સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમારા મન અને હૃદયથી પરમેશ્વરને શોધો

તમારા મન અને હૃદયથી પરમેશ્વરને શોધો

તમારા મન અને હૃદયથી પરમેશ્વરને શોધો

પરમેશ્વરને ખુશ કરે એવા ધર્મમાં માનવા, સાચો ખ્રિસ્તી ધર્મ હૃદય અને મનનો ઉપયોગ કરવાનું ઉત્તેજન આપે છે.

હકીકતમાં, ખ્રિસ્તી ધર્મના સ્થાપક, ઈસુ ખ્રિસ્તે શીખવ્યું કે આપણે આપણા “પૂરા હૃદય,” “પૂરા જીવ” અને “પૂરા મનથી” પરમેશ્વરને પ્રેમ કરવો જોઈએ. (માત્થી ૨૨:૩૭) હા, આપણે આપણી ભક્તિમાં પોતાની માનસિક ક્ષમતાઓનો ખાસ ઉપયોગ કરવો જોઈએ.

ઈસુ જે કંઈ શીખવતા, એના પર મનન કરવાનું જણાવતા. તેમણે ઘણી વાર પોતાના શ્રોતાઓને પૂછ્યું, “તને શું લાગે છે?” (માત્થી ૧૭:૨૫; ૧૮:૧૨; ૨૧:૨૮; ૨૨:૪૨) એવી જ રીતે, પ્રેષિત પીતરે સાથી વિશ્વાસીઓને ‘તેઓના મનમાં શુદ્ધ વિચારો ઉત્પન્‍ન કરવા’ માટે લખ્યું. (૨ પીતર ૩:​૧, NW) શરૂઆતમાં સૌથી વધારે મિશનરી મુસાફરી કરનાર પ્રેષિત પાઊલે, ખ્રિસ્તીઓને તેઓની ‘બુદ્ધિનો’ ઉપયોગ કરવાની અને ‘દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે [પોતે] પારખવાની’ સલાહ આપી. (રૂમી ૧૨:​૧, ૨) આ રીતે ખ્રિસ્તીઓ પોતાની માન્યતાઓને કાળજીપૂર્વક તપાસીને, પરમેશ્વરને ખુશ કરતો વિશ્વાસ વિકસાવી શકે. એ વિશ્વાસ ખ્રિસ્તીઓને તેઓના જીવનમાં ઊભી થતી કસોટીઓનો સફળતાથી સામનો કરવા મદદ કરે છે.​—⁠હેબ્રી ૧૧:૧, ૬.

બીજાઓમાં પણ આ પ્રકારનો વિશ્વાસ કેળવવા, શરૂઆતના ખ્રિસ્તી સુવાર્તિકોએ જે કંઈ શીખવ્યું એ ‘ધર્મશાસ્ત્રમાંથી પ્રમાણ આપીને તેઓની સાથે વાદવિવાદ કરીને ખુલાસો આપીને સિદ્ધ કર્યું.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૧-૩) આવી વાજબી તપાસે પ્રમાણિક હૃદયની વ્યક્તિઓને સારો પ્રત્યુત્તર આપવા પ્રેર્યા. દાખલા તરીકે, મકદોનિયાના બેરીઆ શહેરના ઘણા લોકો “પૂરેપૂરા ઉમંગથી સુવાર્તાનો અંગીકાર કરીને, એ વાતો [પાઊલ અને તેમના સંગાથીઓએ સમજાવેલી] એમજ છે કે નહિ, એ વિષે નિત્ય ધર્મશાસ્ત્રનું શોધન કરતા હતા.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૧૧) આ કલમમાં બે બાબતો મહત્ત્વની છે. પ્રથમ, બેરીઆના લોકો પરમેશ્વરનો શબ્દ સાંભળવા માટે આતુર હતા; બીજું, તેઓએ એ સાચું જ હશે એવું માનીને એના પર આંધળો વિશ્વાસ મૂકી દીધો નહિ પરંતુ, પોતે જે સાંભળ્યું એ બરાબર છે કે નહિ એને તેઓ શાસ્ત્રવચનોમાં પાછા તપાસતા હતા. તેથી, ખ્રિસ્તી મિશનરી, લુકે બેરીઆના લોકોની “અધિક ગુણવાન” કહીને પ્રશંસા કરી. શું તમે આત્મિક બાબતોમાં આવી તપાસ કરો છો?

