યહોવાહ વિશ્વાસઘાતને ધિક્કારે છે
યહોવાહ વિશ્વાસઘાતને ધિક્કારે છે
‘ભાઈઓ સાથે કપટથી ન વર્તો.’—માલાખી ૨:૧૦.
૧. જો આપણે હંમેશ માટે જીવવા ઇચ્છતા હોય તો, પરમેશ્વર આપણી પાસે શું માંગે છે?
શું તમે હંમેશ માટે જીવવા ઇચ્છો છો? જો તમે બાઇબલમાં આપવામાં આવેલી આશામાં માનતા હશો તો, તમે કહેશો, ‘હા, કેમ નહિ?’ પરંતુ જો તમે ઇચ્છતા હોવ કે પરમેશ્વર તમને નવી દુનિયામાં અનંતજીવનનો આશીર્વાદ આપે તો, તમારે તેમની માંગોને પૂરી કરવી જ જોઈએ. (સભાશિક્ષક ૧૨:૧૩; યોહાન ૧૭:૩) શું અપૂર્ણ માનવીઓ એ પ્રમાણે કરે એવી અપેક્ષા રાખવી ઉચિત છે? હા, કારણ કે યહોવાહ પોતે ઉત્તેજન આપતા કહે છે: “કેમકે હું ભલાઈ ચાહું છું, ને યજ્ઞાર્પણ નહિ; અને દહનીયાર્પણો કરતાં ઈશ્વરનું જ્ઞાન ચાહું છું.” (હોશીઆ ૬:૬) તેથી, અપૂર્ણ માનવીઓ પણ પરમેશ્વરની જરૂરિયાતો પૂરી કરી શકે છે.
૨. કઈ રીતે ઘણા ઈસ્રાએલીઓએ યહોવાહ સાથે કપટ કર્યું?
૨ તોપણ, કંઈ દરેક જણ યહોવાહની ઇચ્છા પ્રમાણે કરવા માંગતા નથી. હોશીયા બતાવે છે કે ઘણા ઈસ્રાએલીઓ એ પ્રમાણે કરવા ઇચ્છતા ન હતા. રાષ્ટ્ર તરીકે, તેઓ કરારમાં આવ્યા અને પરમેશ્વરના નિયમોને પાળવા સહમત થયા. (નિર્ગમન ૨૪:૧-૮) પરંતુ, થોડા જ સમયમાં તેઓએ નિયમોનું ઉલ્લંઘન કરીને ‘કરાર તોડ્યો.’ તેથી, યહોવાહે કહ્યું કે એ ઈસ્રાએલીઓએ તેમની સાથે “કપટ કર્યું.” (હોશીઆ ૬:૭) અને ત્યારથી મનુષ્યો એમ જ કરતા આવ્યા છે. યહોવાહ કપટ કે વિશ્વાસઘાતને ધિક્કારે છે, પછી ભલે એ તેમની સાથે કરવામાં આવ્યો હોય કે પછી એ લોકો સાથે, જેઓ તેમને પ્રેમ કરે છે અને તેમની સેવા કરે છે.
૩. આ અભ્યાસમાં શાની ચર્ચા કરવામાં આવશે?
૩ આપણે સુખી જીવનનો આનંદ માણવા ઇચ્છતા હોઈએ તો, આપણે પણ યહોવાહ જેને ધિક્કારે છે એને ધિક્કારવાની જરૂર છે. આ વિષે ફક્ત હોશીયા પ્રબોધકે જ કહ્યું ન હતું. અગાઉના લેખથી, આપણે માલાખીના પ્રબોધકીય સંદેશાને તેમને પુસ્તકના પહેલા અધ્યાયથી તપાસવાનું શરૂ કર્યું છે. હવે આપણે એ પુસ્તકનો બીજો અધ્યાય ખોલીએ અને એમાં રહેલા મહત્ત્વના સંદેશામાં, પરમેશ્વર વિશ્વાસઘાતીઓને કઈ દૃષ્ટિથી જુએ છે એના પર ધ્યાન આપીએ. એ અધ્યાયમાં માલાખી, બાબેલોનના બંદીવાસમાંથી પાછા ફર્યાના ઘણાં વર્ષો પછી પરમેશ્વરના લોકોમાં ચાલી રહેલી પરિસ્થિતિ વિષે જણાવે છે. તોપણ આ બીજો અધ્યાય આપણા માટે ખૂબ મહત્ત્વનો છે.
