સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વૃદ્ધ છતાં જીવનથી સંતુષ્ટ

વૃદ્ધ છતાં જીવનથી સંતુષ્ટ

મારો અનુભવ

વૃદ્ધ છતાં જીવનથી સંતુષ્ટ

મ્યુરિયલ સ્મીથના જણાવ્યા પ્રમાણે

સવારના પ્રચાર કાર્યમાંથી હું હમણાં જ જમવા માટે ઘરે આવી હતી. દરરોજની આદત પ્રમાણે, હું ચા બનાવી, અડધો કલાક આરામ કરવા જતી હતી. પરંતુ, ઓચિંતાનો દરવાજાનો ખખડવાનો અવાજ આવ્યો. હું વિચારવા લાગી કે આ સમયે કોણ હશે. મેં દરવાજો ખોલ્યો તો, બે પોલીસ ઑફિસરો હતાં. યહોવાહના સાક્ષીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાથી પોલીસો મારા ઘરમાં સંસ્થાના પ્રકાશનો શોધવા આવ્યા હતા.

ઓસ્ટ્રેલિયામાં, શા માટે યહોવાહના સાક્ષીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો? વળી, હું કઈ રીતે યહોવાહની એક સાક્ષી બની? વર્ષ ૧૯૧૦માં, હું દસ વર્ષની હતી ત્યારે મારી મમ્મીએ મને જે ભેટ આપી એ પરથી શરૂઆત થઈ.

મારું કુટુંબ, ઉત્તર સીડનીના, ક્રોઝ નેસ્ટના શહેરમાં રહેતું હતું. હું સ્કુલેથી પાછી આવી ત્યારે મેં મારી મમ્મીને એક માણસ સાથે વાત કરતાં જોઈ, એથી હું વિચારવા લાગી કે તે કોણ હશે. પરંતુ, શરમ લાગવાને લીધે, હું અંદર ચાલી ગઈ. થોડી મિનિટો પછી મારી મમ્મીએ મને બોલાવી, અને કહ્યું: “આ માણસ પાસે સરસ પુસ્તકો છે, જે બાઇબલને લગતી છે. થોડાં દિવસો પછી તારો જન્મ દિવસ આવી રહ્યો હોવાથી ભેટ તરીકે ક્યાં તો આ પુસ્તકો લઈ શકે નહી તો નવો ડ્રેસ લઈ શકે. શું ગમશે તને?”

મેં કહ્યું: “મમ્મી, હું આ પુસ્તકો રાખીશ.”

એમ દસ વર્ષની ઉંમરે, મારી પાસે ચાર્લ્સ ટેઝ રસેલના, શાસ્ત્રવચનોનો અભ્યાસ (અંગ્રેજી)ના ત્રણ ગ્રંથો હતા. તે માણસે મારી મમ્મીને એમ કહ્યું કે આ પુસ્તકો અઘરી હોવાથી તમે તેને સમજાવજો. તેથી, મમ્મી મને સમજાવવા તૈયાર થઈ ગઈ. પરંતુ, દુ:ખની બાબત છે કે આ બનાવ પછી મારી મમ્મીનું મરણ થયું. પપ્પાએ મારી અને મારા નાના ભાઈ-બહેનની ઘણી કાળજી લીધી. તેમ છતાં, મારે માથે પણ ઘણી જવાબદારી આવી પડી હતી. એવામાં જ બીજી આપત્તિ આવી પડી.

