સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહની સેવામાં આપણા ભાઈચારાએ મને ટકાવી રાખ્યો!

યહોવાહની સેવામાં આપણા ભાઈચારાએ મને ટકાવી રાખ્યો!

મારો અનુભવ

યહોવાહની સેવામાં આપણા ભાઈચારાએ મને ટકાવી રાખ્યો!

થોમસન કંગાલેના જણાવ્યા પ્રમાણે

એપ્રિલ ૨૪, ૧૯૯૩ના રોજ, મને લુસાકા, ઝાંબિયાની ૧૩ ઇમારતોવાળી નવી શાખા કચેરીના ઉદ્‍ઘાટન કાર્યક્રમમાં આવવાનું નિમંત્રણ મળ્યું. હું બરાબર ચાલી શકતો ન હોવાથી, શાખા સવલત બતાવતી પ્રેમાળ બહેને મને પૂછ્યું, “શું હું તમારા માટે એક ખુરશી સાથે લઉં જેથી તમે થોડા થોડા અંતરે થોડી વાર બેસી શકો?” હું કાળિયો છું અને તે ગોરી ચામડીની હોવા છતાં, એ તેના માટે કંઈ  મહત્ત્વનું ન હતું. મેં તેની ભલમનસાઈની ઊંડી કદર કરી કેમ કે તેના લીધે હું આખી શાખા સવલતને જોઈ શક્યો.

વર્ષોથી આવા અનુભવોએ મારા હૃદયને આનંદથી ભરી દીધું છે. ઈસુએ કહ્યું હતું કે તેમના શિષ્યો સાચા પ્રેમથી ઓળખાઈ આવશે અને યહોવાહના સાક્ષીઓમાં આવો પ્રેમ જોઈને મારો ભરોસો વધારે દૃઢ થયો છે. (યોહાન ૧૩:૩૫; ૧ પીતર ૨:​૧૭) ચાલો હું તમને બતાવું કે આ ખ્રિસ્તીઓને ૧૯૩૧માં હું કઈ રીતે ઓળખતો થયો. એ સમયે તેઓ બાઇબલ આધારિત નામ, યહોવાહના સાક્ષીઓ તરીકે જાહેરમાં ઓળખાવા ઇચ્છતા હતા.​—⁠યશાયાહ ૪૩:⁠૧૨.

આફ્રિકામાં શરૂઆતનું સેવાકાર્ય

નવેમ્બર ૧૯૩૧માં, હું ૨૨ વર્ષનો હતો ત્યારે ઉત્તર રોડીસાના (હમણાં ઝાંબિયા) કોપરબેલ્ટ પ્રદેશમાં આવેલા કીટવે ગામમાં રહેતો હતો. મારી સાથે ફૂટબૉલ રમતા એક મિત્રએ મને યહોવાહના સાક્ષીઓની ઓળખાણ કરાવી. હું તેઓની કેટલીક સભાઓમાં ગયો. ત્યાર પછી, મેં બાઇબલ અભ્યાસ પુસ્તક ધ હાર્પ ઑફ ગોડ * માટે દક્ષિણ આફ્રિકામાં આવેલી કૅપ ટાઉનની શાખા કચેરીને લખ્યું. એ પુસ્તક અંગ્રેજીમાં હતું. મને અંગ્રેજી બરાબર આવડતું ન હોવાથી એ પુસ્તક ઘણું અઘરું લાગતું હતું.

દક્ષિણ-પશ્ચિમના લેક બૅંગ્વીઉલુંથી લગભગ ૨૪૦ કિલોમીટર દૂર આવેલા કોપરબેલ્ટ પ્રદેશ નજીક મારો ઉછેર થયો હતો. અહીં ઘણા લોકો તાંબાની ખાણમાં કામ કરવા આવતા હતા. સાક્ષીઓ ત્યાં અલગ અલગ વૃંદમાં નિયમિત બાઇબલ ચર્ચા માટે ભેગા મળતા. થોડા સમય પછી, હું કીટવે નજીક આવેલા ઈન્ડોલા શહેરમાં ગયો અને ત્યાં સાક્ષીઓના વૃંદ સાથે સંગત રાખવાનું શરૂ કર્યું. એ સમયે, હું પ્રીન્સ ઑફ વેલથી ઓળખાતી ફૂટબોલ ટીમનો કેપ્ટન હતો. હું આફ્રિકન લૅક્સ કોર્પોરેશનના ગોરા મેનેજરના ઘરે કામ કરતો હતો. આ કંપનીની મધ્ય આફ્રિકામાં ઘણી દુકાનો હતી.