મન અને હૃદયથી ઉપાસના કરવી

અગાઉ બતાવવામાં આવ્યું તેમ, સાચી ઉપાસનામાં મન અને હૃદય, બંનેનો સમાવેશ થાય છે. (માર્ક ૧૨:૩૦) અગાઉના લેખમાં ઉલ્લેખેલ ઘર રંગનારનો વિચાર કરો કે જેણે ઘર રંગતી વખતે ભલતો જ રંગ વાપર્યો. જો તેણે પોતાના માલિકની સૂચનાને ધ્યાનથી સાંભળી હોત તો, તે પૂરા હૃદયથી પોતાનું કામ કરી શક્યો હોત અને તે વિશ્વાસ રાખી શક્યો હોત કે તેના માલિકને એ ગમશે. એ જ બાબત આપણી ઉપાસનાને પણ લાગુ પડે છે.

ઈસુએ કહ્યું: “ખરા ભજનારા આત્માથી તથા સત્યતાથી બાપનું ભજન કરશે.” (આ લેખમાંના અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) (યોહાન ૪:૨૩) તેથી, પ્રેષિત પાઊલે લખ્યું: “તમે સર્વે આત્મિક સમજણ તથા બુદ્ધિમાં દેવની ઇચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ એ માટે અમે . . . તમારે સારૂ પ્રાર્થના તથા વિનંતી કરવાને ચૂકતા નથી. તમે પૂર્ણ રીતે પ્રભુને પ્રસન્‍ન કરવાને સારૂ યોગ્ય રીતે વર્તો.” (કોલોસી ૧:​૯, ૧૦) આવું ‘દેવની ઇચ્છાનું જ્ઞાન’ નિખાલસ લોકોને તનમનથી ભક્તિ કરવા મદદ કરે છે. એ તેઓને પૂરી ખાતરી આપે છે કે ‘તેઓ જેને જાણે છે તેને ભજે’ છે.​—⁠યોહાન ૪:​૨૨.

આ કારણે, યહોવાહના સાક્ષીઓ નાનાં બાળકોને કે રસ ધરાવતી નવી વ્યક્તિઓને બાપ્તિસ્મા આપતા નથી, કેમ કે તેઓએ બાઇબલનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યો હોતો નથી. ઈસુએ પોતાના અનુયાયીઓને આજ્ઞા આપી: “સર્વ દેશનાઓને શિષ્ય કરો; . . . મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ.” (માત્થી ૨૮:૧૯, ૨૦) પરમેશ્વરની ઇચ્છા વિષેનું ચોકસાઈભર્યું જ્ઞાન મેળવ્યા પછી જ, બાઇબલ વિદ્યાર્થી એ જ્ઞાનને આધારે ઉપાસના વિષે નિર્ણય લે છે. શું તમે આ પ્રકારનું ચોકસાઈભર્યું જ્ઞાન લેવાનો પ્રયત્ન કરો છો?

પ્રભુની પ્રાર્થના સમજવી

બાઇબલના ચોકસાઈભર્યા જ્ઞાન અને એનું મર્યાદિત જ્ઞાન વચ્ચેના તફાવતને જોવા, ચાલો આપણે માત્થી ૬:​૯-​૧૩માં નોંધેલી આપણા પિતા કે પ્રભુના નામે જાણીતી પ્રાર્થનાને વિચારણામાં લઈએ.

કરોડો લોકો ચર્ચમાં ઈસુની નમૂનાની પ્રાર્થનાનું નિયમિત રટણ કરે છે. પરંતુ, ખાસ કરીને પરમેશ્વરના નામ અને રાજ્ય વિષેની પ્રાર્થનાના પ્રથમ ભાગનો અર્થ કેટલા લોકોને સમજાવવામાં આવ્યો છે? આ વિષયો એટલા તો મહત્ત્વના છે કે ઈસુએ એને પ્રાર્થનામાં પ્રથમ મૂક્યા.

એ આ રીતે શરૂ થાય છે: “ઓ આકાશમાંના અમારા બાપ, તારૂં નામ પવિત્ર મનાઓ.” નોંધ લો કે ઈસુએ પરમેશ્વરના નામને પવિત્ર મનાવવા માટે પ્રાર્થના કરવાનું કહ્યું. પરંતુ, એનાથી મોટા ભાગના લોકોને બે પ્રશ્નો ઊભા થાય છે: એક તો, પરમેશ્વરનું નામ શું છે? અને બીજું, શા માટે એને પવિત્ર મનાવવાની જરૂર છે?