વર્ષ ૧૯૧૪માં, પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું એના વર્ષ પછી મારા પપ્પાને મારી નાખવામાં આવ્યાં. તેથી, મારા અનાથ ભાઈ-બહેનને, સગાં-વહાંલાને ઘરે મોકલ્યા અને મને કૅથલિક બોર્ડિંગ સ્કૂલમાં મોકલી. કોઈક વખતે, હું એકલી પડી જતી હોવાથી ઘણી ઉદાસ થઈ જતી. તેમ છતાં, મને સંગીતમાં, ખાસ કરીને પીયાનો પ્રત્યેનો પ્રત્યે પ્રેમ જાળવી રાખવાની તક મળતી હોવાથી હું ખુશ હતી. વર્ષો પસાર થઈ ગયા અને હું બોર્ડિંગ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થઈ. વર્ષ ૧૯૧૯માં, મેં સંગીત-સાધનના વેપારી રોય સ્મીથ સાથે લગ્‍ન કર્યું. વર્ષ ૧૯૨૦માં, અમને પહેલું બાળક જન્મ્યું. અને એમ હું જીવનની રોજિંદી ચિંતાઓમાં પરોવાય ગઈ. પરંતુ પેલી પુસ્તકોનું શું થયું?

પાડોશી દ્વારા સત્યની શરૂઆત

આટલાં વર્ષો સુધી એ “બાઇબલ પુસ્તકો” મારી પાસે જ હતા. જો કે એ પુસ્તકો મેં કદી વાંચ્યા ન હતા. પરંતુ, મને ગળા સુધી ખાતરી હતી કે એમાં જે સંદેશો છે તે મહત્વનો છે. એ વર્ષના અંતે મારી પાડોશી, લીલ બીમસન અમને મળવા આવી અને અમે લિવીંગ રૂમમાં સાથે બેસી ચા પીતા હતા.

તે એકદમ જ બોલી ઊઠી: “અરે! તમારી પાસે આ પુસ્તકો છે?”

મેં મૂંઝવાતા પૂછયું: “કયા પુસ્તકો?”

તેણે કબાટમાં પડેલા પુસ્તકો શાસ્ત્રવચનોનો અભ્યાસ, બતાવ્યા. લીલ, મારી પાસેથી એ પુસ્તકો વાંચવા લઈ ગઈ અને તેણે ખૂબ આતુરતાથી એને વાંચી. એ વાંચવાથી તેને જે આનંદ થયો, એ તેના ચહેરા પર દેખાય આવ્યો. લીલે, બાઇબલ વિદ્યાર્થીઓ, જે હવે યહોવાહના સાક્ષીઓ તરીકે ઓળખાય છે, તેઓ પાસેથી વધારે સાહિત્ય મેળવ્યું. તેમ જ પોતે જે શીખતી હતી એ ઉત્તસાહથી અમને જણાવા લાગી. તેણે જે પુસ્તકો પ્રાપ્ત કરી હતી એમાંની એક પરમેશ્વરની વીણા (અંગ્રેજી) તેણે મને આપી. મેં આ પુસ્તકને ખાસ સમય કાઢીને વાંચ્યું, અને ત્યારથી મેં યહોવાહની સેવા કરવાની શરૂઆત કરી. છેવટે, મને મારા મહત્વના પ્રશ્નોના જવાબો મળ્યા જે મારું ચર્ચ મને કદી આપી ન શક્યું.

આનંદની વાત તો એ છે કે મારા પતિ રોયે પણ આ બાઇબલ સંદેશામાં ખાસ રસ લીધો. તેથી, અમે ઉત્સાહી બાઇબલ વિદ્યાર્થીઓ બન્યા. જો કે રોય અગાઉ ફ્રીમેસન સંસ્થાના સભ્ય હતા. પરંતુ, હવે અમારું કુટુંબ સાચી ઉપાસનામાં એક થયું. યહોવાહના એક સાક્ષી, અઠવાડિયામાં બે વાર અમારા કુટુંબને બાઇબલમાંથી શીખવતા હતા. એ ઉપરાંત અમે બાઇબલ વિદ્યાર્થીઓ સાથે સભાઓમાં જતા હોવાથી અમારો ઉત્સાહ વધ્યો. ત્યારે સીડનીના ન્યૂટાઉન શહેરમાં હૉલ ભાડે રાખીને સભા ભરતા હતા. એ સમયે આખા દેશમાં, ૪૦૦ કરતાં પણ ઓછા યહોવાહના સાક્ષીઓ હતા. તેથી, મોટા ભાગના ભાઈ-બહેનોને સભામાં જવા માટે ઘણું લાંબુ અંતર કાપવું પડતું.

