સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘પરમેશ્વરનાં મહાન કાર્યોથી’ પ્રેરણા મેળવવી

‘પરમેશ્વરનાં મહાન કાર્યોથી’ પ્રેરણા મેળવવી

‘પરમેશ્વરનાં મહાન કાર્યોથી’ પ્રેરણા મેળવવી

“આપણે બધા તેમને આપણી પોતપોતાની ભાષામાં ઈશ્વરે કરેલાં મહાન કાર્યો વિષે તેઓને બોલતાં સાંભળીએ છીએ.”—પ્રેરિતોનાં કૃત્યો ૨:​૧૧, પ્રેમસંદેશ.

૧, ૨. યરૂશાલેમમાં પેન્તેકોસ્ત ૩૩ સી.ઈ.ના રોજ કઈ અચંબો પમાડતી ઘટના બની?

 પેન્તેકોસ્ત ૩૩ સી.ઈ.ના વસંતઋતુના અંત ભાગમાં, એક સવારે ઈસુ ખ્રિસ્તના શિષ્યો યરૂશાલેમના એક ઘરમાં ભેગા થયા હતા. અચાનક અચંબો પમાડે એવી એક ઘટના બની. “આકાશમાંથી એકાએક ભારે આંધીના ઘુઘવાટ જેવો અવાજ આવ્યો, અને તેઓ જ્યાં બેઠા હતા તે આખું ઘર ગાજી રહ્યું. અગ્‍નિના જેવી છૂટી છૂટી પડતી જીભો તેઓના જોવામાં આવી; . . . તેઓ સર્વે પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને . . . તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા.”​—⁠પ્રેરિતોનાં કૃત્યો ૨:૨-૪, ૧૫.

એ ઘરની સામે મોટું ટોળું ભેગું થયું હતું. તેઓમાં “ધાર્મિક યહુદીઓ” અને બીજા દેશમાં જન્મેલા યહુદીઓ પણ હતા. તેઓ પેન્તેકોસ્તનો તહેવાર ઊજવવા યરૂશાલેમમાં આવ્યા હતા. શિષ્યોને તેઓની ભાષામાં ‘પરમેશ્વરના મહાન કાર્યો વિષે’ બોલતા સાંભળીને, તેઓને ખૂબ આશ્ચર્ય થયું. આ બધા શિષ્યો તો ગાલીલના હતા, તો પછી તેઓ કઈ રીતે વિદેશીઓની ભાષા બોલી શકે?​—⁠પ્રેરિતોનાં કૃત્યો ૨:૫-૮, ૧૧.

૩. પેન્તેકોસ્તના દિવસે પ્રેષિત પીતરે ટોળાને કયો સંદેશો જણાવ્યો?

એ ગાલીલીઓમાં પ્રેષિત પીતર પણ હતા. તેમણે જણાવ્યું કે થોડાં અઠવાડિયાં પહેલાં જ ઈસુ ખ્રિસ્તને મારી નાખવામાં આવ્યા હતા. પરંતુ પરમેશ્વરે પોતાના એ દીકરાને મરણમાંથી ઉઠાડ્યા છે. એ પછી, ઈસુ પોતાના ઘણા શિષ્યોને દેખાયા હતા. તેઓમાં પીતર અને અત્યારે હાજર રહેલાઓમાંથી બીજા ઘણા હતા. દસ દિવસ પહેલાં જ ઈસુ સ્વર્ગમાં ચઢી ગયા હતા. તેમણે જ પોતાના શિષ્યો પર પવિત્ર આત્મા મોકલ્યો હતો. પેન્તેકોસ્ત ઊજવનારાઓ પર શું આની કોઈ અસર પડી હતી? ઈસુના મરણે તેઓના પાપની માફી મેળવવા માર્ગ તૈયાર કર્યો હતો. તેઓ ઈસુમાં વિશ્વાસ કરે તો “પવિત્ર આત્માનું દાન” મેળવી શકતા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૨૨-૨૪, ૩૨, ૩૩, ૩૮) તેથી, શિષ્યોને ‘પરમેશ્વરના મહાન કાર્યો’ વિષે બોલતા સાંભળીને તેઓએ શું કર્યું? આ અહેવાલ કઈ રીતે આપણને યહોવાહની વધારે સેવા કરવા મદદ કરે છે?

કાર્ય કરવા પ્રેરાયા!

