સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વફાદારીથી પરમેશ્વરની સત્તાને આધીન રહો

વફાદારીથી પરમેશ્વરની સત્તાને આધીન રહો

વફાદારીથી પરમેશ્વરની સત્તાને આધીન રહો

‘પ્રભુ [યહોવાહ] આપણા ન્યાયાધીશ, આપણને નિયમો આપનાર અને આપણા રાજા છે.’—યશાયાહ ૩૩:​૨૨, IBSI.

૧. કઈ રીતે ઈસ્રાએલીઓ બીજી પ્રજાઓ કરતાં અજોડ હતા?

 ઈસ્રાએલ પ્રજાની શરૂઆત ૧૫૧૩ બી.સી.ઈ.માં થઈ હતી. એ સમયે, તેઓને કોઈ મુખ્ય શહેર, જન્મભૂમિ અને રાજા ન હતો. તેમ જ, તેઓ પહેલાં દાસો હતા. તેમ છતાં, એ નવી પ્રજાના રાજા, ન્યાયાધીશ અને નિયમો આપનાર યહોવાહ પરમેશ્વર હોવાથી તેઓ અજોડ હતા. (નિર્ગમન ૧૯:૫, ૬; યશાયાહ ૩૩:૨૨) બીજી કોઈ પણ પ્રજામાં આવું ન હતું!

૨. ઈસ્રાએલ પ્રજાને માર્ગદર્શન આપવામાં આવ્યું એ વિષે કયો પ્રશ્ન ઊભો થઈ શકે, પરંતુ શા માટે એનો જવાબ મેળવવો મહત્ત્વનું છે?

યહોવાહ વ્યવસ્થાના તેમ જ શાંતિના પરમેશ્વર છે. તેથી, તેમણે જે પ્રજા પર શાસન કર્યું એ એકદમ સારી રીતે કર્યું હશે. (૧ કોરીંથી ૧૪:૩૩) ઈસ્રાએલ પ્રજાના કિસ્સામાં પણ એવું જ હતું. પરંતુ, પરમેશ્વરને તો આપણે જોઈ શકતા નથી. તો પછી, તેમણે કઈ રીતે પોતાની પ્રજાને પૃથ્વી પર માર્ગદર્શન આપ્યું હશે? યહોવાહે ઈસ્રાએલ પ્રજાને કઈ રીતે માર્ગદર્શન આપ્યું તથા તે તેઓ સાથે કઈ રીતે વર્ત્યા એને ધ્યાન આપવાથી આપણને લાભ થશે. કેમ કે, એ પરમેશ્વરની સત્તાને વફાદાર રહેવાના મહત્ત્વ પર ધ્યાન દોરે છે.

ઈસ્રાએલીઓ માટે ગોઠવણ

૩. યહોવાહે પોતાના લોકોને માર્ગદર્શન આપવા કઈ ગોઠવણ કરી હતી?

યહોવાહ ઈસ્રાએલના રાજા હતા છતાં, તેમણે વિશ્વાસુ માણસોને પોતાના પ્રતિનિધિ તરીકે નીમ્યા હતા. તેમણે અધિપતિઓ, કુળોના આગેવાનો અને વડીલોને નીમ્યા. તેઓ લોકોને ન્યાયાધીશ તથા સલાહકારો તરીકે મદદ કરતા હતા. (નિર્ગમન ૧૮:૨૫, ૨૬; પુનર્નિયમ ૧:૧૫) જો કે પરમેશ્વરના માર્ગદર્શન વિના એ વિશ્વાસુ માણસો, બાબતોનો પૂરી સમજણથી ખરો ન્યાય કરી શકતા ન હતા. કેમ કે, તેઓ અપૂર્ણ હોવાથી પોતાના સાથી ઉપાસકોનું દિલ વાંચી શકતા ન હતા. પરંતુ, પરમેશ્વરનો ભય રાખતા ન્યાયાધીશો પોતાના લોકોને યહોવાહના નિયમ શાસ્ત્ર પ્રમાણે મદદરૂપ સલાહ આપી શકતા હતા.—પુનર્નિયમ ૧૯:૧૫; ગીતશાસ્ત્ર ૧૧૯:૯૭-૧૦૦.

