પરમેશ્વરના માર્ગમાં ચાલવાથી મળેલા આશીર્વાદો
મારો અનુભવ
પરમેશ્વરના માર્ગમાં ચાલવાથી મળેલા આશીર્વાદો
વિલીયમ એહિનોરિયાના જણાવ્યા પ્રમાણે
મારા પપ્પા દર વખતની જેમ પીડાથી કણસી રહ્યા હતા એ અવાજથી હું અડધી રાતે જાગી ગયો. તે પોતાનું પેટ પકડીને જમીન પર આળોટતા હતા. મારી મમ્મી, મોટી બહેન અને હું તેમની આસપાસ ઘેરાઈ વળ્યા. તેમનો દુખાવો ઓછો થયો ત્યારે, તે બેઠા થયા અને ઊંડો શ્વાસ લેતા કહ્યું: “આ પૃથ્વી પર ફક્ત યહોવાહના સાક્ષીઓને જ શાંતિ છે.” તેમના એમ કહેવાથી હું થોડો મૂંઝાઈ ગયો પરંતુ, એની મારા પર ઊંડી અસર પડી કેમ કે મેં પહેલાં ક્યારેય યહોવાહના સાક્ષીઓ વિષે સાંભળ્યું ન હતું. તે શું કહેવા માંગતા હતા એ જાણવાની મને તાલાવેલી લાગી.
એ બનાવ ૧૯૫૩માં બન્યો હતો અને ત્યારે હું છ વર્ષનો હતો. મારો જન્મ મધ્યપશ્ચિમ નાઇજીરિયાના ખેતીવાડી કરતા એવોસા ગામમાં, બહુપત્નીત્વવાળા કુટુંબમાં થયો હતો. હું બીજા નંબરે જન્મ્યો હતો તોપણ કુટુંબમાં હું પ્રથમ દીકરો હતો. એ પછી પપ્પાએ ૩ પત્નીઓ કરી અને ૧૩ બાળકોથી અમારું કુટુંબ મોટું બન્યું. અમે દાદાના ઘાસના છાપરાવાળા, ચાર ઓરડાના માટીના ઘરમાં રહેતા હતા. ઘરના સભ્યોમાં દાદી અને ત્રણ કાકાઓ તેમ જ તેઓના કુટુંબનો પણ સમાવેશ થતો હતો.
મારું શરૂઆતનું જીવન બહુ સારું ન હતું. વળી, મારા પપ્પાના નબળા સ્વાસ્થ્યએ મારા જીવનને વધારે દુઃખી બનાવ્યું. તેમને અવારનવાર પેટમાં દરદ થતું હતું કે જે ઘણાં વર્ષો પછી તેમના મરણ સુધી રહ્યું. તેમના દુખાવાના કોઈ કારણની અમને ખબર ન પડી. આફ્રિકાના એક ખેડૂત કુટુંબ તરીકે, અમે જડીબુટ્ટીઓ અને પરંપરાગત દવાઓ પણ અજમાવી જોઈ, પણ એની કોઈ અસર ન થઈ. ઘણી રાતો પપ્પા પોતાના દુખાવાને કારણે જમીન પર આળોટતા ત્યારે, અમે તેમની બાજુમાં બેસીને રડતા અને એમને એમ સવાર
પડી જતી. તેમની બીમારીની દવા શોધવા માટે, તે ઘણી વાર મમ્મી સાથે બહાર જતા અને મને તેમ જ મારા ભાઈબહેનોને દાદી પાસે મૂકી જતા.અમારું કુટુંબ રતાળુ, કસાવા અને કોલા બીજની ખેતી પર ચાલતું હતું. અમે અમારી ટૂંકી આવકમાં પહોંચી વળવા ઝાડમાંથી રબર કાઢવાનું કામ પણ કરતા હતા. અમારો મુખ્ય ખોરાક રતાળુ હતો. અમે સવાર, બપોર અને સાંજ રતાળુ ખાતા. પ્રસંગોપાત્ત, અમે ભોજનમાં શેકેલા કેળા ખાઈને વિવિધતા લાવતા હતા.