દોષિત યાજકો
૪. યહોવાહ યાજકોને કઈ ચેતવણી આપે છે?
૪ બીજા અધ્યાયની શરૂઆતમાં યહોવાહ, યાજકોને તેઓનાં ન્યાયી ધોરણોથી ભટકી જવાને લીધે ઠપકો આપે છે. જો યાજકો તેમની આજ્ઞા નહિ પાળે અને તેઓનાં ખરાબ કાર્યોથી પાછા નહિ ફરે તો, તેઓએ ચોક્કસ એનાં ખરાબ પરિણામો ભોગવવાં પડશે. પ્રથમ બે કલમો જુઓ: “હે યાજકો, આ આજ્ઞા તમારે માટે છે. સૈન્યોનો [દેવ] યહોવાહ કહે છે, કે જો મારા નામને ગૌરવ આપવાનું તમે સાંભળશો નહિ, તથા તમારા અંતઃકરણમાં તે ઠસાવશો નહિ, તો હું તમારા પર શાપ મોકલીશ, ને તમારા [આપેલા] આશીર્વાદોને હું શાપરૂપ કરી નાખીશ.” જો યાજકોએ લોકોને પરમેશ્વરના નિયમો શીખવ્યા હોત અને એ પાળ્યા હોત તો તેઓને આશીર્વાદ મળત. પરંતુ, યહોવાહની ઇચ્છાને અવગણી હોવાથી હવે તેઓ પર શાપ આવશે. અરે, યાજકોએ આપેલા આશીર્વાદો પણ શાપમાં ફેરવાઈ જશે.
૫, ૬. (ક) ખાસ કરીને યાજકો શા માટે દોષિત હતા? (ખ) યહોવાહના શબ્દો કઈ રીતે યાજકો માટેનો ધિક્કાર વ્યક્ત કરે છે?
૫ શા માટે ખાસ કરીને યાજકો દોષિત હતા? સાતમી કલમ એનો સ્પષ્ટ જવાબ આપે છે: “યાજકના હોઠોમાં જ્ઞાન હોવું જોઈએ, ને લોકોએ તેના મુખમાંથી નિયમ શોધવો જોઈએ; કેમકે તે સૈન્યોના [દેવ] યહોવાહનો દૂત છે.” એક હજાર કરતાં વધારે વર્ષો પહેલાં, મુસા દ્વારા ઈસ્રાએલીઓને આપવામાં આવેલા પરમેશ્વરના નિયમોમાં જણાવવામાં આવ્યું હતું કે ‘જે વિધિઓ યહોવાહે તેઓને ફરમાવ્યા છે, તે સર્વ ઈસ્રાએલપુત્રોને શીખવવાની’ યાજકોની ફરજ હતી. (લેવીય ૧૦:૧૧) દુઃખદપણે, પછીથી ૨ કાળવૃત્તાંત ૧૫:૩ના લેખકે અહેવાલ આપ્યો: “હવે લાંબી મુદત સુધી ઇસ્રાએલીઓ ખરા દેવને ભજતા નહોતા, તેમને બોધ કરનાર યાજક નહોતા, તથા તેમની પાસે નિયમશાસ્ત્ર પણ નહોતું.”
