ટર્ટુલિયનની ગૂંચવતી કહાણી
ટર્ટુલિયનની ગૂંચવતી કહાણી
‘શું કોઈ ખ્રિસ્તીને ફિલસૂફીઓ સાથે લેવા-દેવા હોય શકે? એક સત્યમાં ચાલે છે અને બીજો આડે રસ્તે જાય છે. શું ખ્રિસ્તીઓએ ફિલસૂફીઓના ચરણે બેસવું જોઈએ?’ આજથી લગભગ ૧૮૦૦ વર્ષ પહેલાં, ટર્ટુલિયન સિવાય એ પ્રકારના પ્રશ્નો પૂછવાની કોઈની હિંમત ન ચાલી. “ટર્ટુલિયન, પોતાના સમયમાં ચર્ચના ઇતિહાસ અને શિક્ષણો વિષે ખૂબ જાણીતો હતો.” અરે, તે તો ધાર્મિક જીવનનો ઍકસ્પર્ટ હતો.
ટર્ટુલિયન તેની વિચિત્ર કહેવતો માટે જાણીતો હતો. દાખલા તરીકે, “પરમેશ્વરની નમ્રતા તેમની મહાનતા છે.” “આપણે [ખ્રિસ્તના મરણમાં] માનીએ છીએ, કારણ કે એ શિક્ષણ સમજવું અઘરું છે.” “[ઈસુનું] મરણ અને સજીવન અશક્ય હોવાથી શક્ય છે.”
ટર્ટુલિયનના બીજા લખાણો પણ વિચિત્ર હતાં. તે ઇચ્છતો હતો કે બીજાઓ તેના લખાણો દ્વારા ખ્રિસ્તી સત્ય જાણે. પણ હકીકતમાં, તેણે એ સત્યના ચોખ્ખા પાણીમાં કાદવ નાખ્યો. તેના કાદવ જેવા શિક્ષણો પર ચર્ચના વિદ્વાનોએ ત્રૈક્યનો પાયો બાંધ્યો. આની પોલ ખોલવા માટે ચાલો આપણે પહેલા ટર્ટુલિયનનું જીવન તપાસીએ.
ઘણો જ ચાલાક
આપણી પાસે ટર્ટુલિયનના જીવન વિષે ઓછી માહિતી છે. ઘણા વિદ્વાનો સહમત થાય છે કે તેનો જન્મ ૧૬૦ સી.ઈ.માં (આજથી લગભગ ૧૮૪૦ વર્ષ પહેલાં), ઉત્તર આફ્રિકાના, કાર્થેજ શહેરમાં થયો હતો. દેખીતી રીતે જ, તે ભણેલો-ગણેલો હતો અને એ સમયની ફિલસૂફીઓ સારી રીતે જાણતો હતો. તેને ખ્રિસ્તી ધર્મ પસંદ પડ્યો, કારણ કે તેણે જોયું કે ખ્રિસ્તીઓ તો પરમેશ્વરમાં વિશ્વાસ જાળવી રાખવા પોતાના જીવનની કુરબાની પણ આપવા તૈયાર હતા. એવી કુરબાની વિષે તેણે પૂછયું: “જે શહીદ થશે, પછી તેનું શું થાય છે તે જાણવા ઉત્સુક નહિ હોય? અને જાણ્યા પછી કોણ એ શિક્ષણને અપનાવશે નહિ?”
ટર્ટુલિયન ફક્ત દેખાડા માટે જ ખ્રિસ્તી બન્યો અને તે ચતુર હતો, તેથી તેની ચતુરાઈ તેના લખેલા ટૂંકા વાક્યોમાં પણ જોવા મળતી હતી. “[તે] ધર્મગુરુઓ કરતાં પણ વધારે હોંશિયાર હતો,” એમ ચર્ચના પાદરીઓ (અંગ્રેજી) પુસ્તક નોંધે છે. “તે ઘણો જ ચાલાક હતો.” એક વિદ્વાને કહ્યું: “ટર્ટુલિયનને, લાંબાં વાક્યો કરતાં લાંબાં શબ્દો વાપરવાની ટેવ હતી. તેથી તેની લાંબી દલીલો કરતાં તેના ચતુરાઈભર્યા શબ્દો સમજવા વધારે સહેલા હતા. એ કારણે અનેક લખાણોમાં તેની લાંબી નહિ, પણ ટૂંકી નોંધ કરવામાં આવતી હતી.”
