સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે ખ્રિસ્તને આગેવાન માનો છો?

શું તમે ખ્રિસ્તને આગેવાન માનો છો?

શું તમે ખ્રિસ્તને આગેવાન માનો છો?

“વળી, કોઈ તમને પ્રભુ ન કહે, કારણ, તમારે એકમાત્ર પ્રભુ એટલે ખ્રિસ્ત છે.”​—⁠માત્થી ૨૩:​૧૦, પ્રેમસંદેશ.

૧. સાચા ખ્રિસ્તીઓના એકમાત્ર આગેવાન કોણ છે?

 એ નીસાન ૧૧, મંગળવાર હતો. એના ત્રણ દિવસ પછી, ઈસુ ખ્રિસ્તને મારી નાખવામાં આવશે. આ છેલ્લી વાર તે મંદિરે જઈ રહ્યા હતા. આ દિવસે ઈસુએ ત્યાં ભેગા થયેલા લોકો અને પોતાના શિષ્યોને બહુ મહત્ત્વનો ઉપદેશ આપ્યો. તેમણે કહ્યું: “તમે પોતાને ગુરુ તરીકે ઓળખાવો નહિ. કારણ, તમે એકબીજાના ભાઈઓ છો અને તમારે ફક્ત એક જ ગુરુ છે. વળી, પૃથ્વી પર તમે કોઈને પિતા કહેશો નહિ. કારણ, આકાશમાં તમારે ફક્ત એક જ પિતા છે. વળી, કોઈ તમને પ્રભુ ન કહે, કારણ, તમારે એકમાત્ર પ્રભુ એટલે ખ્રિસ્ત છે.” (માત્થી ૨૩:૮-૧૦, પ્રેમસંદેશ) એના પરથી દેખીતું છે કે ઈસુ ખ્રિસ્ત સાચા ખ્રિસ્તીઓના આગેવાન છે.

૨, ૩. યહોવાહનું માનીશું અને ખ્રિસ્તની આગેવાની સ્વીકારીશું તો, એની આપણા પર કેવી અસર પડશે?

ઈસુની આગેવાની સ્વીકારવાથી આપણને કેવા આશીર્વાદ મળે છે? યહોવાહ પરમેશ્વરે આ આવનાર આગેવાન વિષે અગાઉથી જણાવ્યું હતું. તેમણે ઈશ્વરભક્ત યશાયાહ દ્વારા જાહેર કર્યું: “હે તૃષિત જનો, તમે સર્વ પાણીની પાસે આવો, જેની પાસે કંઈ પણ નાણું નથી તે તમે આવો; વેચાતું લો, અને ખાઓ; વળી આવીને નાણાં વિના તથા મૂલ્ય વિના દ્રાક્ષારસ તથા દૂધ વેચાતાં લો. . . . કાન દઈને મારૂં સાંભળો, અને સારૂં જ ખાઓ, ને સ્વાદિષ્ટ ભોજનથી તમારો જીવ સંતોષ પામે. . . . મેં તેને લોકોને સારૂ સાક્ષી, તેઓને સારૂ સરદાર તથા અધિકારી ઠરાવી આપ્યો છે.”​—⁠યશાયાહ ૫૫:૧-૪.

અહીં યશાયાહે પાણી, દૂધ અને દ્રાક્ષારસ જેવા પીણાંનો ઉપયોગ કર્યો છે, જે બતાવે છે કે દરેક પર એની ઊંડી અસર પડશે. એ ભવિષ્યવાણી શીખવે છે કે જો આપણે યહોવાહનું માનીશું અને તેમણે નીમેલા સરદારની આગેવાની હેઠળ ચાલીશું તો આપણા પર કેવી અસર થશે. એનાથી જેમ ઉનાળાના સખત તાપમાં, ઠંડું પાણી પીવાથી તાજગી મળે છે, તેમ જ સત્ય અને ન્યાયીપણા માટેની આપણી તરસ એનાથી છીપાશે. વળી, દૂધથી જેમ બાળકો તંદુરસ્ત બને છે અને મોટા થવા તેઓને મદદ મળે છે, તેમ ‘આત્મિક દૂધ’ આપણને દૃઢ કરે છે અને યહોવાહ સાથે ગાઢ સંબંધ કેળવવા મદદ કરે છે. (૧ પીતર ૨:૧-૩) આપણે જાણીએ છીએ કે દ્રાક્ષારસ ઉજવણીના પ્રસંગો વધારે આનંદી બનાવી શકે. એ જ રીતે, સાચા પરમેશ્વરની ભક્તિ કરવાથી અને આપણા આગેવાનના પગલે ચાલવાથી, આપણું જીવન ખુશીઓથી ભરાઈ જશે. (પુનર્નિયમ ૧૬:૧૫) તેથી, આપણે નાના-મોટા સર્વ એ રીતે જીવીએ, જે બતાવી આપે કે ખ્રિસ્ત આપણા આગેવાન છે. જો કે આપણે એમ કઈ રીતે કરી શકીએ?