૬ માલાખીના સમયમાં, પાંચમી સદી બી.સી.ઈ.માં પણ યાજકોની પરિસ્થિતિ એવી જ હતી. તેઓ પરમેશ્વરના નિયમો શીખવવામાં નિષ્ફળ ગયા. આથી, એ યાજકોને દોષિત ઠેરવવા યોગ્ય જ હતું. યહોવાહ તેઓની જે કડક શબ્દોમાં ટીકા કરે છે એની નોંધ લો. માલાખી ૨:૩માં તે કહે છે: “તમારાં મુખો પર છાણ, એટલે તમારા યજ્ઞો[નાં પશુઓનું] છાણ, ચોપડીશ.” કેવો ઠપકો! જે પશુનું બલિદાન ચઢાવવાનું હોય એના છાણને, છાવણીની બહાર લઈ જઈને બાળી નાખવામાં આવતું હતું. (લેવીય ૧૬:૨૭) પરંતુ, યહોવાહ કહે છે કે તે તેઓના મોં પર છાણ ચોપડશે ત્યારે, એ સ્પષ્ટ રીતે બતાવે છે કે તે તેઓને કેટલા ધિક્કારતા હતા અને તેમણે બલિદાનોને તથા એનું અર્પણ ચઢાવનારાઓને પણ નકારી કાઢ્યા હતા.
૭. શા માટે યહોવાહ નિયમના શિક્ષકો પર ગુસ્સે હતા?
૭ માલાખીના સમયથી સદીઓ અગાઉ, યહોવાહે લેવીય યાજકોને પોતાના મંડપની અને પછીથી મંદિરની દેખરેખ રાખવાની તથા પવિત્ર સેવા કરવાની જવાબદારી સોંપી હતી. તેઓ ઈસ્રાએલ રાષ્ટ્રના શિક્ષકો હતા. એ કાર્ય પૂરું કરવાથી તેઓને પોતાને અને ઈસ્રાએલ પ્રજાને સુખ-શાંતિ મળવાના હતા. (ગણના ૩:૫-૮) પરંતુ, લેવીઓનો પરમેશ્વર પ્રત્યે શરૂઆતમાં જે ભય હતો એ ધીમે ધીમે ઓછો થતો ગયો. આથી, યહોવાહે તેઓને કહ્યું: “તમે માર્ગમાંથી ભટકી ગયા છો; તમે ઘણાઓને નિયમ [સમજવા]માં ઠોકર ખવડાવી છે; તમે લેવીના કરારનો ભંગ કર્યો છે. . . . તમે મારા માર્ગમાં ચાલ્યા નથી.” (માલાખી ૨:૮, ૯) યાજકો સત્ય શીખવવામાં નિષ્ફળ ગયા તેમ જ પોતાના ખરાબ ઉદાહરણથી તેઓએ ઘણા ઈસ્રાએલીઓને ગેરમાર્ગે દોર્યા. તેથી, યહોવાહનો ક્રોધ તેઓ પર ભડકી ઊઠે એ વાજબી જ હતું.
પરમેશ્વરનાં ધોરણો પાળવાં
૮. શું માનવીઓ પરમેશ્વરનાં ધોરણો પાળે એવી અપેક્ષા રાખવી યોગ્ય છે? સમજાવો.
૮ આપણે ક્યારેય એવું વિચારવું ન જોઈએ કે એ યાજકો દયા અને માફીને યોગ્ય હતા જેઓ પણ છેવટે અપૂર્ણ માનવીઓ હોવાથી, પરમેશ્વરનાં ધોરણો પ્રમાણે કરી ન શક્યા. હકીકત તો એ છે કે માનવીઓ પરમેશ્વરનાં ધોરણો પ્રમાણે ચાલી શકે છે કેમ કે યહોવાહ તેઓ પાસેથી, તેઓ કરી ન કરી શકે એવા કશાની અપેક્ષા રાખતા નથી. દેખીતી રીતે જ, એ સમયે કેટલાક યાજકો પરમેશ્વરનાં ધોરણો પ્રમાણે ચાલ્યા હતા. એમાં પણ એક મહાન “પ્રમુખયાજક,” ઈસુ ખ્રિસ્ત તો સંપૂર્ણપણે યહોવાહનાં ધોરણોને વળગી રહ્યા. (હેબ્રી ૩:૧) તેથી, તેમના વિષે એમ કહેવું યોગ્ય જ છે કે “તેના મુખમાં સત્ય નિયમ હતો, ને તેના હોઠોમાં અધર્મ માલૂમ પડતો નહોતો; તે મારી સાથે શાંતિ તથા પ્રામાણિકપણાથી ચાલતો હતો, ને તેણે ઘણાઓને દુરાચારમાંથી ફેરવ્યા.”—માલાખી ૨:૬.
