સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શા માટે બાપ્તિસ્મા લેવું જરૂરી છે?

શા માટે બાપ્તિસ્મા લેવું જરૂરી છે?

શા માટે બાપ્તિસ્મા લેવું જરૂરી છે?

“જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; . . . તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ.”​—⁠માત્થી ૨૮:૧૯.

૧, ૨. (ક) કેટલાક લોકોને કઈ રીતે બાપ્તિસ્મા આપવામાં આવ્યું? (ખ) બાપ્તિસ્મા વિષે કયા પ્રશ્નો ઊભા થાય છે?

 ફ્રેન્કીશ રાજા ચાર્લમને સેક્સોન લોકોને જીત્યા. ત્યાર બાદ તેણે તેઓને ૭૭૫-૭૭ સી.ઈ.માં સમૂહમાં બળજબરીથી બાપ્તિસ્મા અપાવ્યું. ઇતિહાસકાર જોન લૉર્ડે લખ્યું: “તેણે તેઓ પર ખ્રિસ્તી ધર્મ અપનાવવા બળજબરી કરી.” એવી જ રીતે, રશિયાના શાસક વ્લાદમીર પહેલાએ પણ ૯૮૭ સી.ઈ.માં ગ્રીક ઑર્થોડૉક્સ રાજકુંવરી સાથે લગ્‍ન કર્યા પછી, પોતાના લોકોને “ખ્રિસ્તી” બનાવવાનો નિશ્ચય કર્યો. જેઓ બાપ્તિસ્મા લેવા માગતા ન હતા તેઓને તેણે મોતની ધમકી આપી!

શું આ રીતે બાપ્તિસ્મા આપવું યોગ્ય હતું? શું એનો ખરેખર કંઈ અર્થ છે? શું કોઈ પણ વ્યક્તિ બાપ્તિસ્મા લઈ શકે?

બાપ્તિસ્મા​—⁠કઈ રીતે?

૩, ૪. શા માટે માથા પર પાણી છાંટીને કે પાણી રેડીને બાપ્તિસ્મા આપવું એ યોગ્ય ખ્રિસ્તી રીત નથી?

ચાર્લમન અને વ્લાદમીર પહેલાએ લોકોને બળજબરીથી બાપ્તિસ્મા અપાવ્યું ત્યારે, એ રાજાઓ પરમેશ્વરના શબ્દ પ્રમાણે કરી રહ્યા ન હતા. હકીકતમાં, વ્યક્તિને પરમેશ્વર વિષેનું સત્ય શીખવવામાં આવ્યું ન હોય તો, તેને પાણી છાંટીને, માથા પર પાણી રેડીને કે ડૂબકી મરાવીને બાપ્તિસ્મા આપવાથી કંઈ જ લાભ થતો નથી.

નાઝરેથના ઈસુ ૨૯ સી.ઈ.માં યોહાન બાપ્તિસ્મક પાસે ગયા ત્યારે શું બન્યું એનો વિચાર કરો. યોહાન લોકોને યરદન નદીમાં બાપ્તિસ્મા આપતા હતા. લોકો સ્વેચ્છાએ તેમની પાસે બાપ્તિસ્મા લેવા આવતા હતા. શું તેમણે તેઓને યરદન નદીમાં ઊભા રાખીને, તેઓના માથા પર ફક્ત પાણી છાંટીને કે પાણી રેડીને બાપ્તિસ્મા આપ્યું હતું? યોહાને ઈસુને બાપ્તિસ્મા આપ્યું ત્યારે શું બન્યું? માત્થી અહેવાલ આપે છે કે બાપ્તિસ્મા લીધા પછી, ‘ઈસુ તરત જ પાણીમાંથી નીકળી આવ્યા.’ (માત્થી ૩:​૧૬) તેમણે યરદન નદીમાં પાણીની અંદર જઈને ડૂબકી મારી હતી. એવી જ રીતે, એક ધાર્મિક હબશી ખોજાએ “જળાશયમાં” બાપ્તિસ્મા લીધું. આવું જળાશય જરૂરી હતું કેમ કે ઈસુ અને તેમના શિષ્યોના બાપ્તિસ્મામાં પાણીમાં પૂરેપૂરી ડૂબકી મારવાનો સમાવેશ થતો હતો.​—⁠પ્રેરિતોનાં કૃત્યો ૮:​૩૬.

૫. શરૂઆતના ખ્રિસ્તીઓને કઈ રીતે બાપ્તિસ્મા આપવામાં આવતું હતું?

