સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શબમાં સુગંધી દ્રવ્યો ભરવા યોગ્ય છે?

શબમાં સુગંધી દ્રવ્યો ભરવા યોગ્ય છે?

શબમાં સુગંધી દ્રવ્યો ભરવા યોગ્ય છે?

યાકૂબની મરવાની ઘડી નજીક આવતા, તેણે પોતાની અંતિમ ઇચ્છા જણાવી: ‘એફ્રોન હિત્તીના ખેતરમાંની ગુફામાં મારા પિતૃઓની પાસે, એટલે કનાન દેશમાં મામરેની સામેના માખ્પેલાહના ખેતરમાં જે ગુફા એફ્રોન હિત્તીના ખેતરમાં મને દાટજો.’​—⁠ઉત્પત્તિ ૪૯:૨૯-૩૧.

યુસફે પોતાની ઇચ્છા પૂરી કરવા, એ સમયે ઇજિપ્તમાં જે રિવાજ હતો એનો લાભ લીધો. તેણે “તેના દાસમાંના જે વૈદો હતા તેઓને પોતાના પિતાના દેહમાં સુગંધી ભરવાની આજ્ઞા આપી.” ઉત્પત્તિના પચાસમા અધ્યાય પ્રમાણે, વૈદોએ રિવાજ પ્રમાણે ૪૦ દિવસ લઈને શબમાં સુગંધી દ્રવ્યો ભરીને તૈયાર કર્યું. યાકૂબના શબને એ રીતે તૈયાર કરવાથી, તેઓ લાંબી મુસાફરી કરી શક્યા. તેમ જ, કુટુંબના સભ્યો અને ઇજિપ્તના અધિકારીઓ સાથે એ ધીમી મુસાફરી કરીને, ૪૦૦ કિલોમીટર દૂર હેબ્રોનમાં યાકૂબનું શબ દાટવા માટે લઈ જઈ શક્યા.​—⁠ઉત્પત્તિ ૫૦:૧-૧૪.

શું કદી યાકૂબનો સુગંધી દ્રવ્યોથી ભરેલો દેહ મળી આવશે? એ શક્ય લાગતું નથી. ઈસ્રાએલના વિસ્તારમાં પાણીની કોઈ અછત ન હતી. તેથી, એવી કોઈ જૂની બાબતો મળી આવવી મુશ્કેલ છે. (નિર્ગમન ૩:૮) પ્રાચીન કાળની ધાતુ અને પથ્થરોની ચીજ-વસ્તુઓ મળી આવે છે. પણ નાજુક વસ્તુઓ જેમ કે કપડાં, ચામડું, અથવા સુગંધી દ્રવ્યોથી ભરેલા શબો ભેજને કારણે લાંબા સમય સુધી ટકતા નથી.

જો કે શબમાં સુગંધી દ્રવ્યો ભરવાનો શું અર્થ છે? એમ શા માટે કરવામાં આવે છે અને શું ખ્રિસ્તીઓ એ રિવાજ પાળી શકે?

રિવાજની શરૂઆત

ઇતિહાસકારો સહમત થાય છે કે એ રિવાજ ઇજિપ્તમાંથી શરૂ થયો. પરંતુ, એ રિવાજ પ્રાચીન આશ્શૂરીઓ, ઈરાનીઓ અને સીથીઅનો પણ પાળતા હતા. શક્ય છે કે રણની રેતીમાં દાટવામાં આવેલા મુડદાં મળી આવ્યા, જે કુદરતી રીતે સચવાયા હતા, એ પછી મૃતદેહોમાં સુગંધી દ્રવ્યો ભરવાના વિચારો અને પ્રયોગોની શરૂઆત થઈ હોય શકે. એ રીતે દેહને રેતીમાં દાટવામાં આવ્યો હોવાથી, ભેજ અને હવા શબ સુધી પહોંચી શકે નહિ અને એની સડવાની પ્રક્રિયા ધીમી પડી જાય. અમુક એમ પણ કહે છે કે ઇજિપ્તમાં મળી આવતા ખાર કે ક્ષારમાં (સોડિયમ કાર્બોનેટમાં) સાચવી રાખેલા મૃતદેહો મળી આવ્યા પછી, દેહમાં સુગંધી દ્રવ્યો ભરવાનું ચાલુ થયું.

શબમાં સુગંધી દ્રવ્યો ભરીને રાખવાનો હેતુ એ છે કે મરણ થયા પછી, તરત જ શરીર પર બૅક્ટીરિયા પોતાનું કામ ચાલુ કરી દે છે, એમાં રૂકાવટ આવે. જો એ બૅક્ટીરિયાનો હુમલો કોઈ રીતે રોકવામાં આવે, તો શરીરનું કોહવાણ ન થાય, અથવા એમ થવાની પ્રક્રિયા ધીમી પડી જાય. મૃતદેહમાં સુગંધી દ્રવ્યો ભરવાના ત્રણ કારણો છે: દેહને જીવંત લાગે એવી સ્થિતિમાં રાખવો, સડો અટકાવવો અને એને એવી રીતે રાખવો કે જંતુ શબને ખાઈ ન શકે.