૪. પેન્તેકોસ્ત ૩૩ સી.ઈ.ના રોજ યોએલની કઈ ભવિષ્યવાણી સાચી પડી?

પેન્તેકોસ્ત ૩૩ સી.ઈ.ની સવારે પવિત્ર આત્માથી ભરપૂર થઈને શિષ્યો તરત જ ભેગા થયેલા ટોળાને તારણનો સંદેશો આપવા લાગ્યા. પછી તેઓએ બીજાઓને પણ પ્રચાર કર્યો. આ કાર્યથી આઠ સદીઓ અગાઉ પથૂએલના પુત્ર યોએલે કરેલી ભવિષ્યવાણી સાચી પડી: “હું સર્વ મનુષ્યો પર મારો આત્મા રેડી દઈશ; અને તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે, તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે, તમારા જુવાનોને સંદર્શનો થશે; વળી તે સમયે દાસો તથા દાસીઓ પર હું મારો આત્મા રેડી દઈશ.” આ બધું “યહોવાહનો મોટો તથા ભયંકર દિવસ આવે તે પહેલાં” થશે.—યોએલ ૧:૧; ૨:૨૮, ૨૯, ૩૧; પ્રેરિતોનાં કૃત્યો ૨:૧૭, ૧૮, ૨૦.

૫. કયા અર્થમાં પ્રથમ સદીના ખ્રિસ્તીઓએ પ્રબોધ કર્યો હતો? (ફૂટનોટ જુઓ)

શું એનો એવો અર્થ થતો હતો કે પરમેશ્વર દાઊદ, યોએલ અને દબોરાહના સમયની જેમ ભવિષ્ય ભાખવા પ્રબોધકો ઊભા કરશે? ના. તો પછી, ખ્રિસ્તી ‘દીકરા, દીકરીઓ, દાસ અને દાસીઓ’ કયા અર્થમાં પ્રબોધ કરશે? યહોવાહનો આત્મા તેઓને “મહાન કાર્યો” જાહેર કરવા પ્રેરશે. આ કાર્યોમાં યહોવાહે જે જે કર્યું અને ભાવિમાં કરવાના છે એનો સમાવેશ થાય છે. આમ, તેઓ પરમેશ્વર માટે બોલશે. * શું અગાઉ જણાવેલા ટોળાએ તેઓનું સાંભળ્યું?—હેબ્રી ૧:૧, ૨.

૬. પીતરનું પ્રવચન સાંભળીને ટોળામાંના ઘણા શું કરવા પ્રેરાયા?

પીતરના સમજાવ્યા પછી, ટોળામાંના ઘણા પર એની ઊંડી અસર પડી. તેઓએ “તેની વાત સ્વીકારી અને બાપ્તિસ્મા પામ્યાં, અને તેજ દિવસે ત્રણેક હજાર માણસ ઉમેરાયાં.” (પ્રેરિતોનાં કૃત્યો ૨:૪૧) યહુદીઓ અને યહુદી ધર્મ અપનાવેલાઓને શાસ્ત્રનું થોડું જ્ઞાન હતું. તેથી, તેઓએ પીતર પાસેથી જે સાંભળ્યું એમાં વિશ્વાસ કરીને “બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે” બાપ્તિસ્મા લીધું. (માત્થી ૨૮:૧૯) બાપ્તિસ્મા પછી ‘તેઓ પ્રેરિતોના બોધમાં અને સંગતમાં લાગુ રહ્યાં.’ એ જ સમયે, તેઓ પોતે જે નવું શીખ્યાં એ બીજાઓને પણ જણાવવા લાગ્યા. ખરેખર, ‘તેઓ નિત્ય મંદિરમાં એક ચિત્તે હાજર રહીને દેવની સ્તુતિ કરતા હતા અને સર્વ લોકો તેમના પર પ્રસન્‍ન હતા.’ પરિણામે, આ સાક્ષીકાર્યમાં “પ્રભુ રોજરોજ તારણ પામનારાઓને તેઓમાં ઉમેરતો હતો.” (પ્રેરિતોનાં કૃત્યો ૨:૪૨, ૪૬, ૪૭) નવા સાક્ષીઓ જે દેશોમાં ગયા ત્યાં તરત જ નવા મંડળો ઊભા થયા. એમાં કોઈ શંકા નથી કે આ વધારો, તેઓએ ઉત્સાહથી “સુવાર્તા” જાહેર કરી એનું પરિણામ હતું.—કોલોસી ૧:૨૩.