૯. આપણા સમયમાં કોણ વિશ્વાસુપણે બાઇબલ સત્ય શીખવી રહ્યું છે?
૯ ઈસુની જેમ, આપણા સમયમાં પણ ખ્રિસ્તના અભિષિક્ત ભાઈઓ કે જેઓને સ્વર્ગીય આશા છે તેઓ ‘આત્મિક યજ્ઞો દેવને પ્રસન્ન છે એ કરવાને માટે પવિત્ર યાજકવર્ગ’ તરીકે સેવા કરી રહ્યા છે. (૧ પીતર ૨:૫) તેઓએ બીજાઓને બાઇબલ સત્ય શીખવવામાં આગેવાની લીધી છે. અભિષિક્ત ખ્રિસ્તીઓ દ્વારા મળતું સત્ય શીખતી વખતે શું તમે અનુભવ કર્યો ન હતો કે તેઓના મુખમાં સત્ય નિયમો છે? તેઓએ ઘણા લોકોને જૂઠા ધર્મમાંથી બહાર નીકળી આવવા મદદ કરી છે. તેથી, આખા જગતમાં લાખો લોકો બાઇબલ સત્ય શીખ્યા છે અને તેઓ પાસે અનંતજીવનની આશા છે. પરિણામે, તેઓ પાસે બીજા લાખો લોકોને સત્ય શીખવવાનો અજોડ લહાવો છે.—યોહાન ૧૦:૧૬; પ્રકટીકરણ ૭:૯.
સાવધાન રહેવાની જરૂર
૧૦. શા માટે આપણે આપણી વાણી કે શિક્ષણ સંબંધી સાવધ રહેવાની જરૂર છે?
૧૦ તોપણ, આપણે સાવધાન રહેવાની જરૂર છે. આપણે માલાખી ૨:૧-૯માં આપેલા બોધપાઠને ચૂકી જઈ શકીએ. શું આપણે દરેક જણ એ ધ્યાનમાં રાખીએ છીએ કે આપણા હોઠોમાં કંઈ પણ અધર્મ જોવા ન મળે? દાખલા તરીકે, શું આપણા કુટુંબના સભ્યો આપણે જે કહીએ છીએ એના પર ખરેખર વિશ્વાસ કરે છે? શું આપણા મંડળના ભાઈ-બહેનો આપણા પર વિશ્વાસ કરે છે? આપણને સહેલાઈથી બેવડા અર્થમાં બોલવાની ટેવ પડી શકે. અથવા કોઈ પોતાના વેપારધંધાને લગતી બાબતમાં બઢાઈ-ચઢાઈને બોલી શકે કે એને લગતી કોઈ માહિતી છૂપી રાખી શકે. પરંતુ, શું યહોવાહ આ બધુ જોતા નથી? અને જો આપણે એવું કરતા હોઈએ તો, શું તે આપણા હોઠોના અર્પણનો સ્વીકાર કરશે?
૧૧. ખાસ કરીને કોણે સાવધ રહેવાની જરૂર છે?
