યહોવાહના દિવસથી કોણ બચશે?
યહોવાહના દિવસથી કોણ બચશે?
“તે દિવસ આવે છે, તે ભઠ્ઠીની પેઠે બળે છે.”—માલાખી ૪:૧.
૧. માલાખી કઈ રીતે આ દુષ્ટ જગતના અંતનું વર્ણન કરે છે?
યહોવાહે માલાખી પ્રબોધકને એકદમ નજીકના ભવિષ્યમાં થનારા ભયંકર બનાવો વિષે લખવા પ્રેર્યા. આ બનાવોની અસર પૃથ્વી પરના સર્વ રહેવાસીઓને થશે. માલાખી ૪:૧ ભાખે છે: “જુઓ, તે દિવસ આવે છે, તે ભઠ્ઠીની પેઠે બળે છે; અને સર્વ ગર્વિષ્ઠો તથા સર્વ દુરાચારીઓ ખૂંપરારૂપ થશે; સૈન્યોનો [દેવ] યહોવાહ કહે છે, કે જે દિવસ આવે છે તે તેમને એવા બાળી નાખશે કે તે તેમનું મૂળ કે ડાળી રહેવા દેશે નહિ.” આ દુષ્ટ જગતનો કેવી રીતે વિનાશ કરવામાં આવશે? એક વૃક્ષને જડમૂળમાંથી ઊખેડી નાખ્યા પછી એ ક્યારેય ઊગતું નથી તેમ, આ દુષ્ટ જગતનો પણ સંપૂર્ણ વિનાશ કરવામાં આવશે.
૨. અમુક શાસ્ત્રવચનો યહોવાહના દિવસનું કેવું વર્ણન કરે છે?
૨ તમે પૂછી શકો કે, ‘માલાખી અહીં કયા “દિવસ” વિષે ભાખી રહ્યા છે?’ આ એ જ દિવસ છે જેનો ઉલ્લેખ યશાયાહ ૧૩:૯માં કરવામાં આવ્યો છે, જે કહે છે: “જુઓ, યહોવાહનો દિવસ આવે છે; તે દુઃખદાયક, કોપ તથા ઉગ્ર ક્રોધ સહિત દેશને ઉજ્જડ કરવા ને તેમાંથી પાપીઓનો વિનાશ કરવા સારૂ આવે છે.” સફાન્યાહ ૧:૧૫ એ દિવસનું આવું વર્ણન કરે છે: “તે દિવસે કોપનો દિવસ, દુઃખ તથા સંકટનો દિવસ, ઉજ્જડપણાનો તથા વેરાનપણાનો દિવસ, અંધકારનો તથા ઝાંખનો દિવસ, વાદળાં તથા ગાઢ અંધકારનો દિવસ.”
“મોટી વિપત્તિ”
૩. “યહોવાહનો દિવસ” શું છે?
૩ ‘યહોવાહના દિવસ’ વિષે માલાખીએ જે ભવિષ્યવાણી કરી હતી એની મહાન પરિપૂર્ણતાના સમયગાળાને “મોટી વિપત્તિ” કહેવામાં આવી. ઈસુએ ભાખ્યું: “કેમકે તે વેળા એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી જગતના આરંભથી તે હમણાં સુધી થઈ નથી, ને કદી થશે પણ નહિ.” (માત્થી ૨૪:૨૧) હમણાં, ખાસ કરીને ૧૯૧૪થી જગત જે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે એનો વિચાર કરો. (માત્થી ૨૪:૭-૧૨) ફક્ત બીજા વિશ્વયુદ્ધમાં જ ૫ કરોડથી વધારે લોકો માર્યા ગયા! તોપણ, ‘મોટી વિપત્તિમાં’ એનાથી પણ વધારે આફતો આવશે. એ બનાવ યહોવાહનો દિવસ હશે કે જેનો આર્માગેદ્દોનમાં અંત આવી જશે અને એ સાથે જ દુષ્ટ જગતના આ છેલ્લા દિવસો પણ પૂરા થઈ જશે.—૨ તીમોથી ૩:૧-૫, ૧૩; પ્રકટીકરણ ૭:૧૪; ૧૬:૧૪, ૧૬.
