સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આપણાં બાળકોના હૃદયમાં યહોવાહ માટેનો પ્રેમ ઠસાવવો

આપણાં બાળકોના હૃદયમાં યહોવાહ માટેનો પ્રેમ ઠસાવવો

મારો અનુભવ

આપણાં બાળકોના હૃદયમાં યહોવાહ માટેનો પ્રેમ ઠસાવવો

વેરનર માત્સનના જણાવ્યા પ્રમાણે

થોડાં વર્ષો પહેલાં, મારા મોટા દીકરા હાન્સ વેરનરે મને બાઇબલ આપ્યું. તેણે અંદરના પાન પર લખ્યું હતું: “વહાલા પપ્પા, યહોવાહનો શબ્દ હંમેશાં આપણને કુટુંબ તરીકે જીવનના માર્ગ પર દોરે. આભાર સહિત, તમારો મોટો દીકરો.” માબાપો સમજી શકશે કે એ શબ્દોએ મારા હૃદયને આભાર અને આનંદથી કેટલું ભરી દીધું હશે. હું જાણતો ન હતો કે કુટુંબ તરીકે અમારે હજુ કેવા પડકારોનો સામનો કરવો પડશે.

મારો જન્મ ૧૯૨૪માં, જર્મનીના હેમ્બુર્ગ બંદરેથી કંઈક ૨૦ કિલોમીટર દૂર આવેલા હૉલસ્ટેનબેકમાં થયો હતો. હું મારી મમ્મી અને નાના પાસે ઊછર્યો હતો. મેં ઓજાર બનાવવાની તાલીમ લીધી હોવાથી, મને ૧૯૪૨માં વૉરમાક્ટ એટલે કે લશ્કરમાં ભરતી કરવામાં આવ્યો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, રશિયન મોરચા પર ચાલી રહેલી લડાઈની સ્થિતિ અવર્ણનીય હતી. મને ટાઈફોઈડ થયો. પરંતુ, સારવાર પછી મને પાછો મોરચા પર મોકલવામાં આવ્યો. જાન્યુઆરી ૧૯૪૫માં, હું પોલૅન્ડના લોડ્‌ઝમાં હતો ત્યારે ગંભીર રીતે ઘવાયો. મને લશ્કરી હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યો. યુદ્ધ પૂરું થયું ત્યાં સુધી હું ત્યાં જ હતો. મને પહેલાં હૉસ્પિટલમાં અને પછી નેરુમ્બર્ગની કેદી છાવણીમાં મોકલવામાં આવ્યો. ત્યાં મારી પાસે મનન કરવાનો ઘણો સમય હતો. શું ખરેખર પરમેશ્વર છે? જો એમ હોય તો, શા માટે તેમણે આટલી બધી ક્રૂરતાને ચાલવા દીધી છે? એવા પ્રશ્નોથી હું મૂંઝવણમાં મૂકાઈ જતો.

કેદીઓની છાવણીમાંથી મુક્ત થયાના થોડા સમય પછી, સપ્ટેમ્બર ૧૯૪૭માં મેં કાર્લા સાથે લગ્‍ન કર્યા. અમે બંને એક જ ગામમાં મોટા થયા હતા. કાર્લા કૅથલિક હતી જ્યારે કે મારો ઉછેર ધાર્મિક વાતાવરણમાં થયો ન હતો. અમારું લગ્‍ન કરાવનાર પાદરીએ અમને દરરોજ સાંજે ભેગા મળીને પ્રભુની પ્રાર્થના કરવાનું સૂચન આપ્યું. અમે ખરેખર કોને માટે પ્રાર્થના કરી રહ્યા છીએ એ જાણ્યા વગર તેમના કહ્યા પ્રમાણે કરતા હતા.

