સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સારા સંસ્કાર શીખો અને શીખવો

સારા સંસ્કાર શીખો અને શીખવો

સારા સંસ્કાર શીખો અને શીખવો

“હે બીજાને શિખવનાર, શું તું પોતાને શિખવતો નથી?”​—⁠રૂમીઓને પત્ર ૨:⁠૨૧.

૧, ૨. તમે શા માટે બાઇબલનો અભ્યાસ કરવા ઇચ્છો છો?

 યહોવાહ પરમેશ્વરે આપેલા પવિત્ર શાસ્ત્રનું શિક્ષણ લેવાનાં તમારી પાસે ઘણાં કારણો હશે. તમે એમાંના લોકો, બનાવો, સ્થળો અને એવી બીજી ઘણી બાબતો જાણવા માંગતા હશો. તમે ત્રૈક્ય અને નરક જેવી જૂઠી ધાર્મિક માન્યતાઓને બદલે, સત્ય જાણવા માંગતા હશો. (યોહાન ૮:૩૨) વળી, તમને યહોવાહ પરમેશ્વર વિષે વધારે જાણવું પણ ગમશે. જેથી, તમે યહોવાહના મિત્રો બનીને તેમની સાથે ચાલી શકો, અને આમ-તેમ ખોટા રસ્તે ન ચડી જાવ.​—⁠૧ રાજાઓ ૧૫:૪, ૫.

તમે યહોવાહે આપેલા બાઇબલનું જ્ઞાન લેવા ચાહો તેમ, તમે સાથે સાથે બીજાને એ શીખવી શકો. જેમ કે તમારાં સગાંવહાલાં અને મિત્રો, જેઓ હજુ એના વિષે જાણતા નહિ હોય. દરેક સાચા ખ્રિસ્તીઓએ બીજાઓને શીખવવું જ જોઈએ. ઈસુએ પોતાના શિષ્યોને જણાવ્યું હતું: “એટલે તમે જાઓ, બધી પ્રજાના લોકોને મારા શિષ્યો બનાવો. . . . જે દરેક આદેશ મેં તમને આપ્યો છે તેનું પાલન કરવાનું શિક્ષણ તેઓને આપતા જાઓ.”​—⁠માત્થી ૨૮:૧૯, ૨૦, પ્રેમસંદેશ.

૩, ૪. ઈસુની આજ્ઞા પ્રમાણે બીજાને શીખવવું શા માટે મહત્ત્વનું છે?

બીજાને શીખવવાનો ધ્યેય રાખીને, બાઇબલનું શિક્ષણ લેવાથી પણ ઉત્તેજન અને સંતોષ મળે છે. ઘણાં વર્ષોથી, શિક્ષકના કામની કદર કરવામાં આવે છે. એન્કાર્ટા એન્સાયક્લોપેડિયા જણાવે છે કે, “યહુદી સમાજમાં ઘણા લોકો શિક્ષકોને જીવનનો માર્ગ બતાવનાર ગણતા હતા. તેઓ પોતાનાં બાળકોને શીખવતા હતા કે માબાપ કરતાં પણ, શિક્ષકોને વધારે માન આપવું જોઈએ.” જો એમ હોય, તો આપણે પોતે બાઇબલનું શિક્ષણ લઈને બીજાઓને શીખવીએ, એ કેટલું વધારે મહત્ત્વનું છે.

“બીજી કોઈ નોકરી કરતાં, શિક્ષક તરીકે વધારે લોકો કામ કરે છે. દુનિયામાં લગભગ ૪ કરોડ ૮૦ લાખ સ્ત્રી-પુરુષો ટીચર તરીકે કામ કરે છે.” (ધ વર્લ્ડ બુક એન્સાયક્લોપેડિયા) બાળકોનું ભાવિ શિક્ષકના ભરોસે મૂકાય છે, જેઓ બાળકોનાં જીવન પર ઊંડી અસર પાડી શકે છે. પરંતુ, ઈસુની આજ્ઞા પાળીને, તમે બીજાને શીખવો છો ત્યારે, એની કાયમી અસર તેઓના ભાવિ પર પડી શકે છે. પ્રેષિત પાઊલે એના પર ભાર મૂકતા, તીમોથીને અરજ કરી હતી: “તારે પોતાને વિષે તથા તારા ઉપદેશ વિષે સાવધ રહેજે. આ બાબતોમાં ચુસ્ત રહેજે, કેમકે આ પ્રમાણે કરવાથી તું પોતાને તેમજ તારાં સાંભળનારાંઓને પણ તારીશ.” (૧ તીમોથી ૪:૧૬) ખરેખર, તમારું શિક્ષણ તો કોઈને કાયમી જીવન આપી શકે છે.

