સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહના નિયમો આપણા ભલા માટે છે

યહોવાહના નિયમો આપણા ભલા માટે છે

યહોવાહના નિયમો આપણા ભલા માટે છે

“હું તારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું!”​—⁠ગીતશાસ્ત્ર ૧૧૯:⁠૯૭.

૧. આજ-કાલ લોકોને પરમેશ્વરના નિયમ વિષે શું લાગે છે?

 આજે નિયમો પાળવા કોને ગમે? એમાં વળી પરમેશ્વર, જેમને જોઈ શકાતા નથી, તેમના નિયમો પાળવાનું તો ઘણાને એનાથી પણ વધારે મુશ્કેલ લાગે છે. આજે આપણે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં ઘર-ઘરના કાયદા છે. ખરું-ખોટું શું છે, એ દરેક મન ફાવે તેમ નક્કી કરે છે. (નીતિવચનો ૧૭:૧૫; યશાયાહ ૫:૨૦) ઘણા સમાજોમાં એ કંઈ નવું નથી. એને ધ્યાનમાં લઈને એક સર્વે નોંધ કરે છે કે, “અમેરિકામાં રહેતા મોટા ભાગના લોકો ખરું-ખોટું શું છે, એ પોતે જ નક્કી કરવા માંગે છે.” તેઓ ચાહે છે કે “લોકોની મરજી પ્રમાણે ધર્મ હોવો જોઈએ. કોઈ બોસ કે નીતિ-નિયમો ન જોઈએ.” એક સામાજિક લેખક કહે છે કે આજનો જમાનો એવો છે, જ્યાં “પોતાને માટે ભલું શું છે, એ લોકો પોતે જ નક્કી કરે, એમાં કંઈ નવું નથી.” વળી, તે કહે છે કે “કોઈ સત્તા ધરાવતું હોય તોપણ, તેણે લોકોની મરજી પ્રમાણે જ કરવું પડે છે.”

૨. યહોવાહના આશીર્વાદ મેળવવા શું જરૂરી છે?

આજે ઘણા યહોવાહ પરમેશ્વરના નિયમો વિષે પણ શંકા ઉઠાવે છે. તેથી, આપણે આપણો ભરોસો વધારે મજબૂત કરવો જોઈએ કે, યહોવાહના નિયમો ખરેખર આપણા ભલા માટે જ છે. બાઇબલમાં સૌ પ્રથમ જ્યાં નિયમ શબ્દ આવે છે, એ બનાવ વિચારવા જેવો છે. ઉત્પત્તિ ૨૬:૫ પ્રમાણે આપણે યહોવાહના શબ્દો વાંચીએ છીએ: “ઈબ્રાહીમે . . . મારૂં ફરમાન, તથા મારી આજ્ઞાઓ, તથા મારા વિધિ, તથા મારા નિયમ પાળ્યાં.” એના વર્ષો બાદ, યહોવાહે ઈબ્રાહીમના વંશજોને નિયમશાસ્ત્ર આપ્યું. ઈબ્રાહીમે યહોવાહના નિયમો પાળવાથી કયો આશીર્વાદ મેળવ્યો? તેમને ખુદ યહોવાહ પરમેશ્વરે વચન આપ્યું કે, “તારા વંશમાં પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે.” (ઉત્પત્તિ ૨૨:૧૮) આ બતાવે છે કે આપણે યહોવાહના આશીર્વાદો મેળવવા હોય તો, તેમના નિયમો પાળવા જ જોઈએ.

૩. (ક) ગીતશાસ્ત્રના એક લેખકે યહોવાહના નિયમ પ્રત્યે કેવી લાગણી બતાવી? (ખ) આપણે કયા પ્રશ્નો વિચારવા જોઈએ?

