સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ધાર્મિક ચિત્રોનું પ્રાચીન મૂળ

ધાર્મિક ચિત્રોનું પ્રાચીન મૂળ

ધાર્મિક ચિત્રોનું પ્રાચીન મૂળ

“ધાર્મિક ચિત્રો દ્વારા આપણે પરમેશ્વર અને તેમના સંતોની કૃપા અને પવિત્રતા મેળવી શકીએ છીએ.” ઑસ્ટ્રેલિયાનું ગ્રીક ઑર્થોડૉક્સ ચર્ચ કહે છે.

ઈજીઅન સમુદ્રમાં ટીનોસ નામનો એક ટાપુ છે, જ્યાં ‘દેવની પવિત્ર માતા’ નામનું એક મઠ છે. ઑગસ્ટ મહિનામાં ત્યાં લઈ જતા સિમેન્ટના પગથિયાં દાઝી જવાય એટલા ગરમ હોય છે. એવા તાપમાં પણ ગ્રીક ઑર્થોડૉક્સ ચર્ચના ૨૫,૦૦૦ ધર્મચુસ્ત સભ્યો, યાત્રાએ જઈ રહ્યા છે. ત્યાં ઈસુની માતા મરિયમની એક મૂર્તિ શણગારેલી છે. તેના દર્શન કરવા માટે યાત્રીઓ સખત ભીડમાં પણ ઉત્સાહથી ધીમે ધીમે ચાલીને જઈ રહ્યાં છે.

એક અપંગ છોકરી તેના ઘૂંટણેથી પગથિયાં ચઢી રહી છે. તેની પાછળ પાછળ એક મોટી ઉંમરની સ્ત્રી માંડ માંડ ચાલી રહી છે. તે ઘણે દૂરથી આવી છે. એક માણસ આગળ નીકળવા ભીડમાં એટલી ધક્કામૂક્કી કરી રહ્યો છે કે તે પરસેવાથી રેબઝેબ થઈ ગયો છે. ત્યાં લોકો મરિયમની છબીને ચુંબન કરે છે.

આ લોકો સાચા દિલથી પરમેશ્વરને ભજવા ઇચ્છે છે. પરંતુ, શું તેઓમાંથી કોઈ જાણે છે કે મૂર્તિ અથવા ધાર્મિક ચિત્રોની ભક્તિ ખ્રિસ્ત પહેલાંની છે?

ધાર્મિક ચિત્રોનો ઉપયોગ

ઑર્થોડૉક્સ ખ્રિસ્તી ચર્ચોમાં બધે જ ધાર્મિક ચિત્રો જોવા મળે છે. એ ચિત્રો ઈસુ, મરિયમ અને “સંતોના” હોય છે. ચર્ચમાં લોકો ચિત્રોને ચુંબન કરીને, ધૂપ બાળીને મીણબત્તી કરે છે. તેઓ ઘરોમાં પૂજા માટે ખાસ જગ્યા રાખે છે. તેઓ માને છે કે ધાર્મિક ચિત્રો દ્વારા પરમેશ્વરને ભજી શકાય છે. ઘણા એમ કહે છે કે એ ચિત્રોમાં પરમેશ્વર વસે છે અને એમાં ચમત્કારિક શક્તિ હોય છે.

તમને નવાઈ લાગશે કે પ્રથમ સદીના ખ્રિસ્તીઓ ધાર્મિક ચિત્રોની ભક્તિ કરતા ન હતા. બાયઝાન્ટીયમનું પુસ્તક કહે છે: “યહૂદીઓની જેમ પ્રથમ સદીના ખ્રિસ્તીઓ પણ દરેક પ્રકારની મૂર્તિપૂજાને ધિક્કારતા હતા.” એ પુસ્તક આગળ કહે છે: “પાંચમી સદીથી મૂર્તિઓ અને ધાર્મિક ચિત્રો . . . દરેક જગ્યાએ જોવા મળતા હતા.” જો પ્રથમ સદીમાં ખ્રિસ્તીઓએ ધાર્મિક ચિત્રોની શરૂઆત કરી ન હોય તો એ ક્યાંથી થઈ?

ધાર્મિક ચિત્રોનું મૂળ

સંશોધક વીટલજી ઇવાનય્‌ચ પિટ્રેનકોએ લખ્યું: “ખ્રિસ્તી યુગ શરૂ થયો એના વર્ષો પહેલાં ‘મૂર્તિઓને ભજવાનો રિવાજ’ હતો.” જો કે ઘણા ઇતિહાસકાર એની સાથે સહમત થતાં કહે છે કે પ્રાચીન બાબેલોન, ઇજિપ્ત અને ગ્રીસમાં મૂર્તિઓ તથા ધાર્મિક ચિત્રોની ભક્તિ કરવામાં આવતી હતી. દાખલા તરીકે, પ્રાચીન ગ્રીસમાં તો લોકો પોતાના દેવદેવીઓની મૂર્તિ બનાવતા હતા. તેઓને લાગ્યું કે એમાં પરમેશ્વર વસે છે અને અમુક મૂર્તિઓ સ્વર્ગમાંથી ઊતરી આવી છે. અમુક તહેવારોમાં આવી મૂર્તિ લઈને તેઓ આખા શહેરમાં સરઘસ કાઢતા હતા. પિટ્રેનકો કહે છે, “લોકો એવું માનતા કે એ મૂર્તિ પોતે દેવ છે. તેમ છતાં, દેવ અને મૂર્તિ વચ્ચેનો તફાવત પારખવા અમુક પ્રયત્નો . . . કરવામાં આવ્યા હતા.”

