સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહની માંગો પૂરી કરવાથી તેમને મહિમા મળે છે

યહોવાહની માંગો પૂરી કરવાથી તેમને મહિમા મળે છે

યહોવાહની માંગો પૂરી કરવાથી તેમને મહિમા મળે છે

“હું ઉપકારસ્તુતિથી તેને મોટો માનીશ.”​—⁠ગીતશાસ્ત્ર ૬૯:⁠૩૦.

૧. (ક) આપણે યહોવાહને મોટા મનાવીએ એ શા માટે યોગ્ય છે? (ખ) આપણે કઈ રીતે તેમની ઉપકારસ્તુતિ કરીને મોટા મનાવી શકીએ?

 યહોવાહ પરમેશ્વર વિશ્વના સર્વોપરી, સર્વશક્તિમાન અને સૃષ્ટિના સર્જનહાર છે. આથી, તેમનું નામ અને હેતુઓને મોટા મનાવવા યોગ્ય જ છે. યહોવાહને મોટા મનાવવાનો અર્થ, આપણી વાણી અને કાર્યોથી તેમને ઊંડું માન આપવું કે સ્તુતિ કરવી થાય છે. એ ‘ઉપકારસ્તુતિથી’ કરવા માટે, તે આજે આપણા માટે જે કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ જે કરશે એ માટે હંમેશાં આભારી બનવાની જરૂર છે. આપણે પ્રકટીકરણ ૪:​૧૧ જેવું વલણ બતાવવું જોઈએ. અહીં વિશ્વાસુ આત્મિક પ્રાણીઓ જાહેર કરે છે: “ઓ અમારા પ્રભુ તથા દેવ, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તું જ યોગ્ય છે; કેમકે તેં સર્વેને ઉત્પન્‍ન કર્યાં, અને તારી ઇચ્છાથી તેઓ હતાં, ને ઉત્પન્‍ન થયાં.” તો પછી, આપણે કઈ રીતે યહોવાહને મોટા મનાવી શકીએ? તેમના વિષે શીખીને તેમ જ તે આપણી પાસે જે માંગે છે એ જરૂરિયાતોને પૂરી કરીને તેમને મોટા મનાવી શકીએ. આપણે પણ ગીતકર્તા જેવું જ અનુભવવું જોઈએ. તેમણે કહ્યું: “મને તારી ઈચ્છા પ્રમાણે વર્તવાનું શીખવ, કેમકે તું મારો દેવ છે.”​—⁠ગીતશાસ્ત્ર ૧૪૩:⁠૧૦.

૨. (ક) યહોવાહને મોટા મનાવનારાઓને તે કેવો બદલો આપશે? (ખ) દુષ્ટ લોકોનું શું થશે?

યહોવાહને મોટા મનાવે છે તેઓને તે ખૂબ મૂલ્યવાન ગણે છે. તેથી, “જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે.” (હેબ્રી ૧૧:૬) એ ફળ શું છે? ઈસુએ પોતાના પિતાને પ્રાર્થનામાં કહ્યું: “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.” (યોહાન ૧૭:૩) હા, “ઉપકારસ્તુતિથી તેને [યહોવાહને] મોટો મનાવે” છે તેઓ, “દેશનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૨૯) બીજી બાજુ, “દુષ્ટ માણસને કંઈ પ્રતિફળ મળવાનું નથી.” (નીતિવચનો ૨૪:૨૦) આ છેલ્લા દિવસોમાં, યહોવાહને મોટા મનાવવા બહુ જ જરૂરી છે કેમ કે જલદી જ તે દુષ્ટોનો નાશ કરશે અને ન્યાયીઓને બચાવશે. “જગત તથા તેની લાલસા જતાં રહે છે; પણ જે દેવની ઇચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે.”​—⁠૧ યોહાન ૨:૧૭; નીતિવચનો ૨:૨૧, ૨૨.

૩. શા માટે આપણે માલાખીના પુસ્તકને ધ્યાન આપવું જોઈએ?