ગીતશાસ્ત્રનો એક લેખક, યહુદાહનો રાજકુમાર અને ભાવિમાં થનાર રાજા હતો, એમ માનવામાં આવે છે. યહોવાહના નિયમ માટેની પોતાની લાગણી તેણે આવી રીતે ગાઈને જણાવી: “હું તારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું!” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) (ગીતશાસ્ત્ર ૧૧૯:૯૭) આ લાગણી કંઈ દેખાડો ન હતો. એ તો યહોવાહના નિયમો પૂરા દિલથી પાળવાની તેમની મનની ઇચ્છા હતી. યહોવાહના સંપૂર્ણ પુત્ર, ઈસુ ખ્રિસ્તમાં પણ એવી જ લાગણી હતી. ઈસુ વિષે ભવિષ્યવાણી કહે છે: “હે મારા દેવ, તારી ઈચ્છા પ્રમાણે કરવાને હું રાજી છું; તારો નિયમ મારા હૃદયમાં છે.” (ગીતશાસ્ત્ર ૪૦:૮; હેબ્રી ૧૦:૯) શું આપણે યહોવાહની ઇચ્છા પ્રમાણે કરવાને રાજી છીએ? શું આપણને સો ટકા ખાતરી છે કે યહોવાહના નિયમો આપણા જ ભલા માટે છે? શું આપણે તેમના નિયમોને જીવનમાં પ્રથમ મૂકીએ છીએ? યહોવાહના નિયમ પર પ્રેમ રાખવા માટે આપણે એ જાણવાની જરૂર છે કે, શા માટે નિયમો બનાવવાનો અને લોકો એ પાળે એવી માંગ કરવાનો તેમને જ હક્ક છે.

યહોવાહને જ નિયમો આપવાનો હક્ક છે

૪. શા માટે યહોવાહને જ નિયમો આપવાનો હક્ક છે?

યહોવાહે આપણને બનાવ્યા છે, એટલે તેમને નિયમો આપવાનો પૂરેપૂરો હક્ક છે. (પ્રકટીકરણ ૪:૧૧) ઈશ્વરભક્ત યશાયાહે જણાવ્યું કે યહોવાહે આપણા માટે નિયમો ઘડ્યા છે. (યશાયાહ ૩૩:૨૨) તેમણે ઉત્પન્‍ન કરેલા સર્વને નિયમો આપ્યા છે. (અયૂબ ૩૮:૪-૩૮; ૩૯:૧-૧૨; ગીતશાસ્ત્ર ૧૦૪:૫-૧૯) યહોવાહે આપણને બનાવ્યા છે, એથી આપણે પણ તેમના નિયમો પાળવા જોઈએ. ખરું કે તેમણે આપણને મશીન જેવા બનાવ્યા નથી, પણ આપણે વિચારી શકીએ છીએ. જો આપણે ખરેખર સુખી થવું હોય, તો યહોવાહની ભક્તિ કરીને તેમના નીતિ-નિયમો પાળવા જ જોઈએ.​—⁠રૂમી ૧૨:૧; ૧ કોરીંથી ૨:૧૪-૧૬.

૫. કઈ રીતે ગલાતી ૬:૭નો સિદ્ધાંત યહોવાહના નિયમને લાગુ પડે છે?

આપણે જાણીએ છીએ કે યહોવાહે આપેલા કુદરતી નિયમો તોડી શકાતા નથી. (યિર્મેયાહ ૩૩:૨૦, ૨૧) કોઈ એની વિરુદ્ધ જાય તો, એનું નુકસાન તેણે જ ભોગવવું પડે છે. એ જ પ્રમાણે યહોવાહના નીતિ-નિયમો પણ બદલાતા નથી. જો કોઈ એ તોડે, તો એનું નુકસાન પણ તેણે જ સહન કરવું પડે છે. ભલે કોઈ વાર એ તરત જ સહન કરવું ન પડે, છતાં લાંબે ગાળે એની અસર જરૂર થાય છે. બાઇબલ કહે છે કે “દેવની મશ્કરી કરાય નહિ: કોઈ માણસ જે કંઈ વાવે તેજ તે લણશે.”​—⁠ગલાતી ૬:૭; ૧ તીમોથી ૫:⁠૨૪.