હું વધારે ભણ્યો ન હતો અને બહુ જ ઓછું અંગ્રેજી જાણતો હતો. એ પણ હું જે યુરોપીયન પાસે કામ કરતો હતો ત્યાંથી શીખ્યો હતો. તેમ છતાં, હું વધારે દુન્યવી શિક્ષણ લેવા માટે ઉત્સુક હતો. આથી, મેં દક્ષિણ રોડીસાની (હમણાં ઝીંબાબ્વે) પામટ્રી શાળામાં અભ્યાસ કરવા અરજી કરી. એ જ સમયે, મેં કૅપ ટાઉન શાખાને પણ એક પત્ર લખીને જણાવ્યું કે મેં ધ હાર્પ ઓફ ગોડ પુસ્તક મેળવ્યું છે અને હું યહોવાહની પૂરા સમયની સેવા કરવા ઇચ્છું છું.

તેઓનો જવાબી પત્ર મળ્યો ત્યારે મને ઘણું આશ્ચર્ય થયું. તેઓએ લખ્યું હતું: “તમે યહોવાહની સેવા કરવા ઇચ્છો છો એની અમે કદર કરીએ છીએ. અમે તમને એ વિષે યહોવાહને પ્રાર્થના કરવાનું ઉત્તેજન આપીએ છીએ, યહોવાહ તમને સત્ય વિષેની સારી સમજણ મેળવવા મદદ કરશે અને તમને સેવા કરવા યોગ્ય જગ્યાએ મૂકશે.” એ પત્રને અનેક વાર વાંચ્યા પછી, મારે શું કરવું જોઈએ એ વિષે મેં ઘણા ભાઈબહેનોને પૂછ્યું. તેઓએ કહ્યું: “જો તમે ખરેખર યહોવાહની સેવા કરવા માંગતા હોવ તો, આગળ વધો અને જે યોગ્ય છે એ કરો.”

આખું અઠવાડિયું મેં એ બાબત વિષે પ્રાર્થના કરી અને છેવટે વધારે દુન્યવી શિક્ષણ લેવાનો વિચાર પડતો મૂકીને સાક્ષીઓ સાથે બાઇબલ ચર્ચા ચાલુ રાખવાનું નક્કી કર્યું. ત્યાર પછીના વર્ષે જાન્યુઆરી ૧૯૩૨માં, મેં યહોવાહને મારું સમર્પણ કરીને પાણીનું બાપ્તિસ્મા  લીધું. ઈન્ડોલા નજીક આવેલા લ્યુઆન્સા શહેરમાં ગયા પછી, હું સાથી સાક્ષી જેનેટને મળ્યો. અમે સપ્ટેમ્બર ૧૯૩૪માં લગ્‍ન કર્યા. અમે લગ્‍ન કર્યા ત્યારે, જેનેટ એક દીકરો અને એક દીકરીની મા હતી.

ધીમે ધીમે, મેં આત્મિક પ્રગતિ કરી અને ૧૯૩૭માં પૂરા સમયના સેવક તરીકે જોડાયો. થોડા જ સમયમાં, મને પ્રવાસી સેવક તરીકે નિયુક્ત કરવામાં આવ્યો કે જેને હાલમાં સરકીટ નિરીક્ષક કહેવામાં આવે છે. પ્રવાસી નિરીક્ષક યહોવાહના સાક્ષીઓના મંડળોને દૃઢ કરવા તેઓની મુલાકાત લે છે.