યુવાનો, યહોવાહના માર્ગમાં પ્રગતિ કરો

૪. (ક) પાસ્ખાપર્વ વખતે ૧૨ વર્ષના ઈસુ કુટુંબ સાથે યરૂશાલેમ ગયા ત્યારે શું બન્યું? (ખ) ઈસુને ફક્ત ૧૨ વર્ષની ઉંમરે કેટલું જ્ઞાન હતું?

યુવાનો માટે આપણા આગેવાને જે ઉદાહરણ બેસાડ્યું, એનો વિચાર કરો. ખરું કે ઈસુના બાળપણ વિષે બહુ કહેવામાં આવ્યું નથી, છતાં એક પ્રસંગ ઘણું કહી જાય છે. ઈસુ ૧૨ વર્ષના હતા ત્યારે, દર વર્ષની જેમ તેમના માબાપ તેમને પાસ્ખા પર્વ માટે યરૂશાલેમ લઈ ગયા. આ સમયે ઈસુ શાસ્ત્રની ચર્ચામાં એટલા ઊંડા ઊતરી ગયા હતા કે તેમનું કુટુંબ ઘરે જવા નીકળી ગયું અને તે પાછળ રહી ગયા. ત્રણ દિવસ પછી, તેમના ગભરાયેલા માબાપ યુસફ અને મરિયમને તે મંદિરમાં મળી આવ્યા. ‘તે ધર્મગુરુઓની વચમાં બેઠેલા, તેઓનું સાંભળતા તથા તેઓને સવાલો પૂછતા’ દેખાયા. વળી, ‘જેઓએ તેમનું સાંભળ્યું તેઓ બધા તેમની બુદ્ધિથી તથા તેના ઉત્તરોથી વિસ્મિત થયા.’ જરા વિચારો, ફક્ત ૧૨ વર્ષની ઉંમરે ઈસુ શાસ્ત્રમાંથી ઊંડા પ્રશ્નો પૂછતા હતા. એટલું જ નહિ, પણ બુદ્ધિશાળી જવાબો પણ આપતા હતા! ખરેખર, તેમના માબાપે તેમને સુંદર કેળવણી આપી હતી.​—⁠લુક ૨:૪૧-૫૦.

૫. કુટુંબના બાઇબલ અભ્યાસ વિષે યુવાનો કઈ રીતે પોતાનું વલણ ચકાસી શકે?

તમે પોતે એક યુવાન હોય શકો. તમારા માબાપ યહોવાહના માર્ગમાં ચાલનારા હોય તો, તમારા કુટુંબનો નિયમિત બાઇબલ અભ્યાસ હશે. એ વિષે તમને કેવું લાગે છે? એ જાણવા માટે તમે પોતાને આ પ્રશ્નો પૂછી શકો: ‘મારા કુટુંબ સાથે બાઇબલ અભ્યાસ કરવામાં મને આનંદ આવે છે? કે પછી એ સમયે બીજું કંઈ ગોઠવીને હું બહાના કાઢું છું?’ (ફિલિપી ૩:૧૬) ‘શું મને એમાં મઝા આવે છે? જે શીખી રહ્યો છું એ સમજવા માટે હું પ્રશ્નો પૂછું છું? અને એ પ્રમાણે પગલાં ભરવા માટે સૂચનો આપું છું? પ્રગતિ કરું તેમ, શું હું યહોવાહ વિષે ઊંડી વાતો શીખવાની હોંશ રાખું છું?’​—⁠હેબ્રી ૫:૧૩, ૧૪.

૬, ૭. યુવાનોને દરરોજ બાઇબલ વાંચવાથી કેવી મદદ મળી શકે?

