સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તેઓ સત્યને માર્ગે ચાલતા રહે છે

તેઓ સત્યને માર્ગે ચાલતા રહે છે

તેઓ સત્યને માર્ગે ચાલતા રહે છે

“જ્યારે મારા સાંભળવામાં આવે છે કે મારાં બાળકો સત્યમાં ચાલે છે, ત્યારે એ કરતાં બીજાથી મને મોટો આનંદ થતો નથી.”​—⁠૩ યોહાન ૪.

૧. ‘સુસમાચારનું સત્ય’ કોના પર આપણું ધ્યાન ખેંચે છે?

 જેઓ ‘આત્મા અને સત્યની સહાયથી’ ચાલે છે, ફક્ત તેઓને જ યહોવાહ આશીર્વાદ આપે છે. (યોહાન ૪:​૨૪) બાઇબલમાંથી શીખેલા ખ્રિસ્તી સત્યના એકેએક અંગને તેઓ પકડી રાખે છે અને એ પ્રમાણે જીવે છે. એ ‘સુસમાચારનું સત્ય’ ખાસ કરીને ઈસુ ખ્રિસ્ત પર આપણું ધ્યાન ખેંચે છે. આ સત્ય એ પણ સાબિત કરશે કે યહોવાહ સૌથી મહાન રાજા છે. (ગલાતી ૨:૧૪) જેઓ સત્ય પસંદ નથી કરતા, તેઓને પરમેશ્વર “ભ્રમણામાં નાખે છે.” પરંતુ જેઓ સુસમાચારમાં વિશ્વાસ રાખીને સત્યના માર્ગે ચાલે છે તેઓનો બચાવ થશે.​—⁠૨ થેસ્સાલોનીકી ૨:૯-૧૨; એફેસી ૧:૧૩, ૧૪.

૨. પ્રેષિત યોહાન શા માટે બહુ જ આનંદિત હતા, અને તે ગાયસને કેવી રીતે જોતા?

પરમેશ્વરના રાજ્ય વિષે જેઓ જણાવે છે, તેઓ ‘સત્ય ફેલાવવામાં સહકાર’ આપે છે. તેઓ પ્રેષિત યોહાન અને તેમના મિત્ર ગાયસની જેમ, સત્યને વળગી રહીને એના માર્ગે ચાલે છે. પ્રેષિત યોહાન ખાસ કરીને ગાયસ વિષે વિચાર કરતા લખે છે: “જ્યારે મારા સાંભળવામાં આવે છે કે મારાં બાળકો સત્યમાં ચાલે છે, ત્યારે એ કરતાં બીજાથી મને મોટો આનંદ થતો નથી.” (૩ યોહાન ૩-૮) ‘મારા બાળક’ તરીકે વૃદ્ધ યોહાને ગાયસનો ઉલ્લેખ કર્યો ત્યારે, એનો એ અર્થ નથી થતો કે તેમણે ગાયસને સત્ય શીખવ્યું હતું. પરંતુ યોહાન વૃદ્ધ અને સત્યમાં પ્રૌઢ હતા. તેથી, તે એક પ્રેમાળ પિતાની જેમ, યુવાન ગાયસને સત્યમાં એક વહાલા બાળક તરીકે જોતા હતા.

સત્ય અને ખ્રિસ્તીઓની ભક્તિ

૩. શરૂઆતના ખ્રિસ્તીઓ શા માટે ભેગા મળતા હતા?

સત્ય શીખવા માટે શરૂઆતના ખ્રિસ્તીઓ, એક મંડળ તરીકે કોઈના ઘરે ભેગા થતા. (રૂમીઓને પત્ર ૧૬:૩-૫) એમ કરવાથી તેઓને એકબીજા પર પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવાને ઉત્તેજન મળતું હતું. (હેબ્રી ૧૦:૨૪, ૨૫) પછી, જેઓ પોતાને ખ્રિસ્તીઓ ગણતા હતા તેઓ વિષે, ટર્ટુલિયન (૧૫૫-૨૨૦મી સદી) લખે છે: “અમે પવિત્ર શાસ્ત્ર વાંચવા માટે ભેગા થઈએ છીએ . . . અને એ અમારા વિશ્વાસને મજબૂત કરે છે, દિલમાં આશાના કિરણો જાગે છે અને અમારો ભરોસો પણ વધે છે.”​— માફી (અંગ્રેજી) અધ્યાય ૩૯.

