સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સારાં કામો કરો, પરમેશ્વરની કૃપા મેળવો

સારાં કામો કરો, પરમેશ્વરની કૃપા મેળવો

સારાં કામો કરો, પરમેશ્વરની કૃપા મેળવો

“કોઈના જામીન થતાં પહેલાં તમે તેને બરાબર ઓળખો છો તેની ખાતરી કરી લો. પાછળથી મુસીબતમાં પડવા કરતાં પહેલેથી જ ના પાડવી સારું છે.” (નીતિવચનો ૧૧:​૧૫, IBSI) આ સલાહ આપણા ભલા માટે આપવામાં આવી છે. કોઈ અજાણી વ્યક્તિને લોન અપાવવા જામીન થવું, મુશ્કેલી ઊભી કરી શકે. પ્રાચીન ઈસ્રાએલમાં, લોકો એકબીજાને ઓળખતા ન હોય તોપણ હાથ મિલાવીને જામીન થતા હતા, જે સહી કરવા બરાબર હતું. પરંતુ, શાસ્ત્ર પ્રમાણે અજાણી વ્યક્તિ માટે જામીન આપીને કે તેની સાથે ધંધો કરવાથી, આપણે પૈસાની મુશ્કેલીમાં ફસાઈ શકીએ છીએ.

ખરેખર, આ કહેવત અહીંયા કેટલી લાગુ પડે છે કે, “માણસ જે કંઈ વાવે તેજ તે લણશે.” (ગલાતી ૬:૭) પ્રબોધક હોશીયા કહે છે: “પોતાને સારૂ નેકી વાવો, ને તેના પરિણામમાં કૃપા લણશો.” (હોશીઆ ૧૦:૧૨) હા, જો આપણે પ્રમાણિક બનીને પરમેશ્વરના માર્ગમાં ચાલીશું તો તેમની કૃપા પામીશું. ઈસ્રાએલના રાજા સુલેમાને, ઘણી વાર આ સલાહનો ઉપયોગ કરીને, પ્રમાણિક અને સારા કામ કરવા તથા વાણી અને સ્વભાવમાં સારા બનવા પર ભાર મૂક્યો. તેમણે જે સલાહો આપી એના પર ખાસ ધ્યાન આપીશું તો, આપણે સારાં કામોનાં બી વાવી શકીશું.—નીતિવચનો ૧૧:૧૫-૩૧.

સદ્‍ગુણી વ્યક્તિને માન મળે છે

“સુશીલ સ્ત્રી આબરૂને સાચવી રાખે છે; અને જુલમી માણસો દ્રવ્ય સાચવી રાખે છે.” (નીતિવચનો ૧૧:૧૬) આ કલમ, સુશીલ સ્ત્રી જે માન મેળવે છે અને જુલમી વ્યક્તિ જે ક્ષણિક સુખ માટે પૈસા પડાવી લે છે એ બન્‍ને વચ્ચેનો તફાવત જણાવે છે.

કઈ રીતે કોઈ વ્યક્તિ સુશીલ કે નમ્ર બની માન મેળવી શકે? સુલેમાન સલાહ આપે છે: “બે લક્ષ્યાંક રાખ: ડહાપણ​—⁠એટલે કે સાચું શું છે તે જાણવું અને તે પ્રમાણે કરવું, અને સામાન્ય બુદ્ધિ. તેઓને તારી પાસેથી સરી જવા દઈશ નહિ. કેમ કે તેઓ તને જીવનશક્તિ આપે છે.” (નીતિવચનો ૩:૨૧, ૨૨, IBSI) અને ગીતશાસ્ત્રના એક લેખકે કહ્યું કે, ‘રાજાના હોઠો કૃપાથી ભરેલા છે.’ (ગીતશાસ્ત્ર ૪૫:૧, ૨) હા, જે વ્યક્તિ સમજી-વિચારીને પ્રેમથી બોલે છે તે લોકોની નજરમાં માન મેળવે છે. આ સુશીલ સ્ત્રી માટે ઘણું સાચું છે. ઉદાહરણ તરીકે, મૂર્ખ નાબાલની પત્ની અબીગાઈલ, “ઘણી બુદ્ધિમાન તથા સુંદર હતી.” અને રાજા દાઊદે તેની ‘ચતુરાઈના’ ઘણા વખાણ કર્યા.​—⁠૧ શમૂએલ ૨૫:૩, ૩૩.