દરરોજ બાઇબલ વાંચવું, એ પણ ખૂબ જ મહત્ત્વનું છે. ગીતશાસ્ત્રના લેખકે લખ્યું: “જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, . . . તેને ધન્ય છે! પણ યહોવાહના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે; અને રાતદિવસ તે તેના નિયમશાસ્ત્રનું મનન કરે છે.” (ગીતશાસ્ત્ર ૧:૧, ૨) મુસા પછી આવનાર, યહોશુઆ ‘નિયમશાસ્ત્રનું દિવસે તથા રાત્રે મનન કરતા’ હતા. એ રીતે તેમને યહોવાહને માર્ગે ચાલવા અને તેમણે આપેલી જવાબદારી ઉપાડવા મદદ મળી. (યહોશુઆ ૧:૮) આપણા આગેવાન ઈસુ ખ્રિસ્તે કહ્યું: “એમ લખેલું છે, કે માણસ એકલી રોટલીથી નહિ, પણ હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે તેથી જીવશે.” (માત્થી ૪:૪) જીવવા માટે દરરોજ ભોજન લેવું જરૂરી છે તો, યહોવાહના વચનો નિયમિત લેવાની કેટલી વધારે જરૂર છે!

નિકોલ નામની ૧૩ વર્ષની છોકરીએ એ જરૂરિયાત જોતાં, દરરોજ બાઇબલ વાંચન શરૂ કર્યું. * હવે તે ૧૬ વર્ષની છે અને તેણે આખું બાઇબલ એક વાર વાંચી લીધું છે. તેમ જ, બીજી વાર લગભગ અડધે પહોંચી ગઈ છે. તેની વાંચવાની રીત એકદમ સાદી છે. તે કહે છે કે “મેં નિર્ણય કર્યો કે દરરોજ મારે એક અધ્યાય જરૂર વાંચવો.” દરરોજ બાઇબલ વાંચવાથી તેને કઈ મદદ મળી? તે જવાબ આપે છે: “જ્યાં જુઓ ત્યાં ખરાબ બાબતો છે. રોજ સ્કૂલે અને બીજે મારી માન્યતાને કારણે મારે સહેવું પડે છે. એ સમયે, દરરોજના બાઇબલ વાંચનમાંથી મને કોઈ કલમ યાદ આવે છે, જે સહન કરવા મને ઉત્તેજન આપે છે. આમ, હું અનુભવું છું કે જાણે યહોવાહ અને ઈસુ મારી સાથે જ છે.”

૮. સભાસ્થાનમાં જવાની ઈસુની કેવી ટેવ હતી અને યુવાનો કઈ રીતે તેમને અનુસરી શકે?

ઈસુ કાયમ સભાસ્થાનમાં શાસ્ત્ર સાંભળવા અને વાંચવા જતા હતા. (લુક ૪:૧૬; પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૧) આજે યુવાનો પણ ઈસુને પગલે ચાલીને, ખ્રિસ્તી સભાઓમાં નિયમિત જાય એ કેટલું મહત્ત્વનું છે, જ્યાં બાઇબલનું વાંચન થાય છે અને શિક્ષણ અપાય છે! આવી સભાઓની કદર કરતા, ૧૪ વર્ષનો રિચાર્ડ કહે છે કે “મારા માટે સભા બહુ જ મૂલ્યવાન છે. ત્યાં મને એ યાદ રાખવા મદદ મળે છે કે સારું અને ખરાબ શું છે, નૈતિક અને અનૈતિક શું છે. તેમ જ, ખ્રિસ્ત જેવા કઈ રીતે બની શકાય. મારે એ ભૂલો કરીને શીખવું પડતું નથી.” ખરેખર, “યહોવાહની સાક્ષી વિશ્વાસપાત્ર છે, તે અબુદ્ધને બુદ્ધિમાન કરે છે.” (ગીતશાસ્ત્ર ૧૯:૭) નિકોલ પણ દર અઠવાડિયે મંડળની પાંચેય સભાઓમાં હાજરી આપે છે. તે સભાઓ માટે અભ્યાસ કરવા બેથી ત્રણ કલાક કાઢે છે.​—⁠એફેસી ૫:૧૫, ૧૬.

૯. યુવાનો કઈ રીતે યહોવાહના માર્ગમાં પ્રગતિ કરી શકે છે?

