સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહની અપાર કૃપાના આશીર્વાદો

યહોવાહની અપાર કૃપાના આશીર્વાદો

યહોવાહની અપાર કૃપાના આશીર્વાદો

“જે કોઇ જ્ઞાની હશે તે આ વાતો ધ્યાનમાં લેશે, અને યહોવાહની કૃપા વિષે વિચાર કરશે.”​—⁠ગીતશાસ્ત્ર ૧૦૭:૪૩.

૧. બાઇબલમાં સહુ પ્રથમ કૃપાની વાત કોણે કરી? એ ગુણ વિષે આપણે શું શીખીશું?

 લગભગ ૪,૦૦૦ વર્ષ અગાઉ, ઈબ્રાહીમના ભત્રીજા લોતે પરમેશ્વરના એક સુંદર ગુણના વખાણ કર્યા: “જે કૃપા તેં [યહોવાહે] મારા પર કરી છે, તે મોટી છે.” (ઉત્પત્તિ ૧૯:૧૯) મૂળ ભાષાના બાઇબલમાં “કૃપા” વિષે આ પહેલી નોંધ છે. સમય જતાં, યાકૂબ, નાઓમી, દાઊદ, તેમ જ બીજા સેવકોએ પણ પરમેશ્વરનો આ ગુણ ગાયો. (ઉત્પત્તિ ૩૨:૧૦; રૂથ ૧:૮; ૨ શમૂએલ ૨:⁠૬) હકીકતમાં, મૂળ ભાષાના બાઇબલમાં “કૃપા” જેવા શબ્દો અઢીસો વાર જોવામાં આવે છે. યહોવાહની કૃપા શું છે, એ તમે જાણો છો? બાઇબલમાં યહોવાહે કેવી વ્યક્તિઓને કૃપા બતાવી? આપણે પોતે કઈ રીતે પરમેશ્વરની કૃપા ચાખી શકીએ?

૨. શા માટે ફકરામાં આપેલ હેબ્રી શબ્દનો અર્થ સમજવો અઘરો છે? એ શબ્દનો અર્થ ગુજરાતીમાં કઈ રીતે દર્શાવી શકાય?

હેબ્રી ભાષામાં “કૃપા” શબ્દનો અર્થ સમુદ્રની જેમ ઘણો વિશાળ છે. ઘણી ભાષાઓમાં એ ગુણને શબ્દોમાં મૂકવો અઘરો છે. અરે, “પ્રેમ,” “દયા,” અને “ભક્તિભાવ” જેવા ગુજરાતી શબ્દો તો એ હેબ્રી શબ્દના કિનારે જ પહોંચે છે. તેમ છતાં, અંગ્રેજી જૂના કરારના થીયોલોજીકલ શબ્દકોશ પ્રમાણે, મૂળ હેબ્રી શબ્દના અર્થનું ભાષાંતર “અપાર કૃપા” થઈ શકે. તેથી ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન ઓફ ધ હોલી સ્ક્રિપ્ચર્સ આ ગુણ માટે “અતૂટ પ્રિતી” અથવા “અપાર કૃપા” વાપરે છે.—નિર્ગમન ૧૫:૧૩; ગીતશાસ્ત્ર ૫:૭; ફૂટનોટ, NW.

પ્રેમ અને વફાદારીથી પણ વધારે

૩. બાઇબલમાં પ્રેમ અને અપાર કૃપા વચ્ચે શું તફાવત છે?

અપાર કૃપાના અમુક લક્ષણો પ્રેમ અને ભક્તિભાવ જેવા જ છે. પરંતુ, તેના અમુક પાસાઓ તદ્દન જુદાં છે. ચાલો આપણે કૃપા અને પ્રેમ શબ્દ વચ્ચે શું તફાવત છે તે સમજીએ. દાખલા તરીકે, બાઇબલમાં ચીજ-વસ્તુઓ કે વિચારો પ્રત્યે પ્રેમ બતાવી શકાય. (૧ યોહાન ૨:​૧૫-૧૭) પરંતુ, “અપાર કૃપા” તો ફક્ત કોઈ માણસ પ્રત્યે જ બતાવી શકાય. બાઇબલ જણાવે છે કે યહોવાહ ‘હજારો પેઢી પર અપાર કૃપા દર્શાવનાર છે.’⁠—​નિર્ગમન ૨૦:​૬, NW.