૪. શા માટે સભાઓમાં સ્તુતિના ગીતો ગાવામાં આવે છે?

ખ્રિસ્તી સભાઓમાં તેઓએ સ્તુતિના ગીતો કે ભજનો પણ ગાયા હશે. (એફેસી ૫:૧૯; કોલોસી ૩:૧૬) પંડિત હેનરી ચાડવિક જણાવે છે કે બીજી સદીના સેલસુસ નામના એક લેખકને કહેવાતા ખ્રિસ્તીઓના ભજનો “એટલા ગમવા લાગ્યા, કે એ પોતાના દિલ સુધી પહોંચી જશે એવો તેને ડર લાગ્યો.” હેનરી પછી જણાવે છે: “ખ્રિસ્તીઓએ કેવું સંગીત સાંભળવું જોઈએ એ વિષે પહેલી વાર લખનાર એલેક્ઝાંડ્રિયાનો ક્લેમેંટ જણાવે છે કે એ ખરાબ નાચગાનવાળું સંગીત ન હોવું જોઈએ.” (શરૂઆતના ખ્રિસ્તીઓ, પાન ૨૭૪-૫, અંગ્રેજી) શરૂઆતના ખ્રિસ્તીઓ ભેગા થતા ત્યારે, તેઓ સ્તુતિના ગીતો ગાતા હતા. એ જ રીતે, યહોવાહના સાક્ષીઓ પણ બાઇબલમાંથી યહોવાહ અને તેમના રાજ્ય વિષેના સુંદર ગીતો ગાય છે.

૫. (ક) શરૂઆતના મંડળોમાં કઈ રીતે સત્યનું માર્ગદર્શન આપવામાં આવતું હતું? (ખ) સાચા ખ્રિસ્તીઓ માત્થી ૨૩:૮, ૯ની ઈસુની સલાહને કઈ રીતે લાગુ પાડે છે?

શરૂઆતના ખ્રિસ્તી મંડળોમાં વડીલો સત્ય શીખવતા હતા અને સેવકાઈ ચાકરો ભાઈ-બહેનોને બીજી અનેક રીતે મદદ કરતા હતા. (ફિલિપી ૧:૧) ગવર્નિંગ બોડી અથવા નિયામક જૂથના ભાઈઓ, બાઇબલ અને યહોવાહના પવિત્ર આત્માના માર્ગદર્શન હેઠળ કામ કરતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૬, ૨૩-૩૧) તેઓને કંઈ મોટા મોટા નામ આપવામાં આવ્યા ન હતા, કારણ કે ઈસુએ તેમના શિષ્યોને જણાવ્યું: “તમે રાબ્બી ન કહેવાઓ; કેમકે એક જ તમારો ગુરુ છે, ને તમે સઘળા ભાઈઓ છો. અને પૃથ્વી પર તમે કોઈને તમારો બાપ ન કહો, કેમકે એક જે આકાશમાં છે, તે તમારો બાપ છે.” (માત્થી ૨૩:૮, ૯) આ અને બીજા અનેક કિસ્સાઓમાં આપણે જોઈ શકીએ છીએ કે યહોવાહના સાક્ષીઓ શરૂઆતના ખ્રિસ્તીઓ સાથે મળતા આવે છે.

સત્યના પ્રચારકો પર આવતી સતાવણી

૬, ૭. સાચા ખ્રિસ્તીઓ શાંતિનો સંદેશો ફેલાવતા છતાં, તેઓને કેવી રીતે હેરાન કરવામાં આવતા?

શરૂઆતના ખ્રિસ્તીઓ શાંતિનો સંદેશો ફેલાવતા હતા, તેમ છતાં તેઓને ઈસુની જેમ હેરાન કરવામાં આવતા. (યોહાન ૧૫:૨૦; ૧૭:૧૪) પહેલી સદીના ખ્રિસ્તીઓ વિષે, ઇતિહાસકાર જોન મોશીમ જણાવે છે: “તેઓ સાવ શાંત સ્વભાવના હતા, કોઈની પણ અદેખાઈ ન કરતા અથવા કોઈ પર જરા પણ ખાર ન રાખતા. ખ્રિસ્તીઓ સાવ સાદી રીતે ભક્તિ કરતા હતા તેથી રોમના લોકોને તેઓ પર ખીજ ચડતી. કેમ કે રોમના લોકો ઘણા રીતિરિવાજો પાળતા હતા.” પછી ડૉક્ટર મોશમ જણાવે છે કે “ખ્રિસ્તીઓ પાસે મંદિરો, મૂર્તિઓ, જ્યોતિષીઓ અથવા પૂજારીઓ ન હતા. તેથી તેઓને લોકો પજવતા હતા, જેઓ માનતા હતા કે ભક્તિ કરવા માટે આ બધાની જરૂર હોય છે. અને તેઓ ખ્રિસ્તીઓને નાસ્તિક ગણતા હતા. રોમના કાયદા પ્રમાણે જેઓ ભગવાનમાં ન માનતા તેઓને જંગલી ગણવામાં આવતા હતા.”

