સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

આપઘાત કરેલ વ્યક્તિ માટે, શું ખ્રિસ્તી ભાઈએ પ્રવચન આપવું જોઈએ?

દરેક ખ્રિસ્તીએ પોતે વિચારવું જોઈએ કે આપઘાત કરેલી વ્યક્તિની દફનવિધિમાં તે પ્રવચન આપશે કે નહિ. પરંતુ એ નિર્ણયથી તેમનું મન ડંખવું જોઈએ નહિ. મનમાં ગાંઠ વાળતાં પહેલાં, તેઓએ જાણવું જોઈએ કે: ખુદ યહોવાહ પરમેશ્વર આત્મહત્યા વિષે શું વિચારે છે? શું વ્યક્તિએ માનસિક હાલત કે જીવનથી કંટાળીને આપઘાત કર્યો? કે પછી તેણે મન ફાવે તેમ જીવનને વેડફી નાખ્યું? સમાજમાં, આપઘાત વિષે લોકો શું વિચારે છે?

આપણે, આપઘાત વિષે યહોવાહના વિચારો જાણવા જરૂરી છે. યહોવાહ માનવ જીવને ઘણું જ કીમતી ગણે છે. (ઉત્પત્તિ ૯:૫; ગીતશાસ્ત્ર ૩૬:⁠૯) તેથી, જ્યારે વ્યક્તિ મન ફાવે તેમ જીવન ટૂંકાવી નાખે છે, ત્યારે પરમેશ્વરને બહુ જ દુઃખ થાય છે. (નિર્ગમન ૨૦:૧૩; ૧ યોહાન ૩:૧૫) તો શું એનો અર્થ એમ થાય કે આત્મહત્યા કરેલી વ્યક્તિના દફન માટે પ્રવચન ન આપવું જોઈએ?

હજારો વર્ષ પહેલાં, ઈસ્રાએલના રાજા, શાઊલનો વિચાર કરો. જ્યારે પલિસ્તીઓ સાથે લડતાં તેને ખબર પડી કે તે જીત મેળવી નહીં શકે, ત્યારે તેણે એક ફેંસલો લીધો, દુશ્મનનો શિકાર બનવાને બદલે, તે ‘તરવાર લઈને એના પર પડ્યો.’ પલિસ્તીઓએ તેના શબને શોધી કાઢીને, બેથ-શાન શહેરની દિવાલ પર ટાંગી દીધું. દૂરના ગામ યાબેશ-ગિલઆદમાં, જ્યારે લોકોએ જાણ્યું કે પલિસ્તીઓએ રાજા શાઊલ સાથે શું કર્યું હતું, ત્યારે તેઓએ છાનું છૂપું શબ લઈ જઈને એનું દહન કર્યું. પછી બાકી રહેલા હાડકાંને પણ દફન કર્યા. એ ઉપરાંત, તેઓએ રિવાજ પ્રમાણે સાત દિવસ ઉપવાસ પણ કર્યો. (૧ શમૂએલ ૩૧:૪, ૮-૧૩; ઉત્પત્તિ ૫૦:૧૦) થોડાંક સમય પછી, રાજા દાઊદને ખબર પડી કે યાબેશ-ગિલઆદના લોકોએ શાઊલના શબનું શું કર્યું હતું ત્યારે તેમણે કહ્યું: “યહોવાહ તમને આશિષ દો, કેમકે તમે તમારા ધણી શાઊલ પર આવી કૃપા કરીને તેને દાટ્યો છે. હવે યહોવાહ તમારા પ્રત્યે કૃપા તથા સત્ય દેખાડો.” (૨ શમૂએલ ૨:૫, ૬) જોકે બાઇબલ જણાવતું નથી કે આત્મહત્યા કરેલ શાઊલની દફનવિધિ કરવામાં કંઈ ખોટું હતું. પરંતુ નોંધ કરો કે ખરાબ લોકોનું દફન કરવાની મનાઈ હતી. (યિર્મેયાહ ૨૫:૩૨, ૩૩) શાઊલના ઉદાહરણનો વિચાર કરીને, ખ્રિસ્તી વ્યક્તિ ફેંસલો કરી શકે કે તે આત્મહત્યા કરેલી વ્યક્તિ માટે ટૉક આપશે કે નહિ.

