પુત્રએ પિતાને મદદ કરી
પુત્રએ પિતાને મદદ કરી
ઇંગ્લૅંડના ૩૨ વર્ષના જેમ્સને ગંભીર માનસિક બીમારી છે અને તે મંદબુદ્ધિનો પણ છે. તોપણ, ઘણાં વર્ષોથી તે તેની માતા અને મોટી બહેન સાથે યહોવાહના સાક્ષીઓની સભાઓમાં જતો હતો. જોકે, તેના પિતાને તેઓના ધર્મમાં કોઈ રસ ન હતો. એક સભામાં ખ્રિસ્તના મરણના સ્મરણ પ્રસંગમાં કઈ રીતે ઓળખીતાઓને આમંત્રણ આપવું એ વિષે બતાવવામાં આવ્યું. એ સાંજે સભા પછી તરત જ જેમ્સ પોતાના રૂમમાં દોડી ગયો. તેની માતા પણ ઉત્સુકતાથી તેની પાછળ ગઈ અને જોયું તો, તે ચોકીબુરજ અને સજાગ બનો!ના જૂના અંકો ફંફોસતો હતો. તેણે એક સામયિક પસંદ કર્યું કે જેના છેલ્લા પાને સ્મરણ પ્રસંગનું આમંત્રણ હતું અને તરત જ પોતાના પિતા પાસે ગયો. તેણે પ્રથમ ચિત્ર તરફ ધ્યાન દોરીને પિતાને કહ્યું “તમે!” તેના માતા-પિતાને ખબર પડી કે જેમ્સ તેના પિતાને સ્મરણ પ્રસંગમાં આવવાનું આમંત્રણ આપે છે ત્યારે, તેઓ આશ્ચર્યથી એકબીજા સામે જોવા લાગ્યા. તેના પિતાએ કહ્યું કે હું કદાચ આવીશ.
સ્મરણ પ્રસંગની સાંજે, જેમ્સ પિતાના કબાટમાંથી કપડા કાઢીને પિતા પાસે ગયો અને પિતાને હાવભાવથી પહેરવા જણાવ્યું. તેના પિતાએ કહ્યું કે તે સભામાં આવવાના નથી ત્યારે, જેમ્સ અને તેની માતા રાજ્યગૃહમાં એકલા ગયા.
થોડા વખત પછી, જેમ્સને તેની માતા સભાઓમાં લઈ જવા તૈયાર કરતી ત્યારે તે તૈયાર થતો નહિ અને સભામાં જવાને બદલે પિતા સાથે ઘરે રહેવાનું પસંદ કરતો. એક રવિવારે સવારે, જેમ્સની માતા તેને સભામાં આવવા હંમેશની જેમ તૈયાર કરવાનો પ્રયત્ન કરતી હતી ત્યારે તેણે ફરીથી નકાર કર્યો. જેમ્સના પિતાએ તેની પાસે આવીને કહ્યું, “જેમ્સ, હું આજે સભામાં જઉં તો, શું તું પણ આવીશ?” ત્યારે જેમ્સની માતાને ઘણું આશ્ચર્ય થયું. જેમ્સ તરત જ માથું ઊંચું કરીને પિતાને ભેટી પડ્યો અને કહ્યું “હા!” પછી ત્રણેવ જણ રાજ્યગૃહમાં ગયા.
એ દિવસથી જેમ્સના પિતાએ રવિવારની બધી સભાઓમાં જવાનું શરૂ કર્યું. પછી જલદી જ તેમને જણાવવામાં આવ્યું કે તે પ્રગતિ કરવા ઇચ્છતા હોય તો તેમણે બીજી સભાઓમાં પણ આવવું જોઈએ. (હેબ્રી ૧૦:૨૪, ૨૫) હવે તે બધી જ સભાઓમાં જવા લાગ્યા અને બે મહિના પછી તેમણે નિયમિત બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. તેમણે પોતાના જીવનમાં જરૂરી ફેરફારો કર્યા અને રાજ્યના પ્રચાર કાર્યમાં સહભાગી થવાનું શરૂ કરીને જલદી જ પ્રગતિ કરી. બાઇબલ અભ્યાસ શરૂ કર્યાના એક વર્ષ પછી, તેમણે યહોવાહને પોતાનું સમર્પણ કરીને એના પ્રતીકરૂપે પાણીનું બાપ્તિસ્મા લીધું. હાલમાં તે તેમના મંડળમાં સેવકાઈ ચાકર તરીકે સેવા આપે છે. હવે કુટુંબમાં સર્વ એકતાથી યહોવાહની ઉપાસના કરે છે.