પૂજારીઓ અને મૂર્તિઓ વેચનારાઓ લોકોને ખ્રિસ્તીઓ વિરૂદ્ધ ઉશ્કેરતા હતા, કેમ કે ખ્રિસ્તીઓ મૂર્તિઓને પૂજતાં ન હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૨૩-૪૦; ૧ કોરીંથી ૧૦:૧૪) ટર્ટુલીયને લખ્યું: “સમાજમાં કંઈ પણ ખોટું થાય તો, તેઓ ખ્રિસ્તીઓનો વાંક કાઢતા. જેમ કે, શહેરમાં પૂર આવે અથવા નાઈલ નદીનું પાણી ખેતરો સુધી ન પહોંચે, કે પછી વરસાદ ન આવે, ધરતીકંપ થાય, દુકાળ પડે કે બીમારીઓ ફેલાય તો, તરત જ બૂમો સાંભળવામાં આવતી કે ‘ખ્રિસ્તીઓને પકડીને સિંહોની બીલમાં ફેંકી દો!’ ” ભલે ગમે એ થાય, પણ સાચા ખ્રિસ્તીઓ ‘મૂર્તિઓથી દૂર રહેતા હતા.’​—⁠૧ યોહાન ૫:૨૧.

સત્ય અને ધાર્મિક તહેવારો

૮. સત્યના માર્ગે ચાલે છે તેઓ શા માટે નાતાલ નથી ઉજવતા?

જેઓ સત્યનાં માર્ગે ચાલે છે, તેઓ બાઇબલમાં ન હોય એવા ધાર્મિક તહેવારો ઉજવતા નથી, કારણ કે ‘અજવાળાને અંધકારની જોડે સંગત ન હોય શકે.’ (૨ કોરીંથી ૬:૧૪-૧૮) દાખલા તરીકે, ૨૫મી ડિસેમ્બરે ઉજવાતી ક્રિસમસ કે નાતાલનો વિચાર કરો. “ઈસુની જન્મ તારીખ કોઈ જાણતું નથી,” એમ ધ વર્લ્ડ બુક એન્સાયક્લોપેડિયા જણાવે છે. એન્સાયક્લોપેડિયા અમેરિકાના (૧૯૫૬ની આવૃત્તિ) જણાવે છે: “રોમન લોકોનો સેટર્નેલિયા નામનો તહેવાર, ડિસેમ્બર મહિનાની વચ્ચે ઉજવવામાં આવતો હતો. સમય જતાં, આ તહેવારના મોજશોખ લોકો નાતાલમાં પણ કરવા લાગ્યા.” મેક્લીન્ટોક અને સ્ટ્રોંગની સાયક્લોપેડિયા નોંધે છે: “નાતાલ ઉજવવાની આજ્ઞા પરમેશ્વર પાસેથી નથી આવી અને નવા કરારમાં પણ નાતાલ વિષે કંઈ શીખવવામાં આવ્યું નથી.” ઈસુનું રોજીંદુ જીવન, નામનું એક (અંગ્રેજી) પુસ્તક જણાવે છે: “શિયાળામાં ઘેટાં-બકરાંઓને અંદર રાખવામાં આવતાં. એના પરથી જ આપણને ખબર પડી જાય છે કે, નાતાલ જે શિયાળામાં ઉજવાય છે, એ સાચું ન હોય શકે. કારણ કે બાઇબલમાં લખ્યું છે કે ઈસુનાં જન્મ વખતે ઘેટાંપાળકો ખેતરોમાં બહાર હતાં.”​—⁠લુક ૨:૮-૧૧.

૯. શરૂઆતના અને આજના યહોવાહના સેવકો શા માટે ઈસ્ટર ઉજવતા નથી?