૫. શા માટે બાઇબલનું શિક્ષણ સૌથી મહત્ત્વનું છે?

આપણે શીખીએ અને બીજાઓને શીખવીએ, એ અધિકાર અને માર્ગદર્શન આપણને વિશ્વના સર્વોપરી પાસેથી મળે છે. એ જ બાબત બાઇબલના શિક્ષણને બીજા કોઈ પણ શિક્ષણ કરતાં સૌથી મહત્ત્વનું બનાવે છે, પછી ભલેને એ કોઈ પણ વિષયોનું શિક્ષણ કે ખાસ આવડત હોય. બાઇબલનું શિક્ષણ પહેલા તો આપણને પરમેશ્વરના પુત્ર, ખ્રિસ્ત ઈસુના પગલે ચાલવાનું શીખવે છે. પછી, આપણે બીજાઓને પણ ઈસુના પગલે ચાલતા શીખવવાનું છે.​—⁠યોહાન ૧૫:⁠૧૦.

પહેલા પોતે શીખો!

૬, ૭. (ક) શા માટે આપણે પોતે પહેલા શીખવું જોઈએ? (ખ) શિક્ષકો તરીકે પ્રથમ સદીના યહુદીઓ શા માટે અયોગ્ય હતા?

પહેલા આપણે પોતે શા માટે શીખવું જોઈએ? જો આપણે પોતે જ જાણતા ન હોઈએ, તો બીજાને કઈ રીતે શીખવી શકીએ? પાઊલે એ જ મુદ્દા પર ભાર મૂકતાં, એ સમયના યહુદીઓને લખ્યું હતું. આજે પણ એ આપણા માટે એટલો જ મહત્ત્વનો સંદેશો આપે છે. પાઊલે પૂછ્યું હતું: “હે બીજાને શિખવનાર, તું પોતાને કેમ શીખવતો નથી? તું બીજાઓને ચોરી કરવાનું ના કહે છે, પણ શું તું પોતે જ ચોરી કરતો નથી? વ્યભિચાર કરવો એ પાપ છે એવું શિક્ષણ આપનાર શું તું પોતે એ કરતો નથી? મૂર્તિપૂજાથી કંટાળનાર શું તું પોતે જ મંદિરોને લૂંટીને પૈસાની પૂજા કરતો નથી? તું ઈશ્વરનું નિયમશાસ્ત્ર જાણવાનું અભિમાન કરે છે, પરંતુ એનો ભંગ કરીને તું પોતે ઈશ્વરનું અપમાન કરતો નથી શું?”​—⁠રૂમી ૨:૨૧-૨૩, IBSI.

પાઊલે એવા પ્રશ્નો પૂછીને, દસ આજ્ઞાઓમાં જણાવેલી બે આજ્ઞાઓનો ઉલ્લેખ કર્યો: ‘ચોરી ન કર, અને વ્યભિચાર ન કર.’ (નિર્ગમન ૨૦:૧૪, ૧૫) પાઊલના સમયના અમુક યહુદીઓને પરમેશ્વરનું નિયમશાસ્ત્ર તેઓની પાસે હોવાનો ઘમંડ હતો. તેઓ ‘નિયમશાસ્ત્ર શીખેલા હતા, એટલે એવું માની બેઠા હતા કે પોતે જ આંધળાઓને દોરનાર તથા અંધકારમાં છે તેઓને પ્રકાશ આપનાર અને બાળકોના ગુરુ છે.’ (રૂમી ૨:૧૭-૨૦) જો કે અમુક તો સાવ ઢોંગી હતા, કેમ કે તેઓ ચોરી કરતા અને વ્યભિચારી હતા. એમ કરવાથી તો તેઓ નિયમશાસ્ત્ર અને એ આપનાર યહોવાહ પરમેશ્વર બંનેનું અપમાન કરતા હતા. તેથી, તેઓ બીજાને કઈ રીતે શીખવી શકે, જ્યારે પોતે જ બરાબર શીખ્યા ન હોય?