યહોવાહના નિયમની અસર

૬. યહોવાહના નિયમો કઈ કઈ બાબતોને લાગુ પડે છે?

યહોવાહના નિયમોનો જાણીતો દાખલો મુસાનું નિયમશાસ્ત્ર છે. (રૂમી ૭:૧૨) સમય જતાં, યહોવાહ પરમેશ્વરે મુસાના નિયમશાસ્ત્રને બદલે “ખ્રિસ્તનો નિયમ” આપ્યો. * (ગલાતી ૬:૨; ૧ કોરીંથી ૯:૨૧) યહોવાહે આપેલો સંપૂર્ણ નિયમ પાળનારા ખ્રિસ્તીઓ જાણે છે કે, તે કંઈ લગ્‍ન કે મરણ વગેરેને લગતી વિધિઓ જ જણાવતા નથી. પરંતુ, તેમના નિયમોમાં જીવનના દરેક પાસાનો સમાવેશ થાય છે. જેમ કે કુટુંબ, વેપાર-ધંધો, સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધો, ખ્રિસ્તી ભાઈ-બહેનોએ કઈ રીતે સંપીને રહેવું, અને સાચી ભક્તિ કઈ રીતે કરવી.​—⁠યાકૂબ ૧:૨૫, ૨૭, પ્રેમસંદેશ.

૭. યહોવાહના સંપૂર્ણ નિયમના અમુક મહત્ત્વના નિયમો સમજાવો.

દાખલા તરીકે, બાઇબલ કહે છે: “વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, વિલાસીઓ, સજાતીય સમાગમ કરનારા, ચોર, લોભી, દારૂડિયા, નિંદાખોર કે ગૂંડાઓ કે એવા બીજા કોઈ ઈશ્વરના રાજમાં જઈ શકશે નહિ.” (૧ કોરીંથી ૬:૯, ૧૦, પ્રેમસંદેશ) આજે પણ વ્યભિચાર અને પુરુષ-પુરુષની સાથે કે સ્ત્રી-સ્ત્રીની સાથે કુકર્મ કરતા હોય, એ ચલાવી લેવાતું નથી. એ યહોવાહની નજરમાં પાપ છે. તેમ જ ચોરી, જૂઠ કે નિંદા પણ યહોવાહના નિયમનો ભંગ છે, જેની સજા જરૂર થશે. (ગીતશાસ્ત્ર ૧૦૧:૫; કોલોસી ૩:૯; ૧ પીતર ૪:૧૫) વળી, મોટી મોટી વાતો કરવી ખોટું છે એમ યાકૂબે જણાવ્યું, અને પાઊલે કહ્યું કે મૂર્ખ જેવી વાતો કે ચેનચાળા ન કરો. (એફેસી ૫:૪; યાકૂબ ૪:૧૬) યહોવાહના સંપૂર્ણ નિયમના આ સર્વ નીતિ-નિયમો ખ્રિસ્તીઓ માટે છે.​—⁠ગીતશાસ્ત્ર ૧૯:⁠૭.

૮. (ક) યહોવાહનો નિયમ કેવો છે? (ખ) “નિયમ” માટેના હેબ્રી શબ્દનો શું અર્થ થાય છે?

આમ, યહોવાહના નિયમો કંઈ એવું લાંબું લીસ્ટ નથી કે “આમ કરો, તેમ ન કરો.” પરંતુ, એ તો સુખી જીવનના દરેક પાસા વિષે માર્ગદર્શન આપે છે. ખરેખર, યહોવાહનો નિયમ સોના-ચાંદી કરતાં વધારે મૂલ્યવાન છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૭૨) અહીં વપરાયેલા “નિયમ” શબ્દનું ભાષાંતર હેબ્રી શબ્દ તોરાહમાંથી થયું છે. બાઇબલના એક પંડિત કહે છે: “આ શબ્દના ક્રિયાપદનો અર્થ એ થાય કે આગળ દોરવું, માર્ગદર્શન આપવું, અથવા તીર તાકવું. એટલે રીતભાતનો નિયમ બેસાડવો.” ગીતશાસ્ત્રના લેખકે યહોવાહના નિયમને એક અમૂલ્ય ભેટ માન્યો. શું આપણે પણ એવું જ માનીએ છીએ, અને એનાથી આપણું જીવન ઘડાવા દઈએ છીએ?