૧૧ આજે મંડળમાં પરમેશ્વરના શબ્દમાંથી શિક્ષણ આપવાનો લહાવો ધરાવતા ભાઈઓ માટે, માલાખી ૨:૭ સાચે જ એક ચેતવણીરૂપ હોવી જોઈએ. એ બતાવે છે કે તેઓના “હોઠોમાં જ્ઞાન હોવું જોઈએ, ને લોકોએ તેના મુખમાંથી નિયમ શોધવો જોઈએ.” આવા શિક્ષકો પર ખરેખર ભારે જવાબદારી આવે છે, કેમ કે યાકૂબ ૩:૧ બતાવે છે કે તેઓને “વિશેષે કરીને ભારે સજા થશે.” તેઓએ પૂરા જુસ્સાથી અને ઉત્સાહથી શીખવવું જોઈએ. તેઓનું શિક્ષણ બાઇબલ અને યહોવાહના સંગઠન દ્વારા મળતી આત્મિક માહિતી પર આધારિત હોવું જોઈએ. એ રીતે, તેઓ “બીજાઓને પણ શિખવી” શકશે. તેઓને આમ સલાહ આપવામાં આવી છે: “જેને શરમાવાનું કંઈ કારણ ન હોય એવી રીતે કામ કરનાર સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર, અને દેવને પસંદ પડે એવો સેવક થવાને પ્રયત્ન કર.”—૨ તીમોથી ૨:૨, ૧૫.
૧૨. શિક્ષકોએ કઈ બાબત વિષે સાવધ રહેવું જોઈએ?
૧૨ જો આપણે સાવચેત ન રહીએ તો, અમુક વાર પોતાની પસંદગી કે પોતાના વિચારો પ્રમાણે શીખવવા લલચાઈ શકીએ. આ ખાસ કરીને એવી વ્યક્તિને થઈ શકે જે પોતાનો જ કક્કો સાચો છે એવું માનતી હોય અને પોતાની વાત પર આંધળો વિશ્વાસ કરતી હોય, પછી ભલે એ યહોવાહનું સંગઠન શીખવે છે એની વિરુદ્ધમાં જતું હોય. પરંતુ, માલાખીનો બીજો અધ્યાય બતાવે છે કે મંડળમાં શીખવનારાઓએ ઘેટાં જેવી વ્યક્તિઓને ઠોકર ખવડાવે એવા પોતાના વિચારોને નહિ પરંતુ, પરમેશ્વર યહોવાહનું જ્ઞાન શીખવવું જોઈએ. ઈસુએ કહ્યું: “આ નાનાઓ જેઓ મારા પર વિશ્વાસ કરે છે, તેઓમાંના એકને જે કોઈ ઠોકર ખવડાવશે તે કરતાં તેની કોટે ઘંટીનું પડ બંધાય, ને તે સમુદ્રના ઊંડાણમાં ડુબાડાય એ તેને માટે સારૂં છે.”—માત્થી ૧૮:૬.
અવિશ્વાસી સાથે લગ્ન કરવું
૧૩, ૧૪. માલાખીએ ધ્યાન દોરેલું એક વિશ્વાસઘાતી કાર્ય કયું હતું?
૧૩ માલાખીના બીજા અધ્યાયની ૧૦મી કલમથી વિશ્વાસઘાત પર સીધેસીધું ધ્યાન દોરવામાં આવ્યું છે. માલાખી બે પ્રકારનાં કાર્યો પર ધ્યાન દોરે છે જે એકબીજા સાથે જોડાયેલા છે. એ માટે તે વારંવાર “વિશ્વાસઘાત” કે “કપટ” શબ્દનો ઉપયોગ કરે છે. સૌ પ્રથમ માલાખી આ પ્રશ્નોથી સલાહ આપે છે: “શું આપણ સર્વનો એકજ પિતા નથી? શું એક જ ઈશ્વરે આપણને ઉત્પન્ન કર્યા નથી? તો શા માટે આપણે સર્વ આપણા ભાઈઓ સાથે કપટથી વર્તીને આપણા પૂર્વજોના કરારનો ભંગ કરીએ છીએ?” પછી ૧૧મી કલમમાં તે આગળ જણાવે છે કે તેઓના કપટી માર્ગે ‘યહોવાહના પવિત્રસ્થાનને’ ભ્રષ્ટ કર્યું છે. તેઓએ એવું તો શું કર્યું હતું કે જે ગંભીર બાબત હતી? એ જ કલમમાં એક ખરાબ કાર્ય વિષે બતાવવામાં આવ્યું છે: તેઓએ “પારકા દેવની પુત્રી સાથે લગ્ન” કર્યા હતા.
