શીખવામાં કોઈ ઉંમર નડતી નથી
શીખવામાં કોઈ ઉંમર નડતી નથી
કિસનીયાનો જન્મ ૧૮૯૭માં થયો હતો. તેમને ૩ દીકરીઓ, એક દીકરો, ૧૫ પૌત્ર-પૌત્રીઓ અને ૨૫ પ્રપૌત્રો-પૌત્રીઓ હતા. આખું જીવન તેમણે પોતાના માબાપે જે શીખવ્યું હતું એ જ પ્રમાણે ગાળ્યું. તે કાળા સમુદ્ર અને કૉકેસસ પર્વતોની વચ્ચે આવેલા યુદ્ધગ્રસ્ત અબકાઝ રિપબ્લિકમાંથી શરણાર્થી તરીકે મૉસ્કોમાં આવ્યા હતા. તેમ છતાં, તે પોતાના જીવનથી અને એમાંય ખાસ કરીને પોતાને વારસામાં મળેલા ધર્મથી ખૂબ સંતુષ્ટ હતા.
વર્ષ ૧૯૯૩માં, કિસનીયાની દીકરી, મેરી યહોવાહની સાક્ષી બની. મેરીએ પોતાની માતાને યહોવાહ પરમેશ્વર અને બાઇબલ વિષે જણાવવાનું શરૂ કર્યું. પરંતુ, તે સાંભળવા ઇચ્છતા ન હતા. કિસનીયા પોતાની દીકરીને કહેતા કે, “હું તો હવે ઘરડી થઈ, હવે હું શું નવું શીખવાની છું?”
તોપણ, તેમની દીકરી મેરી; તેમના પૌત્રની પત્ની લૉન્ડા અને તેમની પ્રપૌત્રીઓ નાના અને ઝાઝા તેમની સાથે બાઇબલ વિષે વાત કરતા રહેતા. તેઓ પણ યહોવાહના સાક્ષીઓ બન્યા હતા. વર્ષ ૧૯૯૯ની એક સાંજે, તેઓએ કિસનીયા સામે એક કલમ વાંચી કે જે તેમના હૃદયને સ્પર્શી ગઈ. એ ઉત્તેજનકારક શબ્દો, ઈસુએ પ્રભુના સાંજના ભોજનની સ્થાપના કરતી વખતે પોતાના પ્રેષિતોને કહ્યા હતા. (લુક ૨૨:૧૯, ૨૦) કિસનીયાએ ૧૦૨ વર્ષની ઉંમરે, બાઇબલ અભ્યાસ કરવાનો નિશ્ચય કર્યો.
કિસનીયા કહે છે, “૧૦૨ વર્ષ જીવ્યા પછી મને છેવટે જીવનનો અર્થ સમજાયો. હવે હું જાણું છું કે આપણા અદ્ભુત, પ્રેમાળ પરમેશ્વર યહોવાહની ઉપાસના કરવા સિવાય જીવનમાં બીજું કંઈ ઉત્તમ નથી. હું આજે પણ સક્રિય અને તંદુરસ્ત છું. હું હજુ પણ ચશ્મા વગર વાંચી શકું છું અને મારા કુટુંબ સાથે ઉત્સાહી સંગત રાખી શકું છું.”
નવેમ્બર ૫, ૨૦૦૦ના રોજ કિસનીયાએ બાપ્તિસ્મા લીધું. તે કહે છે, “હવે હું પૂરા દિલથી યહોવાહની સેવામાં મારું જીવન આપું છું. હું મારા ઘર નજીક આવેલા બસ સ્ટૉપમાં બેસીને સામયિકો અને પત્રિકાઓ આપું છું. સગાઓ અવારનવાર મારી મુલાકાતે આવતા હોય છે અને હું ખુશીથી તેઓને યહોવાહ વિષે સત્ય બતાવું છું.”
કિસનીયા એ દિવસની રાહ જોઈ રહ્યા છે જ્યારે ‘તેમનું માંસ બાળકના કરતાં પણ નીરોગી થશે અને તે જુવાનીની સ્થિતિ પાછી પ્રાપ્ત કરશે.’ (અયૂબ ૩૩:૨૫) જો સો કરતાં વધારે વયની વ્યક્તિ પણ બાઇબલમાંથી જીવનનો અર્થ સમજવામાં મોડું ન કરતી હોય તો, તમારા વિષે શું?
[પાન ૩૨ પર ચિત્રનું મથાળું]
તમને મુલાકાત ગમશે?
આ મુશ્કેલીભર્યા જગતમાં પણ, તમે સુખી થઈ શકો. કઈ રીતે? એ માટે તમે પરમેશ્વર, તેમનું રાજ્ય અને માણસજાત માટેના તેમના અદ્ભુત હેતુ વિષે બાઇબલનું ચોકસાઈભર્યું જ્ઞાન લો. તમને વધુ માહિતી જોઈતી હોય અથવા કોઈ તમારા ઘરે આવીને તમારી સાથે વિના મૂલ્યે બાઇબલ અભ્યાસ ચલાવે એવું ઇચ્છતા હો તો, યહોવાહના સાક્ષીઓને Jehovah’s Witnesses, The Ridgeway, London NW7 1RN અથવા પાન ૨ પર આપવામાં આવેલાં યોગ્ય સરનામે લખો.