એક વર્ષ પછી હાન્સ વેરનરનો જન્મ થયો. એ જ સમયે મારા સાથી કર્મચારી, વિલ્હેમ એરન્સે મને યહોવાહના સાક્ષીઓ સાથે ઓળખાણ કરાવી. તેમણે મને બાઇબલમાંથી બતાવ્યું કે એક દિવસે યુદ્ધ નહિ હોય. (ગીતશાસ્ત્ર ૪૬:૯) વર્ષ ૧૯૫૦માં, મેં યહોવાહને મારા જીવનનું સમર્પણ કર્યું અને બાપ્તિસ્મા લીધું. એક વર્ષ પછી મારી પત્નીએ પણ બાપ્તિસ્મા લીધું ત્યારે મને ખૂબ જ આનંદ થયો!

બાળકોને યહોવાહના માર્ગમાં ઉછેરવાં

મેં બાઇબલમાંથી વાંચ્યું કે યહોવાહ લગ્‍નના ઉદ્‍ભવકર્તા છે. (ઉત્પત્તિ ૧:​૨૬-​૨૮; ૨:​૨૨-​૨૪) અમે હાન્સ વેરનર, કાર્લ-હાઈન્સ, માઈકલ, ગાબ્રિએલ અને થોમસના માબાપ બન્યા ત્યારે, એક સારા પતિ અને પિતા તરીકેની મારી વચનબદ્ધતા વધારે દૃઢ બની. કાર્લ અને હું અમારા દરેક બાળકના જન્મ સમયે ઘણા ખુશ હતા.

વર્ષ ૧૯૫૩માં, નેરુમ્બર્ગમાં યોજાયેલ યહોવાહના સાક્ષીઓનું સંમેલન અમારા કુટુંબ માટે યાદગાર હતું. શુક્રવારે બપોરે, “બાળકોને નવી દુનિયાના સમાજમાં ઉછેરવાં” વિષયના વાર્તાલાપ દરમિયાન, વક્તાએ કહેલી બાબત અમે ક્યારેય ભૂલીશું નહિ. તેમણે કહ્યું હતું, “બાળકોને યહોવાહની સેવા કરવા પ્રેરવાં, એ સિવાય સૌથી મોટો વારસો બીજો કોઈ નથી.” યહોવાહની મદદથી, કાર્લા અને હું એમ જ કરવા માંગતા હતા. પરંતુ, કઈ રીતે?

એની શરૂઆત કરવા, અમે કુટુંબ તરીકે દરરોજ ભેગા મળીને પ્રાર્થના કરવાની ટેવ પાડી. એનાથી બાળકો પર પ્રાર્થનાના મહત્ત્વની ઊંડી અસર પડી. દરેક બાળક નાનપણથી જ શીખ્યું કે અમે જમતા પહેલાં હંમેશાં પ્રાર્થના કરીએ છીએ. અરે, તેઓ એકદમ નાના હતા ત્યારે, પોતાની બોટલ જોતાની સાથે જ માથું નમાવીને પોતાના નાના નાના હાથને વાળી દેતા. એક પ્રસંગે, અમને મારી પત્નીના સગાએ લગ્‍નમાં આવવાનું આમંત્રણ આપ્યું. તેઓ યહોવાહના સાક્ષી ન હતા. વિધિ પત્યા પછી, છોકરીના માબાપે મહેમાનોને નાસ્તા માટે આમંત્રણ આપ્યું. દરેક જણ તરત જ ખાવાનું શરૂ કરવા માંગતા હતા. પરંતુ, અમારા પાંચ વર્ષના કાર્લ-હાઈન્સને એ ઠીક ન લાગ્યું. આથી, તેણે કહ્યું, “પહેલાં પ્રાર્થના તો કરાવો.” મહેમાનોએ તેની સામે જોયું, પછી અમારી સામે જોયું અને છેલ્લે યજમાનની સામે જોયું. તેઓની મૂંઝવણ દૂર કરવા, મેં આભારની પ્રાર્થના કરાવવા વિષે પૂછ્યું અને યજમાન સહમત થયા.