પરમેશ્વરનો શબ્દ શક્તિશાળી છે

૭. (ક) શા માટે આજે યહોવાહના સંગઠનમાં સર્વ પ્રજાના લોકો આવે છે? (ખ) જગતભરમાં અને સ્થાનિક રીતે તમને કયો વધારો જોવા મળે છે? (ફૂટનોટ જુઓ.)

આજે પરમેશ્વરના સેવકો બનવા ઇચ્છે છે તેઓએ શું કરવું જોઈએ? તેઓએ પણ પરમેશ્વરના શબ્દનો ઊંડો અભ્યાસ કરવાની જરૂર છે. આમ કરવાથી, તેઓ જાણશે કે યહોવાહ “દયાળુ તથા કૃપાળુ દેવ, મંદરોષી, અને અનુગ્રહ તથા સત્યથી ભરપૂર” છે. (નિર્ગમન ૩૪:૬; પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૮) તેઓ એ પણ શીખશે કે યહોવાહે ઈસુ ખ્રિસ્ત દ્વારા ખંડણીની પ્રેમાળ જોગવાઈ કરી છે અને ઈસુનું લોહી તેઓના સર્વ પાપને ધોઈ શકે છે. (૧ યોહાન ૧:૭) “ન્યાયી કે દુષ્ટ સર્વ લોકો મૃત્યુમાંથી સજીવન થશે” એવા પરમેશ્વરના હેતુની પણ તેઓ કદર કરશે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫, પ્રેમસંદેશ) ‘મહાન કાર્યો’ કરનાર યહોવાહ પ્રત્યેનો પ્રેમ તેઓને આ મૂલ્યવાન સત્ય બીજાઓને જણાવવા પ્રેરશે. તેઓ સમર્પણ કરીને બાપ્તિસ્મા લેશે અને “દેવ વિષેના જ્ઞાનમાં વધતા” રહેશે. *કોલોસી ૧:૧૦; ૨ કોરીંથી ૫:૧૪.

પરમેશ્વરના સેવકો બાઇબલમાંથી કંઈ ઉપરછલ્લું જ્ઞાન મેળવતા નથી. આ જ્ઞાન તેઓ પર ઊંડી અસર પાડે છે, તેઓના હૃદયને ઉત્તેજન આપે છે અને તેઓના વિચારો બદલે છે. (હેબ્રી ૪:૧૨) દાખલા તરીકે, કમિલ નામની સ્ત્રી વૃદ્ધાશ્રમમાં કામ કરતી હતી. કમિલ જેઓની સંભાળ રાખતી એમાં યહોવાહની એક સાક્ષી માર્થા પણ હતી. માર્થાને માનસિક બીમારી હોવાથી તેનું સતત ધ્યાન રાખવું પડતું. માર્થાને ખાવાની અને ગળવાની વસ્તુઓ પણ યાદ કરાવવી પડતી. તેમ છતાં, આપણે જોઈશું કે કઈ બાબતો માર્થાના મનમાં ઠસી ગઈ હતી.

એક દિવસે, માર્થાએ કમિલને પોતાની કંઈક મુશ્કેલીને લીધે રડતા જોઈ. માર્થાએ તેના ખભા પર હાથ મૂકીને પોતાની સાથે બાઇબલનો અભ્યાસ કરવાનું કહ્યું. પરંતુ, માર્થા પોતાની આવી સ્થિતિમાં શું બાઇબલ અભ્યાસ લઈ શકે? હા, તે લઈ શકી! માર્થાએ તેની થોડી યાદશક્તિ ગુમાવી હતી છતાં, તે પરમેશ્વરના મહાન કાર્યોને ભૂલી ન હતી. તેમ જ તે બાઇબલના મૂલ્યવાન સત્યને પણ ભૂલી ન હતી. અભ્યાસ દરમિયાન માર્થા કમિલને દરેક ફકરો વાંચવા, બાઇબલ ખોલવા, પાનને અંતે પ્રશ્ન વાંચવા અને પછી એનો જવાબ આપવા માટે કહેતી. થોડા વખત આમ ચાલ્યું અને માર્થાની અમુક મર્યાદાઓ હોવા છતાં, કમિલે બાઇબલના જ્ઞાનમાં પ્રગતિ કરી. માર્થાને સમજાયું કે કમિલે પરમેશ્વરની સેવા કરતા રહેવા સભાઓમાં જવાની જરૂર છે. એ ધ્યાનમાં રાખીને તેણે કમિલને સભામાં પહેરવા એક ડ્રેસ અને મોજડી આપી.