અમારા કુટુંબને, સભાઓમાં જવા માટે નિયમિત રીતે સીડની હાર્બર પસાર કરવો પડતો. વર્ષ ૧૯૩૨ માં સીડની હાર્બરનો પુલ બંધાયો એ પહેલાં, અમે બૉટમાં બેસીને એ પાર કરતા. આ મુસાફરી પાછળ ઘણો સમય અને ખર્ચ થતો હતો. તેમ છતાં, યહોવાહ બાઇબલ દ્વારા શિક્ષણ પુરું પાડે છે, એ કદી ચૂકીએ નહિ માટે અમે બની શકે એટલા પ્રયત્ન કરતા. અમે સત્યમાં મક્કમ રહેવા જે સખત પ્રયત્ન કર્યો તે નકામો ન હતો. એનું કારણ કે, બીજા વિશ્વયુદ્ધના ભણકારા સંભળાઈ રહ્યા હતા. યહોવાહના સાક્ષીઓ લડાઈમાં ભાગ લેતા ન હોવાથી, અમારા કુટુંબ પર દબાણ આવવાની શક્યતા રહેલી હતી.

કસોટીઓ છતાં આશીર્વાદો

વર્ષ ૧૯૩૦ની શરૂઆત અમારા કુટુંબ માટે ઘણો જ આનંદિત સમય હતો. મેં વર્ષ ૧૯૩૦માં બાપ્તિસ્મા લીધું. તેમ જ, ૧૯૩૧માં બાઇબલ વિદ્યાર્થીઓએ, યહોવાહના સાક્ષીઓનું નામ સ્વીકાર્યું ત્યારે હું એ યાદગાર સંમેલનમાં હાજર હતી. પછી, યહોવાહના સાક્ષીઓની સંસ્થાએ ઉતેજન આપ્યું એ પ્રમાણે અમે દરેક પ્રકારના પ્રચાર કાર્યમાં ભાગ લીધો. દાખલા તરીકે, વર્ષ ૧૯૩૨માં સીડની હાર્બર બ્રિજનું ઉદ્‍ઘાટન થયું ત્યારે ઘણાં લોકો એ જોવા આવ્યા હતા. એ સમયે, નાની પુસ્તિકા આપવા માટે ખાસ પ્રચાર કાર્યમાં અમે ભાગ લીધો. બીજી રીત, સંસ્થાએ પ્રચાર કાર્ય માટે જેનો ઉપયોગ કર્યો એ સાઉન્ડ કાર હતી. અમે પણ આ સાઉન્ડ સીસ્ટમ અમારી ગાડીમાં ફિટ કરી શક્યા હતા. આનાથી અમે ભાઈ રૂધરફોર્ડે આપેલા બાઇબલ પ્રવચનથી, સીડનીના રસ્તા ગુંજાવી દીધા.

પરંતુ, સમય બદલાતો ગયો તેમ મુશ્કેલીઓ પણ વધતી ગઈ. વર્ષ ૧૯૩૨માં, ઑસ્ટ્રેલિયામાં ભારે મંદીનું મોજું ફરી વડયું હતુ. તેથી, અમે અમારું જીવન એકદમ સાદું કરી નાખ્યું. એ માટે અમે મંડળની નજીક રહેવા ગયા, અને આમ અમે મુસાફરીનો ખર્ચ ઘટાડી શક્યા. આખી પૃથ્વી પર, બીજા વિશ્વયુદ્ધની અસર એટલી ભયંકર હતી કે એની સામે અમારી મુશ્કેલીઓ કંઈ જ ન હતી.

ઈસુની આજ્ઞા પ્રમાણે, યહોવાહના સાક્ષીઓ જગતનો ભાગ ન હોવાથી તેઓની ઘણી જ સતાવણી થઈ. તેમ જ ઑસ્ટ્રેલિયા પણ એમાંથી બાકાત ન રહ્યું. અમુક લોકોએ યુદ્ધના કારણે અમને સામ્યવાદીઓ કહ્યાં. આ વિરોધકોએ ખોટો તહોમત મૂકયો કે ઑસ્ટ્રેલિયામાં, યહોવાહના સાક્ષીઓ પાસે જે ચાર રેડિયો સ્ટેશન છે, એનો ઉપયોગ જાપાનના સૈનિકોને સંદેશો મોકલવા કરે છે.