પરમેશ્વરનો ડર રાખનારી નમ્ર સ્ત્રી ચોક્કસ માન મેળવશે. બીજાઓ પણ તેના વખાણ કરશે. જો તે પરણેલી હોય તો, તેના પતિની નજરમાં માન મેળવશે. વધુમાં, તે આખા કુટુંબની શોભા બનશે. તેનું માન હંમેશાં જળવાઈ રહેશે. “પસંદગી કરવાની હોય તો શ્રીમંતાઇ કરતાં સારું ચારિત્ર્ય પસંદ કરો; સોનાચાંદી કરતાં પ્રેમયુક્ત આદર પામવો વધારે સારું છે.” (નીતિવચનો ૨૨:​૧, IBSI) પરમેશ્વરની નજરમાં જે સારું નામ બનાવે છે તેની સુવાસ કાયમ મહેકતી રહેશે.

બીજી બાજુ, “જુલમી માણસ” પરમેશ્વરની નજરમાં પોતાનું નામ બગાડે છે. (નીતિવચનો ૧૧:​૧૬) આ જુલમી માણસ યહોવાહ અને તેમના ભક્તોનો શત્રુ છે. (અયૂબ ૬:૨૩; ૨૭:૧૩) આવા માણસો, “ઈશ્વરની દરકાર કરતા નથી.” (ગીતશાસ્ત્ર ૫૪:​૩) તેઓ સારા લોકોને મારી-કચડીને, તેઓનો લાભ ઉઠાવીને “ધૂળની માફક રૂપાના ઢગલેઢગલા એકઠા કરે” છે. (અયૂબ ૨૭:૧૬) પરંતુ, એક દિવસ એવો આવે છે કે જ્યારે તે જીવનનો છેલ્લો શ્વાસ લે છે. (અયૂબ ૨૭:૧૯) એ વખતે, તેની માલમિલકત અને નામના નકામી બની જશે.​—⁠લુક ૧૨:૧૬-૨૧.

નીતિવચનો ૧૧:૧૬ આપણને કેવો મહત્વનો બોધપાઠ શીખવે છે. ઈસ્રાએલના રાજાએ બતાવ્યું કે સુશીલ વ્યક્તિ અને જુલમી વ્યક્તિ જે વાવે છે એ જ લણે છે. તે આપણને સારા કામ કરવા અરજ કરે છે.

સારાં કામોથી મળતો બદલો

રોજિંદા જીવનમાં, બીજો એક બોધપાઠ શીખવતાં સુલેમાન કહે છે: “દયાળુ માણસ પોતાના આત્માનું હિત કરે છે; પણ ઘાતકી માણસ પોતાના દેહને દુઃખમાં નાખે છે.” (નીતિવચનો ૧૧:૧૭) એક પ્રોફેસરે કહ્યું કે, “આ કહેવતનો અર્થ એ થાય છે કે, આપણે સારાં કે ખરાબ કામ કરીએ એનું ગમે ત્યારે પરિણામ આવવાનું જ છે.” એક યુવતી કાજલનો વિચાર કરો. * તે હંમેશાં પ્રચાર કાર્યમાં મોડી પહોંચે છે. અમુક વાર તો તે અડધો કલાક મોડી પહોંચે છે. તે જાણીજોઈને આમ કરતી નથી. પરંતુ તેની રાહ જોઈને કંટાળેલા બીજા ભાઈ-બહેનો વિષે શું? જો તેઓ થોડો ગુસ્સો કે નારાજગી બતાવે તો, શું કાજલે તેઓનો વાંક કાઢવો જોઈએ?

બીજા એવા પણ લોકો હોય છે જેઓ જીવનમાં કોઈ પણ ભૂલ કરવા માંગતા નથી. તેઓ ઊંચા ધોરણો બેસાડીને પોતાના પર જ જુલમ કરે છે. હકીકતમાં તેઓ હવામાં બાચકા ભરે છે અને છેવટે પડી ભાંગે છે. બીજી તર્ફે, જો આપણે વાજબી ધ્યેયો બાંધીશું, તો એ આપણને જ લાભ કરશે. કદાચ આપણે બીજાઓની જેમ બાબતોને તરત જ સમજી ન પણ શકીએ. અથવા તો બીમારી અને મોટી ઉંમરને કારણે બધું કરી શકતા ન હોય. પરંતુ યાદ રાખો, આપણે પરમેશ્વરની સેવામાં બધું જ કરી શકતા નથી. આપણાથી થતું હોય એટલું કરવામાં આપણે ખુશ થવું જોઈએ.​—⁠૨ તીમોથી ૨:૧૫; ફિલિપી ૪:⁠૫.