ખ્રિસ્તી ભાઈએ, એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ પ્રવચનનો હેતુ શું છે. મોટા ભાગના લોકો માને છે કે, મરણ પછી અમર આત્મા હોય છે. પણ યહોવાહના સાક્ષીઓ એ માનતા નથી. તેથી દફનવિધિમાં અમર આત્માનો ઉલ્લેખ પણ થતો નથી. આ પ્રવચન, મરેલી વ્યક્તિના સગાંવહાલાઓ અને મિત્રો માટે છે. જેથી તેઓ સમજી શકે કે મરણ પછી શું થાય છે અને તેઓ દિલાસો પણ મેળવી શકે. (સભાશિક્ષક ૯:૫, ૧૦; ૨ કોરીંથી ૧:૩-૫) એ ઉપરાંત, પ્રવચન યાદ અપાવે છે કે જીવન, ફુલની જેમ કરમાઈ જાય છે. (સભાશિક્ષક ૭:⁠૨) તો શું આ મૂળ બાબતો પ્રવચનમાં જણાવવામાં આવશે?

અમુક લોકો માને છે કે આત્મહત્યા કરવી પાપ છે. કારણ કે જે આત્મહત્યા કરે છે, તે યહોવાહના નિયમો જાણતાં હોવા છતાં આવું પગલું ભરે છે. પરંતુ શું આપણી પાસે કોઈ સાબિતી છે તેણે ખરાબ પગલું ભર્યું? શું તે વ્યક્તિએ વિચાર્યા વગર જ જીવન ટૂંકાવી નાખ્યું? અમુક લોકો આત્મહત્યાનો વિચાર કરે છે, પરંતુ છેવટે અફસોસ કરીને અટકી જાય છે. કારણ કે એક વાર જીવન ગુમાવ્યા પછી પસ્તાવો થઈ શકતો નથી.

ઘણી વાર, માનસિક રોગો અથવા ડિપ્રેશન જેવાં કારણોથી વ્યક્તિ આપઘાત કરી બેસે છે. આવી લાચાર વ્યક્તિઓ, રોગોના શિકાર બને છે. અમુક સર્વે પ્રમાણે, આપઘાત કરનારાઓમાંથી લગભગ ૯૦ ટકા લોકો, અનેક માનસિક રોગો, ડિપ્રેશન અથવા કેફી દવાનો ભોગ બનતા હોય છે. જો આ હાલતથી કોઈ પોતાનું જીવન ટૂંકાવી નાખે, તો શું યહોવાહ તેઓને માફ કરશે? યહોવાહનું મન કોઈ જાણતું નથી! તેથી આપણે ચોક્કસ કહી શકતાં નથી કે તે માફ કરશે કે નહિ. પણ જવાબદાર ખ્રિસ્તી, આપઘાત કરેલી વ્યક્તિના સંજોગો જોઈને નક્કી કરી શકે કે તે પ્રવચન આપશે કે નહિ.

ખ્રિસ્તીએ મનમાં ગાંઠ વાળતાં પહેલાં, એક બીજી બાબત વિચારવી જોઈએ. સમાજમાં, આપઘાત કરેલી વ્યક્તિઓ વિષે લોકો શું વિચારે છે? એ મહત્વનું છે, કારણ કે જો એમ ન વિચારે, તો સમાજમાં મંડળની ઇજ્જતના કાંકરા થશે. જો કોઈ ખ્રિસ્તીને, મરેલી વ્યક્તિના સંજોગો વિષે ડંખતું હોય અથવા લાગે કે સમાજમાં મંડળનું નામ ખરાબ થશે, તો કદાચ રાજ્ય ગૃહમાં દફનવિધિ રાખવી સારું નહીં લાગશે. તેમ જ બીજી કોઈ જગ્યાએ પણ સાથ આપવાનું સારું નહિ લાગશે.

પરંતુ જો કોઈ વ્યક્તિ, ખ્રિસ્તી ભાઈને બીજી જગ્યાએ પ્રવચન આપવા કહે, તો તે પોતે ફેંસલો લઈ શકે. પણ, તેણે ધ્યાન રાખવું જોઈએ કે તે સીધેસીધું જણાવે નહિ કે આ વ્યક્તિ સજીવન થશે કે કેમ. ફક્ત યહોવાહ પરમેશ્વર જ જાણે છે કે તે કોને સજીવન કરશે. એ બાબતો પર વાત કરવાને બદલે, ખ્રિસ્તી ભાઈ બાઇબલમાંથી, શોક પાળનારાઓને, મરણ વિષે સમજાવીને દિલાસો આપી શકે છે.