શરૂઆતના વર્ષોમાં પ્રચાર કરવો

જાન્યુઆરી ૧૯૩૮માં, મને એક આફ્રિકન મુખી, સોકોન્ટવીની મુલાકાત લેવાનું જણાવવામાં આવ્યું. તેમણે યહોવાહના સાક્ષીઓને પોતાની મુલાકાત લેવાની વિનંતી કરી હતી. તેમના વિસ્તારમાં જવા માટે મેં ત્રણ દિવસ સાઇકલ પર મુસાફરી કરી. મેં તેમને કહ્યું કે અમારી કૅપ ટાઉન કચેરીને લખેલા તેમના પત્રના જવાબમાં મને મોકલવામાં આવ્યો છે ત્યારે, તે ખૂબ જ ગદ્‍ગદિત થઈ ગયા.

હું તેમના લોકોના એકેએક ઝૂંપડામાં ગયો અને તેઓને ઈન્સાકા (જાહેર માંડવામાં) આવવાનું આમંત્રણ આપ્યું. તેઓ ભેગા થયા ત્યારે, મેં ટોળાને ભાષણ આપ્યું. પરિણામે, ઘણા લોકો સાથે બાઇબલ ચર્ચા શરૂ થઈ. ત્યાર પછી ગામના મુખિયા અને તેમનો ક્લાર્ક ત્યાંના મંડળોના પ્રથમ નિરીક્ષક બન્યા. આજે એ વિસ્તારમાં ૫૦ કરતાં વધારે મંડળો છે જે હવે સામ્ફ્યા ડિસ્ટ્રીક્ટ તરીકે ઓળખાય છે.

વર્ષ ૧૯૪૨થી ૧૯૪૭ સુધી, મેં લૅક બૅંગ્વીઉલુંના આસપાસના વિસ્તારોમાં કામ કર્યું. હું દરેક મંડળો સાથે દસ દિવસ પસાર કરતો. એ સમયે આત્મિક કાપણીના મજૂરો થોડા હોવાથી, અમે આપણા પ્રભુ, ઈસુ ખ્રિસ્તે કર્યું અને કહ્યું એવું જ વલણ રાખ્યું: “ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે. એ માટે તમે ફસલના ધણીની પ્રાર્થના કરો, કે તે પોતાની ફસલને સારૂ મજૂરો મોકલે.” (માત્થી ૯:​૩૬-​૩૮) એ શરૂઆતના દિવસોમાં મુસાફરી કરવી સહેલું ન હતું. આથી જેનેટ સામાન્ય રીતે લુઆન્સામાં બાળકો સાથે રહેતી અને હું મંડળોની મુલાકાતે જતો. અમને બીજા બે છોકરાં  પણ થયા પરંતુ તેમાંનો એક દસ મહિના પછી મરણ પામ્યો.

જોકે, એ સમયે ઘણાં વાહનો કે રસ્તાઓ ન હતા. એક દિવસે, મેં જેનેટની સાઇકલ લઈને ૨૦૦ કિલોમીટરની મુસાફરી શરૂ કરી. અમુક સમયે મારે નાની નદી ઓળંગવાની હોય ત્યારે, હું ખભા પર સાઇકલ મૂકીને એક હાથે એને પકડતો અને બીજા હાથથી તરીને નદી પાર કરતો હતો. લુઆન્સામાં અચાનક સાક્ષીઓની સંખ્યામાં વધારો થયો અને ૧૯૪૬માં ૧,૮૫૦ લોકો ખ્રિસ્તના સ્મરણપ્રસંગમાં આવ્યા હતા.

વિરોધનો સામનો કરવો

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એક પ્રસંગે, કાવામ્બાવાના જિલ્લા કમિશનરે મને બોલાવ્યો અને કહ્યું: “હું ઇચ્છું છું કે તું વોચટાવર સોસાયટીના પુસ્તકોનો ઉપયોગ કરવાનું બંધ કરી દે, કેમ કે હવે એના પર પ્રતિબંધ છે. પરંતુ, હું તને બીજું કામ આપી શકું કે જેનાથી તું તારા કાર્યમાં ઉપયોગમાં લઈ શકે એવા બીજા પુસ્તકો લખી શકે.”

મેં કહ્યું: “મારી પાસે જે સાહિત્ય છે એનાથી હું સંતુષ્ટ છું. મારે વધારે કશાની જરૂર નથી.”