૪. ઈસ્રાએલના ન્યાયાધીશોએ શાનાથી દૂર રહેવાનું હતું અને શા માટે?

ન્યાય કરવા માટે ફક્ત નિયમો જાણવા જ પૂરતું ન હતું. વડીલો અપૂર્ણ હોવાથી, કંઈ ખોટો ન્યાય ન થઈ જાય એ માટે તેઓએ સ્વાર્થ, પક્ષપાત કે લોભથી દૂર રહેવાનું હતું. મુસાએ તેઓને કહ્યું: “ન્યાય કરતાં તમારે આંખની શરમ રાખવી નહિ; નાના તથા મોટાનું સરખી રીતે સાંભળવું; માણસનું મોં જોઇને તમારે બીવું નહિ; કેમકે ન્યાય કરવો એ તો દેવનું કામ છે.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) હા, ઈસ્રાએલના ન્યાયાધીશો પરમેશ્વરને બદલે ન્યાય કરતા હતા. એ કેવો મોટો લહાવો હતો!—પુનર્નિયમ ૧:૧૬, ૧૭.

૫. યહોવાહે પોતાના લોકની કાળજી રાખવા ન્યાયાધીશો ઉપરાંત કઈ ગોઠવણ કરી હતી?

યહોવાહે પોતાના લોકોની આધ્યાત્મિક જરૂરિયાતોની કાળજી રાખવા બીજી ગોઠવણો પણ કરી હતી. તેઓ વચનના દેશમાં આવી પહોંચ્યા એ પહેલાં, યહોવાહે તેઓને સાચી ભક્તિ કરી શકે એ માટે મંડપ બાંધવાની આજ્ઞા આપી. તેમ જ, નિયમો શીખવવા, પ્રાણીઓનું બલિદાન ચઢાવવા અને સવાર-સાંજ ધૂપ ચઢાવવા યહોવાહે યાજકપદની પણ ગોઠવણ કરી. પરમેશ્વરે ઈસ્રાએલમાં પહેલી વાર પ્રમુખયાજક તરીકે મુસાના મોટા ભાઈ હારૂનને નીમ્યા હતા. પછી તેમણે હારૂનને મદદ કરવા, તેમના દીકરાઓને નીમ્યા.—નિર્ગમન ૨૮:૧; ગણના ૩:૧૦; ૨ કાળવૃત્તાંત ૧૩:૧૦, ૧૧.

૬, ૭. (ક) લેવીઓ યાજકોને કઈ રીતે મદદ કરતા હતા? (ખ) લેવીઓ જે અલગ અલગ કાર્યો કરતા હતા એમાંથી આપણે કયો બોધપાઠ શીખી શકીએ? (કોલોસી ૩:૨૩)

લાખો લોકોની આધ્યાત્મિક જરૂરિયાતની કાળજી રાખવી એ મોટી જવાબદારી હતી અને યાજકો થોડા જ હતા. તેથી, તેઓને મદદ કરવા લેવીના બીજા કુળોની ગોઠવણ કરવામાં આવી હતી. યહોવાહે મુસાને કહ્યું: “તું હારૂનના તથા તેના દીકરાઓના હવાલામાં લેવીઓને સોંપી દે; ઈસ્રાએલપુત્રોની વતી તેઓ તેને અપાએલા છે.”—ગણના ૩:૯, ૩૯.