“બાપ્તિસ્મા આપવું,” “બાપ્તિસ્મા” વગેરેના ભાષાંતર પામેલા ગ્રીક શબ્દોનો અર્થ ડૂબકી મારવી થાય છે. સ્મિથનો બાઇબલ શબ્દકોશ (અંગ્રેજી) કહે છે: “બાપ્તિસ્મા આપવાનો યોગ્ય અને શાબ્દિક અર્થ ડૂબકી મરાવવી થાય છે.” આમ, કેટલાક બાઇબલ ભાષાંતરો “યોહાન બાપ્તિસ્મા કરનાર” તરીકે ઉલ્લેખ કરે છે. (માત્થી ૩:​૧) ઑગસ્ટ્‌સ નિએન્ડરનું પ્રથમ ત્રણ સદીઓ દરમિયાન ખ્રિસ્તી ધર્મ અને ચર્ચનો ઇતિહાસ પુસ્તક (અંગ્રેજી) બતાવે છે: “શરૂઆતમાં બાપ્તિસ્મા પાણીમાં ડૂબકી મરાવીને આપવામાં આવતું હતું.” વીસમી સદીનું લૌઉરસ નામનું પ્રખ્યાત (અંગ્રેજી) પુસ્તક (પૅરિસ, ૧૯૨૮) ટીકા આપે છે: “પહેલી સદીમાં ખ્રિસ્તીઓ આજુબાજુ જ્યાં પણ પાણી જોવા મળે ત્યાં બાપ્તિસ્મા લેતા હતા.” ન્યૂ કૅથલિક એન્સાયક્લોપેડિયા બતાવે છે: “એ સ્પષ્ટ છે કે શરૂઆતના ચર્ચમાં પાણીમાં ડૂબકી મરાવીને બાપ્તિસ્મા આપવામાં આવતું હતું.” (૧૯૬૭, ગ્રંથ ૨, પાન ૫૬) તેથી, આજે સ્વેચ્છાએ યહોવાહના સાક્ષી તરીકે બાપ્તિસ્મા લેવામાં, પાણીમાં પૂરેપૂરી ડૂબકી મારવાનો સમાવેશ થાય છે.

બાપ્તિસ્મા માટેનું નવું કારણ

૬, ૭. (ક) કયા હેતુસર યોહાન બાપ્તિસ્મા આપતા હતા? (ખ) ઈસુના શિષ્યો જે બાપ્તિસ્મા આપતા હતા એમાં નવી બાબત શું હતી?

ઈસુના શિષ્યો અને યોહાન જે બાપ્તિસ્મા આપતા હતા એ બંનેના હેતુમાં આભ-જમીનનો ફરક હતો. (યોહાન ૪:​૧, ૨) યોહાન લોકોને તેઓએ નિયમ વિરુદ્ધ કરેલા પાપનું જાહેરમાં પસ્તાવાના પ્રતીકરૂપે બાપ્તિસ્મા આપતા હતા. * (લુક ૩:૩) પરંતુ, ઈસુના શિષ્યોના બાપ્તિસ્મામાં બીજી કંઈક નવી બાબતનો સમાવેશ થતો હતો. પેન્તેકોસ્ત ૩૩ સી.ઈ.માં, પ્રેષિત પીતરે પોતાના શ્રોતાઓને વિનંતી કરી: “પસ્તાવો કરો, અને ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામો, કે તમારાં પાપનું નિવારણ થાય.” (પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૭-૪૧) જોકે, પીતર અહીંયા યહુદીઓ અને થયેલા યહુદીઓને કહી રહ્યા હતા છતાં, તે નિયમ વિરુદ્ધ કરેલા પાપના પસ્તાવાના પ્રતીકરૂપે બાપ્તિસ્મા લેવાનું જણાવી રહ્યા ન હતા. તેમના કહેવાનો અર્થ એમ પણ ન હતો કે ઈસુના નામે બાપ્તિસ્મા લેવાથી પાપ ધોવાઈ જાય છે.​—⁠પ્રેરિતોનાં કૃત્યો ૨:​૧૦.

