સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સાવધ રહો અને હિંમતથી આગળ વધો!

સાવધ રહો અને હિંમતથી આગળ વધો!

સાવધ રહો અને હિંમતથી આગળ વધો!

ખાસ સભાઓનો અહેવાલ

આપણે ‘સંકટના વખતોમાં’ જીવી રહ્યા છીએ એનો કોણ નકાર કરી શકે? યહોવાહના સાક્ષીઓ તરીકે, આપણે આ “છેલ્લા સમયમાં” જીવનનાં દબાણોથી મુક્ત નથી. (૨ તીમોથી ૩:​૧-૫) પરંતુ, આપણે સમજીએ છીએ કે લોકોને મદદની જરૂર છે. તેઓ જગતના બનાવોનો અર્થ સમજતા નથી. તેઓને સાંત્વના અને આશાની જરૂર છે. તેથી, આપણા સાથી માનવીઓને મદદ કરવામાં આપણી કઈ ભૂમિકા છે?

પરમેશ્વરે આપણને તેમના રાજ્યના સુસમાચાર જાહેર કરવાની આજ્ઞા આપી છે. (માત્થી ૨૪:૧૪) લોકોએ જાણવાની જરૂર છે કે તેમનું સ્વર્ગીય રાજ્ય જ માણસજાત માટે એકમાત્ર આશા છે. તેમ છતાં, બધા લોકો કંઈ આપણો સંદેશો સાંભળતા નથી. કેટલાક દેશોમાં આપણા કાર્ય પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આપણા ભાઈઓની ઘણી સતાવણી કરવામાં આવી છે. તોપણ, આપણે પ્રચાર કરવાનું પડતું મૂકતા નથી. યહોવાહમાં પૂરો ભરોસો રાખીને, આપણે સાવધ રહેવાનો અને હિંમતથી સુસમાચાર પ્રગટ કરતા રહેવાનો સંકલ્પ કર્યો છે.​—⁠પ્રેરિતોનાં કૃત્યો ૫:​૪૨.

ઑક્ટોબર ૨૦૦૧માં યોજવામાં આવેલી ખાસ સભાઓ એ દૃઢ સંકલ્પનો પુરાવો હતી. ઑક્ટોબર ૬, શનિવારના રોજ અમેરિકામાં ન્યૂ જર્સીના જર્સી શહેરમાં, યહોવાહના સાક્ષીઓના સંમેલન હોલમાં વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી ઑફ પેન્સીલ્વેનિયાની વાર્ષિક સભા ભરવામાં આવી હતી. * બીજા દિવસે, ચાર સ્થળે બીજી વધારાની સભાઓ આયોજિત કરવામાં આવી. એમાંથી ત્રણ અમેરિકામાં અને એક કૅનેડામાં રાખવામાં આવી હતી. *

વાર્ષિક સભાના સભાપતિ અને યહોવાહના સાક્ષીઓના નિયામક જૂથના સભ્ય શમૂએલ એફ. હર્ડે પોતાના શરૂઆતના શબ્દોમાં ગીતશાસ્ત્ર ૯૨:​૧, ૪નો ઉલ્લેખ કરતા જણાવ્યું: “આપણે આભારી થવું જ જોઈએ.” ખરેખર, જગત ફરતેથી મળેલા પાંચ અહેવાલો આભારી થવાનાં કારણો આપે છે.

જગત ફરતેથી મળેલા અહેવાલો

ભાઈ એલ્ફ્રડ ક્વેકએ અગાઉ ગોલ્ડ કોસ્ટથી જાણીતા ઘાનામાં થઈ રહેલા પ્રચાર કાર્યની પ્રગતિનો અહેવાલ આપ્યો. એ દેશમાં આપણા કાર્ય પર ઘણાં વર્ષોથી પ્રતિબંધ હતો. લોકો પૂછતા: “શા માટે પ્રતિબંધ? તમે શું કર્યું છે?” ભાઈ ક્વેકએ જણાવ્યું કે એ પ્રશ્નોએ સાક્ષી આપવાની સારી તકો ઊભી કરી. ઘાનામાં ૧૯૯૧માં પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો ત્યારે ૩૪,૪૨૧ યહોવાહના સાક્ષીઓ હતા. ઑગસ્ટ ૨૦૦૧માં એમાં ૯૮ ટકા વધારો થયો, એટલે કે કુલ સંખ્યા ૬૮,૧૫૨ સુધી પહોંચી. હવે દસ હજાર લોકો બેસી શકે એવો સંમેલન હૉલ પણ બંધાઈ રહ્યો છે. હા, દેખીતી રીતે જ ઘાનાના આપણા આત્મિક ભાઈબહેનો પોતાની ધાર્મિક સ્વતંત્રતાનો સારો એવો ઉપયોગ કરી રહ્યા છે.

