સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એ માટે કોણ જવાબદાર તમે કે બીજું કંઈ?

એ માટે કોણ જવાબદાર તમે કે બીજું કંઈ?

એ માટે કોણ જવાબદાર તમે કે બીજું કંઈ?

વૈજ્ઞાનિકો જિનેટિક શોધ દ્વારા દારૂની લત, સજાતીય સંબંધ, હિંસા, અનૈતિક વર્તન, અને મરણ પાછળના કારણો શોધવા મહેનત કરી રહ્યા છે. શું એમ જાણવા મળે તો આનંદ નહિ થાય કે એની પાછળ આપણે પોતે નહિ પણ આપણી જિનેટિક રચના છે? જો કે પોતાની ભૂલ માટે બીજાને દોષ આપવો એ માનવ સ્વભાવ છે.

તેથી જો જિન્સનો દોષ હોય તો, વૈજ્ઞાનિકો જિનેટિક એન્જિનિયરિંગ દ્વારા એમાં ફેરફાર કરીને અવગુણોને દૂર કરી શકે છે. તાજેતરમાં, વૈજ્ઞાનિકોએ માનવ શરીર પર અમુક અખતરા કર્યા જેમાં તેઓને સફળતા મળી હોવાથી એવી આશા આપે છે કે ફેરફારો થઈ શકે છે.

આપણા સર્વ પાપ અને ભૂલો પાછળ આપણે પોતે નહિ પણ જિનેટિક રચના છે, એમ કહેવા માટે શું વૈજ્ઞાનિકો પાસે પૂરતા પુરાવાઓ છે? જો કે આ પ્રશ્નના જવાબથી, આપણા ભાવિ પર ઊંડી અસર પડી શકે. તેમ છતાં, એ પુરાવાઓ તપાસ્યા પહેલાં માનવની શરૂઆત વિષે જાણવું મદદરૂપ થશે.

પાપની શરૂઆત

મોટા ભાગના લોકો એ અહેવાલથી જાણકાર છે કે પ્રથમ માનવ યુગલ, આદમ અને હવાએ, એદન બાગમાં પાપ કર્યું હતું. શું તેઓને શરૂઆતથી જ ખામીવાળા ઉત્પન્‍ન કરવામાં આવ્યા હતા, જેથી તેઓ પાપ કરીને પરમેશ્વરની વિરૂદ્ધ જાય?

પરમેશ્વર યહોવાહનું કાર્ય સંપૂર્ણ હતું. તેથી, તેમણે પૃથ્વી અને એમાંની દરેક વસ્તુઓનું સર્જન કર્યા બાદ કહ્યું કે તે “ઉત્તમોત્તમ” છે. (ઉત્પત્તિ ૧:૩૧; પુનર્નિયમ ૩૨:૪) પરમેશ્વર પોતાના કામથી બહુ ખુશ હતા. એનો પુરાવો એ છે કે તેમણે પ્રથમ યુગલને આશીર્વાદ આપીને કહ્યું કે સફળ થાઓ, પૃથ્વીને ભરપૂર કરો અને પ્રાણીઓ પર અમલ ચલાવો. ખરેખર, તે પોતાના કાર્યથી ખુશ ન હોત તો શું તેમણે આમ કહ્યું હોત?​—⁠ઉત્પત્તિ ૧:૨૮.

મનુષ્યની ઉત્પત્તિ વિષે બાઇબલ આમ જણાવે છે કે, “દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્‍ન કર્યું, દેવના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્‍ન કર્યું; તેણે તેઓને નરનારી ઉત્પન્‍ન કર્યાં.” (ઉત્પત્તિ ૧:૨૭) પરંતુ, એનો અર્થ એમ નથી કે મનુષ્ય પરમેશ્વર જેવો છે, કારણ કે “દેવ આત્મા છે.” (યોહાન ૪:૨૪) એનો અર્થ એમ થાય કે મનુષ્યમાં, પરમેશ્વર જેવા જ ગુણો છે. જેમ કે નૈતિક ધોરણો અને અંત:કરણ. (રૂમી ૨:૧૪, ૧૫) એ ઉપરાંત, મનુષ્ય પાસે ખરૂં-ખોટું પારખવાની ક્ષમતા હતી.

