સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

રૂમી ઇતિહાસમાંથી એક ખાસ બોધપાઠ

રૂમી ઇતિહાસમાંથી એક ખાસ બોધપાઠ

રૂમી ઇતિહાસમાંથી એક ખાસ બોધપાઠ

‘હું એફેસસમાં જંગલી પશુઓ સાથે લડ્યો.’ પહેલો કોરીંથી ૧૫:૩૨ના પાઊલના આ શબ્દોથી અમુક લોકોને એમ લાગે છે કે તેમને રોમન અખાડા કે સ્ટેડીયમમાં પશુઓ સાથે લડવાની સજા મળી હતી. તે જંગલી પશુઓ સાથે લડ્યા હતા કે નહિ, એ આપણે જાણતા નથી. પરંતુ, પાઊલના સમયમાં આવી હિંસક રમતો સામાન્ય હતી, જેમાં માણસ કે જંગલી જાનવરનું છેવટે મોત આવે. આ રોમન અખાડા અને તેના જીવન વિશે આપણે શું જાણીએ છીએ?

ખ્રિસ્તીઓ તરીકે, આપણે ઇચ્છીએ છે કે યહોવાહ તેમના નિયમો દ્વારા આપણા અંતઃકરણને ઘડે જેથી આપણે મનોરંજનની સારી પસંદગી કરી શકીએ. દાખલા તરીકે, હિંસાને પરમેશ્વર કઈ નજરે જુએ છે એ વિશે જરા વિચારો: “તું જુલમી માણસની અદેખાઈ ન કર, અને તેનો એકે માર્ગ પસંદ ન કર.” (નીતિવચનો ૩:​૩૧) પહેલી સદીના ખ્રિસ્તીઓ આ સલાહને સારી રીતે જાણતા હતા. એ સલાહ પાળવાથી તેઓ રોમન તરવારિયા કે ગ્લેડીયેટરોની રમતો પાછળ ગાંડા થઈ ગયેલા લોકોથી જુદા તરી શકે. એ રમતોમાં ડોકિયું કરવાથી આપણે એક ખાસ પાઠ શીખીશું. ચાલો જોઈએ.

કલ્પના કરો કે એક મોટા રૂમી અખાડામાં બે ગ્લેડીયેટરો એકબીજાની સામા થયા છે. તેઓની તરવારો એકબીજાની ઢાલ પર વાર કરે છે તેમ, ભેગા થયેલા ટોળાઓ પોતાના શૂરવીર માટે કિકિયારીઓ પાડે છે. ગ્લેડીયેટરો લોહીલુહાણ થઈ જાય છે. એમાંનો એક હારીને ભોંયભેગો થઈ જાય છે. તે પોતાનો જીવ બચાવવા ઘૂંટણિયે પડે છે. ટોળાઓ બૂમાબૂમ કરી મૂકે છે જેમાં અમુક તેનું મોત ચાહે છે, બીજાઓને તેના પર દયા આવે છે. તે જીવશે કે નહિ એ તો હવે રાજા નક્કી કરશે જે પોતે લડાઈનો ખેલ જોવા આવ્યા છે. તે ટોળાના મત સાથે ખેંચાય છે. રાજા ગ્લેડીયેટરને જતો કરી શકે, અથવા તો પોતાનો અંગૂઠો નીચો કરીને તેનું મોત લાવી શકે.

રૂમી પ્રજા આવી હિંસક રમતોની ઘણી શોખીન હતી. તમને એ માનવું અઘરું લાગશે કે શરૂઆતમાં આવી હરીફાઈઓ મહાન લોકો ગુજરી જાય ત્યારે પણ કરવામાં આવતી. એવું કહેવામાં આવે છે કે મધ્ય ઇટાલીના ઑસ્કાન અને સામનાઇટ લોકોએ તેઓના દેવતાઓને માનવ ભોગ આપવા માટે આવી હરીફાઈઓ શરૂ કરી હતી. તેઓ માનતા હતા કે માનવ ભોગ આપવાથી તેઓ મૂએલાઓના આત્માને શાંત પાડી શકે છે. આ હરીફાઈઓને તેઓએ મુનુસ કે “ભોગ” નામ આપ્યું. ઐતિહાસિક નોંધ પ્રમાણે રોમમાં સૌથી પહેલી રમત ૨૬૪ બી.સી.ઈ.માં રાખવામાં આવી હતી, જ્યારે ત્રણ ગ્લેડીયેટરો ઓક્સ માર્કેટ નામે ઓળખાતા એક મેદાનમાં લડ્યા. ત્યાર પછી ૨૧૬ બી.સી.ઈ.માં, મારકસ ઈમીલીઅસની દફનવિધિના સમયે ૨૨ ગ્લેડીયેટરોની જોડી એકબીજા સાથે લડી. તેમ જ, પબલીયસ લાઈસીનીઅસના મરણ સમયે ૬૦ જોડીઓ લડી. અને ૬૫ની સાલમાં જુલીયસ સીઝરે ૩૨૦ જોડીઓને અખાડામાં લડવા માટે ઉતારી.