ખ્રિસ્તી ધર્મને ટેકો
ટર્ટુલિયનના સૌથી પ્રખ્યાત પુસ્તકનું નામ માફી (અંગ્રેજી) હતું. એ પુસ્તકે કહેવાતા ખ્રિસ્તીઓના રક્ષણ માટે ઘણું જ કર્યું. આ પુસ્તક એ સમયમાં લખવામાં આવ્યું હતું જ્યારે ખ્રિસ્તીઓ પર ખોટા આરોપ મૂકીને તેઓની મારપીટ કરવામાં આવતી હતી. ટર્ટુલિયને આ ખ્રિસ્તીઓ પર થતા અન્યાયનો વિરોધ કરીને તેઓનો બચાવ કર્યો. તેણે કહ્યું: “[વિરોધકો] એમ માને છે કે ખ્રિસ્તીઓના કારણે જનતા પર
દુઃખ તૂટી પડ્યાં છે. . . . જો નાઈલ નદીનું પાણી ખેતરો સુધી ન પહોંચે, અથવા વરસાદ ન પડે, તથા ધરતીકંપ થાય, દુકાળ પડે અને જો મરકી ફેલાય તો, તરત જ બૂમ સંભળાય છે: ‘ખ્રિસ્તીઓને સિંહો સામે નાખી દો!’”જોકે ઘણી વખતે ખ્રિસ્તીઓ પર જૂઠા આરોપ મૂકવામાં આવતા હતા કે તેઓ સરકારનું માન નથી રાખતા. પરંતુ ટર્ટુલિયને એમ બતાવવાનો પ્રયત્ન કર્યો કે ખ્રિસ્તીઓ તો સૌથી સારા નાગરિકો છે. તેણે વિરોધકોને યાદ અપાવ્યું કે સરકારને ઉથલાવી પાડવાના દરેક કાવતરાં પાછળ ખ્રિસ્તીઓ નહિ, પણ અધર્મી લોકો હતા. ટર્ટુલિયને ટીકા કરી કે જ્યારે ખ્રિસ્તીઓને મરણની સજા કરવામાં આવી, ત્યારે તેનું ખરું નુકસાન છેવટે સરકારને જ ભોગવવું પડ્યું.
એવું લાગે છે કે અમુક નવા ખ્રિસ્તીઓ બાઇબલની સભાઓ ભર્યા પછી, એકદમ ખરાબ રમતો જોવા જતા હતા. તેથી, ઓન ધ શૉઝ નામના પુસ્તકમાં ટર્ટુલિયને ખ્રિસ્તીઓના જીવનની રીત વિષે લખ્યું. તેમણે આ પુસ્તકમાં ખ્રિસ્તીઓને કોઈ પણ ખરાબ મનોરંજન, રમતો અને નાટકો જોવાની મના કરી. અને ટર્ટુલિયને તેઓને ચેતવ્યા: “દેવના મંદિરેથી, શેતાનના ઘરે જવું કેટલું મૂર્ખ છે, જે અજવાળામાંથી અંધકારમાં જવા બરાબર છે.” અને તેણે કહ્યું: “જે ખોટા કાર્યોને તમે છોડી દીધા હોય, તેનો મનમાં પણ વિચાર ન કરો.”