તેમણે કહ્યું, (એ સમયે આપણું સાહિત્ય અમેરિકામાં છાપવામાં આવતું હતું), “તું અમેરિકાના લોકોને બરાબર ઓળખતો નથી. તેઓ તને ગેરમાર્ગે દોરશે.”

મેં જવાબ આપ્યો, “ના, હું જેઓ સાથે સંગત રાખું છું તેઓ મને ગેરમાર્ગે નહિ દોરે.”

ત્યારે તેમણે પૂછ્યું: “શું તું તારા મંડળોના લોકોને ઉત્તેજન ન આપી શકે કે તેઓ પણ બીજા ધર્મના લોકોની જેમ યુદ્ધ માટે આર્થિક રીતે મદદ કરે?”

મેં જવાબ આપ્યો, “એ કામ સરકારી નોકરનું છે.”

તેમણે કહ્યું: “કેમ નહિ કે તું ઘરે જઈને એના પર વિચાર કરે?”

મેં કહ્યું: “નિર્ગમન ૨૦:૧૩ અને ૨ તીમોથી ૨:૨૪ અમને ખૂન અને યુદ્ધ ન કરવાની સલાહ આપે છે.”

એ સમયે મને જવા દેવામાં આવ્યો પરંતુ, પછીથી જિલ્લા કમિશનરે મને ફોર્ટ રોસબેરી શહેરમાં બોલાવ્યો જે હવે મૅન્સા તરીકે જાણીતું છે. તેમણે કહ્યું: “મેં તને એ કહેવા બોલાવ્યો છે કે સરકારે તારા પુસ્તકો પર પ્રતિબંધ મૂક્યો છે.”

મેં કહ્યું: “હા, મેં એ વિષે સાંભળ્યું છે.”

“તો હવે તારા મંડળોમાં જા અને તું જેઓ સાથે ઉપાસના કરે છે એ સર્વ લોકોને કહે કે તેઓ બધા જ પુસ્તકો અહીં લાવે. સમજ્યો?”

મેં જણાવ્યું: “એ મારું કામ નથી. એ જવાબદારી તો સરકારી નોકરોની છે.”

અણધારી મુલાકાતથી મળેલું ફળ

યુદ્ધ પછી, અમે પ્રચાર કરવાનું ચાલુ રાખ્યું. વર્ષ ૧૯૪૭માં, એક દિવસ મ્વાન્ઝા ગામમાં પ્રચાર કર્યા પછી મને ચા પીવાનું મન થયું. હું ચાની તપાસ કરતો હતો ત્યારે, કોઈએ મને શ્રીમાન કૉન્ડીનું ઘર બતાવ્યું કે જ્યાં ચા મળતી હતી. શ્રીમાન કૉન્ડી અને તેમની પત્નીએ મને આવકાર્યો. મેં શ્રીમાન કૉન્ડીને “લેટ ગોડ બી ટ્રુ” પુસ્તક આપ્યું અને હું મારી ચા પી લઉં ત્યાં સુધી “નરક, આશામાં આરામ કરવાની જગ્યા” પ્રકરણ વાંચવાનું કહ્યું.

ચા પૂરી કર્યા પછી મેં પૂછ્યું: “તમે નરક વિષે શું વિચારો છો?” પુસ્તકમાં જે વાંચ્યું હતું એનાથી આશ્ચર્ય પામીને, તેમણે સાક્ષીઓ સાથે બાઇબલની ચર્ચા કરવાનું શરૂ કર્યું અને પછી તેમણે અને તેમની પત્નીએ બાપ્તિસ્મા લીધું. જોકે તે સાક્ષી તરીકે ટકી રહ્યાં નહિ, પરંતુ તેમની પત્ની અને કેટલાક બાળકો સત્યમાં દૃઢ રહ્યાં. તેમની એક છોકરી, પીનલી હજુ પણ ઝાંબિયાની યહોવાહના સાક્ષીઓની શાખા કચેરીમાં સેવા આપે છે. પીનલીની માતા વૃદ્ધ હોવા છતાં, હજુ પણ વિશ્વાસુ સાક્ષી છે.