પૂર્વજોની ઉપાસના એ અમારા જીવનનો મહત્ત્વનો ભાગ હતો. મારા કુટુંબના કેટલાક સભ્યો સમુદ્રના જીવતા શંખને રંગીને લાકડી પર બાંધતા અને એની સામે ખોરાક ચઢાવતા હતા. દુષ્ટ આત્માઓ અને ડાકણથી દૂર રહેવા મારા પપ્પા મૂર્તિપૂજા પણ કરતા હતા.
હું પાંચ વર્ષનો હતો ત્યારે, અમે થોડા સમય માટે અમારા ગામથી ૧૧ કિલોમીટર દૂર આવેલા પશુપાલનના કેમ્પમાં ગયા. ત્યાં પપ્પા ગિની નામના જીવાણુથી થતી બીમારીનો ભોગ બન્યા કે જેણે તેમની પેટની પીડામાં વધારો કર્યો. દિવસ દરમિયાન તે કામ કરી શકતા ન હતા અને રાત્રે તેમને પેટમાં ખૂબ દુખતું હતું. હું પણ રેતીના મચ્છર કરડવાથી થતી બીમારી, એક પ્રકારના ટાઈફસ તાવનો ભોગ બન્યો. પરિણામે, અમે ખોરાક, કપડાં અને પૈસા માટે અમારા મોટા કુટુંબ પર નિર્ભર રહેવા લાગ્યા. ગરીબાઈમાં રહેવું ન પડે એ માટે, અમે અમારા ગામ એવોસામાં પાછા ગયા. ઘરમાં હું મોટો પુત્ર હોવાથી, મારા પપ્પા મારી પાસે ખેતીવાડી કરતાં કંઈક સારું કરાવવા ઇચ્છતા હતા. તેમને લાગ્યું કે સારા શિક્ષણથી અમારા કુટુંબનું જીવનધોરણ ઊંચું આવશે અને હું મારા ભાઈબહેનોને સારી રીતે મોટા કરી શકીશ.
જુદા જુદા ધર્મના સંપર્કમાં આવવું
મેં અમારા ગામમાં, શાળાનું શિક્ષણ લેવાનું શરૂ કર્યું. એનાથી હું ખ્રિસ્તી ધર્મના સંપર્કમાં આવ્યો. એ સમયે એટલે કે ૧૯૫૦ના દાયકામાં પશ્ચિમનું શિક્ષણ ધર્મ સાથે ગાઢ રીતે સંકળાયેલું હતું. હું કૅથલિક પ્રાથમિક શાળામાં જતો હોવાથી, મારે રોમન કૅથલિક બનવું પડ્યું.
વર્ષ ૧૯૬૬માં, હું ૧૯ વર્ષનો થયો ત્યારે, એવોસાથી લગભગ ૮ કિલોમીટર દૂર આવેલા એવોહિમ્ની શહેરની પિલ્ગ્રીમ બાપ્ટિસ્ટ માધ્યમિક શાળામાં દાખલ થયો. ત્યાં મારું ધાર્મિક શિક્ષણ બદલાયું. હવે હું પ્રોટેસ્ટંટ શાળામાં જતો હોવાથી, કૅથલિક પાદરીઓ મને રવિવારે મીસમાં ભાગ લેવા દેતા ન હતા.
હું આ બાપ્તિસ્ટ શાળામાં હતો એ સમયે પહેલી વાર બાઇબલ ખોલીને વાંચ્યું. જોકે, હું કૅથલિક ચર્ચમાં જતો હતો છતાં, દર રવિવારે કૅથલિક ચર્ચની વિધિ પછી મારી જાતે બાઇબલ વાંચતો. ઈસુના શિક્ષણથી હું આકર્ષિત થયો હતો. એનાથી હું પરમેશ્વરના માર્ગમાં ચાલવા પ્રેરાયો. જેમ જેમ હું વધારે બાઇબલ વાંચતો ગયો તેમ તેમ, મને કેટલાક ધાર્મિક ગુરુઓના ઢોંગ અને પાદરી વર્ગની અનૈતિક જીવન ઢબથી ઘૃણા થવા લાગી. કહેવાતા ખ્રિસ્તીઓમાં મેં જે જોયું અને ઈસુ તથા તેમના શિષ્યોએ જે શીખવ્યું અને કર્યું હતું એ બંને વચ્ચે આભ-જમીનનો ફરક હતો.