૧૦ માર્થાના પ્રેમાળ ઉદાહરણ અને વિશ્વાસને જોઈને કમિલને ઉત્તેજન મળ્યું. તેને સમજાયું કે માર્થા તેને બાઇબલમાંથી જે શીખવતી એ મહત્ત્વનું હતું. કારણ કે, માર્થા મોટા ભાગની બીજી બાબતો ભૂલી ગઈ હતી પરંતુ, બાઇબલનું જ્ઞાન તેને યાદ હતું. પછીથી, કમિલની બદલી બીજા એક વૃદ્ધાશ્રમમાં થઈ. હવે તેને સમજાયું કે પ્રગતિ કરવા કંઈક કરવાની જરૂર છે. તેથી, તે તક મળતા જ માર્થાએ આપેલો ડ્રેસ અને મોજડી પહેરીને રાજ્યગૃહમાં ગઈ અને બાઇબલના અભ્યાસ માટે પૂછ્યું. કમિલે સારી પ્રગતિ કરીને બાપ્તિસ્મા લીધું.

યહોવાહના ધોરણો પાળવા

૧૧. આપણે કઈ રીતે બતાવી શકીએ કે આપણા પર રાજ્ય સંદેશાની અસર થઈ છે?

૧૧ આજે માર્થા અને કમિલની જેમ, સાઠ લાખ કરતાં વધારે યહોવાહના સાક્ષીઓ જગતભરમાં ‘રાજ્યની આ સુવાર્તાનો’ પ્રચાર કરે છે. (માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) પ્રથમ સદીના ખ્રિસ્તીઓની જેમ ‘પરમેશ્વરના મહાન કાર્યોની’ તેઓ પર અસર થાય છે. તેઓ યહોવાહનું નામ મેળવવાના લહાવાની અને તેમણે મોકલેલા પવિત્ર આત્માની કદર કરે છે. પરિણામે, તેઓ ‘પ્રભુને પ્રસન્‍ન કરવાને સારૂ યોગ્ય રીતે વર્તવા’ પ્રયત્ન કરીને, પોતાના જીવનમાં તેમના ધોરણોને લાગુ પાડે છે. તેઓ પહેરવેશ અને શણગારમાં પણ પરમેશ્વરના ધોરણોને લાગુ પાડે છે.—કોલોસી ૧:૧૦; તીતસ ૨:૧૦.

૧૨. આપણને પહેરવેશ વિષે ૧ તીમોથી ૨:૯, ૧૦માં કઈ સલાહ આપવામાં આવી છે?

૧૨ હા, આપણા પહેરવેશ વિષે યહોવાહે ધોરણો બેસાડ્યા છે. આ બાબતે પરમેશ્વરની માંગો વિષે પ્રેષિત પાઊલ જણાવે છે: “સ્ત્રીઓ પણ મર્યાદા તથા ગાંભીર્ય રાખીને શોભતાં વસ્ત્રથી પોતાને શણગારે; ગૂંથેલા વાળથી તથા સોના કે મોતીના અલંકારથી, કે કિંમતી પોશાકથી નહિ; પણ દેવની ભક્તિમાં નિમગ્‍ન રહેનારી સ્ત્રીઓને શોભે એવી રીતે, એટલે સારાં કામથી પોતાને શણગારે.” * આ સલાહમાંથી આપણે શું શીખી શકીએ?—૧ તીમોથી ૨:૯, ૧૦.

૧૩. (ક) ‘શોભતાં વસ્ત્રો’ પહેરવાનો શું અર્થ થાય છે? (ખ) શા માટે યહોવાહના ધોરણોને પાળવા મુશ્કેલ નથી?