રાજકીય ઊથલપાથલ હોવા છતાં, આયર્લૅન્ડના આપણા ભાઈઓ સક્રિય રીતે સેવાકાર્યમાં ભાગ લઈ રહ્યા છે અને તેઓના તટસ્થ સ્થાનની કદર પણ કરવામાં આવી છે. શાખાના કૉઓર્ડીનેટર પીટર એન્ડ્રુએ જણાવ્યું કે આયર્લૅન્ડમાં છ સરકીટમાં ૧૧૫ મંડળો છે. ભાઈ એન્ડ્રુએ દસ વર્ષના લીમાનો અનુભવ કહ્યો, જે નિર્ભયતાથી શાળામાં સાક્ષી આપે છે. તેણે પોતાના વર્ગશિક્ષક સહિત ૨૫ સહાદ્યાયીઓને યહોવાહના સાક્ષીઓએ પ્રકાશિત કરેલી, બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તકની પ્રત આપી. લીમા બાપ્તિસ્મા લેવા ઇચ્છતો હતો પરંતુ, કોઈકે કહ્યું કે એ માટે તું બહુ નાનો છે. લીમાએ જવાબ આપ્યો: “મારી ઉંમરથી નહીં પણ યહોવાહ પ્રત્યેના મારા પ્રેમથી એ નક્કી કરવું જોઈએ. મારું બાપ્તિસ્મા બતાવશે કે હું યહોવાહને કેટલો પ્રેમ કરું છું.” લીમાનો ધ્યેય મિશનરી બનવાનો છે.

વેનેઝુએલામાં ૧૯૬૮માં સુસમાચારના ૫,૪૦૦ પ્રકાશકો હતા. શાખાના કૉઓર્ડીનેટર સ્ટીવન જૉહાનસને જણાવ્યું કે હવે ત્યાં ૮૮,૦૦૦ કરતાં વધારે પ્રકાશકો છે. વળી, ત્યાં પુષ્કળ વધારો થવાની પણ શક્યતા છે, કેમ કે વર્ષ ૨૦૦૧માં સ્મરણ પ્રસંગે ૨,૯૬,૦૦૦ કરતાં વધારે હાજરી હતી. ડિસેમ્બર, ૧૯૯૯માં મુશળધાર વરસાદથી લપસી જવાય એવા કાદવને કારણે અંદાજે ૫૦,૦૦૦ લોકો માર્યા ગયા. એમાં કેટલાક સાક્ષીઓ પણ હતા. એક રાજ્યગૃહમાં કાદવ લગભગ છત સુધી પહોંચવામાં અડધા મીટર બાકી હતો. કોઈકે એ મકાન છોડી દેવા વિષે સૂચવ્યું ત્યારે ભાઈઓએ જવાબ આપ્યો: “બિલકુલ નહીં! આ અમારું રાજ્યગૃહ છે અને અમે એને ક્યારેય તજીશું નહિ.” તેઓએ પછી રાજ્યગૃહમાંથી ઢગલેબંધ કાદવ, પથ્થર અને બીજી ભંગાર વસ્તુઓને કાઢવાનું શરૂ કર્યું. એ મકાનને ફરીથી સમારકામ કરીને તૈયાર કરવામાં આવ્યું. ભાઈઓ કહે છે કે વિનાશક તોફાન આવ્યા પહેલાંના રાજ્યગૃહ કરતાં હવે એ વધારે સુંદર લાગે છે!

ફિલિપાઈન્સની શાખાના કૉઓર્ડીનેટર ભાઈ ડેનટન હૉપકીનસને કહ્યું કે ત્યાં ૮૭ ભાષાઓ અને બોલીઓ બોલાય છે. ગયા વર્ષના સેવા વર્ષ દરમિયાન, દેશની ત્રણ મુખ્ય ભાષાઓ સેબુઆનો, ઈલોકો અને ટાગાલોગમાં પવિત્ર શાસ્ત્રવચનોનું નવી દુનિયાનું ભાષાંતર (અંગ્રેજી) આખું બાઇબલ બહાર પાડવામાં આવ્યું. ભાઈ હૉપકીનસને નવ વર્ષના છોકરાનો અનુભવ કહ્યો. તેણે યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત સુસમાચાર તમને સુખી કરવા માટે પુસ્તક વાંચ્યું. પછી તેણે શાખામાંથી બીજાં પુસ્તકો મંગાવ્યાં અને એને પણ વાંચ્યાં. પરંતુ, તેનું કુટુંબ તેનો વિરોધ કરતું હતું. વર્ષો પછી તે મેડિકલ કૉલેજમાં હતો ત્યારે, તેણે શાખાનો સંપર્ક સાધ્યો અને બાઇબલ અભ્યાસ માટે વિનંતી કરી. તેણે ૧૯૯૬માં બાપ્તિસ્મા લીધું અને જલદી જ તે પૂરા સમયના સેવાકાર્યમાં જોડાયો. હવે તે તેની પત્ની સાથે શાખા કચેરીમાં સેવા આપે છે.

‘પોર્ટો રિકો “સાક્ષીઓની નિકાસ” કરે છે,’ ત્યાંની શાખાના કૉઓર્ડીનેટર રોનાલ્ડ પાર્કિને જણાવ્યું. એ ટાપુ પર લગભગ ૨૫,૦૦૦ પ્રકાશકો છે અને વર્ષોથી તેઓની એટલી જ સંખ્યા છે. શા માટે? અંદાજ લગાવવામાં આવે છે કે પોર્ટો રિકો લગભગ ૧૦૦૦ પ્રકાશકોને દર વર્ષે અમેરિકામાં “નિકાસ” કરે છે, જેઓમાંના મોટા ભાગના નોકરી કે વ્યવસાયને લીધે નવા સ્થળે જતા હોય છે. ભાઈ પાર્કિને લ્યુકેમિયા થયેલા ૧૭ વર્ષના સાક્ષી લુઈસના કેસમાં અદાલતે આપેલા ખાસ ચુકાદા વિષે કહ્યું. લુઈસે લોહી લેવાનો નકાર કર્યો હોવાથી, તેના કેસને અદાલતમાં લઈ જવામાં આવ્યો હતો. ન્યાયાધીશ લુઈસ સાથે વ્યક્તિગત વાત કરવા માગતા હોવાથી તેમણે હૉસ્પિટલમાં તેની મુલાકાત લીધી. લુઈસે તેમને પૂછ્યું: “જો હું ગંભીર ગુનો કરું તો તમે મને પુખ્ત વયનો ગણી એ પ્રમાણે ન્યાય કરશો, પરંતુ હું પરમેશ્વરને આધીન રહેવા ઇચ્છું છું ત્યારે તમે મને એક સગીર વયનો કેમ ગણો છો?” ન્યાયાધીશને ખાતરી થઈ કે તે એક પરિપક્વ વ્યક્તિ છે અને પોતાનો નિર્ણય લઈ શકે છે.