ખાસ કરીને અમુક બનાવોથી મને ખૂબ આઘાત લાગ્યો. એક પ્રસંગે, હું રોઝરી ખરીદવા દેવળની દુકાને ગયો ત્યારે મેં એ દુકાનના દરવાજે જૂ-જૂ તાવીજ લટકતું જોયું. બીજા એક પ્રસંગે, બાપ્ટિસ્ટ શાળાના પ્રિન્સિપાલે મારું જાતીય શોષણ કરવાનો પ્રયત્ન કર્યો. પછી મને ખબર પડી કે તે સજાતીય સંબંધો રાખતા હતા અને તેમણે બીજાઓનું પણ જાતીય શોષણ કર્યું હતું. મેં આ બાબતો પર મનન કરીને પોતાને પૂછ્યું: ‘શું પરમેશ્વર એવા ધર્મને સ્વીકારે છે કે જેના સભ્યો અને ગુરુઓને ગંભીર પાપ માટે જવાબદાર ઠેરવવામાં આવતા નથી?’
ધર્મ બદલવો
તેમ છતાં, બાઇબલમાંથી જે વાંચ્યું એ મને ખૂબ ગમ્યું હોવાથી મેં એ સતત વાંચવાનો સંકલ્પ કર્યો. ત્યાર પછી, મેં કંઈક ૧૫ વર્ષ પહેલાં મારા પપ્પાએ કરેલી ટીકા પર મનન કરવાનું શરૂ કર્યું કે, “આ પૃથ્વી પર ફક્ત યહોવાહના સાક્ષીઓને જ શાંતિ છે.” પરંતુ, હું થોડો ગભરાતો હતો કેમ કે મારી શાળાના સાક્ષી યુવાનોની મશ્કરી કરવામાં આવતી અને શાળામાં સવારે ઉપાસનામાં ન જોડાવા બદલ શિક્ષા પણ કરવામાં આવતી હતી. વળી, તેઓની કેટલીક માન્યતાઓ મને વિચિત્ર લાગતી હતી. દાખલા તરીકે, મને એ માનવું અઘરું લાગતું હતું કે ફક્ત ૧,૪૪,૦૦૦ વ્યક્તિઓ જ સ્વર્ગમાં જશે. (પ્રકટીકરણ ૧૪:૩) હું સ્વર્ગમાં જવા ઇચ્છતો હતો તેથી, હું વિચારતો કે મારા જન્મ પહેલાં આ સંખ્યા પૂરી થઈ ગઈ હશે કે કેમ.
એ દેખીતું હતું કે સાક્ષીઓ તેઓના વર્તન અને વલણમાં અલગ હતા. તેઓ શાળાના બીજા યુવાનોની જેમ અનૈતિક કે હિંસક પ્રવૃત્તિઓમાં જોડાતા ન હતા. મેં બાઇબલમાં વાંચ્યું હતું કે સાચો ધર્મ પાળનારાઓ જગતથી અલગ હોવા જોઈએ, તેઓ મારા માટે ખરેખર એવા જ હતા.—યોહાન ૧૭:૧૪-૧૬; યાકૂબ ૧:૨૭.