મને ઈસુના શબ્દો યાદ આવ્યા: “બાળકોનાં તથા ધાવણાંઓનાં મોંથી તે સ્તુતિ સંપૂર્ણ કરાવી છે.” (માત્થી ૨૧:૧૬) અમને ખાતરી થઈ કે અમારી નિયમિત અને હૃદયપૂર્વકની પ્રાર્થનાએ અમારાં બાળકોને યહોવાહને તેમના પ્રેમાળ સ્વર્ગીય પિતા તરીકે જોવા મદદ કરી છે.

યહોવાહ પ્રત્યેની અમારી જવાબદારી

બાળકોને યહોવાહને પ્રેમ કરતા શીખવવા માટે, તેમના શબ્દ બાઇબલને નિયમિત વાંચીને અભ્યાસ કરવો પણ મહત્ત્વનું છે. એ બાબત ધ્યાનમાં રાખીને, અમે દર સપ્તાહે, ખાસ કરીને સોમવારની સાંજે બાઇબલ અભ્યાસ કરતા હતા. અમારો સૌથી મોટો દીકરા અને સૌથી નાના દીકરા વચ્ચે નવ વર્ષનો ફરક હતો. આથી, તેઓની જરૂરિયાતો પણ અલગ અલગ હોવાથી, અમે દરેકની સાથે એક જ પ્રકારની માહિતીનો અભ્યાસ કરતા ન હતા.

દાખલા તરીકે, એકદમ નાના બાળકો માટે અમે સહેલો અભ્યાસ રાખતા. કાર્લા તેઓને ફક્ત એક જ બાઇબલ કલમ લઈને અથવા ચિત્રોવાળાં બાઇબલ આધારિત પ્રકાશનનો ઉપયોગ કરીને શીખવતી. મને હજુ પણ યાદ છે કે અમારાં નાનાં બાળકો નવી દુનિયા (અંગ્રેજી) * પુસ્તકમાંથી પોતાનું મનગમતું ચિત્ર બતાવવા માટે વહેલી સવારે અમારા પલંગ પર ચઢીને અમને જગાડી દેતા હતા.

આપણા દરેક પાસે યહોવાહને પ્રેમ કરવાના ઘણાં કારણો છે એ ધીરજપૂર્વક શીખવવામાં કાર્લાએ કુશળતા વિકસાવી. એ સાદું અને સરળ લાગી શકે પરંતુ, હકીકતમાં એ કાર્લા અને મારા માટે શારીરિક અને માનસિક રીતે લગભગ પૂરા સમયનું કાર્ય હતું. તોપણ, અમે પડતું મૂક્યું નહિ. યહોવાહને પ્રેમ ન કરતા લોકો અમારાં બાળકોનાં નાના કોમળ હૃદયોમાં બીજું કંઈ ભરે એ પહેલાં, અમે તેઓનાં હૃદયોમાં યહોવાહ માટે પ્રેમ ઠસાવવા ઇચ્છતા હતા. એ કારણે અમે હંમેશાં ધ્યાન રાખતા કે બાળકો જેવાં બેસતા શીખે કે તરત જ તેઓ કૌટુંબિક બાઇબલ અભ્યાસમાં પણ ભાગ લે.

માબાપ તરીકે, કાર્લા અને મને યહોવાહની ઉપાસનાને લગતી બાબતમાં યોગ્ય ઉદાહરણ બેસાડવું વધારે મહત્ત્વનું લાગ્યું. આથી, અમે જમતી વખતે, બાગમાં કામ કરતા કે ચાલવા જતા ત્યારે, દરેક બાળકને યહોવાહ સાથે સારો સંબંધ વિકસાવવા મદદ કરતા. (પુનર્નિયમ ૬:૬, ૭) અમે દરેક બાળકને નાનપણથી જ તેમનું પોતાનું બાઇબલ અપાવ્યું. વધુમાં, સામયિકો મેળવતાની સાથે જ હું કુટુંબના દરેક સભ્યનું નામ તેમની વ્યક્તિગત પ્રત પર લખી દેતો. તેથી, બાળકો પોતાનાં સાહિત્યો ઓળખવાનું શીખ્યા. અમે બાળકોને સજાગ બનો!માંથી અમુક લેખો વાંચવાનું સોંપતા. રવિવારે બપોરના ભોજન પછી, તેઓ અમને સમજાવતા કે તેઓને એ માહિતીમાંથી કઈ બાબતોની સમજણ પડી.