એ પ્રસંગે, પીતરે ‘રાજ્યની કૂંચીઓમાંની’ પહેલી ચાવીનો ઉપયોગ કર્યો. કયા હેતુસર? જેથી તે તેમના સાંભળનારાઓને તેઓની સ્વર્ગના રાજ્યમાં પ્રવેશવાની તક વિષે બતાવે. (માત્થી ૧૬:૧૯) યહુદીઓએ ઈસુને મસીહ તરીકે નકારી કાઢ્યા હોવાથી, પરમેશ્વરની માફી મેળવવા તેઓ પસ્તાવો કરે અને ઈસુમાં વિશ્વાસ કરે એ નવી અને મહત્ત્વની બાબત હતી. તેઓ ઈસુ ખ્રિસ્તના નામે પાણીમાં ડૂબકી મારીને આવા વિશ્વાસનો જાહેરમાં પુરાવો આપી શકતા હતા. આ રીતે તેઓ ખ્રિસ્ત દ્વારા પરમેશ્વરને પોતાના વ્યક્તિગત સમર્પણના પ્રતીકરૂપે બાપ્તિસ્મા લેતા હતા. આજે પણ પરમેશ્વરની સ્વીકૃતિ મેળવવાનું ઇચ્છનારાઓએ એવો જ વિશ્વાસ બતાવવો જોઈએ, યહોવાહ પરમેશ્વરને પોતાનું સમર્પણ કરવું જોઈએ અને પરાત્પર પરમેશ્વરને સંપૂર્ણ સમર્પણના પ્રતીકરૂપે બાપ્તિસ્મા લેવું જોઈએ.

મહત્ત્વનું ચોકસાઈભર્યું જ્ઞાન

૮. શા માટે બધા જ લોકો ખ્રિસ્તી બાપ્તિસ્મા લઈ શકતા નથી?

દરેક વ્યક્તિ ખ્રિસ્તી બાપ્તિસ્મા લઈ શકતી નથી. ઈસુએ પોતાના શિષ્યોને આજ્ઞા આપી: “તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ; મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ.” (માત્થી ૨૮:૧૯, ૨૦) બાપ્તિસ્મા આપતા પહેલાં, ‘ઈસુએ તેમના શિષ્યોને જે આજ્ઞા આપી એ સર્વ પાળવાનું તેઓને શીખવવું’ જોઈએ. તેથી, જે લોકોને પરમેશ્વરના શબ્દનું ચોકસાઈભર્યું જ્ઞાન નથી તેઓને બળજબરીથી બાપ્તિસ્મા આપવું નકામું છે. તેમ જ, એ ઈસુએ પોતાના શિષ્યોને આપેલી આજ્ઞાની વિરુદ્ધમાં છે.​—⁠હેબ્રી ૧૧:⁠૬.

૯. ‘બાપને નામે’ બાપ્તિસ્મા લેવાનો શું અર્થ થાય છે?

‘બાપને નામે’ બાપ્તિસ્મા લેવાનો શું અર્થ થાય છે? એનો અર્થ એમ થાય છે કે બાપ્તિસ્મા લેવાનું ઇચ્છનાર ઉમેદવાર આપણા સ્વર્ગીય પિતાના હોદ્દા અને અધિકારને સ્વીકારે છે. આમ, તેઓ યહોવાહ પરમેશ્વરને આપણા ઉત્પન્‍નકર્તા તરીકે, “આખી પૃથ્વી પર પરાત્પર” અને વિશ્વ સર્વોપરી તરીકે સ્વીકારે છે.​—⁠ગીતશાસ્ત્ર ૮૩:૧૮; યશાયાહ ૪૦:૨૮; પ્રેરિતોનાં કૃત્યો ૪:​૨૪.

૧૦. ‘દીકરાને નામે’ બાપ્તિસ્મા લેવાનો શું અર્થ થાય છે?

૧૦ ‘દીકરાને નામે’ બાપ્તિસ્મા લેવાનો અર્થ, પરમેશ્વરના એકના એક પુત્ર તરીકે ઈસુની પદવી અને સત્તાને સ્વીકારવી થાય છે. (૧ યોહાન ૪:૯) બાપ્તિસ્મા માટે લાયક બનનાર વ્યક્તિ એ સ્વીકારે છે કે, પરમેશ્વરે ઈસુને “ઘણા લોકની ખંડણીને સારૂ” મોકલ્યા હતા. (માત્થી ૨૦:૨૮; ૧ તીમોથી ૨:​૫, ૬) બાપ્તિસ્માના ઉમેદવારોએ એ પણ સ્વીકારવું જોઈએ કે પરમેશ્વરે પોતાના દીકરાને ‘સર્વોચ્ચ સ્થાન’ આપ્યું છે.​—⁠ફિલિપી ૨:​૮-​૧૧, પ્રેમસંદેશ; પ્રકટીકરણ ૧૯:⁠૧૬.