૪. યહોવાહના દિવસનો અંત આવશે ત્યારે શું થશે?
૪ યહોવાહના દિવસે શેતાનના જગત અને તેના ટેકેદારોનો સંપૂર્ણ વિનાશ કરવામાં આવશે. સૌ પ્રથમ, સર્વ જૂઠા ધર્મોનો નાશ થશે. ત્યાર પછી, શેતાનની રાજકીય અને વ્યાપારી વ્યવસ્થા વિરુદ્ધ યહોવાહ ન્યાયચુકાદો લાવશે. (પ્રકટીકરણ ૧૭:૧૨-૧૪; ૧૯:૧૭, ૧૮) હઝકીએલ ભવિષ્યવાણી કરે છે: “તેઓ પોતાનું રૂપું રસ્તાઓમાં ફેંકી દેશે, ને તેમનું સોનું અશુદ્ધ વસ્તુના જેવું થઈ પડશે; યહોવાહના કોપને દિવસે તેઓનું સોનુંરૂપું તેમને ઉગારી શકશે નહિ.” (હઝકીએલ ૭:૧૯) એ દિવસ વિષે સફાન્યાહ ૧:૧૪ કહે છે: “યહોવાહનો મહાન દિવસ નજીક છે, તે નજીક છે, ને બહુ ઝડપથી આવે છે.” યહોવાહના દિવસ વિષે બાઇબલ જે કહે છે એને ધ્યાનમાં રાખીને, આપણે પરમેશ્વરની ન્યાયી જરૂરિયાતોના સુમેળમાં ચાલવાનો સંકલ્પ કરવો જોઈએ.
૫. યહોવાહના નામનો ભય રાખનારાઓ શાનો અનુભવ કરે છે?
૫ યહોવાહનો દિવસ શેતાનના જગતનું શું કરશે એ વિષે ભાખ્યા પછી, માલાખી ૪:૨માં યહોવાહ કહે છે: “તમે મારા નામનું ભય રાખનારાઓને સારૂ તો ન્યાયીપણાનો સૂર્ય ઊગશે, અને તેની પાંખોમાં આરોગ્ય હશે; તમે બહાર આવીને કોડમાંના વાછરડાઓની પેઠે કૂદશો.” ઈસુ ખ્રિસ્ત “ન્યાયીપણાનો સૂર્ય” છે. તે આત્મિક રીતે “જગતનું અજવાળું” છે. (યોહાન ૮:૧૨) ઈસુ સાજાપણું આપીને પોતાનો પ્રકાશ ફેલાવે છે. પ્રથમ તે આત્મિક સાજાપણું આપે છે કે જેનો અનુભવ આજે પણ આપણે કરીએ છીએ. પછી નવી દુનિયામાં તે સંપૂર્ણ શારીરિક સાજાપણું આપશે. યહોવાહ કહે છે તેમ, સાજા કરવામાં આવેલા લોકો ‘બહાર આવીને કોડમાંના વાછરડાઓની પેઠે કૂદશે.’ તેઓને છુટકારો મળ્યો હોવાથી, તેઓ આનંદ અને ઉલ્લાસથી ઊછળી રહ્યા છે.
૬. યહોવાહના સેવકો કયા વિજયી ઉત્સવનો આનંદ માણશે?