આમ, દુનિયાના અનેક ભાગોના અહેવાલો જોયા પછી યુ.એસ. શાખા સમિતિના સભ્ય હેરોલ્ડ કૉકરે દાયકાઓથી યહોવાહની સેવા કરતા ચાર સેવકોના ઇન્ટર્વ્યૂં લીધા. ભાઈ આર્થર બૉનો ૫૧ વર્ષથી પૂરા સમયના સેવાકાર્યમાં છે અને હમણાં તે ઇક્વેડોરની શાખા સમિતિના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. ઍન્જાલો કાટેનજારોએ ૫૯ વર્ષ પૂરા સમયનું સેવા કાર્ય કર્યું છે જેમાં મોટા ભાગે તેમણે પ્રવાસી નિરીક્ષક તરીકે સેવા આપી. રીચર્ડ એબ્રાહમસન ૧૯૫૩માં ગિલયડ સ્કૂલમાંથી સ્નાતક થયા હતા. બ્રુકલિન બેથેલમાં પાછા ફરતા પહેલાં તેમને ૨૬ વર્ષ ડેનમાર્કમાં નિરીક્ષક તરીકે કાર્ય કરવાનો લહાવો મળ્યો હતો. અંતે, ૯૬ વર્ષના કેરી ડબલ્યુ. બાર્બર પાસેથી સાંભળીને સર્વને આનંદ થયો. તેમણે ૧૯૨૧માં બાપ્તિસ્મા લીધું હતું અને ૭૮ વર્ષથી પૂરા સમયના સેવાકાર્યમાં છે. તે ૧૯૭૮થી નિયામક જૂથના સભ્ય છે.

ઉત્તેજનભર્યા વાર્તાલાપો

વાર્ષિક સભામાં વિચારોત્તેજક વાર્તાલાપો પણ આપવામાં આવ્યા. ભાઈ રોબર્ટ ડબલ્યુ. વોલેને “તેમના નામની ખાતર લોકો” વિષય પર વાર્તાલાપ આપ્યો. આપણી ઓળખ પરમેશ્વરના નામ સાથે જોડાયેલી છે અને ૨૩૦ કરતાં વધારે દેશોમાં આપણા લોકો જોવા મળે છે. યહોવાહે આપણને ‘ભવિષ્યની આશા’ આપી છે. (યિર્મેયાહ ૨૯:૧૧) દિલાસા અને સાંત્વનાના અદ્‍ભુત સંદેશાના સહભાગી થઈને આપણે પરમેશ્વરના રાજ્યને જાહેર કરતા રહેવું જોઈએ. (યશાયાહ ૬૧:૧) ભાઈ વોલેને સમાપ્તિમાં કહ્યું કે “આપણે યહોવાહના સાક્ષીઓના નામથી ઓળખાતા હોવાથી, એ નામ પ્રમાણે આપણે રોજિંદા જીવનમાં જીવતા રહીએ.”​—⁠યશાયાહ ૪૩:૧૦.

કાર્યક્રમનો છેલ્લો ભાગ પરિસંવાદમાં હતો જેને નિયામક જૂથના ત્રણ સભ્યોએ આપ્યો. એનો વિષય હતો, “સાવધ રહેવાનો, દૃઢ બનવાનો અને બળવાન થવાનો આ જ સમય છે.”​—⁠૧ કોરીંથી ૧૬:૧૩.

“આ છેલ્લા સમયમાં સાવધ રહો” વિષય પર ભાઈ સ્ટીવન લેટે પ્રથમ વાર્તાલાપ આપ્યો. ભાઈ લેટે સમજાવ્યું કે ઊંઘ એ એક ભેટ છે જે આપણને શક્તિ અને તાજગી આપે છે. પરંતુ, આત્મિક ઊંઘ લાભકારક નથી. (૧ થેસ્સાલોનીકી ૫:૬) તો પછી, આપણે કઈ રીતે આત્મિક રીતે સાવધ રહી શકીએ? ભાઈ લેટે ત્રણ આત્મિક “દવાઓ” વિષે જણાવ્યું: (૧) પ્રભુના કામમાં સદા મચ્યા રહેવું. (૧ કોરીંથી ૧૫:૫૮) (૨) પોતાની આત્મિક જરૂરિયાતો વિષે સજાગ રહેવું. (માત્થી ૫:​૩, NW) (૩) ડહાપણભરી રીતે વર્તવા બાઇબલ આધારિત સલાહને સ્વીકારવી.​—⁠નીતિવચનો ૧૩:૨૦.