૧૧. ‘પવિત્ર આત્માના નામમાં’ બાપ્તિસ્મા લેવાનો શું અર્થ થાય છે?

૧૧ ‘પવિત્ર આત્માના નામમાં’ બાપ્તિસ્મા લેવાનો શું અર્થ થાય છે? એ બતાવે છે કે બાપ્તિસ્માના ઉમેદવારો પવિત્ર આત્માને યહોવાહના સક્રિય બળ તરીકે સ્વીકારે. યહોવાહ પોતાના હેતુના સુમેળમાં વિવિધ રીતે એનો ઉપયોગ કરે છે. (ઉત્પત્તિ ૧:૨; ૨ શમૂએલ ૨૩:​૧, ૨; ૨ પીતર ૧:​૨૧) બાપ્તિસ્મા માટે લાયક બનનાર વ્યક્તિ સ્વીકારે છે કે પવિત્ર આત્મા તેઓને “દેવના ઊંડા વિચારો” સમજવા, રાજ્ય પ્રચારનું કાર્ય કરવા તેમ જ “પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ” જેવા પવિત્ર આત્માનાં ફળો વિકસાવવા મદદ કરે છે.​—⁠૧ કોરીંથી ૨:૧૦; ગલાતી ૫:​૨૨, ૨૩; યોએલ ૨:​૨૮, ૨૯.

પસ્તાવો અને પરિવર્તન જરૂરી

૧૨. કઈ રીતે ખ્રિસ્તીઓનું બાપ્તિસ્મા પસ્તાવા સાથે જોડાયેલું છે?

૧૨ નિષ્પાપી ઈસુ સિવાય, સર્વ લોકોનું બાપ્તિસ્મા આપણા પાપના પસ્તાવામાં પરમેશ્વરની સ્વીકૃતિ મેળવવા સાથે સંકળાયેલું છે. આપણે પસ્તાવો કરીએ છીએ ત્યારે, આપણે પાપ કર્યું હોય કે કંઈ કરવામાં પાછા પડ્યા હોય એ માટે પૂરા હૃદયથી દુઃખ વ્યક્ત કરીએ છીએ. પરમેશ્વરને ખુશ કરવા ઇચ્છતા પ્રથમ સદીના યહુદીઓએ, ખ્રિસ્ત વિરુદ્ધ પોતે કરેલા પાપ માટે પસ્તાવો કરવાનો હતો. (પ્રેરિતોનાં કૃત્યો ૩:​૧૧-​૧૯) કોરીંથ મંડળના અમુક વિદેશી વિશ્વાસીઓએ વ્યભિચાર, મૂર્તિપૂજા, ચોરી અને બીજા ગંભીર પાપ માટે પસ્તાવો કર્યો. તેઓના પસ્તાવાને કારણે તેઓને ઈસુના લોહીમાં “શુદ્ધ” કરવામાં આવ્યા; પરમેશ્વરની સેવા કરવા માટે તેઓને ‘પવિત્ર કરવામાં’ આવ્યા; અને ખ્રિસ્તના નામ તથા પરમેશ્વરના આત્માથી તેઓને ‘ન્યાયી જાહેર કરવામાં’ [NW] આવ્યા. (૧ કોરીંથી ૬:​૯-​૧૧) સારું અંતઃકરણ અને પરમેશ્વરની માફી મેળવવા માટે પસ્તાવો એ સૌથી મહત્ત્વનું પગલું છે.​—⁠૧ પીતર ૩:⁠૨૧.

૧૩. બાપ્તિસ્માની બાબતમાં, પરિવર્તન કરવામાં શાનો સમાવેશ થાય છે?