મેં વધારે તપાસ કરવાનું નક્કી કર્યું. સપ્ટેમ્બર ૧૯૬૯માં, મેં “સત્ય જે અનંતજીવન તરફ દોરી જાય છે” પુસ્તક મેળવ્યું. ત્યાર પછીના મહિને, યહોવાહના સાક્ષીઓના પૂરા સમયના સેવકો તરીકે ઓળખાતા પાયોનિયરે મારી સાથે અભ્યાસ કરવાનું શરૂ કર્યું. મારા પ્રથમ અભ્યાસથી પ્રેરિત થઈને, મેં શનિવારે રાત્રે સત્ય પુસ્તક વાંચવાનું શરૂ કર્યું અને બીજા દિવસે બપોર સુધીમાં એ આખું વાંચી કાઢ્યું. પછી તરત જ, મેં વાંચેલી અદ્ભુત બાબતો વિષે મારા સહાદ્યાયીઓને જણાવવાનું શરૂ કર્યું. વિદ્યાર્થીઓ અને શિક્ષકો વિચારતા હતા કે મને મળેલા નવા ધર્મએ મને ગાંડો બનાવી દીધો છે. પરંતુ, હું જાણતો હતો કે હું ગાંડો બન્યો નથી.—પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૨૪.
નવા ધર્મ વિષે મેં પ્રચાર કરવાનું શરૂ કર્યું છે એવા સમાચાર મારા માબાપને મળ્યા. તેઓએ તરત જ મને ઘરે આવવાનું કહ્યું જેથી બાબત શું છે એ તેઓ શોધી શકે. સર્વ સાક્ષીઓ પોતાના મહાસંમેલન માટે ઈલેશ શહેરમાં ગયા હોવાથી, ત્યાં એવું કોઈ પણ ન હતું કે જેની પાસે હું મદદ માંગી શકું. હું ઘરે પાછો ફર્યો ત્યારે, મારી માતા અને બીજા સગાઓએ મારા પર પ્રશ્નો અને ટીકાઓની ઝડીઓ વરસાવી દીધી. હું બાઇબલમાંથી જે શીખી રહ્યો હતો એ ૧ પીતર ૩:૧૫.
પ્રમાણે મારો બચાવ કરવાનો મેં બનતો બધો પ્રયત્ન કર્યો.—યહોવાહના સાક્ષીઓ ખોટા શિક્ષકો છે એવું પુરવાર કરવામાં નિષ્ફળ ગયા પછી, મારા કાકાએ બીજી યુક્તિ અજમાવી. તેમણે મને કહ્યું: “યાદ રાખ કે તું શાળામાં શિક્ષણ લેવા જાય છે. જો તું તારો અભ્યાસ છોડી દઈને પ્રચાર કરીશ તો, તું કદી પણ તારું શિક્ષણ પૂરું કરી શકીશ નહિ. તું આ નવા ધર્મમાં જોડાય એ પહેલાં કેમ નહિ કે તું તારું શાળાનું શિક્ષણ પૂરું કરે.” એ સમયે મને તેમની વાત વાજબી લાગી અને મેં સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કરવાનું પડતું મૂક્યું.
ડિસેમ્બર ૧૯૭૦માં, સ્નાતક થયા પછી હું તરત જ સીધો રાજ્યગૃહમાં ગયો. ત્યાર પછી હું નિયમિત યહોવાહના સાક્ષીઓની સભાઓમાં જવા લાગ્યો. ઑગસ્ટ ૩૦, ૧૯૭૧માં મેં યહોવાહને કરેલા સમર્પણના ચિહ્નરૂપે બાપ્તિસ્મા લીધું. એનાથી ફક્ત મારા માબાપને જ નહિ પણ આખા સમાજને આંચકો લાગ્યો. તેઓએ કહ્યું કે મેં તેઓને નારાજ કર્યા હતા કારણ કે એવોસા ગામમાં હું જ સૌ પ્રથમ એવો હતો કે જેને સરકાર તરફથી સ્કોલરશીપ મળી હતી. ઘણા લોકોએ મારી પાસેથી મોટી મોટી આશાઓ રાખી હતી. તેઓએ એવું વિચાર્યું હતું કે હું સમાજમાં સુધારો કરવા મારા શિક્ષણનો ઉપયોગ કરીશ.