૧૪ બીજા શબ્દોમાં કહીએ તો, યહોવાહને સમર્પિત રાષ્ટ્રના અમુક ઈસ્રાએલીઓએ, યહોવાહની ઉપાસના ન કરતા લોકો સાથે લગ્ન કર્યા હતા. સંદર્ભ આપણને એ જોવા મદદ કરે છે કે શા માટે એ ગંભીર બાબત હતી. દસમી કલમ કહે છે કે તેઓ સર્વના એક જ પિતા હતા. આ પિતા કંઈ યાકૂબ (અથવા ઈસ્રાએલ), ઈબ્રાહીમ કે આદમ ન હતા. માલાખી ૧:૬ બતાવે છે કે તેઓના એ “પિતા” યહોવાહ હતા. ઈસ્રાએલ રાષ્ટ્રનો સંબંધ યહોવાહ સાથે હતો અને યહોવાહે તેઓના પૂર્વજો સાથે કરાર કર્યો હતો. એ કરારનો એક નિયમ હતો: “તારે તેમની સાથે લગ્નવ્યવહાર રાખવો નહિ; તારે તારી દીકરી તેના દીકરાને ન આપવી, તેમજ તેની દીકરી તારા દીકરાની સાથે પરણાવવી નહિ.”—પુનર્નિયમ ૭:૩.
૧૫. (ક) અવિશ્વાસી સાથે લગ્ન કરવા કોઈ કેવી દલીલ કરી શકે? (ખ) આવાં લગ્નોને યહોવાહ કઈ રીતે જુએ છે?
૧૫ આજે, અમુક લોકો આવી દલીલ કરી શકે: ‘હું જે વ્યક્તિને પસંદ કરું છું એ ખરેખર ખૂબ જ સારી છે. સમય જતાં, તે જરૂર સત્ય સ્વીકારશે.’ આવી દલીલો પ્રેરિત ચેતવણીને સમર્થન આપે છે: “હૃદય સહુથી કપટી છે, તે અતિશય ભૂંડું છે; તેને કોણ જાણી શકે?” (યિર્મેયાહ ૧૭:૯) અવિશ્વાસીઓ સાથે લગ્ન કરવાને પરમેશ્વર કઈ દૃષ્ટિએ જુએ છે એ માલાખી ૨:૧૨માં જોવા મળે છે, જે કહે છે: ‘એવું કરનારને યહોવાહ નાબૂદ કરશે.’ આમ, ખ્રિસ્તીઓને “કેવળ પ્રભુમાં” લગ્ન કરવાની વિનંતી કરવામાં આવી છે. (૧ કોરીંથી ૭:૩૯) આજે ખ્રિસ્તીઓને અવિશ્વાસીઓ સાથે લગ્ન કરવા બદલ “નાબૂદ” કરવામાં આવતા નથી. તોપણ, જો અવિશ્વાસુ સાથી સત્ય ન સ્વીકારે તો, પરમેશ્વર થોડા જ સમયમાં આ દુષ્ટ વ્યવસ્થાનો અંત લાવશે ત્યારે તેનું શું થશે?—ગીતશાસ્ત્ર ૩૭:૩૭, ૩૮.
લગ્નસાથી સાથે દુર્વ્યવહાર કરવો
૧૬, ૧૭. કેટલાકે કઈ રીતે પોતાની પત્નીઓને વિશ્વાસઘાત કર્યો હતો?