૧૩ પાઊલની સલાહ બતાવે છે કે ખ્રિસ્તીઓએ ‘શોભતાં વસ્ત્રો’ પહેરવા જોઈએ. તેઓએ લઘરવઘર, મર્યાદા વિનાના કે કઢંગા કપડાં પહેરવા જોઈએ નહિ. દરેક વ્યક્તિ સ્વચ્છ અને સુઘડ કપડાં પહેરીને આ ધોરણોને પાળી શકે, પછી ભલે તે ગરીબ હોય. દાખલા તરીકે, દક્ષિણ અમેરિકામાં દર વર્ષે સાક્ષીઓ ડિસ્ટ્રીક્ટ સંમેલનમાં જવા, ઘણા કિલોમીટર ચાલીને જંગલો પાર કરે છે અને કલાકો હોડીમાં મુસાફરી કરે છે. ઘણી વાર મુસાફરી દરમિયાન નદીમાં પડી જવાથી કે જંગલના ઝાડી-ઝાંખરામાં તેઓના કપડાં ભરાઈ જવાથી ફાટી જાય છે. તેથી, તેઓ મહાસંમેલન સ્થળે આવે ત્યારે કઢંગા લાગતા હોય છે. પરંતુ તેઓ સમય કાઢીને કપડાંને સાંધી દે છે, બટન લગાવે છે અને પછી એને ધોઈને ઈસ્ત્રી કરી દે છે. પછી તેઓ મહાસંમેલનમાં હાજરી આપે છે. તેઓ યહોવાહના આમંત્રણની કદર કરતા હોવાથી સરખા કપડાં પહેરીને આવે છે.

૧૪. (ક) આપણાં કપડાં ‘મર્યાદાવાળા અને ગાંભીર્ય’ હોય એનો શું અર્થ થાય છે? (ખ) આપણે યહોવાહનો ભય રાખીએ છીએ એમ બતાવવા કેવાં કપડાં પહેરવા જોઈએ?

૧૪ પાઊલ વધુમાં જણાવે છે કે ખ્રિસ્તીઓનાં કપડાં ‘મર્યાદાવાળા તથા ગાંભીર્ય’ હોવા જોઈએ. એનો અર્થ એમ થાય કે આપણાં કપડાં વિચિત્ર, વિરુદ્ધ જાતિને ઉત્તેજિત કરે એવા, ટૂંકા અને શરીર દેખાય એવા કે વધારે પડતી ફેશનવાળા ન હોવા જોઈએ. આપણાં કપડાંથી એ દેખાઈ આવવું જોઈએ કે આપણે ‘પરમેશ્વરનો ભય’ રાખીએ છીએ. શું આ વિચારવા જેવી બાબત નથી? શું આપણે ફક્ત મંડળની સભાઓમાં જ યોગ્ય કપડાં પહેરવા જોઈએ? ના, કેમ કે આપણે ખ્રિસ્તીઓ અને પરમેશ્વરના સેવકો હોવાને લીધે ૨૪ કલાક આપણો દેખાવ આદરણીય અને માન આપતો હોવો જોઈએ. આપણે કામ પર હોઈએ કે સ્કૂલમાં, આપણાં કપડાં હંમેશાં આપણા કાર્યને અનુરૂપ અને વ્યવસ્થિત હોવા જોઈએ. આપણાં કપડાંથી એ દેખાઈ આવવું જોઈએ કે આપણે પરમેશ્વરના સેવકો છીએ. એનાથી આપણે કોઈ અડચણ વગર સાક્ષી આપી શકીશું.—૧ પીતર ૩:૧૫.

જગત પર પ્રેમ ન રાખો

૧૫, ૧૬. (ક) શા માટે આપણે પહેરવેશમાં દુનિયાના લોકોને અનુસરવું ન જોઈએ? (૧ યોહાન ૫:૧૯) (ખ) શા માટે આપણે પહેરવેશમાં નવી નવી ફેશન કરવાનું ટાળવું જોઈએ?

૧૫ પહેલો યોહાન ૨:૧૫, ૧૬માં આપવામાં આવેલી સલાહ પણ આપણા પહેરવેશ અને શણગારમાં સારું માર્ગદર્શન આપે છે. એ કહે છે: “જગત પર અથવા જગતમાંનાં વાનાં પર પ્રેમ ન રાખો, જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતા પરનો પ્રેમ નથી. કેમકે જગતમાં જે સર્વ છે, એટલે દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી, પણ જગતથી છે.”