“કસોટીમાં પણ અડગ રહો,” વિષય પર ભાઈ થીયોડર જારટ્‌સએ ઉત્તેજનકારક વાર્તાલાપ આપ્યો. પ્રકટીકરણ ૩:​૧૦નો ઉલ્લેખ કરતા ભાઈ જારસએ પૂછ્યું: “‘કસોટીનો સમય’ શું છે?” કસોટી “પ્રભુને દહાડે” આવશે જે સમયમાં આપણે જીવી રહ્યા છીએ. (પ્રકટીકરણ ૧:​૧૦) કસોટી ખાસ કરીને મુખ્ય વાદવિષય પર આધારિત છે કે આપણે કોના પક્ષે છીએ. શું આપણે પરમેશ્વરના રાજ્ય તરફ છીએ કે પછી શેતાનના દુષ્ટ જગત તરફ? એ કસોટીના સમયનો અંત આવે ત્યાં સુધી આપણે મુશ્કેલીઓ અને પરીક્ષણોનો સામનો કરવાનો છે. શું આપણે યહોવાહ અને તેમના સંગઠનને વફાદાર રહીશું? ભાઈ જારસએ કહ્યું કે ‘આપણે દરેક જણ વફાદારી બતાવીશું.’

“આત્મિક વ્યક્તિ તરીકે બળવાન થાઓ,” વિષય પર ભાઈ જોન ઈ. બારે છેલ્લો વાર્તાલાપ આપ્યો. લુક ૧૩:૨૩-​૨૫નો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આપણે ‘સાંકડા બારણામાં થઈને પેસવાનો’ પ્રયત્ન કરવો જોઈએ. ઘણા એમાં નિષ્ફળ ગયા છે કારણ કે તેઓ વધુ બળવાન થવા ખંતીલો પ્રયાસ કરતા નથી. પરિપક્વ ખ્રિસ્તી થવા માટે, આપણે બાઇબલના સર્વ સિદ્ધાંતોને આપણા જીવનમાં લાગુ પાડવાનું શીખવું જોઈએ. ભાઈ બારે જણાવ્યું: “તમે મારી સાથે સહમત થશો એવી મને પૂરી ખાતરી છે કે હવે આ જ સમય છે કે આપણે (૧) યહોવાહને પ્રથમ અને સૌથી મહત્ત્વના સ્થાને રાખીએ; (૨) બળવાન થઈએ; અને (૩) યહોવાહની ઇચ્છા પ્રમાણે કરવા ખંતીલા બનીએ. આ રીતે આપણે સાંકડા બારણામાંથી પસાર થઈને અંત વિનાનું અદ્‍ભુત જીવન મેળવી શકીશું.”

વાર્ષિક સભા પૂરી થવા આવી ત્યારે પણ એક પ્રશ્નનો હજુ જવાબ આપવામાં આવ્યો ન હતો: ૨૦૦૨ સેવા વર્ષનું વાર્ષિક વચન શું છે? આ પ્રશ્નનો જવાબ બીજા દિવસે આપવામાં આવ્યો.

પૂરક સભા

રવિવારે સવારે ફરીથી સભાના કાર્યક્રમની શરૂઆત થઈ ત્યારે, બધા સાંભળવા માટે ઉત્સુક હતા. એની શરૂઆત એ સપ્તાહના ચોકીબુરજ અભ્યાસની સમીક્ષાથી થઈ, એ પછી વાર્ષિક સભાના અમુક મુખ્ય મુદ્દાઓની ટૂંકમાં રજૂઆત કરવામાં આવી. પછી ૨૦૦૨ના વાર્ષિક વચન પર આધારિત વાર્તાલાપ સાંભળીને બધાના ચહેરા પર આનંદ છવાઈ ગયો: “મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ.” (માત્થી ૧૧:૨૮) વાર્તાલાપ, અભ્યાસ લેખો પર આધારિત હતો જે પછીથી ડિસેમ્બર ૧૫, ૨૦૦૧ના ચોકીબુરજમાં પ્રકાશિત થયા હતા.

એ પછી, ઑગસ્ટ ૨૦૦૧માં ફ્રાંસ અને ઇટાલીમાં યોજાયેલ “પરમેશ્વરના વચન શીખવનારા” ખાસ મહાસંમેલનના અમુક પ્રતિનિધિઓએ પણ પોતાના અનુભવો જણાવ્યા. * છેવટે, દિવસના કાર્યક્રમના મુખ્ય મુદ્દારૂપે બ્રુકલિન બેથેલમાંથી આવેલા બે મુલાકાતી ભાઈઓએ છેલ્લા બે વાર્તાલાપો આપ્યા.

