સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“સચ્ચાઈથી” પરમેશ્વરને ભજો

“સચ્ચાઈથી” પરમેશ્વરને ભજો

“સચ્ચાઈથી” પરમેશ્વરને ભજો

“તો તમે ઈશ્વરને કોની સાથે સરખાવશો? એના રૂપની તુલના તમે શાની સાથે કરશો?” યશાયા ૪૦:​૧૮, “સંપૂર્ણ બાઇબલ”

કદાચ તમે એવું માનતા હશો કે પરમેશ્વરને ભજવા માટે ધાર્મિક ચિત્ર કે મૂર્તિઓનો ઉપયોગ કરવામાં કંઈ ખોટું નથી. તમને કદાચ એવું પણ લાગી શકે કે તે નિરાકાર હોવાથી મૂર્તિ દ્વારા તેમની સમક્ષ જવા માટે એ ઉપયોગી છે.

પરંતુ, તેમની સમક્ષ જવા માટે શું આપણે મન ફાવે એ રીતે તેમને ભજવું જોઈએ કે પછી પરમેશ્વરની રીતે? એ વિષે ઈસુએ પરમેશ્વરના વિચારો જણાવતા આમ કહ્યું: “હું જ માર્ગ છું, હું જ સત્ય છું અને હું જ જીવન છું. જે કોઈ પરમપિતા પાસે જાય છે તે મારી મારફતે જ જાય છે.” (યોહાન ૧૪:૬) * આ શબ્દો જ બતાવે છે કે કોઈ પણ પ્રકારના ધાર્મિક ચિત્રો અથવા મૂર્તિનો ઉપયોગ કરવો ન જોઈએ.

હા, યહોવાહ પરમેશ્વર અમુક પ્રકારની જ ભક્તિ સ્વીકારે છે. એ વળી કયા પ્રકારની છે? બીજા એક પ્રસંગે ઈસુએ આમ કહ્યું હતું: “એનો સમય આવી રહ્યો છે, અરે, હાલ આવી પહોંચ્યો છે, જ્યારે સાચા ઉપાસકો આત્માથી અને સચ્ચાઈથી પરમપિતાની ઉપાસના કરશે. પરમપિતાને એવા જ ઉપાસકો જોઈએ છે. ઈશ્વર આત્મસ્વરૂપ છે, એટલે જેઓ એની ઉપાસના કરે તેમણે આત્માથી અને સચ્ચાઈથી ઉપાસના કરવી જોઈએ.”​—⁠યોહાન ૪:૨૩, ૨૪.

જો પરમેશ્વર “આત્મા” હોય તો શું તેમની પ્રતિમા બનાવી શકાય? ના. પછી ભલેને એ પ્રતિમા ગમે એટલી સુંદર હોય છતાં, એ ઈશ્વરની સાથે તુલના થઈ શકે એમ નથી. કોઈ પણ પ્રતિમા પરમેશ્વરનું ખરું રૂપ કદી પણ રજૂ ન કરી શકે. (રોમ ૧:૨૨, ૨૩) જો આપણે મૂર્તિઓની પૂજા કરીએ તો, શું આપણે એમ કહી  શકીએ કે હું પરમેશ્વરની ‘સચ્ચાઈથી ભક્તિ કરું છું?’

બાઇબલનું શિક્ષણ

પરમેશ્વરે નિયમ આપ્યો હતો કે તેમને ભજવા માટે કોઈ પણ પ્રકારનાં ચિત્રો તથા મૂર્તિનો ઉપયોગ કરવો ન જોઈએ. મુસા દ્વારા દસ નિયમો આપવામાં આવ્યા હતા, એમાંનો બીજો નિયમ આમ કહે છે: “તમારે આકાશમાંની કે પૃથ્વી ઉપરની કે કે પૃથ્વી નીચેના પાણીમાંની કોઈ વસ્તુની મૂર્તિ કે કોઈ પ્રતિમા બનાવવી નહિ. તમારે તેમને પગે લાગવું નહિ કે તેમની પૂજા કરવી નહિ.” (મહાપ્રસ્થાન ૨૦:૪, ૫) તેમ જ ખ્રિસ્તી શાસ્ત્રવચન પણ એવી જ આજ્ઞા કરે છે: “આથી, મારા પ્રિય બંધુઓ, મૂર્તિપૂજાથી દૂર રહેજો.”​—⁠ ૧ કરિંથ ૧૦:૧૪.