૪. બાઇબલમાં અપાર કૃપા અને વફાદારી વચ્ચે શું તફાવત છે?

“અપાર કૃપા” અને હેબ્રી શબ્દ “વફાદારી” અમુક અંશે સરખા છે. પરંતુ વફાદારીના ગુણથી, વધુ ચઢિયાતી અપાર કૃપા છે. અમુક ભાષાઓમાં “વફાદારી” એટલે કે કોઈ ચાકર તેના શેઠનુ કહ્યું કરે. પરંતુ બાઇબલમાં અપાર કૃપા તદ્દન જુદો અર્થ ધરાવે છે કે જેમાં કોઈ શેઠ તેના ચાકરનું કહ્યું માને. એ અર્થ વિષે એક પંડિત કહે છે: ‘નાનો મોટાને નહિ, પરંતુ કોઈ મોટા માણસ તેનાથી નીચા અથવા લાચાર જનોને વફાદાર રહે.’ દાઊદની પ્રાર્થના તેવો જ અર્થ રજૂ કરે છે: “તમારા સેવક ઉપર ફરીથી તમારા મુખનો પ્રકાશ પાડો. તમારી કૃપા મારા પ્રત્યે દર્શાવો અને મારો બચાવ કરો.” (ગીતશાસ્ત્ર ૩૧:​૧૬, IBSI) અહીં લાચાર દાઊદ, મહાન યહોવાહ પાસે અપાર કૃપા કે વફાદારીની ભીખ માંગે છે. આ અપાર કૃપા દિલની ભેટ છે, કારણ કે આપણે પોતાથી ચઢિયાતી વ્યક્તિ પર કોઈ ફરજ પાડી શક્તા નથી.

૫. (ક) યહોવાહની કૃપા આપણને કઈ કઈ રીતે મદદ કરી શકે? (ખ) આપણે યહોવાહની કૃપા વિષે શું શીખીશું?

રાજા દાઊદ કહે છે: “જે કોઇ જ્ઞાની હશે તે . . . યહોવાહની કૃપા વિષે વિચાર કરશે.” (ગીતશાસ્ત્ર ૧૦૭:૪૩) યહોવાહની કૃપાની કદરમાં વધવાથી આપણે જોઈશું કે એ સુંદર ગુણ દ્વારા આપણું જીવન બચી શકે છે. (ગીતશાસ્ત્ર ૬:૪; ૧૧૯:૮૮, ૧૫૯) કૃપાને કારણે આપણને રક્ષણ તેમ જ દુઃખમાંથી છુટકારો મળી શકે છે. (ગીતશાસ્ત્ર ૩૧:૧૬, ૨૧; ૪૦:૧૧; ૧૪૩:૧૨) અરે, આ સુંદર ગુણને લીધે તો આપણે પાપોની માફી પણ મેળવી શકીએ છીએ. (ગીતશાસ્ત્ર ૨૫:૭) ચાલો આપણે બાઇબલમાં લખેલા અમુક બનાવો તપાસીએ. એમ કરવાથી આપણે બે બાબતો જોઈશું: (૧) કૃપા બતાવવામાં યહોવાહ પહેલ કરે છે, અને (૨) યહોવાહ તેમના વિશ્વાસુ ભક્તોને ખાસ કૃપા બતાવે છે.

અપાર કૃપાને લીધે સેવકોનો બચાવ

૬, ૭. (ક) યહોવાહે લોત પર કઈ રીતે અપાર કૃપા દર્શાવી? (ખ) લોતે ક્યારે યહોવાહની કૃપાના ગુણ ગાયા?