લેવીઓ સારી દેખરેખ રાખતા હતા. તેઓ પોતાને સોંપાયેલું કાર્ય કરવા ત્રણ કુટુંબોમાં, એટલે કે ગેર્શોનીઓ, કહાથીઓ અને મરારીઓમાં વહેંચાયેલા હતા. (ગણના ૩:૧૪-૧૭, ૨૩-૩૭) અમુક કાર્યો બીજા કરતાં વધુ મહત્ત્વના લાગી શકે પરંતુ યહોવાહ માટે બધા જ કાર્યો સરખાં હતાં. કહાથી લેવીઓના કામમાં તેઓએ કરારકોશની આસપાસ રહેવાનું હતું અને મંડપની વસ્તુઓની કાળજી રાખવાની હતી. તેથી, તેઓ પવિત્ર કરારકોશની નજીક હતા. પરંતુ કહાથીઓ સિવાયના બીજા લેવીઓ પણ આ ભવ્ય લહાવાનો આનંદ માણતા હતા. (ગણના ૧:૫૧, ૫૩) દુઃખની વાત છે કે, કેટલાકે પોતાના લહાવાની કદર કરી નહિ. પરમેશ્વરની સત્તાને આધીન રહેવાને બદલે, કેટલાક નાખુશ થઈ ઘમંડી અને ઈર્ષાળુ બન્યા. કોરાહ નામનો લેવી તેઓમાંનો એક હતો.

“શું તમે યાજકપદ પણ માગો છો?”

૮. (ક) કોરાહ કોણ હતો? (ખ) શા માટે કોરાહે યાજકોને માણસોની રીતે જોવાનું શરૂ કર્યું?

કોરાહ લેવીના કુળનો તેમ જ કહાથીઓના કુટુંબનો પણ આગેવાન ન હતો. (ગણના ૩:૩૦, ૩૨) તોપણ, તેને ઈસ્રાએલમાં અધિપતિ તરીકે માન આપવામાં આવતું હતું. કોરાહ પોતાની જવાબદારીઓને કારણે હારૂન અને તેમના દીકરાઓની નજીક આવ્યા હશે. (ગણના ૪:૧૮, ૧૯) આ માણસોની અપૂર્ણતાને જોતા કોરાહે વિચાર્યું હોય શકે: ‘આ યાજકો તો અપૂર્ણ છે, તોપણ મારે તેઓને આધીન રહેવાનું! થોડા વખત પહેલાં તો હારૂને સોનાનું વાછરડું બનાવ્યું હતું. એ વાછરડાની ભક્તિ કરવાને લીધે અમારા લોકો મૂર્તિપૂજામાં સંડોવાયા હતા. હવે, મુસાનો એ ભાઈ હારૂન પ્રમુખ યાજક તરીકે સેવા કરે છે! કેવો પક્ષપાત! હારૂનના પુત્ર નાદાબ તથા અબીહૂએ શું કર્યું હતું? તેઓએ યહોવાહે કરેલી ગોઠવણનો અનાદર કર્યો હતો. તેથી, યહોવાહ તેઓ પર મરણ લાવ્યા હતા!’ * (નિર્ગમન ૩૨:૧-૫; લેવીય ૧૦:૧, ૨) કોરાહ ગમે તે વિચારતો હોય, પરંતુ એ સ્પષ્ટ હતું કે તે યાજકપદને માણસોની રીતે જોતો હતો. એ કારણે તેણે મુસા, હારૂન અને આખરે યહોવાહની વિરુદ્ધ બળવો કર્યો હતો.—૧ શમૂએલ ૧૫:૨૩; યાકૂબ ૧:૧૪, ૧૫.

૯, ૧૦.  (ક) કોરાહ અને તેના સાથીઓએ મુસા વિરુદ્ધ કયો આરોપ મૂક્યો હતો? (ખ) તેઓ અગાઉ જે થયું એના વિષે શું જાણતા હતા?

કોરાહ પાસે પણ અમુક સત્તા હોવાથી, તેના માટે પોતાના જેવું વિચારતા બીજા લોકોને ભેગા કરવા અઘરું ન હતું. દાથાન અને અબીરામ સાથે તેના પક્ષમાં ૨૫૦ જેટલા જમાતના સર્વ અધિપતિઓ હતા. તેઓ બધાએ ભેગા થઈને મુસા અને હારૂનને કહ્યું: “આખી જમાતમાંના સર્વ પવિત્ર છે, ને યહોવાહ તેઓની મધ્યે છે, તે જોતાં તમે વિશેષ સત્તા ધારણ કરો છો: તો તમે યહોવાહની મંડળી પર પોતાને મોટા કેમ મનાવો છો?”—ગણના ૧૬:૧-૩.