યુવાનીનો સમય સૌથી સારો છે, જ્યારે ‘એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેમને તેમણે મોકલ્યા છે તેમને ઓળખીએ.’ (યોહાન ૧૭:૩) તમે એવા યુવાનોને જાણતા હશો, જેઓ ચિત્રોવાળી વાર્તાઓ વાંચવામાં, ટીવી જોવામાં, વિડીયો ગૅમ્સ રમવામાં કે ઇન્ટરનેટમાં જ ડૂબેલા હોય છે. એવા લોકોની જેમ કરવાથી શું ફાયદો, જ્યારે તમારી સામે આપણા આગેવાન ઈસુનું ઉત્તમ ઉદાહરણ હોય? એક યુવાન તરીકે, યહોવાહ વિષે શીખવાનો ઈસુએ આનંદ માણ્યો. એનું પરિણામ શું આવ્યું? યહોવાહના માર્ગને ઈસુ ખૂબ ચાહતા હોવાથી, તે એમાં પ્રગતિ કરતા ગયા. (લુક ૨:૫૨) તમે પણ એમ જ કરી શકો છો.

“એકબીજાને આધીન રહો”

૧૦. કુટુંબમાં કઈ રીતે સુખ-શાંતિ રહેશે?

૧૦ ઘર સુખ-શાંતિથી ભરેલું બની શકે અથવા ઝઘડાનું મેદાન બની શકે. (નીતિવચનો ૨૧:૧૯; ૨૬:૨૧) આપણે ખ્રિસ્તનું કહેવું માનીશું તો, કુટુંબમાં સુખ-શાંતિ રહેશે. હકીકતમાં, ઈસુનું ઉદાહરણ કુટુંબમાં એકબીજા સાથેના સંબંધો માટે નમૂનો બેસાડે છે. બાઇબલ જણાવે છે: “ખ્રિસ્તનું ભય રાખીને એકબીજાને આધીન રહો. પત્નીઓ, જેમ પ્રભુને તેમ પોતાના પતિઓને આધીન રહો. કેમકે જેમ ખ્રિસ્ત મંડળીનું શિર છે, તેમ પતિ પત્નીનું શિર છે; વળી ખ્રિસ્ત શરીરનો ત્રાતા છે. . . . પતિઓ, જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો, અને તેની ખાતર પોતાનું સ્વાર્પણ કર્યું. તેમ તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો.” (એફેસી ૫:૨૧-૨૫) પ્રેષિત પાઊલે કોલોસીના મંડળને લખ્યું કે “છોકરાં, તમે દરેક બાબતમાં તમારાં માબાપની આજ્ઞાનું પાલન કરો, કેમકે તે પ્રભુને ગમે છે.”​—⁠કોલોસી ૩:૧૮-૨૦.

૧૧. પતિ કઈ રીતે બતાવી શકે કે ખ્રિસ્ત તેના આગેવાન છે?

૧૧ એ સલાહ પ્રમાણે જીવવાનો અર્થ થાય કે પતિ કુટુંબમાં આગેવાની લે. પત્ની તેને દરેક રીતે મદદ કરે અને બાળકો પોતાના માબાપને આધીન રહે. જો કે પતિ સારી રીતે આગેવાની લે ત્યારે જ કુટુંબ આનંદી બને છે. એક સારો પતિ પોતાના આગેવાન, ઈસુ ખ્રિસ્તને પગલે ચાલીને આગેવાની લે છે. (૧ કોરીંથી ૧૧:૩) ઈસુ “સર્વ પર મંડળીના શિર” બન્યા છતાં, તે પૃથ્વી પર “સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને” આવ્યા. (એફેસી ૧:૨૨; માત્થી ૨૦:૨૮) એ જ રીતે, ખ્રિસ્તી પતિએ સ્વાર્થી બનીને નહિ, પણ પોતાની પત્ની અને બાળકોનું ભલું કરવા આગેવાની લેવી જોઈએ. (૧ કોરીંથી ૧૩:૪, ૫) તે પોતાના આગેવાન ઈસુ ખ્રિસ્તના જેવા ગુણો કેળવવા મહેનત કરે છે. તે ઈસુની જેમ નમ્ર બને છે. (માત્થી ૧૧:૨૮-૩૦) પતિની ભૂલ થાય ત્યારે, “એ મારી ભૂલ છે” અથવા “તમારી વાત સાચી છે,” એમ કહેવામાં તે શરમાતા નથી. પતિનો સ્વભાવ સારો હોય તો, તેની પત્નીને “સહાયકારી” બનવું સહેલું લાગશે. તેને પોતાના પતિ પાસેથી શીખવામાં અને હાથમાં હાથ મીલાવી કામ કરવામાં ખુશી મળે છે.​—⁠ઉત્પત્તિ ૨:૨૦; માલાખી ૨:⁠૧૪.