યહોવાહની કૃપા કેટલી વિશાળ છે, એ જાણવા માટે આપણે બાઇબલમાં નોંધેલા ખાસ બનાવો તપાસવાની જરૂર છે. ઉત્પત્તિ ૧૪:૧-૧૬ જણાવે છે કે ઈબ્રાહીમના ભત્રીજા લોતને અમુક દુશ્મનો પકડી ગયા હતા, ત્યારે તેના કાકા ઈબ્રાહીમે તેને છોડાવ્યો. પછી, લોત તેના પરિવાર સાથે સદોમમાં વસતો હતો ત્યારે, તે પાછો મોતના પંજામા આવી પડ્યો, કારણ કે યહોવાહ એ પાપી શહેરનો વિનાશ લાવવાના હતા.—ઉત્પત્તિ ૧૮:૨૦-૨૨; ૧૯:૧૨, ૧૩.

સદોમનો વિનાશ કરતા પહેલાં, યહોવાહના દૂતોએ લોત અને તેના કુટુંબને એ શહેરમાંથી નાસી જવા માટે મદદ કરી. તેથી લોતનું દિલ ઉભરાઈ ગયું: “તમે મારા પ્રત્યે ઘણી દયા દર્શાવી છે. મારો પ્રાણ બચાવ્યો છે અને મારા પર કૃપા કરી છે.” (ઉત્પત્તિ ૧૯:૧૬, ૧૯, IBSI) આ શબ્દોથી લોતે બતાવ્યું કે યહોવાહે તેને મહાન કૃપાથી બચાવ્યો હતો. લોતના બચાવ અને રક્ષણમાં પ્રભુની અપાર કૃપાનાં કિરણો પ્રકાશી ઊઠે છે.—૨ પિતર ૨:૭.

યહોવાહની અપાર કૃપા અને દોરવણી

૮, ૯. (ક) ઈબ્રાહીમના ચાકરને કઈ ખાસ જવાબદારી સોંપવામાં આવી હતી? (ખ) શા માટે તેણે પરમેશ્વરની અપાર કૃપા માંગી, અને એનો કયો જવાબ મળ્યો?

હવે આપણે યહોવાહની કૃપાના ભંડારમાંથી એક બીજું રત્ન તપાસીએ. ઉત્પત્તિ અધ્યાય ૨૪માં, ઈબ્રાહીમે તેના ચાકરને એક ખાસ જવાબદારી સોંપી. તેણે દૂરદેશ જઈને ઈબ્રાહીમનાં સગામાંથી ઈસહાકનું સગપણ નક્કી કરવાનું હતું. આ ભારે જવાબદારી હતી. (કલમ ૨-૪) તેથી ઈબ્રાહીમે તેના ચાકરને ખાતરી આપી કે યહોવાહનો સ્વર્ગદૂત તેનો સાથ આપશે. (કલમ ૭) છેવટે, તેનો ચાકર નાહોર નામના શહેરના એક કૂવા પાસે આવી પહોંચ્યો. ત્યાં શહેરની અનેક છોકરીઓ પાણી ભરવા આવી હતી. (કલમ ૧૦, ૧૧) તેઓને જોઈને ઈબ્રાહીમના ચાકરને થયું કે, ઇસહાકના સગપણ માટે તેઓમાંથી એકને પસંદ કરવાનો આ યોગ્ય સમય છે. પરંતુ મુંઝવણ એ છે કે કઈ છોકરી?

એ ઘડીએ ઈબ્રાહીમના ચાકરે યહોવાહને પ્રાર્થનામાં વિનંતી કરી: “ઓ યાહવે, મારા માલીકના ઈશ્વર, મારા માલીક અબ્રાહામ પ્રત્યે દયા દર્શાવો, અને મારી મુસાફરીનો હેતુ પુરો કરવામાં મને મદદ કરો.” (કલમ ૧૨, IBSI) તો પછી, યહોવાહ તેમની અપાર કૃપા કઈ રીતે દર્શાવે છે? તે ચાકરે એક નિશાની માંગી, જેથી તે જાણી શકે કે યહોવાહે ઈસહાક માટે કઈ કન્યા પસંદ કરી છે. (કલમ ૧૩, ૧૪) તેણે જે નિશાની માંગી હતી, એ જ પ્રમાણે એક છોકરીએ કર્યું. એ જોઈને તે ચાકર ટગર ટગર જોતો જ રહી ગયો, અને કન્યા માટે યહોવાહની પસંદગી જાણી શક્યો. (કલમ ૧૫-૨૦) પરંતુ, હજુ અમુક બાબતો પાક્કી કરવાની હતી. શું તે ઈબ્રાહીમના પરિવારની છે? શું તે કુંવારી છે? એ ચાકર તાકીને જોઈ રહ્યો કે ‘યહોવાહે તેની મુસાફરી સફળ કરી છે કે નહિ.’​—⁠કલમ ૧૬, ૨૧.