૮. પાઊલના સમયના અમુક યહુદીઓ કઈ રીતે ‘મંદિરોને લૂંટી’ રહ્યા હતા?

પાઊલે મંદિરો લૂંટવા વિષે વાત કરી. શું યહુદીઓએ ખરેખર મંદિરો લૂંટ્યાં હતાં? પાઊલનો કહેવાનો અર્થ શું હતો? ખરું જોતાં, આપણી પાસે એ વિષે પૂરતી માહિતી ન હોવાથી, ચોક્કસ કહી ન શકાય કે કઈ રીતે તેઓએ ‘મંદિરો લૂંટ્યાં.’ એફેસસના નગરશેઠે પહેલેથી જાહેર કર્યું હતું કે, પાઊલના સાથીઓ “મંદિરોને લૂંટનારા નથી.” પણ આ બતાવે છે કે અમુક લોકોએ યહુદીઓ પર એવો આરોપ મૂક્યો હતો. (પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૨૯-૩૭) શું તેઓ વિજેતાઓ કે ધર્મ પાછળ ઝનૂની બનેલા લોકોએ લૂંટેલાં મંદિરોની કીમતી ચીજ-વસ્તુઓનો, પોતાને માટે ઉપયોગ કરતા હતા, કે પછી એનો વેપાર કરતા હતા? યહોવાહના નિયમ પ્રમાણે, મૂર્તિઓ પરની સોના-ચાંદીની વસ્તુઓનો નાશ કરવાનો હતો, એનો કોઈ પણ રીતે ઉપયોગ કરવાનો ન હતો. (પુનર્નિયમ ૭:૨૫) * આમ, શક્ય છે કે પાઊલે એવા યહુદીઓનો ઉલ્લેખ કર્યો હોય, જેઓ યહોવાહનો નિયમ તોડીને, સ્વાર્થી બનીને જૂઠા મંદિરોની ચીજ-વસ્તુઓનો લાભ લેતા હશે.

૯. યરૂશાલેમના મંદિરને લગતાં કયાં ખોટાં કામોને ‘મંદિરને લૂંટ્યા’ બરાબર ગણી શકાય?

પરંતુ, જોસેફસે એવા ચાર યહુદી આગેવાનો વિષે જણાવ્યું જેઓ નિયમશાસ્ત્રના શિક્ષકો હતા. તેઓએ રોમમાં શરમાવે એવું કામ કર્યું હતું. તેઓએ એક રૂમી સ્ત્રીને સમજાવી-પટાવીને સોનું અને બીજી કિંમતી વસ્તુઓ યરૂશાલેમના મંદિરમાં દાન કરાવી દીધી. એક વાર એ વસ્તુઓ તેઓના હાથમાં આવી કે તેઓની દાનત બગડી અને એનાથી પોતાના જ ખિસ્સા ભર્યાં. ખરેખર, તેઓએ મંદિર લૂંટ્યું. * વળી, બીજાઓ યહોવાહના મંદિરમાં ખોડવાળાં બલિદાનો ચડાવતા, અને લોભી વેપારીઓએ તો જાણે મંદિરને ‘લૂંટારાનું ઘર’ બનાવી દીધું હતું.​—⁠માત્થી ૨૧:૧૨, ૧૩; માલાખી ૧:૧૨-૧૪; ૩:૮, ૯.

સારા સંસ્કાર શીખવો

૧૦. રૂમીઓને પત્ર ૨:૨૧-૨૩ પ્રમાણે, આપણે પાઊલનો કયો સંદેશો ચૂકી જવો ન જોઈએ?