ઈસ્ટર એક પ્રખ્યાત તહેવાર છે, જે ઈસુ સજીવન થયા એની યાદમાં ઉજવવામાં આવતો હોય એમ લાગે છે. પરંતુ આ વિષે જેઓ સારી રીતે જાણે છે, તેઓ કહે છે કે એ તહેવારનું મૂળ જુઠાં ધર્મોમાં છે. ધ વેસ્ટમીનીસ્ટર બાઇબલ શબ્દકોશ (અંગ્રેજી) ઈસ્ટર વિષે જણાવે છે કે, “શરૂઆતમાં એ તહેવાર એસ્ટેરે અથવા ઓસ્ટેરે નામે ઓળખાતી, પ્રકાશ અને વસંતઋતુની દેવી માટે વસંતઋતુમાં ઉજવવામાં આવતો હતો.” બ્રિટાનીકા વિશ્વકોશ (૧૧મી અંગ્રેજી આવૃત્તિ) જણાવે છે: “નવા કરારમાં ઈસ્ટર વિષે નામનિશાન જોવા મળતું નથી.” શરૂઆતના ખ્રિસ્તીઓ ઈસ્ટર ઉજવતા ન હતા, તેમ જ આજે પણ યહોવાહના સાક્ષીઓ એ ઉજવતા નથી.

૧૦. ઈસુએ કયો પ્રસંગ ઉજવવાની આજ્ઞા આપી અને એ પ્રમાણે કોણ કરી રહ્યું છે?

૧૦ ઈસુએ પોતાના જન્મદિવસ કે સજીવન થયા એની યાદમાં કંઈ પણ ઉજવવાની આજ્ઞા આપી ન હતી. પરંતુ તેમણે પોતે આપેલા બલિદાનને યાદ કરવા માટે એક યાદગાર પ્રસંગ ઉજવવાની આજ્ઞા આપી હતી. (રૂમીઓને પત્ર ૫:૮) ઈસુએ તેમના શિષ્યોને ફક્ત આ એક જ પ્રસંગ ઉજવવાની આજ્ઞા આપી હતી. (લુક ૨૨:૧૯, ૨૦) આપણે એ પ્રસંગને પ્રભુનું સાંજનું ભોજન પણ કહી શકીએ છીએ. આ પ્રસંગ વર્ષમાં એક વાર ઉજવવામાં આવે છે અને હજુ પણ યહોવાહના સાક્ષીઓ એને ઉજવે છે.​—⁠૧ કોરીંથી ૧૧:૨૦-૨૬.

આખી દુનિયામાં સત્ય ફેલાય છે

૧૧, ૧૨. જેઓ સત્યના માર્ગે ચાલે છે, તેઓએ સત્ય ફેલાવવા માટે કેવો ટેકો આપ્યો છે?

૧૧ જેઓ સત્ય જાણે છે, તેઓ સુસમાચારનો પ્રચાર કરવામાં રાજીખુશીથી પોતાનો સમય, શક્તિ અને બીજી બધી વસ્તુઓ આપે છે. અને તેઓ એને એક મોટો લહાવો ગણે છે. (માર્ક ૧૩:૧૦) પ્રચાર કામ ફેલાવવા માટે, શરૂઆતના ખ્રિસ્તીઓ પોતાની મરજી પ્રમાણે પૈસા કે બીજી વસ્તુઓનો ટેકો આપતા હતા. (૨ કોરીંથી ૮:૧૨; ૯:૭) ટર્ટુલિયન લખે છે: “તેઓ પાસે પૈસા કે દાન નાખવાની પેટી હતી ખરી, પણ તેઓ પર કોઈ જાતની ફરજ ન હતી કે તેઓએ આટલા પૈસા નાખવા જ જોઈએ. દરેક જણ પોતાની મરજી પ્રમાણે દર મહિને, બની શકે તો જ, થોડા પૈસા નાખી શકે અથવા તેને જ્યારે આપવા હોય ત્યારે આપે. જો તેને પૈસા ન આપવા હોય તો, તેના પર કોઈ બળજબરી કરતું નહિ.”​— માફી (અંગ્રેજી) ૩૯મો અધ્યાય.