“દરેક શાસ્ત્ર ઈશ્વરપ્રેરિત” હોવાથી, યહોવાહ શું ઇચ્છે છે એ આપણને બાઇબલમાં જોવા મળે છે. (૨ તીમોથી ૩:​૧૬) યહોવાહને મોટા મનાવનારાઓને તેમણે કેવા આશીર્વાદો આપ્યા અને તેમનું અપમાન કરનારાઓનું શું થયું એ વિષેના ઘણા અહેવાલો તેમના શબ્દ, બાઇબલમાં મળી આવે છે. એમાંનો એક અહેવાલ, પ્રબોધક માલાખીના સમયના ઈસ્રાએલીઓનો છે. લગભગ ૪૪૩ બી.સી.ઈ.માં, યહુદાહમાં નહેમ્યાહના શાસન દરમિયાન, માલાખીએ પોતાના નામથી પુસ્તક લખ્યું. આ અસરકારક અને રોમાંચક પુસ્તકમાં ઘણી માહિતી અને ભવિષ્યવાણીઓ જોવા મળે છે. એ “જેઓના પર યુગોનો અંત આવી લાગ્યો છે એવો આપણને બોધ મળે તેને સારૂ તે લખવામાં આવ્યું છે.” (૧ કોરીંથી ૧૦:૧૧) માલાખીની ભવિષ્યવાણીને ધ્યાન આપવાથી એ આપણને ‘યહોવાહના મહાન તથા ભયંકર દિવસ’ માટે તૈયાર થવા, મદદ કરશે જેમાં દિવસે તે આ દુષ્ટ વ્યવસ્થાનો નાશ કરશે.​—⁠માલાખી ૪:⁠૫.

૪. માલાખીના પહેલા અધ્યાયમાં કયા છ મુદ્દાઓ પર આપણું ધ્યાન દોરવામાં આવ્યું છે?

લગભગ ૨,૪૦૦ કરતાં વધારે વર્ષ અગાઉ લખવામાં આવેલું માલાખીનું પુસ્તક, આ ૨૧મી સદીમાં આપણને કઈ રીતે યહોવાહના મહાન તથા ભયંકર દિવસ માટે તૈયાર થવા મદદ કરી શકે? પહેલો અધ્યાય, આપણે યહોવાહને મોટા મનાવી શકીએ અને તેમની કૃપા તથા અનંતજીવન મેળવી શકીએ એ માટે ઓછામાં ઓછા છ મહત્ત્વના મુદ્દાઓ પર આપણું ધ્યાન દોરે છે: (૧) યહોવાહ પોતાના લોકોને પ્રેમ કરે છે. (૨) આપણે પવિત્ર બાબતો પ્રત્યે કદર બતાવવી જોઈએ. (૩) યહોવાહ ઇચ્છે છે કે આપણે તેમની સેવામાં આપણાથી બનતું બધું જ આપીએ. (૪) સાચી ઉપાસના લોભથી નહિ, પણ નિઃસ્વાર્થ પ્રેમથી કરવી જોઈએ. (૫) પરમેશ્વરની સ્વીકાર્ય સેવા કરવી, એ કોઈ બોજરૂપ વિધિ નથી. (૬) આપણે દરેકે પરમેશ્વરને હિસાબ આપવો પડશે. તેથી, ચાલો આપણે માલાખીના પુસ્તક પર આધારિત ત્રણ લેખોમાંના આ પહેલાં લેખમાં, માલાખીના પહેલા અધ્યાયની તપાસ કરીને દરેક મુદ્દાઓ પર વિચાર કરીએ.

યહોવાહ પોતાના લોકોને પ્રેમ કરે છે

૫, ૬. (ક) યહોવાહ શા માટે યાકૂબને પ્રેમ કરતા હતા? (ખ) જો આપણે યાકૂબના વિશ્વાસનું અનુકરણ કરીએ તો, આપણે શાની અપેક્ષા રાખી શકીએ?