૬ પરંતુ, યહોવાહની જરૂરિયાતોને અવગણતા લોકો વિષે શું? માલાખી ૪:૩ બતાવે છે: “તમે [પરમેશ્વરના સેવકો] દુષ્ટોને [તમારા] પગ તળે ખૂંદશો; કેમકે સૈન્યોનો [દેવ] યહોવાહ કહે છે, કે હું આ પ્રમાણે કરીશ તે દિવસે તેઓ તમારા પગનાં તળિયાં નીચે રાખ સમાન થશે.” પરમેશ્વરના લોકો દુષ્ટ જગતનો વિનાશ કરવામાં ભાગ લેશે નહિ. એને બદલે, તેઓ યહોવાહના દિવસ પછી વિજયના ઉત્સવમાં ભાગ લઈને રૂપકાત્મક રીતે ‘દુષ્ટોને પગ તળે ખૂંદશે.’ ફારૂન અને તેનાં લશ્કરોનો લાલ સમુદ્રમાં નાશ કરવામાં આવ્યા પછી, વિજયનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. (નિર્ગમન ૧૫:૧-૨૧) એ જ રીતે, શેતાન અને તેના જગતનો વિનાશ કર્યા પછી વિજયની ખુશીમાં એક ઉત્સવ થશે. યહોવાહના દિવસે બચી જનારા વિશ્વાસુઓ આનંદથી પોકારી ઊઠશે: ‘તેમણે કરેલા તારણથી આપણે હરખાઈને આનંદોત્સવ કરીએ.’ (યશાયાહ ૨૫:૯) પછી યહોવાહની સર્વોપરિતા દોષમુક્ત થશે અને શાંતિચાહક રહેવાસીઓ માટે પૃથ્વીને એકદમ સ્વચ્છ કરવામાં આવી હશે ત્યારે કેવો આનંદ-ઉલ્લાસ છવાઈ જશે!
ખ્રિસ્તીરાષ્ટ્ર ઈસ્રાએલ જાતિને અનુસરે છે
૭, ૮. માલાખીના સમયના ઈસ્રાએલીઓની આત્મિક પરિસ્થિતિનું વર્ણન કરો.
૭ યહોવાહની સેવા કરનારાઓએ તેમનો આશીર્વાદ મેળવ્યો છે અને તેઓ તેમની સેવા નહિ કરનારાઓથી એકદમ ભિન્ન છે. માલાખીએ પોતાનું પુસ્તક લખ્યું ત્યારે પરિસ્થિતિ એવી જ હતી. એ સમયે ઈસ્રાએલીઓના શેષભાગને ૫૩૭ બી.સી.ઈ.માં ૭૦ વર્ષ પછી બાબેલોનના બંદીવાસની ગુલામીમાંથી છોડાવવામાં આવ્યા. તેમ છતાં, ૧૦૦ વર્ષની અંદર તો આ ઈસ્રાએલીઓ ફરીથી ધર્મભ્રષ્ટતા અને દુષ્ટતાને માર્ગે જવા લાગ્યા. મોટા ભાગના લોકો યહોવાહના નામનો અનાદર કરતા હતા. તેઓએ ન્યાયી નિયમોની અવગણના કરીને મંદિરમાં આંધળાં, લંગડાં અને રોગિષ્ઠ પ્રાણીઓનું બલિદાન ચઢાવીને એને ભ્રષ્ટ કરતા હતા. તેમ જ, તેઓએ પોતાની જુવાનીની પત્નીને દગો કર્યો હતો.
૮ તેથી, યહોવાહે તેઓને કહ્યું: “વળી ન્યાય કરવા હું તમારી નજીક આવીશ; અને જાદુગરો તેમજ વ્યભિચારીઓ તથા જૂઠા સોગન ખાનારાઓની વિરૂદ્ધ, મજૂર પર તેની મજૂરીના સંબંધમાં [જુલમ કરનારની], અને વિધવા તથા અનાથ પર જુલમ કરનારની વિરૂદ્ધ, અને પરદેશી[નો હક] પચાવી પાડનાર તથા મારો ડર નહિ રાખનારની વિરૂદ્ધ હું સાક્ષી પૂરવા તત્પર રહીશ. . . . કેમકે હું યહોવાહ અવિકારી છું.” (માલાખી ૩:૫, ૬) તોપણ, પોતાનાં ખરાબ આચરણોથી પાછા ફરવા ઇચ્છતા હતા તેઓને યહોવાહે આમંત્રણ આપ્યું: “મારી ભણી પાછા ફરો, તો હું તમારી ભણી પાછો ફરીશ.”—માલાખી ૩:૭.
૯. માલાખીની ભવિષ્યવાણીની પહેલી પરિપૂર્ણતા કેવી રીતે થઈ?