૧૨ યહોવાહના સાક્ષીઓનું પ્રચાર કામ, જે આખા જગતમાં ફેલાઈ રહ્યું છે, એને ટેકો આપવા માટે તેઓ પોતાની મરજી પ્રમાણે પૈસા આપે છે. યહોવાહના સાક્ષીઓ સિવાય જે લોકોને સત્ય સાંભળવું ગમે છે અને એની કદર કરે છે, તેઓ પણ આ કામને ફેલાવવા માટે પોતાના પ્રદાનો આપે છે. આ ઉદાહરણમાં પણ યહોવાહના સાક્ષીઓનું કામ શરૂઆતના ખ્રિસ્તીઓનાં કામ સાથે મળતું આવે છે.

સત્ય અને ખ્રિસ્તીઓનું આચરણ

૧૩. પીતરે આચરણ વિષે આપેલી કઈ સલાહને આજે યહોવાહના સાક્ષીઓ વળગી રહે છે?

૧૩ ખ્રિસ્તીઓ સત્યને માર્ગે ચાલીને પ્રેષિત પીતરની સલાહને વળગી રહે છે: “વિદેશી લોકોમાં તમે તમારાં આચરણ સારાં રાખો; જેથી તેઓ તમને દુષ્ટ સમજીને તમારી વિરૂદ્ધ બોલે ત્યારે તેઓ તમારાં રૂડાં કામ જોઈને ન્યાયકરણને દિવસે દેવની સ્તુતિ કરે.” (૧ પીતર ૨:૧૨) યહોવાહના સાક્ષીઓ આજે આ સલાહને દિલથી સ્વીકારે છે.

૧૪. ખ્રિસ્તીઓ અનૈતિક મનોરંજન વિષે શું વિચારે છે?

૧૪ ઘણા લોકો, સાચા ધર્મના રસ્તાને છોડીને આડે રસ્તે ફંટાવા લાગ્યા. તોપણ, જેઓ સાચા ખ્રિસ્તીઓ તરીકે ઓળખાતા હતા, તેઓએ ખરાબ જીવન જીવવાનું ટાળ્યું. પ્રોફેસર અને ખ્રિસ્તીઓના ઇતિહાસકાર, વિલિયમ ડોન કલિન જણાવે છે કે, “બીજી અને ત્રીજી સદીમાં દરેક શહેરમાં એક નાટકઘર હતું, ત્યાં જવું બધાને ગમતું હતું. એમાં બતાવવામાં આવતા નાટકો સાવ અનૈતિક હતા. તોપણ, લોકો એના એટલા શોખીન હતા કે એના તરફ જ ખેંચાઈ આવતા હતા. . . . પરંતુ સાચા ખ્રિસ્તીઓ એ નાટકોને ધિક્કારતા હતા. . . . ખ્રિસ્તીઓને એમાં એટલી તો અનૈતિકતા દેખાઈ આવતી કે એનાથી દૂર જ રહેતા. એ સમયના દેવ-દેવીઓ પણ આવા અનૈતિક આચરણોમાં સંડોવાયેલા હતા. એ કારણે ખ્રિસ્તીઓ આવી બાબતોની સખત નફરત કરતા હતા.” (શરૂઆતના ખ્રિસ્તીઓ, અંગ્રેજી પુસ્તક, પાન ૩૧૮-૧૯) ઈસુના ખરા શિષ્યો આજે કોઈ પણ ગંદા કે અનૈતિક મનોરંજનને ટાળે છે.​—⁠એફેસી ૫:૩-૫.

સત્ય અને સરકાર

૧૫, ૧૬. “અધિકારીઓ” કોણ છે, અને તેઓ સત્યના માર્ગે ચાલનારાઓ વિષે શું માનતા હતા?

૧૫ ખ્રિસ્તીઓ આચરણમાં આટલા સારા હોવા છતાં, રોમના રાજાઓ તેઓ વિષે ખોટું વિચારતા હતા. અર્નેસ્ટ હાર્ડિ નામનો એક ઇતિહાસકાર જણાવે છે કે ‘ખ્રિસ્તીઓ ખૂબ જોશીલા હોવાથી એ રાજાઓએ તેઓને પસંદ કર્યા નહિ.’ બિથીન્યાનો ગવર્નર પ્લાઈની અને રાજા ટ્રાજન એકબીજાને જે કાગળ લખતા હતા, એમાંથી જોવા મળે છે કે એ દિવસોના રાજાઓ અને મંત્રીઓને ખ્રિસ્તીઓ ખરેખર કેવા છે એ વિષે કંઈ ખબર ન હતી. તો પછી, ખ્રિસ્તીઓ રાજાઓ કે સરકાર વિષે શું વિચારે છે?