પ્રાચીન ઇજિપ્તના લોકો ધાર્મિક કારણોસર પોતાના મૂએલાંના દેહમાં સુગંધી દ્રવ્યો ભરતા. મરણ પછી જગત સાથે સંપર્કમાં રહેવાની તેઓની ઇચ્છા હતી. તેઓની માનતા એવી હતી કે તેઓનાં શરીર કાયમ માટે રહેશે અને તેઓને ફરીથી જીવન મળશે. એ ખરું છે કે ઇજિપ્તમાં શબમાં સુગંધી દ્રવ્યો ભરવાનું બહુ સામાન્ય હતું. તેમ છતાં આજ સુધી એનો એવો કોઈ અહેવાલ મળ્યો નથી, જે જણાવતો હોય કે એ કેવી રીતે કરવામાં આવતું. એ વિષે સૌથી સારો અહેવાલ પાંચમી સદી બી.સી.ઈ.ના ગ્રીક ઇતિહાસકાર હેરોડોટસનો છે. જો કે એમ જાણવામાં આવ્યું છે કે તેના કહ્યા પ્રમાણે કર્યા છતાં, જોઈએ એવી સફળતા મળી નથી.

શું એ ખ્રિસ્તીઓ માટે છે?

જેઓએ યાકૂબના શબમાં સુગંધી દ્રવ્યો ભર્યા હતા, તેઓની માન્યતા અલગ હતી. તોપણ, યુસફે પોતાના પિતાનો મૃતદેહ વૈદોને આપ્યો ત્યારે, તેણે એમ કહ્યું ન હોય શકે કે એ સમયના ઇજિપ્તમાં દેહમાં સુગંધી દ્રવ્યો ભરતી વખતે જે પ્રાર્થનાઓ અને વિધિઓ થતી એ પણ કરવી. યાકૂબ અને યુસફ બંને યહોવાહના સાચા ભક્તો હતા. (હેબ્રી ૧૧:૨૧, ૨૨) ખરું કે યહોવાહે આજ્ઞા કરી ન હતી છતાં, યાકૂબના શરીરને સાચવવાને વિષે બાઇબલમાં કોઈ નારાજગી વ્યક્ત કરવામાં આવી નથી. તેમ જ, યાકૂબના શરીરમાં સુગંધી દ્રવ્યો ભરવાનો પ્રસંગ ઈસ્રાએલ માટે કે ખ્રિસ્તી મંડળ માટે કોઈ નવો રિવાજ ચાલુ કરતો નથી. હકીકતમાં, બાઇબલ આ વિષે કોઈ ચોક્કસ નિયમો આપતું નથી. યુસફ મરણ પામ્યા પછી, ઇજિપ્તમાં એના દેહમાં પણ સુગંધી દ્રવ્યો ભરવામાં આવ્યા હતા. પરંતુ, એ પછી શાસ્ત્રવચનોમાં આ વિષે કંઈ જ જણાવવામાં આવતું નથી.​—⁠ઉત્પત્તિ ૫૦:⁠૨૬.

પેલેસ્તાઈનમાં મળી આવતી કબરોમાંના માનવ શરીરોની હાલત બતાવે છે કે મૃતદેહમાં સુગંધી દ્રવ્યો ભરવાનો, ખાસ કરીને લાંબા સમય માટે દેહને સાચવવાનો હેબ્રી લોકોનો રિવાજ ન હતો. દાખલા તરીકે, લાજરસના દેહમાં સુગંધી દ્રવ્યો ભરવામાં આવ્યા ન હતા. ભલે તેમને કપડાંમાં વીંટાળવામાં આવ્યા હતા, પણ કબર પરનો પથ્થર ખસેડવા જણાવાયું ત્યારે, લોકો ચિંતા કરવા લાગ્યા. લાજરસ ચાર દિવસથી મરણ પામ્યો હોવાથી, તેની બહેનને ચિંતા હતી કે કબર ખોલવાથી તેના શરીરની ગંધ આવશે.​—⁠યોહાન ૧૧:૩૮-૪૪.

શું ઈસુના મરણ પછી, તેમના શરીરમાં સુગંધી દ્રવ્યો ભરવામાં આવ્યા હતા? બાઇબલ એમ જણાવતું નથી. એ સમયે યહુદી રિવાજ એવો હતો કે શબને કબરમાં મૂક્યા પહેલાં, સુગંધી દ્રવ્યો અને અત્તરથી તૈયાર કરવામાં આવતું. દાખલા તરીકે, એમ કરવા નીકોદેમસે પુષ્કળ સુગંધી દ્રવ્યો આપ્યા. (યોહાન ૧૯:૩૮-૪૨) આપણે એમ માની લેવાની જરૂર નથી કે એ ઈસુનું શરીર સાચવી રાખવા માટે હતા. એમ કરવાનું કારણ એ હોય શકે કે તે ઈસુને દિલથી ચાહતો અને આદર આપતો હતો.

