સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અપંગતા વધતી જાય છે

અપંગતા વધતી જાય છે

અપંગતા વધતી જાય છે

આફ્રિકાના એક દેશમાં રહેતા ખ્રિશ્ચિયનને સૈનિકો બળજબરીથી ઉઠાવી ગયા. તેઓએ તેને લશ્કરમાં જોડાવા જબરદસ્તી કરી હતી પરંતુ બાઇબલથી તાલીમ પામેલા પોતાના અંતઃકરણને લીધે ખ્રિશ્ચિયને એનો નકાર કર્યો હતો. સૈનિકો તેને લશ્કરી છાવણીમાં લઈ ગયા, જ્યાં ચાર દિવસ સુધી તેને ખૂબ મારવામાં આવ્યો. પછી એક સૈનિકે તેના પગ પર ગોળી મારી. આખરે, ખ્રિશ્ચિયન ગમે તેમ કરીને હૉસ્પિટલમાં પહોંચ્યો પરંતુ, તેણે ઘૂંટણથી નીચેનો પગ કપાવી નાખવો પડ્યો. આફ્રિકાના બીજા એક દેશમાં તો, એક સશસ્ત્ર બળવાખોર જૂથે નાનાં બાળકોના પણ હાથ કે પગ કાપી નાખ્યા છે. કંબોડિયાથી બાલ્કન્સ અને અફઘાનિસ્તાનથી અંગોલા દેશોમાં જમીનમાં સંતાડેલી સુરંગો ફૂટવાથી હજુ પણ નાના-મોટા સર્વ ઘાયલ થાય છે અને અપંગ બને છે.

અકસ્માત અને ડાયાબીટીસ જેવી બીમારી પણ અપંગતા માટે જવાબદાર છે. વાતાવરણમાં રહેતા ઝેરી પદાર્થો શારીરિક ખોડ લાવી શકે. દાખલા તરીકે, પૂર્વીય યુરોપના એક શહેરમાં અનેક બાળકો હાથ વગર જન્મ્યા છે. તેઓ કોણીએથી ઠૂંઠા હોય છે. પુરાવા બતાવે છે કે આ વારસાગત ખોડ રાસાયણિક પ્રદૂષણને લીધે થાય છે. બીજા અસંખ્ય લોકોના હાથ-પગ હોય છે તોપણ, તેઓ લકવો કે બીજી કોઈ શારીરિક ક્ષતિને કારણે અશક્ત કે અપંગ હોય છે. ખરેખર, અપંગ લોકો આખી દુનિયામાં જોવા મળે છે.

બાબત ગમે તે હોય, અપંગતાથી ઘણું નુકસાન થઈ શકે છે. જુનિયરે ૨૦ વર્ષની વયે પોતાનો ડાબો પગ ગુમાવ્યો. પછીથી, તેણે કહ્યું: “હું લાગણીમય રીતે ભાંગી પડ્યો હતો. હું ક્યારેય મારો પગ પાછો નહીં મેળવી શકું એ વિચારથી જ હું ખૂબ રડતો હતો. મારે શું કરવું એની કંઈ ખબર પડતી ન હતી. હું ખૂબ મૂંઝવણમાં હતો.” તેમ છતાં, સમય જતાં જુનિયરનું વલણ બદલાવા લાગ્યું. તેણે બાઇબલનો અભ્યાસ શરૂ કર્યો અને જે બાબતો શીખ્યો એનાથી, તેને પરિસ્થિતિનો સામનો કરવામાં મદદ મળી. એટલું જ નહિ, એણે તેને આ પૃથ્વી પર સુખી ભવિષ્યની એક અદ્‍ભુત આશા પણ આપી. તમે અપંગ હોવ તો, શું તમને પણ એવી આશા રાખવાનું ગમશે?

એમ હોય તો, હવે પછીનો લેખ વાંચો. અમે તમને ભલામણ કરીએ છીએ કે તમારા પોતાના બાઇબલમાંથી કલમો જુઓ, જેથી તમે પોતે જોઈ શકશો કે જેઓ ઉત્પન્‍નકર્તાના હેતુઓ વિષે શીખે છે અને એને પોતાના જીવનમાં લાગુ પાડે છે તેઓ માટે પરમેશ્વર ભવિષ્યમાં શું કરશે.