યુવાન ભાઈઓને, જેમને સૈનિક સેવા માટે બોલાવવામાં આવ્યા હતા, તેઓનો વિશ્વાસ તોડવા ઘણો જ દબાણ કર્યો. મને જણાવતાં આનંદ થાય છે કે અમારા ત્રણેવ દીકરાઓએ, તેમની બાઇબલની માન્યતા અને તટસ્થતા જાળવી રાખી. તેથી, અમારા સૌથી મોટા દીકરા રિચર્ડને ૧૮ મહિનાની કેદ થઈ. અમારા બીજા દીકરા કેવીનને યુદ્ધમાં કોઈ પણ ભાગ ન લેવાને લીધે અધિકારીઓએ તેનું નામ લખી લીધું. તેમ જ, અમારો સૌથી નાનો દીકરો સ્ટયુઅર્ટ યુદ્ધમાં ભાગ લેવા તૈયાર ન હોવાથી તેને કોર્ટમાં બોલાવવામાં આવ્યો. તે ત્યાં જતો હતો ત્યારે, મોટરસાયકલ અકસ્માતમાં મરણ પામ્યો. આ કરૂણ ઘટનાથી અમને ઘણો જ આઘાત લાગ્યો હતો. પરંતુ, યહોવાહ પરમેશ્વરનું રાજ્ય અને સજીવન કરવાનું જે વચન તેમણે આપ્યું છે એ આશાથી અમને આગળ વધવા મદદ મળી.

તેઓને હાથે ન લાગી

વર્ષ ૧૯૧૪માં, ઑસ્ટ્રેલિયામાં રહેતા યહોવાહના સાક્ષીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ, ઈસુના શિષ્યોની જેમ, અમે પણ માણસો કરતાં પરમેશ્વરને આધીન રહ્યા. તેથી અમે અઢી વર્ષ સુધી છાનીછુપી રીતે કામ કરતાં રહ્યાં. આ સમયમાં મેં શરૂઆતમાં જણાવ્યું તેમ બે પોલીસો મારા ઘરનું બારણું ખખાડયું. પછી શું બન્યું?

મેં તેઓને અંદર બોલાવ્યા અને પૂછયું કે, “તમને વાંધો ન હોય તો ઘરની તલાશી લેતા પહેલાં, શું હું મારી ચા પી લઉં?” તેઓએ ચા પીવાની રજા આપી ત્યારે મને નવાઈ લાગી. હું રસોડામાં ગઈ અને યહોવાહને પ્રાર્થના કરીને શું કહેવું એ વિષે વિચાર્યું. જ્યારે હું પાછી આવી, ત્યારે તો એક પોલીસે મારા અભ્યાસ કરવાના રૂમમાંથી વૉચટાવર સંસ્થાને લગતા જેટલા પણ પુસ્તકો મળ્યા એ લઈ લીધા. તેમ જ, મારી પ્રચારની બેગમાંથી સાહિત્યો અને બાઇબલ પણ લઈ લીધું.

તેમણે પૂછયું: “તમે સાચું કહો છો કે બીજે ક્યાંય સાહિત્ય સંતાડેલું નથી? અમને માહિતી મળી છે કે તમે દર અઠવાડિએ સભાઓ ભરો છો અને ત્યાં ઘણું બધું સાહિત્ય લઈ જાવ છો.”

મેં કહ્યું: “હા, એ સાચું છે પણ હવે એ ત્યાં નથી.”

તેણે કહ્યું “હા, અમે જાણીએ છીએ, અને અમને એ પણ ખબર છે કે આ જિલ્લાની આસપાસ લોકોના ઘરમાં સાહિત્ય સંતાડેલું છે.”

