સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“હું પરમેશ્વરની ઉપાસના કરવા માંગતો હતો”

“હું પરમેશ્વરની ઉપાસના કરવા માંગતો હતો”

રાજ્ય પ્રચારકોના અનુભવ

“હું પરમેશ્વરની ઉપાસના કરવા માંગતો હતો”

પ્રથમ સદી સી.ઈ.માં પ્રેષિત યોહાને દૂત તરફથી આ આહ્‍વાન સાંભળ્યું હતું, “તેમાંથી નીકળી જાઓ.” આપણા સમયમાં લાખો લોકોએ એ આહ્‍વાનને પ્રત્યુત્તર આપ્યો છે અને તેઓ જૂઠા ધર્મના જગત સામ્રાજ્ય, “મહાન બાબેલોન”માંથી બહાર નીકળી આવ્યા છે. (પ્રકટીકરણ ૧૮:૧-૪) હૈટી દેશના વીલનર પણ તેઓમાંના એક છે. તે આમ પોતાનો અનુભવ જણાવે છે.

“મારો જન્મ, ૧૯૫૬માં હૈટીના સેંટ માર્ક નામના નાના શહેરમાં એક ચુસ્ત કૅથલિક કુટુંબમાં થયો હતો. હૈટીમાં સેંટ માઈકલ ડે લાટાલયની ધાર્મિક શાળામાં અભ્યાસ માટે જવા અમારા શહેરની બીજી બે વ્યક્તિઓ સાથે મને પણ પસંદ કરવામાં આવ્યો ત્યારે, મારા કુટુંબમાં આનંદ છવાઈ ગયો. ત્યાર પછી, અમને ૧૯૮૦માં વધુ તાલીમ માટે સ્ટેવલોટ, બેલ્જિયમમાં મોકલવામાં આવ્યા. ત્યાં અમે કૅથલિક યુનિવર્સિટીમાંથી પણ શિક્ષણ લીધું.

“શરૂઆતમાં તો હું પાદરી બનવા માટે ખૂબ ઉત્સાહી હતો. એક દિવસ જમવાના રૂમમાં, અમારા વૃંદની દેખરેખ રાખતા પાદરીએ મને થોડી મિનિટો રોકાઈ જવાનું કહ્યું કારણ કે તે મારી સાથે કંઈક વાત કરવા માંગતા હતા. તેમણે પોતાની ઇચ્છા જણાવી ત્યારે મને ખૂબ આઘાત લાગ્યો. તે મારા પ્રત્યે આકર્ષાયા હતા અને મારી સાથે સજાતીય સંબંધ બાંધવા ઇચ્છતા હતા! મેં તેમને ઘસીને ના પાડી દીધી, પરંતુ હું ખૂબ નિરાશામાં ડૂબી ગયો. જે બનાવ બન્યો એ વિષે મેં મારા કુટુંબને લખી જણાવ્યું અને તેઓની નારાજગી છતાં, થોડા મહિના પછી મેં ધાર્મિક શાળા છોડી દીધી. મેં ગામમાં એક ઘર શોધી કાઢ્યું અને બીજા વ્યવસાયના અભ્યાસમાં લાગી ગયો.

“હું સેંટ માર્ક શહેરમાં પાછો ફર્યો ત્યારે, મને કૅથલિક ચર્ચમાં કોઈ ભરોસો રહ્યો ન હતો. તેમ છતાં, હું પરમેશ્વરની ઉપાસના કરવા માંગતો હતો, પરંતુ મને સમજણ પડતી ન હતી કે હવે શું કરવું. હું એડવેટીસ્ટ ચર્ચ, એબેનેઝર ચર્ચ અને મોર્મોન ચર્ચમાં ગયો. હું આત્મિક રીતે નિરાધાર હતો.

“પછી મને યાદ આવ્યું કે હું બેલ્જિયમમાં ધાર્મિક શાળામાં હતો ત્યારે ક્રેમ્પોન બાઇબલ વાંચતો હતો. એમાં મને પરમેશ્વરનું નામ જોવા મળ્યું હતું. તેથી, તેમના નામનો ઉપયોગ કરીને, મેં સાચો ધર્મ શોધવામાં મને મદદ કરવા પરમેશ્વરને વારંવાર પ્રાર્થના કરી.

“ત્યાર પછી થોડા જ સમયમાં, મારા પાડોશમાં બે યહોવાહના સાક્ષીઓ રહેવા આવ્યા. તેઓ શાંત, આદરણીય અને પ્રતિષ્ઠિત હતા. હું તેઓની જીવનઢબથી ખૂબ પ્રભાવિત થયો. એક દિવસ, તેઓમાંના એક સાક્ષીએ મને ખ્રિસ્તના મરણના સ્મરણ પ્રસંગમાં આવવાનું આમંત્રણ આપ્યું. આખી સભા મને ખૂબ ગમી અને હું તે સાક્ષીઓ સાથે નિયમિત બાઇબલ અભ્યાસ કરવા સહમત થયો. લગભગ છ મહિનામાં, મને ખાતરી થઈ ગઈ કે મને પરમેશ્વરની ઉપાસના કરવાનો સાચો માર્ગ મળ્યો છે. મેં યહોવાહને મારું જીવન સમર્પણ કર્યું અને નવેમ્બર ૨૦, ૧૯૮૮માં બાપ્તિસ્મા લીધું.”

સમય જતા, વીલનર પૂરા સમયની સેવામાં જોડાયા. આજે તે મંડળના વડીલ તરીકે સેવા આપે છે. તે, તેમના પત્ની તથા બે બાળકો મંડળમાં ખુશીથી યહોવાહની સેવા કરે છે.

[પાન ૯ પર ચિત્ર]

બાઇબલ વાંચીને વીલનરે શોધી કાઢ્યું કે પરમેશ્વરનું નામ યહોવાહ છે