બાળકો પ્રત્યે જરૂરી ધ્યાન આપવું

જોકે, બાબતો દર વખતે સહેલી ન હતી. બાળકો મોટા થતા ગયા તેમ, અમને જોવા મળ્યું કે તેઓના હૃદયમાં યહોવાહ માટેનો પ્રેમ ઉતારતા પહેલાં, તેઓના હૃદયમાં શું છે એ જાણવું ઘણું મહત્ત્વનું છે. એનો અર્થ એમ થતો હતો કે તેઓનું સાંભળવું. અમારાં બાળકોને અમુક સમયે અમારી વિરુદ્ધ કંઈક ફરિયાદ હતી. આથી મેં અને કાર્લાએ બેસીને તેઓ સાથે બાબતોની ચર્ચા કરી. અમે કૌટુંબિક અભ્યાસને અંતે ખાસ અડધા કલાકની ગોઠવણ કરી. એ સમયે દરેકને જે કંઈ પણ લાગતું એ તેઓ મુક્તપણે જણાવી શકતા હતા.

દાખલા તરીકે, અમારા બે નાનાં બાળકો, થોમસ અને ગાબ્રિએલને લાગ્યું કે અમે તેમના સૌથી મોટા ભાઈને વધારે પ્રેમ કરીએ છીએ. એક અભ્યાસ દરમિયાન તેઓએ મુક્તપણે પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં કહ્યું, “પપ્પા, અમને એવું લાગે છે કે તમે અને મમ્મી હંમેશાં હાન્સ વેરનરને તેની ઇચ્છા પ્રમાણે કરવા દો છો.” સૌ પ્રથમ તો, અમે એકદમ આભા જ બની ગયા. તેમ છતાં, તેઓ શાના આધારે એમ કહી રહ્યા છે એના પર વિચાર કરીને, કાર્લા અને મેં સ્વીકાર્યું કે અમારાં બાળકોનું કહેવું વાજબી હતું. તેથી, અમે અમારાં બધા જ બાળકોને એક સરખું ધ્યાન આપવા વધારે પ્રયત્ન કર્યો.

અમુક સમયે, મેં બાળકોને ઉતાવળે અને અયોગ્ય શિક્ષા કરી. એવા પ્રસંગે અમે માબાપ તરીકે માફી માંગવાનું પણ શીખ્યા. ત્યાર પછી, અમે પ્રાર્થનામાં યહોવાહ પાસે જતા. બાળકો એ જાણે કે તેઓના પિતા, યહોવાહ પાસે અને તેઓ પાસે માફી માંગવા તૈયાર છે એ ખૂબ મહત્ત્વનું હતું. પરિણામે, અમારા તેઓ સાથે મૈત્રીપૂર્ણ અને સારા સંબંધ હતા. તેઓ હંમેશાં અમને કહેતા, “તમે અમારા સૌથી સારા મિત્રો છો.” એનાથી અમને ઘણી ખુશી થતી.