તેઓએ, અમારા દીકરાઓના રૂમમાંથી, કૅથલીક ધર્મ કે સ્વતંત્રતા (અંગ્રેજી) નાની પુસ્તિકાથી ભરેલાં પાંચ બૉક્સ શોધી કાઢ્યા.

તેણે પૂછયું: “ચોક્કસ, તમે ગૅરૅજમાં કંઈ છૂપાવ્યું નથી.”

મેં કહ્યું: “ના, ત્યાં કંઈ નથી.”

પછી તેણે ડાઈનીંગ રૂમનું કબાટ ખોલ્યું. ત્યાં તેને કોરા ફોર્મ મળ્યા જેમાં અમે મંડળનો અહેવાલ ભરતાં હતાં. એ તેણે લઈ લીધાં, અને ગૅરૅજમાં પણ તપાસ કરવાનો આગ્રહ કર્યો.

મેં કહ્યું: “આ બાજુ આવો.”

છેવટે, તેઓ ગૅરૅજની તપાસ કર્યા બાદ જતાં રહ્યાં.

જો કે પોલીસોને એમ લાગ્યું હશે કે એ પાંચ બૉક્સ મળી ગયા એટલે તેઓને અમૂલ્ય વસ્તુ મળી ગઈ. પરંતુ, તેઓ જે શોધતા હતા એ તો મળ્યું જ નહિ. એ સમયે, હું મંડળની સેક્રેટરી તરીકે સેવા આપતી હતી. તેથી, મંડળના ભાઈ-બહેનોની અને બીજી ઘણી મહત્વની માહિતી મારા ઘરમાં હતી. ભાઈઓએ અમને આવી તલાશી માટે પહેલેથી તૈયાર રહેવા માટે ચેતવ્યા હતા, એ માટે હું તેઓની આભારી છું. મેં આ બધી જરૂરી માહિતી કવરમાં મૂકી ચા, ખાંડ અને લોટના ડબ્બા નીચે સંતાડી દીધી હતી. અમુક માહિતી મેં ગૅરૅજની નજીક પંખીઘરમાં સંતાડેલી હતી. આમ, તે પોલીસોને જે ખરી માહિતી જોઈતી હતી, એ જ તેમના હાથે ન લાગી.

પૂરા સમયની સેવા

અમારા દીકરાઓ મોટા થઈ ગયા હોવાથી લગભગ ૧૯૪૭માં તેઓએ લગ્‍ન કરીને પોતાનું ઘર વસાવ્યું હતું. એ સમયે અમે વિચાર્યું કે આપણે પૂરા સમયની સેવા શરૂ કરી શકીએ છીએ. અમે એવું પણ સાંભળ્યું હતું કે દક્ષિણ ઑસ્ટ્રેલિયાના વિસ્તારમાં પ્રચાર કરવાની જરૂર છે. તેથી, અમે અમારું ઘર વેચી, મોબાઈલ ઘર લીધું અને એનું નામ મિસ્પાહ રાખ્યું જેનો અર્થ “ચોકીબુરજ” થાય છે. આ પ્રકારનું જીવન જીવવાથી અમે દૂરના અને સહેલાઈથી પહોંચી ન શકાય એવા વિસ્તારમાં પણ પ્રચાર કરી શક્યા. ઘણી વખતે, અમે સોંપેલા નહી એવા ગામડામાં પ્રચાર કર્યો. અમને ઘણા જ સુંદર અનુભવો થયા જે હું કદી ભૂલી શક્તી નથી. દાખલા તરીકે, હું જે યુવતીને બાઇબલ શીખવતી હતી, તેનું નામ બેવરલી હતું. પરંતુ, બાપ્તિસ્મા લેવા તૈયાર થાય એ પહેલાં જ તે એ વિસ્તાર છોડીને જતી રહી. વર્ષો પછી સંમેલનમાં એક ખ્રિસ્તી બહેન મને મળવા આવી, જે બેવરલી હતી. તેને મળીને મને કેટલો આનંદ થયો એની કલ્પના કરો. એ ઉપરાંત ફક્ત બેવરલી જ નહિ, પરંતું તેના આખા કુટુંબને યહોવાહની સેવા કરતા જોઈને મને ઘણો જ આનંદ થયો.