સારી અને ખરાબ વ્યક્તિને મળતા બદલા વિષે આગળ જણાવતા શાણા રાજા કહે છે: “દુષ્ટને મળતી સંપત્તિ ક્ષણિક હોય છે; પણ સારા માણસને મળતો બદલો સર્વદા ટકી રહે છે. સદાચારીને જીવન મળે છે; દુરાચારીને મોત મળે છે. પ્રભુ હઠીલાઓને ધિક્કારે છે; પણ સારા લોકોને લીધે તેમને આનંદ થાય છે. તમારે ખાતરીપૂર્વક માનવું કે દુષ્ટ માણસને શિક્ષા થયા વગર રહેશે નહિ, અને આ પણ એટલું જ સાચું છે કે સદાચારીના સંતાનોને ઇશ્વર છોડાવશે જ.”​—⁠નીતિવચનો ૧૧:૧૮-૨૧, IBSI.

આ કલમો ઘણી રીતોએ આ મુખ્ય મુદ્દા પર ભાર મૂકે છે: સારાં કામ કરો અને કૃપા મેળવો. ખરાબ વ્યક્તિ મહેનત કરવા માંગતી નથી. તે જૂઠું બોલીને કે જુગાર રમીને અમીર બને છે. પરંતુ, આ ખોટી કમાણી હોવાથી, એક દિવસ તેણે એનું ફળ ભોગવવું પડશે. બીજી બાજુ, જે પ્રમાણિક બનીને ખરી કમાણી લાવે છે તેને એમાં સંતોષ મળશે. આવા નેક લોકો પરમેશ્વરને પસંદ છે અને તેઓ હંમેશ માટે તેમના આશીર્વાદનો આનંદ માણશે. પરંતુ, ખરાબ વ્યક્તિ શું ભોગવશે? ખરાબ લોકો સાથે મળીને જે ખોટી કમાણી કરે છે એ બદલ તેઓને ચોક્કસ સજા થશે. (નીતિવચનો ૨:૨૧, ૨૨) સારાં કામો કરવા કેવી સુંદર શિખામણ!

પરમેશ્વરની નજરમાં સુંદરતા

પછી, સુલેમાન આમ કહે છે: “મૂર્ખ અને અવિવેકી સ્ત્રી ભલે ખૂબસૂરત હોય; પણ તે ભૂંડના નાકમાં સોનાની નથણી સમાન છે.” (નીતિવચનો ૧૧:​૨૨, IBSI) પ્રાચીન સમયમાં, નથણી પહેરવાથી સ્ત્રીઓ સુંદર દેખાતી હતી. નથણી પહેરેલી સ્ત્રી તરત જ બીજાઓનું ધ્યાન ખેંચી લેતી હતી. આવી સુંદર સોનાની નથણી જો ભૂંડના નાકમાં હોય તો એ કેવું બેહૂદું લાગશે! એ જ રીતે, વ્યક્તિ ભલે ગમે એટલી ખુબસુરત હોય, પણ જો તે “અવિવેકી” હોય, તો એ “ભૂંડના નાકમાં સોનાની નથણી સમાન” છે. આ પુરુષ અને સ્ત્રીઓ બંનેને લાગુ પડે છે.

જોકે, એ સાચું છે કે આપણે દરરોજ અરીસામાં જોઈને સુંદર દેખાવા માગીએ છીએ. પણ જો આપણે એટલા રૂપાળા ન હોઈએ તો, મન પર લેવાની જરૂર નથી. બધા જ પોતાના શરીરને બદલાવી શકતા નથી. ફક્ત રૂપાળા લોકોથી જ દુનિયા ચાલતી નથી. તમારા મોટા ભાગના મિત્રો ફિલ્મસ્ટાર જેવા દેખાતા નહિ હોય, પણ શું તમે એનો કોઈ વાંધો ઉઠાવો છો? ના! કારણ કે રૂપાળા લોકો જ સારા મિત્રો બને એ જરૂરી નથી. પરંતુ, મહત્વનું એ છે કે તેઓનું દિલ કેવું છે. શું તેઓમાં પરમેશ્વર જેવા સદ્‍ગુણો જોવા મળે છે? તો ચાલો, આપણે પરમેશ્વરની નજરમાં રૂપાળા દિલના બનીએ.

“ઉદાર માણસ ધનવાન બને છે”

રાજા સુલેમાન નીતિવચનો ૧૧:૨૩માં જણાવે છે: “નેક માણસની ઇચ્છા કેવળ શુભ હોય છે; પણ દુષ્ટની અપેક્ષા કોપરૂપ છે.” આવું કેમ બને છે એનું ઉદાહરણ આપતાં, તે આગળ કહે છે: “ઉદારતાથી આપનારનું વધ્યા જ કરે છે; પણ પોતાનું જે છે તેને વળગી રહેનાર સઘળું ગુમાવી બેસે છે.”​—⁠નીતિવચનો ૧૧:૨૪, IBSI.

