સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પરમેશ્વર કોણ છે?

પરમેશ્વર કોણ છે?

પરમેશ્વર કોણ છે?

“રમેશ્વર! એ નામ વિશ્વના સર્વશક્તિમાનને આપવામાં આવ્યું છે. તે ભક્તિને લાયક છે,” એમ એક અમેરિકાનો જ્ઞાનકોશ, (અંગ્રેજી) જણાવે છે. એક ગુજરાતી શબ્દકોશ પ્રમાણે “પરમેશ્વર” એક “સર્વશક્તિમાન આત્મા, સૃષ્ટિ વગેરે કરનાર, અને સંસારના કર્તા” છે. તો આ સર્વશક્તિમાન કેવા છે?

શું પરમેશ્વર શક્તિ છે કે મહાન વ્યક્તિ? તેમનું નામ શું છે? જેમ ઘણા માને છે તેમ, શું તે ત્રિમૂર્તિ છે? આપણે પરમેશ્વરને કેવી રીતે ઓળખી શકીએ? આપણને સંતોષ આપે એવી સરસ રીતે બાઈબલ આ પ્રશ્નોના જવાબ આપે છે. બાઇબલ આપણને ઈશ્વરને ઓળખવા બોલાવે છે કારણ કે “ઈશ્વર આપણામાંના કોઈથી દૂર નથી.”​—⁠પ્રેષિતોનાં કૃત્યો ૧૭:​૨૭, IBSI.

શક્તિ છે કે મહાન વ્યક્તિ?

ઘણા લોકો માને છે કે પરમેશ્વર એક મહાન વ્યક્તિ નથી એને બદલે તે ફક્ત એક શક્તિ જ છે. અમુક ધર્મોમાં લોકો કુદરતી શક્તિને દેવ તરીકે માને છે. બીજા અનેક લોકોએ વિશ્વની રચના અને પૃથ્વી પરના જીવન વિષે વૈજ્ઞાનિક સાબિતીઓ તપાસી છે. એમ કર્યા બાદ, તેઓ એવા નિર્ણય પર આવ્યા કે કોઈકે તો એ સઘળું બનાવ્યું જ હશે. પરંતુ, તેઓ એમ માનવા તૈયાર નથી કે એ બધાની પાછળ કોઈ મહાન વ્યક્તિ છે.

પરંતુ જ્યારે આપણે ઉત્પન્‍ન કરેલી ચીજવસ્તુઓને તપાસીએ છીએ ત્યારે, શું એમ નથી લાગતું કે એની પાછળ ખરેખર કોઈ બુદ્ધિમાન, મહાન વ્યક્તિ હશે? એ બુદ્ધિમાન, મહાન વ્યક્તિ જેણે સૃષ્ટિ રચી છે, તે પોતે પરમેશ્વર છે. પરમેશ્વરનો કોઈ માનવી આકાર નથી, એ તો આત્મા છે. તેથી બાઈબલમાં આપણને જણાવવામાં આવે છે: “જેમ ભૌતિક શરીર છે, તેમ આત્મિક શરીર પણ છે.” (૧ કોરીંથી ૧૫:​૪૪, IBSI) પરમેશ્વર વિષે વધુ જણાવતા, બાઈબલ સમજાવે છે કે, “ઈશ્વર આત્મા છે.” (યોહાન ૪:૨૪, IBSI) આત્માનું જીવન અને આપણું જીવન તદ્દન જુદું છે. તેથી, આપણે આત્માને જોઈ નથી શક્તા. (યોહાન ૧:૧૮) બીજા અનેક અદૃશ્ય આત્મિક જીવો હોય છે, જેને બાઈબલમાં સ્વર્ગદૂત અથવા  “દેવદૂતો” કહેવામાં આવે છે.​—⁠અયૂબ ૧:૬; ૨:⁠૧.