પૂર્વ આફ્રિકામાં થોડો સમય

લુઆન્સામાં ૧૯૪૮ની શરૂઆતમાં ખોલવામાં આવેલી આપણી ઉત્તર રોડીસાની શાખાએ મને ટાંગનઈકામાં (હમણાં ટાન્ઝાનિયા) સોંપણી આપી. બીજા એક સાક્ષી ભાઈ અમારી સાથે આવ્યા અને અમે ચાલતા ચાલતા પહાડી વિસ્તારમાં મુસાફરી કરી. એ મુસાફરીમાં ત્રણ દિવસ ગયા અને એ ખૂબ જ થકવી નાખનારી હતી. મેં પુસ્તકો ભરેલું ખોખું અને મારી પત્નીએ કપડાંનું પોટલું ઊંચક્યું હતું. બીજા ભાઈએ અમારા બિછાનાની વસ્તુઓ ઊંચકી હતી.

અમે માર્ચ ૧૯૪૮માં અમ્બેયા પહોંચ્યા ત્યારે, ત્યાં ભાઈઓમાં બાઇબલ શિક્ષણના સુમેળમાં રહેવા જરૂરી ફેરફારો કરવા માટે ઘણું કાર્ય કરવાનું હતું. દાખલા તરીકે, અમે એ વિસ્તારમાં વૉચટાવર લોકો તરીકે જાણીતા હતા. જોકે, ભાઈઓને યહોવાહના સાક્ષીઓ નામ સ્વીકાર્ય હતું છતાં, જાહેર જનતાને એ બતાવવામાં આવતું ન હતું. વધુમાં, કેટલાક સાક્ષીઓએ મૂએલાઓની ઉપાસનાને લગતા અમુક રિવાજો છોડવાની જરૂર હતી. ઘણા માટે તો પોતાના લગ્‍નને કાનૂની નોંધણી દ્વારા સર્વ સમક્ષ માનનીય બનાવવું સૌથી વધારે મુશ્કેલ હતું.​—⁠હેબ્રી ૧૩:⁠૪.

પછી મને યુગાન્ડા સહિત પૂર્વ આફ્રિકાના બીજા વિસ્તારોમાં પણ સેવા કરવાનો લહાવો મળ્યો. મેં છ અઠવાડિયા એનટેબે અને કામ્પાલામાં પસાર કર્યા અને ઘણા લોકોને બાઇબલ સત્ય શીખવા મદદ કરી.

ન્યૂ યૉર્ક શહેરમાં આમંત્રણ

યુગાન્ડામાં થોડો સમય સેવા કર્યા પછી, હું ૧૯૫૬ની શરૂઆતમાં દારેસલામમાં આવ્યો કે જે ટાંગનઈકાનું પાટનગર છે. ત્યાં યહોવાહના સાક્ષીઓના મુખ્ય મથકેથી મારા માટે એક પત્ર આવ્યો હતો. એમાં જુલાઈ ૨૭થી ઑગસ્ટ ૩, ૧૯૫૮માં રાખવામાં આવેલા આંતરરાષ્ટ્રીય મહાસંમેલન માટે ન્યૂ યૉર્ક જવા તૈયારી શરૂ કરવા વિષે જણાવવામાં આવ્યું હતું. કલ્પના કરો કે એનાથી મને કેટલો આનંદ થયો હશે.

સમય આવ્યો ત્યારે, મેં અને બીજા પ્રવાસી નિરીક્ષક લુકા  મ્વાન્ગોએ ઈન્ડોલાથી સાલ્સબેરી (હમણાં હરારે), ઉત્તર રોડીસા અને ત્યાર પછી કેન્યા, નૈરોબી વિમાનમાં મુસાફરી કરી. ત્યાંથી અમે લંડન, ઇંગ્લૅંડ જવા વિમાનમાં બેઠા. ત્યાં અમારું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ઇંગ્લૅંડમાં પહોંચ્યા એ રાતે અમે સૂવા ગયા ત્યારે, અમે ખૂબ જ ઉત્તેજિત હતા અને અમે મોડે સુધી વાતો કરતા રહ્યાં કે અમે આફ્રિકન હોવા છતાં, આ ગોરા લોકોએ કેવી સરસ રીતે આવકાર્યા અને પરોગણાગત કરી. ખરેખર, એ અનુભવ ખૂબ જ ઉત્તેજનકારક હતો.

