સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અરે વાહ! હવે તેઓ વાંચી શકે છે

અરે વાહ! હવે તેઓ વાંચી શકે છે

અરે વાહ! હવે તેઓ વાંચી શકે છે

સોલોમન ટાપુઓના કેટલાક વિસ્તારોમાં, યહોવાહના સાક્ષીઓમાંના લગભગ ૮૦ ટકા લોકો સત્ય શીખ્યા પહેલાં લખી-વાંચી શકતા ન હતા. એ કારણે તેઓ સભાઓમાં જવાબો કે ટોક આપી શકતા ન હતા. એ ઉપરાંત, તેઓને બીજાઓને સત્ય વિષે શીખવવું સૌથી અઘરું લાગતું હતું. શું આ મોટી ઉંમરના અભણ લોકો ખરેખર વાંચતા-લખતા શીખી શકે, જેઓએ ક્યારેય પાટી-પેન પણ હાથમાં પકડી ન હોય?

સોલોમન ટાપુઓના મોટા ભાગના મંડળોમાં આ અભણ લોકોને વાંચતા-લખતા શીખવવા માટે, યહોવાહના સાક્ષીઓએ એક ક્લાસની ગોઠવણ કરી. યહોવાહના સાક્ષીઓએ તેઓની ભાષામાં તૈયાર કરેલી, વાંચતા લખતા શીખો પાઠ્ય પુસ્તિકાની મદદથી, તેઓ આ લોકોને શીખવવા લાગ્યા. નીચેના અનુભવો બતાવે છે કે આ ક્લાસમાંથી કઈ રીતે ઘણા લોકો વાંચતા-લખતા શીખી શક્યા છે. સૌથી મહત્ત્વનું તો એ છે કે, તેઓ હવે બીજા લોકોને સારી રીતે બાઇબલ સત્ય શીખવી શકે છે.​—⁠૧ પીતર ૩:⁠૧૫.

એક મંડળમાં એક મિશનરી બહેન સેવા આપતા હતા. એ મંડળમાં લગભગ સોથી વધારે પ્રકાશકો હતા. પરંતુ એ બહેને જોયું કે સભામાં ચોકીબુરજનો અભ્યાસ કરતી વખતે મોટા ભાગના લોકો પાસે એ મેગેઝિન ન હતું. એ ઉપરાંત, બહુ ઓછા લોકો જવાબ આપતા હતા. એનું કારણ શું હતું? તેઓને વાંચતા આવડતું ન હતું. એક દિવસ મંડળમાં જાહેરાત કરવામાં આવી કે હવે લખતા-વાંચતા શીખવવાના ક્લાસ શરૂ કરવામાં આવશે. એ સાંભળીને આ બહેન રાજીખુશીથી તેઓને શીખવવા તૈયાર થઈ ગયા. શરૂઆતમાં તો બહુ ઓછા લોકો આવ્યા, પણ થોડા જ દિવસોમાં નાના-મોટા મળીને ૪૦થી વધારે લોકો શીખવા માટે આવવા લાગ્યા.

એનું પરિણામ શું આવ્યું? આ મિશનરી બહેન કહે છે: “આ ક્લાસ શરૂ કર્યાને થોડા જ સમય પછી, એક દિવસ હું સવારે ૬ વાગે બજારમાં રાશન ખરીદવા ગઈ હતી. ત્યાં મેં ક્લાસના કેટલાક વિદ્યાર્થીઓને શાકભાજી અને નાળિયેર વેચતા જોયા. અરે, એમાં કેટલાક છોકરાઓ પણ હતા. શા માટે? કારણ કે તેઓ નોટ-પેન ખરીદવા માટે પૈસા કમાતા હતા! અને હવે તેઓને વાંચતા-લખતા શીખવાની એટલી હોંશ હતી કે તેઓ પોતાનું ચોકીબુરજ લઈને આવવા લાગ્યા.” પછી એ બહેન જણાવે છે કે, “હવે ચોકીબુરજ અભ્યાસમાં નાના-મોટા બધા લોકો તરત જ જવાબો આપે છે અને સભામાં બધાને ખૂબ મઝા આવે છે.” આ બહેનને તેમના ચાર વિદ્યાર્થીઓએ પ્રચાર કાર્યમાં જવા વિષે પૂછ્યું ત્યારે, તેમને ખૂબ ખુશી થઈ. તેઓએ બહેનને કહ્યું કે “હવે અમે બિલકુલ ગભરાતા નથી.”