પરમેશ્વર આત્મા છે, તેથી તે ક્યાં રહે છે એ પણ જાણવું જરૂરી છે. બાઈબલ જણાવે છે કે, સ્વર્ગ પરમેશ્વરનું “રહેઠાણ” છે. (૧ રાજાઓ ૮:૪૩) પ્રેષિત પાઊલ પણ જણાવે છે કે ઈસુ ‘સ્વર્ગમાં જ પરમેશ્વરની હજુરમાં ગયા.’​—⁠હેબ્રી ૯:​૨૪.

બાઈબલમાં ‘આત્માનો’ બીજો પણ મતલબ થાય છે. પરમેશ્વરને પ્રાર્થના કરતા, ગીતશાસ્ત્રના એક લેખક જણાવે છે: ‘તું તારો આત્મા [શક્તિ] મોકલે છે એટલે તેઓ ઉત્પન્‍ન થાય છે.’ (ગીતશાસ્ત્ર ૧૦૪:૩૦) આ આત્મા પરમેશ્વર પોતે નથી, પણ તેમની શક્તિ છે. અને તેમની મરજી હોય એ સિદ્ધ કરવા માટે આ શક્તિનો ઉપયોગ કરે છે. એ શક્તિથી તેમણે આકાશ, પૃથ્વી તથા બધી જ જીવંત વસ્તુઓ ઉત્પન્‍ન કરી. (ઉત્પત્તિ ૧:૨; ગીતશાસ્ત્ર ૩૩:૬) પરમેશ્વરની શક્તિને, પવિત્ર આત્મા તરીકે પણ કહેવામાં આવે છે. પરમેશ્વરે બાઇબલ લખવા માટે, માણસોને તેમનો પવિત્ર આત્મા અથવા શક્તિ આપી. (૨ પીતર ૧:​૨૦, ૨૧) તેથી પવિત્ર શક્તિને આપણે જોઈ નથી શક્તા, અને એ શક્તિ, પરમેશ્વર તેમના હેતુઓ પૂરા કરવા માટે વાપરે છે.

પરમેશ્વરનું અજોડ નામ

નીતિવચનોના એક લેખક, આગૂરે પૂછયું: “આકાશમાં કોણ ચઢ્યો અને પાછો ઊતર્યો? કોણે પવનને પોતાની મુઠ્ઠીમાં સમેટી લીધો છે? કોણે પોતાના વસ્ત્રમાં પાણી બાંધી લીધાં છે? પૃથ્વીની સર્વ સીમાઓ કોણે સ્થાપી છે? જો તું જાણતો હોય તો કહે, તેનું નામ શું છે, અને તેના દીકરાનું નામ શું છે?” (નીતિવચનો ૩૦:૪) આગૂર પૂછવા માંગતા હતા કે ‘શું તમને ખબર છે કે આ બધુ કોણે કર્યું છે?’ ફક્ત પરમેશ્વરની શક્તિ જ પવન અને અગ્‍નિ જેવા કુદરતી બળોને કાબૂમાં રાખી શકે. બધી જ ઉત્પન્‍ન કરેલી ચીજો સાબિતી આપે છે કે એની પાછળ પરમેશ્વર છે, પરંતુ એમાંથી પરમેશ્વરનું નામ જાણવામાં મળતું નથી. હકીકતમાં, જો પરમેશ્વર ખુદ તેમનું નામ બતાવે, તો જ આપણે એ જાણી શકીએ. તેથી પરમેશ્વર કહે છે કે, “હું યહોવાહ છું; એજ મારૂં નામ છે.”​—⁠યશાયાહ ૪૨:⁠૮.