છેવટે અમે સંમેલન રાખવામાં આવ્યું હતું એ ન્યૂ યૉર્ક શહેરમાં પહોંચ્યા. એક દિવસ સંમેલન દરમિયાન, મેં ઉત્તર રોડીસાના યહોવાહના સાક્ષીઓની પ્રવૃત્તિનો અહેવાલ આપ્યો. એ દિવસે ન્યૂ યૉર્ક શહેરના પોલો ગ્રાઉન્ડ અને યાંકી સ્ટેડિયમમાં લગભગ ૨,૦૦,૦૦૦ની હાજરી હતી. મને આપવામાં આવેલા એ અદ્‍ભુત લહાવા પર વિચાર કરતા હું એ રાત્રે સૂઈ શક્યો નહિ.

મહાસંમેલન બહુ ઝડપથી પસાર થઈ ગયું અને અમે ઘરે પાછા ફર્યા. અમે ઘરે આવી રહ્યાં હતા ત્યારે, ફરીથી ઇંગ્લૅંડના આપણા ભાઈ-બહેનોની પ્રેમાળ પરોણાગતનો આનંદ માણ્યો. ભલે ગમે તે જાતિના કે દેશના હોય, પરંતુ એ મુસાફરી દરમિયાન યહોવાહના લોકોએ અમારા પ્રત્યે જે એકતા બતાવી હતી એ અમે કદી ભૂલીશું નહિ!

સેવામાં મંડ્યા રહેવું અને મુશ્કેલીઓનો સામનો કરવો

વર્ષ ૧૯૬૭માં મને દરેક સરકીટની મુલાકાત લેતા જિલ્લા સેવક તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. એ સમયે ઝાંબિયાના સાક્ષીઓ વધીને ૩૫,૦૦૦ કરતાં વધારે થયા. પછી મારા બગડતા જતા સ્વાસ્થ્યને લીધે, મને ફરીથી કોપરબેલ્ટમાં સરકીટ નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. છેવટે, જેનેટ ગંભીર બીમારીમાં પટકાઈ અને ડિસેમ્બર ૧૯૮૪માં મરણ પામી.

જેનેટના મરણ પછી, તેના વિધર્મી કુટુંબીજનોએ મારા પર આરોપ મૂક્યો કે હું મેલીવિદ્યા આચરતો હોવાથી તેનું મરણ થયું હતું. એનાથી મને ઊંડો આઘાત લાગ્યો. પરંતુ બીજા કેટલાક જેનેટની બીમારી વિષે જાણતા હતા અને તેના ડૉક્ટર સાથે પણ વાત કરી હતી. તેઓએ સાચી હકીકત શું છે એ સગાઓને બતાવ્યું. ત્યાર પછી બીજી એક મુશ્કેલી આવી. કેટલાક સગાં ઇચ્છતા હતા કે હું યુકુપ્યાનિકા રિવાજ પાળું. હું જે ધર્મમાંથી આવતો હતો એમાં એવો રિવાજ હતો કે કોઈ એક સાથી મરણ પામે ત્યારે, બીજા સાથીએ મરહૂમના નજીકના સગા સાથે જાતીય સંબંધ રાખવો. મેં એનો નકાર કર્યો.

છેવટે, સગાંઓના દબાણનો અંત આવ્યો. હું યહોવાહનો આભારી હતો કે તેમણે મને મક્કમ સ્થાન લેવા મદદ કરી. મારી પત્નીના મરણના એક મહિના પછી, એક ભાઈએ મારી પાસે આવીને કહ્યું: “ભાઈ કંગાલે, તમારી પત્નીના મરણ વખતે તમારા તરફથી અમને ખરેખર ઉત્તેજન મળ્યું કેમ કે તમે એક પણ દુષ્ટ રિવાજમાં ફસાયા ન હતા. અમે તમારો ઘણો જ આભાર માનીએ છીએ.”

