તેઓ સર્વનો વિનાશ થયો
તેઓ સર્વનો વિનાશ થયો
“જળનિધિઓ તેઓ ઉપર ફરી વળ્યા છે; તેઓ પથ્થરની પેઠે ઊંડાણોમાં ગરક થઈ ગયા.”
આ શબ્દોથી મુસાએ અને ઈસ્રાએલીઓએ રાતા સમુદ્રમાંથી તેઓના થયેલા બચાવ અને તેમની પાછળ પડેલા મિસરી દુશ્મનો, ફારૂન અને તેના સૈન્યના સંપૂર્ણ વિનાશની ખુશીમાં ગીત ગાઈને ઉજવણી કરી હતી.—નિર્ગમન ૧૫:૪, ૫.
આ અદ્ભુત બનાવને પોતાની નજરે જોનાર માટે બોધપાઠ સ્પષ્ટ હતો. યહોવાહની સત્તા સામે વાંધો ઉઠાવનાર કે એનો વિરોધ કરનાર કોઈ પણ સફળ થઈ શકતા નથી અને બચી શકતા નથી. તેમ છતાં, કેટલાક મહિનાઓ પછી કોરાહ, દાથાન, અબીરામ અને તેઓને સાથ આપનારા ૨૫૦ લોકોએ, પરમેશ્વરે મુસા અને હારૂનને આપેલી સત્તા વિરુદ્ધ ખુલ્લેઆમ બળવો પોકાર્યો.—ગણના ૧૬:૧-૩.
યહોવાહના માર્ગદર્શન હેઠળ મુસાએ ઈસ્રાએલીઓને આ બળવાખોરોના તંબુએથી દૂર જતા રહેવા ચેતવણી આપી. દાથાન અને અબીરામની સાથે તેઓના કુટુંબકબીલાએ પણ પોતાનું વલણ બદલવાનો નકાર કર્યો. પછી મુસાએ જાહેર કર્યું કે આ લોકોએ ‘યહોવાહને ધિક્કાર્યા’ હોવાથી, યહોવાહ પોતે તેઓનો ન્યાય કરશે. એ જ સમયે, યહોવાહે તેઓ ઊભા હતા એ ધરતીને ફાડી. “એમ તેઓ તથા તેઓનું સર્વસ્વ જીવતાં ને જીવતાં શેઓલમાં ઊતરી ગયાં; અને પૃથ્વીએ તેઓને ઢાંકી દીધાં.” કોરાહ અને બીજા બળવાખોરોનું શું થયું? “યહોવાહની પાસેથી અગ્નિ ધસી આવ્યો, ને જે અઢીસો માણસો ધૂપ ચઢાવતા હતા તેઓને ભસ્મ કર્યા.”—ગણના ૧૬:૨૩-૩૫; ૨૬:૧૦.
ફારૂન અને તેના સૈન્યનો તથા અરણ્યમાં બળવો પોકારનારાઓનો યહોવાહે સંહાર કર્યો, કેમ કે તેઓ યહોવાહની સત્તાને અને તે પોતાના લોકોના હિતમાં કાર્ય કરે છે એને સમજવામાં નિષ્ફળ ગયા હતા. તેથી, આ છેલ્લા દિવસોમાં જેઓ યહોવાહનું રક્ષણ શોધે છે તેઓ યહોવાહને ‘પરાત્પર’ તથા ‘સર્વસમર્થ’ તરીકે આજ્ઞાધીન રહે અને તેમના વિષે શીખે એ તાકીદનું છે. આમ કરવાથી, તેઓ યહોવાહના આ શબ્દોમાં દૃઢ ભરોસો રાખી શકશે: “તારી બાજુએ હજાર અને તારે જમણે હાથે દશ હજાર માણસો પડશે; પણ તે તારી પાસે આવશે નહિ. તું માત્ર નજરે જોશે, તું દુષ્ટોને મળેલો બદલો દેખશે. કેમકે, હે યહોવાહ, તું મારો આધાર છે! તેં પરાત્પરને તારો આશ્રય કર્યો છે.”—ગીતશાસ્ત્ર ૯૧:૧, ૭-૯.
[પાન ૩૨ પર ચિત્રનું મથાળું]
તમને મુલાકાત ગમશે?
આ મુશ્કેલીભર્યા જગતમાં પણ, તમે સુખી થઈ શકો. કઈ રીતે? એ માટે તમે પરમેશ્વર, તેમનું રાજ્ય અને માણસજાત માટેના તેમના અદ્ભુત હેતુ વિષે બાઇબલનું ચોકસાઈભર્યું જ્ઞાન લો. તમને વધુ માહિતી જોઈતી હોય અથવા કોઈ તમારા ઘરે આવીને તમારી સાથે વિના મૂલ્યે બાઇબલ અભ્યાસ ચલાવે એવું ઇચ્છતા હો તો, Jehovah’s Witnesses, The Ridgeway, London NW7 1RNને, અથવા પાન ૨ પર આપવામાં આવેલાં યોગ્ય સરનામે લખો.