પરમેશ્વરનું આ અજોડ નામ યહોવાહ, અસલ હેબ્રી શાસ્ત્રવચનોમાં લગભગ ૭,૦૦૦ વખત જોવા મળે છે. ઈસુએ પણ બીજાઓને એ નામ પ્યારથી જણાવ્યું, અને એ નામના ગુણ ગાયા હતાં. (યોહાન ૧૭:૬, ૨૬) બાઇબલના છેલ્લા પુસ્તકમાં પરમેશ્વરનું નામ “હાલેલુયાહ” તરીકે ગવાય છે, જેનો મતલબ “યાહની સ્તુતિ કરો” થાય છે. અને “યાહ”, એ ટૂંકો શબ્દ છે, જેનો અર્થ “યહોવાહ” થાય છે. (પ્રકટીકરણ ૧૯:૧-૬) પરંતુ, આજકાલના ઘણા બાઇબલમાં એ નામ વાપરવામાં નથી આવતું. ‘યહોવાહને’ બદલે તેઓ “પ્રભુ” અથવા “ઈશ્વર” વાપરે છે. ઘણા પંડિતો સૂચવે છે કે પરમેશ્વરના નામનો ઉચ્ચાર, યાહવેહ થતો હશે.

વિશ્વના પરમાત્મા, પરમેશ્વરના નામ વિષે કેમ જુદા જુદા વિચારો છે? સદીઓ પહેલાં, વહેમીલા યહુદીઓએ પરમેશ્વરનું નામ બોલવાનું બંધ કર્યું, ત્યારથી આ તકલીફ શરૂ થઈ. શાસ્ત્રમાં તેઓએ, યહોવાહના નામને બદલે, એક હેબ્રી શબ્દ, જેનો અર્થ “સર્વોપરી પ્રભુ” થાય છે, એ વાપરવા લાગ્યા. પ્રાચીન હેબ્રી ભાષા સ્વર વિના લખવામાં આવતી. તેથી યહોવાહના નામનો અસલ ઉચ્ચાર મુસા, દાઊદ કે પ્રાચીન સમયના બીજા લોકો કેવી રીતે બોલ્યા હશે, એ આપણે જાણી શકીએ એમ નથી. તેમ છતાં, પરમેશ્વરનું નામ યહોવાહ, હવે ઘણા વર્ષોથી અનેક ભાષાઓમાં વપરાય છે.​—⁠નિર્ગમન ૬:૩; યશાયાહ ૨૬:૪.

એ ચોક્કસ નથી કે પ્રાચીન હેબ્રી ભાષામાં કેવી રીતે પરમેશ્વરના નામનો ઉચ્ચાર થતો હતો. પરંતુ તેમના નામનો અર્થ આપણે જરૂર જાણી શકીએ છીએ. તેમના નામનો અર્થ “તેની મરજી પ્રમાણે કરનાર” થાય છે. તેથી, યહોવાહ તેમના સર્વ હેતુઓ અને વચનોને જરૂર પૂરા કરશે. ફક્ત એક ખરા પરમેશ્વર, જેમની પાસે આમ કરવાની શક્તિ છે, તે એકલા જ આ નામ ધરાવી શકે છે.​—⁠યશાયાહ ૫૫:૧૧.

એમાં કઈ શંકા નથી કે સર્વોપરી પરમેશ્વરનું નામ યહોવાહ, ખોટા દેવ-દેવીઓ કરતાં સાવ અલગ તરી આવે છે. તેથી બાઇબલમાં વારંવાર યહોવાહનું નામ દેખાય આવે છે. ઘણા જુદાં જુદાં બાઇબલો પરમેશ્વરનું નામ વાપરતા નથી, તેમ છતાં, ગીતશાસ્ત્ર ૮૩:૧૮ ચોખ્ખું જણાવે છે: “જેથી તેઓ જાણે કે તું, જેનું નામ યહોવાહ છે, તે તું જ આખી પૃથ્વી પર પરાત્પર દેવ છે.” ઇસુ ખ્રિસ્તે પણ તેમના સેવા કાર્ય દરમિયાન શિષ્યોને શિખવ્યું: “માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો: ઓ આકાશમાંના અમારા બાપ, તારૂં નામ પવિત્ર મનાઓ.” (માત્થી ૬:૯) તેથી, આપણે જ્યારે પ્રાર્થના કરતા હોઈએ, અથવા બીજા લોકોને પરમેશ્વર વિષે જણાવતા હોઈએ, ત્યારે તેમનું નામ વાપરવું જોઈએ, અને તેમને મહિમા આપવો જોઈએ.

