સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“મેં તમને નમૂનો આપ્યો છે”

“મેં તમને નમૂનો આપ્યો છે”

“મેં તમને નમૂનો આપ્યો છે”

“લાંબા સમયથી તમે વિશ્વાસી છો ને તમારે તો બીજાઓને શીખવવું જોઈએ.”​ —⁠હેબ્રી ૫:૧૨, IBSI.

૧. હેબ્રી ૫:૧૨ની સલાહ વાંચીને ખ્રિસ્તીઓએ શાના પર વિચાર કરવાની જરૂર છે?

 ઉપરની હેબ્રી ૫:૧૨ની પરમેશ્વરની સલાહ સાંભળીને, શું તમને એવું લાગે છે કે તમારે બીજાઓને શીખવવામાં હજુ સુધારો કરવાનો છે? જો એમ હોય તો, તમે એકલા જ નથી. ઈસુની જેમ, આપણે પણ બીજાઓને યહોવાહ વિષે શીખવવું જ જોઈએ. (માત્થી ૨૮:૧૯, ૨૦) આપણે એ પણ જાણીએ છીએ કે આ કળીયુગના સમયમાં, આપણાથી બને એટલી સારી રીતે બીજાઓને શીખવવું જોઈએ. આપણને એ પણ ખબર છે કે આપણા શિક્ષણમાં લોકોનો જીવન કે મરણનો સવાલ રહેલો છે! (૧ તીમોથી ૪:૧૬) તો પછી, આપણે પોતાને પૂછી શકીએ: ‘હું ખરેખર કેવી રીતે શીખવું છું? હું શીખવવાની કળામાં કેવી રીતે સુધારો કરી શકું?’

૨, ૩. (ક) એક શિક્ષકે શીખવવાની કળા વિષે શું જણાવ્યું? (ખ) ઈસુએ બીજાઓને શીખવવામાં, આપણા માટે કેવો નમૂનો બેસાડ્યો?

પરંતુ આપણે એ માટે ચિંતા કરવાની જરૂર નથી. જો આપણે એવું વિચારીએ કે બીજાઓને શીખવવા માટે કોઈ ખાસ કળા વિકસાવવી પડશે તો, આપણને સુધારો કરવો અઘરું લાગશે. પરંતુ બીજાઓને શીખવવા માટે કોઈ ખાસ કળાની નહિ, પણ બીજી બાબતની જરૂર છે જે ખૂબ મહત્ત્વની છે. એક અનુભવી શિક્ષકે એ વિષે જણાવ્યું કે, ‘સારા શિક્ષક બનવા માટે કોઈ ખાસ કળાની જરૂર પડતી નથી. બીજાઓને શીખવવા માટે ખાસ કરીને પ્રેમની જરૂર પડે છે.’ આ ભાઈ સત્ય કઈ રીતે શીખવવું એની વાત કરતા ન હતા. તોપણ તેમણે જે કહ્યું છે એ ખાસ કરીને ખ્રિસ્તીઓ તરીકે આપણને વધારે લાગુ પડે છે. કેવી રીતે?

ઈસુ ખ્રિસ્તે શિક્ષક તરીકે આપણા માટે સરસ નમૂનો બેસાડ્યો છે. ઈસુએ તેમના પગલે ચાલનારાઓને કહ્યું: “મેં તમને નમૂનો આપ્યો છે.” (યોહાન ૧૩:૧૫) અહીંયા ઈસુ, નમ્રતા બતાવવામાં તેમણે જે સરસ નમૂનો બેસાડ્યો હતો એની વાત કરી રહ્યા હતા. પરંતુ એમાં તેમનું મુખ્ય કામ લોકોને પરમેશ્વરના રાજ્યના સારા સમાચાર વિષે શીખવવાનું હતું. (લુક ૪:૪૩) હા, ઈસુના સેવાકાર્યને જો એક જ શબ્દમાં વર્ણવવું હોય તો, એ ‘પ્રેમ’ છે. (કોલોસી ૧:૧૫; ૧ યોહાન ૪:૮) ઈસુ યહોવાહને અનહદ પ્રેમ કરે છે. (યોહાન ૧૪:૩૧) એક શિક્ષક તરીકે ઈસુએ બે ખાસ રીતોએ પ્રેમ બતાવ્યો હતો. તે જે સત્ય શીખવતા, એને ખૂબ ચાહતા હતા અને જે લોકોને તે શીખવતા તેઓને પણ તે પ્રેમ કરતા હતા. તો ચાલો, આ બંને પાસામાં ઈસુએ આપણા માટે જે નમૂનો બેસાડ્યો છે એને તપાસીએ.