માલાખીના પુસ્તકની શરૂઆતની કલમોમાં યહોવાહનો પ્રેમ સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યો છે. તેમના પુસ્તકની શરૂઆત આ શબ્દોથી થાય છે: “ઈસ્રાએલને પ્રગટ કરવામાં આવેલી યહોવાહના વચનરૂપી દેવવાણી.” વધુમાં પરમેશ્વર કહે છે: “મેં તમારા પર પ્રીતિ રાખી છે.” એ જ કલમમાં ઉદાહરણ ટાંકીને યહોવાહ બતાવે છે, “યાકૂબ પર મેં પ્રીતિ રાખી.” યાકૂબને યહોવાહમાં વિશ્વાસ હતો. સમય જતાં, યહોવાહે યાકૂબનું નામ બદલીને ઈસ્રાએલ પાડ્યું અને તે ઈસ્રાએલ રાષ્ટ્રના પૂર્વજ બન્યા. યાકૂબ વિશ્વાસુ હતા આથી યહોવાહ તેમને પ્રેમ કરતા હતા. ઈસ્રાએલ રાષ્ટ્રના જે લોકોએ યાકૂબ જેવું વલણ બતાવ્યું તેઓને પણ યહોવાહે પ્રેમ કર્યો.​—⁠માલાખી ૧:​૧, ૨.

જો આપણે યહોવાહને પ્રેમ કરીએ અને તેમના લોકો સાથે વફાદારીથી રહીએ તો, આપણે ૧ શમૂએલ ૧૨:૨૨માંથી દિલાસો મેળવી શકીએ, જે કહે છે: “યહોવાહ પોતાના મોટા નામની ખાતર પોતાના લોકને તજી દેશે નહિ.” યહોવાહ પોતાના લોકોને પ્રેમ કરીને તેઓને છેવટે અનંતજીવનનું ફળ આપે છે. આપણે વાંચીએ છીએ: “યહોવાહ પર ભરોસો રાખ, અને ભલું કર; દેશમાં રહે, અને વિશ્વાસુપણાની પાછળ લાગ, જેથી તું યહોવાહમાં આનંદ કરીશ; અને તે તારા હૃદયની ઈચ્છાઓ પૂરી પાડશે.” (ગીતશાસ્ત્ર ૩૭:​૩, ૪) યહોવાહને પ્રેમ કરવામાં બીજા મુદ્દાનો સમાવેશ થાય છે કે જે માલાખીના પહેલા અધ્યાયમાં આપણા ધ્યાન પર લાવવામાં આવ્યો છે.

પવિત્ર બાબતો પ્રત્યે કદર બતાવવી

૭. શા માટે યહોવાહે એસાવને ધિક્કાર્યો?

માલાખી ૧:​૨, ૩માં વાંચીએ છીએ તેમ, યહોવાહ કહે છે: “યાકૂબ પર મેં પ્રીતિ રાખી,” પછી તે કહે છે, “એસાવનો મેં ધિક્કાર કર્યો.” શા માટે આવો ભેદભાવ? યાકૂબે યહોવાહને મોટા મનાવ્યા પરંતુ તેમના જોડીયા ભાઈ એસાવે એ પ્રમાણે કર્યું નહિ. એસાવને અદોમ પણ કહેવામાં આવ્યો. માલાખી ૧:૪માં અદોમ દેશને દુષ્ટતાની હદ કહેવામાં આવ્યો છે અને એના રહેવાસીઓની નિંદા કરવામાં આવી છે. એસાવે થોડા લાલ શાક માટે યાકૂબને પોતાનું મૂલ્યવાન જ્યેષ્ઠપણું વેચી દીધું પછી, એસાવને અદોમ નામ (જેનો અર્થ “લાલ” થાય છે) આપવામાં આવ્યું. ઉત્પત્તિ ૨૫:૩૪ કહે છે કે “એમ એસાવે પોતાનું જ્યેષ્ઠપણું હલકું ગણ્યું.” પ્રેષિત પાઊલે એસાવનો ઉલ્લેખ કરીને સાથી વિશ્વાસીઓને સાવચેત રહેવા વિનંતી કરી: “રખેને કોઈ વ્યભિચારી થાય, અથવા એસાવ જેણે એક ભોજનને સારૂ પોતાનું જ્યેષ્ઠપણું વેચી દીધું તેના જેવો ભ્રષ્ટ થાય.”​—⁠હેબ્રી ૧૨:૧૪-​૧૬.