૧૦ પ્રથમ સદીમાં પાઊલે ભલે ચોરી, વ્યભિચાર, અને મંદિરને લૂંટવા વિષેના ગમે એ બનાવો વિષે વાત કરી હોય, પણ આપણે એનો મુદ્દો ચૂકી ન જઈએ. તેમણે પૂછ્યું હતું: “હે બીજાને શિખવનાર, શું તું પોતાને શિખવતો નથી?” નોંધ લો કે પાઊલે જે ઉદાહરણો બતાવ્યા એ સારા સંસ્કાર વિષે છે. પ્રેષિત પાઊલ અહીં બાઇબલની કોઈ માન્યતા કે ઇતિહાસ પર ધ્યાન દોરતા નથી. અહીં પાઊલ જે પોતાને અને બીજાને શીખવવાની વાત કરે છે, એ તો બાઇબલના સંસ્કાર છે.

૧૧. બાઇબલમાંથી શીખતા જઈએ તેમ, શા માટે તમારે સારા સંસ્કાર પર ખાસ ધ્યાન આપવું જોઈએ?

૧૧ રૂમી ૨:૨૧-૨૩ આપણા જીવનમાં લાગુ પાડવાનો અર્થ એ થાય કે, આપણે બાઇબલમાંથી શીખીને સારા સંસ્કાર કેળવીએ. એ પ્રમાણે આપણા આચાર-વિચાર રાખીએ, અને બીજા લોકોને પણ એમ જ કરતા શીખવીએ. તેથી, તમે બાઇબલમાંથી શીખતા જાવ તેમ, યહોવાહના નીતિ-નિયમોની ખાસ નોંધ લો. એમાંથી જ આપણને સારા સંસ્કાર મળે છે. બાઇબલમાંથી મળતી સલાહ અને કેળવણી પર મનન કરો. પછી, એ પ્રમાણે કરવા માટે, પૂરા તન-મનથી પ્રયત્ન કરો. ખરેખર, એમ કરવા પાક્કો નિર્ણય કરવાની અને હિંમતની જરૂર પડશે. આપણે અપૂર્ણ હોવાથી, બાઇબલ પ્રમાણે કરી શકતા નથી, એ માટે આપણી પાસે બહાનાનો ભંડાર હોય શકે. બની શકે કે પાઊલના સમયના યહુદીઓએ એવી જ રીતે બહાના કાઢ્યા હોય, અથવા બીજાને પણ છેતર્યા હોય શકે. જો કે પાઊલના શબ્દો બતાવે છે કે બાઇબલના સંસ્કાર એવા નથી કે આપણે એને મન ફાવે તેમ, લાગુ પાડીએ.

૧૨. આપણી વાણી અને વર્તન યહોવાહના નામને કઈ રીતે અસર કરી શકે, અને શા માટે એ હંમેશાં ધ્યાનમાં રાખવું જોઈએ?

૧૨ બાઇબલના નીતિ-નિયમો શીખીને, એને પાળવા માટેના મુખ્ય કારણ પર પણ પ્રેષિત પાઊલે ભાર મૂક્યો. યહુદીઓના ખોટાં કામો યહોવાહ પરમેશ્વરને કલંક લગાડતા હતા: “તું જે નિયમશાસ્ત્ર વિષે મગરૂરી રાખે છે, તે તું નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરીને દેવનું અપમાન કરે છે? કેમકે, . . . તમારે લીધે વિદેશીઓમાં દેવના નામની નિંદા થાય છે.” (રૂમી ૨:૨૩, ૨૪) આજે પણ હકીકત એ જ છે કે, જો આપણે બાઇબલના સંસ્કાર પ્રમાણે ન વર્તીએ, તો યહોવાહનું નામ બદનામ થાય છે. પરંતુ, જો આપણે યહોવાહે આપેલા નીતિ-નિયમોને વળગી રહીએ, તો તેમના નામની વાહ વાહ થાય છે. (યશાયાહ ૫૨:૫; હઝકીએલ ૩૬:૨૦) તમે આ વાત તમારા દિલ પર કોતરી નાખો. પછી ભલેને એવા સંજોગો કે સતાવણી આવે જ્યારે યહોવાહનો નિયમ તોડવાનો રસ્તો સહેલો દેખાય, તોપણ તમે ઘસીને ના પાડી શકશો. તેમ જ, પાઊલના શબ્દો આપણને હજુ વધારે કંઈક શીખવે છે. ખરું કે તમે પોતે તો કદી યહોવાહના નામને બદનામ કરવા ચાહતા નથી. પણ સાથે સાથે તમે જેઓને શીખવો, તેઓને પણ એ જોવા મદદ કરો કે કઈ રીતે તેઓની વાણી અને વર્તન યહોવાહનું નામ બદનામ કરી શકે અથવા રોશન કરી શકે. ફક્ત એવું જ નથી કે સારા સંસ્કાર સંતોષ અને સારી તંદુરસ્તી આપે છે. એનાથી તો સારા સંસ્કાર આપનારને પણ મહિમા મળે છે.​—⁠ગીતશાસ્ત્ર ૭૪:૧૦; યાકૂબ ૩:⁠૧૭.