૧૦. ચાકરને કઈ રીતે ખબર પડી કે યહોવાહની કૃપા ઈબ્રાહીમ સાથે છે?

૧૦ થોડી જ વાર પછી, એ કન્યાએ પોતાની ઓળખ આપી કે તે ઈબ્રાહીમના ભાઈ નાહોરની પૌત્રી છે. (ઉત્પત્તિ ૧૧:૨૬; ૨૪:૨૪) ત્યારે ચાકરને ખાતરી થઈ કે, આ તેની પ્રાર્થનાનો પૂરો જવાબ છે. તરત જ, તેણે યહોવાહની આરાધના કરી: “મારા માલીક, અબ્રાહામના પ્રભુ ઈશ્વર, તમારો આભાર માનું છુ. અબ્રાહામ પ્રત્યે તમે માયાળુપણું અને વફાદારી દર્શાવ્યા છે, અને મને સીધો મારા માલીકના સગાંઓના ઘરમાં દોરી લાવ્યા છો.” (કલમ ૨૭, IBSI) ઈબ્રાહીમ પ્રત્યે યહોવાહની આ અપાર કૃપા કંઈ વાર્તા નથી, પણ હકીકત છે.

અપાર કૃપા રાહત અને રક્ષણ લાવે છે

૧૧, ૧૨. (ક) યુસફે કઈ આકરી કસોટીઓ અનુભવી? (ખ) કસોટીના સમયે યહોવાહે યુસફને કઈ રીતે અપાર કૃપા બતાવી?

૧૧ ચાલો હવે આપણે ઉત્પત્તિ અધ્યાય ૩૯ તપાસીએ. ઈબ્રાહીમના દીકરા ઇસહાકનો પૌત્ર યુસફ હતો. જેને ઇજિપ્તમાં ગુલામ તરીકે વેચવામાં આવ્યો. પરંતુ, યુસફને યહોવાહનો સાથ હતો. (કલમ ૧, ૨) યુસફના માલિક પોટીફારે પણ જોયું કે યુસફને યહોવાહનો સાથ છે. (કલમ ૩) તેમ છતાં, યુસફની ભારે કસોટી થવાની હતી. પોટીફારની પત્નીએ ખોટો ઈલજામ મૂક્યો કે યુસફ તેની આબરૂ લૂંટવા માંગતો હતો. પરિણામે, યુસફને જેલમાં નાખવામાં આવ્યો. (કલમ ૭-૨૦) જેલરોએ “તેના પગોએ સાંકળો બાંધી અને તેના ગળે લોખંડનો પટ્ટો બાંધ્યો.”​—⁠ઉત્પત્તિ ૪૦:​૧૫, IBSI; ગીતશાસ્ત્ર ૧૦૫:૧૮.

૧૨ શું એ કસોટીના સમયમાં યુસફ એકલો હતો? ના. યહોવાહ તેની સાથે હતા અને “તેના પ્રત્યે માયાળુ હતા.” (કલમ ૨૧, પહેલો ભાગ, IBSI) યહોવાહે મુખ્ય જેલર દ્વારા યુસફને કૃપા બતાવી. (કલમ ૨૧, બીજો ભાગ) પ્રભુની અપાર કૃપા દ્વારા યુસફે તેના પર આવી પડેલા દુઃખોમાંથી રાહત મેળવી. સમય જતા, એ જેલરે યુસફને જેલની અમુક જવાબદારીઓ સોંપી. (કલમ ૨૨) આ સંજોગોમાં યુસફ એક વ્યક્તિને મળ્યો, જેણે સમય જતાં તેના વિષે ઇજિપ્તના રાજાને ભલામણ કરી. (ઉત્પત્તિ ૪૦:​૧-૪, ૯-૧૫; ૪૧:​૯-૧૪) આખરે, તે રાજાએ યુસફને આખા ઇજિપ્તનો વડા પ્રધાન બનાવ્યો. વડા પ્રધાન તરીકે, યુસફે દુકાળના સમયે ઇજિપ્તમાં ઘણા લોકોનાં જીવન બચાવ્યાં. (ઉત્પત્તિ ૪૧:​૩૭-૫૫) જરા વિચારો, યુસફની કસોટી સત્તર વર્ષની ઉંમરે શરૂ થઈ અને બાર લાંબા વર્ષ ચાલી! પરંતુ, આ કસોટીના માર્ગમાં દરેક પગલે યહોવાહની અપાર કૃપા તેના પર હતી. જેથી તે મોતના મોંમાથી બચીને પરમેશ્વરના મહાન હેતુમાં ભાગ ભજવી શકે.