પહેલેથી જ સત્ય માટે ઊંડો પ્રેમ

૪. ઈસુએ કઈ રીતે સત્ય માટે પ્રેમ વિકસાવ્યો?

શિક્ષક કઈ રીતે શીખવે છે એના પરથી દેખાઈ આવે છે કે તેમને એ વિષય ગમે છે કે નહિ. જો એ વિષય પર ખૂદ શિક્ષકને જ ભણાવવાનું ન ગમતું હોય તો, વિદ્યાર્થીઓ પર એની જરૂર અસર પડે છે. ઈસુએ યહોવાહ વિષે જે સુંદર સત્ય શીખવ્યું એના પ્રત્યે તે લાપરવાહ ન હતા. તેમને સત્ય બહુ જ ગમતું હતું. એક વિદ્યાર્થી તરીકે, તેમનો આ પ્રેમ વધુને વધુ ખીલતો ગયો. ઈસુ હજારો વર્ષોથી સ્વર્ગમાં પરમેશ્વર સાથે હતા, ત્યારથી જ તેમને શીખવાનો ભારે શોખ હતો. યશાયાહ ૫૦:​૪, ૫ના શબ્દો તેમને કેટલા બંધબેસે છે: “હું થાકેલાઓને શબ્દથી આશ્વાસન આપતાં જાણું, માટે પ્રભુ યહોવાહે મને ભણેલાની જીભ આપી છે; તે દર સવારે મને જાગૃત કરે છે, તે મારા કાનને જાગૃત કરે છે કે હું ભણેલાની પેઠે સાંભળું. પ્રભુ યહોવાહે મારા કાન ઉઘાડ્યા છે, તેથી મેં ફિતૂર કર્યું નહિ, ને હું પાછો હઠ્યો.”

૫, ૬. (ક) ઈસુ બાપ્તિસ્મા પામ્યા ત્યારે તેમને કેવો અનુભવ થયો, અને એની તેમના પર કેવી અસર થઈ? (ખ) શેતાન અને ઈસુએ પરમેશ્વરનો શબ્દ વાપર્યો ત્યારે, એમાં શું ફેર હતો?

ઈસુ પૃથ્વી પર હતા ત્યારે પણ તેમને નાનપણથી જ યહોવાહ વિષે શીખવાનું ખૂબ ગમતું. (લુક ૨:૫૨) તે બાપ્તિસ્મા પામ્યા ત્યારે તેમને એક અજનબી અનુભવ થયો. લુક ૩:૨૧ જણાવે છે કે “આકાશ ઊઘડી ગયું.” એટલે કે ઈસુને, તે સ્વર્ગમાં હતા ત્યારની બધી યાદશક્તિ પાછી મળી. ત્યાર પછી, ઈસુએ ૪૦ દિવસ અરણ્યમાં રહીને ઉપવાસ કર્યા. એ દિવસો દરમિયાન, સ્વર્ગમાં યહોવાહ પાસેથી પોતે જે કંઈ શીખ્યા હતા, એ યાદ કરવાની તેમને ખૂબ મજા પડી હશે. પરંતુ પછી, તેમને સત્ય કેટલું વહાલું છે એની ભારે કસોટી થઈ.

ઈસુ જ્યારે સાવ થાકી ગયા હતા અને ભૂખ્યા થયા ત્યારે શેતાને તેમની કસોટી કરી. આ બન્‍ને પરમેશ્વરના દીકરા હતા, પરંતુ તેઓએ જૂના કરારમાંથી કલમો ટાંકી ત્યારે, તેઓના ઇરાદાઓમાં જમીન-આસમાનનો ફેર જોવા મળે છે! શેતાને પરમેશ્વરના શબ્દનો, પોતાના જ સ્વાર્થ માટે દૂરુપયોગ કર્યો. ખરેખર તો તે પરમેશ્વરના નિયમોને ધિક્કારતો હતો. બીજી બાજુ, ઈસુએ કલમોને એવી રીતે ટાંકી કે એમાં પરમેશ્વરના શબ્દ પ્રત્યેનો તેમનો છલોછલ પ્રેમ જોવા મળ્યો. ઈસુ લાંબા સમયથી સ્વર્ગમાં હતા. જ્યારે આ શબ્દો તો ઘણા મોડેથી લખાયા હતા તોપણ, ઈસુએ એને માન આપ્યું. કેમ કે એ સુંદર શબ્દો તેમના પિતા તરફથી આવેલા હતા! (માત્થી ૪:૧-૧૧) હા, યહોવાહે જે કંઈ શીખવ્યું એ ઈસુને ખૂબ જ વહાલું હતું. પરંતુ એવો સત્ય પ્રત્યેનો પ્રેમ, એક શિક્ષક તરીકે તેમનામાં કઈ રીતે દેખાઈ આવતો હતો?