૧૩ યહોવાહના એક સાક્ષી બનવા બાપ્તિસ્મા લેતા પહેલાં આપણે હૃદય પરિવર્તન કરવું જ જોઈએ. ઈસુ ખ્રિસ્તના શિષ્ય બનવાનો પૂરા હૃદયથી નિર્ણય લેનારાઓ સ્વેચ્છાથી પોતાનામાં બદલાણ લાવે છે. તેઓ પોતાની અગાઉની રહેણીકરણીમાં ફેરફારો કરીને ખોટાં કામો છોડી દે છે અને યહોવાહની નજરમાં જે સાચું છે એ કરવાનો સંકલ્પ કરે છે. બાઇબલમાં પરિવર્તન માટેના હેબ્રી અને ગ્રીક ક્રિયાપદો, પાછા ફરવાને કે પાછા વળવાને દર્શાવે છે. એ ખોટા માર્ગેથી પરમેશ્વર તરફ પાછા ફરવાને બતાવે છે. (૧ રાજા ૮:​૩૩, ૩૪) પરિવર્તન કરવામાં ‘પસ્તાવો કરનારને છાજે એવાં કૃત્યો કરવાંનો’ સમાવેશ થાય છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૨૦) એમાં જૂઠી ઉપાસનાને છોડી દઈને પરમેશ્વરની આજ્ઞાના સુમેળમાં કાર્ય કરવાની અને યહોવાહની અનન્ય ભક્તિ કરવાની જરૂર છે. (પુનર્નિયમ ૩૦:​૨, ૮-​૧૦; ૧ શમૂએલ ૭:⁠૩) પરિવર્તન કર્યા પછી, આપણા વિચારો, વલણ અને વ્યક્તિત્વમાં ઘણા ફેરફારો જોવા મળે છે. (હઝકીએલ ૧૮:૩૧) આપણે ખરાબ બાબતોથી ‘ફરીને’ નવું માણસપણું પહેરીએ છીએ.​—⁠પ્રેરિતોનાં કૃત્યો ૩:​૧૯; એફેસી ૪:​૨૦-​૨૪; કોલોસી ૩:​૫-​૧૪.

પૂરા હૃદયથી સમર્પણ મહત્ત્વનું છે

૧૪. ખ્રિસ્તના અનુયાયીઓનું સમર્પણ શું બતાવે છે?

૧૪ ઈસુના અનુયાયીઓએ પૂરા હૃદયથી પરમેશ્વરને સમર્પણ કર્યા પછી જ બાપ્તિસ્મા લેવું જોઈએ. સમર્પણ એ પવિત્ર હેતુ માટે અલગ રાખવાને બતાવે છે. આ પગલું એટલું મહત્ત્વનું છે કે આપણે હંમેશ માટે તેમની અનન્ય ભક્તિ કરવા તેમને પોતાનું સમર્પણ કરીએ છીએ એ પ્રાર્થનામાં વ્યક્ત કરવું જોઈએ. (પુનર્નિયમ ૫:૯) હા, આપણે કોઈ ખાસ કાર્યમાં કે માનવીઓને નહિ પરંતુ પરમેશ્વરને પોતાનું સમર્પણ કરીએ છીએ.

૧૫. શા માટે બાપ્તિસ્માના ઉમેદવારો પાણીમાં ડૂબકી મારે છે?

૧૫ આપણે ખ્રિસ્ત દ્વારા પરમેશ્વરને પોતાનું સમર્પણ કરીએ છીએ ત્યારે, બાઇબલમાં જણાવેલી પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે જીવવાના આપણા નિર્ણયને વ્યક્ત કરીએ છીએ. ઈસુએ યરદન નદીમાં બાપ્તિસ્મા લઈને પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે કરવાને પોતાને રજૂ કર્યા હતા તેમ, સમર્પણના પ્રતીકરૂપે, બાપ્તિસ્માના ઉમેદવારો પાણીમાં ડૂબકી મારે છે. (માત્થી ૩:​૧૩) એ નોંધપાત્ર છે કે એ બહુ મહત્ત્વના પ્રસંગે ઈસુએ પ્રાર્થના પણ કરી હતી.​—⁠લુક ૩:​૨૧, ૨૨.

૧૬. આપણે લોકોને બાપ્તિસ્મા લેતા જોઈએ ત્યારે, કઈ રીતે આપણા આનંદને યોગ્ય રીતે વ્યક્ત કરી શકીએ?

૧૬ ઈસુનું બાપ્તિસ્મા એ ખૂબ જ મહત્ત્વનો પરંતુ આનંદી પ્રસંગ હતો. એવી જ રીતે, ખ્રિસ્તી તરીકે આજે જે બાપ્તિસ્મા લેવામાં આવે છે એ ગંભીર પણ આનંદનો પ્રસંગ છે. આપણે લોકોને પરમેશ્વરને પોતાનું સમર્પણ કરીને બાપ્તિસ્મા લેતા જોઈએ છીએ ત્યારે, તાળીઓથી અભિવાદન કરીને આપણો આનંદ વ્યક્ત કરી શકીએ. પરંતુ, વિશ્વાસના આ વક્તવ્યની પવિત્રતા જાળવવા આપણે કિકિયારીઓ પાડવી કે સીટી વગાડવી જેવી બાબતોને ટાળીએ છીએ. આપણે આદરણીય રીતે પોતાના આનંદને વ્યક્ત કરીએ છીએ.