૯, ૧૦. (ક) આપણને યહોવાહના માર્ગદર્શનની શા માટે જરૂર છે? (ખ) આપણે ફક્ત કઈ રીતે સુખી બની શકીએ?

વિશ્વમાં સર્વને યહોવાહના માર્ગદર્શનની જરૂર છે. ઈસુ અને બીજા સ્વર્ગદૂતોને પણ એની જરૂર છે, જેઓ મનુષ્યો કરતાં ચડિયાતા છે. (ગીતશાસ્ત્ર ૮:૫; યોહાન ૫:૩૦; ૬:૩૮; હેબ્રી ૨:૭; પ્રકટીકરણ ૨૨:૮, ૯) જો તેઓ સંપૂર્ણ હોવા છતાં યહોવાહના માર્ગદર્શનથી લાભ પામે છે, તો આપણા જેવા પાપીઓને એનાથી કેટલો બધો લાભ મળશે! માનવ ઇતિહાસ અને આપણા જીવનમાંથી જોઈએ છીએ કે પ્રબોધક યિર્મેયાહના શબ્દો એકદમ સાચા છે: “હે યહોવાહ, હું જાણું છું કે મનુષ્યનો માર્ગ પોતાના હાથમાં નથી; પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.”​—⁠યિર્મેયાહ ૧૦:⁠૨૩.

૧૦ આપણે સાચે જ સુખી થવું હોય તો, યહોવાહના નિયમો પાળવા જ જોઈએ. રાજા સુલેમાને કબૂલ કર્યું કે મન ફાવે તેમ જીવવું જોખમી છે: “એક એવો માર્ગ છે, કે જે માણસોને ઠીક લાગે છે, પણ તેનું પરિણામ મોતનો માર્ગ છે.”​—⁠નીતિવચનો ૧૪:⁠૧૨.

યહોવાહનો નિયમ દિલથી ચાહો

૧૧. શા માટે આપણે યહોવાહના નિયમ સમજવા જોઈએ?

૧૧ યહોવાહના નિયમની પૂરેપૂરી સમજણ મેળવવા આપણે દિલ લગાડવું જોઈએ. ગીતશાસ્ત્રના લેખકે એ ઇચ્છા જણાવતા યહોવાહને કહ્યું કે, તમારા નિયમો સમજવા મારી આંખો ખોલો. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૮) આપણે યહોવાહ અને તેમના માર્ગ વિષે વધારે જાણીશું તેમ, યશાયાહના શબ્દોની કદર કરીશું: “હું યહોવાહ તારો દેવ છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું; જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું. જો તેં મારી આજ્ઞાઓ ધ્યાનમાં લીધી હોત તો કેવું સારૂં!” (યશાયાહ ૪૮:૧૭, ૧૮) યહોવાહ ખરેખર ચાહે છે કે પોતાના લોકો કોઈ આફતમાં ન આવી પડે, પણ પોતાના નિયમો પાળીને સુખી થાય. ચાલો આપણે જોઈએ કે શા માટે યહોવાહના નિયમને દિલથી ચાહવા જોઈએ.

૧૨. યહોવાહે આપણને બનાવ્યા હોવાથી, શા માટે તેમના નિયમો સૌથી સારા છે?