૧૦ આ બળવાખોરો, મુસાની સત્તા વિરુદ્ધ પડકાર ફેંકવાનું પરિણામ જાણતા હતા. થોડા વખત પહેલાં, હારૂન અને મરિયમ મુસાની સત્તા વિરુદ્ધ ગયા હતા. તેઓએ પણ કોરાહ જેવું વિચાર્યું હોય શકે! ગણના ૧૨:૧, ૨ પ્રમાણે તેઓએ પૂછ્યું: “શું યહોવાહ માત્ર મુસાની મારફતે જ બોલ્યો છે? અમારી મારફતે પણ તે બોલ્યો નથી શું?” યહોવાહ એ સાંભળતા હતા. તેમણે મુસા, હારૂન અને મરિયમને મુલાકાત મંડપના દરવાજે મળવાનું કહ્યું. ત્યાં, યહોવાહે પોતાના આગેવાનની પસંદગી કરી. પછી, યહોવાહે સ્પષ્ટ કહ્યું: “જો તમારી મધ્યે પ્રબોધક હોય, તો હું યહોવાહ તેને સંદર્શનમાં પ્રગટ થઈશ, હું સ્વપ્નમાં તેની સાથે બોલીશ. મારો સેવક મુસા એવો નથી; તે મારા આખા ઘરમાં વિશ્વાસુ છે.” એ પછી તરત જ, યહોવાહ થોડા વખત માટે મરિયમ પર કોઢ લાવ્યા હતા.—ગણના ૧૨:૪-૭, ૧૦.

૧૧. મુસાએ કોરાહને શું વિનંતી કરી?

૧૧ કોરાહ અને તેનો પક્ષ લેનારા એ બનાવ વિષે જાણતા હતા. તેથી, તેઓનો બળવો અર્થ વગરનો હતો. તોપણ, મુસાએ ધીરજથી તેઓ સાથે વાત કરી. તે તેઓને પોતાના લહાવાની કદર કરવાની વિનંતી કરતા કહે છે: ‘એ શું તમને જૂજ લાગે છે કે ઈસ્રાએલના દેવે તમને પોતાની નજીક લાવવા સારૂ, ઈસ્રાએલની જમાતથી તમને અલગ કર્યા છે?’ એ કંઈ “જૂજ” બાબત ન હતી! લેવીઓ પાસે ઘણા લહાવા હતા. એનાથી વધારે તેઓ શું ઇચ્છી શકે? મુસાના આગળના શબ્દો તેઓના હૃદયની ઇચ્છા ખુલ્લી પાડે છે: “શું તમે યાજકપદ પણ માગો છો?” * (ગણના ૧૨:૩; ગણના ૧૬:૯, ૧૦) પરમેશ્વરની સત્તા વિરુદ્ધ જનારાઓ સાથે યહોવાહ કઈ રીતે વર્ત્યા?

ઈસ્રાએલના ન્યાયાધીશે શું કર્યું?

૧૨. ઈસ્રાએલ પ્રજાનો પરમેશ્વર સાથેનો સારો સંબંધ શાના પર આધારિત હતો?

૧૨ યહોવાહે ઈસ્રાએલીઓને નિયમો આપ્યા ત્યારે, તેમણે કહ્યું હતું કે તેઓ આજ્ઞાંકિત રહેશે તો જ “પવિત્ર દેશજાતિ” બનશે. તેમ જ, યહોવાહની ગોઠવણને સ્વીકારે ત્યાં સુધી પ્રજા પવિત્ર રહી શકતી હતી. (નિર્ગમન ૧૯:૫, ૬) પરંતુ, હવે તેઓ ખુલ્લી રીતે બળવો કરતા હતા. તેથી, ઈસ્રાએલના ન્યાયાધીશ અને નિયમ આપનાર માટે કંઈક કરવાનો સમય આવ્યો હતો! મુસાએ કોરાહને કહ્યું: “તું તથા તારી આખી ટોળી, એટલે તું તથા તેઓ તથા હારૂન કાલે યહોવાહની આગળ હાજર થાઓ; અને તમારામાંનો દરેક માણસ પોતપોતાનું ધૂપપાત્ર લે, ને તે પર ધૂપ નાખે, ને તમારામાંનો દરેક માણસ પોતાનું ધૂપપાત્ર, એટલે બસો પચાસ ધૂપપાત્રો, યહોવાહની સંમુખ લાવે; અને તું તથા હારૂન પણ પોતપોતાનું ધૂપપાત્ર લાવો.”—ગણના ૧૬:૧૬, ૧૭.

