂકતા, જેમ કે તેઓ શેતાનને ભજે છે. *

ઇતિહાસકાર કેમૉરોન કહે છે કે વાલ્ડૅન્સીસના લોકો ખોટા આરોપો દૂર કરવાના પ્રયત્નમાં “અમુક પ્રમાણમાં” તડજોડ કરીને કૅથલિક ધર્મમાં જોડાવા લાગ્યા. તેઓમાંના ઘણા કૅથલિક પાદરીઓ પાસે પોતાની ભૂલ કબૂલીને, ચર્ચની વિધિમાં ભાગ લેવા માંડ્યા અને યાત્રાએ પણ જવા લાગ્યા. લેમ્બર્ટ નોંધે છે: “તેઓ કૅથલિક લોકોની જેમ જ રહેવા લાગ્યા.” ઑડીસીઓ ચોખ્ખા શબ્દોમાં કહે છે કે વાલ્ડૅન્સીસના લોકો “ઢોંગીલા હતા.” તે ઉમેરે છે: “એક તરફ દરેક રીતે તેઓ કૅથલિકોની જેમ રહેતા જેથી તેઓની સતાવણી ન થાય; અને બીજી તરફ પોતાની સંસ્કૃતિનો નાશ ન થાય એ માટે પોતાના રિવાજો પ્રમાણે કરતા.”

કૅથલિક વિરોધી પ્રોટેસ્ટંટ

ધર્મ સુધારકોના કારણે યુરોપનું રૂપ બદલાઈ ગયું. સતાવણીનો ભોગ બનેલા પંથો પોતાના દેશમાં કાયદેસર હક્ક માગી શકતા. અમુક લોકો વધુ છૂટ આપતા દેશોમાં જવા લાગ્યા. ઘણા લોકો સદીઓથી ચાલતા આવતા ધર્મો સામે બોલવા લાગ્યા, એથી હવે કોઈ પણ પંથના સભ્ય બનવું એ ગુનો ન હતો.

ધર્મ સુધારક માર્ટિન લ્યુથરે ૧૫૨૩માં વાલ્ડૅન્સીસનો ઉલ્લેખ કર્યો હતો. એક વાલ્ડૅન્સીઅન બાર્બ્સ પાદરીએ ૧૫૨૬માં આલપ્સ ખીણમાં લોકોને સંદેશો આપ્યો કે યુરોપના ધર્મોમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે. ત્યાર પછી, વાલ્ડૅન્સીસ અને પ્રોટેસ્ટંટ લોકો પોતાના વિચારોનો આપ-લે કરવા લાગ્યા. મૂળ બાઇબલમાંથી ફ્રેન્ચમાં ભાષાંતર કરવા માટે પ્રોટેસ્ટંટ ધર્મે વાલ્ડૅન્સીસ લોકોને પૈસાની વિનંતી કરી. વર્ષ ૧૫૩૫માં બાઇબલ છાપવામાં આવ્યું જે ઑલીવેટાન નામથી ઓળખાતું હતું. પરંતુ, જોવાની વાત એ છે કે મોટા ભાગના વાલ્ડૅન્સીસ લોકો ફ્રેન્ચ સમજતા ન હતા.

કૅથલિક ધર્મની સતાવણીના કારણે મોટા ભાગના વાલ્ડૅન્સીસ, પ્રોટેસ્ટંટ લોકોની જેમ દક્ષિણ ફ્રાંસના પ્રૉવૉંશમાં રહેવા ગયા. હરેક સ્થળે કૅથલિક ધર્મે તેઓ વિષે અધિકારીઓને ચેતવ્યા હતા. જો કે વાલ્ડૅન્સીસ લોકોના નૈતિક જીવન અને જીવન-ઢબ વિષે ઘણી સારી છાપ હતી. તેમ છતાં, ઘણા લોકોએ તેઓનો ભરોસો ન કર્યો અને તેઓ પર ખોટા આરોપ મૂક્યા. આ લેખની શરૂઆતમાં જણાવ્યું એમ મેરંડૉલ ગામ વિરુદ્ધ ફેસલો કરવામાં આવ્યો ત્યારે એના રહેવાસીઓની કત્લેઆમ કરવામાં આવી.