૧૨ એ નિયમ આપણને જેમણે બનાવ્યા છે, તેમની પાસેથી આવે છે. એમાં કોઈ શંકા નથી કે તે આપણી નસેનસ જાણે છે. (ગીતશાસ્ત્ર ૧૩૯:૧, ૨; પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૪-૨૮) આપણાં માબાપ કે સગાવહાલા કરતાં, વધારે સારી રીતે યહોવાહ આપણને જાણે છે. અરે, આપણા પોતાના કરતાં પણ યહોવાહ આપણને સારી રીતે જાણે છે! જેમણે આપણને બનાવ્યા છે, તે આપણી લાગણીઓ અને બીજી બધી જ જરૂરિયાતો વિષે જાણે છે. જ્યારે તે સ્વર્ગમાંથી આપણને જુએ છે, ત્યારે તે આપણા મનમાં જે કંઈ હોય એ સમજે છે. યહોવાહ જાણે છે કે આપણે શું કરી શકીએ અને શું કરી શકતા નથી. ગીતશાસ્ત્રના લેખક કહે છે: “તે આપણું બંધારણ જાણે છે; આપણે ધૂળનાં છીએ એવું તે સંભારે છે.” (ગીતશાસ્ત્ર ૧૦૩:૧૪) આમ, આપણે યહોવાહના નિયમ ખુશીથી પાળીએ તેમ, તેમના આશીર્વાદોની ખાતરી રાખી શકીએ છીએ.​—⁠નીતિવચનો ૩:૧૯-૨૬.

૧૩. યહોવાહ આપણું ભલું જ ચાહે છે, એમ કઈ રીતે કહી શકાય?

૧૩ યહોવાહ આપણને ચાહે છે, એટલે તે નિયમ આપે છે. યહોવાહ હંમેશાં આપણું ભલું જ ચાહે છે. શું તેમણે પોતે ભારે કિંમત ચૂકવીને આપણાં પાપોની માફી મળે, એ માટે પોતાનો પુત્ર આપ્યો નહિ? (માત્થી ૨૦:૨૮) શું યહોવાહે વચન આપ્યું નથી કે, ‘તે આપણી શક્તિ ઉપરાંત પરીક્ષણ આપણા પર આવવા દેશે નહિ?’ (૧ કોરીંથી ૧૦:૧૩) શું બાઇબલ આપણને ખાતરી આપતું નથી કે, તે ‘આપણી સંભાળ રાખે છે’? (૧ પીતર ૫:૭) યહોવાહ પરમેશ્વરની જેમ, બીજું કોઈ આપણા ભલા માટે માર્ગદર્શન આપવા તૈયાર નથી. તે હંમેશા આપણા માટે સારું જ ઇચ્છે છે. ખરું કે આપણે પાપી હોવાથી વારંવાર ભૂલો કરીએ છીએ. પરંતુ, યહોવાહના નિયમો પાળીને તેમના માર્ગ પર ચાલીએ તો, તે આશીર્વાદોનો વરસાદ વરસાવશે.​—⁠હઝકીએલ ૩૩:⁠૧૧.

૧૪. યહોવાહના નિયમો કઈ રીતે માણસના વિચારોથી અલગ છે?

૧૪ યહોવાહના નિયમો વાત-વાતમાં બદલાતા નથી. યહોવાહ કદી બદલાતા નથી. એવું નથી કે તે આજે છે અને કાલે નથી. (ગીતશાસ્ત્ર ૯૦:૨) યહોવાહ પોતે કહે છે કે તે કદી બદલાતા નથી. (માલાખી ૩:૬) માણસોના વિચારો કાચિંડાની જેમ રંગ બદલે છે. પરંતુ, આપણે યહોવાહના નિયમો પર પૂરો ભરોસો રાખી શકીએ. (યાકૂબ ૧:૧૭) દાખલા તરીકે, બાળકના મન વિષે સંશોધન કરનારા વર્ષોથી ઢંઢેરો પીટતા હતા કે, બાળકો મોટા કરવામાં બહુ કડક નહિ બનવું. હવે અમુકે કબૂલ્યું છે કે તેઓની સલાહ ખોટી હતી. આ વિષયમાં દુનિયાના વિચારો બદલાતા રહે છે. જો કે યહોવાહના નિયમ બદલાતા નથી. સદીઓથી બાઇબલ જણાવે છે કે બાળકોને કઈ રીતે પ્રેમથી મોટા કરવા. પ્રેષિત પાઊલે લખ્યું: “પિતાઓ, તમારાં છોકરાંને ચીડવો નહિ; પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો.” (એફેસી ૬:૪) ખરેખર, આપણને આ જાણીને મનની શાંતિ મળે છે કે, આપણે યહોવાહના નિયમો પર પૂરો ભરોસો રાખી શકીએ છીએ!