૯ આ ભવિષ્યવાણીની પ્રથમ પરિપૂર્ણતા પ્રથમ સદી સી.ઈ.માં થઈ. યહુદીઓના શેષભાગે યહોવાહની સેવા કરી અને આત્માથી અભિષિક્ત થયેલા ખ્રિસ્તીઓના નવા ‘રાષ્ટ્રનો’ ભાગ બન્યા, જેમાં વિદેશીઓનો પણ સમાવેશ થયો. પરંતુ, મોટા ભાગના મૂળ ઈસ્રાએલીઓએ ઈસુનો નકાર કર્યો. એ કારણે ઈસુએ ઈસ્રાએલ રાષ્ટ્રને કહ્યું: “જુઓ, તમારે સારૂ તમારૂં ઘર ઉજ્જડ મુકાયું છે.” (માત્થી ૨૩:૩૮; ૧ કોરીંથી ૧૬:૨૨) માલાખી ૪:૧માં ભાખવામાં આવ્યું તેમ, ૭૦ સી.ઈ.માં ‘ભઠ્ઠીની પેઠે બળતો દિવસ’ ઈસ્રાએલીઓ પર સાચે જ આવી પડ્યો. યરૂશાલેમ અને એના મંદિરનો નાશ કરવામાં આવ્યો અને નોંધવામાં આવ્યું કે દસ લાખ કરતાં વધુ લોકો દુકાળમાં, રાજકીય સંઘર્ષમાં અને રોમન સૈન્યના હુમલાથી માર્યા ગયા. તેમ છતાં, યહોવાહની વફાદારીથી સેવા કરનારાઓ એમાંથી બચી ગયા.—માર્ક ૧૩:૧૪-૨૦.
૧૦. સામાન્ય લોકો અને પાદરીઓ કઈ રીતે પ્રથમ સદીના ઈસ્રાએલીઓનું અનુકરણ કરે છે?
૧૦ માનવજાત અને એમાંય ખાસ કરીને ખ્રિસ્તી રાષ્ટ્ર, પ્રથમ સદીના ઈસ્રાએલ રાષ્ટ્રનું અનુકરણ કરે છે. ધર્મગુરુઓ અને ખ્રિસ્તી રાષ્ટ્રના સામાન્ય લોકો, ઈસુએ પરમેશ્વર વિષે શીખવેલા સત્યને બદલે જૂઠા ધર્મના શિક્ષણને વધારે પસંદ કરે છે. એ માટે ખાસ કરીને પાદરીઓ વધારે દોષિત છે. તેઓ યહોવાહના નામનો ઉપયોગ કરવાનો નકાર કરે છે. એટલું જ નહિ, તેઓએ ઘણા બાઇબલ ભાષાંતરોમાંથી તેમનું નામ કાઢી નાખ્યું છે. તેઓ અનંતકાળ સુધી નરકમાં અગ્નિની પીડા, ત્રૈક્ય, અમર જીવ અને ઉત્ક્રાંતિવાદ જેવા જૂઠા બિનશાસ્ત્રીય શિક્ષણોથી યહોવાહનું અપમાન કરે છે. આમ, યહોવાહને જે મહિમા મળવો જોઈએ એ તેઓ માલાખીના સમયના યાજકોની જેમ ઝૂંટવી લે છે.
૧૧. જગતના ધર્મોએ કઈ રીતે બતાવ્યું કે તેઓ ખરેખર કોની સેવા કરે છે?
