સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દયાળુ બનો

દયાળુ બનો

દયાળુ બનો

“સાથ આપવાથી કોઈના દુઃખમાં, રહેશો જરા તમે સુખમાં,” એમ હેલન કેલર કહે છે. દુઃખ શું છે એ હેલન બરાબર જાણતી હતી. ફક્ત ૧૯ મહિનાની ઉંમરે બીમારીને કારણે તે તદ્‍ન આંધળી તથા બહેરી થઈ ગઈ. પરંતુ એક દયાળુ ટીચરે હેલનને આંધળાઓ વાંચી શકે એ બ્રેઈલ ભાષા લખતા, વાંચતાં અને પછી બોલતાં શીખવ્યું.

અપંગ હોવાથી કેટલું દુઃખ સહન કરવું પડે છે, એ હેલનની ટીચર, ઍન સુલીવાન, પણ બરાબર જાણતી હતી. તે પોતે લગભગ આંધળી થઈ ગઈ હતી. તેમ છતાં ઍન હેલનના હાથ ઉપર “અક્ષર ઘૂંટીને”, વાતચીત કરી શકતી હતી. આમ હેલનને તેમની ટીચરની આટલી દયા જોઈને બીજા આંધળા અને બહેરા લોકોને મદદ કરવાનું ખુબ જ મન થયું. આ દુઃખ સહન કરીને તેને બીજા અપંગ લોકો પર ખૂબ દયા અથવા હમદર્દી આવી, અને તેઓને મદદ કરવી હતી.

તમે નોંધ કરી હશે કે આજકાલ લોકો સ્વાર્થના જ સગા છે જેથી કોઈને મદદની જરૂર હોય છતાં ‘દયા નથી’ બતાવતા. (૧ યોહાન ૩:૧૭) પરંતુ ખ્રિસ્તીઓને આજ્ઞા આપવામાં આવી છે કે તેઓ એકબીજા સાથે ઊંડા પ્રેમથી વર્તે. (માત્થી ૨૨:૩૯; ૧ પીતર ૪:૮) આપણે જાણીએ છીએ કે બીજાઓને પ્રેમ બતાવવો જોઈએ તેમ છતાં, ઘણી વાર બીજા લોકોના દુઃખમાં કેવી રીતે સાથ આપવો એ આપણને ખબર હોતી નથી. દયાળુ બનવાથી આપણે બીજાઓને મદદ કરી શકીશું.

દયા એટલે શું?

દયાળુ એટલે “દુઃખીના જેટલું દુઃખ અનુભવનાર, અથવા બીજાના દુઃખે દુઃખી થનાર.” કોઈ પર દયા બતાવવાનો અર્થ થાય છે કે આપણે, સામેની વ્યક્તિના સંજોગો સમજીએ, અને પછી તેમને એ વિષે કેવું લાગે છે, એ પણ સમજીએ. ખરેખર દયા બતાવવાનો અર્થ થાય કે આપણે દિલથી બીજા લોકોનું દુઃખ સમજીએ છીએ.

બાઇબલમાં દરેક જગ્યાએ “દયા” શબ્દ વાપરવામાં આવ્યો નથી. પરંતુ, બીજી અનેક રીતે દયા વિષે શિખવવામાં આવે છે. દાખલા તરીકે, પ્રેષિત પીતરે સલાહ આપી કે આપણે “બીજાના સુખદુઃખમાં ભાગ લેનારાં” થવું જોઈએ. (૧ પીતર ૩:૮) ગ્રીક ભાષામાં ‘બીજાના સુખ દુઃખનો’ મૂળ અર્થ એ થાય છે કે “તેઓના દુઃખમાં ભાગ લેવો.” પ્રેષિત પાઊલે પણ એવી ભાવના બતાવવાનું શિખવ્યું “આનંદ કરનારાઓની સાથે આનંદ કરો. દુઃખીઓનાં દુઃખમાં ભાગ લો. એકબીજા સાથે હળીમળીને રહો.” (રૂમી ૧૨:૧૫, ૧૬, IBSI) જો આપણે બીજા લોકોના સંજોગો ન સમજીએ, તો તેઓના દુઃખમાં સાથ આપવાનું અઘરું લાગશે.