૧૨. પોતાના પતિને આધીન રહેવા પત્નીને શું મદદ કરશે?

૧૨ પત્નીએ પણ પતિને આધીન રહેવું જોઈએ. પરંતુ, જો તે આ જગતના વિચારો અપનાવશે, તો પોતાના પતિને આધીન રહેવાનો વિચાર તેને ખૂંચવા લાગશે. જો કે બાઇબલ શીખવતું નથી કે પતિએ પત્ની પર હુકમ ચલાવવાનો છે. એ જ સમયે, બાઇબલ પત્નીને પોતાના પતિને આધીન રહેવા જણાવે છે. (એફેસી ૫:૨૪) બાઇબલ પતિ અથવા પિતાને તેના કુટુંબ માટે જવાબદાર ગણે છે. આમ, કુટુંબમાં દરેક શાસ્ત્રની સલાહ પ્રમાણે ચાલે તો, ખરેખર કુટુંબ ખુશીઓથી ભરેલું રહેશે.​—⁠ફિલિપી ૨:⁠૫.

૧૩. બાળકો માટે આધીન રહેવાનો કયો દાખલો ઈસુએ બેસાડ્યો?

૧૩ બાળકોએ પોતાના માબાપને આધીન રહેવું જોઈએ. ઈસુએ એ વિષે સૌથી સરસ ઉદાહરણ બેસાડ્યું. તે ૧૨ વર્ષના હતા ત્યારે, મંદિરમાં ત્રણ દિવસ સુધી પાછળ રહી ગયા હતા. પરંતુ, એ પછી ‘તે તેઓની [પોતાના માબાપની] સાથે ગયા, અને નાઝારેથ આવીને તે તેઓને આધીન રહ્યા.’ (લુક ૨:૫૧) જો બાળકો માબાપને આધીન રહે, તો કુટુંબની શાંતિ અને સંપમાં વધારો થાય છે. હા, કુટુંબનું દરેક સભ્ય ખ્રિસ્તને આગેવાન તરીકે સ્વીકારે છે ત્યારે, કુટુંબ સુખી બને છે.

૧૪, ૧૫. કુટુંબમાં મુશ્કેલી આવે ત્યારે સફળ થવા, આપણને શું મદદ કરશે? અનુભવ જણાવો.

૧૪ ભલે કુટુંબમાં અઘરા સંજોગો આવે. એ સમયે પણ ઈસુને પગલે ચાલવાથી સફળતા મળે છે. આ અનુભવનો વિચાર કરો. જેરીએ, લાના સાથે લગ્‍ન કર્યા. લાનાની પહેલા લગ્‍નથી એક યુવાન દીકરી હતી. જેરી અને લાનાએ ધારી ન હતી એવી મુશ્કેલી આવી પડી. જેરી સમજાવે છે: “મને ખબર હતી કે ઘણા કુટુંબો સુખી થવા બાઇબલના સિદ્ધાંતો પાળે છે. મારે પણ સુખી કુટુંબ બનાવવા એમ જ કરવાની જરૂર હતી. પરંતુ, મને જલદી જ જણાયું કે મારે એ વધારે સમજી-વિચારીને કરવાનું હતું.” શા માટે? તેમની સાવકી દીકરી તેમને દુશ્મન ગણતી હતી. તેને લાગતું હતું કે મા-દીકરી વચ્ચે કોઈ ત્રીજું આવી ગયું છે. જેરી જોઈ શક્યો કે આવા વલણથી એ છોકરીનો સ્વભાવ બદલાઈ ગયો હતો. જેરીએ શું કર્યું? તે જવાબ આપે છે: “મેં અને લાનાએ નક્કી કર્યું કે જ્યાં સુધી મારી સાથે મારી સાવકી દીકરીના સંબંધ સારા થાય, ત્યાં સુધી શિસ્ત આપવાની જવાબદારી લાના ઉપાડે. સમય જતાં, એના સારા પરિણામો આવ્યાં.”