૧૬ ઈસુ ખ્રિસ્તના શરૂઆતના શિષ્યોની જેમ, યહોવાહના સાક્ષીઓ “અધિકારીઓને” અમુક અંશે આધીન રહે છે. (રોમન ૧૩:૧-૭) જો સરકાર તેઓને પરમેશ્વરની આજ્ઞા વિરૂદ્ધ કંઈ કરવાનું કહે તો, તેઓ “માણસોનું નહિ પણ ઈશ્વરનું કહ્યું” માનશે. (પ્રેષિતોનાં કાર્યો ૫:૨૯, IBSI) ઈસુ પછી ખ્રિસ્તીઓનો વિકાસ નામનું એક (અંગ્રેજી) પુસ્તક જણાવે છે: “ખ્રિસ્તીઓ રાજાઓની પૂજા ન કરતા, અને તેઓ રાજાઓની વિરૂદ્ધ પણ ન હતા. તેઓનો ધર્મ બધા કરતા જુદો હતો, અને ઘણી વખત ખોટા ધર્મના લોકોને એ ન ગમતો. તોપણ, રાજાઓ માટે ખ્રિસ્તીઓ તરફથી કોઈ ખતરો ન હતો.”

૧૭. (ક) શરૂઆતના ખ્રિસ્તીઓને કયા રાજ્યમાં ભરોસો હતો? (બ) ઈસુને પગલે ચાલનારાઓએ યશાયાહ ૨:૪ના શબ્દોને કેવી રીતે લાગુ પાડ્યા છે?

૧૭ ઈબ્રાહીમ, ઇસ્હાક અને યાકૂબને પરમેશ્વરના સ્વર્ગીય ‘શહેરમાં વિશ્વાસ હતો.’ એવા જ વિશ્વાસથી શરૂઆતના ખ્રિસ્તીઓ પરમેશ્વરના રાજ્યને પૂરો ટેકો આપતા હતા. (હેબ્રી ૧૧:૮-૧૦) ઈસુ જગતના લોકોથી અલગ હતા, તેથી તેમના શિષ્યો પણ “જગતના” લોકોથી અલગ હતા. (યોહાન ૧૭:૧૪-૧૬) એકબીજા સાથે ઝઘડવા કે લડવાને બદલે, તેઓ ‘પોતાની તરવારોને ટીપીને’ શાંતિ ફેલાવતા હતા. (યશાયાહ ૨:૪) શરૂઆતના ખ્રિસ્તીઓ વિષે ભાષણ આપનાર પ્રોફેસર જેફરી નટોલ જણાવે છે: “શરૂઆતના ખ્રિસ્તીઓ લડાઈ વિષે જેવું વિચારતા હતા, એમ જ આજે યહોવાહના સાક્ષીઓ તરીકે ઓળખાતા લોકો વિચારે છે.”

૧૮. સરકારોએ શા માટે યહોવાહના સાક્ષીઓનો ડર ન રાખવો જોઈએ?

૧૮ શરૂઆતના ખ્રિસ્તીઓ સરકારને અથવા “અધિકારીઓને” આધીન રહેતા અને રાજકીય બાબતોમાં કોઈનો પક્ષ ન લેતા. તેથી જે કોઈ રાજ કરતું, તેઓને ખ્રિસ્તીઓની બીક ન હતી. એમ જ, આજે પણ યહોવાહના સાક્ષીઓ રાજકારણમાં કોઈ દખલગીરી કરતા નથી. ઉત્તર અમેરિકાનો એક લેખક નોંધે છે: “જો કોઈ વ્યક્તિ એવું વિચારે કે યહોવાહના સાક્ષીઓ રાજકારણમાં દખલ કરશે તો, તે સાવ મૂર્ખ છે. તેઓને તો રાજકારણમાં અંધાધૂંધી ફેલાવવાને બદલે શાંતિ ગમે છે અને એ જ તો ખરો ધર્મ છે.” યહોવાહના સાક્ષીઓ વિષે સારી રીતે જાણતા હોય એવા નેતાઓને તેઓનો જરાય ડર નથી.

૧૯. કર ભરવા વિષે શરૂઆતના ખ્રિસ્તીઓ અને યહોવાહના સાક્ષીઓ વિષે શું કહી શકાય?