૮. શા માટે પાઊલે એસાવને એક વ્યભિચારી સાથે સરખાવ્યો?

શા માટે પાઊલે એસાવને વ્યભિચારી સાથે સરખાવ્યો? કેમ કે જે કોઈ એસાવ જેવું વલણ રાખશે તે પવિત્ર બાબતોની કદર કરવાનું ચૂકી જઈ શકે. એનાથી, તે વ્યભિચાર જેવા ગંભીર પાપમાં પણ પડી શકે. તેથી, આપણે પોતાને પૂછી શકીએ: ‘શું હું કોઈ વાર ક્ષણિક આનંદ માટે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો, એક વાટકી શાકથી લલચાઈને મારો ખ્રિસ્તી વારસો, એટલે કે અનંતજીવનનો સોદો કરી લઉં છું? અથવા, શું હું અજાણતા પવિત્ર બાબતોને તુચ્છ ગણવા લાગ્યો છું?’ એસાવ પોતાની શારીરિક ભૂખ સંતોષવા માટે ખૂબ જ ઉતાવળો હતો. તેણે યાકૂબને કહ્યું: “[જલદી, NW] પેલા લાલ શાકમાંથી મને ખાવાને આપ.” (ઉત્પત્તિ ૨૫:​૩૦) દુઃખની વાત છે કે આપણા અમુક ભાઈઓએ પણ આવું જ વલણ રાખીને કહ્યું છે: “જલદી કર! શા માટે લગ્‍ન સુધી રાહ જોવી?” તેઓ એક વાટકી શાકની જેમ, કોઈ પણ ભોગે પોતાની જાતીય ઇચ્છાઓને સંતોષવા ઇચ્છે છે.

૯. આપણે કઈ રીતે યહોવાહ માટે આદરપૂર્ણ ભય જાળવી રાખી શકીએ?

આપણે ક્યારેય આપણું શુદ્ધ ચારિત્ર, પ્રમાણિકતા અને આપણા આત્મિક વારસાની કદરને ઓછી ન થવા દઈએ અને આત્મિક બાબતોને તુચ્છ ન ગણીએ. એસાવ જેવા બનવાને બદલે, ચાલો આપણે યાકૂબ જેવા બનીએ અને પવિત્ર બાબતો માટે ઊંડી કદર બતાવીને પરમેશ્વર પ્રત્યે આદરપૂર્ણ ભય જાળવી રાખીએ. આ આપણે કઈ રીતે કરી શકીએ? યહોવાહની જરૂરિયાતોને સાવચેતીથી પૂરી કરીને. એ આપણને તર્કપૂર્ણ રીતે માલાખીના પહેલા અધ્યાયમાં  બતાવેલા ત્રીજા મુદ્દા તરફ દોરી જાય છે. એ કયો મુદ્દો છે?

યહોવાહને આપણાથી બનતું બધું જ આપીએ

૧૦. કઈ રીતે યાજકો યહોવાહની મેજનો તિરસ્કાર કરતા હતા?