સચ્ચાઈને બચાવતા તેને ભ્રષ્ટ કરવું
ટર્ટુલિયને પ્રૅક્સીયસની વિરુદ્ધ (અંગ્રેજી) નામના નિબંધમાં કહ્યું: “શેતાન હંમેશાં સત્યની સામે થાય છે. શેતાને ઘણી વખત સત્યનો ઉપયોગ કરીને, એને નષ્ટ કરવા કોશિશ કરી છે.” ચોકસાઈથી કહી શકતા નથી કે આ નિબંધનો લેખક, પ્રૅક્સીયસ કોણ હતો, તેમ છતાં, ટર્ટુલિયને તેની સાથે પરમેશ્વર અને ખ્રિસ્તના શિક્ષણ વિષે વાદવિવાદ કર્યો હતો. ટર્ટુલિયને એમ પણ જણાવ્યું કે પ્રૅક્સીયસ શેતાનના હાથમાં કઠપૂતળીની જેમ નાચીને, ખ્રિસ્તી ધર્મને ખતમ કરી નાખવા માંગે છે.
પરમેશ્વર અને ખ્રિસ્ત કઈ રીતે જુદા છે, એ કહેવાતા ખ્રિસ્તીઓ માટે સૌથી મોટો પ્રશ્ન હતો. અમુક ગ્રીક સંસ્કૃતિમાંથી આવેલા ખ્રિસ્તીઓને એ માનવું અઘરું લાગ્યું કે ઈસુ ખ્રિસ્ત તારનાર હોવા છતાં, પોતે પરમેશ્વર નથી. પ્રૅક્સીયસે તેઓની આ મૂંઝવણનો ઉકેલ કાઢવાની કોશિશ કરીને શીખવ્યું કે, ઈસુ ફક્ત પરમેશ્વરનું જ અલગ રૂપ છે, અને તે બન્નેમાં કોઈ ફરક નથી. આ શિક્ષણને (એક દેવના ત્રણ અલગ રૂપ) કહેવામાં આવે છે. એમાં એમ શીખવવામાં આવતું હતું કે “દેવ, ઉત્પતિ અને નિયમ આપતી વખતે પિતા હતા, અને પછી પુત્ર ઈસુ ખ્રિસ્ત હતા, અને છેવટે ખ્રિસ્ત સ્વર્ગમાં ગયા ત્યારે પવિત્ર આત્મા તરીકે પ્રગટ થયા.”
ટર્ટુલિયને બાઇબલમાંથી બતાવ્યું કે પિતા અને પુત્ર બન્ને એક જ નથી. તેણે ૧ કોરીંથી ૧૫:૨૭, ૨૮ ટાંકીને કહ્યું: “પિતાએ ખ્રિસ્તને સર્વ સત્તા અને અધિકાર આપ્યા છે. તેથી તે બન્ને અલગ વ્યક્તિઓ છે.” વળી તેણે ઈસુના પોતાના શબ્દો પર ધ્યાન ખેંચે જે કહે છે: “પિતા મારા કરતાં મહાન છે.” (યોહાન ૧૪:૨૮, IBSI) તેણે ગીતશાસ્ત્ર ૮:૫માંથી બતાવ્યું કે પુત્રને “ઉતરતા સૃજ્યા” છે. તેથી ટર્ટુલિયન કહ્યું કે, “આમ પિતા પુત્રથી જુદા છે, અને પુત્ર કરતાં મહાન છે. તેથી પરમેશ્વરે ઈસુને ઉત્પન્ન કર્યા, તેના દ્વારા સઘળું બનાવ્યું, અને પૃથ્વી પર મોકલ્યા.”
ટર્ટુલિયન સમજી શક્યો કે પુત્ર પિતાના હાથ નીચે કામ કરતા હતા. તેમ છતાં, જ્યારે તે ખોટા શિક્ષણ તરીકે સાબિત કરવા ગયો, ત્યારે તે “જે લખેલું છે તેની હદ” બહાર ગયો. (૧ કોરીંથી ૪:૬) આમ ટર્ટુલિયન, ઈસુનું દેવત્વ સાબિત કરવા ગયો અને ઊલમાંથી ચુલમાં પડીને તેણે નવી જ થીયરી શોધી કાઢી કે “એક વ્યક્તિમાં ત્રણ રૂપ” છે. આ થીયરીનો ઉપયોગ કરી તેણે બતાવ્યું કે દેવ, પુત્ર અને પવિત્ર આત્મા, ત્રણ જુદા વ્યક્તિ હોવા છતાં, એક દૈવી રૂપ ધરાવે છે. આમ ટર્ટુલિયન પહેલો વ્યક્તિ હતો જેણે પિતા, પુત્ર અને પવિત્ર આત્મા માટે લૅટિન શબ્દ “ત્રૈક્ય” વાપર્યો.