યહોવાહની અપાર કૃપા પાર વગરની છે

૧૩. (ક) ગીતશાસ્ત્ર ૧૩૬ યહોવાહની કૃપા કઈ રીતે બતાવે છે? (ખ) આ કૃપાનો ગુણ કેવો છે?

૧૩ યહોવાહે ઈસ્રાએલ પ્રજાને વાંરવાર કૃપા બતાવી. ગીતશાસ્ત્ર અધ્યાય ૧૩૬ યહોવાહની કૃપા વિષે વધારે જણાવે છે. તેમની કૃપાને લીધે તેમણે ઈસ્રાએલીઓને દુશ્મનોના હાથમાંથી છોડાવ્યા (કલમ ૧૦-૧૫), તેઓને સાચો માર્ગ બતાવ્યો (કલમ ૧૬), તેમજ રક્ષણ પૂરું પાડ્યું. (કલમ ૧૭-૨૦) યહોવાહે પોતાની કૃપા ફક્ત આખા ટોળાને જ નહિ, પણ ટોળામાંની એક વ્યક્તિને બતાવી છે. કૃપા દિલમાંથી ઉભરાય છે, જે વ્યક્તિને કોઈના દુઃખના સમયમાં મદદ કરવા પ્રેરે છે. એક બાઇબલ વિષેનું પુસ્તક કૃપા વિષે જણાવે છે: “આ એવો ગુણ છે, જે દુઃખી વ્યક્તિને મદદ કરવાનો રસ્તો કાઢે છે.” એક પંડિતે કહ્યું કે આ “પ્રેમ ફક્ત કહેવા પૂરતો જ નથી, પણ જે કહે છે તે કરી બતાવે છે.”

૧૪, ૧૫. આપણે કઈ રીતે કહી શકીએ કે પરમેશ્વરને લોત પસંદ હતા?

૧૪ ઉત્પત્તિમાંથી જે દાખલાઓ આપણે તપાસ્યા તે જણાવે છે કે, યહોવાહ તેમના ભક્તોને ખુલ્લા દિલથી કૃપા બતાવે છે. લોત, ઈબ્રાહીમ અને યુસફ ત્રણે જણા જુદા જુદા સંજોગોમાં હતા, અને તેઓની કસોટી પણ અલગ અલગ હતી. તેઓ પણ ભૂલો કરતા હતા, છતાં યહોવાહ તેઓને ચાહતા હતા. પણ તેઓએ યહોવાહને વળગી રહેવાની જરૂર હતી. આ જાણીને ખરેખર દિલાસો મળે છે કે, આપણા વહાલા પરમેશ્વર તેમના ભક્તોને અપાર કૃપા બતાવે છે.