૧૦ માલાખીના સમયમાં યરૂશાલેમના મંદિરમાં સેવા કરતા યહુદાહના યાજકો યહોવાહને સારાં બલિદાન ચઢાવતાં ન હતાં. માલાખી ૧:​૬-૮ કહે છે: “હે મારા નામનો તિરસ્કાર કરનાર યાજકો, સૈન્યોનો દેવ યહોવાહ તમને પૂછે છે, કે પુત્ર પોતાના પિતાને, ને ચાકર પોતાના ધણીને માન આપે છે; ત્યારે જો હું પિતા હોઉં, તો મારૂં સન્માન ક્યાં છે? અને જો હું ધણી હોઉં, તો મારો ડર ક્યાં છે?” યાજકો પૂછે છે, “કઈ બાબતમાં અમે તારા નામનું અપમાન કર્યું છે?” યહોવાહ જવાબ આપે છે, “તમે મારી વેદી પર અપવિત્ર અન્‍ન ચઢાવો છો.” યાજકો પૂછે છે, “અમે કેવી રીતે તારા નામનું અપમાન કર્યું છે?” ત્યારે યહોવાહ તેઓને કહે છે: “યહોવાહની મેજ તિરસ્કારપાત્ર છે, એવું કહીને તમે અપમાન કર્યું છે.” આ યાજકો દર વખતે ખોડખાંપણવાળાં પ્રાણીઓનાં બલિદાનો ચઢાવીને કહેતા: “એમાં કંઈ ખોટું નથી!” એ બતાવતું હતું કે તેઓ યહોવાહની મેજનો તિરસ્કાર કરતા હતા.

૧૧. (ક) યહોવાહ અસ્વીકાર્ય બલિદાનો વિષે શું કહે છે? (ખ) કઈ રીતે સામાન્ય લોકો પણ દોષિત હતા?

૧૧ યહોવાહ આવાં અસ્વીકાર્ય બલિદાનો વિષે તર્કપૂર્ણ દલીલ કરે છે: “ત્યારે વારૂ, તારા સૂબાને એવા [જાનવર]ની ભેટ કર; એથી તે તારા પર પ્રસન્‍ન થશે? અથવા શું તે તારો સત્કાર કરશે?” ના, તેઓના સૂબા પણ આવી ભેટથી ક્યારેય પ્રસન્‍ન નહિ થાય. તો પછી, વિશ્વના સર્વોપરી તેઓના પાપી હાથે ખોડવાળાં બલિદાનો કેવી રીતે સ્વીકારે! પરંતુ, એમાં ફક્ત યાજકોનો જ દોષ ન હતો. ખરું, કે તેઓ ખોડવાળાં પ્રાણીઓનાં બલિદાનો ચઢાવીને યહોવાહના મહાન નામનો તિરસ્કાર કરતા હતા. પરંતુ, શું સામાન્ય લોકો નિર્દોષ હતા? બિલકુલ નહિ! છેવટે તો, તેઓ જ યહોવાહ આગળ બલિદાન ચઢાવવા આંધળાં, લંગડાં અને રોગિષ્ઠ પ્રાણીઓને યાજકો પાસે લાવતા હતા. કેવું ઘોર પાપ!

૧૨. યહોવાહને આપણાથી બનતું બધું જ આપવા આપણને કઈ રીતે મદદ કરવામાં આવી છે?

૧૨ યહોવાહની સેવામાં આપણાથી બનતું બધું જ આપીને આપણે બતાવીએ છીએ કે આપણે ખરેખર તેમને પ્રેમ કરીએ છીએ. (માત્થી ૨૨:૩૭, ૩૮) માલાખીના દિવસોના ભટકી ગયેલા યાજકોથી ભિન્‍ન, આજે યહોવાહનું સંગઠન આપણને બાઇબલનું શિક્ષણ આપે છે કે જે આપણને પરમેશ્વરની જરૂરિયાતોને પૂરી કરીને ઉપકારસ્તુતિથી યહોવાહને મોટા મનાવવા મદદ કરે છે. તેથી, આ બાબત વિષે માલાખીનો પહેલો અધ્યાય મહત્ત્વના ચોથા મુદ્દા તરફ આપણું ધ્યાન દોરી જાય છે.

સાચી ઉપાસના લોભથી નહિ, પણ પ્રેમથી થાય છે

૧૩. કઈ બાબતથી યાજકોએ બતાવ્યું કે તેઓ લોભી હતા?