ખરું કે ઘણા એવું કહેશે કે ઉપાસનામાં મૂર્તિનો ઉપયોગ કરવાથી એ મૂર્તિપૂજા બની જતી નથી. દાખલા તરીકે, ઘણા ઑર્થોડૉક્સ ખ્રિસ્તીઓ એવું કહે છે કે અમે મૂર્તિ આગળ ઘૂંટણિયે પડીને ફક્ત પ્રાર્થના કરીએ છીએ, એને ભજતા નથી. એક ઑર્થોડૉક્સ ચર્ચના પાદરીએ આમ લખ્યું: “એ ધાર્મિક ચિત્રો જેને રજૂ કરે છે એને અમે પવિત્ર ચીજો ગણી માન આપીએ છીએ.”

તેમ છતાં, એક પ્રશ્ન ઊભો થાય છે: જો મૂર્તિઓ દ્વારા પરમેશ્વરને માન આપવામાં આવે તો શું તેમને કોઈ વાંધો છે? જો કે, બાઇબલમાં એવું ક્યાંય જણાવ્યું નથી કે મૂર્તિ દ્વારા તેમને ભજવું જોઈએ. જ્યારે ઈસ્રાએલીઓએ યહોવાહને ભજવા માટે ધાતુનો પોઠિયો બનાવીને ઉપયોગ કર્યો ત્યારે તેમને દીઠુંય ગમ્યું ન હતું. તેથી તેમણે કહ્યું કે તેઓ ધર્મભ્રષ્ટ થયા છે.​—⁠મહાપ્રસ્થાન ૩૨:૪-૭.

શું ભય રહેલો છે?

ભક્તિમાં કોઈ પણ પ્રકારની મૂર્તિનો ઉપયોગ કરવો એ જોખમભર્યું છે. કેમ કે, એમ કરવાથી આપણે સહેલાઈથી મૂર્તિપૂજામાં સંડોવાઈ જઈશું. બીજા શબ્દોમાં, આપણે ધ્યાન કેન્દ્રિત કરવા માટે મૂર્તિનો ઉપયોગ કરીશું તો એ મૂર્તિપૂજા કહેવાશે.

ઈસ્રાએલીઓના સમયોમાં પણ લોકોએ અનેક વાર એવી વસ્તુઓ વાપરી હતી. દાખલા તરીકે, ઈસ્રાએલીઓ ઇજિપ્ત, એટલે કે મિસરમાંથી બહાર નીકળી વચનના દેશમાં જઈ રહ્યા હતા ત્યારે, મુસાએ પિત્તળનો સાપ બનાવીને ધ્વજદંડ ઉપર મૂક્યો હતો. તેથી, જેઓને સાપ કરડ્યો હોય તે એના ભણી જોતાં સાજાં થાય અને પરમેશ્વર તરફથી મદદ મેળવે. આ રીતે, મુસાએ પ્રથમ વાર એ સાપનો ઉપયોગ કર્યો હતો. પરંતુ, તેઓ વચનના દેશમાં રહેવા લાગ્યા પછી, સાપમાં જાણે કે સાજા કરવાની શક્તિ હોય એમ એને ભજવા લાગ્યા. તેઓ એને ધૂપ ચડાવવા લાગ્યા એટલું જ નહિ પરંતુ તેનું નામ નહુષ્ટાન પાડ્યું હતું.​—⁠રણમાં ૨૧:૮, ૯; ૨ રાજાઓ ૧૮:⁠૪.

તેમ જ, ઈસ્રાએલીઓએ પોતાના દુશ્મનો સામે લડવા કરાર કોશનો એ રીતે ઉપયોગ કર્યો કે એમાં જાણે ચમત્કારિક શક્તિ હોય. પરંતુ, એમ કરવાથી એના વિનાશક પરિણામો આવ્યા હતા. (૧ શમુએલ ૪:૩, ૪; ૫:૧૧) વળી, ઇર્મિયાના સમયમાં પણ યરૂશાલેમના લોકોને યહોવાહની ભક્તિને બદલે મંદિર વિષે વધારે ચિંતા હતી.​—⁠ઇર્મિયા ૭:૧૨-૧૫.