કુટુંબ તરીકે ભેગા મળીને કામ કરવાથી એકતા આવે છે. એ માટે, દરેક જણને કામ વહેંચવામાં આવ્યું હતું. હાન્સ વેરનરને દુકાને જઈને એક અઠવાડિયા માટે જરૂરી વસ્તુઓ ખરીદવાનું કામ સોંપવામાં આવ્યું હતું. એ માટે અમે તેને પૈસા અને સામગ્રીની યાદી આપતા. એક અઠવાડિયે, અમે તેને કોઈ યાદી કે પૈસા આપ્યા નહિ. તેણે એ વિષે તેની મમ્મીને પૂછ્યું અને કાર્લાએ તેને જણાવ્યું કે હમણાં અમારી પાસે પૈસા નથી. પછી બાળકો અંદરોઅંદર ગુસપુસ કરવા લાગ્યા અને દરેક જણે પોતપોતાનો ગલ્લો લાવીને એને મેજ પર ખાલી કર્યો. તેઓ સર્વએ કહ્યું, “મમ્મી, હવે આપણે ખરીદી કરી શકીએ.” હા, બાળકો તાકીદની પરિસ્થિતિમાં મદદ કરવાનું શીખ્યા અને એનાથી અમારું કુટુંબ વધારે નજીક આવ્યું.

બાળકો મોટા થતા ગયાં તેમ, છોકરાઓએ છોકરીઓમાં રસ લેવાનું શરૂ કર્યું. દાખલા તરીકે, થોમસને ૧૬ વર્ષની સાથી સાક્ષીમાં ઘણો રસ હતો. મેં તેને સમજાવ્યું કે તે ખરેખર એ છોકરી વિષે વિચારતો હોય તો, તેણે તેની સાથે લગ્‍ન કરવા અને પત્ની તથા બાળકોની જવાબદારી લેવા તૈયાર રહેવું જોઈએ. એનાથી થોમસને ખબર પડી કે તે લગ્‍ન માટે તૈયાર ન હતો કેમ કે તે ફક્ત ૧૮ વર્ષનો હતો.

કુટુંબ તરીકે પ્રગતિ કરવી

બાળકો નાની ઉંમરથી જ વારાફરતી દેવશાહી સેવા શાળામાં જોડાયા. અમે ધ્યાનપૂર્વક તેઓની સોંપણી સાંભળતા અને એનાથી અમને ઉત્તેજન મળતું. કેમ કે અમે પરમેશ્વર માટે બાળકોનો હૃદયપૂર્વકનો પ્રેમ જોયો. ઘણી વાર અમારી સાથે રહેતા સરકીટ અને ડિસ્ટ્રીક્ટ નિરીક્ષકો, પોતાના અનુભવો જણાવતા અથવા બાઇબલ અહેવાલો વાંચી સંભળાવતા. આ ભાઈઓ અને તેમની પત્નીઓએ અમારા કુટુંબના હૃદયમાં પૂરા સમયની સેવા માટે પ્રેમ વિકસાવવા મદદ કરી.

અમે સંમેલનોની આતુરતાથી રાહ જોતા. સંમેલનોએ અમારાં બાળકોમાં યહોવાહની સેવા કરવાની ઇચ્છા વિકસાવવાના અમારા પ્રયત્નોમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. બાળકો સંમેલનમાં જતા પહેલાં પોતાના લેપલ કાર્ડ લગાવતા ત્યારે, એ તેઓ માટે ખાસ ખુશીનો સમય હતો. હાન્સ વેરનરે દસ વર્ષની ઉંમરે બાપ્તિસ્મા લીધું ત્યારે અમે ખૂબ જ ખુશ થયા હતા. ઘણા લોકો તેને યહોવાહને સમર્પણ માટે ઘણો નાનો સમજતા હતા. પરંતુ, ૫૦ વર્ષની ઉંમરે, તેણે મને કહ્યું કે ૪૦ વર્ષ સુધી યહોવાહની સેવા કરવા બદલ તે કેટલો આભારી છે.

અમે અમારાં બાળકોને બતાવ્યું કે યહોવાહ સાથે વ્યક્તિગત સંબંધ ઘણો મહત્ત્વનો છે. પરંતુ, અમે તેઓને સમર્પણ કરવા કોઈ દબાણ કર્યું નહિ. તોપણ, બીજાં બાળકો વ્યક્તિગત રીતે બાપ્તિસ્મા માટે તૈયાર થયા ત્યારે અમને આનંદ થયો.