તેમ છતાં, પ્રથમ માબાપને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું એટલું જ નહિ, પરંતુ એ પણ જણાવ્યું હતું કે, પરમેશ્વરની આજ્ઞા ન પાળે તો શું પરિણામ આવશે. (ઉત્પત્તિ ૨:૧૭) તેમ છતાં, જ્યારે આદમને નિર્ણય લેવાનો સમય આવ્યો ત્યારે તેણે મન ફાવે એમ કર્યું. તેથી, પરમેશ્વર સાથે પોતાનો સંબંધ તોડતી વખતે એની શું અસર થશે એ વિચાર્યા વગર તે પોતાની પત્ની સાથે પાપનો ભાગીદાર થયો. એટલું જ નહિ પણ તેણે પાપનો દોષ યહોવાહ પર ઢોળતા કહ્યું કે જે સ્ત્રી તેં મને આપી છે તેણે મને લલચાવ્યો.​—⁠ઉત્પત્તિ ૩:૬, ૧૨; ૧ તીમોથી ૨:૧૪.

આદમ અને હવાએ પાપ કર્યું હોવા છતાં, યહોવાહ તેઓની સાથે જે રીતે વર્ત્યા એમાંથી ઘણું શીખવા મળે છે. યહોવાહે તેઓમાં ફેરફાર કરવાને બદલે, જે પાપનું પરિણામ જણાવ્યું હતું તે પ્રમાણે તેમણે કર્યું. તેથી તેઓ મરણ પામ્યા. (ઉત્પત્તિ ૩:૧૭-૧૯) આ અહેવાલ આપણને માનવ સ્વભાવ વિષે સમજવા મદદ કરે છે. *

એની વિરુદ્ધ પુરાવા

વૈજ્ઞાનિકો લાંબા સમયથી મનુષ્યોની બીમારીઓના કારણો શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સંશોધકોના છ જૂથે, દસ વર્ષ સુધી હન્ટીંગટન બીમારીનો અભ્યાસ કર્યો હતો. તેમ છતાં, સંશોધકો એ બીમારીનું કારણ શોધી શક્યા નથી. આ સંશોધનનો અહેવાલ આપતા, સાઇન્ટીફીક અમેરિકન હાર્વડના જીવવિજ્ઞાની, ઈવાન બાલાબને આમ કહેતા ટાંકે છે કે “હન્ટીંગટન બીમારીનું કારણ શું છે એ શોધવું બહુ મુશ્કેલ છે.”

હકીકતમાં, સંશોધકો મનુષ્યમાં ખોટવાળા જિન્સ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ તેઓ એમાં સફળ થયા નથી. દાખલા તરીકે, સાઈકોલોજી ટૂડેમાં, ડીપ્રેશન વિષે આમ જણાવે છે: “લોકોમાં ગંભીર માનસિક બીમારીઓ વિષે જે અભ્યાસ કરવામાં આવ્યો છે એનાથી સ્પષ્ટ થાય છે કે એનો દોષ ફક્ત જિન્સ પર ઢોળી શકાય નહિ.” એ જ મેગેઝીન આગળ કહે છે: “વર્ષ ૧૯૦૫ અગાઉ જન્મેલા અમેરિકનોમાં ૭૫ વર્ષની ઉંમરે એક ટકા લોકોને ડીપ્રેશન થતું હતું. જ્યારે ૧૯પ૦ પછીથી, ૨૪ વર્ષની ઉંમરે ૬ ટકા લોકોને ડીપ્રેશન થાય છે.” તેથી, તેઓ એ નિષ્કર્ષ પર આવ્યા કે આટલા ટૂંકા સમયમાં જે ફેરફારો થયા, એની પાછળ જિન્સ નહિ પણ બહારનું અથવા સામાજીક વાતાવરણ જવાબદાર છે.