૧૯ શરૂઆતના ખ્રિસ્તીઓ પોતાનો કર ભરીને સરકારને આધીન રહ્યા. જસ્ટિન માર્ટરે રોમના રાજા એંટોનિયસ પાયસને (ઈ.સ. ૧૩૮-૧૬૧) પત્રમાં લખ્યું કે ખ્રિસ્તીઓ “બીજા બધા કરતાં પહેલાં તરત જ પોતાનો કર ભરી દે છે.” (પહેલી માફી, ૧૭મો અધ્યાય) ટર્ટુલિયને રોમન સરકારને કહ્યું કે જેઓ કર ઉઘરાવે છે, તેઓએ “ખ્રિસ્તીઓનો આભાર માનવો જોઈએ,” કારણ કે તેઓ તરત જ કર ભરી દે છે. (માફી, ૪૨મો અધ્યાય) રોમની સરકાર હેઠળ રહેવાના જે ફાયદાઓ હતા એ ખ્રિસ્તીઓ સારી રીતે જાણતા હતા. દાખલા તરીકે, તેઓના સારા કાયદા-કાનૂન હતા, સરકારે સારા રસ્તા બનાવ્યા હતા અને દરિયામાં મુસાફરી કરવાની પણ સારી સગવડ હતી. તેઓ આ બધાનો વિચાર કરીને, ઈસુની સલાહને વળગી રહેતા, જે જણાવે છે: “જે કાઈસારનાં [સરકારના] છે તે કાઈસારને, ને જે દેવનાં છે તે દેવને ભરી આપો.” (માર્ક ૧૨:૧૭) યહોવાહના સાક્ષીઓ આજે આ સલાહ પ્રમાણે જીવે છે. તેઓ કર ભરવામાં કંઈ પણ છેતરપીંડી કરતા ન હોવાથી, તેઓના વખાણ પણ કરવામાં આવ્યા છે.​—⁠હેબ્રી ૧૩:૧૮.

સત્યથી એકતા આવે છે

૨૦, ૨૧. શરૂઆતના ખ્રિસ્તીઓ અને યહોવાહના સાક્ષીઓએ એકબીજા સાથે હળીમળીને રહેવાની કઈ સાબિતી પૂરી પાડી છે?

૨૦ શરૂઆતના ખ્રિસ્તીઓ સત્યને માર્ગે ચાલતા હતા, તેથી તેઓ એકબીજા સાથે સુખ-ચેનથી રહી શક્યા. આજે યહોવાહના સાક્ષીઓ, એકબીજા સાથે એ પ્રમાણે જ રહે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫) ધ મૉસ્કો ટાઈમ્સ નામના છાપામાં એક પત્ર પ્રકાશિત થયો હતો. એમાં આ પ્રમાણે લખવામાં આવ્યું હતું: “બધા લોકો જાણે છે કે [યહોવાહના સાક્ષીઓ] એકદમ સારા અને સાફ દિલના છે. તેઓની સાથે કોઈ જાતની માથાકૂટ થતી નથી. તેઓ કોઈને હેરાન કરતા નથી અને હંમેશાં શાંત રહે છે. . . . તેઓમાં કોઈ લાંચ લેતું નથી કે આપતું નથી. તેઓ ડ્રગ્સ લેતા નથી, કે પછી અતિશય દારૂ પણ પીતા નથી. એનું કારણ જાણવું સાવ સહેલું છે: તેઓ ફક્ત બાઇબલમાં જે કંઈ શીખવ્યું છે, એ પ્રમાણે કરે છે. જો બધા લોકો યહોવાહના સાક્ષીઓની જેમ જીવે તો, આ દુનિયા એક સુંદર જગ્યા હોત.”