૧૩. (ક) નીતિ-નિયમો સંબંધી બાઇબલ કઈ રીતે મદદ કરે છે? (ખ) ટૂંકમાં ૧ થેસ્સાલોનીકી ૪:૩-૭ની સલાહ વર્ણવો.

૧૩ નીતિ-નિયમોની અસર બીજા લોકો પર પણ પડે છે. તમે બાઇબલમાંના ઉદાહરણો પરથી જોઈ શકો કે, યહોવાહે આપેલા નીતિ-નિયમો કેટલા મહત્ત્વના છે. તેમ જ, એને પાળવાથી અથવા ન પાળવાથી કેવાં પરિણામો આવે છે. (ઉત્પત્તિ ૩૯:૧-૯, ૨૧; યહોશુઆ ૭:૧-૨૫) વળી, બાઇબલમાં આપણને આવી સીધેસીધી સલાહ પણ મળે છે: “દેવની ઇચ્છા એવી છે, કે તમારૂં પવિત્રીકરણ થાય, એટલે કે તમે વ્યભિચારથી દૂર રહો; અને તમારામાંનો દરેક, દેવને ન જાણનારા વિદેશીઓની પેઠે, વિષયવાસનામાં નહિ, પણ પવિત્રતામાં તથા માનમાં પોતાનું પાત્ર રાખી જાણે; અને તે બાબતમાં કોઈ અપરાધ કરીને પોતાના ભાઈનો અન્યાય કરે નહિ; . . . કેમકે દેવે આપણને અશુદ્ધતાને સારૂ નહિ, પણ પવિત્રતામાં તેડ્યા છે.”​—⁠૧ થેસ્સાલોનીકી ૪:૩-૭.

૧૪. તમે ૧ થેસ્સાલોનીકી ૪:૩-૭ પ્રમાણે, પોતાને કયા પ્રશ્નો પૂછી શકો?

૧૪ આ સલાહમાંથી કોઈ પણ જોઈ શકે છે કે, વ્યભિચાર એ સારા સંસ્કારનો દુશ્મન છે. પરંતુ, તમે એ વચનોમાં હજુ વધારે ઊંડા ઊતરી શકો. એ કલમોમાંના અમુક શબ્દો મનન અને સારો એવો અભ્યાસ માંગી લે છે, જેનાથી તમને એ કલમો વિષે ઊંડી સમજણ મળશે. દાખલા તરીકે, તમે વિચારી શકો કે પાઊલ શું કહેવા માગતા હતા, જ્યારે તેમણે જણાવ્યું કે વ્યભિચારી વ્યક્તિ ‘તે બાબતમાં અપરાધ કરીને પોતાના ભાઈનો અન્યાય કરી’ શકે. કઈ રીતે વ્યક્તિ પોતાના ભાઈનો અન્યાય કરી શકે, અને એની સારી સમજણ મેળવવાથી, તમને સારા સંસ્કાર કેળવવા હજુ કઈ રીતે વધારે મદદ મળશે? એ વિષે વધારે જાણવાથી, તમે બીજાઓને શીખવો ત્યારે કઈ રીતે વધારે સારી રીતે મદદ આપી શકો, જેથી યહોવાહને મહિમા મળે?