૧૭, ૧૮. કઈ બાબત એ જાણવા મદદ કરે છે કે વ્યક્તિ બાપ્તિસ્મા માટે લાયક છે કે નહિ?

૧૭ બાળકો પર પાણી છાંટીને કે બાઇબલનું કંઈ પણ જ્ઞાન ન હોય એવા લોકોને સમૂહમાં બળજબરીથી બાપ્તિસ્મા આપવામાં આવે છે એનાથી ભિન્‍ન, યહોવાહના સાક્ષીઓ કદી પણ કોઈને બાપ્તિસ્મા લેવા દબાણ કરતા નથી. હકીકતમાં તો, તેઓ યોગ્ય આત્મિક જ્ઞાન ન ધરાવતી વ્યક્તિઓને બાપ્તિસ્મા પણ આપતા નથી. અરે, કોઈ વ્યક્તિ બાપ્તિસ્મા નહિ લીધેલા પ્રકાશક તરીકે સુસમાચારની પ્રચારક બને એ પહેલાં પણ, ખ્રિસ્તી વડીલો ખાતરી કરે છે કે તે બાઇબલના પાયાના શિક્ષણને સમજે છે, એના સુમેળમાં જીવન જીવે છે અને “શું તમે ખરેખર યહોવાહના સાક્ષી બનવા માંગો છો?” જેવા પ્રશ્નોનો હકારમાં જવાબ આપે છે.

૧૮ મોટા ભાગના કિસ્સાઓમાં, વ્યક્તિ રાજ્ય પ્રચારના કાર્યમાં અર્થસભર ભાગ લે અને બાપ્તિસ્મા લેવાની ઇચ્છા વ્યક્ત કરે ત્યારે, વડીલો તેમની સાથે ચર્ચાની ગોઠવણ કરે છે. આમ, તેઓ ખાતરી કરે છે કે યહોવાહને સમર્પણ કરનાર વ્યક્તિ વિશ્વાસુ છે અને તે બાપ્તિસ્મા માટેની પરમેશ્વરની જરૂરિયાત પ્રમાણે ચાલે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૪:૪; ૧૮:⁠૮) વડીલો વ્યક્તિને બાઇબલ શિક્ષણ પર આધારિત ૧૦૦ કરતાં વધારે સવાલ પૂછે છે. વ્યક્તિના જવાબ, વડીલોને એ નક્કી કરવામાં મદદ કરે છે કે તેનામાં બાપ્તિસ્મા માટે જરૂરી આત્મિક જ્ઞાન છે કે નહિ. કેટલાક લોકો લાયક બનતા ન હોવાથી તેઓને ખ્રિસ્તી બાપ્તિસ્મા આપવામાં આવતું નથી.

તમને પગલાં લેતા કોણ રોકે છે?

૧૯. યોહાન ૬:૪૪ પ્રમાણે, ઈસુના સહવારસો કોણ હશે?

૧૯ બળજબરીથી સમૂહમાં બાપ્તિસ્મા લેનારાઓને એવું કહેવામાં આવ્યું હોય શકે કે તેઓ મરણ પછી સ્વર્ગમાં જશે. પરંતુ ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું: “મારા બાપે મને મોકલ્યો છે, તેના ખેંચ્યા વિના કોઈ માણસ મારી પાસે આવી નથી શકતો.” (યોહાન ૬:​૪૪) યહોવાહે ૧,૪૪,૦૦૦ને ખ્રિસ્ત પાસે ખેંચ્યા છે કે જેઓ સ્વર્ગના રાજ્યમાં ઈસુના સહવારસ હશે. વળી, બળજબરીથી આપેલું બાપ્તિસ્મા કદી પણ કોઈ વ્યક્તિને પરમેશ્વરની આ મહિમાવંત ગોઠવણ માટે પવિત્ર કરી શકે નહિ.​—⁠રૂમી ૮:​૧૪-​૧૭; ૨ થેસ્સાલોનીકી ૨:​૧૩; પ્રકટીકરણ ૧૪:⁠૧.

૨૦. બાપ્તિસ્મા ન લીધું હોય એવી વ્યક્તિઓને શું મદદ કરી શકે?