“આ સંકટના સમયોમાં હિંમતથી યહોવાહમાં ભરોસો મૂકો,” એ પ્રથમ વાર્તાલાપનો વિષય હતો. વક્તાએ ખાસ મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો: (૧) યહોવાહમાં હિંમતથી ભરોસો મૂકવો એ પરમેશ્વરના લોકો માટે હંમેશાં મહત્ત્વનું રહ્યું છે. બાઇબલમાં એવા ઘણાં ઉદાહરણો જોવા મળે છે કે જેઓએ હિંમત અને વિશ્વાસ બતાવીને સતાવણીનો સામનો કર્યો હતો. (હેબ્રી ૧૧:૧–​૧૨:૩) (૨) આપણે યહોવાહ પર પૂરેપૂરો ભરોસો મૂકીએ એ માટે તેમણે એક મજબૂત પાયો પૂરો પાડ્યો છે. તેમનાં કાર્યો અને તેમનો શબ્દ આપણને ખાતરી આપે છે કે તે પોતાના સેવકોની કાળજી રાખે છે અને તેઓને ક્યારેય ભૂલશે નહિ. (હેબ્રી ૬:​૧૦) (૩) ખાસ કરીને આજે હિંમત અને ભરોસો જરૂરી છે. ઈસુએ ભાખ્યું તેમ આપણો “દ્વેષ” કરવામાં આવશે. (માત્થી ૨૪:૯) સહન કરવા માટે આપણે પરમેશ્વરના શબ્દ પર ભરોસો રાખવાની જરૂર છે. આપણે પૂરી ખાતરી રાખવી જોઈએ કે તેમનો પવિત્ર આત્મા આપણી સાથે છે અને આપણને સુસમાચાર જાહેર કરવા માટે હિંમત આપે છે. (૪) ઉદાહરણો બતાવે છે કે હાલમાં આપણે સતાવણીનો સામનો કરી રહ્યા છીએ. વક્તાએ જણાવ્યું કે આર્મેનિયા, ફ્રાંસ, જોર્જિયા, કઝાખસ્તાન, રશિયા અને તુર્કમેનીસ્તાનના ભાઈઓએ ઘણું સહન કર્યું છે ત્યારે, સર્વ લોકો ખૂબ જ લાગણીવશ થઈ ગયા હતા. સાચે જ, અત્યારે જ હિંમત અને યહોવાહમાં ભરોસો બતાવવાનો સમય છે!

“યહોવાહના સંગઠન સાથે એકતામાં આગળ વધો,” વિષય પર છેલ્લા વક્તાએ વાર્તાલાપ આપ્યો. વાર્તાલાપમાં ઘણા સમયસરના મુદ્દાઓ આપવામાં આવ્યા હતા. (૧) યહોવાહના લોકો આગળ વધી રહ્યા છે એ મોટા પાયા પર નોંધવામાં આવ્યું છે. આપણા પ્રચાર કાર્ય અને મહાસંમેલનોથી લોકોનું ધ્યાન ખેંચાય છે. (૨) યહોવાહે સંગઠનની સ્થાપના કરી છે જે એકતામાં ચાલી રહ્યું છે. ઈસુ ૨૯ સી.ઈ.માં પવિત્ર આત્માથી અભિષિક્ત થયા જેથી, તે ‘સઘળા વાનાંને,’ એટલે કે સ્વર્ગની આશા છે તેઓને અને પૃથ્વી પર જીવવાની આશા રાખતા સર્વને પરમેશ્વરના એકતામય કુટુંબમાં લાવી શકે. (એફેસી ૧:​૮-​૧૦) (૩) મહાસંમેલનો આંતરરાષ્ટ્રીય એકતાને અનોખી રીતે રજૂ કરે છે. ફ્રાંસ અને ઇટાલીમાં ગયા વર્ષે ઑગસ્ટમાં યોજવામાં આવેલાં મહાસંમેલનોએ એનો સ્પષ્ટ પુરાવો આપ્યો. (૪) ફ્રાંસ અને ઇટાલીમાં એક ઉત્તેજિત ઠરાવ સ્વીકારવામાં આવ્યો. વક્તાએ ઉત્તેજિત ઠરાવના કેટલાક અવતરણો ટાંકી બતાવ્યાં. સંપૂર્ણ ઠરાવ પાન નીચે જોવા મળે છે.

વાર્તાલાપના અંતે મુલાકાતી વક્તાએ નિયામક જૂથે તૈયાર કરેલી હૃદયસ્પર્શી જાહેરાત વાંચી. એનો અંશ આમ કહે છે: “જગતમાં જે બનાવો બની રહ્યા છે એને પારખતા અત્યારે જ સાવધ અને જાગતા રહેવાનો સમય છે. . . . અમે જણાવવા ઇચ્છીએ છીએ કે નિયામક જૂથ તમારી અને પરમેશ્વરના બીજા સર્વ લોકોની કાળજી રાખે છે. તેમની ઇચ્છા પૂરા જીવથી કરવાથી તે તમને અઢળક આશીર્વાદ આપશે.” હા, દુનિયાની દરેક જગ્યાએ ફેલાયેલા યહોવાહના લોકોએ આ સંકટના સમયોમાં સાવધ રહેવાનો અને યહોવાહના સંગઠન સાથે એકતામાં હિંમતથી આગળ વધવાનો સંકલ્પ કર્યો છે.

[ફુટનોટ્‌સ]

^ વાર્ષિક સભાનો કાર્યક્રમ ઘણી જગ્યાઓએ ટેલિફોન દ્વારા જોડવામાં આવ્યો હતો. એની કુલ હાજરી ૧૩,૭૫૭ હતી.

^ પૂરક સભાઓ લૉંગ બીચ, કૅલિફૉર્નિયા; પૉન્ટીક, મિશિગન; યુનિયન ડૅલ, ન્યૂ યોર્ક; અને હૅમિલ્ટન, ઑન્ટૅરિયોમાં ભરવામાં આવી. આ સભાઓને પણ બીજાં સ્થળોએ ટેલિફોન દ્વારા જોડવામાં આવી જેની કુલ હાજરી ૧,૧૭,૮૮૫ હતી.

^ ફ્રાંસમાં ત્રણ ખાસ સંમેલનો પૅરિસ, બોરડ્યુક્ષ અને લાયોન્સમાં રાખવામાં આવ્યાં હતાં. ઇટાલીમાં એક જ સમયે કુલ નવ મહાસંમેલનો રાખવામાં આવ્યાં હોવા છતાં, અમેરિકાના પ્રતિનિધિઓને રોમ અને મિલાનમાં સોંપણી કરવામાં આવી હતી.