૧૧ તેથી, ૧૯૧૪માં છેલ્લા દિવસો શરૂ થયા ત્યાર પછી, આ જગતના ધર્મો, ખાસ કરીને ખ્રિસ્તી હોવાનો દાવો કરનારાઓ ખરેખર કોની સેવા કરે છે એ સ્પષ્ટ દેખાઈ આવ્યું. બંને વિશ્વયુદ્ધો દરમિયાન, તેઓએ પોતાના ચર્ચના સભ્યોને રાષ્ટ્રોની લડાઈઓમાં ભાગ લેવાનું અને પોતાના જ ધર્મના લોકોને મારી નાખવાનું ઉત્તેજન આપ્યું. યહોવાહને આધીન રહેનાર અને તેમની વિરુદ્ધ જનારાઓ વિષે યહોવાહનો શબ્દ સ્પષ્ટ રીતે બતાવે છે: “એથી દેવનાં છોકરાં તથા શેતાનનાં છોકરાં ઓળખાઈ આવે છે: જે કોઈ ન્યાયીપણું કરતો નથી, અને જે કોઈ પોતાના ભાઈ પર પ્રેમ રાખતો નથી, તે દેવનો નથી. કેમકે જે સંદેશો તમે પ્રથમથી સાંભળ્યો છે તે એજ છે, કે આપણે એકબીજા પર પ્રેમ રાખીએ; જેવો કાઈન દુષ્ટનો હતો, અને તેણે પોતાના ભાઈને મારી નાખ્યો, તેવા આપણે ન થવું.”—૧ યોહાન ૩:૧૦-૧૨.
ભવિષ્યવાણી પરિપૂર્ણ કરવી
૧૨, ૧૩. આપણા સમયના પરમેશ્વરના સેવકો કઈ ભવિષ્યવાણી પરિપૂર્ણ કરે છે?
૧૨ વર્ષ ૧૯૧૮માં, પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે, યહોવાહના સેવકો જોઈ શક્યા કે પરમેશ્વર કહેવાતા ખ્રિસ્તી ધર્મ અને જૂઠા ધર્મોને પણ ધિક્કારે છે. ત્યારથી નમ્ર હૃદયના લોકોને કહેવામાં આવ્યું છે: “ઓ મારા લોક, તમે તેનાં પાપના ભાગીદાર ન થાઓ, અને તેના પર આવનારા અનર્થોમાંનો કોઈ પણ તમારા પર ન આવે, માટે તેમાંથી નીકળી જાઓ; કેમકે તેનાં પાપ આકાશ સુધી પહોંચ્યાં છે, અને દેવે તેનાં દુષ્કર્મોને યાદ કર્યાં છે.” (પ્રકટીકરણ ૧૮:૪, ૫) યહોવાહની ખરેખર સેવા કરવા ઇચ્છતા હતા તેઓએ જૂઠા ધર્મની નિશાનીઓ દૂર કરવા અને સ્વર્ગમાં સ્થપાયેલા રાજ્યના સુસમાચારને આખી દુનિયામાં પ્રચાર કરવાનું શરૂ કરી દીધું. આ એવું કાર્ય છે જે દુષ્ટ જગતના અંત પહેલાં પૂરું કરવામાં આવશે.—માત્થી ૨૪:૧૪.
૧૩ આ રીતે, માલાખી ૪:૫ની ભવિષ્યવાણી પરિપૂર્ણ થઈ, જેમાં યહોવાહે જણાવ્યું હતું: “જુઓ, યહોવાહનો મહાન તથા ભયંકર દિવસ આવે તે પહેલાં હું તમારી પાસે એલીયાહ પ્રબોધકને મોકલી દઈશ.” આ ભવિષ્યવાણીની પ્રથમ પરિપૂર્ણતા યોહાન બાપ્તિસ્મકના કાર્યથી થઈ, જે એલીયાહની પૂર્વછાયા હતા. કરારની વિરુદ્ધ પાપ કરનારા યહુદીઓએ પસ્તાવો કર્યો ત્યારે, યોહાને તેઓને બાપ્તિસ્મા આપીને એલીયાહ જેવું કાર્ય કર્યું. સૌથી મહત્ત્વનું તો, યોહાન, મસીહના પુરોગામી હતા. તેમ છતાં, યોહાનના કાર્યોથી માલાખીની ભવિષ્યવાણી ફક્ત નાના પાયા પર પરિપૂર્ણ થઈ હતી. ઈસુએ યોહાનને બીજા એલીયાહ તરીકે ઓળખાવ્યા ત્યારે, એ પણ બતાવ્યું કે ભવિષ્યમાં “એલીયાહ” જેવું બીજું કાર્ય થશે.—માત્થી ૧૭:૧૧, ૧૨.