અમે અમારો બોજો યહોવાહ પર નાખવાનું શીખ્યા

હાન્સ વેરનર ૧૯૭૧માં વૉચટાવર બાઇબલ સ્કૂલ ઓફ ગિલયડના ૫૧માં વર્ગમાંથી સ્નાતક થયો અને તેને સ્પેનમાં મિશનરી તરીકે સોંપણી મળી ત્યારે અમારા આનંદનો કોઈ પાર ન રહ્યો. એક પછી એક અમારાં બીજા બાળકોએ પણ પૂરા સમયના સેવકો તરીકે થોડો સમય સેવા કરી જેનાથી અમને ઘણો જ આનંદ થયો. લગભગ એ જ સમયે, લેખની શરૂઆતમાં બતાવ્યું તેમ, હાન્સ વેરનરે મને બાઇબલ આપ્યું. એ સમયે, અમે કુટુંબ તરીકે સૌથી સુખી હોય એમ લાગતું હતું.

પરંતુ, પછીથી અમને જોવા મળ્યું કે અમારે હજુ પણ યહોવાહ પર વધારે ભરોસો રાખવાની જરૂર છે. શા માટે? કેમ કે અમે જોયું કે અમારા કેટલાંક બાળકો તેઓના વિશ્વાસની કસોટી થાય એવી ગંભીર સમસ્યાઓનો સામનો કરે છે. દાખલા તરીકે, અમારી દીકરી ગાબ્રિએલ પણ એમાંથી બાકાત ન હતી. તેણે ૧૯૭૬માં લૉથાર સાથે લગ્‍ન કર્યું. લગ્‍નના થોડા સમય પછી તેના પતિ બીમાર પડ્યા. તે દિવસે દિવસે કમજોર થતા ગયા અને તેમના મરણ સુધી ગાબ્રિએલે તેમની સારી કાળજી રાખી. કુટુંબની તંદુરસ્ત વ્યક્તિ બીમાર પડીને મરણ પામી એનાથી અમે અનુભવ્યું કે અમારે યહોવાહ પર કેટલો આધાર રાખવાની જરૂર છે.​—⁠યશાયાહ ૩૩:⁠૨.

યહોવાહના સંગઠનમાં સેવાનો લહાવો

મને ૧૯૫૫માં મંડળના સેવક (આજે પ્રમુખ નિરીક્ષકથી ઓળખાય છે) તરીકે નીમવામાં આવ્યો ત્યારે, મને લાગતું ન હતું કે હું આ જવાબદારી ઉપાડવા માટે લાયક છું. મારે ઘણું કામ કરવાનું હોવાથી, હું મંડળની મારી જવાબદારી સારી રીતે પૂરી કરી શકું એ માટે ઘણી વાર સવારે ચાર વાગે ઊઠી જતો. મારી પત્ની અને બાળકોએ મને ઘણી મદદ કરી. સાંજના સમયે હું કામમાં વ્યસ્ત હોઉં ત્યારે, તેઓ મને ખલેલ ન પડે એની ખાસ કાળજી રાખતા.

તેમ છતાં, કુટુંબ તરીકે અમે શક્ય હોય ત્યારે ફુરસદનો સમય કાઢીને સાથે પસાર કરતા. અમુક સમયે મારા માલિક મને તેમની કાર વાપરવા આપતા જેથી, હું મારા કુટુંબને બહાર ફરવા લઈ જઈ શકતો. કેટલીક વાર અમે જંગલમાં ચોકીબુરજનો અભ્યાસ કરવાનો આનંદ માણતા. અમે સાથે પગપાળા પ્રવાસ કરતા. અમે જંગલમાંથી ચાલીને પસાર થતા ત્યારે હું વાજું વગાડતો અને તેઓ ગીત ગાતા.