૧૩. (ક) બળવો કરનારાઓએ યહોવાહ આગળ ધૂપ ચઢાવ્યો એ શા માટે અહંકાર કહેવાય? (ખ) યહોવાહે બળવો કરનારાઓનું શું કર્યું?

૧૩ પરમેશ્વરના નિયમ પ્રમાણે ફક્ત યાજકો ધૂપ ચઢાવી શકતા હતા. લેવીઓમાં જેઓ યાજકો ન હતા તેઓ ધૂપ ચઢાવવાનું વિચારી પણ ન શકે! (નિર્ગમન ૩૦:૭; ગણના ૪:૧૬) કોરાહ અને તેના સાથીઓએ માન્યું નહીં! બીજા દિવસે તેણે “તેઓની [મુસા અને હારૂનની] વિરૂદ્ધ આખી જમાતને મુલાકાતમંડપના દ્વારની પાસે એકઠી કરી.” અહેવાલ આપણને કહે છે: “યહોવાહે મુસા તથા હારૂનને કહ્યું, આ જમાતમાંથી જુદા નીકળો, કે એક પળમાં હું તેઓનો સંહાર કરૂં.” પરંતુ, મુસા અને હારૂને ઈસ્રાએલીઓના જીવન બચાવવા માટે યહોવાહને વિનંતી કરી. યહોવાહે તેઓનું સાંભળ્યું. પરંતુ, કોરાહ અને તેના સાથીઓ પર “યહોવાહની પાસેથી અગ્‍નિ ધસી આવ્યો, ને જે અઢીસો માણસો ધૂપ ચઢાવતા હતા તેઓને ભસ્મ કર્યા.”—ગણના ૧૬:૧૯-૨૨, ૩૫. *

૧૪. શા માટે યહોવાહે ઈસ્રાએલની જમાતને શિક્ષા કરી?

૧૪ આશ્ચર્યની વાત છે કે યહોવાહે જે કર્યું, એ જોઈને પણ ઈસ્રાએલીઓ કંઈ શીખ્યા નહિ. કેમ કે, “બીજે દિવસે ઈસ્રાએલપુત્રોની આખી જમાતે મુસા તથા હારૂનની સામે કચકચ કરતાં કહ્યું, તમે યહોવાહના લોકોને મારી નાખ્યા છે.” ઈસ્રાએલીઓ કાવતરું કરનારાઓનો પક્ષ લઈ રહ્યાં હતાં! આખરે, યહોવાહની ધીરજનો અંત આવ્યો. હવે કોઈ પણ એટલે કે મુસા તથા હારૂન પણ આ લોકને બચાવી શકશે નહીં. યહોવાહનો કોપ આ બેવફા લોકો પર સળગી ઊઠ્યો “અને કોરાહની બાબતમાં જેઓ મરી ગયા હતા તેઓ ઉપરાંત મરકીથી ચૌદ હજાર ને સાતસો મૂઆ.”—ગણના ૧૬:૪૧-૪૯.

૧૫. (ક) શા માટે ઈસ્રાએલીઓએ મુસા અને હારૂનને વફાદાર રહેવાનું હતું? (ખ) આ અહેવાલ આપણને યહોવાહ વિષે શું શીખવે છે?