નવો ધર્મ સ્વીકારવાનાં પરિણામો
મારા કુટુંબે અને સમાજના બીજા વયોવૃદ્ધ માણસોએ મને મારો ધર્મ છોડી દેવાનું સમજાવવા કેટલાક માણસોને મોકલ્યા. તેઓએ મને ઘણો સમજાવ્યો અને શ્રાપ પણ આપ્યો. તેઓએ કહ્યું, “જો તું આ ધર્મને નહિ છોડે તો, તારું ભવિષ્ય અંધકારમય હશે. તને નોકરી મળશે નહિ. તું પોતાનું ઘર નહીં બાંધી શકે. તું લગ્ન કરીને કુટુંબ વસાવી શકીશ નહિ.”
તેઓના શ્રાપથી ભિન્ન, સ્નાતક થયાના દસ મહિના પછી, મને શિક્ષક તરીકે નોકરી મળી. ઑક્ટોબર ૧૯૭૨માં, મેં મારી વહાલી વેરોનિકા સાથે લગ્ન કર્યા. ત્યાર પછી, સરકારે મને કૃષિ વિકાસ કાર્યકર્તા તરીકે તાલીમ આપી. મેં સૌ પ્રથમ કાર ખરીદી અને મેં અમારું ઘર બાંધવાનું શરૂ કર્યું. નવેમ્બર ૫, ૧૯૭૩માં અમારી પ્રથમ દીકરી વિક્ટરીનો જન્મ થયો અને વર્ષો પસાર થતા ગયા તેમ લીદીયા, વીલફ્રેડ અને જોન થયા. વર્ષ ૧૯૮૬માં અમારા છેલ્લા દીકરા માઈકાનો જન્મ થયો. તેઓ સર્વ યહોવાહ પાસેથી મળેલો મૂલ્યવાન વારસો પુરવાર થયા.—ગીતશાસ્ત્ર ૧૨૭:૩.
હું મારા જીવનના ભૂતકાળનાં વર્ષો પર મનન કરું છું ત્યારે, હું કહી શકું છું કે મારા માટે સમાજના બધા શ્રાપ આશીર્વાદમાં બદલાઈ ગયા. તેથી મેં મારી પ્રથમ દીકરીનું નામ વિક્ટરી રાખ્યું. તાજેતરમાં, સમાજે મને લખ્યું અને કહ્યું: “તને પરમેશ્વર આશીર્વાદ આપી રહ્યા હોવાથી, અમે ઇચ્છીએ છીએ કે તું ઘરે આવ અને આપણા સમાજના વિકાસ માટે કામ કર.”
બાળકોને પરમેશ્વરના માર્ગમાં ઉછેરવાં
મારી પત્ની અને હું જાણતા હતા કે અમે અમારાં બાળકોને પરમેશ્વરના માર્ગમાં ઉછેરવાની જવાબદારી, ભૌતિક બાબતો પાછળ પડીને પૂરી કરી શકવાના નથી. તેથી, અમે સાદા જીવનમાં સંતુષ્ટ રહેવાનું શીખ્યા. અમે અલગ જીવન ઢબ પસંદ કરવાનાં પરિણામો ભોગવવા કરતાં આ રીતે રહેવાનું પસંદ કર્યું.
અમે જે સમાજમાં રહીએ છીએ ત્યાં બીજાં કુટુંબો સાથે એક જ બાથરૂમ અને રસોડા જેવી સવલતોનો ઉપયોગ કરવો એ સામાન્ય છે. પરંતુ, હું સરકારી કર્મચારી તરીકે જે પણ શહેરમાં ગયો ત્યાં, પોતાનું એકલાનું ઘર ભાડે રાખી શકવા બદલ અમે ખુશ હતા. હા, એ સાચું છે કે આવાં રહેઠાણો વધારે મોંઘાં હતાં. પરંતુ, અમારું એકલાનું ઘર હોવાને કારણે અમારાં બાળકો પર ખૂબ ઓછી ખરાબ અસરો પડી. વર્ષો સુધી અમે અમારાં બાળકોને આત્મિક વાતાવરણમાં ઉછેરી શક્યા એ બદલ હું યહોવાહનો આભાર માનું છું.