૧૬ માલાખી હવે બીજાં ખોટાં કામ વિષે બતાવે છે: લગ્નસાથી સાથે દુર્વ્યવહાર કરવો, ખાસ કરીને તેને અન્યાયથી છૂટાછેડા આપવા. બીજા અધ્યાયની ચૌદમી કલમ બતાવે છે: “યહોવાહ તારી તથા તારી જુવાનીની પત્ની વચ્ચે સાક્ષી થયો છે, કે જે પત્ની તારી જોડે હોવા છતાં તથા તારા કરારની રૂએ થએલી તારી પત્ની છતાં, તેને તેં દગો દીધો છે.” યહુદી પતિઓએ પોતાની પત્નીઓને વિશ્વાસઘાત કર્યો છે અને એનાથી યહોવાહની વેદી જાણે આંસુઓથી ‘ઢંકાઈ ગઈ’ હતી. (માલાખી ૨:૧૩) આ પુરુષો ખોટી રીતે નાનાં-મોટાં બહાના બનાવીને પોતાની યુવાનીની પત્નીઓને છૂટાછેડા આપતા હતા જેથી તેઓ વિધર્મી કે નાની ઉંમરની સ્ત્રીઓ સાથે લગ્ન કરી શકે. ભ્રષ્ટ યાજકોએ પણ એવી બાબતો ચાલવા દીધી! તોપણ, માલાખી ૨:૧૬ બતાવે છે: “પત્નીત્યાગ હું ધીક્કારૂં છું એવું ઈસ્રએલનો દેવ યહોવાહ કહે છે.” પછીથી, ઈસુએ બતાવ્યું કે ફક્ત અનૈતિકતાને આધારે જ છૂટાછેડા આપી શકાય અને નિર્દોષ સાથી મુક્ત થઈને ફરી લગ્ન કરી શકે છે.—માત્થી ૧૯:૯.
૧૭ માલાખીના અમુક શબ્દો પર ધ્યાન આપો અને જુઓ કે એ હૃદયને કેવા સ્પર્શી જાય છે અને એનાથી કેવી દયા આવે છે. તે કહે છે: “તારા કરારની રૂએ થએલી તારી પત્ની.” એમાં બંધાયેલા દરેક પુરુષે સાથી ઉપાસક, ઈસ્રાએલી સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા અને તેને વહાલી જીવનસાથી તરીકે પસંદ કરી હતી. આ લગ્ન તેઓએ યુવાનીમાં કર્યું હોય શકે પરંતુ, સમય પસાર થતા અને વૃદ્ધાવસ્થાની શરૂઆતે, તેઓએ જે કરાર એટલે કે લગ્ન કર્યા હતા એ રદબાતલ થતા ન હતા.
૧૮. વિશ્વાસઘાત વિષે આપવામાં આવેલી માલાખીની સલાહ કઈ રીતે આજે પણ લાગુ પડે છે?
૧૮ આ સલાહ આજે પણ એટલી જ લાગુ પડે છે. દુ:ખની વાત છે કે ઘણા લોકો કેવળ પ્રભુમાં લગ્ન કરવાના પરમેશ્વરના માર્ગદર્શનનો અનાદર કરી રહ્યા છે. વળી, તેઓ પોતાના લગ્ન બંધનને મજબૂત બનાવવાનો પણ પ્રયત્ન કરતા નથી. એને બદલે, તેઓ બીજા સાથે લગ્ન કરી શકે એ માટે બિનશાસ્ત્રીય રીતે છૂટાછેડા લે છે અને પરમેશ્વર ધિક્કારે છે એવાં કાર્યો કરીને પોતાનો દોષ છુપાવવા ખોટાં બહાનાં કાઢે છે. આમ કરીને, તેઓએ “યહોવાહને કંટાળો ઉપજાવ્યો છે.” માલાખીના સમયમાં પણ, પરમેશ્વરની સલાહને ન સાંભળનારા વિચારતા હતા કે યહોવાહ ઇન્સાફ કરતા નથી. હકીકતમાં, તેઓ કહેતા હતા, “ઈન્સાફી દેવ ક્યાં છે?” કેવા દુષ્ટ વિચારો! ચાલો, આપણે તેઓ જેવા કદી ન બનીએ.—માલાખી ૨:૧૭.