શું ઈસુ પરમેશ્વર છે?

યહોવાહ પોતે, આપણને જણાવે છે કે તેમનો દીકરો કોણ છે. ઈસુ બાપ્તિસ્મા પામ્યા પછી, શું થયું એ વિષે આપણને માત્થીનું પુસ્તક જણાવે છે: “અને જુઓ, એવી આકાશવાણી થઈ, કે આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્‍ન છું.” (માત્થી ૩:૧૬, ૧૭) ઈસુ ખ્રિસ્ત પરમેશ્વરના દીકરા છે.

તેમ છતાં, અમુક લોકો એમ માને છે કે ઈસુ ખુદ પરમેશ્વર છે. અમુક તો હિંદુ ત્રિમૂર્તિની માન્યતાની જેમ, ઈસુ વિષે પણ એમ જ માને છે. એક શિક્ષણ પ્રમાણે “પિતા, પુત્ર અને પવિત્ર આત્મા, ત્રણ નહિ પણ એક જ પરમેશ્વર છે.” (કૅથલિક એન્સાયક્લોપેડિયા) પરંતુ શું આ શિક્ષણ સાચું છે?

પવિત્ર શાસ્ત્ર, યહોવાહ વિષે જણાવે છે કે, “અનાદિકાળથી તે અનંતકાળ સુધી, તું ઇશ્વર છે.” (ગીતશાસ્ત્ર ૯૦:૨) તેમની શરૂઆત નથી, અને અંત નથી, ખુદ યહોવાહ “સનાતન યુગોનો રાજા” છે. (૧ તીમોથી ૧:૧૭) જ્યારે ઈસુ વિષે બાઇબલ જણાવે છે કે તે “સર્વ સૃષ્ટિનો પ્રથમજનિત છે”, “જે દેવની સૃષ્ટિનું આદિકરણ છે.” (કોલોસી ૧:૧૩-૧૫; પ્રકટીકરણ ૩:૧૪) ઈસુ, યહોવાહ પરમેશ્વરને પિતા માને છે, અને સમજાવે છે કે “પિતા મારા કરતા મહાન છે.” (યોહાન ૧૪:​૨૮, IBSI) ઈસુએ એમ પણ જણાવ્યું કે અમુક બાબતો દૂતો તેમજ તે પોતે પણ જાણતા નથી, ફક્ત યહોવાહ જ જાણે છે. (માર્ક ૧૩:૩૨) ઈસુએ તેમના પિતાને પ્રાર્થનામાં કહ્યું કે, “મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તારી ઇચ્છા પ્રમાણે થાઓ.” (લુક ૨૨:૪૨) ઈસુએ, પોતાને જ પ્રાર્થના કરી ન હતી! અને ઈસુ મર્યા પછી પરમેશ્વરે તેમને સજીવન કર્યા હતા, કારણ કે ઈસુ પોતાને જ સજીવન ન કરી શકે.​—⁠પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૨.

બાઇબલમાં શિખવે છે તેમ, યહોવાહ, પરમેશ્વર છે અને ઈસુ તેમના દીકરા છે. ઈસુ પૃથ્વી પર આવ્યા એ પહેલાં, સ્વર્ગમાં બન્‍ને એક સરખા ન હતા. અને જ્યારે ઈસુ સજીવન થયા ત્યારે પરમેશ્વરમાં સમાય જઈને એક થઈ ગયા ન હતા. (૧ કોરીંથી ૧૧:૩; ૧૫:૨૮) આપણે જોઈ ગયા તેમ, પવિત્ર આત્મા વ્યક્તિ નથી, પરંતુ પરમેશ્વર જે ઈચ્છે એ કાર્યો કરવા માટેની તેમની શક્તિ છે. ત્રૈક્ય અથવા ત્રિમૂર્તિ વિષે બાઇબલ શિખવતું નથી. * એના બદલે, એ જણાવે છે કે “યહોવાહ આપણો દેવ તે એકલો જ યહોવાહ છે.”​—⁠પુનર્નિયમ ૬:⁠૪.

