વાચકો તરફથી પ્રશ્નો
વાચકો તરફથી પ્રશ્નો
શું હાબેલને એ ખબર હતી કે પરમેશ્વરની કૃપા મેળવવા ફક્ત પ્રાણીઓનું જ બલિદાન ચઢાવવું જોઈએ?
કાઈન અને હાબેલના અર્પણો વિષે, બાઇબલ વધારે કંઈ જણાવતું નથી. આપણે ઉત્પત્તિ ૪:૩-૫માં વાંચીએ છીએ: “અને આગળ જતાં એમ થયું, કે કાઈન યહોવાહને સારૂ ભૂમિનાં ફળમાંથી કંઇ અર્પણ લાવ્યો. અને હાબેલ પણ પોતાનાં ઘેટાંબકરાંમાંનાં પહેલાં જન્મેલાં તથા પુષ્ટ લાવ્યો. અને યહોવાહે હાબેલને તથા તેના અર્પણને માન્ય કર્યાં; પણ કાઈનને તથા તેના અર્પણને માન્ય કર્યાં નહિ.”
યહોવાહ પરમેશ્વરને કેવા બલિદાનો પસંદ છે એની ચોક્કસ માહિતી, આ બનાવ પહેલાં બાઇબલમાં કોઈ પણ જગ્યાએ જણાવવામાં આવી નથી. તેથી એ સ્પષ્ટ છે કે કાઈન અને હાબેલ, પોતાની ઇચ્છાથી અર્પણો ચઢાવતાં હતાં. તેઓને પોતાના માબાપ પહેલાં રહેતા હતા એ સુંદર એદન વાડીમાં જવાની મનાઈ હતી. તેથી, તેઓના માબાપે કરેલા પાપની તેઓ પર પણ અસર થઈ હતી અને તેઓનો પરમેશ્વર સાથેનો સંબંધ તૂટી ગયો. તેઓ પાપી અને દુઃખી હોવાથી જોઈ શક્યા કે, પરમેશ્વરની મદદ સિવાય તેઓ પાસે બીજો કોઈ ઈલાજ નથી. તેથી, પરમેશ્વરની કૃપા પામવા માટે તેઓએ પોતાની ઇચ્છાથી બલિદાન ચઢાવ્યું.
પરંતુ, પરમેશ્વરે હાબેલનું અર્પણ સ્વીકાર્યું અને કાઈનનું નહિ. શા માટે? શું એનો અર્થ એમ થાય કે હાબેલે યોગ્ય વસ્તુઓનું બલિદાન ચઢાવ્યું અને કાઈને નહિ? જો કે આ બાબતને અર્પણ સાથે કંઈ લેવા-દેવા છે કે નહિ એ આપણે ચોક્કસ કહી શકતાં નથી. કેમ કે બન્નેમાંથી કોઈને પણ કહેવામાં આવ્યું ન હતું કે કયા પ્રકારનું બલિદાન સ્વીકારાશે. તેમ છતાં, એ શક્ય હતું કે પરમેશ્વર બેમાંથી કોઈ પણ બલિદાન સ્વીકારશે. કેમ કે યહોવાહે, ઈસ્રાએલીઓને જે નિયમ આપ્યો હતો એમાં ફક્ત પ્રાણીઓ અને એના અંગોનો જ નહિ પરંતુ, શેકેલું અનાજ, જવની પૂળીઓ, મેંદો, સૂકું અનાજ અને દ્રાક્ષદારૂના અર્પણો પણ સ્વીકારવામાં આવતાં હતાં. (લેવીય ૬:૧૯-૨૩; ૭:૧૧-૧૩; ૨૩:૧૦-૧૩) તેથી, કાઈન અને હાબેલે કયા અર્પણો ચઢાવ્યા, એ મહત્ત્વનું ન હતું. પરંતુ, એની પાછળ બીજું એક કારણ હતું, કે જેના લીધે યહોવાહે એકનો સ્વીકાર કર્યો અને બીજાનો નકાર કર્યો.—સરખાવો યશાયાહ ૧:૧૧; આમોસ ૫:૨૨.
સદીઓ પછી, પ્રેષિત પાઊલે લખ્યું: “વિશ્વાસથી હાબેલે કાઈનના કરતાં વધારે સારૂં બલિદાન દેવને આપ્યું, તેથી તે ન્યાયી છે, એવી તેના સંબંધમાં સાક્ષી પૂરવામાં આવી, કેમકે દેવે તેનાં દાંનો સંબંધી સાક્ષી આપી.” (હેબ્રી ૧૧:૪) તેથી, હાબેલને તેના વિશ્વાસને લીધે યહોવાહે ન્યાયી ગણ્યો. પરંતુ, કઈ બાબતમાં વિશ્વાસ? યહોવાહે આપેલા વચનમાં વિશ્વાસ, કે તે ચોક્કસ સંતાન મોકલશે જે ‘સર્પનું માથું છુંદશે.’ અને એક સમયે મનુષ્યો જે શાંતિ અને સંપૂર્ણતાનો આનંદ માણતા હતા એને પાછી લાવશે. ‘સંતાનની એડી છુંદાશે’ એ વાક્ય પરથી, હાબેલને એવું લાગ્યું હોય શકે કે પ્રાણીનું બલિદાન ચઢાવવાની જરૂર હતી. (ઉત્પત્તિ ૩:૧૫) તેથી, હકીકત એ છે કે, વિશ્વાસને લીધે હાબેલનું “કાઈનના કરતાં વધારે મૂલ્યવાન બલિદાન” ગણાયું.
કાઈને જે બલિદાન આપ્યું એમાં ખોટ ન હતી. પરંતુ, તેણે પોતાના કાર્યથી બતાવી આપ્યું કે તેને એ વચનમાં વિશ્વાસ નથી. યહોવાહે તેને સ્પષ્ટ કહ્યું હતું કે “જો તું સારૂં કરે, તો તું માન્ય નહિ થશે શું?” (ઉત્પત્તિ ૪:૭) યહોવાહે કાઈનના અર્પણનો નકાર કર્યો, એનું કારણ એ ન હતું કે તેમને તેનું અર્પણ ગમતું ન હતું. પરંતુ, “તેના પોતાના કામ ભૂંડા હતાં.” જેમ કે ઈર્ષા, ધિક્કાર અને છેવટે ખૂન. તેથી યહોવાહે કાઈનનો નકાર કર્યો.—૧ યોહાન ૩:૧૨.