આજે પણ પરમેશ્વરને ભજવાને બદલે દરેક જગ્યાએ વસ્તુને ભજવામાં આવે છે. સંશોધક વીટલજી ઇવાનય્‌ચ પિટ્રેનકો આમ કહે છે: “મૂર્તિ અથવા ચિત્રોને . . . ભજવાથી મૂર્તિપૂજામાં સંડોવાઈ જવાનો ભય રહેલો છે . . . આપણે સ્વીકારવું જોઈએ કે મૂર્તિપૂજા ખ્રિસ્તી સંસ્કૃતિ પ્રમાણે નથી, પરંતુ એ બિનખ્રિસ્તી ધર્મમાંથી આવે છે.” એવી જ રીતે ગ્રીક ઑર્થોડૉક્સ પાદરી દીમેનત્રીઅસ કોન્સ્ટાન્ટીલોસે પોતાના પુસ્તક ગ્રીક ઑર્થોડૉક્સ ચર્ચને સમજવું (અંગ્રેજી)માં આમ લખ્યું: “ખ્રિસ્તી તરીકે મૂર્તિનો ઉપયોગ કરવાથી આપણે પરમેશ્વરને બદલે મૂર્તિને જ ભજવા લાગીશું.”

ઘણા દાવો કરે છે કે કે તેઓ મૂર્તિનો ઉપયોગ ભજવા માટે નહિ પરંતુ, ફક્ત ધ્યાન કેન્દ્રિત કરવા માટે કરે છે. પરંતુ, એ શા માટે સાચું નથી? શું એ ખરું નથી કે મરિયમની કે “સંતોની” અમુક મૂર્તિઓને ઘણા લોકો ખાસ માન આપે છે? દાખલા તરીકે, ગ્રીસમાં ટીનોસ નામના એક ટાપુ પર મરિયમની મૂર્તિ છે અને તેના ચુસ્ત ભક્તો પણ છે. તેમ જ, ઉત્તર ગ્રીસમાં આવેલ સુમેલા નામના આશ્રમમાં મરિયમની મૂર્તિ છે, અને ત્યાં પણ એટલા જ એના ચુસ્ત ભક્તો છે. તેમ છતાં, બંને વર્ગો એવું માને છે કે પોતાની પાસે જે મૂર્તિ છે એ બીજી કરતાં ચડિયાતી અને અજોડ ચમત્કારો કરે છે. તેથી એમાં પરમેશ્વરની શક્તિ છે એવું માનીને લોકો એને ભજવા લાગે છે.

શું આપણે “સંતો” કે મરિયમ દ્વારા પ્રાર્થના કરવી જોઈએ?

તો શું “સંતો” કે મરિયમને આપણે માન ન આપવું જોઈએ? જોકે, શેતાને ઈસુની કસોટી કરી ત્યારે તેમણે અનુસંહિતા ૬:૧૩મી કલમ ટાંકતા આમ કહ્યું: “તારે પ્રભુની, તારા ઈશ્વરની પૂજા કરવી અને તેની જ સેવા કરવી.” (માથ્થી ૪:૧૦) તેમ જ, તેમણે એમ પણ કહ્યું હતું કે સાચા ઉપાસકો ફક્ત “પરમપિતાની” જ ઉપાસના કરશે. (યોહાન ૪:૨૩) એક વખતે પ્રેષિત યોહાન સ્વર્ગ દૂતની પૂજા કરવા લાગ્યા ત્યારે દૂતે તેમને ઠપકો આપતા આમ કહ્યું: “જોજે, એવું કરતો! . . . પૂજા તો પરમેશ્વરની હોય!”​—⁠દર્શન ૨૨:⁠૯.

એમ હોય તો શું ઈસુની માતા, મરિયમ કે પછી કોઈ ખાસ “સંતો” આપણા માટે પરમેશ્વરને કાલાવાલા કરે એ માટે તેઓને પ્રાર્થના કરવી જોઈએ? એના વિષે બાઇબલ આમ કહે છે: “ઈશ્વર એક અને અદ્વિતીય છે, અને ઈશ્વર અને મનુષ્યની વચ્ચે મધ્યસ્થી કરનાર પણ એક જ છે​—⁠ઈસુ ખ્રિસ્ત, જે પોતે પણ માનવ છે.”​—⁠૧ તિમોથી ૨:⁠૫.