૧૪. આ જગતના અંત પહેલાં કયું મહત્ત્વનું કાર્ય પૂરું થવું જ જોઈએ?
૧૪ માલાખીની ભવિષ્યવાણીએ બતાવ્યું કે આ મહાન એલીયાહ કાર્ય, ‘યહોવાહના મહાન તથા ભયંકર દિવસ’ પહેલાં પૂરું કરવામાં આવશે. એ દિવસનો અંત, ખૂબ જ જલદી આર્માગેદનમાં, એટલે કે સર્વશક્તિમાન પરમેશ્વરની લડાઈ સાથે પૂરો થશે. એનો અર્થ એમ થાય કે આ દુષ્ટ જગતના વિનાશ પહેલાં અને પરમેશ્વરના હજાર વર્ષના સ્વર્ગીય રાજ્યના રાજા ઈસુ ખ્રિસ્તના શાસનની શરૂઆતમાં, એક એવું કાર્ય પૂરું કરવામાં આવશે જે એલીયાહના કાર્યને મળતું આવતું હોય. એ ભવિષ્યવાણી પ્રમાણે યહોવાહ આ દુષ્ટ જગતનો નાશ કરે એ પહેલાં, પૃથ્વી પર જીવવાની આશા ધરાવતા સાથી ખ્રિસ્તીઓની મદદથી આધુનિક સમયનો એલીયાહ વર્ગ, પૂરા જોશથી શુદ્ધ ઉપાસનાને ફરીથી સ્થાપિત કરી રહ્યો છે. તેમ જ, યહોવાહના નામને ગૌરવવંતુ બનાવે છે અને ઘેટાં જેવા લોકોને બાઇબલ સત્ય શીખવવાનું કાર્ય કરી રહ્યા છે.
યહોવાહ તેમના સેવકોને આશીર્વાદ આપે છે
૧૫. યહોવાહ કઈ રીતે પોતાના સેવકોને યાદ રાખે છે?
૧૫ યહોવાહ તેમની સેવા કરનારાઓને આશીર્વાદ આપે છે. માલાખી ૩:૧૬ બતાવે છે: “ત્યારે યહોવાહનો ભય રાખનારાઓએ એકબીજા સાથે વાત કરી; અને યહોવાહે તે ધ્યાન દઈને સાંભળ્યું, અને યહોવાહનું ભય રાખનારાઓને સારૂ તથા તેના નામનું ચિંતન કરનારાઓને સારૂ યાદીનું પુસ્તક તેની હજુરમાં લખવામાં આવ્યું.” હાબેલના સમયથી યહોવાહ, અનંતજીવન મેળવનારા લોકોનાં નામ યાદીના પુસ્તકમાં લખે છે, એટલે કે તે તેઓને યાદ રાખે છે. યહોવાહ તેઓને કહે છે: “દશાંશો ભર્યાપૂરા ભંડારમાં લાવો, જેથી મારા મંદિરમાં અન્નની છત રહે, અને એમ કરીને મારૂં પારખું તો લઈ જુઓ, કે હું તમારે સારૂ આકાશની બારીઓ ખોલી નાખીને સમાવેશ કરવાને પૂરતી જગા નહિ હોય, એટલો બધો આશીર્વાદ તમારા પર મોકલી દઉં છું કે નહિ!”—માલાખી ૩:૧૦.
૧૬, ૧૭. યહોવાહે કઈ રીતે પોતાના લોકો અને પોતાના કાર્યને આશીર્વાદ આપ્યો છે?