દયા, મોટા ભાગે દરેક લોકોમાં જોવા મળે છે. કોઈની કરુણ હાલત જોઈને પથ્થર દિલ પણ પીગળી જાય છે. શું પ્રેમાળ જનેતા પોતાના બાળકના નિસાસા સાંભળશે નહિ? પરંતુ અમુક એવા પણ દુઃખો છે જે આપણે સમજી નથી શકતાં. કોઈને ડિપ્રેશનની તકલીફ હોય, અથવા બીજી કોઈ બીમારી હોય, જે આપણે સહેલાઈથી જોઈ નથી શકતા, તેઓને દયા બતાવવી કદાચ અઘરી લાગી શકે, કારણ કે આપણા પર એ તકલીફો વીતી નથી. તેમ છતાં, બાઇબલ આપણને દયાળુ બનવાનું શીખવે છે.

બાઇબલમાં દયા-ભાવના દાખલાઓ

યહોવાહ ખુદ દયાના સાગર છે, જે આપણા માટે સૌથી સારો દાખલો બેસાડે છે. યહોવાહ કોઈ પણ બાબતમાં ભૂલ નથી કરતા, તેમ છતાં તે આપણી પાસેથી એવું નથી ચાહતાં, કારણ કે તે સમજે છે કે માણસ માત્ર ભૂલને પાત્ર છે “કેમકે તે આપણું બંધારણ જાણે છે; આપણે ધૂળનાં છીએ એવું તે સંભારે છે.” (ગીતશાસ્ત્ર ૧૦૩:૧૪; રૂમી ૫:૧૨) તે આપણી મર્યાદા જાણે છે તેથી ‘તે આપણી શક્તિ ઉપરાંત પરીક્ષણ આપણા પર આવવા દેશે નહિ.’ (૧ કોરીંથી ૧૦:૧૩) યહોવાહ આપણી મુશ્કેલીઓનો સામનો કરવા મદદ કરે છે. કઈ રીતે? તેમનાં સેવકો અને તેમની પવિત્ર શક્તિ દ્વારા.​—⁠યિર્મેયાહ ૨૫:​૪, ૫; પ્રેરિતોનાં કૃત્યો ૫:​૩૨.

યહોવાહ પોતે તેમના સેવકોનાં દુઃખો જોઈને દુઃખી થાય છે. જે યહુદીઓ બાબેલોનથી પાછા આવ્યાં તેઓને યહોવાહે કહ્યું: ‘કેમ કે જે પ્રજાઓ તમને હાનિ પહોંચાડે છે તેઓ મારી આંખની કીકીને અડકે છે!’ (ઝખાર્યાહ ૨:​૮, IBSI) દાઊદને પણ યહોવાહની દયા વિષે ખબર હતી, તેથી તેમણે પ્રાર્થના કરી કે: ‘મારાં આંસુઓ તમે બાટલીમાં એકત્ર કર્યાં છે અને તમારા પુસ્તકમાં તેની નોંધ કરી છે.’ (ગીતશાસ્ત્ર ૫૬:​૮, IBSI) યહોવાહ તેમના ભક્તોના, એકેએક આંસુઓ, અથવા તેઓ જે કંઈ દુઃખ સહન કરે છે, એ યાદ રાખે છે, અથવા તેમના પુસ્તકમાં એ નોંધે છે. આ જાણવાથી આપણને કેટલો દિલાસો મળે છે!

યહોવાહની જેમ, ઈસુ ખ્રિસ્ત પણ બીજાના દુઃખોને સમજે છે. જ્યારે ઈસુએ એક મૂંગા-બહેરાને સાજો કર્યો, ત્યારે તે તેને એક બાજુ લઈ ગયા. કારણ કે તે સમજતા હતા કે બધાની વચ્ચે આ માણસ જો એકાએક સાજો થાય તો કદાચ તે ચોંકી જાય, અથવા શરમાઇ જઈ શકે. (માર્ક ૭:૩૨-૩૫) બીજા એક કિસ્સામાં ઈસુએ એક વિધવાને જોઈ જે પોતાના એકનાએક દીકરાના અંતિમ સંસ્કાર કરવા જતી હતી. ઈસુ તરત જ એ વિધવાનું દુઃખ સમજી ગયા, અને તેઓને રોકીને, તેના દીકરાને સજીવન કર્યો.​—લુક ૭:​૧૧-​૧૬.