પરમેશ્વર સાથે સંબંધ બાંધવો

બાઇબલ સ્પષ્ટ રીતે જણાવે છે કે આપણે મૂર્તિનો ઉપયોગ કરવો ન જોઈએ. જો કરીશું તો, ખરેખર આપણે પરમેશ્વરની કૃપા ગુમાવીશું અને તારણ પણ નહીં પામીએ. એને બદલે ઈસુએ કહ્યું કે એક માત્ર સાચા ઈશ્વર, તેમનો અજોડ સ્વભાવ, મનુષ્ય સાથેનો તેમનો વ્યવહાર અને તેમના હેતુઓ વિષે શીખવાથી આપણે અનંત જીવન મેળવી શકીશું. (યોહાન ૧૭:૩) ચિત્રો તથા મૂર્તિઓ જોઈ શકતી નથી, સમજી શકતી નથી અને બોલી પણ શકતી નથી. તો પછી, એ સ્પષ્ટ છે કે તે આપણને પરમેશ્વર વિષે શીખવા અથવા તેમની રીતે ભજવા કોઈ મદદ કરી શકતી નથી. (સ્તોત્રસંહિતા ૧૧૫:૪-૮) એ ઉત્તમ શિક્ષણ ફક્ત બાઇબલનો અભ્યાસ કરવાથી જ મળી શકે છે.

એ ઉપરાંત, મૂર્તિને ભજવાથી કોઈ ફાયદો થતો નથી અને પરમેશ્વર પરનો આપણો વિશ્વાસ પણ નબળો પડી શકે છે. એ કેવી રીતે બની શકે? પ્રથમ તો, એમ કરવાથી પરમેશ્વર સાથેનો આપણો સંબંધ તૂટી શકે છે. ઈસ્રાએલીઓએ “બીજા દેવોની પૂજા કરી પ્રભુમાં ઈર્ષા જગાડી” હતી. તેથી પરમેશ્વરે કહ્યું: “હું એ લોકોથી વિમુખ થઈ જાઉં” છું. (અનુસંહિતા ૩૨:૧૬, ૨૦) એનો અર્થ એ થયો કે તેઓને પરમેશ્વર સાથે ફરીથી સંબંધ બાંધવો હોય તો ‘પાપી હાથે બનાવેલી મૂર્તિઓને તેઓ ફગાવી દે’.​—⁠યશાયા ૩૧:૬, ૭.

એ કારણથી બાઇબલની આ સલાહ ખૂબ યોગ્ય છે: “વત્સો, મૂર્તિઓથી ચેતતા રહેજો.”​—⁠૧ યોહાન ૫:૨૧.

[ફુટનોટ]

^ બીજું કંઈ જણાવવામાં આવ્યું ન હોય તો, દરેક કલમો સંપૂર્ણ બાઇબલમાંથી ટાંકવામાં આવી છે.

[પાન ૬ પર બોક્સ]

શુદ્ધ ભક્તિ કરવા મદદ કરવામાં આવી

આલ્બેનિયામાં ઑલિવેરા નામની  સ્ત્રી ઑર્થોડૉક્સ ચર્ચની ધર્મચુસ્ત સભ્ય હતી. પરંતુ, ૧૯૬૭માં એ દેશે, ધર્મ પર પ્રતિબંધો મૂક્યા ત્યારે ઑલિવેરા ખાનગીમાં પણ પોતાનો ધર્મ પાળતી હતી. તે પોતાના પેન્શનનો મોટા ભાગનો ઉપયોગ સોના-ચાંદીની મૂર્તિઓ તથા ધૂપ અને મીણબત્તીઓ ખરીદવામાં કરતી હતી. તે આ બધું ચોરાય ન જાય એ માટે એને પથારી નીચે સંતાડીને બાજુની ખુરશીમાં સૂઈ જતી. વર્ષ ૧૯૯૦માં, યહોવાહના સાક્ષીઓએ ઑલિવેરાને બાઇબલનો સંદેશો આપ્યો ત્યારે, તે એનાથી ખૂબ પ્રભાવિત થઈ. તેણે  જોયું કે સાચી ભક્તિ “સચ્ચાઈથી” કરવી જોઈએ અને તે એ પણ શીખી કે પરમેશ્વર મૂર્તિઓ વિષે શું કહે છે. (યોહાન ૪:૨૪) ઑલિવેરાને બાઇબલમાંથી શીખવનાર બહેને નોંધ્યું કે તેના ઘરમાં ધીમે ધીમે મૂર્તિઓ ઓછી થવા લાગી હતી. સમય જતા, તેના ઘરમાં એક પણ મૂર્તિ ન હતી. ઑલિવેરાએ પોતાના બાપ્તિસ્મા પછી જણાવ્યું: “હવે મને ખબર પડી કે મૂર્તિઓ વગર યહોવાહનો પવિત્ર આત્મા મને મદદ  આપે છે, એ બદલ હું તેમનો ખૂબ જ ઉપકાર માનું છું.”