૧૫ લોતે હંમેશાં સમજી વિચારીને કામ કર્યું ન હતું, અને તેના માથે દુઃખના ડુંગરો તૂટી પડ્યા. (ઉત્પત્તિ ૧૩:૧૨, ૧૩; ૧૪:૧૧, ૧૨) તેમ છતાં તે સારો માણસ હતો. જ્યારે બે સ્વર્ગદૂતો સદોમમાં આવ્યા, ત્યારે લોતે તેઓનો આવકાર કર્યો. (ઉત્પત્તિ ૧૯:૧-૩) જ્યારે સદોમનો નાશ થવાનો હતો, ત્યારે લોતે તેના જમાઈઓને બચાવવાની મહેનત કરી. (ઉત્પત્તિ ૧૯:૧૪) લોત વિષે પરમેશ્વરના વિચારો, આપણને બાઇબલમાં મળી આવે છે: “પણ તે જ વખતે પ્રભુએ [યહોવાહે] સદોમમાંથી લોતને બચાવ્યો, કેમકે તે ન્યાયી હતો. અને ચારે તરફ સતત ચાલતા ભયંકર ભ્રષ્ટાચારને જોઈને તે ત્રાસી ગયો હતો. આમ પ્રભુ આપણને આપણી આજુબાજુનાં પરીક્ષણોથી બચાવવા સમર્થ છે. વળી અંતિમ ન્યાયચુકાદાનો દિવસ આવે ત્યાં સુધી તે અધર્મી માણસોને શિક્ષા હેઠળ રાખી મુકવાનું જાણે છે.” (૨ પિતર ૨:​૭-૯, IBSI) ખરેખર લોતને સચ્ચાઈ પસંદ હતી અને અહીં સમજાવવામાં આવે છે કે તે ઈશ્વર-ભક્ત હતા. આપણે પણ “પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં” જીવન જીવીએ તો, તેની જેમ પરમેશ્વરની અપાર કૃપા ચાખી શકીશું.​—⁠૨ પિતર ૩:૧૧, ૧૨.

૧૬. ઈબ્રાહીમ અને યુસફ વિષે આપણને બાઇબલમાંથી શું શીખવા મળે છે?

૧૬ ઈબ્રાહીમને પરમેશ્વર સાથે જે ગહેરો સબંધ હતો, એ વિષે ઉત્પત્તિ અધ્યાય ૨૪ જણાવે છે. પહેલી કલમ બતાવે છે કે, “યહોવાહે ઈબ્રાહીમને સર્વ વાતે આશીર્વાદ આપ્યો હતો.” ઈબ્રાહીમના ચાકરે યહોવાહને “ઈબ્રાહીમના દેવ” કહ્યા. (કલમ ૧૨, ૨૭) શિષ્ય યાકૂબ જણાવે છે કે ઈબ્રાહીમને “ન્યાયી ઠરાવવામાં આવ્યો,” અને “તેને દેવનો મિત્ર કહેવામાં આવ્યો.” (યાકૂબ ૨:૨૧-૨૩) યુસફ વિષે પણ આમ જ કહી શકાય. યુસફ અને યહોવાહને એકબીજા સાથે કેટલું બનતું હતું, એ ઉત્પત્તિ અધ્યાય ૩૯ બતાવે છે. (કલમ ૨, ૩, ૨૧, ૨૩) તે ઉપરાંત તેના વિષે સ્તેફન નામનો શિષ્ય જણાવે છે કે, “ઈશ્વર તેની સાથે હતા.”​—⁠પ્રેષિતોનાં કાર્યો ૭:​૯, IBSI.

૧૭. આપણે ઈબ્રાહીમ, લોત અને યુસફના જીવનમાંથી શું શીખી શકીએ?

૧૭ આમ, લોત, ઈબ્રાહીમ, અને યુસફ પર ઈશ્વરની કૃપા હતી. તેઓને યહોવાહ સાથે ખૂબ જ બનતું હતું, અને તેઓએ પરમેશ્વરના હેતુઓ આગળ વધારવામાં ભાગ લીધો હતો. તેઓના જીવનની તકલીફો તેઓ એકલે હાથે હટાવી શકે એમ ન હતા, કેમ કે એમાં લોતના જીવનનો, ઈબ્રાહીમનો વંશ ચાલુ રાખવાનો, અને યુસફની મહાન જવાબદારી ટકાવી રાખવાનો સવાલ હતો. ફક્ત યહોવાહ જ, હા ફક્ત તે જ તેમની અપાર કૃપા દ્વારા, આ ભક્તોના પહાડ જેવા દુઃખો હટાવી શકે એમ હતા. જો આપણે પરમેશ્વરની અપાર કૃપા સદા પામવી હોય, તો આપણે તેમની સાથે ગાઢ સંબંધ બાંધવો જોઈએ અને તેમનું કહ્યું કરવા હંમેશાં તૈયાર રહેવું જોઈએ.​—⁠એઝરા ૭:૨૮; ગીતશાસ્ત્ર ૧૮:૫૦.