૧૩ માલાખીના સમયના યાજકો સ્વાર્થી, ક્રૂર અને પૈસાના લોભી હતા. આપણે એ કઈ રીતે જાણી શકીએ? માલાખી ૧:​૧૦ કહે છે: “બારણાં બંધ કરી દઈને તમને મારી વેદી ઉપર નિરર્થક અગ્‍નિ સળગાવવા ન દે, એવો જો તમારામાં કોઇ હોત તો કેવું સારૂં! સૈન્યોનો [દેવ] યહોવાહ કહે છે, કે હું તમારા પર બીલકુલ પ્રસન્‍ન નથી, તેમજ હું તમારા હાથનું અર્પણ પણ સ્વીકારીશ નહિ.” એ લોભી યાજકો મંદિરમાં નાનામાં નાની સેવા આપવા માટે પણ પૈસા લેતા હતા! એટલું જ નહિ, તેઓ બારણાં બંધ કરવા અને વેદી પર અગ્‍નિ સળગાવવા માટે પણ પૈસા લેતા હતા. તેથી, એમાં કંઈ આશ્ચર્ય નથી કે યહોવાહ તેઓનાં બલિદાનોથી બિલકુલ પ્રસન્‍ન ન હતા!

૧૪. આપણે શા માટે કહી શકીએ કે યહોવાહના સાક્ષીઓ પ્રેમથી પ્રેરાયેલા છે?

૧૪ પ્રાચીન યરૂશાલેમના પાપી યાજકોનો લોભ અને સ્વાર્થ આપણને સારી રીતે યાદ દેવડાવે છે કે પરમેશ્વરના શબ્દ અનુસાર, લોભીઓને દેવના રાજ્યનો વારસો મળશે નહિ. (૧ કોરીંથી ૬:​૯, ૧૦) આ યાજકો કઈ રીતે પોતાના સ્વાર્થ ખાતર યહોવાહની સેવા કરતા હતા એનો વિચાર કરીએ છીએ ત્યારે, યહોવાહના સાક્ષીઓ દ્વારા કરવામાં આવતા પ્રચાર કાર્યની આપણે વધારે કદર કરવા લાગીએ છીએ. આપણે એ સ્વેચ્છાએ કરીએ છીએ અને આપણા સેવાકાર્ય માટે ક્યારેય પૈસા માંગતા નથી. પાઊલની જેમ, આપણે સર્વ પ્રમાણિકતાથી કહી શકીએ છીએ: “તમને અમે [“ખુશીથી,” NW] દેવની સુવાર્તા મફત પ્રગટ કરી.” (૨ કોરીંથી ૧૧:​૭) નોંધ લો કે પાઊલે ‘ખુશીથી સુવાર્તા પ્રગટ’ કરી. એ માલાખીના પહેલા અધ્યાયમાં બતાવવામાં આવેલા પાંચમાં મુદ્દા તરફ આપણું ધ્યાન દોરે છે.

પરમેશ્વરની સેવા કરવી એ કોઈ બોજરૂપ વિધિ નથી

૧૫, ૧૬. (ક) યાજકો જે બલિદાનો ચઢાવતા હતા એના પ્રત્યે તેઓનું કેવું વલણ હતું? (ખ) યહોવાહના સાક્ષીઓ કઈ રીતે બલિદાનો ચઢાવે છે?

૧૫ પ્રાચીન યરૂશાલેમના યાજકોમાં વિશ્વાસની ખામી હતી અને તેઓ બલિદાન ચઢાવવાને કંટાળાજનક વિધિ તરીકે જોતા હતા. તેઓ માટે એ બોજરૂપ હતું. માલાખી ૧:​૧૩માં બતાવવામાં આવ્યું છે તેમ, પરમેશ્વરે તેઓને કહ્યું: ‘વળી તમે કહો છો, કે જુઓ, એ તો કેટલું બધું કંટાળો આપનારૂં છે! અને તમે તેની સામે છીંક્યા છો.’ એ યાજકો પરમેશ્વરની પવિત્ર બાબતો તરફ છીંક્યા અથવા એનો તિરસ્કાર કર્યો. આપણે પ્રાર્થના કરીએ કે આપણે તેઓના જેવા ક્યારેય ન બનીએ. એને બદલે, આપણે ૧ યોહાન ૫:૩ના શબ્દો જેવું વલણ બતાવવું જોઈએ, જે કહે છે: “આપણે દેવની આજ્ઞાઓ પાળીએ, એજ દેવ પરનો પ્રેમ છે; અને તેની આજ્ઞાઓ ભારે નથી.”