ઈસુ સજીવન થયા પછી, દમસ્કસના રસ્તે જતા શાઊલને તે દર્શન આપે છે, અને તેમના શિષ્યો પર જે જુલમ શાઊલ કરે છે એનું જે દુઃખ થાય છે, એ વિષે જણાવતા તે કહે છે કેઃ “હું ઈસુ છું, કે જેને તું સતાવે છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૯:૩-૫) જેમ એક જનેતાને પોતાના પીડાતાં બાળકને જોઈને દુઃખ થાય, તેમ ઈસુને પણ તેમના શિષ્યોને હેરાન થતા જોઈને દુઃખ થયું. એવી જ રીતે આજે ઈસુ આપણા એવા પ્રમુખ યાજક છે, જેને આપણા પર “દયા” આવે છે.​—હેબ્રી ૪:​૧૫.

બીજા લોકોના દુઃખો જોઈને પ્રેષિત પાઊલ પણ દુઃખી થયા. તેમણે કહ્યું કે “કોને ભૂલ કરતો જોઈને મને દુઃખ થતું નથી? કોને પડી જતો જોઈને મને તેની મદદ કરવાની ઇચ્છા થતી નથી? કોને આત્મિક ઠોકર ખાતો જોઈ ઠોકર ખવડાવનાર પર મને ગુસ્સો આવતો નથી?” (૨ કોરીંથી ૧૧:​૨૯, IBSI) જ્યારે એક દૂતે ચમત્કાર કરીને પાઊલ અને સીલાસને ફિલિપ્પીની જેલમાંથી છોડાવ્યાં, ત્યારે પાઊલે તરત જ જેલના ચોકીદારને જણાવ્યું કે કોઈ ભાગી નથી ગયું. કારણ કે તે જાણતા હતા કે જો કોઈ ભાગી ગયું હોત તો એ ચોકીદાર કદાચ આપઘાત કરી નાખત. પાઊલ રોમ દેશનો નિયમ જાણતા હતા કે જો કોઈ જેલમાંથી ભાગી છુટે તો ચોકીદારને ભારે સજા ફટકારવામાં આવતી. (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:​૨૪-​૨૮) પાઊલની આ દયા જોઈને ચોકીદારનું હૈયું ભરાય આવ્યું. તેથી તે અને તેનું કુટુંબ યહોવાહના સેવકો બન્યા.​—⁠પ્રેરિતોનાં કૃત્યો ૧૬:​૩૦-​૩૪.

કઈ રીતે દયાળુ બની શકીએ?

વારંવાર બાઇબલ ઉત્તેજન આપે છે કે આપણે પરમેશ્વર યહોવાહ અને ઈસુ ખ્રિસ્તના પગલે ચાલીએ. તેથી દયાનો ગુણ બતાવતા આપણે પણ શીખવું જોઈએ. પરંતુ કઈ રીતે? બીજાઓને દયા બતાવવાની અને તેઓના સંજોગો સમજવાની ત્રણ મુખ્ય રીતો છે: તેઓને સાંભળવાથી, ધ્યાન આપવાથી અને તેઓનો વિચાર કરવાથી.

સાંભળવું. બીજાઓને ધ્યાનથી સાંભળીએ તો તેઓની મુશ્કેલીઓ આપણે સારી રીતે સમજી શકીએ છીએ અને તેઓ ખુલ્લા દિલથી આપણી સાથે વાત કરી શકશે. મરિયમ કહે છે: “જો કોઈ વડીલ મારું સાંભળે, તો હું તેમની સાથે પેટછૂટી વાત કરી શકુ છું કારણ કે તે મારી મુશ્કેલીઓ સમજશે. એ ઉપરાંત, જ્યારે વધુ જાણવા માટે તે મને પ્રશ્નો પૂછે છે, ત્યારે મને ખરેખર એમ થાય છે કે તેમણે મારું સાંભળ્યું છે.”

ધ્યાન આપો. બધા જ લોકો તેઓની તકલીફો વિષે આપણી સાથે પેટછૂટી વાત નથી કરતા. તેથી જે વ્યક્તિ બીજાઓને ધ્યાન આપે છે તે સમજી શકશે કે કોઈ ભાઈ-બહેન ડિપ્રેસ છે અથવા કોઈ ટીનેજર ખુલ્લા દિલથી વાત નથી કરતું કે કોઈ હોંશીલા સેવકનો ઉત્સાહ ઠંડો પડી ગયો છે. એ મહત્વનું છે કે મા-બાપ તેઓના બાળકોને કઈ તકલીફો છે એ જાણે. “હું કંઈ બોલું એ પહેલા જ મારી મમ્મીને એ વિષે ખબર પડી જાય છે,” મરી નામની એક બહેને કહ્યું: “તેથી હું મારી મુસીબતો વિષે સહેલાઈથી તેની સાથે વાત કરી શકું છું.”