૨૦ ખાસ કરીને ૧૯૩૦ના દાયકાની મધ્યેથી, મોટું ટોળું “મોટી વિપત્તિમાંથી” બચવાની અને પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા રાખીને ઈસુના “બીજાં ઘેટાં” સાથે જોડાયું છે. (પ્રકટીકરણ ૭:૯, ૧૪; યોહાન ૧૦:૧૬) તેઓ બાપ્તિસ્મા માટે લાયક છે કેમ કે તેઓ પરમેશ્વરના શબ્દના સુમેળમાં જીવન જીવીને તેમને ‘ખરા હૃદયથી, ખરા જીવથી તથા પૂરા સામર્થ્યથી’ પ્રેમ કરે છે. (લુક ૧૦:૨૫-૨૮) જોકે, કેટલાક લોકો જાણે છે કે યહોવાહના સાક્ષીઓ ‘આત્માથી તથા સત્યતાથી દેવને ભજે છે’ છતાં, તેઓએ ખ્રિસ્તના ઉદાહરણને અનુસરીને બાપ્તિસ્મા લીધું નથી. આમ, તેઓએ યહોવાહ માટેના ખરા પ્રેમ અને અનન્ય ભક્તિનો જાહેરમાં પુરાવો આપ્યો નથી. (યોહાન ૪:૨૩, ૨૪; પુનર્નિયમ ૪:૨૪; માર્ક ૧:૯-૧૧) આ મહત્ત્વનું પગલું લેવા વિષે તેઓ ખંતપૂર્વક પ્રાર્થનામાં મંડ્યા રહેશે તો, યહોવાહને પૂરેપૂરું સમર્પણ કરીને બાપ્તિસ્મા લેવા અને તેમના શબ્દ પ્રમાણે કરવામાં તેઓને ઉત્તેજન અને હિંમત મળશે.

૨૧, ૨૨. કયા કારણોસર અમુક લોકો સમર્પણ અને બાપ્તિસ્મા લેતા નથી?

૨૧ કેટલાક લોકો સમર્પણ અને બાપ્તિસ્મા લેવાથી પાછા પડે છે કારણ કે તેઓ દુન્યવી બાબતોમાં કે ધનસંપત્તિ પાછળ એટલા બધા રચ્યાપચ્યા રહે છે કે તેઓને આત્મિક બાબતો માટે કોઈ સમય મળતો નથી. (માત્થી ૧૩:૨૨; ૧ યોહાન ૨:૧૫-૧૭) જો તેઓ પોતાના વિચારો અને ધ્યેયોને બદલે તો, કેટલા સુખી થશે! યહોવાહની નજીક આવવાથી તેઓ આત્મિક રીતે સમૃદ્ધ થશે અને તેઓને ચિંતાઓ હળવી કરવામાં પણ મદદ મળશે. એનાથી તેઓને સાચી શાંતિ અને સંતોષ મળશે કે જે પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે કરવાથી મળે છે.​—⁠ગીતશાસ્ત્ર ૧૬:૧૧; ૪૦:૮; નીતિવચનો ૧૦:૨૨; ફિલિપી ૪:૬, ૭.

૨૨ બીજા લોકો કહે છે કે તેઓ યહોવાહને પ્રેમ કરે છે પરંતુ તેઓને સમર્પણ કરીને બાપ્તિસ્મા લેવું નથી. કારણ કે તેઓ એવું વિચારે છે કે એનાથી પરમેશ્વર પ્રત્યેની પોતાની જવાબદારીને ટાળી શકાશે. પરંતુ, આપણે સર્વએ યહોવાહને હિસાબ આપવો જ પડશે. હા, આપણે પહેલી વાર યહોવાહના શબ્દ વિષે સાંભળ્યું, ત્યારથી જ આપણા પર જવાબદારી આવે છે. (હઝકીએલ ૩૩:૭-૯; રૂમી ૧૪:૧૨) ‘પસંદ કરેલી પ્રજા’ તરીકે પ્રાચીન ઈસ્રાએલીઓ યહોવાહને સમર્પિત રાષ્ટ્રમાં જન્મતા હતા આથી, તેમના નિયમ પ્રમાણે વિશ્વાસુપણે સેવા કરવાની તેઓની ફરજ હતી. (પુનર્નિયમ ૭:૬, ૧૧) જોકે, આજે કોઈ પણ વ્યક્તિ જન્મથી જ પરમેશ્વરની વિશ્વાસુ સેવક બની જતી નથી પરંતુ, એ માટે તેણે બાઇબલનું ચોકસાઈભર્યું જ્ઞાન લઈને એમાં વિશ્વાસથી ચાલવું જોઈએ.

૨૩, ૨૪. કયા ભયથી કોઈએ પણ બાપ્તિસ્મા લેતા પાછા ન પડવું જોઈએ?