આ ક્લાસથી વિદ્યાર્થીઓ ફક્ત લખતા-વાંચતા જ શીખ્યા નહિ, પરંતુ એનાથી તેઓને બીજા ઘણા લાભો પણ થયા. દાખલા તરીકે, ઘણાં વર્ષોથી એક ભાઈની પત્ની, જે સાક્ષી નથી, તેનાથી મંડળના બધા ખૂબ ડરતા હતા. તે વાતવાતમાં ગુસ્સે થઈ જતી અને પથ્થર લઈને મારવા દોડી જતી હતી. ઘણી વાર તો તે લાકડી લઈને બીજી સ્ત્રીઓને મારી બેસતી. અમુક વાર તે તેના પતિ સાથે સભાઓમાં આવતી હતી. એ વખતે તેના પતિએ કાળા ચશ્મા પહેરવા પડતા, જેથી તેની અદેખી પત્નીને એમ કહેવાનો મોકો ન મળે કે તે બીજી સ્ત્રીઓ સામે જુએ છે.

આ ક્લાસ શરૂ થયા એના થોડા જ સમય પછી, એ સ્ત્રીએ પણ એકલા આવીને પૂછ્યું કે “શું હું પણ એમાં આવી શકું?” તેને આવવાની રજા મળી. ત્યાર પછી તે ક્યારેય આ ક્લાસમાં કે મંડળની સભાઓમાં આવવાનું ચૂકી નથી. તેણે વાંચવાનું શીખવા ખૂબ મહેનત કરી અને જલદી જ એ શીખી ગઈ. એનાથી તે ખૂબ ખુશ થઈ. પછી તેણે ફરી વાર પૂછ્યું: “શું મારી સાથે કોઈ બાઇબલ અભ્યાસ કરી શકે?” તેનો પતિ ખુશ થઈ ગયો અને તેની સાથે અભ્યાસ શરૂ કર્યો. હવે તે વાંચવા-લખવામાં અને બાઇબલનું જ્ઞાન લેવામાં ઘણી પ્રગતિ કરી રહી છે.

એક ૫૦ વર્ષની વ્યક્તિએ જીવનમાં ક્યારેય પેન હાથમાં પકડી ન હોય, તેના માટે પેન લઈને એક અક્ષર ઘૂંટવો, હિમાલય પર ચઢવા જેટલું મુશ્કેલ લાગી શકે. અરે, અક્ષરો ઘૂંટવા માટે મહેનત કરતા આવા લોકોની આંગળીઓ પર ઘણી વાર તો ફોડલા પણ પડી જાય છે. તોપણ, અનેક અઠવાડિયાં સખત મહેનત કર્યા પછી, ઘણા વિદ્યાર્થીઓ સરખી રીતે પેન હાથમાં પકડતા શીખે છે ત્યારે, તેઓના ચહેરા પર રોનક આવી જાય છે અને તેઓ ખુશ થઈ જઈને કહે છે: “હવે હું સહેલાઈથી કાગળ પર લખી શકું છું!” વિદ્યાર્થીઓની પ્રગતિ જોઈને શિક્ષકોને પણ ઘણો આનંદ થાય છે. એક શિક્ષક કહે છે: “આ લોકોને શીખવવાની અમને ખૂબ મઝા આવે છે. કારણ કે તેઓ યહોવાહે કરેલી આ ગોઠવણની ખૂબ કદર કરે છે અને ક્લાસને અંતે તાળીઓ પાડીને એ બતાવે છે.”

મિશનરીઓ સાથે હવે આ વિદ્યાર્થીઓ પણ ખૂબ ખુશ છે. શા માટે? કારણ કે તેઓ હવે લખતા-વાંચતા શીખીને યહોવાહને વધારે મહિમા આપી શકે છે.

[પાન ૮, ૯ પર ચિત્રો]

નાના-મોટા સર્વ આ ક્લાસની કદર કરે છે