શું શબમાં સુગંધી દ્રવ્યો ભરવા સામે ખ્રિસ્તીઓએ વાંધો ઉઠાવવો જોઈએ? હકીકત જોઈએ તો, મૃતદેહને આખરે જે થવાનું છે એ પ્રક્રિયા ધીમી પાડવા એમ કરવામાં આવે છે. આપણે ધૂળમાંથી આવ્યા છીએ અને એમાં જ પાછા મળી જઈશું. (ઉત્પત્તિ ૩:૧૯) પરંતુ, વ્યક્તિ મરણ પામે પછી, અંતિમ સંસ્કાર માટે દેહને કેટલો સમય રાખી શકાય? જો કુટુંબીજનો કે મિત્રો દૂરથી આવવાના હોય અને અવસાન પામેલા પ્રિયજનને જોવા ચાહતા હોય, તો મૃતદેહને સાચવવા અમુક હદે તો સુગંધી દ્રવ્યોનો ઉપયોગ કરવો પડશે.

તેથી, બાઇબલની નજરે જોતાં, જો મૃતદેહમાં સુગંધી દ્રવ્યો ભરવા પડે એવા સંજોગ ઊભા થાય, અથવા કુટુંબના સભ્યો એમ કરવા ચાહે, તો ચિંતા કરવાની જરૂર નથી. “મૂએલા કંઈ જાણતા નથી.” (સભાશિક્ષક ૯:૫) તેઓ યહોવાહની કૃપા પામ્યા હશે તો, તેઓ જરૂર નવી દુનિયામાં સજીવન થશે.​—⁠અયૂબ ૧૪:૧૩-૧૫; પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫; ૨ પીતર ૩:⁠૧૩.

[પાન ૩૧ પર બોક્સ/ચિત્ર]

શબમાં સુગંધી દ્રવ્યો કઈ રીતે ભરવા?

પ્રાચીન ઇજિપ્તમાં શબમાં સુગંધી દ્રવ્યો કઈ રીતે ભરવા, એનો આધાર કુટુંબના સંજોગો પર હતો. ધનવાન કુટુંબે મોટે ભાગે નીચે જણાવેલી રીત પસંદ કરી હોત:

કોઈક ધાતુના સાધનથી મગજ નાકમાંથી કાઢી લેવાતું. પછી ખોપરીની યોગ્ય ઔષધિથી માવજત કરવામાં આવતી. બીજું પગલું એ હતું કે હૃદય અને મૂત્રપિંડો સિવાય શરીર અંદરના બધા જ અંગો કાઢી લેવા. બીજા અંગોને પહોંચવા પેટને કાપકૂટ કરવી પડતી, પણ એ પાપ ગણવામાં આવતું. તેથી, ઇજિપ્તમાં આ માથાકૂટ ટાળવા, શબમાં સુગંધી દ્રવ્ય ભરનારાઓ એક કાપકૂટ કરનાર વ્યક્તિને રાખતા. એ વ્યક્તિ પોતાનું કામ પતે એટલે નાસી છૂટતો, કેમ કે એ કામને ગુનો ગણવામાં આવતો, અને એ માટે શાપ આપવાની અને પથ્થરથી મારવાની સજા આપવામાં આવતી હતી.

એક વાર પેટમાંથી બધું કાઢી લીધા પછી, એની બરાબર સફાઈ કરવામાં આવતી. ઇતિહાસકાર હેરોડોટસે લખ્યું: “તેઓ ખાલી પેટમાં શુદ્ધ બોળ, તજ અને લોબાન સિવાય દરેક પ્રકારના સુગંધી દ્રવ્યો ભરતા. પછી તેને સીવી દેતા.”

પછી, મૃતદેહને ૭૦ દિવસ સુધી ખારમાં (સોડિયમ કાર્બોનેટમાં) રાખી બધો ભેજ શોષી લેવાતો. એ પછીથી, એ શબને ધોઈને ખાસ રીતે શણના કાપડમાં વીંટી દેવામાં આવતું. ત્યાર બાદ શણના કાપડ પર ગુંદર જેવું મિશ્રણ લગાડીને, એ ‘મમી’ અથવા સુગંધી દ્રવ્યો ભરેલા દેહને લાકડાના બૉક્સમાં રાખવામાં આવતું. એ બૉક્સ માનવ દેહના આકારનું હતું અને સુંદર રીતે શણગારવામાં આવતું.

આજે તો મૃતદેહમાં સુગંધી દ્રવ્યો ભરવાનું કામ થોડી વારમાં જ થઈ જાય છે. સામાન્ય રીતે એ નસો અને ધમનીઓમાં તથા છાતી અને પેટની ખાલી જગામાં સુગંધી દ્રવ્યોનું મિશ્રણ મૂકીને કરવામાં આવે છે. વર્ષો દરમિયાન જુદા જુદા પ્રકારના મિશ્રણો શોધી કાઢવામાં આવ્યા છે અને ઉપયોગમાં લેવાયા છે. જો કે એની કિંમત અને સલામતીને જોતાં, ફૉર્મલડિહાઇડ નામનું કોહવાણ રોકનારું જંતુવિનાશક રંગહીન ગૅસનું મિશ્રણ મોટે ભાગે ઉપયોગમાં લેવાય છે.

[ચિત્ર]

રાજા તુતાન્ખામેનની સોનાની શબપેટી