[પાન ૨૯-૩૦ પર બોક્સ/ચિત્ર]

ઠરાવ

ફ્રાંસ અને ઇટાલીમાં “પરમેશ્વરના વચન શીખવનારા” ખાસ મહાસંમેલનો ઑગસ્ટ, ૨૦૦૧માં રાખવામાં આવ્યાં હતાં. એ મહાસંમેલનોમાં ખાસ ઠરાવ પસાર કરવામાં આવ્યો. એ ઠરાવ નીચે જોવા મળે છે.

“યહોવાહના સાક્ષીઓ તરીકે ‘પરમેશ્વરના વચન શીખવનારા’ આ મહાસંમેલનમાં એકઠા થયેલા આપણ સર્વને જે શીખવવામાં આવ્યું છે એ ખૂબ જ લાભદાયી છે. આપણે બધા જ સ્પષ્ટ રીતે જોઈ શક્યા કે આ શિક્ષણ કોના તરફથી આવે છે. આ શિક્ષણ મનુષ્યો તરફથી નહિ, પણ પ્રાચીન પ્રબોધક યશાયાહે જણાવ્યું તેમ આપણા ‘મહાન શિક્ષક’ તરફથી આવે છે. (યશાયાહ ૩૦:​૨૦, NW) યશાયાહ ૪૮:૧૭માં જણાવ્યા પ્રમાણે યહોવાહે જે યાદ દેવડાવ્યું એને ધ્યાન આપો: ‘હું યહોવાહ તારો દેવ છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું; જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું.’ તે કઈ રીતે આપણને માર્ગદર્શન આપે છે? એ માટે તે દુનિયાની સૌથી વધુ ભાષાઓમાં અનુવાદ થયેલા અને દૂર દૂર સુધી જાણીતા પુસ્તક બાઇબલનો ઉપયોગ કરી રહ્યા છે જેના વિષે બાઇબલમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ‘દરેક શાસ્ત્ર ઈશ્વરપ્રેરિત છે અને ઉપયોગી છે.’​—⁠૨ તીમોથી ૩:​૧૬.

“આજે માનવજાતને આવા લાભદાયી શિક્ષણની ખૂબ જરૂર છે. એવું આપણે કઈ રીતે કહી શકીએ? આ જગતના બદલાતા અને મુશ્કેલભર્યા સંજોગોને જોઈને સમજુ લોકો શું સ્વીકારે છે? તેઓ સ્વીકારે છે કે, કરોડો લોકોએ શાળા-કૉલેજનું શિક્ષણ લીધું હોવા છતાં, તેઓમાં નૈતિક મૂલ્યો કે ધોરણોથી ખામી જોવા મળે છે અને તેઓ ખરું-ખોટું પારખવામાં નિષ્ફળ ગયા છે. (યશાયાહ ૫:​૨૦, ૨૧) મોટા ભાગના લોકો પાસે હજુ પણ બાઇબલનું જ્ઞાન નથી. ટેક્નૉલૉજી એટલી આગળ વધી ગઈ છે કે કૉમ્પ્યુટર દ્વારા દરેક ક્ષેત્રને લગતી માહિતી મળી રહે છે. તેમ છતાં, કેટલાક મહત્ત્વના પ્રશ્નોનો એમાં કોઈ જ જવાબ મળતો નથી. જેમ કે, જીવનનો હેતુ શું છે? આજે જે બનાવો બની રહ્યા છે એને આપણે કઈ રીતે સમજી શકીએ? શું ભવિષ્ય માટેની કોઈ નક્કર આશા છે? શું ક્યારેય શાંતિ અને સલામતી આવશે? વધુમાં, આજે માનવીઓએ મોટા ભાગના દરેક વિષયો પર એટલું બધું જ્ઞાન હાંસલ કર્યું છે કે એના અસંખ્ય ગ્રંથોથી પુસ્તકાલયો ઊભરાઈ રહ્યાં છે. તેમ છતાં, માનવજાત હજુ પણ પહેલાં જેવી જ ભૂલો કરી રહી છે. ગુનાઓ વધતા જાય છે. હજુ એક બીમારીનો ઇલાજ શોધવામાં આવ્યો હોય ત્યાં જ, એઇડ્‌ઝ જેવા પ્રાણઘાતક રોગો ચોંકાવી દેતી હદે ફેલાઈ રહ્યા છે. નવાઈ પમાડે એટલી હદે કુટુંબો તૂટી રહ્યાં છે. પ્રદૂષણ વાતાવરણનો નાશ કરી રહ્યું છે. ત્રાસવાદ અને પુષ્કળ હથિયારોનો ભય હજુ પણ શાંતિ અને સલામતી પર ઝઝૂમી રહ્યો છે. જેનો કોઈ ઉકેલ ન હોય એવી સમસ્યાઓ આવતી જ રહે છે. આવા સંકટના સમયોમાં આપણા સાથી માનવીઓને મદદ કરવામાં આપણી કઈ ભૂમિકા છે? શું એવું કોઈ શિક્ષણ છે જે માનવજાતની સર્વ સમસ્યાઓનું કારણ સમજાવે, આજે સારા જીવનનો માર્ગ બતાવે અને ભવિષ્યમાં પણ અદ્‍ભુત આશાની ખાતરી આપે?