પહેલા પ્રશ્નનો જવાબ, બાઇબલની મૂળ ભાષામાં ૭,૦૦૦ કરતાં વધારે વખત જોવા મળે છે. એમાંનો એક ગીતશાસ્ત્ર ૮૩:​૧૮માં જોવા મળે છે, “જેથી તેઓ જાણે કે તું, જેનું નામ યહોવાહ છે, તે તું જ આખી પૃથ્વી પર પરાત્પર દેવ છે.” (ત્રાંસા અક્ષરો અમારા છે.) પરમેશ્વરના નામ, યહોવાહ વિષે નિર્ગમન ૩:૧૫ કહે છે: “મારૂં નામ સદા એજ છે, ને મારી યાદગીરી વંશપરંપરા એજ છે.” * પરંતુ, શા માટે પરમેશ્વરનું નામ કે જે પોતે શુદ્ધ અને પવિત્ર છે એને પવિત્ર મનાવવાની જરૂર છે? કેમ કે માનવ ઇતિહાસની એકદમ શરૂઆતથી જ એ નામ પર દોષ અને તહોમત મૂકવામાં આવ્યા છે.

એદન બાગમાં પરમેશ્વરે આદમ અને હવાને કહ્યું હતું કે જો તેઓ મના કરેલા વૃક્ષ પરથી ફળ ખાશે તો, તેઓ મરી જશે. (ઉત્પત્તિ ૨:​૧૭) શેતાને નિર્લજ્જપણે પરમેશ્વરથી ભિન્‍ન હવાને કહ્યું: “તમે નહિજ મરશો.” આમ, શેતાને પરમેશ્વર પર જૂઠું બોલવાનો આરોપ મૂક્યો. તોપણ, તે આટલું કહીને અટકી ગયો નહિ. તેણે હવાને એમ કહીને પરમેશ્વરના નામ પર વધારે દોષ લગાવ્યો કે પરમેશ્વર અન્યાયથી તેને મૂલ્યવાન જ્ઞાન લેવા દેતા નથી. તેણે કહ્યું: “કેમકે દેવ જાણે છે કે તમે ખાશો તેજ દિવસે તમારી આંખો ઊઘડી જશે, ને તમે દેવના જેવાં ભલુંભૂંડું જાણનારાં થશો.” કેવો ખોટો આરોપ!​—⁠ઉત્પત્તિ ૩:૪, ૫.

મના કરેલું ફળ ખાઈને, આદમ અને હવાએ શેતાનનો પક્ષ લીધો. ત્યારથી લઈને મોટા ભાગના લોકો જાણે-અજાણે, પરમેશ્વરનાં ન્યાયી ધોરણોને અવગણીને તેમના નામ પર મૂકવામાં આવેલાં તહોમતમાં વધારો કરે છે. (૧ યોહાન ૫:​૧૯) લોકો પોતે જે સહન કરી રહ્યા છે એ માટે હજુ પણ પરમેશ્વરને દોષ આપે છે, પછી ભલેને એ માટે તેઓ પોતે જ જવાબદાર કેમ ન હોય. નીતિવચનો ૧૯:૩ કહે છે, “માણસની મૂર્ખાઈ તેના માર્ગને ઊંધો વાળે છે; અને તેનું હૃદય યહોવાહ વિરૂદ્ધ ચિડાય છે.” શું તમે પારખી શકો છો કે ઈસુએ શા માટે તેમના પિતાના નામને પવિત્ર મનાવવા વિષે પ્રાર્થના કરી, જેમને તે ખૂબ ચાહતા હતા?

“તારૂં રાજ્ય આવો”

પરમેશ્વરનું નામ પવિત્ર મનાવવા માટે પ્રાર્થના કર્યા પછી, ઈસુએ કહ્યું: “તારૂં રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.” (માત્થી ૬:૧૦) આ કલમ વિષે આપણે પૂછી શકીએ: ‘પરમેશ્વરનું રાજ્ય શું છે? અને એનું આવવું એ પૃથ્વી પર પરમેશ્વરની ઇચ્છા પૂરી થવા સાથે કઈ રીતે સંકળાયેલું છે?’