બીજાને શીખવવા માટે પોતે શીખો

૧૫. બાઇબલ વિષે વધારે શીખવા તમે કયાં સાધનોનો ઉપયોગ કરી શકો?

૧૫ યહોવાહના સેવકો પાસે એવા સાધનો છે, જેના દ્વારા તેઓ પોતાના કે બીજાના બાઇબલ અભ્યાસમાં ઊભા થયેલા આવા પ્રશ્નોની તપાસ કરી શકે. એવું એક સાધન વૉચ ટાવર પબ્લિકેશન્સ ઇન્ડેક્ષ છે, જે ઘણી ભાષાઓમાં મળી આવે છે. તમે એનો ઉપયોગ કરી શકતા હોવ તો, તમને યહોવાહના સાક્ષીઓના બાઇબલ પર આધારિત પ્રકાશનોમાં વધારે માહિતી મળી શકે. તમે વિષય પ્રમાણે અથવા બાઇબલની કલમની યાદી પ્રમાણે શોધી શકો. બીજું એક સાધન જે ઘણી ભાષાઓમાં યહોવાહના સાક્ષીઓને મળી આવે છે, એ છે વૉચટાવર લાઈબ્રેરી. આ કૉમ્પ્યુટરનો એવો પ્રોગ્રામ છે, જે સીડી-રોમ પર મળે છે અને ઘણાં પ્રકાશનો એના પર જોઈ શકાય છે. આ પ્રોગ્રામથી શાસ્ત્રવચનોના વિષયો અને એના પરની ચર્ચા શોધી શકાય છે. પોતે શીખીને બીજાઓને શીખવવા, આમાંથી જે કોઈ સાધનનો તમે ઉપયોગ કરી શકો, એનો પૂરેપૂરો લાભ લો.

૧૬, ૧૭. (ક) તમને ૧ થેસ્સાલોનીકી ૪:૬ પર વધારે સમજણ ક્યાંથી મળી શકે? (ખ) વ્યભિચાર કઈ રીતે કોઈને અન્યાય કરી શકે?

૧૬ ચાલો આપણે ઉદાહરણ તરીકે ૧ થેસ્સાલોનીકી ૪:૩-૭ લઈએ. એમાં કોઈને અન્યાય થવા વિષે વાત થઈ છે. કોને અને કઈ રીતે અન્યાય થઈ શકે? અગાઉ જણાવેલા અભ્યાસ કરવાના સાધનોનો ઉપયોગ કરીને, તમને આ કલમો પર ઘણી માહિતી મળશે. તેમ જ, પાઊલે જણાવેલા અન્યાય થયા વિષે પણ માહિતી મળશે. તમે આવી માહિતી ઇન્સાઈટ ઓન ધ સ્ક્રીપ્ચર્સ, પહેલો ગ્રંથ, પાન ૮૬૩-૪; ટ્રુ પીસ એન્ડ સીક્યુરીટી​—⁠હાઉ કેન યુ ફાઈન્ડ ઈટ?, પાન ૧૪૫; ચોકીબુરજ (અંગ્રેજી), નવેમ્બર ૧૫, ૧૯૮૯, પાન ૩૧માંથી મેળવી શકો.

૧૭ આ રીતે એ કલમો વિષે વધારે જાણવાથી, આપણે જોઈ શકીશું કે, પાઊલના શબ્દો કેટલા સાચા છે. વ્યભિચારી વ્યક્તિ, યહોવાહ પરમેશ્વર વિરુદ્ધ પાપ કરે છે અને પોતે બીમારીને આમંત્રણ આપે છે. (૧ કોરીંથી ૬:૧૮, ૧૯; હેબ્રી ૧૩:૪) વ્યભિચારી માણસ, જે સ્ત્રી સાથે પાપ કરે છે એ સ્ત્રીને અન્યાય કરે છે. એ માણસ તે સ્ત્રીના શુદ્ધ જીવન પર કલંક લગાડીને અન્યાય કરે છે. તે કુંવારી હોય તો, શુદ્ધ સ્ત્રી તરીકે લગ્‍ન કરી શકતી નથી. તેમ જ, એ પુરૂષ, તે સ્ત્રીના ભાવિ પતિને અન્યાય કરે છે, જેને પોતાની પત્ની પવિત્ર હોય એવી માંગ કરવાનો અધિકાર છે. જો તે સ્ત્રી પરણેલી હોય તો, આ વ્યભિચારી માણસ પત્નીના માબાપ અને પતિનું જીવન ઝેર જેવું બનાવી દે છે. વળી, આ વ્યભિચારી પોતાના કુટુંબ અને સારા સંસ્કાર પર કાળો ડાઘ લગાડે છે. જો તે યહોવાહના મંડળનો સેવક હોય, તો મંડળનું નામ બદનામ કરે છે.​—⁠૧ કોરીંથી ૫:⁠૧.