પછી ૧૯૭૯માં, મને પાયોનિયર સેવા શાળામાં જવાની ખાસ તક મળી. પાયોનિયર સેવા ચાલું રાખવા દરરોજ બાઇબલનો ઊંડો અભ્યાસ કરવા પર શાળામાં ભાર મૂકવામાં આવ્યો હતો. અને એ એકદ્‌મ સાચું છે. મારા જીવનમાં અભ્યાસ, સેવા અને પ્રચાર જ પ્રથમ રહ્યું છે. મને ૫૦ કરતાં પણ વધારે વર્ષો સુધી નિયમિત પાયોનિયર સેવા કરવાની તક મળી, એને હું મોટો લહાવો ગણું છું.

બીમારીઓનો સામનો

પરંતુ, અમુક વર્ષોથી મને અનેક પ્રકારના દુઃખોનો સામનો કરવો પડી રહ્યો છે. વર્ષ ૧૯૬૨માં, મને એક પ્રકારની મોતિયા જેવી આંખની બીમારી થઈ. પરંતુ એ સમયે આ બીમારીનો પૂરતો ઇલાજ ન હોવાથી મારી આંખો ઝડપથી ઝાંખી થઈ ગઈ. એ ઉપરાંત રોયની તંદુરસ્તી પણ નબળી થતી ગઈ. તેમને ૧૯૮૩માં, સ્ટ્રોક થવાથી અડધી બાજુ લકવા થયો હતો. તેથી, તે બોલી શકતા ન હતા. તે ૧૯૮૬માં મરણ પામ્યા. મારા પાયોનિયર સેવામાં તેમણે મને ઘણો જ ટેકો આપ્યો હતો. હવે મને ખરેખર તેમની ખોટ સાલતી હતી.

આટલી બધી તકલીફો પડવા છતાં, મેં કદી પરમેશ્વરની સેવા છોડી દીધી નહિ. મેં એક સરસ ગાડી ખરીદી જેથી હું સહેલાઈથી ગામડાઓ સુધી પ્રચાર કરવા પહોંચી શક્તી. આમ કરવા માટે મેં મારી દીકરી જોઇસની મદદથી, પાયોનિયર સેવા ચાલુ રાખી. ધીરે-ધીરે મારી આંખો બગડતી ગઈ અને હવે એક આંખે બિલકુલ દેખાવાનું બંધ થયું. તેથી, ડૉક્ટરોએ મને એના બદલે, કાચની બનાવટી આંખ નાખી આપી. તેમ છતાં, મેં વાંચવાનું છોડી દીધું નહિ, પરંતુ બિલોરી કાચથી અને મોટા અક્ષરોથી છાપેલું સાહિત્ય વાંચવાનું ચાલુ રાખ્યું. તેમ જ, મારી ડાબી આંખથી થોડુ ઘણું દેખાતુ હતુ એ કારણે હું દિવસના ત્રણથી પાંચ કલાક અભ્યાસ કરતી હતી.

અભ્યાસ, મારી માટે ઘણો જ અમૂલ્ય રહ્યો છે. તેથી, કલ્પના કરો કે એક બપોરે, એકદમ જ મારી સામે અંધારું થઈ ગયું ત્યારે મને કેટલો મોટો આઘાત લાગ્યો હશે. મને એમ લાગ્યું જાણે કોઈએ એકદમ જ લાઈટ બંધ કરી દીધી. હવે, હું કંઈ જ જોઈ શક્તી નથી. તો પછી, મેં મારો અભ્યાસ કઈ રીતના ચાલુ રાખ્યો? જોકે હવે મને ઘણી બહેરાશ આવી ગઈ હોવા છતાં, હું ઑડિયો કેસેટો સાંભળું છું. એ ઉપરાંત, મારું કુટુંબ પણ મને યહોવાહની સેવામાં દૃઢ રહેવા પ્રેમથી મદદ કરે છે.