આવા અસંખ્ય અભ્યાસો પરથી આપણને શું જાણવા મળે છે? કદાચ જિન્સ આપણા સ્વભાવને અસર કરતું હોય શકે, પણ ફક્ત એ જ જવાબદાર નથી. પરંતુ, એની પાછળ ઘણાં કારણો રહેલાં છે, જેમ કે આપણા સમાજમાં જે ફેરફારો થાય છે એની આપણા પણ અસર પડી શકે છે. દાખલા તરીકે, આજના યુવાનો ટીવી કે ફિલ્મોમાં શું જુએ છે એ વિષે છોકરાઓ તો છોકરાઓ જ રહેશે (અંગ્રેજી) પુસ્તક આમ જણાવે છે. તે કહે છે કે બાળકો “હજારો કલાકો ટીવી સીરિયલો અને ફિલ્મો જોતા રહે છે. જેમાં મારામારી, અનેક પ્રકારની ખૂનખરાબી, ક્રૂરતા અને શરીરના અંગો કાપતા દૃશ્ય જોતા હોય છે. તેમ જ તેઓ એવું સંગીત સાંભળીને મોટા થયા હોય છે જેમાં બળાત્કાર, આપઘાત, ડ્રગ્સ, આલ્કોહોલ અને લોકો પ્રત્યે ધિક્કાર દર્શાવતા હોય ત્યારે,” તેઓ પાસેથી સારા સંસ્કારની આશા આપણે કેવી રીતે રાખી શકીએ!

તેથી, એ સ્પષ્ટ છે કે ‘આ જગતના અધિકારી’ શેતાને એવું વાતાવરણ ઊભું કર્યું છે કે જેમાં મનુષ્યોની દરેક ખોટી ઇચ્છાઓ ફૂલેફાલે છે. તેથી, આજે કોણ એવું કહી શકે કે તેઓ પર એની કોઈ અસર પડતી નથી?​—⁠યોહાન ૧૨:૩૧; એફેસી ૬:૧૨; પ્રકટીકરણ ૧૨:૯, ૧૨.

સમસ્યાની શરૂઆત

આપણે આગળ જોયું તેમ, પ્રથમ યુગલે પાપ કર્યું ત્યારથી માનવ સમસ્યાની શરૂઆત થઈ. એનું પરિણામ શું આવ્યું? જો કે આદમના વશંજો તેણે કરેલા પાપ માટે જવાબદાર નથી. તેમ છતાં, તેઓ વારસામાં પાપ, અપૂર્ણતા અને મરણ સાથે જન્મે છે. બાઇબલ જણાવે છે: “તે માટે જેમ એક માણસથી જગતમાં પાપ પેઠું, ને પાપથી મરણ; અને સઘળાંએ પાપ કર્યું, તેથી સઘળાં માણસોમાં મરણનો પ્રસાર થયો.”​—⁠રૂમી ૫:૧૨.

મનુષ્યો અપૂર્ણતામાં જન્મ્યા હોવાથી તેઓને એની અસર થાય છે. પરંતુ, એથી તેઓ પોતાની જવાબદારીઓમાંથી છટકી શકતા નથી. બાઇબલ બતાવે છે કે યહોવાહ પરમેશ્વરે જીવન મેળવવા માટે જે જોગવાઈઓ કરી છે, એમાં જેઓ વિશ્વાસ કરે અને તેમના ધોરણો પ્રમાણે જીવે, ફક્ત તેઓ જ તેની કૃપા પામશે. યહોવાહે પોતાની કૃપાના કારણે માણસજાતને પાપમાંથી છોડાવવા માટે, આદમે જે ગુમાવ્યું હતું એ પાછું ખરીદવા એક જોગવાઈ કરી છે. એ જોગવાઈ એ છે કે પોતાના સંપૂર્ણ પુત્ર, ઈસુ ખ્રિસ્તનું બલિદાન. જેમણે કહ્યું: “દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ સારૂ કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.”​—⁠યોહાન ૩:૧૬; ૧ કોરીંથી ૧૫:૨૧, ૨૨.

એ જોગવાઈ માટે પ્રેષિત પાઊલે હૃદયપૂર્વક કદર કરતા આમ કહ્યું: “હું કેવો દુર્ભાગ્ય માણસ છું! મને આ મરણના શરીરથી કોણ મુક્ત કરશે? આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે હું દેવની ઉપકારસ્તુતિ કરૂં છું.” (રૂમી ૭:૨૪, ૨૫) પાઊલ જાણતા હતા કે જો તે પાપમાં ફસાઈ જાય તોપણ, ઈસુ ખ્રિસ્તે જે ખંડણી તરીકે પોતાનું બલિદાન આપ્યું છે એના આધારે તે પરમેશ્વર પાસેથી માફી માંગી શકશે. *