યહોવાહના નિયમ પાળનારા સુખી થશે

૧૫, ૧૬. (ક) યહોવાહના નિયમો પાળવાથી આપણા પર શું અસર પડશે? (ખ) યહોવાહના નિયમો કઈ રીતે લગ્‍ન-જીવન સુખી બનાવશે?

૧૫ યહોવાહે પોતાના સેવક યશાયાહ દ્વારા કહ્યું: “મારૂં વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તે સફળ થશે.” (યશાયાહ ૫૫:૧૧) એ જ પ્રમાણે, આપણે બાઇબલના નિયમો પાળતા રહીશું તો, આપણે પણ સફળ બનીને સુખી થઈશું.

૧૬ યહોવાહના નિયમો સુખી લગ્‍ન-જીવન માટે પણ મદદરૂપ છે. પાઊલે લખ્યું: “સૌએ લગ્‍નને માનયોગ્ય ગણવું. પતિ અને પત્નીએ એકબીજાને વિશ્વાસુ રહેવું. જેઓ ભ્રષ્ટ છે અને વ્યભિચાર કરે છે તેઓનો ઈશ્વર ન્યાય કરશે.” (હેબ્રી ૧૩:​૪, પ્રેમસંદેશ) હા, પતિ અને પત્નીએ એકબીજાને આદર અને પ્રેમ બતાવવો જોઈએ. પાઊલે એમ પણ કહ્યું: “તમારામાંનો દરેક જેમ પોતાના પર તેમ પોતાની સ્ત્રી પર પ્રેમ રાખે; અને સ્ત્રી પોતાના પતિનું માન રાખે.” (એફેસી ૫:૩૩) તેઓ બંનેએ કેવો પ્રેમ બતાવવો જોઈએ? “પ્રીતિ સહનશીળ તથા પરોપકારી છે; પ્રીતિ અદેખાઈ કરતી નથી; પ્રીતિ આપવડાઈ કરતી નથી, ફૂલાઈ જતી નથી, અયોગ્ય રીતે વર્તતી નથી, પોતાનું જ હિત જોતી નથી, ખિજવાતી નથી, અપકારને લેખવતી નથી; અન્યાયમાં હરખાતી નથી, પણ સત્યમાં હરખાય છે; સઘળું ખમે છે, સઘળું ખરૂં માને છે, સઘળાની આશા રાખે છે, સઘળું સહન કરે છે. પ્રીતિ કદી ખૂટતી નથી.” (૧ કોરીંથી ૧૩:૪-૮) ખરેખર, એવું પ્રેમાળ લગ્‍ન-જીવન જરૂર સુખી થશે.

૧૭. દારૂ વિષેના યહોવાહના નિયમ કઈ રીતે આપણા ભલા માટે છે?

૧૭ યહોવાહના નિયમો ઘણો દારૂ પીવાને ધિક્કારે છે, જે આપણા જ ભલા માટે છે. હા, તે ‘દારૂડિયા કે બહુ દારૂ પીનારાને’ નાપસંદ કરે છે. (૧ તીમોથી ૩:૩,, પ્રેમસંદેશ; રૂમી ૧૩:૧૩) આ નિયમ ન માનીને, ઘણા દારૂથી થતી બીમારીના ભોગ બને છે. બાઇબલની સલાહ ન માનનારા અમુક “આનંદ મેળવવા” દારૂડિયા બની ગયા છે. હકીકતમાં, વધારે પડતો દારૂ પીવાથી ઘણી મુશ્કેલીઓ આવે છે. તમારું કોઈ માન રહેતું નથી, કુટુંબ દુઃખી થઈ જાય છે. વળી, પૈસાનો બગાડ અને કોઈ વાર બેકાર પણ થવું પડે છે. (નીતિવચનો ૨૩:૧૯-૨૧, ૨૯-૩૫) દારૂ વિષેના યહોવાહના નિયમ શું ખરેખર આપણા ભલા માટે જ નથી?