બાઇબલમાં, “રાજ્ય” શબ્દનો અર્થ સામાન્ય રીતે, “રાજા શાસન કરે છે” એમ થાય છે. તર્કપૂર્ણ રીતે જ, પરમેશ્વરનું રાજ્ય પરમેશ્વરે પોતે પસંદ કરેલા રાજાની સરકારને બતાવે છે. એ રાજા, પુનરુત્થાન થયેલા “રાજાઓનો રાજા તથા પ્રભુઓનો પ્રભુ,” ઈસુ ખ્રિસ્ત સિવાય બીજું કોઈ નથી. (પ્રકટીકરણ ૧૯:૧૬; દાનીયેલ ૭:​૧૩, ૧૪) ઈસુ ખ્રિસ્તના હાથમાં પરમેશ્વરના મસીહી રાજ્ય વિષે, પ્રબોધક દાનીયેલે લખ્યું: “તે રાજાઓની [હમણાં શાસન કરતી સરકાર] કારકિર્દીમાં આકાશનો દેવ એક રાજ્ય સ્થાપન કરશે કે જેનો નાશ કદી થશે નહિ, ને તેની હકુમત અન્ય પ્રજાના કબજામાં સોંપાશે નહિ; પણ તે આ સઘળાં રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો ક્ષય કરશે, ને તે સર્વકાળ ટકશે.”​—⁠દાનીયેલ ૨:⁠૪૪.

હા, પરમેશ્વરનું રાજ્ય આખી પૃથ્વીને પોતાના અધિકારમાં લઈને સર્વ પ્રકારની દુષ્ટતાને દૂર કરશે અને “સર્વકાળ,” એટલે કે હંમેશ માટે રાજ કરશે. આ રીતે, શેતાન અને દુષ્ટ લોકોએ જૂઠું બોલીને જે દોષ લગાવ્યો છે એને દૂર કરવામાં આવશે અને પરમેશ્વરનું રાજ્ય યહોવાહના નામને પવિત્ર મનાવશે.​—⁠હઝકીએલ ૩૬:⁠૨૩.

બધી સરકારોની જેમ, પરમેશ્વરના રાજ્યના પણ નાગરિકો છે. તેઓ કોણ છે? બાઇબલ જવાબ આપે છે: “નમ્ર લોકો દેશનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૧૧) એવી જ રીતે, ઈસુએ કહ્યું: “જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે; કેમકે તેઓ પૃથ્વીનું વતન પામશે.” જોકે, આ લોકો પાસે પરમેશ્વરનું ચોકસાઈભર્યું જ્ઞાન છે જે જીવન માટે ખૂબ જરૂરી છે.​—⁠માત્થી ૫:૫; યોહાન ૧૭:⁠૩.

પરમેશ્વર અને એકબીજાને સાચે જ પ્રેમ કરતા હોય એવા નમ્ર અને વિનયી લોકોથી ભરેલી આખી પૃથ્વીની શું તમે કલ્પના કરી શકો છો? (૧ યોહાન ૪:​૭, ૮) આ બાબત માટે જ ઈસુએ પ્રાર્થના કરી હતી જ્યારે તેમણે કહ્યું: “તારૂં રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.” શું હવે તમે સમજ્યા કે શા માટે ઈસુએ પોતાના શિષ્યોને આ રીતે પ્રાર્થના કરવાનું શીખવ્યું હતું? સૌથી મહત્ત્વનું તો, શું તમે એ જોઈ શકો છો કે એ પ્રાર્થનાની પરિપૂર્ણતા તમને કઈ રીતે વ્યક્તિગત અસર કરી શકે?

આજે લાખો લોકો શાસ્ત્રવચનો પર વાદવિવાદ કરી રહ્યા છે

ઈસુએ ગોળાવ્યાપી આત્મિક શિક્ષણની ઝુંબેશ વિષે ભાખ્યું કે જેમાં પરમેશ્વરના આવનાર રાજ્યની જાહેરાત થવાની હતી. તેમણે કહ્યું: “સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારૂ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ [વર્તમાન જગતનો] અંત આવશે.”​—⁠માત્થી ૨૪:⁠૧૪.

આજે આખી દુનિયા ફરતે કંઈક સાઠ લાખ યહોવાહના સાક્ષીઓ એ સુસમાચાર પોતાના પડોશીઓને જણાવી રહ્યા છે. તેઓ તમને તર્કપૂર્ણ રીતે, તમારી વિચારશક્તિને વાપરીને ‘ધર્મશાસ્ત્રના શોધન’ દ્વારા પરમેશ્વર અને તેમના રાજ્ય વિષે વધારે શીખવાનું ઉત્તેજન આપે છે. એમ કરવાથી તમારો વિશ્વાસ દૃઢ થશે. તેમ જ, ‘જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તે પ્રમાણે યહોવાહના જ્ઞાનથી ભરપૂર થનાર’ પારાદેશ પૃથ્વી પર જીવનની આશા વિષે વિચાર કરશો તેમ, તમે આનંદિત થશો.​—⁠યશાયાહ ૧૧:૬-૯.

