વાચકો તરફથી પ્રશ્નો
વાચકો તરફથી પ્રશ્નો
વ્યક્તિ બાપ્તિસ્મા લેવા ઇચ્છતી હોય પરંતુ શારીરિક રીતે ખૂબ જ અશક્ત હોય અથવા ગંભીર બીમારીને લીધે તેના માટે પાણીમાં ડૂબવું મુશ્કેલ હોય તો, શું પાણીમાં પૂરેપૂરી ડૂબકી મરાવવી જરૂરી છે?
‘બાપ્તિસ્મા’ એ ગ્રીક શબ્દ બાપ્તોનું ભાષાંતર છે કે જેનો અર્થ ‘બોળવું’ થાય છે. (યોહાન ૧૩:૨૬) બાઇબલમાં, ‘બાપ્તિસ્માનો’ અર્થ “ડૂબકી મરાવવી” થાય છે. ફિલિપે હબશી ખોજાને આપેલા બાપ્તિસ્મા વિષે, રોધરહામનું ધ એમ્ફેસાઈઝ્ડ બાઇબલ કહે છે: “ફિલિપ તથા ખોજો બન્ને પાણીમાં ઊતર્યા—અને તેમણે તેને ડૂબકી મરાવી.” (પ્રેરિતોનાં કૃત્યો ૮:૩૮) આમ, બાપ્તિસ્મા લેનાર વ્યક્તિને વાસ્તવમાં પાણીમાં ડૂબકી મરાવવામાં આવે છે.—માત્થી ૩:૧૬; માર્ક ૧:૧૦.
ઈસુએ પોતાના શિષ્યોને આજ્ઞા આપી: ‘એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ.’ (માત્થી ૨૮:૧૯, ૨૦) એ આજ્ઞા અનુસાર, યહોવાહના સાક્ષીઓ સ્વીમીંગ પૂલ, તળાવ, નદી કે પૂરેપૂરા ડૂબાડી શકાય એવી બીજી જગ્યાઓએ બાપ્તિસ્માની વ્યવસ્થા કરે છે. બાપ્તિસ્મા માટે આખા શરીરને પાણીમાં ડૂબાડવું એ શાસ્ત્રીય જરૂરિયાત હોવાથી, કોઈ બાપ્તિસ્મા લેવા ઇચ્છતું હોય તો, તેને એમ કરતા અટકાવવાનો કોઈને અધિકાર નથી. આમ, વ્યક્તિની પરિસ્થિતિને લીધે કોઈ અસામાન્ય પગલાં લેવા પડે તોપણ, એ લઈને તેને બાપ્તિસ્મા આપવું જ જોઈએ. દાખલા તરીકે, વૃદ્ધોને અથવા જેઓનું સ્વાસ્થ્ય એકદમ નબળું છે તેઓને મોટા નાહવાના ટબમાં બાપ્તિસ્મા આપી શકાય. તેઓ માટે ટબનું પાણી નવશેકું કરી શકાય. બાપ્તિસ્માના ઉમેદવારને શાંતિથી અને ધીમે ધીમે પાણીમાં ઉતારીને તેઓને એમાં બરાબર લાગે પછી ખરેખરું બાપ્તિસ્મા આપી શકાય.
શારીરિક રીતે ખૂબ જ અશક્ત હોય એવા લોકોને પણ બાપ્તિસ્મા આપવામાં આવ્યું છે. દાખલા તરીકે, શ્વાસનળીનું ઑપરેશન કર્યા પછી ગળામાં કાયમી છિદ્ર રહી ગયેલી વ્યક્તિઓને અથવા શ્વાસ લેવા માટે મશીનનો ઉપયોગ કરતી વ્યક્તિઓને પૂરેપૂરી ડૂબાડીને બાપ્તિસ્મા આપવામાં આવ્યું છે. જોકે, આ પ્રકારે બાપ્તિસ્મા લેનારાઓ માટે સંપૂર્ણ તૈયારી કરવી પડે છે. શક્ય હોય તો, તાલીમ પામેલી નર્સ કે ડૉક્ટરને સાથે રાખવા સારું છે. તેમ છતાં, મોટા ભાગના કિસ્સાઓમાં ખાસ કાળજી કે સાવધાની રાખીને બાપ્તિસ્મા આપી શકાય છે. આથી, જો વ્યક્તિ ખરેખર ઇચ્છતી હોય અને એ સાથે જોખમને પણ સ્વીકારતી હોય તો, વ્યક્તિને પાણીનું બાપ્તિસ્મા આપવા દરેક પ્રયત્નો કરવા જોઈએ.