આપણે પરમેશ્વર વિષેનું જ્ઞાન લોકોમાં ફેલાવીએ છીએ તેમ, આપણે પોતે એ જ્ઞાનની “પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ તથા ઊંડાઈ” સમજીએ છીએ. (એફેસી ૩:૧૮) બીજી બાજુ, જે વ્યક્તિ આ જ્ઞાનને પોતાની પાસે જ રાખે છે તે જે જાણે છે એ પણ ભૂલી જાય છે. હા, “જે ઉદારતાથી વાવે છે, તે લણશે પણ ઉદારતાથી.”​—૨ કોરીંથી ૯:⁠૬.

રાજા કહેવાનું ચાલુ રાખે છે: “ઉદાર જીભ પુષ્ટ થશે; અને પાણી પાનાર પોતે પણ પીશે.” (નીતિવચનો ૧૧:​૨૫) આપણે યહોવાહની ભક્તિમાં પૂરા દિલથી સમય અને સંપતિ આપીએ છીએ ત્યારે તે ઘણા જ ખુશ થાય છે. (હેબ્રી ૧૩:૧૫, ૧૬) “હું તમારે સારૂ આકાશની બારીઓ ખોલી નાખીને સમાવેશ કરવાને પૂરતી જગા નહિ હોય, એટલો બધો આશીર્વાદ તમારા પર મોકલી દઉં છું કે નહિ! એવું સૈન્યોનો દેવ યહોવાહ કહે છે.” (માલાખી ૩:​૧૦) આજે યહોવાહના ભક્તો તેમના જ્ઞાનમાં કેટલા આગળ વધ્યા છે એ જુઓ!

સારી અને ખરાબ વ્યક્તિઓ વચ્ચેના તફાવત વિષે બીજું ઉદાહરણ આપતાં, સુલેમાન કહે છે: “અનાજ સંઘરી રાખનારને લોક શાપ દેશે; પણ તે વેચનારના માથા પર આશીર્વાદ રહેશે.” (નીતિવચનો ૧૧:​૨૬) અમુક વેપારીઓ રોજિંદા વપરાશની વસ્તુઓને ઓછા ભાવે ખરીદી લઈને સંઘરી રાખે છે. પછી એ વસ્તુની અછત પડે ત્યારે એની વધારે કિંમત લઈને પૈસા કમાય છે. એનાથી અછતમાં પણ જોઈતી વસ્તુ મળી રહે છે. પરંતુ, એ સમયે લોકો લોભી વેપારીને ધિક્કારે છે. બીજી બાજુ, જે વ્યક્તિ એ સમયે પૈસા બનાવવાને બદલે વાજબી ભાવે વસ્તુ વેચે છે, તેને લોકો પસંદ કરશે.

પ્રમાણિક બનીને સારાં કામો કરવા ઉત્તેજન આપતા, ઈસ્રાએલના રાજા કહે છે: “જો તું ભલું કરવા પર મન લગાડે તો ઈશ્વરની કૃપા પામશે; પણ જો ભૂંડાઈ પર મન લગાડશે તો શાપ પામશે. પૈસા પર ભરોસો રાખો અને પતન પામો, ઈશ્વર પર ભરોસો રાખો અને વૃક્ષની માફક વૃદ્ધિ પામો.”​—⁠નીતિવચનો ૧૧:૨૭, ૨૮, IBSI.

નેકીજન કઈ રીતે બીજાઓને બચાવે છે?

મૂર્ખ વ્યક્તિના પગલાં કેવું ખરાબ પરિણામ લાવી શકે એ વિષે સુલેમાન દૃષ્ટાંત આપતા કહે છે: “પોતાના કુટુંબને હેરાન કરીને દુઃખી અને ગુસ્સે કરનાર મૂર્ખ માણસ અંતે બધું ગુમાવશે.” (નીતિવચનો ૧૧:૨૯ ક, IBSI) ઈસ્રાએલના આખાને પાપ કરીને, પોતાને અને કુટુંબને ‘હેરાન કર્યા.’ એટલું જ નહીં પણ તે અને તેના કુટુંબને પથ્થર મારીને મારી નાખવામાં આવ્યા. (યહોશુઆનો સાતમો અધ્યાય) આજે પણ અમુક વાર પિતા કે પતિ અથવા કુટુંબના બીજા સભ્યો ખોટા કામોમાં સંડોવાય છે. તેઓએ પરમેશ્વરની આજ્ઞા ન પાળી હોવાથી, તેમને મંડળમાંથી કાઢી મૂકવામાં આવે છે. તેઓ પોતાના કુટુંબમાં ગંભીર ખોટા કામો ચલાવી લઈને આખા ‘ઘરનાને હેરાન કરે છે.’ કુટુંબમાંથી જેઓ પણ ખોટા કામનો પસ્તાવો કરતા નથી તેઓને મંડળમાંથી કાઢી મૂકવામાં આવે છે. (૧ કોરીંથી ૫:૧૧-૧૩) આમ, ખોટું કામ કરનારનું છેવટે શું થાય છે? તે પોતાનું બધું જ ગુમાવી દે છે.