વિચાર કરો. દયા કેળવવા માટે એક સૌથી સારી રીત એ છે કે આપણે પોતાને પૂછીએ કે ‘હું એવા સંજોગોમાં હોત તો શું કરત? મને શાની જરૂરત પડત?’ અયૂબના ત્રણ ઢોંગી મિત્રો, તેના સંજોગો ન સમજી શક્યા. તેથી તેઓએ અયૂબ પર પાપી હોવાના ખોટા આરોપ મૂક્યા.

અપૂર્ણ માનવીઓ બીજાઓને સમજવા કરતાં તેઓની ભૂલ કાઢવામાં નંબર વન હોય છે. પરંતુ કોઈ દુઃખી હોય તેઓના સંજોગો સમજવાની કોશિશ આપણે કરીએ તો, ભૂલો કાઢવાને બદલે દયા અથવા, હમદર્દી બતાવી શકીશું. તેથી ક્વાન નામના એક અનુભવી વડીલ જણાવે છેઃ “બધી જ બાબતો સમજ્યા પછી જ મને સલાહ આપવાનું ગમે છે.”

યહોવાહના સાક્ષીઓએ જે માહિતી પ્રકાશિત કરેલી છે એ પણ દયા કેળવવા આપણને મદદ કરી શકે. ચોકીબુરજ અને સજાગ બનોમાં ડીપ્રેશન અને બાળ અત્યાચારો જેવા વિષયોની ચર્ચા કરવામાં આવી છે. આવી સમયસરની માહિતી વાંચવાથી બીજા લોકોના દુઃખો સમજી શકાય એમ છે. તેમ જ પ્રશ્નો યુવાન લોકો પૂછે છે​—જવાબો જે સફળ થાય છે પુસ્તક વાંચવાથી ઘણા મા-બાપોને તેઓના બાળકોની તકલીફો સમજવામાં મદદ મળી છે.

ખ્રિસ્તી કાર્યોમાં દયા

કોઈ બાળક ભૂખે ટળવળતું હોય તો આપણે તેને જરૂર ખોરાક આપીશું. એવી જ રીતે દયાળુ બનવાથી આપણે બીજા લોકોની ધાર્મિક ભૂખ પારખી શકીશું. બાઇબલ ઈસુ વિષે જણાવતા કહે છે કે “લોકોને જોઈને તેને તેઓ પર દયા આવી; કેમકે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હેરાન થએલા તથા વેરાઈ ગએલા હતા.” (માત્થી ૯:​૩૬) આજે હજારો લોકોની હાલત આવી જ છે તેથી તેઓને મદદ કરવી જોઈએ.

જો આપણે લોકોના દિલ સુધી પરમેશ્વરનો સંદેશો પહોંચાડવો હોય તો ઈસુના દિવસોની જેમ આપણે પણ લોકોનો વિરોધ સહન કરવો પડશે. દયાળુ વ્યક્તિ બીજાઓના વિચારો સમજશે અને તેઓને જેની ચિંતા છે તે વિષે વાત કરીને તેના સંદેશામાં મીઠાશ લાવશે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૨, ૨૩; ૧ કોરીંથી ૯:૨૦-૨૩) જો આપણું દિલ દયાથી ઉભરાય જાય તો આપણે બીજાઓને પૂરી મદદ કરી શકીશું, જેથી તેઓ ફિલિપ્પીના જેલના ચોકીદારની જેમ પરમેશ્વરના રાજ્યના સુંદર સમાચાર સાંભળે.