૨૩ કેટલાક લોકો, મારી પાસે પૂરતું જ્ઞાન નથી એવા ભયથી બાપ્તિસ્મા લેતા પાછા પડી શકે. તોપણ આપણે સર્વએ હજુ ઘણું શીખવાનું બાકી છે કેમ કે “અથથી તે ઈતિ સુધી ઇશ્વરે જે કંઈ કર્યું છે તેનો માણસ પાર પામી શકે નહિ.” (સભાશિક્ષક ૩:૧૧) હબશી ખોજાનો વિચાર કરો. તેણે યહુદી ધર્મ અપનાવ્યો હોવાથી, તેની પાસે શાસ્ત્રવચનોનું થોડું ઘણું જ્ઞાન હતું, પરંતુ તે પરમેશ્વરના હેતુ વિષે પૂછવામાં આવેલા દરેક પ્રશ્નનો જવાબ આપી શક્યો નહિ. તેમ છતાં, ઈસુના ખંડણી બલિદાન દ્વારા યહોવાહે કરેલી તારણની ગોઠવણ વિષે શીખ્યા પછી, ખોજાએ તરત જ પાણીનું બાપ્તિસ્મા લીધું.​—⁠પ્રેરિતોનાં કૃત્યો ૮:૨૬-૩૮.

૨૪ કેટલાક લોકો એવા ભયથી પરમેશ્વરને સમર્પણ કરતા ખચકાય છે કે તેઓ પોતાના સમર્પણ પ્રમાણે જીવી શકશે નહિ. સત્તર વર્ષની મોનિકા કહે છે, “હું મારા સમર્પણ પ્રમાણે જીવી નહિ શકું એવા ભયથી બાપ્તિસ્મા લેતી ન હતી.” તેમ છતાં, જો આપણે પૂરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખીશું તો, ‘તે આપણા રસ્તા પાધરા કરશે.’ તે આપણને તેમના વિશ્વાસુ સમર્પિત સેવકો તરીકે ‘સત્યમાં ચાલવા’ મદદ કરશે.​—⁠નીતિવચનો ૩:૫, ૬; ૩ યોહાન ૪.

૨૫. હવે કયા પ્રશ્નની ચર્ચા કરવામાં આવશે?

૨૫ યહોવાહમાં પૂરેપૂરો વિશ્વાસ અને તેમને હૃદયપૂર્વક પ્રેમ કરતા હોવાથી, દર વર્ષે લાખો લોકો તેમને સમર્પણ કરીને બાપ્તિસ્મા લેવા પ્રેરાયા છે. હા, યહોવાહના સર્વ સમર્પિત સેવકો તેમને વિશ્વાસુ રહેવા ઇચ્છે છે. જોકે, આપણે સંકટના વખતોમાં જીવી રહ્યા હોવાથી, આપણા વિશ્વાસની વિવિધ કસોટીઓનો સામનો કરવો પડે છે. (૨ તીમોથી ૩:૧-૫) આપણે આપણા સમર્પણ પ્રમાણે જીવવા શું કરી શકીએ? એ વિષે હવે પછીના લેખમાં ચર્ચા કરવામાં આવશે.

[ફુટનોટ]

^ ઈસુ નિષ્કલંક હોવાથી, તેમણે પસ્તાવારૂપે બાપ્તિસ્મા લીધું ન હતું. તેમનું બાપ્તિસ્મા એમ બતાવતું હતું કે તેમણે સ્વર્ગના પિતાની ઇચ્છા પ્રમાણે કરવા પોતાને રજૂ કર્યા છે.​—⁠હેબ્રી ૭:​૨૬; ૧૦:​૫-​૧૦.

શું તમને યાદ છે?

• ખ્રિસ્તી બાપ્તિસ્મા કઈ રીતે આપવામાં આવે છે?

• બાપ્તિસ્મા લેવા માટે કયું જ્ઞાન જરૂરી છે?

• સાચા ખ્રિસ્તીઓએ બાપ્તિસ્મા લેતા પહેલાં કયા પગલાં લેવા જોઈએ?

• શા માટે કેટલાક લોકો બાપ્તિસ્મા લેવામાં પાછા પડે છે, પરંતુ તેઓને કઈ રીતે મદદ કરી શકાય?

[Questions]

[પાન ૧૪ પર ચિત્રો]

શું તમે જાણો છો કે ‘પિતા, પુત્ર અને પવિત્ર આત્માને નામે’ બાપ્તિસ્મા લેવાનો શું અર્થ થાય છે?