૧૮. બાઇબલનું વધારે શિક્ષણ લઈને તમે કઈ રીતે સારા સંસ્કાર કેળવી શકો?

૧૮ આવી મદદથી આપણી સામે બાઇબલ સમજણની જાણે તિજોરી ખૂલી જાય છે. આવી રીતે બાઇબલની વધારે સમજણ મેળવવી ખરેખર કિંમતી છે. એમ કરીને તમે પોતે જ શીખી શકો છો. આમ, તમારા પર યહોવાહના સંદેશાની સચ્ચાઈ અને એની સમજણની ઊંડી છાપ પડે છે. ભલે ગમે તે લાલચો આવે, છતાં સારા સંસ્કાર પ્રમાણે જીવવાનો તમારો અડગ નિર્ણય હજુ વધારે મક્કમ બને છે. જરા વિચારો કે એનાથી તમે કેટલા સારા શિક્ષક બની શકો! દાખલા તરીકે, તમે કોઈને બાઇબલનું શિક્ષણ આપતા હોવ ત્યારે, તમે ૧ થેસ્સાલોનીકી ૪:૩-૭ની કલમોની આ વધારે સમજણ આપી શકો. આમ, તમે સારા સંસ્કાર વિષેની તેઓની સમજણ અને કદર વધારશો. આ રીતે બાઇબલનું વધારે જ્ઞાન લેવાથી તમને અને બીજાને મદદ મળશે, જેથી યહોવાહને મહિમા મળે. ખરું જોતાં, થેસ્સાલોનીકા મંડળને પાઊલે લખેલા પત્રમાંથી આપણે તો ફક્ત એક જ ઉદાહરણ લીધું છે. પરંતુ, બાઇબલમાં સારા સંસ્કારના ઘણા પાસાં વિષે ચર્ચા કરવામાં આવી છે, ઘણાં ઉદાહરણો અને સલાહ આપતા મુદ્દાઓ પણ છે, જે આપણે શીખીએ, જીવનમાં લાગુ પાડીએ અને બીજાઓને શીખવી શકીએ છીએ.

૧૯. શા માટે તમારે સારા સંસ્કાર પ્રમાણે જ જીવવું જોઈએ?

૧૯ એમાં કોઈ જ શંકા નથી કે, યહોવાહે આપેલા સારા સંસ્કાર જાળવી રાખવામાં જ આપણું ભલું છે. યાકૂબ ૩:૧૭ જણાવે છે કે “જે જ્ઞાન ઉપરથી છે,” એટલે કે યહોવાહ પરમેશ્વર પાસેથી છે, “તે પ્રથમ તો નિર્મળ” છે. એ જ બતાવે છે કે યહોવાહના સેવકોએ પણ એ નિર્મળ જ્ઞાન પ્રમાણે નૈતિક જીવન જીવવું જોઈએ. હકીકતમાં, યહોવાહ અપેક્ષા રાખે છે કે, બાઇબલનું શિક્ષણ બીજાઓને શીખવનારા પોતાના સેવકો ‘પવિત્રતામાં નમૂનારૂપ’ હોય. (૧ તીમોથી ૪:૧૨) પાઊલ અને તીમોથી જેવા વિશ્વાસુ સેવકોનું જીવન એવું જ નમૂનારૂપ છે. તેઓ અનીતિવાળું જીવન જીવ્યા નહિ. પાઊલે એમ પણ કહ્યું હતું: “વ્યભિચાર તથા સર્વ પ્રકારની મલિનતા અથવા લોભ, એઓનાં નામ સરખાં તમારે ન લેવાં, કેમકે સંતોને એજ શોભે છે; નિર્લજ્જ તથા મૂર્ખતાભરેલી વાત અથવા ઠઠામશ્કરી તમારામાં ન થાય.”​—⁠એફેસી ૫:૩, ૪.