૧૬ આપણે પરમેશ્વરને ખુશીથી આત્મિક બલિદાનો ચઢાવીએ અને ક્યારેય એને બોજરૂપ વિધિ તરીકે ન જોઈએ. આપણે આ પ્રબોધકીય શબ્દોને ધ્યાન આપી શકીએ: “તમારી સાથે શબ્દો લઈને યહોવાહની પાસે પાછા આવો; તેને વિનંતી કરો, કે સર્વ પાપ નિવારણ કર, અને જે સારૂં છે તેનો અંગીકાર કર; એમ અમે ગોધાની પેઠે અમારા હોઠોનું અર્પણ ચઢાવીશું.” (હોશીઆ ૧૪:⁠૨) “ગોધાની પેઠે અમારા હોઠોનું અર્પણ,” આ વક્તવ્ય આત્મિક બલિદાનોને રજૂ કરે છે, જે આપણે યહોવાહની સ્તુતિ કરવા અને તેમનો હેતુ જણાવવા કરીએ છીએ. હેબ્રી ૧૩:૧૫ બતાવે છે: “તે [ઈસુ ખ્રિસ્ત] દ્વારા આપણે દેવને સ્તુતિરૂપ યજ્ઞ, એટલે તેનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ, નિત્ય કરીએ.” આપણા માટે કેટલી ખુશીની વાત છે કે આપણે આત્મિક બલિદાનોને ફક્ત એક વિધિ તરીકે જોતા નથી, પરંતુ એ આપણે પરમેશ્વરને હૃદયથી પ્રેમ કરીએ છીએ એનો પુરાવો છે! આ આપણને માલાખીના પહેલા અધ્યાયના છઠ્ઠા મુદ્દા તરફ દોરી જાય છે.

દરેકે પરમેશ્વરને હિસાબ આપવાનો છે

૧૭, ૧૮. (ક) શા માટે યહોવાહે ‘ઠગનારાને’ શાપ આપ્યો? (ખ) ઠગાઈ કરનારાઓએ કઈ બાબતો ધ્યાન પર લીધી નહિ?

૧૭ માલાખીના દિવસોમાં દરેક વ્યક્તિએ પોતાનાં કાર્યો માટે પરમેશ્વરને હિસાબ આપવાનો હતો. એવી જ રીતે, આપણે પણ આપણાં કાર્યો માટે હિસાબ આપવો પડશે. (રૂમી ૧૪:૧૨; ગલાતી ૬:૫.) માલાખી ૧:​૧૪ જણાવે છે: “જે ઠગ માનતા માનીને પોતાના ટોળામાં નર હોવા છતાં યહોવાહને ખોડવાળા જાનવરનું અર્પણ ચઢાવે છે તે શાપિત થાઓ; કેમકે સૈન્યોનો [દેવ] યહોવાહ કહે છે, કે હું મહાન રાજા છું, ને મારૂં નામ વિદેશીઓમાં ભયાવહ છે.” એ સમયે કોઈ પણ માણસ પાસે પ્રાણીઓનું ટોળું રહેતું હતું જેમાંથી, તે યોગ્ય ભેટ ચઢાવી શકતો હતો. એવું પણ ન હતું કે કોઈ પાસે એક જ પ્રાણી હોવાથી બીજી કોઈ પસંદગી કરી ન શકે. તેથી, બલિદાન માટે પ્રાણીની પસંદગી કરતી વખતે તેણે આંધળા, લંગડા કે રોગિષ્ઠ પ્રાણીને પસંદ કરવાનું ન હતું. જો તેણે ખોડવાળું પ્રાણી પસંદ કર્યું હોય તો, શું તે યહોવાહની ગોઠવણ પ્રત્યે તિરસ્કાર નથી બતાવતો? જે માણસ પાસે પ્રાણીઓનું ટોળું હોય, તેની પાસે એક પણ તંદુરસ્ત પ્રાણી ન હોય એવું તો બને જ નહિ!

