નરક લોકો એ વિષે શું માને છે?
નરક લોકો એ વિષે શું માને છે?
“નરક,” આ શબ્દ સાંભળીને તમારી નજર સામે કયું ચિત્ર ઉપસી આવે છે? શું એ સતત બળતી આગ હંમેશ માટે પીડા ભોગવવાની જગ્યા છે? કે પછી, એનો કોઈ બીજો અર્થ થાય છે?
સદીઓથી ખ્રિસ્તીઓના ધર્મગુરુઓ કહેતા આવ્યા છે કે, પાપીઓને પોતાના ખરાબ કામો માટે નરકની આગમાં બેહદ પીડા ભોગવવી પડશે. બીજા ઘણા ધર્મોમાં પણ આ માન્યતા ખૂબ જાણીતી છે. યુએસ ન્યૂઝ એન્ડ વર્લ્ડ રિપોર્ટ નામનું મેગેઝિન કહે છે કે “નરકને ખૂબ પ્રખ્યાત બનાવવામાં ખ્રિસ્તીઓના ધર્મગુરુઓએ મોટો ભાગ ભજવ્યો હોય શકે. પરંતુ, એ માન્યતાનો બધો યશ તેઓને મળી જતો નથી. આજે મોટા ભાગના દરેક ધર્મના લોકોને મરણ પછી નરકની ભયંકર રિબામણીનો ડર સતાવે છે.” હિંદુ, બુદ્ધ, મુસ્લિમ, જૈન અને તાઓવાદી લોકો પણ નરકમાં કોઈને કોઈ રીતે માને છે.
હવે આજની પેઢી નરક વિષે એક નવી માન્યતા સ્વીકારવા લાગી છે. ઉપર ઉલ્લેખેલું મેગેઝિન જણાવે છે કે “ઘણા લોકો નરકાગ્નિમાં હજુ પણ માને છે. પરંતુ, બીજા લોકો એવું માનવા લાગ્યા છે કે નરક જેવી કોઈ જગ્યા છે જ નહિ, અથવા નરકની પીડાનું જે વર્ણન કરવામાં આવ્યું છે એવું કંઈ નથી.”
એક ખ્રિસ્તી સંપ્રદાયના મેગેઝિને (લા સીવીલ્ટા કેટોલિકા) નોંધ્યું કે, ‘પિશાચો દ્વારા નરકાગ્નિ જેવી જગ્યામાં પરમેશ્વર દુષ્ટ લોકોને રિબાવે એમ વિચારવું જ ખોટું છે.’ એ આગળ કહે છે: “નરક એક એવી જગ્યા છે કે જ્યાં વ્યક્તિને પરમેશ્વરે તરછોડી દીધી હોવાથી, તે અનાથ બની ગયાની પીડા અનુભવે છે.” પોપ જોન પોલ બીજાએ ૧૯૯૯માં કહ્યું: “નરક જેવી કોઈ જગ્યા જ નથી. નરક તો એવા લોકોની સ્થિતિને બતાવે છે કે જેઓ પોતાની મરજીથી પરમેશ્વરના આશીર્વાદોથી પૂરેપૂરા અલગ થઈ ગયા છે.” નરકમાં સતત બળતી આગ વિષે પોપ આ પ્રમાણે કહે છે: “પરમેશ્વર વગર તેઓનું જીવન નકામું બની ગયું છે, અને તેઓ એનાથી હારીને નાસીપાસ થઈ ગયા છે.” ચર્ચના ઇતિહાસકાર માર્ટિન માર્ત્યે કહ્યું કે જો પોપે નરકનું વર્ણન “આગની જ્વાળાઓ અને પંજેટી લઈને ઊભેલા શેતાન સાથે કર્યું હોત તો, લોકો એને માનત જ નહિ.”
બીજા ધર્મમાં પણ આવી નવી નવી માન્યતાઓ પ્રખ્યાત થઈ રહી છે. ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના આગેવાનોએ આ માન્યતા વિષે કહ્યું: “નરક એ હઠીલી વ્યક્તિના જીવનને બતાવે છે જે સુધરવા માગતી નથી. આવું જીવન જીવીને વ્યક્તિ પરમેશ્વરની એટલી વિરુદ્ધ થઈ જાય છે કે તે તેમની નજરમાં મરી જાય છે. આમ, નરક એ અનંતકાળની પીડાનું સ્થળ નથી.”
યુનાઈટેડ સ્ટેટ્સનું એપિસ્કોપલ ચર્ચ નરકનું વર્ણન આમ કરે છે કે “પરમેશ્વરનો નકાર કરનારા લોકો માટે હંમેશનું મોત છે.” આજે વધુને વધુ લોકો શું માને છે? યુએસ ન્યૂઝ એન્ડ વર્લ્ડ રિપોર્ટ કહે છે કે, ‘દુષ્ટ લોકો અનંતકાળ માટે નરકમાં પીડા નહિ ભોગવે, પરંતુ તેઓનો વિનાશ કરવામાં આવશે. તેઓ દલીલ કરે છે કે જેઓ પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી પરમેશ્વરનો નકાર કરશે તેઓને “નરકની ધગધગતી આગમાં” ભસ્મ કરી દેવામાં આવશે.’