૧૫ આ સર્વ લોકોએ વિચાર કર્યો હોત તો, સહેલાઈથી પોતાનું જીવન બચાવી શક્યા હોત. તેઓ આ પ્રશ્નો પૂછી શક્યા હોત: ‘પોતાના જીવન જોખમમાં મૂકીને ફારૂન આગળ કોણ ગયા હતા? ઈસ્રાએલીઓને છોડાવવાની માંગ કોણે કરી હતી? ઈસ્રાએલીઓને છોડાવ્યા પછી, પરમેશ્વરના દૂત સાથે વાત કરવા હોરેબ પર્વત પર કોને બોલાવવામાં આવ્યા હતા?’ ચોક્કસ, મુસા અને હારૂને જે કર્યું એ બતાવે છે કે તેઓ યહોવાહને વફાદાર હતા અને પોતાના લોકોનું ભલું ઇચ્છતા હતા. (નિર્ગમન ૧૦:૨૮; ૧૯:૨૪; ૨૪:૧૨-૧૫) બળવો કરનારાઓનો નાશ કરવામાં યહોવાહને કંઈ આનંદ થયો ન હતો. તેમ છતાં, લોકો સુધરતા નથી ત્યારે યહોવાહ તેઓને શિક્ષા કરવા મહત્ત્વના પગલાં ભરે છે. (હઝકીએલ ૩૩:૧૧) આ અહેવાલનો આજે આપણા માટે શું અર્થ રહેલો છે?

આજે યહોવાહ કોનો ઉપયોગ કરે છે?

૧૬. (ક) પ્રથમ સદીના યહુદીઓ પાસે કયા પુરાવાઓ હતા કે ઈસુને યહોવાહે મોકલ્યા હતા? (ખ) શા માટે યહોવાહે લેવીઓના યાજકવર્ગમાં ફેરફાર કર્યો અને કોની સાથે?

૧૬ આજે પણ એક નવી “પ્રજા” છે જેમના રાજા, ન્યાયાધીશ અને નિયમો આપનાર યહોવાહ પરમેશ્વર છે. (માત્થી ૨૧:૪૩) એ ‘પ્રજાની’ શરૂઆત પ્રથમ સદીમાં થઈ હતી. એ સમયે, મુસાના દિવસના મંડપને બદલે યરૂશાલેમમાં સુંદર મંદિર હતું. એ મંદિરમાં લેવીઓ હજુ પણ સેવા કરતા હતા. (લુક ૧:૫, ૮, ૯) પરંતુ, ૨૯ સી.ઈ.માં બીજા એક આત્મિક મંદિરની શરૂઆત થઈ, જેના પ્રમુખ યાજક ઈસુ ખ્રિસ્ત પોતે હતા. (હેબ્રી ૯:૯, ૧૧) તેથી, પરમેશ્વરની સત્તાને આધીન રહેવાનો પ્રશ્ન ફરીથી ઊભો થયો. યહોવાહે આ નવી ‘પ્રજાને’ માર્ગદર્શન આપવા કોનો ઉપયોગ કર્યો? ઈસુ પૂરેપૂરી રીતે પરમેશ્વરને વફાદાર સાબિત થયા હતા. તે લોકોને પ્રેમ કરતા હતા. તેમણે ઘણાં ચિહ્‍નો પણ આપ્યા હતા. તોપણ, હઠીલા પૂર્વજોની જેમ મોટાભાગના લેવીઓએ ઈસુનો નકાર કર્યો. (માત્થી ૨૬:૬૩-૬૮; પ્રેરિતોનાં કૃત્યો ૪:૫, ૬, ૧૮; ૫:૧૭) આખરે, યહોવાહે લેવીઓના યાજકવર્ગને બદલે રાજમાન્ય યાજકવર્ગની સ્થાપના કરી. આ રાજમાન્ય યાજકવર્ગ આજે પણ સેવા આપે છે.

૧૭. (ક) આજે રાજમાન્ય યાજકવર્ગ કોણ છે? (ખ) કઈ રીતે યહોવાહ રાજમાન્ય યાજકવર્ગનો ઉપયોગ કરે છે.