પ્રથમ સદીની જેમ, આજે પણ ઘણા લોકો અનૈતિક જીવન જીવતા હોવાથી જીવનનું સુખ ગુમાવી બેઠા હતા. પરંતુ, હવે તેઓએ બાઇબલમાંથી યહોવાહ વિષે શીખીને પોતાના જીવનમાં જરૂરી ફેરફારો કર્યા છે. એથી તેઓ જરૂર પરમેશ્વરના આશીર્વાદો પામશે. તેઓએ જે ફેરફારો કરવાના હતા, એ કંઈ સહેલા ન હતા. તેમ જ તેઓને હજુ પણ કુટેવોથી દૂર રહેવા મહેનત કરવાની હતી. પરંતુ, પરમેશ્વરની મદદથી તેઓ તેના ભક્ત બની શક્યા છે અને તેમની સેવા કરવામાં આનંદ માણી રહ્યા છે. (ફિલિપી ૪:૧૩) એક યુવાનનો વિચાર કરો કે જેણે પરમેશ્વરની કૃપા મેળવવા માટે મોટા ફેરફારો કર્યા છે.

ઉત્તેજન આપતો અનુભવ

“હું બોર્ડિંગ સ્કૂલમાં હતો ત્યારે, નાની વયે સજાતીય સબંધમાં ભાગ લેતો હતો. તેમ છતાં, હું એ કુટેવનો ભોગ બન્યો છું એવું મને લાગતું ન હતું. મારા માબાપના છૂટાછેડા થઈ ગયા હોવાથી મને તેઓનો પ્રેમ મળ્યો ન હતો. તેથી હું એ માટે તલપતો હતો. શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી, મને ફરજીયાત લશ્કરી સેવામાં જોડાવું પડ્યું. ત્યાં અમારા સૈનિકોના ઘર પાસે જ સજાતીય સંબંધ ધરાવતા લોકો રહેતા હતા. તેઓને જોઈને મને પણ તેઓની જેમ કરવાનું મન થતું. તેથી, મેં પણ તેઓની સંગત કરી. તેઓની સાથે એક વર્ષ સંગત રાખ્યા પછી હું પણ એવો જ બની ગયો. ‘તેથી મને લાગવા લાગ્યું કે આ જ મારું જીવન છે અને હું એને બદલી નહિ શકું.’

“હું તેઓ સાથે રહેતો હોવાથી તેમની જેમ જ બોલતા શીખ્યો. તેમ જ તેઓ સાથે ક્લબોમાં જવાનું પણ શીખ્યો કે જ્યાં ડ્રગ્સ અને આલ્કોહોલ મફત મળતા હતા. જો કે બહારથી એ બધું આનંદદાયક અને આકર્ષક લાગતું હતું, પરંતુ હકીકતમાં અંદરથી હું એને નફરત કરતો હતો. મને દિલથી એમ થતું હતું કે આ સંબંધ અકુદરતી છે અને એનું કોઈ ભવિષ્ય નથી.

“એક નાના શહેરમાં મને યહોવાહના સાક્ષીઓનું રાજ્યગૃહ દેખાયું જ્યાં એ સમયે સભા ચાલતી હતી. હું અંદર ગયો ત્યારે, ભવિષ્યમાં સુંદર બગીચા જેવી પરિસ્થિતિ આવશે એ વિષે પ્રવચન ચાલતું હતું, જે મને સાંભળવા મળ્યું. ત્યાં હું અમુક યહોવાહના સાક્ષીઓને મળ્યો જેમણે મને સંમેલનમાં આવવા આમંત્રણ આપ્યું. જ્યારે હું સંમેલનમાં ગયો ત્યારે દરેક કુટુંબને આનંદથી હળીમળીને ઉપાસના કરતા જોઈને મને નવાઈ લાગી. તેથી, મને બાઇબલમાંથી શીખવા માટે ઉત્તેજન મળ્યું.