૧૬ આ સલાહ કેવી સમયસરની છે! આજે મિત્રો તરફથી ઘણું દબાણ જોવા મળે છે. પરંતુ, આપણે આપણાં કપડાંની પસંદગી જગત પ્રમાણે કરવી ન જોઈએ. થોડાં વર્ષોથી કપડાંની પસંદગીમાં લોકોની સ્ટાઈલ ખૂબ નીચે જઈ રહી છે. અરે, ઑફિસમાં કે બિઝનેસ કરતા લોકોનો પહેરવેશ પણ ખ્રિસ્તીઓને શોભે એવો હોતો નથી. તેથી, આપણે ‘આ જગતનું રૂપ ન ધરીએ’ એ માટે હંમેશાં સજાગ રહેવું જોઈએ. જો આપણે પરમેશ્વરના ધોરણો પ્રમાણે જીવીશું તો, ‘સર્વ વાતે આપણા તારનાર દેવના સુબોધને દીપાવીશું.’​—⁠રૂમીઓને પત્ર ૧૨:૨; તીતસ ૨:૧૦.

૧૭. (ક) કપડાંની ખરીદી કરીએ અથવા ફેશનની પસંદગી કરીએ ત્યારે આપણે કેવા પ્રશ્નો પૂછવા જોઈએ? (ખ) શા માટે કુટુંબના શિરે ઘરના સભ્યોના પહેરવેશ પર ધ્યાન આપવું જોઈએ?

૧૭ આપણે કપડાં ખરીદતા પહેલાં વિચાર કરીએ અને પોતાની તપાસ કરીએ એ સારું છે: ‘શા માટે મને આ ફેશન ગમે છે? શું હું મારા મનગમતા હિરોની નકલ કરવા માગું છું? શું હું મન ફાવે તેમ વર્તતા અને સમાજ સામે બંડ પોકારતા યુવાનો જેવો દેખાવા માગું છું?’ આપણાં કપડાં કેવાં છે એના પર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ. સ્કર્ટ અથવા ડ્રેસની લંબાઈ કેટલી છે? એની સિલાઈ કેવી છે? શું એ ડ્રેસ યોગ્ય અને વિનયી છે કે પછી એકદમ ફીટ અને વિરુદ્ધ જાતિને ઉશ્કેરે એવો છે? પોતાને પૂછો: ‘હું આવા કપડાં પહેરીશ તો એની બીજાઓ પર કેવી અસર પડશે?’ (૨ કોરીંથી ૬:૩, ૪) આપણે શા માટે આવી કાળજી રાખવી જોઈએ? બાઇબલ કહે છે: “ખ્રિસ્ત પોતે પણ પોતાની મરજી પ્રમાણે કરતો નહોતો.” (રૂમીઓને પત્ર ૧૫:૩) ખ્રિસ્તી કુટુંબના શિરે પોતાના કુટુંબમાં બધાં કેવા કપડાં પહેરે છે એના પર ધ્યાન આપવું જોઈએ. તેઓ યહોવાહ પરમેશ્વરની ભક્તિ કરતા હોવાથી, તેમને માન આપવા કુટુંબના શિરે જરૂરી હોય ત્યારે પ્રેમાળ સલાહ આપતા અચકાવું જોઈએ નહિ.—યાકૂબ ૩:૧૩.

૧૮. શા માટે તમારે પહેરવેશમાં ધ્યાન રાખવું જોઈએ?

૧૮ આપણે જે સંદેશો આપીએ છીએ એ આપણા પવિત્ર દેવ યહોવાહ તરફથી છે. (યશાયાહ ૬:૩) બાઇબલ આપણને “પ્રિય બાળકો” તરીકે તેમને અનુસરવાની વિનંતી કરે છે. (એફેસી ૫:૧) આપણા પહેરવેશથી આપણે સ્વર્ગના પિતાને મહિમા આપી શકીએ. સાચે જ, આપણે તેમના દિલને ખુશ રાખવા ઇચ્છીએ છીએ!—નીતિવચનો ૨૭:૧૧.

૧૯. બીજાઓને ‘પરમેશ્વરના મહાન કાર્યોનો’ પ્રચાર કરવાથી આપણને કયા લાભો થાય છે?