અંત સુધી ટકવું

હવે મારી ઉંમર સો વર્ષ કરતાં પણ વધારે થઈ ગઈ છે. મારી તબિયત વધારે બગડી ગઈ છે, તેથી હું પહેલાંની જેમ કામ કરી શક્તી નથી. અમુક વખતે હું મૂંઝાઈ જાવ છું. હકીકતમાં, હવે મને બિલકુલ દેખાતું નથી અને તેથી મને કાંઈ સૂઝ પડતી નથી. મને હજી પણ લોકોને બાઇબલમાંથી શીખવાનું ઘણું જ મન થાય છે. પરંતુ, હવે હું એમ કરી શકતી નથી. શરૂઆતમાં, હું ઘણી જ ઉદાસ થઈ જતી હતી. મને મારી મર્યાદાઓ સ્વીકારીને એ પ્રમાણે કામ કરવાનું હતું, અને એ મારે માટે કંઈ સહેલું ન હતું. તેમ છતાં, મને જણાવતાં આનંદ થાય છે કે, હજી પણ હું સમય કાઢી આપણા મહાન પરમેશ્વર યહોવાહ વિષે બીજાઓ સાથે વાત કરી શકું છું. મને બાઇબલ વિષે વાત કરવાની જ્યારે પણ તક મળે છે ત્યારે હું એને ઝડપી લઉં છું. જો કોઈ નર્સ, વેપારી અથવા કોઈ પણ મને મળવા આવે ત્યારે હું તેને ચાલાકીપૂર્વક બાઇબલ વિષે વાત કરું છું.

મારી માટે સૌથી મોટો આશીર્વાદ એ છે કે મારા કુટુંબની ચાર પેઢીઓ, દૃઢ વિશ્વાસથી યહોવાહની ઉપાસના કરી રહ્યાં છે. અમુક સભ્યો જરૂરી વિસ્તારોમાં પાયોનિયર સેવા કરી રહ્યાં છે. તેમ જ અમુક સભ્યો બેથેલમાં, અમુક વડીલ કે સેવકાઈ ચાકર તરીકે સેવા આપી રહ્યા છે. જો કે હું અને મારી ઉંમરના ઘણાં જ લોકો એવી અપેક્ષા રાખતા હતા કે જગતનો અંત જલદી જ આવશે. પરંતુ, મેં મારા સાત દાયકામાં યહોવાહની જે સેવા કરી એમાં ઘણો જ વધારો જોયો. હું આ ભવ્ય કામમાં જોડાયેલી છું એનો મને ઘણો જ સંતોષ થાય છે.

મારી મુલાકત લેનારી નર્સોનું કહેવું છે કે મારા વિશ્વાસે મને ટકાવી રાખી છે. હું તેઓની સાથે સહમત છું, કારણ કે યહોવાહની સેવામાં મહેનત કરવાથી જીવનનો ખરો આનંદ મળે છે. રાજા દાઊદની જેમ હું પણ કહી શકું છું કે, વૃદ્ધ છતાં જીવનથી સંતુષ્ટ.​—⁠ ૧ કાળવૃત્તાંત ૨૯:⁠૨૮

(આ લેખ તૈયાર કરવામાં આવતો હતો તે દરમિયાન, ૧૦૨ વર્ષ થવામાં ૧ જ મહિનો બાકી હતો અને મ્યુરિયલ સ્મીથનું એપ્રીલ ૧, ૨૦૦૨માં મરણ થયું. તે વિશ્વાસ અને ધીરજનો સુંદર નમૂનો આપી ગઈ.)

[પાન ૨૪ પર ચિત્રો]

હું ૫ વર્ષની હતી ત્યારે, અને ૧૯ વર્ષે મારા પતિ રોયને મળી ત્યારે

[પાન ૨૬ પર ચિત્ર]

અમારું મોબાઈલ ઘર જેનું અમે મિસ્પાહ નામ રાખ્યું હતું

[પાન ૨૭ પર ચિત્ર]

વર્ષ ૧૯૭૧માં, મારા પતિ રોય સાથે