૧૫ કુટુંબમાં મુશ્કેલી આવે ત્યારે, પહેલા એ જાણવાની જરૂર છે કે એ વ્યક્તિ શા માટે એમ કહે કે કરે છે. આપણે યહોવાહના સિદ્ધાંતો સારી રીતે લાગુ પાડવા માટે સમજણની પણ જરૂર છે. દાખલા તરીકે, ઈસુ જોઈ શક્યા કે લોહીવા થયેલી સ્ત્રી શા માટે તેમને અડકી હતી. તેથી, તેમણે તેની હાલત સમજીને કૃપા બતાવી. (લેવીય ૧૫:૨૫-૨૭; માર્ક ૫:૩૦-૩૪) આપણા પ્રભુ ઈસુમાં વિવેકબુદ્ધિ અને પૂરી સમજણ છે. (નીતિવચનો ૮:૧૨) આપણે તેમના જેવો સ્વભાવ કેળવીશું તો ખરેખર સુખી થઈશું.

પ્રથમ યહોવાહના રાજ્યને શોધતા રહો

૧૬. આપણા જીવનમાં શું મહત્ત્વનું હોવું જોઈએ અને ઈસુએ કઈ રીતે એનો દાખલો બેસાડ્યો?

૧૬ ઈસુએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે પોતાની આગેવાનીનો સ્વીકાર કરનારાના જીવનમાં શું મહત્ત્વનું હશે. તેમણે કહ્યું: “તમે પહેલાં તેના રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો.” (માત્થી ૬:૩૩) તે પોતે એ રીતે જીવ્યા અને આપણા માટે દાખલો બેસાડ્યો. ઈસુએ બાપ્તિસ્મા પામ્યા પછી ઉપવાસ, મનન અને પ્રાર્થનામાં ૪૦ દિવસ પસાર કર્યા. ત્યાર બાદ તેમનું પરીક્ષણ થયું. શેતાને “જગતના સઘળાં રાજ્ય” પર સત્તાની લાલચ તેમની આગળ મૂકી. ઈસુએ જો શેતાનની વાત માની લીધી હોત, તો તેમનું જીવન કેવું હોત એની જરા કલ્પના કરો! જો કે ઈસુએ પોતાનું મન ફક્ત યહોવાહની ઇચ્છા પૂરી કરવા પર જ લગાવ્યું હતું. તેમ જ, તે જાણતા હતા કે શેતાનનું જગત લાંબુ ટકશે નહિ. તેમણે શેતાનને તરત જ ના કહી દીધી: “લખેલું છે, કે પ્રભુ તારા દેવનું ભજન કર ને તેની એકલાની જ સેવા કર.” એ પછી તરત જ ‘ઈસુ પ્રગટ કરવા તથા કહેવા લાગ્યા, કે પસ્તાવો કરો, કેમકે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે.’ (માત્થી ૪:૨, ૮-૧૦, ૧૭) પૃથ્વી પરના બાકીના આખા જીવનમાં ઈસુએ યહોવાહના રાજ્યનો પ્રચાર કર્યો.

૧૭. યહોવાહનું રાજ્ય આપણા જીવનમાં કઈ રીતે પ્રથમ મૂકી શકીએ?

૧૭ ચાલો આપણા આગેવાન ખ્રિસ્તને પગલે ચાલીએ અને શેતાનના જગતના ફાંદામાં ન પડીએ, જે આપણને ઊંચા પગારવાળી નોકરી કે પદવી મેળવવા લલચાવે છે. (માર્ક ૧:૧૭-૨૧) આપણે જો જગતના ભપકા પાછળ દોડવામાં, યહોવાહના રાજ્યને બીજા સ્થાને રાખીએ તો એ ખરેખર મૂર્ખતા જ ગણાશે! ઈસુએ તો રાજ્યનો પ્રચાર કરવા અને શિષ્યો બનાવવાનું કામ આપણા ભરોસે મૂક્યું છે. (માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) ખરું કે આપણી પાસે કુટુંબ અને બીજી જવાબદારીઓ પણ હોય શકે. પરંતુ, શું આપણે પ્રચાર કરવા અને શિક્ષણ આપવાની આપણી ખ્રિસ્તી જવાબદારી નિભાવવા શનિ-રવિ તથા સાંજનો સમય વાપરવા રાજી છીએ? આપણને એ જાણીને કેટલી ખુશી થાય છે કે ૨૦૦૧ના વર્ષમાં લગભગ ૭,૮૦,૦૦૦ ભાઈ-બહેનોએ પૂરા સમયના સેવકો તરીકે સેવા આપી હતી!