તો પછી, આ માન્યતાઓ અને રિવાજો કેવી રીતે ખ્રિસ્તી ધર્મમાં આવ્યા? પિટ્રેનકો કહે છે કે ખ્રિસ્તના શિષ્યોના સમય પછી, ખાસ કરીને ઇજિપ્તમાં, “ગ્રીક, એશિયન, રૂમી અને યહૂદી ધર્મોની માન્યતાઓ ખ્રિસ્તી ધર્મને અસર કરવા લાગી. ત્યારે ખ્રિસ્તી પાદરીઓએ આ વિવિધ માન્યતાઓને નવું રૂપ આપીને મૂર્તિઓને ખ્રિસ્તી ધર્મનો એક ભાગ બનાવ્યો.”

પછી દરેક સ્થળે ધાર્મિક ચિત્રો તેમ જ મૂર્તિઓ દેખાવા લાગી. વિશ્વાસના સમયમાં (અંગ્રેજી) પુસ્તકમાં ઇતિહાસકાર વિલ ડ્યુરાન્ટ જણાવે છે કે એ કેવી રીતે બન્યું. તે કહે છે: “જે સંતોને ભજવામાં આવતા હતા તેઓની સંખ્યા વધવા લાગી અને તેઓ ભૂલાઈ ન જાય એ માટે યાદી બનાવવામાં આવી; એ યાદીની સાથે તેઓના અને મરિયમના મોટી સંખ્યામાં ચિત્રો બનાવવામાં આવ્યા; તેમ જ તેઓ ઈસુની મૂર્તિ બનાવવા લાગ્યા, એટલું નહિ, ક્રોસને પણ ભજવા લાગ્યા. તેથી લોકો એને મંતરેલા માદળિયાની જેમ રાખવા લાગ્યા. પછી તેઓ મન ફાવે તેમ મૂર્તિઓ અને ચિત્રો બનાવવા લાગ્યા. એટલું જ નહિ, પરંતુ એને ભજવા મીણબત્તી અને ધૂપ કરવા લાગ્યા તથા ચુંબન કરીને મૂર્તિઓને ફૂલહાર પહેરાવવા લાગ્યા. વળી તેઓ એવી આશા પણ રાખવા લાગ્યા કે મૂર્તિ કોઈક ચમત્કારો કરશે. . . . પાદરીઓ અને ચર્ચના સલાહકારોએ વારંવાર લોકોને સમજાવ્યું કે મૂર્તિમાં દેવ વસતા નથી પણ એ ફક્ત તેમની યાદ જ અપાવે છે; છતાં લોકોએ માન્યું નહીં.”

આજે પણ ઘણા લોકો અનેક પ્રકારની મૂર્તિઓ અને ચિત્રોનો ઉપયોગ કરે છે. તેથી, તેઓ કદાચ એવું કહેશે કે મૂર્તિને અમે ભજતા નથી, પરંતુ એના દ્વારા પરમેશ્વરને ભજીએ છીએ. તેઓ કદાચ કહેશે કે પરમેશ્વરને ભજવા માટે ધાર્મિક ચિત્રો ઉપયોગી છે. જો કે, કદાચ તમે પણ એવું જ માનતા હશો. પરંતુ સવાલ એ છે કે પરમેશ્વરને એ વિષે કેવું લાગે છે? એમાં શું કોઈ જોખમ રહેલું છે? શું એવું બની શકે કે પરમેશ્વર મૂર્તિપૂજાની વિરુદ્ધ હોય?

[પાન ૪ પર બોક્સ/ચિત્ર]

મૂર્તિઓ અને ધાર્મિક ચિત્રો શું છે?

મોટા ભાગે રોમન કૅથલિકો મૂર્તિઓને ભજે છે. પરંતુ, ગ્રીક ઑર્થોડૉક્સ ખ્રિસ્તીઓ ચર્ચમાં ખ્રિસ્ત, મરિયમ, “સંતો,” સ્વર્ગ દૂતો, બાઇબલની પ્રાચીન વ્યક્તિઓ અને બનેલી ઘટનાઓના ચિત્રોને ભજે છે. સામાન્ય રીતે, એ ચિત્રો લાકડાના પાટિયાં પર દોરેલા હોય છે.

ઑર્થોડૉક્સ ચર્ચના કહેવા પ્રમાણે, ‘સંતોના ચિત્રો સામાન્ય માણસ જેવા દેખાતા નથી.’ એ નજીક તથા દૂરથી એવા જ દેખાય છે અને ‘એમાં પડછાયો પણ જોવા મળતો નથી. એ ચિત્રમાં દિવસનું કે રાતનું દૃશ્ય છે એ પારખી શકાતું નથી.’ તેમ જ એવું માનવામાં આવે છે કે પાટિયાં પર જે ધાર્મિક ચિત્ર દોરવામાં આવ્યું છે એમાં “પરમેશ્વર વસે છે.”

[પાન ૪ પર ચિત્ર]

ઈસુ પૃથ્વી પર આવ્યા એ પહેલાં મૂર્તિઓનો ઉપયોગ થતો હતો

[પાન ૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

© AFP/CORBIS