“બાઇબલનું શિક્ષણ મારા જીવનમાં લાગુ પાડવું એ ખૂબ જ અઘરું હતું, છતાં મેં લાગુ પાડવાનું ચાલુ જ રાખ્યું. એનાથી હું મારી કુટેવો છોડી શક્યો. મેં બાઇબલનો ચૌદ મહિના સુધી અભ્યાસ કર્યા પછી, મારું જીવન યહોવાહ પરમેશ્વરને સમર્પણ કર્યું અને બાપ્તિસ્મા લીધું. મારા જીવનમાં પ્રથમ વાર મને સાચા મિત્રો મળ્યા હતા. હવે હું બીજાઓને પણ બાઇબલમાંથી પરમેશ્વર વિષે સત્ય શીખવી રહ્યો છું અને ખ્રિસ્તી મંડળમાં સેવક તરીકે સેવા આપી રહ્યો છું. ખરેખર, યહોવાહે મને ખુબ જ આશીર્વાદ આપ્યો છે.”

આપણે જવાબદાર છીએ

આપણી ભૂલોના દોષનો ટોપલો આપણા જિન્સ પર ઢોળી દેવાથી સમસ્યાનો ઉકેલ આવતો નથી. સાઇકોલોજી ટુડે કહે છે કે એમ કરવાથી આપણી સમસ્યાઓનો હલ કરી જીત મેળવવાને બદલે “આપણે વધારે લાચાર બની જઈએ છીએ. તેમ જ સમસ્યાઓ ઘટાડવાને બદલે એમાં વધારો થતો જશે.”

આપણે ખરાબ અસરોનો સામનો કરતા રહેવું જોઈએ. જેમ કે આપણું પાપી વર્તન અને શેતાન જે આપણને પરમેશ્વરથી દૂર કરે છે એની સામે લડતા રહેવું જોઈએ. (૧ પીતર ૫:૮) એ ખરું છે કે કદાચ આપણા લોહીમાં ખરાબ કામો કરવાનું વર્તન હોય શકે, પરંતુ એથી આપણે લાચાર નથી. એનું કારણ કે આપણે યહોવાહ પરમેશ્વરના સાચા ખ્રિસ્તીઓ હોવાથી, તે તથા તેના દીકરા ઈસુ ખ્રિસ્ત, તેમનો પવિત્ર આત્મા, તેમનું બાઇબલ અને ખ્રિસ્તી મંડળ આપણી સાથે છે. તેથી, આપણને જરાય ડરવાની જરૂર નથી.​—⁠૧ તીમોથી ૬:૧૧, ૧૨; ૧ યોહાન ૨:૧.

ઈસ્રાએલ પ્રજા વચનના દેશમાં પ્રવેશ કરે એ પહેલાં, મુસાએ તેઓને પરમેશ્વર પ્રત્યે કઈ જવાબદારી છે એ યાદ દેવડાવી: “મેં આજે તારી આગળ જીવન તથા મરણ, આશીર્વાદ તથા શાપ મૂક્યાં છે; માટે જીવન પસંદ કર, કે તું તથા તારાં સંતાન જીવતાં રહે: યહોવાહ તારા દેવ પર પ્રીતિ રાખવાનું, તેની વાણી સાંભળવાનું, ને તેને વળગી રહેવાનું પસંદ કર.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) (પુનર્નિયમ ૩૦:૧૯, ૨૦) એવી જ રીતે આજે આપણે પણ પરમેશ્વરની સેવા કરવા અને તેમની આજ્ઞાઓનું પાલન કરવા વ્યક્તિગત નિર્ણય લેવો ફરજ બને છે. એની પસંદગી આપણે પોતે કરવાની છે.​—⁠ગલાતી ૬:૭, ૮.

[ફુટનોટ્‌સ]

^ ઑક્ટોબર ૮, ૧૯૯૬, સજાગ બનો! પાન નં ૩-૭ પર જુઓ.

^ યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે, પુસ્તકના પાન ૬૨-૯ જુઓ.

[પાન ૯ પર ચિત્રો]

શું આદમ અને હવા પહેલેથી જ ખામીવાળા હતા, જેથી તેઓ પાપ કરે?

[પાન ૧૦ પર ચિત્રો]

શું આપણે આપણા વર્તન માટે જવાબદાર છીએ?

[ક્રેડીટ લાઈન]

Drug user: Godo-Foto

[પાન ૧૧ પર ચિત્ર]

મનુષ્યના વર્તન માટે ખોટવાળા જિન્સ શોધવાના પ્રયત્નો સફળ થયા નથી

[પાન ૧૨ પર ચિત્ર]

બાઇબલનું શિક્ષણ લાગુ પાડીને જીવનમાં મોટા ફેરફારો લાવી શકાય