૧૯. કઈ રીતે પતિઓ અને પત્નીઓ પરમેશ્વરનો પવિત્ર આત્મા મેળવી શકે?
૧૯ બીજી બાજુ, માલાખી બતાવે છે કે એ દિવસોમાં અમુક પતિઓએ પોતાની પત્નીઓ સાથે વિશ્વાસઘાત કર્યો ન હતો. તેઓમાં “આત્માનો અંશ હતો.” (૧૫મી કલમ) ખુશીની બાબત છે કે આજે જગતભરમાં પરમેશ્વરના મંડળોમાં પણ આવા વફાદાર લોકો જોવા મળે છે કે જેઓ ‘પોતાની પત્નીઓને માન આપે છે.’ (૧ પીતર ૩:૭) તેઓ પોતાની પત્નીઓ સાથે મારપીટ કરીને કે કડવા વેણ બોલીને દુર્વ્યવહાર કરતા નથી, તેમ જ જાતીયતાની બાબતોમાં પણ બળજબરી કરતા નથી. તેઓ બીજી સ્ત્રીઓ પાછળ લંપટ બનીને કે ઇંટરનેટ પર અશ્લીલ ચિત્રો જોઈને પોતાની પત્નીઓનો અનાદર કરતા નથી. યહોવાહના સંગઠનમાં એવી અસંખ્ય વિશ્વાસુ પત્નીઓ પણ છે કે જેઓ પરમેશ્વર અને તેમના નિયમોને વફાદાર છે. આવા પતિ-પત્ની જાણે છે કે પરમેશ્વર શાને ધિક્કારે છે. તેથી, તેઓ એ પ્રમાણે વિચારે છે અને એ રીતે કાર્ય કરે છે. તમે પણ ‘દેવનું માનીને’ તેઓના જેવા બનો અને તેમના પવિત્ર આત્માથી ભરપૂર આશીર્વાદો મેળવો.—પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯.
૨૦. સર્વ માનવજાત માટે કયો સમય નજીક છે?
૨૦ જલદી જ, યહોવાહ આખી પૃથ્વીનો ન્યાય કરશે. દરેક વ્યક્તિએ પોતાની માન્યતા અને કાર્યો માટે તેમને જવાબ આપવો પડશે. “આપણ દરેકને પોતપોતાનો હિસાબ દેવને આપવો પડશે.” (રૂમી ૧૪:૧૨) તો પછી, એક રસપ્રદ પ્રશ્ન થાય છે: યહોવાહના ન્યાયના દિવસે કોણ બચશે? આ શૃંખલાનો છેલ્લો અને ત્રીજો લેખ એ વિષયની ચર્ચા કરશે.
શું તમે સમજાવી શકો?
• કયાં કારણોસર યહોવાહે ઇસ્રાએલના યાજકોની નિંદા કરી?
• પરમેશ્વરના નિયમો પાળવા શા માટે મનુષ્યો માટે અઘરા નથી?
• શા માટે આપણે આપણા શિક્ષણ સંબંધી આજે સાવચેત રહેવું જોઈએ?
• ખાસ કરીને કયાં બે કાર્યોને યહોવાહે ધિક્કાર્યાં?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૧૫ પર ચિત્ર]
માલાખીના સમયમાં પરમેશ્વરના માર્ગો પ્રમાણે નહિ ચાલવાને લીધે યાજકોનો ન્યાય કરવામાં આવ્યો
[પાન ૧૬ પર ચિત્ર]
આપણે યહોવાહના માર્ગો શીખવતી વખતે પોતાના વિચારો ન શીખવીને સાવચેત રહેવું જોઈએ
[પાન ૧૮ પર ચિત્રો]
વિધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કરવા ખોટા બહાનાં કાઢીને છૂટાછેડા આપનારા ઈસ્રાએલીઓને યહોવાહે દોષિત ઠરાવ્યા
[પાન ૧૮ પર ચિત્ર]
આજે ખ્રિસ્તીઓ પોતાના લગ્નના કરારને માન આપે છે