૧૬ યહોવાહે તેમની ઉપાસના કરનારાઓને ખરેખર અઢળક આશીર્વાદો આપ્યા છે. કઈ રીતે? એક તો તેમણે પોતાના હેતુઓ વિષેની વધારાની સમજણ આપી છે. (નીતિવચનો ૪:૧૮; દાનીયેલ ૧૨:૧૦) બીજું કે પ્રચાર કાર્યમાં તેમણે આશ્ચર્યજનક પરિણામો આપ્યાં છે. મોટી સંખ્યામાં નમ્ર લોકો સાચી ઉપાસનામાં જોડાયા છે. આમ તેઓ ‘સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના લોકોની એક મોટી સભા [બનાવે છે.] તેઓ મોટે સાદે પોકારીને કહે છે, કે અમારો દેવ, જે રાજ્યાસન પર બેઠેલો છે, તેને તથા હલવાનને તારણને માટે ધન્યવાદ હોજો.’ (પ્રકટીકરણ ૭:૯, ૧૦) આ મોટા ટોળાએ એ બાબત અદ્ભુત રીતે બતાવી છે અને હમણાં યહોવાહની ઉત્સાહથી સેવા કરનારાઓની સંખ્યા આખા જગતમાં ૯૩,૦૦૦ મંડળોમાં ૬૦ લાખ કરતાં વધારે થઈ ગઈ છે.
૧૭ યહોવાહના સાક્ષીઓએ પ્રકાશિત કરેલા સૌથી વધારે વિતરણ પામેલાં બાઇબલ આધારિત પ્રકાશનોમાં પણ યહોવાહનો આશીર્વાદ જોવા મળે છે. આજે, ચોકીબુરજ અને સજાગ બનો! સામયિકોની કંઈક ૯ કરોડ પ્રતો દર મહિને છપાય છે; ચોકીબુરજ ૧૪૪ ભાષાઓમાં અને સજાગ બનો! ૮૭ ભાષાઓમાં બહાર પડે છે. વર્ષ ૧૯૬૮માં બાઇબલ અભ્યાસ માટે સત્ય જે અનંત જીવન તરફ દોરી જાય છે પુસ્તકની ૧૧૭ ભાષાઓમાં ૧૦ કરોડ ૭૦ લાખથી વધારે પ્રતોનું વિતરણ કરવામાં આવ્યું. પછી ૧૯૮૨માં પ્રકાશિત, તમે પારાદેશ પૃથ્વી પર હંમેશ માટે જીવી શકો છો પુસ્તકની ૧૩૧ ભાષાઓમાં ૮ કરોડ ૧૦ લાખ કરતાં વધારે પ્રતોનું વિતરણ કરવામાં આવ્યું. વધુમાં, ૧૯૯૫માં પ્રકાશિત, જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તકનું ૧૫૪ ભાષાઓમાં લગભગ ૮ કરોડ ૫૦ લાખ પ્રતો સુધી વિતરણ કરવામાં આવ્યું છે. વર્ષ ૧૯૯૬માં પ્રકાશિત, દેવ આપણી પાસે શું માંગે છે? મોટી પુસ્તિકાની લગભગ ૧૫ કરોડ પ્રતોને અત્યાર સુધીમાં ૨૪૪ ભાષાઓમાં વહેંચવામાં આવી છે.
૧૮. વિરોધ છતાં આપણે શા માટે આત્મિક સમૃદ્ધિનો આનંદ માણીએ છીએ?
૧૮ શેતાનના જગત તરફથી આવતા સખત વિરોધ અને સતાવણી છતાં, આપણે આ આત્મિક સમૃદ્ધિનો આનંદ માણ્યો છે. એ યશાયાહ ૫૪:૧૭ના શબ્દોને સાચા ઠરાવે છે: “તારી વિરૂદ્ધ વાપરવા સારૂ ઘડેલું કોઈ પણ હથિયાર સાર્થક થશે નહિ; ન્યાયસભામાં જે કોઈ જીભ તારી વિરૂદ્ધ બોલશે, તેને તું દોષિત ઠરાવીશ. એ યહોવાહના સેવકોનો વારસો છે, તેમનું ન્યાયીપણું મારાથી છે, એમ યહોવાહ કહે છે.” યહોવાહના સેવકો માટે એ જાણવું કેટલું દિલાસો આપનારું છે કે માલાખી ૩:૧૭ની મોટી પરિપૂર્ણતા તેઓ પર જ પૂરી થઈ રહી છે: “સૈન્યોનો દેવ યહોવાહ કહે છે, કે તેઓ મારા થશે; જે દિવસે હું આ કરીશ, તે દિવસે તેઓ મારૂં ખાસ દ્રવ્ય થશે.”