સુલેમાન રાજા આગળ કહે છે: “મૂર્ખ માણસ જ્ઞાનીનો ચાકર થશે.” (નીતિવચનો ૧૧:૨૯ ખ) મૂર્ખ વ્યક્તિને ભારે જવાબદારી આપી શકાય નહિ. કેમ કે તે કોઈ પણ કામમાં પોતાની બુદ્ધિ ચલાવતી નથી. આવી મૂર્ખ વ્યક્તિ કદાચ “જ્ઞાનીનો ચાકર” થશે. બીજા અર્થમાં, તેણે હોંશિયાર વ્યક્તિના કહ્યા પ્રમાણે કરવું પડશે. તેથી એ કેટલું મહત્વનું છે કે આપણે રોજિંદા જીવનમાં આપણી બુદ્ધિનો સારો ઉપયોગ કરીએ.

શાણો રાજા ખાતરી આપે છે: “નેકીવાનનું ફળ તે જીવનનું ઝાડ છે; અને જે જ્ઞાની છે તે બીજા આત્માઓને બચાવે છે.” (નીતિવચનો ૧૧:૩૦) આ કેવી રીતે બને છે? નેકીજન તેની વાણી અને વર્તન દ્વારા, બીજાઓને યહોવાહ વિષે શીખવે છે. જેઓ પણ તેનું સાંભળે છે તેઓને યહોવાહની ભક્તિ કરવા ઉત્તેજન મળે છે. એમ કરવાથી તેઓ પરમેશ્વર તરફથી હંમેશ માટેનું જીવન મેળવશે.

‘પાપીને વિશેષ બદલો મળશે’

ઉપર જણાવેલી કહેવતો કેટલી સાચી છે! ખરેખર એ બતાવે છે કે શા માટે આપણે સારાં કે નેક બનવાની જરૂર છે. “કોઈ માણસ જે કંઈ વાવે તે જ લણશે,” આ કહેવત પર વધારે સમજણ આપતા, રાજા સુલેમાન કહે છે: “ઈશ્વરનો ભય રાખનાર લોકો પૃથ્વી પરના જીવનમાં જ બદલો પામશે, તો ભૂંડાઇમાં રાચનારને તેની ભૂંડાઇનો બદલો મળશે જ એ કેટલું નક્કી છે!”​—⁠નીતિવચનો ૧૧:⁠૩૧, IBSI.

નેકજન હંમેશાં સારું કરવા ઇચ્છે છે તોપણ, તેને આ કહેવત લાગુ પડે છે: “માણસ માત્ર ભૂલને પાત્ર.” (સભાશિક્ષક ૭:૨૦) તેણે ભૂલ કરી હોવાથી શિસ્તનો “બદલો” મળશે. પરંતુ, જો દુષ્ટ વ્યક્તિ, સીધા રસ્તે ચાલવાને બદલે, જાણીજોઈને ખોટો રસ્તો પસંદ કરે તો શું? શું તેને એ બદલ મોટો “બદલો,” એટલે કે ભારે શિક્ષા કરવામાં નહીં આવે? પ્રેષિત પીતરે લખ્યું: “જો ન્યાયી માણસનો ઉદ્ધાર મુશ્કેલીથી થાય છે, તો અધર્મી અને પાપી માણસનું ઠેકાણું ક્યાં પડશે?” (૧ પીતર ૪:૧૮) તેથી, ચાલો આપણે સારાં કામોમાં મંડ્યા રહેવાનો મક્કમ નિર્ણય લઈએ.

[ફુટનોટ]

^ નામ બદલવામાં આવ્યું છે.

[પાન ૨૮ પર ચિત્ર]

ચતુરાઈને કારણે અબીગાઈલના વખાણ થયા

[પાન ૩૦ પર ચિત્રો]

દુષ્ટની કમાણી નકામી છે પણ સારાં કામ કરનારને સુંદર બદલો મળે છે

[પાન ૩૧ પર ચિત્ર]

‘ઉદારતાથી વાવો, ઉદારતાથી લણો’