૨૦, ૨૧. પ્રેષિત યોહાને ૧ યોહાન ૫:૩માં જે લખ્યું, એની સાથે તમે શા માટે સહમત થાવ છો?

૨૦ બાઇબલમાં યહોવાહ નીતિ-નિયમો અને સારા સંસ્કાર સીધેસીધા જણાવે છે છતાં, એ કંઈ બોજરૂપ નથી. લાંબો સમય ટકી રહેનાર, પ્રેષિત યોહાનનો પોતાનો આ અનુભવ હતો. તેમણે પોતાના આખા જીવનના અનુભવ પરથી જોયું કે, બાઇબલમાં જણાવેલા સારા સંસ્કારને વળગી રહેવામાં કોઈ નુકસાન નથી. એને બદલે, એ તો વ્યક્તિના પોતાના જ ભલામાં છે, અરે એ તેને માટે આશીર્વાદ સાબિત થાય છે. યોહાને આમ લખીને એના પર ભાર મૂક્યો: “આપણે દેવની આજ્ઞાઓ પાળીએ, એજ દેવ પરનો પ્રેમ છે; અને તેની આજ્ઞાઓ ભારે નથી.”​—⁠૧ યોહાન ૫:⁠૩.

૨૧ જો કે ખાસ નોંધ લો કે યોહાને એમ ન કહ્યું કે, નૈતિકતા પર પરમેશ્વરની આજ્ઞા પાળીએ, જેથી આપણે મુસીબતમાં ન ફસાઈએ. ના, પણ તેમણે આજ્ઞા પાળવાનો ખરો હેતુ જણાવ્યો. તેમણે જણાવ્યું કે એ અમૂલ્ય તક છે, જેનાથી આપણે યહોવાહ પરમેશ્વરને આપણો પ્રેમ બતાવી શકીએ. તેથી, આપણે પોતાને કે બીજાઓને પૂરા તન અને મનથી યહોવાહની ભક્તિ કરતા શીખવવું હોય તો, આપણે તેમના નીતિ-નિયમો જરૂર પાળવા જોઈએ. ખરેખર, એનો અર્થ એમ થાય કે આપણે પોતે બાઇબલમાંથી સારા સંસ્કાર શીખીએ અને પછી બીજાઓને શીખવીએ.

[ફુટનોટ્‌સ]

^ જોસેફસે બતાવ્યું કે યહુદીઓનો કોઈ ગુનો ન હતો, તેમ છતાં તેણે યહોવાહનો નિયમ આ રીતે ફરીથી જણાવ્યો: “વિદેશીઓ ભજે છે, એવા દેવોની નિંદા કોઈ ન કરે. તેમ જ, કોઈ વિદેશી મંદિરોને ન લૂંટે, કે તેઓના દેવોને ચઢાવેલી કોઈ કિંમતી ચીજો ન લે.” (ત્રાંસા અક્ષરો અમે કર્યા છે.)​— અગાઉના યહુદી રીતરિવાજો (અંગ્રેજી), ચોથું પુસ્તક, પ્રકરણ ૮, ફકરો ૧૦.

^ અગાઉના યહુદી રીતરિવાજો (અંગ્રેજી), અઢારમું પુસ્તક, પ્રકરણ ૩, ફકરો ૫.

તમને યાદ છે?

• બીજાઓને શીખવતા પહેલાં આપણે પોતે શા માટે શીખવાની જરૂર છે?

• આપણી વાણી અને વર્તન કઈ રીતે યહોવાહને અસર કરી શકે?

• વ્યભિચારી વ્યક્તિ કોને કોને અન્યાય કરી શકે છે?

• બાઇબલના સારા સંસ્કાર વિષે તમારો શું નિર્ણય છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૨ પર ચિત્ર]

“તેની આજ્ઞાઓ ભારે નથી”