વર્ષ ૧૯૭૮માં, મને અવેજી સરકીટ નિરીક્ષક (પ્રવાસી સેવક) તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. મેં યહોવાહને પ્રાર્થના કરી: “યહોવાહ, હું એ કરી શકીશ એમ મને લાગતુ નથી. પરંતુ, જો તમે ઇચ્છતા હોવ કે હું પ્રયત્ન કરું તો, હું મારાથી બનતું બધું જ કરીશ.” બે વર્ષ પછી, ૫૪ વર્ષની વયે, મેં મારો નાનો વેપાર મારા નાના દીકરા થોમસને સોંપી દીધો.

અમારાં બાળકો મોટા થયાં ત્યારે, મને અને કાર્લાને યહોવાહની વધારે સેવા કરવાની તક મળી. એ જ વર્ષે, મને સરકીટ નિરીક્ષક તરીકે નીમવામાં આવ્યો અને હેમ્બુર્ગ તથા આખા સ્લેશવિક-હોલસ્ટાઈનમાં સોંપણી આપવામાં આવી. અમને બાળકો ઉછેરવાનો અનુભવ હોવાથી, અમે માબાપ અને તેઓનાં બાળકોને અમુક ખાસ સલાહ-સૂચનો આપી શક્યા.

મારી સાથે સરકીટમાં દસ વર્ષ સુધી કામ કર્યા પછી, કાર્લાને એક ઑપરેશન કરાવવું પડ્યું. એ જ વર્ષે, ડૉક્ટરોને જાણવા મળ્યું કે મને મગજની ગાંઠ છે. તેથી, મેં સરકીટ નિરીક્ષક તરીકેની મારી સેવા છોડીને મગજનું ઑપરેશન કરાવ્યું. ત્રણ વર્ષ પહેલાં મેં ફરીથી અવેજીમાં સરકીટ નિરીક્ષક તરીકે સેવા આપી. કાર્લા અને હું હવે ૭૦ના દાયકામાં છીએ. અમે હવે પ્રવાસી કાર્ય કરતા નથી. યહોવાહે અમને એ જોવા મદદ કરી કે જે કાર્ય કરવાને હું સમર્થ નથી એને કરતા રહેવાનો કોઈ અર્થ નથી.

ભૂતકાળનો વિચાર કરતા, કાર્લા અને હું યહોવાહનો ખૂબ આભાર માનીએ છીએ. કેમ કે તેમણે અમારાં બાળકોના હૃદયમાં સત્ય માટે પ્રેમ ઠસાવવામાં મદદ કરી છે. (નીતિવચનો ૨૨:૬) સમગ્ર વર્ષોમાં, યહોવાહે અમને માર્ગદર્શન અને તાલીમ આપીને અમારી જવાબદારી પૂરી કરવા અમને મદદ કરી છે. અમે વૃદ્ધ અને અશક્ત છીએ છતાં, અમારો યહોવાહ માટેનો પ્રેમ હજુ પણ યુવાનીમાં હતો એવો જ છે અને હંમેશાં રહેશે.​—⁠રૂમી ૧૨:૧૦, ૧૧.

[ફુટનોટ]

^ યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત, પરંતુ હવે પ્રાપ્ય નથી.

[પાન ૨૬ પર ચિત્ર]

અમારું કુટુંબ, વર્ષ ૧૯૬૫માં, હેમ્બુર્ગ, એલ્બ નદીના કિનારે ચાલી રહ્યું છે

[પાન ૨૮ પર ચિત્ર]

વર્ષ ૧૯૯૮માં બર્લિનના આંતરરાષ્ટ્રીય સંમેલનમાં અમારા કુટુંબના અમુક સભ્યો સાથે

[પાન ૨૯ પર ચિત્ર]

મારી પત્ની કાર્લા સાથે