૧૮. કઈ રીતે પૈસાની બાબતે પણ યહોવાહના નિયમો આપણા જ લાભમાં છે?

૧૮ પૈસાની બાબતે પણ યહોવાહના નિયમો આપણને ખૂબ જ લાભ કરે છે. બાઇબલ યહોવાહના સેવકોને પ્રમાણિક રહેવા અને મહેનત કરવાની અરજ કરે છે. (લુક ૧૬:૧૦; એફેસી ૪:૨૮; કોલોસી ૩:૨૩) ઘણી વાર બીજા લોકોને નોકરી પરથી છૂટા કરવામાં આવે છે, પણ યહોવાહના સેવકોને રાખવામાં આવે છે. ઘણાને તો પ્રમોશન પણ મળ્યું છે. તેમ જ બાઇબલની સલાહ માનીને તેઓ જુગાર, બીડી-સિગારેટ કે ડ્રગ્સમાં પણ પૈસા બરબાદ કરતા નથી. હવે, તમને બાઇબલના એવા બીજા સિદ્ધાંતો પણ યાદ આવતા હશે, જે આપણા જ લાભમાં છે.

૧૯, ૨૦. શા માટે યહોવાહના નિયમો પાળવા આપણા જ લાભમાં છે?

૧૯ આપણે યહોવાહના નિયમો સહેલાઈથી ભૂલી જઈ શકીએ છીએ. સિનાય પર્વત આગળ ઊભેલા ઈસ્રાએલી લોકોની કલ્પના કરો. યહોવાહે તેઓને કહ્યું: “જો તમે મારૂં કહેવું માનશો, ને મારો કરાર પાળશો, તો સર્વ લોકોમાંથી તમે મારૂં ખાસ ધન થશો; . . . અને સર્વ લોકોએ એક મતે ઉત્તર આપીને કહ્યું, કે યહોવાહે જે ફરમાવ્યું તે સઘળું અમે કરીશું.” તોપણ, તેઓએ પોતાનું વચન પાળ્યું નહિ! (નિર્ગમન ૧૯:૫, ૮; ગીતશાસ્ત્ર ૧૦૬:૧૨-૪૩) આપણે એવા ન બનીએ, પણ યહોવાહના નિયમો દિલથી પાળીએ.

૨૦ ખરેખર, યહોવાહના નિયમો ઉત્તમ છે! એ પ્રમાણે જીવવામાં આપણું જ ભલું છે. એનાથી આપણને કાયમી સુખ મળશે. (ગીતશાસ્ત્ર ૧૯:૭-૧૧) તેથી, આપણે યહોવાહના નિયમોની ખરેખર કદર કરવી જોઈએ. એ હવે પછીના લેખનો વિષય છે.

[ફુટનોટ]

^ “ખ્રિસ્તનો નિયમ,” એ વિષેની ચર્ચા માટે ચોકીબુરજ, સપ્ટેમ્બર ૧, ૧૯૯૬, પાન ૧૪-૨૪ જુઓ.

તમને યાદ છે?

• શા માટે યહોવાહના નિયમો આપણા ભલા માટે જ છે?

• યહોવાહના નિયમને શા માટે દિલથી પાળવા જોઈએ?

• કઈ રીતે યહોવાહના નિયમ આપણા જ લાભમાં છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૩ પર ચિત્ર]

યહોવાહના નિયમો પાળવાથી ઈબ્રાહીમને આશીર્વાદ મળ્યા

[પાન ૧૫ પર ચિત્રો]

ચિંતાઓના ચક્કરમાં લોકો યહોવાહના નિયમો ભૂલી જાય છે

[પાન ૧૭ પર ચિત્ર]

દરિયાકિનારે ખડક પરની દીવાદાંડીની જેમ, યહોવાહના નિયમ સ્થિર છે