ઇતિહાસકાર કીથ હોપકીન્સનું કહેવું છે કે, “અમીર સમાજમાં રાજકીય હેતુઓ પાર પાડવા દફનવિધિઓનો લાભ લેવામાં આવતો.” તે ઉમેરે છે કે, “દફનવિધિ વખતે રાખેલી રમતો પાછળ રાજકીય હેતુઓ છૂપાયેલા હતા. એ રમતો જનતાને ખૂબ જ પસંદ હતી. અમીર લોકોની રાજકીય ચાલબાજીમાં ગ્લેડીયટરોની રમતો એક તમાશો બની ગઈ હતી.” રાજા ઑગસટ્‌સના સમયમાં (૨૭ બી.સી.ઈ.થી ૧૪ બી.સી.ઈ.) અમીર અધિકારીઓએ પોતાને રાજકારણમાં આગળ કરવા જનતાને એક ભેટ તરીકે ગ્લેડીયટરોની રમતોમાં અનેક ભોગ આપ્યા.

તેઓની લડવાની તાલીમ

કદાચ તમે વિચારતા હશો કે આ ગ્લેડીયેટરો કોણ હતા. તેઓ ગુલામો, મોતની સજા માટે રાહ જોઈ રહેલા ગુંડાઓ, કેદીઓ, અથવા સામાન્ય લોકો હતા જેઓ અમીર કે પ્રખ્યાત બનવા ચાહતા હતા. ગ્લેડીયેટરની શાળાઓ કેદની માફક ચલાવવામાં આવતી હતી. રમતો અને હરીફાઈઓ નામનું ઇટાલિયન પુસ્તક કહે છે કે, ગ્લેડીયેટરો “પર સિપાઈઓ કડક નજર રાખતા હતા. તેઓના નિયમો બહુ કડક હતા અને નિયમનો ભંગ કરનારને સખત સજા મળતી હતી . . . એ ક્રૂર વાતાવરણને લીધે ઘણા કેદીઓ તેઓની સામે થઈ જતા અને અમુક તો આપઘાત પણ કરતા.” રોમની સૌથી મોટી શાળામાં લગભગ હજાર કેદીઓ માટે જગ્યા હતી. કેદીઓ જુદા જુદા હથિયારો વાપરવામાં કુશળ હતા. અમુક બખતર, ઢાલ અને તલવારનો ઉપયોગ કરતા, જ્યારે બીજાઓ જાળ અને ત્રિશૂળથી લડવામાં ચપળ હતા. બીજાઓએ જંગલી પ્રાણીઓ સાથે લડવાની તાલીમ લીધી હતી. શું એમ બની શકે કે પાઊલ આવા બનાવો વિશે વાત કરી રહ્યા હતા?

નવા ગ્લેડીયેટરની શોધ માટે, રમતોના સંયોજકો તેઓના એજન્ટો દ્વારા ૧૭ કે ૧૮ વર્ષના યુવાનો ખરીદી શકતા. આ વેપાર એક મોટો ધંધો બની ગયો હતો. એક યુદ્ધમાં પોતાનો વિજય ઉજવવા, ટ્રેજને ૧૦,૦૦૦ ગ્લેડીયેટરો અને ૧૧,૦૦૦ જંગલી પ્રાણીઓને મેદાનમાં રજૂ કર્યા હતા.

સ્ટેડીયમમાં જીવન

સ્ટેડીયમમાં સવારનો સમય શિકાર માટે રાખ્યો હતો. રમત માટે ત્યાં અનેક પ્રકારના જંગલી પ્રાણીઓ લાવવામાં આવતા. એમાં તો ખાસ બળદ અને રીંછ વચ્ચે ઝપાઝપી જોવી લોકોને બહુ ગમતી. ઘણી વખત બળદ અને રીંછને એકબીજા સાથે, મરે નહિ ત્યાં સુધી, બાંધી દેવામાં આવતા. ત્યાર પછી, કોઈ શિકારી તેમાંથી બચેલા પ્રાણીને મારી નાખતો. અમુક સમયે સિંહ અને વાઘ વચ્ચે અથવા હાથી અને રીંછ વચ્ચે હરીફાઈ કરવામાં આવતી હતી. પોતાની કળા બતાવવા માટે શિકારીઓ, પ્રાણીઓની જાહેરમાં કતલ કરતા. એ પ્રાણીઓ દુનિયાભરથી લાવવામાં આવતા. એમાં ચિત્તો, ગેંડો, જિરાફ, જંગલી કૂતરો, ઊંટ, વરુ, વરાહ, અને હરણ જેવા પ્રાણીઓનો સમાવેશ થતો.