દુનિયાની ફિલસૂફીથી સાવધ રહો
કઈ રીતે ટર્ટુલિયને “એક વ્યક્તિમાં ત્રણ રૂપ”ની થીયરી ગોઠવી કાઢી? એનો જવાબ તેના બીજા એક ગૂંચવતા કથનમાં જોવા મળે છે, જેમ કે ફિલસૂફી વિષે માણસોના શું વિચાર છે. ટર્ટુલિયનના વિચાર પ્રમાણે ફિલસૂફી તો “માણસો અને ‘શેતાનનું શિક્ષણ’ છે.” તેણે, જેઓ ફિલસૂફીથી ખ્રિસ્તી સત્યને ટેકો આપતા હતા, તેઓની છૂટથી ટીકા કરી. તેણે કહ્યું: “સ્ટોઈક, પ્લેટો અને ભાષાઓની ખીચડી કરીને ખ્રિસ્તી ધર્મને ભ્રષ્ટ ન કરો.” આમ કહેવા છતાં, ટર્ટુલિયને પોતે મન ફાવે તેમ દુન્યવી ફિલસૂફીનો છૂટથી ઉપયોગ કર્યો.—કોલોસી ૨:૮.
એક પુસ્તકમાં આમ કહેવામાં આવ્યું છે: “ત્રૈક્યના શિક્ષણ માટે જુદા જુદા ગ્રીક વિચારોની જરૂર પડી હતી.” ટર્ટુલિયનની થીયોલોજી (અંગ્રેજી) પુસ્તક નોંધે છે: “ટર્ટુલિયને કાયદા અને ફિલસૂફીના વિચારોને ભેગા કરીને ત્રૈક્યની થીયરી બનાવી. આ થીયરી ઘણી કાચી હતી. પરંતુ સમય જતાં પાકી થઈ, અને ત્યારે આ થીયરીને કાઉન્સીલ ઑફ નાઇસીયા સામે રજૂ કરવામાં આવી.” આમ, ટર્ટુલિયનની ત્રૈક્યની થીયરી ખ્રિસ્તી સમાજમાં ફેલાઈ અને લોકોને ગેરમાર્ગે દોર્યા.
ટર્ટુલિયને બીજાઓ ઉપર, સત્ય ભ્રષ્ટ કર્યાનો આરોપ મૂક્યો, જ્યારે એ લોકો તો સત્યનો પક્ષ લેવા ચાહતા હતા. આમ ટર્ટુલિયને ફિલસૂફી અને બાઇબલના સત્યની ભેળસેળ કરી અને છેવટે તેણે ખાડો ખોદ્યો અને તેમાં પડી ગયો! ચાલો આપણે ધ્યાન રાખીએ કે આપણે ‘શેતાન પ્રેરિત વિચારો ધરાવતા ઉપદેશકોના શિક્ષણના’ ખાડામાં ન પડીએ.—૧ તીમોથી ૪:૧, IBSI.
[પાન ૨૯, ૩૦ પર ચિત્રો]
ટર્ટુલિયને ફિલસૂફીની ટીકા કરી, પરંતુ તે મન ફાવે તેમ વાપરતો
[ક્રેડીટ લાઈન]
ઓગણત્રીસ અને ત્રીસની પાના: © Cliché Bibliothèque nationale de France, Paris
[પાન ૩૧ પર ચિત્ર]
સાચા ખ્રિસ્તીઓ બાઇબલ સત્ય અને ફિલસૂફીને ભેળસેળ નથી કરતા