[ફુટનોટ]

^ કેટલાક વિદ્વાનો “યહોવાહ”ને બદલે “યાહવેહ” તરીકે ભાષાંતર કરે છે. તેમ છતાં, આધુનિક બાઇબલ ભાષાંતરકારોએ પોતાની આવૃત્તિઓમાંથી પરમેશ્વરનું નામ કાઢી નાખ્યું છે અને એની જગ્યાએ “પ્રભુ” કે “પરમેશ્વર” જેવા સામાન્ય ખિતાબોનો ઉપયોગ કર્યો છે. પરમેશ્વરના નામ વિષે ઊંડાણમાં ચર્ચા માટે, યહોવાહના સાક્ષીઓએ પ્રકાશિત કરેલી, દૈવી નામ હંમેશાં રહેશે (અંગ્રેજી) મોટી પુસ્તિકા જુઓ.

[પાન ૮ પર બોક્સ/ચિત્ર]

મહાન શિક્ષકને અનુસરો

ઈસુએ વારંવાર ખાસ બાઇબલ વિષયો પર ભાર મૂકીને શીખવ્યું. દાખલા તરીકે, તેમણે પુનરુત્થાન પછી, તેમના મરણ વિષે ગૂંચવણમાં પડેલા બે શિષ્યોને પરમેશ્વરના હેતુમાં પોતાની ભૂમિકા વિષે સમજાવ્યું. લુક ૨૪:૨૭ કહે છે: “મુસાથી તથા સઘળા પ્રબોધકોથી માંડીને તેણે બધા ધર્મલેખોમાંથી પોતાના સંબંધની વાતોનો ખુલાસો કરી બતાવ્યો.”

નોંધ લો કે ઈસુએ “પોતાને,” એટલે કે મસીહ વિષેનો ખાસ વિષય પસંદ કર્યો અને એ ચર્ચામાં તેમણે ‘બધા ધર્મલેખોનો’ ઉપયોગ કર્યો. હકીકતમાં, ઈસુએ જિગસૉ પઝલની જેમ બાઇબલ કલમોને ભેગી મૂકી જેથી તેમના શિષ્યો આત્મિક સત્યનું ખરૂ સ્વરૂપ સ્પષ્ટ રીતે જોઈ શકે. (૨ તીમોથી ૧:૧૩) પરિણામે, શિષ્યોને આત્મિક પ્રકાશ મળ્યો અને તેઓ પર એની ઊંડી અસર પણ થઈ. અહેવાલ કહે છે: “તેઓએ એકબીજાને કહ્યું, કે જ્યારે તે માર્ગે આપણી સાથે વાત કરતો હતો, અને ધર્મલેખોનો ખુલાસો આપણને કરી બતાવતો હતો, ત્યારે આપણાં મન આપણામાં ઉલ્લાસી નહોતાં થતાં શું?”​—⁠લુક ૨૪:⁠૩૨.

યહોવાહના સાક્ષીઓ પોતાના સેવાકાર્યમાં ઈસુની પદ્ધતિને અપનાવવાનો પ્રયત્ન કરે છે. તેઓ બાઇબલ અભ્યાસમાં દેવ આપણી પાસે શું માંગે છે? મોટી પુસ્તિકા અને જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તકનો ઉપયોગ કરે છે. એમાં અનેક રસપ્રદ બાઇબલ વિષયો આપવામાં આવ્યા છે, જેમ કે: “સાચા દેવ કોણ છે?,” “શા માટે દેવ યાતનાને પરવાનગી આપે છે?,” “તમે સાચો ધર્મ કઈ રીતે શોધી શકો?,” “આ છેલ્લા દિવસો છે!” અને “દેવને આદર આપતા કુટુંબનું ઘડતર કરવું.” દરેક પાઠમાં ઘણી કલમો જોવા મળે છે.

તમે તમારા વિસ્તારના યહોવાહના સાક્ષીઓનો સંપર્ક સાધી શકો છો અથવા, ઉપર ઉલ્લેખ કરેલા અને બીજા વિષયો પર વિનામૂલ્યે અભ્યાસ કરવા આ સામયિકના પાન ૨ પરના યોગ્ય સરનામે લખો.

[ચિત્ર]

બાઇબલના કોઈ ખાસ વિષય પર ધ્યાન કેંદ્રિત કરીને તમારા વિદ્યાર્થીના હૃદય સુધી પહોંચો

[પાન ૭ પર ચિત્રો]

શું તમે ઈસુની નમૂનાની પ્રાર્થનાને સમજ્યા છો?

“ઓ આકાશમાંના અમારા બાપ, તારૂં નામ પવિત્ર મનાઓ. . . . ”

“તારૂં [ મસીહી] રાજ્ય આવો . . . ”

“જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.”