શિકારને યાદગાર બનાવવા માટે ખાસ સીન ગોઠવવામાં આવતા. જંગલની નકલ કરવા માટે મેદાનમાં મોટા મોટા પથ્થરો, ઝાડો અને તળાવો ગોઠવવામાં આવતા. અમુક સ્ટેડીયમમાં જંગલી પ્રાણીઓને જાદુઈ રીતે રજૂ કરવા માટે મેદાનમાં ભોંયરામાંથી લીફ્ટ દ્વારા ઉપર લાવવામાં આવતા. જંગલી પ્રાણીઓનો અણધાર્યો સ્વભાવ જોઈને પ્રેક્ષકોને વધુ ગરમી ચડતી કારણ કે તેઓને શિકારની ક્રૂરતા જોવામાં ખૂબ રસ હતો.

ત્યાર પછી, અમુકને જાહેરમાં મોતની સજા આપવામાં આવતી. આયોજકો કાર્યક્રમના આ ભાગને બની શકે એટલો સાચો બનાવવા માગતા હતા. દાખલા તરીકે, દંતકથામાંથી લીધેલા નાટકો એવી રીતે રજૂ કરવામાં આવતા કે એમાં કલાકારો ખરેખર મોત પામે.

બપોરના ભાગમાં, ગ્લેડીયેટરના અલગ અલગ વર્ગો વિવિધ સાધનોથી એકબીજા સાથે લડવાની તાલીમમાં ભાગ લેતા. અમુક તો પાતાળના દેવતાઓનું રૂપ લઈને મરેલાની લાશને મેદાનથી બહાર લઈ જતા.

પ્રેક્ષકો પર અસર

પ્રેક્ષકોને આ લડાઈઓ જોવી એટલી બધી ગમતી કે ગભરાયેલા તરવારિયાને ચાબુકો મારી મારીને કે ડામ દઈને મેદાનમાં ધકેલવામાં આવતા હતા. પ્રેક્ષકો બૂમો પાડતા: “મરદ હોય તો મેદાનમાં આવી જા. અરે, તેને તો તરવાર ચલાવતા પણ આવડતી નથી. તેને મરવા દો. તેને સખત માર મારો, ઉઘાડા શરીરે મારો!” રૂમી રાજકારણી સીનેકાએ લખ્યું કે રમતોના ઇન્ટર્વલમાં જાહેરાત કરવામાં આવતી: “તમે બાકીના કાર્યક્રમની રાહ જુઓ ત્યાં સુધી એક બે જીવ લઈએ.”

સીનેકા કહે છે કે રમતો જોઈને તે પોતે “વધુ ક્રૂર તથા પાશવી” બન્યો. તેના શબ્દો આપણા માટે પાઠ શીખવે છે. શું એમ બની શકે કે આજની અમુક રમતો જોવાથી આપણે પણ “વધુ ક્રૂર અને પાશવી” બની શકીએ?

અમુક સમયે પ્રેક્ષકોના જંગલી વર્તનને લીધે ઘણું નુકસાન થતું. ઉત્તર રોમમાં એક સ્ટેડીયમ તોડી પાડવામાં આવ્યું ત્યારે હજારો મોત પામ્યા. પૉમ્પૅ શહેરમાં ૫૯ સી.ઈ.માં આવી રમતોમાં ધમાલ થઈ ત્યારે ઘણા લોકો મરી ગયા અને બીજાને સખત ઈજા થઈ. એ ધમાલ વિશે ટૅસીટસ કહે છે કે બે પક્ષના પ્રેક્ષકોએ પહેલા એક બીજાને ગાળો દીધી, પછી પથરા ફેંક્યા અને છેવટે તરવારો ઉગામી.

આપણા માટે બોધપાઠ

થોડા સમય અગાઉ રોમના પ્રાચીન સ્ટેડીયમ, કોલોસિયમમાં “રક્ત અને રેતી” નામનું એક પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. ત્યાં એક વિડીયો બતાવવામાં આવ્યો જેમાં બળદ સાથે કુસ્તી, બૉક્સિંગની મુક્કામૂક્કી, મોટરો અને મોટર સાયકલની રેસમાં થયેલા ભયાનક અકસ્માતો, ખેલાડીઓ વચ્ચે મારામારી, અને પ્રેક્ષકોએ કરેલી ધમાલ જોવામાં આવી હતી. સમાપ્તિમાં આખું કોલોસિયમ સ્ટેડીયમ બતાવવામાં આવ્યું, જ્યાં ગ્લેડીયેટરની લડાઈ થતી. શું તમને લાગે છે કે એ પ્રદર્શન જોઈને લોકો કંઈક શીખ્યા હશે?