૧૮ એ જ કારણે, યહોવાહે ઠગનારાઓને શાપ આપ્યો, કેમ કે તેઓ પાસે બલિદાન ચઢાવવા સારાં પ્રાણીઓ હતાં છતાં, તેઓ યાજકો પાસે આંધળાં, લંગડાં અને રોગિષ્ઠ પ્રાણીઓ લાવ્યાં, અરે એઓને ખેંચીને લાવ્યાં. માલાખીની ભવિષ્યવાણીમાં એવું ક્યાંય જોવા મળતું નથી, કે જ્યાં કોઈ યાજકે લોકોને સમજાવ્યું હોય કે ખોડવાળા, બીમાર પ્રાણીઓનું બલિદાન પરમેશ્વર સ્વીકારતા નથી. (લેવી. ૨૨:૧૭-૨૦) દરેક જવાબદાર વ્યક્તિ જાણતી હતી કે તેઓ પોતાના સૂબાને આવી ભેટ આપશે તો એનું કેવું ખરાબ પરિણામ આવશે. તોપણ, તેઓ આ ભેટ વિશ્વના સર્વોપરી, યહોવાહને ચઢાવતા હતા કે જે સૂબા કરતા કેટલાય મહાન છે! માલાખી ૧:૧૪ એને આમ બતાવે છે: “સૈન્યોનો દેવ યહોવાહ કહે છે, કે હું મહાન રાજા છું, ને મારૂં નામ વિદેશીઓમાં ભયાવહ છે.”

૧૯. આપણે શાની આતુરતાથી રાહ જોઈએ છીએ અને આપણે શું કરવું જોઈએ?

૧૯ પરમેશ્વરના વફાદાર સેવકો તરીકે, આપણે એ દિવસની આતુરતાથી રાહ જોઈએ છીએ, જ્યારે સર્વ માનવજાત યહોવાહને મહિમા આપશે. એ સમયે, “જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તે પ્રમાણે પૃથ્વી યહોવાહના જ્ઞાનથી ભરપૂર થશે.” (યશાયાહ ૧૧:⁠૯) પરંતુ ત્યાં સુધી, ચાલો આપણે ગીતકર્તાનું અનુકરણ કરીને પરમેશ્વરની જરૂરિયાતોને પૂરી કરવા આપણાથી બનતો દરેક પ્રયત્ન કરીએ. તેમણે કહ્યું: “હું ઉપકારસ્તુતિથી તેને મોટો માનીશ.” (ગીતશાસ્ત્ર ૬૯:૩૦) એ પ્રમાણે કરવા માલાખી બીજી સલાહ આપે છે કે જેનાથી આપણને ઘણી રીતે લાભ થઈ શકે છે. તો પછી ચાલો, હવે પછીના બે લેખોમાં આપણે માલાખીના પુસ્તકના બીજા ભાગોને પણ કાળજીપૂર્વક ધ્યાન આપીએ.

શું તમને યાદ છે?

• શા માટે આપણે યહોવાહને મોટા મનાવવા જોઈએ?

• શા માટે માલાખીના સમયમાં યાજકોનાં બલિદાનો યહોવાહને અસ્વીકાર્ય હતાં?

• આપણે કઈ રીતે યહોવાહને સ્તુતિનાં બલિદાનો ચઢાવીએ છીએ?

• સાચી ઉપાસના શાનાથી પ્રેરાયેલી હોવી જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૯ પર ચિત્ર]

માલાખીની ભવિષ્યવાણી આપણા સમય વિષે પણ બતાવે છે

[પાન ૧૦ પર ચિત્ર]

એસાવે પવિત્ર બાબતોની કદર કરી નહિ

[પાન ૧૧ પર ચિત્ર]

યાજકો અને લોકોએ અસ્વીકાર્ય બલિદાનો ચઢાવ્યાં

[પાન ૧૨ પર ચિત્ર]

જગત ફરતે યહોવાહના સાક્ષીઓ વિના મૂલ્યે સ્તુતિનાં બલિદાનો ચઢાવે છે