“આપણને એક કામગીરી સોંપવામાં આવી છે કે, ‘જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરીએ અને ઈસુએ જે જે આજ્ઞા આપી છે તે સર્વ પાળવાનું તેઓને શીખવીએ.’ (માત્થી ૨૮:૧૯, ૨૦) આ કાર્ય ઈસુએ મરણમાંથી સજીવન થયા પછી સોંપ્યું હતું, જ્યારે તેમણે સ્વર્ગમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મેળવ્યો. આપણા કોઈ પણ કામ કરતાં આ કાર્ય પ્રથમ સ્થાને છે. પરમેશ્વર ઇચ્છે છે કે ન્યાયીપણાને ઝંખતા લોકોની આત્મિક જરૂરિયાતોને આપણે સૌથી પહેલા સંતોષીએ. એ કાર્યને ગંભીરતાથી લેવાને આપણી પાસે શાસ્ત્રીય કારણો છે.

“આપણે આ કાર્યને જીવનમાં સૌથી પ્રથમ રાખવું જોઈએ. ધાર્મિક અને રાજકીય જૂથો, આ વિશ્વવ્યાપી શૈક્ષણિક કાર્યક્રમની પ્રગતિમાં અડચણો લાવવા કે એનો વિરોધ કરવા ગમે તેટલી યોજનાઓ કરે તોપણ, પરમેશ્વરના આશીર્વાદ અને મદદથી એ કાર્ય પૂરું થશે. આપણને પૂરો ભરોસો છે કે આ કાર્યમાં સતત વૃદ્ધિ થશે અને એને ભવ્ય સફળતા મળશે. શા માટે આપણે એવી ખાતરી રાખી શકીએ? કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વચન આપ્યું છે કે પરમેશ્વરે સોંપેલા સેવાકાર્યમાં તે આપણી સાથે જગતના અંત સુધી હશે.

“દુઃખી માનવજાત હવે અંતની ખૂબ જ નજીક છે. અંત આવે એ પહેલાં, આજે આપણને જે કામ સોંપવામાં આવ્યું છે એ પૂરું થવું જ જોઈએ. તેથી, આપણે યહોવાહના સાક્ષીઓ તરીકે આ ઠરાવ કરીએ છીએ કે:

“પ્રથમ: સમર્પિત સેવકો તરીકે આપણે રાજ્ય હિતોને જીવનમાં પ્રથમ રાખવાનો અને આત્મિક રીતે સતત વધતા રહેવાનો સંકલ્પ કર્યો છે. એમાં આપણે સફળ થઈએ એ માટે આપણી પ્રાર્થનાઓ ગીતશાસ્ત્ર ૧૪૩:૧૦ના આ શબ્દોના સુમેળમાં છે: ‘મને તારી ઈચ્છા પ્રમાણે વર્તવાનું શીખવ.’ એ માટે આપણે ખંતીલા વિદ્યાર્થી બનીને, દરરોજ બાઇબલ વાંચવાનો પ્રયાસ કરીશું અને નિયમિત વ્યક્તિગત અભ્યાસ તથા સંશોધન માટે સમય કાઢીશું. આપણી પ્રગતિ સર્વ લોકોના જાણવામાં આવે માટે, આપણે મંડળની સભાઓ, સરકીટ, ડિસ્ટ્રીક્ટ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહાસંમેલનોની તૈયારી કરીને પરમેશ્વર આપણને જે શિક્ષણ આપે છે એમાંથી પૂરેપૂરો લાભ મેળવવા દરેક પ્રયત્નો કરીશું.​—⁠૧ તીમોથી ૪:​૧૫; હેબ્રી ૧૦:૨૩-​૨૫.

“બીજું: પરમેશ્વર પાસેથી શીખવા માટે આપણે તેમની મેજ પરથી જ પૂરેપૂરો ખોરાક લઈશું અને ગેરમાર્ગે દોરી જતા ભૂતપિશાચોનાં શિક્ષણ વિષે બાઇબલની ચેતવણીને કાળજીપૂર્વક ધ્યાન આપીશું. (૧ કોરીંથી ૧૦:૨૧; ૧ તીમોથી ૪:૧) આપણે ધાર્મિક જૂઠાણા, નિરર્થક દલીલો, જાતીય લંપટતા, પોર્નોગ્રાફી કે ભ્રષ્ટ મનોરંજન જેવા સર્વ જોખમી કૃત્યોને અને ‘સત્યના શિક્ષણને અનુકૂળ’ નથી એવી બાબતોને ટાળવા માટે ખાસ તકેદારી રાખીશું. (રૂમી ૧:​૨૬, ૨૭; ૧ કોરીંથી ૩:​૨૦; ૧ તીમોથી ૬:૩; ૨ તીમોથી ૧:​૧૩) આપણે ‘માણસોમાં દાનને’ માન આપીશું અને તેઓના પ્રયત્નોની કદર કરીશું કેમ કે તેઓ સારી બાબતો શીખવવાને યોગ્ય છે. આપણે પરમેશ્વરના વચનના શુદ્ધ, ન્યાયી અને આત્મિક સિદ્ધાંતોને જાળવી રાખવા તેઓને પૂરા હૃદયથી સાથ આપીશું.​—⁠એફેસી ૪:૭, ૮, ૧૧, ૧૨; ૧ થેસ્સાલોનીકી ૫:૧૨, ૧૩; તીતસ ૧:૯.