૧૮ માત્થી, માર્ક, લુક અને યોહાનના પુસ્તકો, ઈસુને જોશીલા, છતાં ઊંડી લાગણીવાળા વર્ણવે છે. તેમની આસપાસના લોકોની આત્મિક જરૂરિયાત જોઈને, તરત જ તેમને કરુણા આવી અને ઉત્સાહથી તેઓને શીખવવા લાગ્યા. (માર્ક ૬:૩૧-૩૪) લોકો પરનો પ્રેમ અને મદદ કરવાની ઇચ્છાને કારણે, આપણે પ્રચાર કાર્ય કરીએ ત્યારે, આપણું સેવાકાર્ય ખરેખર આનંદી બને છે. પરંતુ, એવી ઇચ્છા આપણે કઈ રીતે કેળવી શકીએ? જેસન નામનો એક યુવાન કહે છે: “મને પ્રચાર કાર્ય બહું ગમતું નહિ.” આ કાર્ય માટે ઇચ્છા કેળવવા જેસનને કઈ રીતે મદદ મળી? તે જવાબ આપે છે: “મારું કુટુંબ દર શનિવાર સવારે પ્રચાર કાર્યમાં જતું હતું. મારે માટે આ બહુ સારું હતું, કેમ કે મેં જેટલું વધારે પ્રચાર કાર્ય કર્યું, એટલું જ વધારે જાણવા મળ્યું કે એના કેટલા બધા ફાયદા છે. મને એમાં વધારેને વધારે મઝા આવવા લાગી.” ખરેખર, આપણે પણ નિયમિત અને ઉત્સાહી રીતે પ્રચાર કાર્યમાં ભાગ લેવો જોઈએ.

૧૯. ખ્રિસ્તની આગેવાની વિષે આપણો નિર્ણય કયો હોવો જોઈએ?

૧૯ ખ્રિસ્તની આગેવાની સ્વીકારવી એ આપણા લાભમાં છે. આપણે એમ કરીએ ત્યારે, યુવાનીનો સમય યહોવાહના માર્ગમાં પ્રગતિનો સમય બને છે. કુટુંબનું જીવન ખુશીઓથી ભરેલું બને છે અને સેવા કાર્ય આનંદ અને સંતોષ આપનારું બને છે. તેથી, ચાલો આપણા જીવનમાં અને દરેક નિર્ણયોમાં આપણે બતાવી આપીએ કે ખ્રિસ્તની આગેવાની આપણને મંજૂર છે. (કોલોસી ૩:૨૩, ૨૪) જો કે ઈસુ ખ્રિસ્તે હજુ એક બીજી રીતે, એટલે કે ખ્રિસ્તી મંડળ દ્વારા આગેવાની લીધી છે. હવે પછીનો લેખ ચર્ચા કરશે કે એનાથી આપણે કઈ રીતે લાભ મેળવી શકીએ.

[ફુટનોટ]

^ અમુક નામો બદલવામાં આવ્યાં છે.

તમને યાદ છે?

• યહોવાહે નીમેલા આગેવાનને પગલે ચાલવાથી શું લાભ થાય છે?

• યુવાનો કઈ રીતે બતાવી શકે કે તેઓ ઈસુની આગેવાની ચાહે છે?

• જે કુટુંબ ખ્રિસ્તની આગેવાની હેઠળ જીવે છે, તેઓ પર કેવી અસર થાય છે?

• સેવા કાર્યથી કઈ રીતે બતાવી શકીએ કે આપણા આગેવાન ઈસુ છે?

[Questions]

૧૮. પ્રચાર કાર્યનો આનંદ માણવા આપણને શું મદદ કરે છે?

[પાન ૯ પર ચિત્રો]

યહોવાહ અને આપણા આગેવાનને જાણવા યુવાનીના સમયનો લાભ લો

[પાન ૧૦ પર ચિત્ર]

ખ્રિસ્તની આગેવાની સ્વીકારીને, કુટુંબ સુખી બને છે

[પાન ૧૨ પર ચિત્રો]

ઈસુએ યહોવાહને પ્રથમ મૂક્યા. તમારા વિષે શું?