ગ્રીસના લેસવૉસ ટાપુની ઍથીના નામની સ્ત્રી ઑર્થોડૉક્સ ચર્ચની ઉત્સાહી સભ્ય હતી. તે એ ચર્ચમાં ભજન મંડળીની સભ્ય હતી. તેમ જ, તે બધા જ ધાર્મિક રિવાજો પાળતી અને મૂર્તિઓને પણ ભજતી હતી. યહોવાહના સાક્ષીઓએ ઍથીનાને બાઇબલમાંથી બતાવ્યું કે  તે જે માને છે એ બધું જ બાઇબલ આધારિત નથી. તેમ જ, તે એ પણ શીખી કે પરમેશ્વરને ભજવા માટે મૂર્તિઓ અને ક્રોસની જરૂર નથી. ઍથીના, પોતાની માન્યતાઓ વિષે સંશોધન અને ઊંડો અભ્યાસ કરવાથી જોઈ શકી કે તેની માન્યતાઓ બાઇબલ આધારિત નથી. ઍથીના પરમેશ્વરની સાચા દિલથી ભક્તિ કરવા ચાહતી હોવાથી, તેણે બધી જ કીમતી મૂર્તિઓ કાઢી  નાખી. હા, ઍથીના પરમેશ્વરની શુદ્ધ ભક્તિ કરવા બધું જ ગુમાવવા તૈયાર હતી.—પ્રેષિતોનાં ચરિતો ૧૯:૧૯.

[પાન ૭ પર બોક્સ/ચિત્ર]

શોખ માટે મૂર્તિઓ?

આજે બધી જ બાજુ, અમુક લોકો ઑર્થોડૉક્સ ચર્ચની મૂર્તિઓ કે ચિત્રોને શોખને કારણે ખરીદી રહ્યાં છે. તેઓ એને ધાર્મિક વસ્તુઓ તરીકે લેતા નથી, પરંતુ બાયઝાન્ટાઈનની સંસ્કૃતિની યાદગીરી માટે લઈ રહ્યાં છે. તેથી, નાસ્તિકો પણ પોતાની ઑફિસ અને ઘરને શણગારવા માટે આવી મૂર્તિઓનો ઉપયોગ કરે છે.

તેમ છતાં, સાચા ખ્રિસ્તીઓ જાણે છે કે મૂર્તિઓનો શાને માટે ઉપયોગ કરવામાં આવે છે. તેઓ જાણે છે કે લોકો એના દ્વારા પરમેશ્વરને ભજે છે. જો કે, મૂર્તિઓ રાખવી કે નહીં એ વિષે યહોવાહના સાક્ષીઓ બીજાઓને કહી શકતા નથી. પરંતુ તેઓ શોખને લીધે પણ કોઈ પ્રકારની મૂર્તિઓ કે ધાર્મિક ચિત્રોને રાખતા નથી. આ બાબત અનુસંહિતા ૭:૨૬માં જોવા મળતા શિક્ષણના સુમેળમાં છે. એ કહે છે: “તમારે કોઈ ધિક્કારપાત્ર મૂર્તિને ઘરમાં ઘાલવી નહિ, નહિ તો તમે પણ એની જેમ શાપ વહોરી લેશો. તમારે એને ધૃણા અને ધિક્કારપાત્ર વસ્તુ જ ગણવી, કારણ, એ શાપિત વસ્તુ છે.”

[પાન ૭ પર ચિત્ર]

પરમેશ્વરે મૂર્તિપૂજાને ચલાવી લીધી ન હતી

[પાન ૮ પર ચિત્ર]

બાઇબલનું શિક્ષણ આપણને પ્રેમ અને સત્યથી પરમેશ્વરને ભજવા મદદ કરી શકે