૧૯ તમે ‘પરમેશ્વરના મહાન કાર્યોમાંથી’ જે શીખ્યા એ વિષે કેવું લાગે છે? આપણને સત્ય શીખવા મળ્યું એ માટે આપણે કેટલા આભારી છીએ! આપણે પોતાના પાપોની માફી મેળવવા, ઈસુ ખ્રિસ્તે વહેવડાવેલા લોહીમાં વિશ્વાસ બતાવીએ છીએ. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૮) પરિણામે, આપણે પરમેશ્વર આગળ ખુલ્લા દિલથી બોલીએ છીએ. જગતના લોકોથી વિરુદ્ધ, આપણને મરણનો પણ કોઈ ભય નથી. કેમ કે આપણને યહોવાહના વચનોમાં પૂરી આશા છે. ઈસુએ આપણને વચન આપ્યું છે કે એક દિવસ “કબરમાંના બધા મૂએલાં તેનો અવાજ સાંભળશે. અને તેઓ કબરની બહાર નીકળી આવશે.” (યોહાન ૫:૨૮, ૨૯, પ્રેમસંદેશ) યહોવાહ કેટલા કૃપાળુ છે કે તેમણે આપણને આ સર્વ બાબતો જણાવી છે! વધુમાં, તેમણે આપણા પર તેમનો પવિત્ર આત્મા મોકલ્યો છે. ખરેખર, આ સર્વ સારી ભેટોની કદર આપણને તેમના ધોરણોને માન આપવા પ્રેરે છે. તો પછી, ચાલો આપણે ઉત્સાહથી બીજાઓને પરમેશ્વરના “મહાન કાર્યો” વિષે જણાવીએ અને તેઓને તેમની સ્તુતિ કરવા પ્રેરીએ.

[ફુટનોટ્‌સ]

^ મુસા અને હારૂનને યહોવાહે ફારૂન રાજા પાસે મોકલ્યા ત્યારે, તેમણે મુસાને કહ્યું હતું: “મેં તને ફારૂનની આગળ દેવને ઠેકાણે ઠરાવ્યો છે; અને તારો ભાઈ હારૂન તારો પ્રબોધક થશે.” (નિર્ગમન ૭:​૧, અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) આમ, “પ્રબોધક” તરીકે હારૂને ભવિષ્ય ભાખ્યું ન હતું પરંતુ તે મુસા વતી બોલ્યા હતા.

^ માર્ચ ૨૮, ૨૦૦૨ના રોજ પ્રભુના સાંજના ભોજનમાં અસંખ્ય લોકો આવ્યા હતા. પરંતુ એમાંના લાખો લોકો હજુ યહોવાહની સેવા કરતા નથી. આપણે પ્રાર્થના કરીએ કે આમાંના ઘણા લોકો જલદી જ સુસમાચારના પ્રચારક બનવા પ્રેરાય.

^ પાઊલે ખ્રિસ્તી બહેનોને સંબોધીને આ સલાહ આપી હતી પરંતુ, એ ખ્રિસ્તી ભાઈઓ અને યુવાનોને પણ લાગુ પડે છે.

તમે કેવો જવાબ આપશો?

• પેન્તેકોસ્ત ૩૩ સી.ઈ.ના રોજ લોકોએ કેવા ‘મહાન કાર્યો’ વિષે સાંભળ્યું અને તેઓએ શું કર્યું?

• કઈ રીતે વ્યક્તિ ઈસુના શિષ્ય બની શકે અને તેમના શિષ્ય બનવામાં શું સમાયેલું છે?

• આપણા પહેરવેશ પર ધ્યાન આપવું શા માટે મહત્ત્વનું છે?

• કપડાં ખરીદતા કે ફેશનની પસંદગી કરતી વખતે આપણે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ?

[Questions]

૮-૧૦. (ક) એક ખ્રિસ્તી બહેનનો અનુભવ કઈ રીતે સાબિત કરે છે કે પરમેશ્વરનો શબ્દ “સમર્થ” છે? (ખ) આ અનુભવ યહોવાહ વિષે અને તે પોતાના સેવકો સાથે જે રીતે વર્તે છે એ વિષે તમને શું શીખવે છે? (નિર્ગમન ૪:૧૨)

[પાન ૧૫ પર ચિત્ર]

પીતરે જણાવ્યું કે ઈસુને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે

[પાન ૧૭ પર ચિત્રો]

શું તમારો પહેરવેશ બતાવે છે કે તમે સાચા પરમેશ્વરની ભક્તિ કરો છો?

[પાન ૧૮ પર ચિત્રો]

ખ્રિસ્તી માબાપે બાળકોના પહેરવેશ પર ધ્યાન આપવું જોઈએ