કૅથલિક ધર્મ અને વાલ્ડૅન્સીસના સભ્યો વચ્ચેનો સંબંધ બગડતો રહ્યો. પોતાના રક્ષણ માટે વાલ્ડૅન્સીસ લોકોએ પોતાનું લશ્કર ઊભું કર્યું. એમ કરવા તેઓ પ્રોટેસ્ટંટ પ્રજા સાથે જોડાયા. સમય જતાં, તેઓએ પ્રોટેસ્ટંટ ધર્મ અપનાવી લીધો.

સદીઓ પછી વાલ્ડૅન્સીઅન ચર્ચો ફક્ત ફ્રાંસમાં જ નહિ, પરંતુ ઉરુગ્વે અને યુનાઈટેડ સ્ટેટ્‌સમાં પણ જોવામાં આવ્યાં. પછી, ઑડીસીઓ પ્રમાણે, “ધર્મ સુધારકો આવ્યા ત્યારે વાલ્ડૅન્સીઅનનો અંત આવ્યો,” અને ત્યારે પ્રોટેસ્ટંટ ધર્મ તેઓને “ગળી ગયો.” એ બાબત વિષે મોટા ભાગના ઇતિહાસકારો એક મતના છે. વાલ્ડૅન્સીસના સભ્યોએ પોતાનો શરૂઆતનો ઉત્સાહ ગુમાવી દીધો, જ્યારે તેઓએ ભયના કારણે બાઇબલનું શિક્ષણ આપવાનું છોડી દીધું.

[ફુટનોટ્‌સ]

^ વૉડ્‌સ નામનો અલગ અલગ રીતે ઉચ્ચાર કરવામાં આવે છે. જેમ કે વાડૅસ, વાલ્ડીઝઓઝ અથવા વાલ્ડૉ. પછી, વાલ્ડૉ પરથી “વાલ્ડૅન્સીસ” નામ પાડવામાં આવ્યું. તેમ જ વાલ્ડૅન્સીસ અથવા વાલ્ડૅન્સીઅન્સ, લીઓનના ગરીબો તરીકે ઓળખાતા.

^ ઉત્તર-પૂર્વ ફ્રાંસના બિશપ મૅટ્‌સે પોપ ઇનોસન્ટ ત્રીજાને ફરિયાદ કરી કે અમુક લોકો પોતાની ભાષામાં બાઇબલ વાંચીને ચર્ચા કરે છે. એના પરથી એવું લાગે છે કે બિશપ મૅટ્‌સે વાલ્ડૅન્સીસ વિષે વાત કરી રહ્યો હતો.

^ “કેથરાઈ શું તેઓ ખ્રિસ્તી શહીદો હતા?” સપ્ટેમ્બર ૧, ૧૯૯૫, ચોકીબુરજના પાન ૨૭-૩૦ જુઓ.

^ વાલ્ડૅન્સીસની બદનામી થતી ગઈ તેમ તેઓને (ફ્રેન્ચ શબ્દ વૉડવામાંથી) વૉડેરી કહેવામાં આવતા. એનો અર્થ થાય કે ચર્ચના વિરોધી અથવા શેતાનના ભક્તો.

[નકશા/પાન ૨૩ પર ચિત્ર]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

વાલ્ડૅન્સીસનો ફેલાવો

ફ્રાન્સ

પ્રૉવૉંશ

લીઓન્સ

સ્ટ્રાસબોર્ગ

મિલાન

બર્લિન

પ્રાગ

વિયેના

રોમ

લુબ્રોન

[ચિત્ર]

વાલ્ડૅન્સીસે ૧૫૩૫માં ઑલીવેટાન બાઇબલ ભાષાંતર કરવા પૈસા આપ્યા

[ક્રેડીટ લાઈન]

બાઇબલ:© Cliché Bibliothèque nationale de France, Paris

[ચિત્રો on page 20, 21]

વૉડ્‌સ

બે વૃદ્ધ વાલ્ડૅન્સીઅન સ્ત્રીઓને બાળવામાં આવી

[ક્રેડીટ લાઈન]

પાન ૨૦ અને ૨૧:© Landesbildstelle Baden, Karlsruhe