આનંદથી યહોવાહની સેવા કરવી
૧૯. યહોવાહની સેવા કરનારાઓ અને તેમની સેવા ન કરનારાઓ વચ્ચે કયો તફાવત જોવા મળે છે?
૧૯ યહોવાહને પ્રેમ કરનારા વિશ્વાસુ સેવકો અને શેતાનના જગતના દુષ્ટો વચ્ચેનો તફાવત દિવસે દિવસે સ્પષ્ટ થતો જાય છે. માલાખી ૩:૧૮માં ભાખવામાં આવ્યું: “તમે ફરશો અને સદાચારીની તથા દુરાચારીની વચ્ચેનો, ઈશ્વરની સેવા કરનારની તથા તેની સેવા નહિ કરનારની વચ્ચેનો, ભેદ સમજશો.” એમાંનો એક ભેદ એ છે કે યહોવાહની સેવા કરનારાઓ વધારે આનંદિત છે. આનંદિત થવાનું એક કારણ, તેઓ પાસે રહેલી અદ્ભુત આશા છે. તેઓને યહોવાહમાં પૂરો ભરોસો છે જ્યારે તે કહે છે: “હું નવાં આકાશ તથા નવી પૃથ્વી ઉત્પન્ન કરનાર છું; અને આગલી બીનાઓનું સ્મરણ કરવામાં આવશે નહિ, તેઓ મનમાં આવશે નહિ. પણ હું જે ઉત્પન્ન કરું છું, તેને લીધે તમે સર્વકાળ આનંદ કરો ને હરખાઓ.”—યશાયાહ ૬૫:૧૭, ૧૮; ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧, ૨૯; પ્રકટીકરણ ૨૧:૪, ૫.
૨૦. શા માટે આપણે આનંદિત લોકો છીએ?
૨૦ આપણે યહોવાહના વચનમાં ખાતરી રાખીએ છીએ કે પૃથ્વી પરના તેમના સર્વ વફાદાર સેવકો યહોવાહના દિવસે બચી જશે અને તેઓને નવી દુનિયામાં લઈ જવામાં આવશે. (સફાન્યાહ ૨:૩; પ્રકટીકરણ ૭:૧૩, ૧૪) ઘણા, નવી દુનિયા આવે એ પહેલાં વૃદ્ધાવસ્થા, બીમારી અથવા અકસ્માતને કારણે મરણની લાંબી ઊંઘમાં જતા રહે તોપણ, યહોવાહનો શબ્દ કહે છે કે તે આપણને યાદ રાખશે અને અનંતજીવનની આશા સહિત ફરીથી સજીવન કરશે. (યોહાન ૫:૨૮, ૨૯; તીતસ ૧:૨) યહોવાહનો દિવસ નજીક આવતો જાય છે તેમ, આપણે સર્વ જીવનમાં મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરીએ છીએ. પરંતુ, પૃથ્વી પર આનંદ કરવાને આપણી પાસે સૌથી વધારે કારણ છે.
તમે કેવો જવાબ આપશો?
• “યહોવાહનો દિવસ” શું છે?
• કઈ રીતે જગતના ધર્મો પ્રાચીન ઈસ્રાએલનું અનુકરણ કરે છે?
• યહોવાહના સેવકો કઈ ભવિષ્યવાણીને પૂરી કરી રહ્યા છે?
• યહોવાહે કઈ રીતે તેમના લોકોને આશીર્વાદ આપ્યો છે?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૨૧ પર ચિત્ર]
પ્રથમ સદીનું યરૂશાલેમ ‘ભઠ્ઠીની પેઠે બળી ગયું’
[પાન ૨૩ પર ચિત્રો]
યહોવાહ તેમની સેવા કરનારાઓને જરૂરી બાબતો પૂરી પાડે છે
[પાન ૨૪ પર ચિત્રો]
અદ્ભુત આશાને લીધે યહોવાહના સેવકો ખરેખર આનંદિત છે