ભલે આજે અમુક લોકો નરક કે અનંતકાળની પીડા જેવી માન્યતાને નકારી રહ્યા હોય, પરંતુ ઘણા લોકો એમાં હજુ પણ પૂરી શ્રદ્ધાથી માને છે. અમેરિકાના લુઇવીલ શહેરના, એક ખ્રિસ્તી ધર્મશાળાના શિક્ષક, આલ્બર્ટ મોલેર કહે છે: “નરક, આગમાં અનંતકાળની પીડા ભોગવવાની જગ્યા છે એવું શાસ્ત્ર સ્પષ્ટ કહે છે.” નરક શું છે? (ઈવેન્જેલિકલ અલાયન્સ કમિશને અંગ્રેજીમાં તૈયાર કરેલ) અહેવાલ કહે છે: “નરક એક એવી જગ્યા છે કે જ્યાં વ્યક્તિએ પીડા ભોગવવાનો અનુભવ કરવો પડશે કેમ કે પરમેશ્વરે તેને તરછોડી દીધી છે.” એ વધુમાં કહે છે: “વ્યક્તિએ પૃથ્વી પર કેટલા પાપ કર્યા હતા એના આધારે તેને નરકમાં શિક્ષા કરવામાં આવશે.”
તો પછી, પ્રશ્ન એ ઊભો થાય છે કે, શું નરક એ અનંતકાળની પીડાની જગ્યા છે કે પછી, એ વ્યક્તિનો હંમેશ માટે વિનાશ કરવાની જગ્યા છે? અથવા, શું નરક એવા લોકોની સ્થિતિને બતાવે છે કે જેઓ પર પરમેશ્વરના આશીર્વાદો જરાય નહીં હોય? નરક ખરેખર શું છે?
[પાન ૪ પર બોક્સ/ચિત્રો]
નરકની માન્યતા ક્યારે શરૂ થઈ?
કહેવાતા ખ્રિસ્તીઓએ નરકમાં પીડા ભોગવવાની માન્યતાને ક્યારે અપનાવી? તેઓએ ઈસુ ખ્રિસ્ત અને તેમના શિષ્યો થઈ ગયા એના થોડા સમય પછી એ માન્યતા અપનાવી. ‘નરકમાં પાપીઓને સજા થશે અને તેઓને રિબાવવામાં આવશે એવું બનાવટી શિક્ષણ, અપાકેલપ્સ ઓફ પીટર પુસ્તકમાં (બીજી સદી) પહેલી વાર જોવા મળ્યું, જે ખરેખર બાઇબલનો ભાગ ન હતું,’ એમ ફ્રેંચ એન્સાયક્લોપેડિયા યુનિવર્સલીઆ નોંધે છે.
તોપણ શરૂઆતના ચર્ચના ધર્મગુરુઓમાં નરક વિષે ઘણા મતભેદો હતા. જસ્ટીન માર્ટર, ક્લેમેંટ ઓફ એલેક્ઝાંડ્રિયા, ટર્ટેલિયન અને સાયપ્રિયન, માનતા હતા કે નરકની આગમાં દુષ્ટો પોતાના પાપનું ફળ ભોગવે છે. ઑરિગન અને નાઈસાનો ગ્રેગરી પરમેશ્વરથી દૂર થઈ ગયાની સ્થિતિને નરક માનતો હતો. જ્યારે બીજી બાજુ, હિપ્પોનો ઑગસ્ટીન માનતો હતો કે વ્યક્તિ નરકમાં જાય છે ત્યારે, તે પરમેશ્વરથી અલગ થઈ જાય છે અને એ દુઃખનો અનુભવ પણ કરે છે. આ વિચારને ઘણા લોકો સ્વીકારવા લાગ્યા છે. પ્રોફેસર જે. કેલી લખે છે કે “પાંચમી સદી સુધીમાં તો, લોકોમાં એવી કઠોર માન્યતા પ્રચલિત બની કે એક વાર મરણ થયા પછી પાપી વ્યક્તિને નરકની આગમાં ભસ્મ કરી દેવામાં આવે છે. તેને બીજો કોઈ મોકો મળતો નથી. અને આ આગ હંમેશાં સળગતી રહે છે.”
સોળમી સદીમાં માર્ટિન લુથર અને જોન કાલ્વિન જેવા ધર્મસુધારકો માનવા લાગ્યા કે નરકમાં અગ્નિની પીડા, એવી સ્થિતિને બતાવે છે જ્યાં, વ્યક્તિ પરમેશ્વરથી કાયમ માટે અલગ થઈ જાય છે. તોપણ બે સદીઓ પછી, નરક એ ભયંકર પીડા ભોગવવાની જગ્યા છે એ માન્યતા લોકોમાં ફરીથી પ્રખ્યાત થવા લાગી. પ્રોટેસ્ટંટ પ્રચારક જોનાથાન એડવડ્ર્ઝે ૧૮મી સદીમાં અમેરિકનોના દિલમાં નરક વિષે એવું ભયાનક ચિત્ર ઉપસાવ્યું કે જેનો વિચાર કરતા જ તેઓ થથરી જતા હતા.
તોપણ, એના થોડા જ સમય પછી નરકની જ્વાળાઓ ઠંડી પડવા લાગી. “વીસમી સદીમાં લોકો ધીમે ધીમે નરકની માન્યતાથી દૂર જવા લાગ્યા,” એવું યુએસ ન્યુઝ એન્ડ વર્લ્ડ રિપોર્ટ જણાવે છે.
[ચિત્રો]
જસ્ટીન માર્ટર માનતો હતો કે નરક પીડા ભોગવવાની જગ્યા છે
હિપ્પોના ઓગસ્ટિને શીખવ્યું કે નરક એવી સ્થિતિ છે કે જ્યાં વ્યક્તિ પર પરમેશ્વરનો જરાય આશીર્વાદ રહેતો નથી અને તે એ દુ:ખનો અનુભવ પણ કરે છે