૨૧ એક જ્ઞાનકોશ (શરૂઆતના ખ્રિસ્તીઓનો ઇતિહાસ, અંગ્રેજી) જણાવે છે: “યહુદીઓ અને બીજા ધર્મના લોકો પહેલાં એકબીજાને ખૂબ નફરત કરતા હતા. તેઓ હવે શરૂઆતના ખ્રિસ્તીઓ તરીકે એકબીજા સાથે શાંતિથી અને હળી-મળીને કેવી રીતે રહેવું એ જાણી શક્યા.” યહોવાહના સાક્ષીઓ આખી દુનિયામાં એક થઈને, એકબીજા સાથે સંપીને રહે છે. તેઓ ખરેખર નવી દુનિયાનો પાયો નાખે છે. (એફેસી ૨:૧૧-૧૮; ૧ પીતર ૫:૯; ૨ પીતર ૩:૧૩) દક્ષિણ આફ્રિકામાં પ્રિટોરા નામના મેદાનના એક મુખ્ય સલામતી અધિકારીએ જોયું કે યહોવાહના સાક્ષીઓ મહાસંમેલનમાં શાંતિથી ભેગા મળે છે. તેમણે પ્રશંસા કરતા કહ્યું: “બધા લોકો બીજાઓને માન આપે છે અને તેઓની એકબીજા સાથે બોલવાની રીત પણ સારી છે. છેલ્લા થોડા દિવસોથી દેખાય આવ્યું છે કે તમારી સંસ્થા એવી કાબેલ છે, જેમાં બધા લોકો એકબીજા સાથે એક પરિવારની જેમ રહી શકે છે.”

સત્ય શીખવવાના આશીર્વાદો

૨૨. ખ્રિસ્તીઓ સત્ય ફેલાવે છે એનું શું પરિણામ આવ્યું છે?

૨૨ પાઊલ તથા શરૂઆતના ખ્રિસ્તીઓએ પોતાના આચરણ અને પ્રચાર કામથી “સત્ય પ્રગટ” કર્યું હતું. (૨ કોરીંથી ૪:૨) શું તમને નથી લાગતું કે યહોવાહના સાક્ષીઓ આજે એમ જ કરી રહ્યા છે, અને બધા જ દેશોમાં સત્ય ફેલાવી રહ્યા છે? આજે બધા જ દેશોમાં લોકો સત્ય શીખી રહ્યા છે અને વધુને વધુ લોકો ‘યહોવાહના મંદિરનાં પર્વત’ પર આવી રહ્યા છે. (યશાયાહ ૨:૨, ૩) દર વર્ષે, હજારો લોકો બાપ્તિસ્મા લઈને, પરમેશ્વરનાં કાર્યમાં પોતાનું જીવન સમર્પિત કરે છે. તેથી, ઘણાં નવાં મંડળો ઊભા કરવામાં આવે છે.

૨૩. જેઓ સર્વ લોકોમાં સત્ય ફેલાવે છે, તેઓ વિષે તમને શું લાગે છે?

૨૩ આજે યહોવાહના સાક્ષીઓમાં જુદા જુદા દેશના અને ભિન્‍ન જાતિના લોકો છે. તોપણ તેઓ એકબીજા સાથે સંપીને રહે છે. તેઓ આવો પ્રેમ બતાવીને ઈસુનાં શિષ્યો હોવાનો પુરાવો આપે છે. (યોહાન ૧૩:૩૫) શું તમે જોઈ શકો છો કે ‘પરમેશ્વર ખરેખર તેઓની સાથે’ છે? (૧ કોરીંથી ૧૪:૨૫) શું તમે યહોવાહના સાક્ષીઓને ટેકો આપો છો, જે બધા લોકોને સત્ય શીખવી રહ્યા છે? એમ કરતા હો તો, તમે પણ સત્યની ઊંડી કદર કરીને એના માર્ગે હંમેશાં ચાલતા રહો.

તમને શું લાગે છે?

• શરૂઆતના ખ્રિસ્તીઓ અને યહોવાહના સાક્ષીઓની ભક્તિ કઈ રીતે એકબીજાને મળતી આવે છે?

• જેઓ સત્યના માર્ગે ચાલે છે તેઓ કયો તહેવાર ઊજવે છે?

• “અધિકારીઓ” કોણ છે અને ખ્રિસ્તીઓ તેઓને કઈ રીતે જુએ છે?

• સત્ય કઈ રીતે એકતા લાવે છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૧ પર ચિત્ર]

જેઓ સત્યના માર્ગે ચાલે છે તેઓ ખ્રિસ્તી સભાઓમાંથી આશીર્વાદ મેળવે છે

[પાન ૨૩ પર ચિત્રો]

ઈસુએ પોતાના મરણની યાદગીરીમાં, તેમના શિષ્યોને સ્મરણપ્રસંગ ઊજવવાની આજ્ઞા આપી

[પાન ૨૪ પર ચિત્ર]

શરૂઆતના ખ્રિસ્તીઓની જેમ, યહોવાહના સાક્ષીઓ ‘અધિકારીઓને’ આધીન રહે છે