વધુમાં, મારી પત્ની અમારાં બાળકોની સંભાળ રાખવા તેઓની સાથે ઘરમાં જ રહી હતી. હું નોકરીએથી ઘરે આવતો ત્યારે, અમે કુટુંબ તરીકે ભેગા મળીને બીજાં કામો પહોંચી વળતા. અમે જે કંઈ કરીએ એ એક કુટુંબ તરીકે કરતા. એમાં કૌટુંબિક બાઇબલ અભ્યાસ, સભાઓની તૈયારી કરવી, સભાઓમાં અને પ્રચાર કાર્યમાં જવું તેમ જ બીજી સામાજિક પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થતો હતો.
અમે પુનર્નિયમ ૬:૬, ૭માં આપેલી સલાહ પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરતા કે જે માબાપને તેઓનાં બાળકોને ફક્ત ઘરે જ નહિ પરંતુ દરેક તકે શીખવવાનું જણાવે છે. એનાથી બાળકો દુન્યવી લોકોની મિત્રતા કરવાને બદલે ફક્ત સાક્ષીઓને જ મિત્રો બનાવતા. તેઓ પોતાની સંગત વિષે અમારા ઉદાહરણમાંથી પણ શીખ્યા. કેમ કે હું અને વેરોનિકા વિધર્મીઓ સાથે વધારે પડતી સંગત રાખતા ન હતા.—નીતિવચનો ૧૩:૨૦; ૧ કોરીંથી ૧૫:૩૩.
જોકે, અમારાં બાળકો પર કંઈ અમારા માર્ગદર્શન અને શિક્ષણથી જ સારી અસર પડી ન હતી. અમારું ઘર હંમેશાં ઉત્સાહી ખ્રિસ્તીઓ માટે ખુલ્લું રહેતું, તેઓમાંના ઘણા યહોવાહના સાક્ષીઓના પ્રવાસી સેવકો છે જેઓ અમારા ઘરે રહેતા અને હજુ પણ રહે છે. આ પરિપક્વ ખ્રિસ્તીઓ અમારા કુટુંબ સાથે ઘણો સમય રહ્યા હોવાથી, અમારાં બાળકોને તેઓનું અવલોકન કરવાની અને તેઓના આત્મ-ત્યાગી જીવનમાંથી શીખવાની ઘણી તકો મળી. એનાથી અમારું શિક્ષણ વધારે અસરકારક બન્યું અને બાળકોએ બાઇબલ સત્યને પોતાનું બનાવ્યું.
પરમેશ્વરના માર્ગમાં ચાલવાથી મળેલા બદલાઓ
આજે મારી પત્ની અને હું તેમ જ અમારાં ચાર બાળકો પૂરા સમયના સેવાકાર્યમાં છીએ. મેં સૌ પ્રથમ ૧૯૭૩માં પાયોનિયરીંગ શરૂ કર્યું હતું. વર્ષો પસાર થતા ગયા તેમ, આર્થિક પરિસ્થિતિને કારણે મારે પ્રસંગોપાત્ત પૂરા સમયનું સેવાકાર્ય છોડવું પડ્યું હતું. અમુક સમયે મને રાજ્ય સેવા શાળામાં શીખવવાનો લહાવો મળ્યો છે કે જે યહોવાહના સાક્ષીઓના ખ્રિસ્તી નિરીક્ષકોને તાલીમ આપે છે. તાજેતરમાં હું હૉસ્પિટલ સમન્વય સમિતિમાં તેમ જ ઉહોનોરોમા શહેરમાં મંડળના નિરીક્ષક તરીકેના લહાવાનો આનંદ માણું છું.