૧૭ આજે આ રાજમાન્ય યાજકવર્ગ કોણ છે? પ્રેષિત પીતર પોતાના પ્રથમ પત્રમાં આનો જવાબ આપે છે. ખ્રિસ્તના અભિષિક્ત સભ્યોને પીતરે લખ્યું: “તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો, કે જેથી જેણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે, તેના સદ્‍ગુણો તમે પ્રગટ કરો.” (૧ પીતર ૨:૯) પીતરના આ શબ્દો સ્પષ્ટ બતાવે છે કે ઈસુના પગલે ચાલનારા અભિષિક્તો “રાજમાન્ય યાજકવર્ગ” છે, જેઓને પીતરે “પવિત્ર પ્રજા” કહી. યહોવાહ તેઓનો ઉપયોગ પોતાના લોકોને સમયસરનો ખોરાક આપવા અને માર્ગદર્શન પૂરું પાડવા કરે છે.—માત્થી ૨૪:૪૫-૪૭.

૧૮. વડીલો કોને રજૂ કરે છે?

૧૮ વડીલો રાજમાન્ય યાજકવર્ગને રજૂ કરે છે. વડીલો પૃથ્વી પર યહોવાહના મંડળમાં જવાબદારી નિભાવે છે. ભલે તેઓ અભિષિક્ત હોય કે ન હોય, આપણે આ ભાઈઓને પૂરા હૃદયથી માન અને ટેકો આપવો જોઈએ. શા માટે? કેમ કે યહોવાહે પોતાના પવિત્ર આત્માથી આ વડીલોને નિયુક્ત કર્યા છે. (હેબ્રી ૧૩:૭, ૧૭) એ કઈ રીતે બની શકે?

૧૯. કઈ રીતે વડીલો પવિત્ર આત્મા દ્વારા નિયુક્ત થયા છે?

૧૯ વડીલો ઈશ્વર પ્રેરિત બાઇબલમાં આપવામાં આવેલી લાયકાત પ્રમાણે કરતા હોય છે. (૧ તીમોથી ૩:૧-૭; તીતસ ૧:૫-૯) તેથી, તેઓને પવિત્ર આત્મા દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા છે એમ કહી શકાય. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮) વડીલો પરમેશ્વરના શબ્દ બાઇબલને સારી રીતે જાણતા હોવા જોઈએ. યહોવાહે તેઓને નિયુક્ત કર્યા હોવાથી, વડીલોએ પક્ષપાત થાય એવી કોઈ પણ બાબતોને ધિક્કારવી જોઈએ.—પુનર્નિયમ ૧૦:૧૭, ૧૮.

૨૦. વડીલો શા માટે કદરને યોગ્ય છે?

૨૦ વડીલોને જે સત્તા આપવામાં આવી છે એનો વિરોધ કરવાને બદલે, આપણે તેઓની મહેનતની કદર કરવી જોઈએ! તેઓ ખરા દિલથી વર્ષોથી યહોવાહની સેવા કરી રહ્યાં છે એ જ આપણને તેમનામાં ભરોસો મૂકવા પ્રેરે છે. તેઓ પૂરા મનથી મંડળની સભાઓની તૈયારી કરે છે અને એને ચલાવે છે. તેઓ આપણી સાથે ‘રાજ્યની સુવાર્તાનો’ પ્રચાર કરતા હોય છે અને આપણને જરૂર હોય ત્યારે બાઇબલમાંથી સલાહ પણ આપતા હોય છે. (માત્થી ૨૪:૧૪; હેબ્રી ૧૦:૨૩, ૨૫; ૧ પીતર ૫:૨) આપણે બીમાર હોઈએ ત્યારે, તેઓ આપણને મળવા આવે છે. આપણે દુઃખી હોય ત્યારે તેઓ દિલાસો આપે છે. તેઓ કોઈ સ્વાર્થ વગર વફાદારીથી રાજ્ય કાર્યોને ટેકો આપે છે. યહોવાહનો પવિત્ર આત્મા અને આશીર્વાદ તેઓ પર છે.—ગલાતી ૫:૨૨, ૨૩.

૨૧. વડીલોએ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ અને શા માટે?