દયાળુ બનવાથી મંડળમાં આપણે બીજા લોકોએ કરેલી ભૂલોને ભૂલી જઈએ છીએ. જો કોઈ ભાઈ કે બહેને આપણને ખોટુ લગાડયું હોય તો આપણે તેમને સમજવાની કોશિશ કરીએ એટલે તેમને માફી આપવી સહેલી લાગશે. જો આપણે તેના સંજોગોમાં હોત તો આપણે પણ કદાચ એવી જ રીતે વર્ત્યા હોત. યહોવાહ દયાળુ છે એટલે ‘આપણે ધૂળનાં છીએ એવું તે સંભારે છે,’ એમ જ દયાળુ દિલ પારખી શકશે કે માણસ માત્ર ભૂલને પાત્ર છે, તેથી તે બીજાઓની ભૂલોને ખરા દિલથી માફી આપવા તૈયાર હશે.​—⁠ગીતશાસ્ત્ર ૧૦૩:૧૪; કોલોસી ૩:૧૩

જેણે ભૂલ કરી હોય તેને સલાહ આપતા પહેલા આપણે તેની લાગણીઓ સમજવાની કોશિશ કરીશું તો તેને શાંતિથી સલાહ આપી શકીશું. એક દયાળુ વડીલ, હંમેશા એ યાદ રાખે છે કે ‘હું પણ એવી ભૂલ કરી શકું એમ છું, અને એવા સંજોગોમાં હું પણ આવી પડું.’ તેથી પાઊલ સલાહ આપે છે: “તમે એવાને નમ્ર ભાવે પાછો ઠેકાણે લાવો; અને તું તારી પોતાની સંભાળ રાખ, રખેને તું પણ પરીક્ષણમાં પડે.”​—ગલાતી ૬:⁠૧.

અમુક ખ્રિસ્તી ભાઈઓ આપણી મદદ માંગતા અચકાશે, તેમ છતાં દયાળુ બનવાથી આપણી શક્તિ પ્રમાણે તેઓને મદદ કરીશું. પ્રેષિત પાઊલ કહે છે કે “પણ જેની પાસે આ જગતનું દ્રવ્ય હોય, ને પોતાના ભાઈને ગરજ છે એવું જોયા છતાં તેના પર તે દયા ન કરે, તો તેનામાં દેવની પ્રીતિ શી રીતે રહી શકે? . . . આપણે શબ્દથી નહિ, અને જીભથી નહિ, પણ કૃત્યમાં તથા સત્યમાં પ્રીતિ કરીએ”​—⁠૧ યોહાન ૩:૧૭, ૧૮.

“કૃત્યમાં તથા સત્યમાં પ્રીતિ” કરવી હોય તો સૌથી પહેલા આપણા ભાઈઓ-બહેનોને ખાસ શાની જરૂર છે એ જાણવું જોઈએ, જેથી આપણે તેઓને મદદ કરી શકીએ. શું આપણે એમ કરીએ છીએ? જો એમ કરીએ તો એનું નામ દયા.

દયાળુ બનતા શીખો

દયા બતાવવી કદાચ આપણને અઘરી લાગી શકે તેમ છતાં આપણે એ ગુણ વિકસાવી શકીએ છીએ. જો આપણે ધ્યાનથી સાંભળીએ, ધ્યાનથી તેઓની પરિસ્થિતિને સમજીએ અને તેઓ વિષે વિચાર કરીએ તો આપણે વધારે દયાળુ બનીશું. તે ઉપરાંત, આપણા બાળકોને વધુ પ્યાર કરી શકીશું અને તેઓને સમજી શકીશું.

તેથી ચાલો આપણે સ્વાર્થના સગા નહિ પણ દયાળુ બનીએ. “માત્ર પોતાનું જ હિત ન જુઓ,” પાઊલે લખ્યું “પરંતુ બીજાઓનું હિત જુઓ અને તેમના કાર્યમાં રસ લો.” (ફિલિપી ૨:​૪, IBSI) આપણું અંત વિનાનું જીવન તો ખરેખર યહોવાહની અને તેમના મુખ્ય યાજક ઈસુ ખ્રિસ્તની દયા પર નભે છે. તેથી આપણી ફરજ છે કે આપણે દયાળુ બનીએ. દયાળુ બનવાથી આપણે વધુ સારા સેવકો અને મા-બાપ બની શકીશું. તે ઉપરાંત દયાળુ બનવાથી આપણે જોઈ શકીશું કે “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.”​—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:⁠૩૫.

[પાન ૨૫ પર ચિત્ર]

દયાળુ બનવાથી બીજા લોકોની પરિસ્થિતિને ધ્યાનથી સમજીશું જેથી તેઓને મદદ કરી શકીએ

[પાન ૨૬ પર ચિત્ર]

જનેતાને પોતાના બાળક પર જેવી દયા હોય એવી દયા શું આપણે બતાવતા શીખીશું?