આજે ઘણા દેશોમાં હિંસક રમતો રમવામાં આવે છે જેમાં કૂકડાઓ અને જંગલી પ્રાણીઓ વચ્ચેની લડાઈનો પણ સમાવેશ થાય છે. પ્રેક્ષકોના મનોરંજન માટે મોટર રેસમાં ડ્રાઇવરોના જીવન જોખમમાં મૂકવામાં આવે છે. અરે, આજના ટીવીમાં રજૂ થતા કાર્યક્રમો વિશે જરા વિચાર કરો. એક પશ્ચિમ દેશમાં સંશોધકોએ નોંધ્યું કે બાળકો દશ વર્ષની ઉંમરે પહોંચે એ પહેલાં તેઓએ ટીવી પર ૧૦,૦૦૦ ખૂન અને મારામારીના લાખ દ્રશ્યો જોઈ લીધા હશે.

ત્રીજી સદીના લેખક ટરટૂલીયન કહે છે કે ‘એ રમતો સાચા ધર્મ અને પરમેશ્વરની આજ્ઞા વિરૂદ્ધ હતી.’ તેની દૃષ્ટિમાં ખૂન જોવા ગયેલા લોકો પણ ખૂનના ભાગીદાર હતા. આપણા વિશે શું? તમે પોતાને પૂછી શકો, ‘શું ટીવી અને ઇંટરનેટ પર બતાવવામાં આવતી હિંસા કે ખૂનને હું મનોરંજન ગણું છું?’ આપણે ગીતશાસ્ત્ર ૧૧:૫ના શબ્દો લક્ષમાં રાખી શકીએ: “[યહોવાહ] ન્યાયી અને દુષ્ટોની પારખ કરે છે; હિંસાને ચાહનારાઓને તે ધિક્કારે છે.”

[પાન ૨૮ પર બોક્સ]

“મૂએલાઓના આત્માને શાંત પાડવા માટે” લડાઈઓ

તરવારિયાઓ કે ગ્લેડીયેટરોની પટાબાજીની શરૂઆત વિશે ત્રીજી સદીના લેખક ટરટૂલીયન કહે છે: “આગળના જમાનામાં એવું માનવામાં આવતું હતું કે આવી હિંસક રમતોથી મૂએલાઓના આત્માને પુણ્ય મળશે. તેઓ એવું માનતા હતા કે મૂએલાઓના આત્માને માનવીના ભોગથી જ શાંત પાડી શકાય. તેથી, દફનવિધિના સમયે તેઓ સસ્તી કિંમતે લીધેલા ગુલામો કે કેદીઓનો ભોગ આપતા. સમય જતાં એ માન્યતાને ઢાંકી દેવા, તેઓએ આ હિંસાને મનોરંજનનું રૂપ આપ્યું. ગુલામોને પહેલાં હથિયાર વાપરવામાં તાલીમ આપવામાં આવતી હતી. ત્યાર પછી, તેઓ મોત પામવાની તાલીમ લેતા જે દફનવિધિના દિવસે સાચી ઠરતી. પોતાના કુટુંબમાં થયેલા મરણ માટે લોકો આવા ખૂની ભોગને દિલાસો ગણતા હતા. આ રીતે મુનુસની રજૂઆત થઈ. સમય જતાં, આ વિધિ હિંસાના શિખરે પહોંચી અને એનો આનંદ પૂરો કરવા માટે તેઓએ નક્કી કર્યું કે જંગલી જાનવરો પણ દફનવિધિમાં કેદીઓના શરીરને ફાડીને ખાય. મૂએલાઓના આત્માને શાંત પાડવા માટે ધરેલો આ ભોગ એક વિધિ બની.”

[પાન ૨૭ પર ચિત્ર]

પ્રાચીન ગ્લેડીયેટરની રમતમાં વાપરવામાં આવેલી ધાતુની ટોપી અને પગની ઢાલ

[પાન ૨૯ પર ચિત્રો]

પ્રાચીન ખ્રિસ્તીઓ હિંસક મનોરંજનથી દૂર રહ્યા. શું તમે પણ એમ કરો છો?

[ક્રેડીટ લાઈન્સ]

Boxing: Dave Kingdon/Index Stock Photography; car crash: AP Photo/Martin Seppala

[પાન ૨૬ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Phoenix Art Museum, Arizona/Bridgeman Art Library