૨૧ સાચું કે વડીલો અપૂર્ણ હોવાથી ભૂલ કરી શકે છે. પરંતુ, તેઓ ‘સોપેંલા ટોળા’ પર ધણીપણું કરતા નથી. એના બદલે તેઓ ભાઈઓ સાથે ‘સાથી કાર્યકર તરીકે આનંદ’ કરતા હોય છે. (૧ પીતર ૫:૩; ૨ કોરીંથી ૧:​૨૪, IBSI) નમ્ર અને મહેનતુ વડીલો યહોવાહને પ્રેમ કરે છે. તેઓ જાણે છે કે પોતે યહોવાહને જેટલા વધારે અનુસરશે, તેટલું મંડળના લાભમાં વધારે કરી શકશે. આને ધ્યાનમાં રાખીને તેઓ પ્રેમ, દયા અને ધીરજ જેવા પરમેશ્વરના ગુણો કેળવવા સતત પ્રયત્ન કરે છે.

૨૨. કોરાહના અહેવાલને યાદ કરવાથી યહોવાહના સંગઠનમાં તમારો વિશ્વાસ કઈ રીતે દૃઢ થાય છે?

૨૨ આપણા માટે એ કેવી આનંદની બાબત છે કે યહોવાહ આપણા રાજા છે અને ઈસુ ખ્રિસ્ત આપણા પ્રમુખયાજક છે. તેમ જ, રાજમાન્ય યાજકવર્ગના અભિષિક્તો આપણા શિક્ષક અને વિશ્વાસુ ખ્રિસ્તી વડીલો આપણા સલાહકાર છે! માણસો દ્વારા ચાલતું કોઈ પણ સંગઠન સંપૂર્ણ નથી. તોપણ, પરમેશ્વરની સત્તાને પૂરા દિલથી વફાદાર રહેતા આપણા ભાઈઓ સાથે, આપણે યહોવાહની ઉપાસના કરતા હોવાથી કેટલા ખુશ છીએ!

[ફુટનોટ્‌સ]

^ હારૂનના બીજા બે પુત્રો, એલઆઝાર તથા ઈથામાર યહોવાહની સેવામાં ઉદાહરણરૂપ હતા.—લેવીય ૧૦:૬.

^ કોરાહ સાથે કાવતરું કરનારા દાથાન અને અબીરામ રેઉબેની હતા. તેઓને યાજક થવું હતું કે નહિ એ આપણે કહી શકતા નથી. પરંતુ, તેઓને મુસાની આગેવાની ગમતી ન હતી. સમય જતા, વચનના દેશમાં જવાની તેઓની ઇચ્છા પણ પૂરી ન થઈ.​—⁠ગણના ૧૬:૧૨-૧૪.

^ યાજકો નિમાયા એ પહેલાં દરેક કુટુંબનું શિર, પત્ની અને બાળકો વતી પરમેશ્વર આગળ બલિદાન ચઢાવતા હતા. (ઉત્પત્તિ ૮:૨૦; ૪૬:૧; અયૂબ ૧:૫) પરંતુ, યહોવાહે નિયમો આપ્યા પછી બલિદાન ચઢાવવા માટે હારૂનના કુટુંબમાંથી પુરુષ સભ્યોને યાજકો તરીકે નીમ્યા. તોપણ ૨૫૦ બળવાખોરો આ ગોઠવણને સહકાર આપવા ઇચ્છતા ન હતા.

તમે શું શીખ્યા?

• ઈસ્રાએલીઓની કાળજી રાખવા યહોવાહે કઈ પ્રેમાળ ગોઠવણ કરી?

• કોરાહે મુસા અને હારૂનની વિરુદ્ધ બળવો કર્યો એ શા માટે અર્થ વગરનો હતો?

• યહોવાહે બળવો કરનારાઓનું શું કર્યું અને એમાંથી આપણે કયો બોધપાઠ શીખી શકીએ?

• આજે યહોવાહે કરેલી ગોઠવણ માટે આપણે કઈ રીતે કદર બતાવી શકીએ?

[Questions]

[પાન ૯ પર ચિત્ર]

શું તમે યહોવાહની સેવામાં કોઈ પણ કાર્યને એક લહાવો ગણો છો?

[પાન ૧૦ પર ચિત્ર]

“તો તમે યહોવાહની મંડળી પર પોતાને મોટા કેમ મનાવો છો?”

[પાન ૧૩ પર ચિત્ર]

વડીલો રાજમાન્ય યાજકવર્ગને રજૂ કરે છે