પરમેશ્વરને સારી રીતે ઓળખો

જો આપણે પરમેશ્વરની દિલથી ભક્તિ કરવી હોય, તો આપણે તેમના વિષે ખરેખર જાણવું જોઈએ. એ આપણે કેવી રીતે કરી શકીએ? બાઇબલમાં નોંધેલું છે કે, “ઈશ્વરે પૃથ્વી, આકાશ તથા જે કાંઈ સૃજ્યું છે તે બધું માણસો આરંભથી જોતા આવ્યા છે. આ પરથી તેઓ ઈશ્વરના અદૃશ્ય ગુણોને, તેમના સનાતન સામર્થ્યને એને ઈશ્વરત્વને જાણે છે. તેથી ન્યાયના દિવસે ઈશ્વર સમક્ષ તેઓ કાંઈ જ બહાનું કાઢી શકશે નહિ.” (રૂમીઓને પત્ર ૧:​૨૦, IBSI) પરમેશ્વરે જે કંઈ ઉત્પન્‍ન કર્યું છે, એનો ઊંડો વિચાર કરવાથી આપણે પરમેશ્વરને વધુ ઓળખી શકીએ છીએ.

પરંતુ ઉત્પન્‍ન કરેલી વસ્તુઓ આપણને પરમેશ્વર વિષે બધુ જ નથી જણાવતી. દાખલા તરીકે, ફક્ત બાઇબલમાં જોવા મળે છે કે તેમનું નામ શું છે, અને તે કેવા વ્યક્તિ છે. હકીકતમાં, બાઇબલનો અભ્યાસ કરવાથી જ આપણે પરમેશ્વરને સૌથી સારી રીતે ઓળખી શકીએ. એમાંથી આપણે જોઈ શકીએ છીએ કે પરમેશ્વર કેવા સ્વભાવના છે. અને એ તેમના વિષે શિક્ષણ આપે છે. વળી તેમના હેતુઓ વિષે પણ જણાવે છે. (આમોસ ૩:૭; ૨ તીમોથી ૩:૧૬, ૧૭) આપણે કેટલા રાજી થવું જોઈએ કે પરમેશ્વર ખુદ ઈચ્છે છે કે આપણામાં “સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય.” (૧ તીમોથી ૨:૪) તેથી ચાલો આપણે યહોવાહ વિષે શીખવા, બનતું બધુ જ કરીએ.

[ફુટનોટ]

^ આ શિક્ષણ વિષે વધુ જાણવું હોય તો શું તમારે ત્રૈક્યમાં માનવું જોઈએ? પુસ્તિકા જુઓ, જે યહોવાહના સાક્ષીઓએ પ્રકાશિત કરી છે.

[પાન ૫ પર ચિત્રો]

પૃથ્વી રચવા અને બાઇબલ લખાવવા માટે, પરમેશ્વરે તેમની પવિત્ર શક્તીનો ઉપયોગ કર્યો

[પાન ૫ પર ચિત્ર]

સ્વર્ગમાંથી સાદ સંભળાયો કે, “આ મારો પુત્ર છે”

[પાન ૭ પર ચિત્ર]

ઈસુએ, પરમેશ્વર જે તેમના કરતાં મહાન છે, તેમને પ્રાર્થના કરી

[પાન ૭ પર ચિત્ર]

ઈસુએ બીજા લોકોને પરમેશ્વરનું નામ જણાવ્યું

[પાન ૭ પર ચિત્રો]

આપણે પણ પરમેશ્વરને સારી રીતે ઓળખી શકીએ