યહોવાહની કૃપા પોતાના લોકો પર છે

૧૮. બાઇબલની અનેક કલમો યહોવાહની કૃપા વિષે શું બતાવે છે?

૧૮ આજે યહોવાહની અપાર કૃપાથી “પૃથ્વી ભરપૂર છે,” એ જાણીને આપણું હૈયું ઝૂમી ઉઠે છે! (ગીતશાસ્ત્ર ૧૧૯:૬૪) આપણા કાન ઉપર રાજા દાઊદનું ગીત ગૂંજી ઉઠે છે: “આ તેની કૃપા તથા માણસજાતને સારૂ તેનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારૂં!” (ગીતશાસ્ત્ર ૧૦૭:૮, ૧૫, ૨૧, ૩૧) આપણે કેટલા ખુશ છીએ કે, યહોવાહ પોતાના ભક્તો પર અપાર કૃપા બતાવે છે, પછી ભલે તે એક હોય કે અનેક. ઈશ્વર ભક્ત દાનીયેલે, યહોવાહને પ્રાર્થના કરી: “ઓ પ્રભુ, તમે મહાન અને ભયાવહ ઈશ્વર છો. જેઓ તમારા પર પ્રેમ કરે છે અને તમારા નિયમો પાળે છે તેઓ પ્રત્યે તમે હમેશાં તમારા વચનો પાળો છો, અને તમારો પ્રેમ દર્શાવો છો.” (દાનિયેલ ૯:​૪, IBSI) રાજા દાઊદે પણ પ્રાર્થના કરી: “જેઓ તને ઓળખે છે તેમના ઉપર તારી કૃપા, તથા જેઓનાં અંતઃકરણ યથાર્થ છે તેઓના પર તારૂં ન્યાયીપણું તું જારી રાખજે.” (ગીતશાસ્ત્ર ૩૬:૧૦) આપણે કેટલા આભારી છીએ કે યહોવાહ તેમના ભક્તો પર અપાર કૃપા વરસાવે છે!​—⁠૧ રાજાઓ ૮:૨૩; ૧ કાળવૃત્તાંત ૧૭:૧૩.

૧૯. આવતા લેખમાં આપણે કયા પ્રશ્નોની ચર્ચા કરીશું?

૧૯ ખરેખર, આજે યહોવાહની કૃપા આપણા પર છે! યહોવાહે સર્વ લોકોને પ્રેમ બતાવ્યો છે એ તો ખરું જ, એની સાથે સાથે આપણને યહોવાહની કૃપાને લીધે ખાસ આશીર્વાદ મળે છે. (યોહાન ૩:૧૬) ખાસ કરીને આપણા પર જ્યારે દુઃખો આવી પડે છે, ત્યારે યહોવાહની આ અપાર કૃપાની છાયા તળે આપણને આશરો મળે છે. (ગીતશાસ્ત્ર ૩૬:૭) પરંતુ, આપણે કેવી રીતે અપાર કૃપા કેળવી શકીએ? શું આપણે આ સુંદર ગુણ દર્શાવીએ છીએ? આ પ્રશ્નોના જવાબ આવતા લેખમાં આપવામાં આવશે.

તમને યાદ છે?

• આપણે “અપાર કૃપા” માટેના હિબ્રુ શબ્દ વિષે શું શીખ્યા?

• અપાર કૃપા અને પ્રેમ અથવા વફાદારીમાં શું ફરક છે?

• યહોવાહે લોત, ઈબ્રાહીમ અને યુસફને કઈ રીતે અપાર કૃપા બતાવી?

• યહોવાહની અપાર કૃપા વિષે શીખીને આપણને શું ખાતરી મળે છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૩ પર ચિત્ર]

તમે જાણો છો કે પરમેશ્વરે લોતને કેવી રીતે કૃપા બતાવી?

[પાન ૧૫ પર ચિત્રો]

અપાર કૃપાને લીધે યહોવાહે, ઈબ્રાહીમના સેવકને સહાય કરી

[પાન ૧૬ પર ચિત્રો]

યહોવાહે યુસફનું રક્ષણ કરીને કૃપા બતાવી