મારી બે મોટી દીકરીઓ વિક્ટરી અને લીદીયા ખ્રિસ્તી વડીલોને પરણીને સુખી છે. તેઓ પોતાના પતિ સાથે નાઇજીરિયા, ઈગ્દુવાની યહોવાહના સાક્ષીઓની શાખા કચેરીમાં સેવા કરે છે. અમારો મોટો દીકરો વીલફ્રેડ સેવકાઈ ચાકર તરીકે સેવા આપે છે અને અમારો સૌથી નાનો દીકરો માઈકા પ્રસંગોપાત્ત સહાયક પાયોનિયરીંગ કરે છે. વર્ષ ૧૯૯૭માં, જોને પોતાની માધ્યમિક શાળાનું શિક્ષણ પૂરું કરીને નિયમિત પાયોનિયરીંગ કાર્ય શરૂ કર્યું.
બીજાઓને યહોવાહ પરમેશ્વરની સેવા કરવામાં મદદ કરવી એ મારા જીવનના સૌથી વધારે બદલો આપનારા અનુભવો છે. એવી વ્યક્તિઓમાં મારા મોટા કુટુંબના કેટલાક સભ્યોનો પણ સમાવેશ થાય છે. મારા પિતા યહોવાહની સેવા કરવા ઇચ્છતા હતા. પરંતુ બહુપત્નીત્વને વળગી રહેતા હોવાથી તે પ્રગતિ કરી શક્યા નહિ. હું યુવાન હતો ત્યારથી જ લોકોને પ્રેમ કરું છું. હું બીજાઓને મુશ્કેલી સહન કરતાં જોઉં છું ત્યારે, મને મારી સમસ્યાઓ એકદમ નાની લાગે છે. મને લાગે છે કે હું દિલથી તેઓને મદદ કરવા માગું છું એમ તેઓ જુએ છે ત્યારે, તેઓ મારી સાથે વધારે સહેલાઈથી વાત કરે છે.
પરમેશ્વરના હેતુઓનું જ્ઞાન લેવામાં મદદ કરેલી વ્યક્તિઓમાં એક યુવાન માણસ પણ છે જે પથારીવશ છે. તે વીજળીની કંપનીમાં કામ કરતો હતો. તેને નોકરી પર વીજળીનો ભયંકર ઝટકો લાગ્યો હોવાથી, તેની છાતીથી નીચેના ભાગ પર લકવો મારી ગયો હતો. પછી તેણે બાઇબલ અભ્યાસ સ્વીકાર્યો અને ધીમે ધીમે તે જે શીખી રહ્યો હતો એને પોતાના જીવનમાં લાગુ પાડવા લાગ્યો. તેણે ઓક્ટોબર ૧૪, ૧૯૯૫માં અમારા ઘર નજીકના તળાવમાં બાપ્તિસ્મા લીધું. તે ૧૫ વર્ષમાં પહેલી વાર પોતાના પલંગ પરથી ઊઠ્યો હતો. તેણે કહ્યું કે એ તેના જીવનનો સૌથી આનંદી દિવસ હતો. તે હવે મંડળમાં સેવકાઈ ચાકર છે.
હું જરૂર કહીશ કે મેં કંઈક ૩૦ વર્ષ પહેલાં યહોવાહના સમર્પિત લોકો સાથે જોડાવાનું પસંદ કર્યું હતું એનાથી હું ખૂબ સંતુષ્ટ છું. મેં તેઓમાં ખરેખર પ્રેમ જોયો છે. યહોવાહ તેમના વિશ્વાસુ સેવકોને જે આશીર્વાદો આપવાના છે એમાં અનંતજીવનની આશા ન હોત તોપણ, હું પરમેશ્વરના માર્ગમાં ચાલ્યો હોત. (૧ તીમોથી ૬:૬; હેબ્રી ૧૧:૬) પરમેશ્વરના માર્ગમાં ચાલવાથી મારા જીવનને માર્ગદર્શન મળ્યું છે, એણે મને તેમ જ મારા કુટુંબને સ્થિર, આનંદી, સંતોષજનક અને સુખી જીવન આપ્યું છે.
[પાન ૨૫ પર ચિત્ર]
વર્ષ ૧૯૯૦માં મારી પત્ની અને બાળકો સાથે
[પાન ૨૬ પર ચિત્ર]
મારી પત્ની અને બાળકો તેમ જ બે જમાઈ સાથે