અદ્‍ભુત કાપણી

મેં યહોવાહના સાક્ષીઓના પૂરા સમયના સેવક તરીકે કાર્ય શરૂ કર્યું એને ૬૫ વર્ષ પસાર થઈ ગયા છે. હું એક સમયે પ્રવાસી નિરીક્ષક તરીકે સેવા આપતો હતો એ વિસ્તારોમાં હજારો નવા મંડળો સ્થપાયા અને નવા રાજ્યગૃહો બાંધવામાં આવ્યા એ જોવું કેટલું આનંદ આપનારું છે! ઝાંબિયામાં વર્ષ ૧૯૪૩માં ૨,૮૦૦ સાક્ષીઓથી વધીને આજે ૧,૨૨,૦૦૦ રાજ્ય પ્રચારકો થયા છે. આ ૧.૧ કરોડ કરતાં ઓછી વસ્તી ધરાવતા દેશમાં, ગયા વર્ષે ૫,૧૪,૦૦૦ લોકોએ સ્મરણપ્રસંગમાં હાજરી આપી હતી.

હા, યહોવાહ મારી કાળજી રાખે છે. ડૉક્ટરની જરૂર હોય ત્યારે, ખ્રિસ્તી ભાઈ મને દવાખાને લઈ જાય છે. મંડળો હજુ પણ મને જાહેર ભાષણ આપવા આમંત્રણ આપે છે, જેનાથી મને ઘણું ઉત્તેજન મળે છે. હું જે મંડળની સંગત રાખું છું એ મંડળની બહેનો વારાફરતી આવીને મારું ઘર સાફ કરી આપે છે અને ભાઈઓ સ્વેચ્છાએ મને દર અઠવાડિયે તેમની સાથે સભામાં લઈ જાય છે. હું જાણું છું કે જો હું યહોવાહની સેવા ન કરતો હોત તો મેં ક્યારેય પણ આવી પ્રેમાળ સંગતનો આનંદ માણ્યો ન હોત. યહોવાહ આજે પણ પૂરા સમયના સેવક તરીકે મારો ઉપયોગ કરી રહ્યા છે અને મને ઘણી જવાબદારીઓ આપી છે જે માટે હું તેમનો ઘણો આભાર માનું છું.

હવે હું બરાબર જોઈ શકતો નથી અને રાજ્યગૃહમાં જઉં છું ત્યારે થોડી થોડી વારે આરામ લેવો પડે છે. હવે મને મારી સભાની બેગ ભારે લાગે છે. તેથી, સભાઓમાં જરૂર ન હોય એવા પુસ્તકોને કાઢી લઈને હું બેગનું વજન ઓછું કરું છું. મારા ઘરે આવતા લોકો સાથે હું જે બાઇબલ અભ્યાસ કરું છું એ જ મારું પ્રચાર કાર્ય છે. તોપણ, હું પાછલાં વર્ષોનો વિચાર કરું છું અને થયેલા અદ્‍ભુત વધારા પર મનન કરું છું ત્યારે મને ખૂબ આનંદ થાય છે! મેં એવા વિસ્તારોમાં કામ કર્યું છે કે જ્યાં યશાયાહ ૬૦:૨૨માં નોંધેલા યહોવાહના શબ્દોની અદ્‍ભુત પરિપૂર્ણતા થઈ છે. એ બતાવે છે: “છેક નાનામાંથી હજાર થશે, ને જે નાનકડો છે તે બળવાન પ્રજા થશે; હું યહોવાહ ઠરાવેલે સમયે તે જલદી કરીશ.” ખરેખર, આ બાબત મેં ફક્ત ઝાંબિયામાં જ નહિ પરંતુ આખા જગતમાં મારી આંખોએ જોઈ છે. *

[ફુટનોટ્‌સ]

^ યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત. પરંતુ, હવે એ છપાતું નથી.

^ દુઃખની વાત છે કે પ્રકાશન માટે આ લેખ તૈયાર કરવામાં આવી રહ્યો હતો ત્યારે ભાઈ કંગાલે મરણ પામ્યા.

[પાન ૨૪ પર ચિત્રો]

પાછળના ભાગમાં ઝાંબિયા શાખામાં થોમસન સાથે

[પાન ૨૬ પર ચિત્ર]

હાલની ઝાંબિયા શાખા