“ત્રીજું: ખ્રિસ્તી માબાપો તરીકે, આપણે પૂરા હૃદયથી આપણાં બાળકોને ફક્ત શબ્દોથી જ નહીં, પણ આપણા ઉદાહરણથી શીખવવાનો પ્રયત્ન કરીશું. આપણે ખાસ કાળજી રાખીશું કે તેઓને બાળપણથી જ ‘પવિત્ર શાસ્ત્ર શીખવીએ, જેથી તેઓ તારણને સારૂ જ્ઞાન મેળવી શકે.’ (૨ તીમોથી ૩:​૧૫) આપણે હંમેશાં એ યાદ રાખીશું કે તેઓને યહોવાહના નિયમો અને શિસ્તમાં ઉછેરવાથી તેઓને પરમેશ્વરના આ વચનનો અનુભવ કરવાની સૌથી સારી તક મળશે કે, ‘તેઓનું કલ્યાણ થાય અને પૃથ્વી પર તેઓનું આયુષ્ય લાંબું થાય.’​—⁠એફેસી ૬:​૧-૪.

“ચોથું: ચિંતાઓ અને ગંભીર સમસ્યાઓ આવી પડે ત્યારે, આપણે સૌ પ્રથમ “દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે” એ આપણું રક્ષણ કરશે એવી ખાતરી સાથે ‘ઉપકારસ્તુતિસહિત આપણી અરજો દેવને જણાવીશું.’ (ફિલિપી ૪:​૬, ૭) ખ્રિસ્તની ઝૂંસરી તળે આવવાથી આપણને તાજગી મળશે. પરમેશ્વર આપણી કાળજી રાખે છે એવું જાણતા હોવાથી આપણે આપણી ચિંતાઓ તેમના પર છોડી દેતા અચકાઈશું નહિ.​—⁠માત્થી ૧૧:૨૮-૩૦; ૧ પીતર ૫:૬, ૭.

“પાંચમુ: પરમેશ્વરના વચનના શીખવનારા તરીકે આપણને જે લહાવો મળ્યો છે એ માટે યહોવાહનો આભાર માનવા, આપણે “સત્યનાં વચન સ્પષ્ટતાથી” સમજાવવા અને ‘આપણું સેવાકાર્ય પૂર્ણ કરવા’ ફરીથી પ્રયત્નો કરીશું. (૨ તીમોથી ૨:૧૫; ૪:૫) એમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે એ સ્પષ્ટ જાણતા હોવાથી, આપણે પૂરા હૃદયથી યોગ્ય વ્યક્તિઓને શોધવાની અને જે બી વાવ્યું છે એને વિકસાવવાની ઇચ્છા રાખીશું. વધુમાં, આપણે અસરકારકપણે વધારે બાઇબલ અભ્યાસો હાથ ધરીને આપણી શીખવવાની કળામાં કુશળ બનીશું. એમ કરીને આપણે, “સઘળાં માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય” એવી પરમેશ્વરની ઇચ્છાની વધુ નજીક આવીશું.​—⁠૧ તીમોથી ૨:૩, ૪.

“છઠ્ઠું: ગઈ આખી સદી દરમિયાન અને આ સદીમાં પણ યહોવાહના સાક્ષીઓએ ઘણા દેશોમાં વિરોધ અને સતાવણી સહન કર્યા છે. પરંતુ, યહોવાહ આપણા પક્ષે છે એ સાબિત થઈ ગયું છે. (રૂમી ૮:૩૧) તેમનું ભરોસાપાત્ર વચન આપણને ખાતરી આપે છે કે આપણા પ્રચાર કાર્યને અટકાવવા કે ધીમું પાડવા આપણી “વિરૂદ્ધ વાપરવા સારૂ ઘડેલું કોઈ પણ હથિયાર સાર્થક થશે નહિ,” અને શૈક્ષણિક કાર્ય સફળ થશે. (યશાયાહ ૫૪:૧૭) અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગોમાં પણ આપણે સત્ય બોલવાનું બંધ કરીશું નહીં. પ્રચાર અને શિક્ષણના કાર્યને આપણે હમણાં પરિપૂર્ણ કરવાનો નિશ્ચય કર્યો છે. (૨ તીમોથી ૪:​૧, ૨) આપણો ધ્યેય પરમેશ્વરના રાજ્યના સુસમાચારને શક્યપણે સર્વ પ્રજાઓને જણાવવાનો છે. આમ, તેઓને ન્યાયી નવી દુનિયામાં અનંતજીવન મેળવવાની જોગવાઈ વિષે શીખવાની સતત તક મળતી રહેશે. પરમેશ્વરના વચનના શીખવનારા તરીકે, આપણે મહાન શિક્ષક, ઈસુ ખ્રિસ્તના ઉદાહરણને અનુસરવાનો અને પરમેશ્વર તરફથી મળેલા તેમના ગુણો પર મનન કરવાનો નિર્ણય કર્યો છે. આ સર્વ આપણે, આપણા મહાન ઉપદેશક અને જીવન આપનાર યહોવાહ પરમેશ્વરની સ્તુતિ કરવા અને તેમને માન આપવા કરીશું.

“આ મહાસંમેલનમાં હાજર રહેલા સર્વ લોકો આ ઠરાવને સ્વીકારતા હોય તો, કૃપા કરીને હા કહો!”

છેલ્લે પૂછવામાં આવેલા આ પ્રશ્નનો ફ્રાંસમાં ત્રણ મહાસંમેલનોમાં ભેગા મળેલા ૧,૬૦,૦૦૦ અને ઇટાલીમાં બીજાં નવ સ્થળોએ ભેગા મળેલા ૨,૮૯,૦૦૦ લોકોએ ઘણી ભાષાઓમાં મોટા અવાજે પ્રતિનિધિઓ વચ્ચે “હા” કહીને ઠરાવનો સ્વીકાર કર્યો.