સત્ય માટે ઊંડો પ્રેમ

૭. ઈસુએ શા માટે પોતાનું ધાર્યું શીખવ્યું નહિ?

ઈસુને સત્ય પ્રત્યે જે પ્રેમ હતો એ હંમેશાં દેખાઈ આવતો હતો. તેમની પાસે એટલું બધુ જ્ઞાન હતું કે તે પોતાનું ધાર્યું શીખવી શકત. (કોલોસી ૨:૩) તેમ છતાં, જેઓ તેમને સાંભળવા આવ્યા હતા, તેઓને ઈસુએ વારંવાર કહ્યું કે આ મારું પોતાનું શિક્ષણ નથી, પણ એ પિતા તરફથી આવે છે. (યોહાન ૭:૧૬; ૮:૨૮; ૧૨:૪૯; ૧૪:૧૦) આમ, ઈસુને પરમેશ્વરના સત્યો ખૂબ પસંદ હતા. તેથી તેમણે કદી પોતાનું ધાર્યું શીખવ્યું નહિ.

૮. ઈસુએ સેવાકાર્યની શરૂઆતથી જ કઈ રીતે બતાવ્યું કે તે યહોવાહના શબ્દને આધારે શીખવતા હતા?

ઈસુ સત્ય શીખવવા લાગ્યા ત્યારે, તેમણે શરૂઆતથી જ એક સારો નમૂનો બેસાડ્યો. તેમણે કઈ રીતે પરમેશ્વરના લોકોને શીખવ્યું કે તે પોતે જ મસીહ છે, એનો જરા વિચાર કરો. શું તેમણે લોકો સામે આવીને સીધેસીધું એમ કહ્યું કે જુઓ, હું પોતે જ ખ્રિસ્ત છું અને પછી ચમત્કારો કરીને એ બતાવી આપ્યું? ના. પહેલાં તે સભાસ્થાનમાં ગયા, જ્યાં યહોવાહના લોકો શાસ્ત્ર વાંચવા માટે ભેગા થતા હતા. ત્યાં તેમણે યશાયાહ ૬૧:​૧, ૨ની ભવિષ્યવાણી વાંચી અને સમજાવ્યું કે એ શબ્દો તેમને પોતાને લાગુ પડે છે. (લુક ૪:૧૬-૨૨) ઈસુએ જે ચમત્કારો કર્યા એનાથી દેખાઈ આવતું હતું કે તેમના પર યહોવાહનો આશીર્વાદ હતો. એ ઉપરાંત, ઈસુ હંમેશાં પરમેશ્વરના શબ્દને આધારે જ શીખવતા હતા.

૯. ફરોશીઓ સાથે વાત કરતી વખતે, ઈસુએ કઈ રીતે બતાવ્યું કે તે શાસ્ત્રને બેહદ પ્રેમ કરે છે?

પરંતુ ધાર્મિક ગુરુઓએ ઈસુનો વિરોધ કર્યો. ઈસુએ ધાર્યું હોત તો, એ સાબિત કરી શક્યા હોત કે તે પોતે જ સાચા મસીહ છે. પરંતુ તેમણે તેઓ સાથે ખોટી માથાકૂટ કરવી ન હતી. ઈસુએ તેઓને શાસ્ત્રમાંથી જ ઠપકો આપ્યો. ઈસુ અને તેમના શિષ્યોએ સાબ્બાથના દિવસે ખેતરમાંથી ઘઉંના કણસલાં તોડીને ખાધા ત્યારે, ફરોશીઓએ તેમના પર સાબ્બાથનો ભંગ કરવાનો આરોપ મૂક્યો હતો. શું તમને યાદ છે ઈસુએ શું કહ્યું હતું: “જ્યારે દાઊદ તથા તેના સાથીઓ ભૂખ્યા હતા, ત્યારે તેણે જે કર્યું તે શું તમે વાંચ્યું નથી?” (માત્થી ૧૨:૧-૫) પોતાની જ બડાઈ હાંકતા આ ફરોશીઓએ કદાચ ૧ શમૂએલ ૨૧:૧-૬માં લખેલો બનાવ વાંચ્યો હશે. પણ તેઓએ એમાંથી કોઈ બોધપાઠ લીધો ન હતો. જ્યારે ઈસુએ એ બનાવને ઉપરછલ્લો જ વાંચ્યો ન હતો. એ વાંચ્યા પછી તેમણે એના પર ઊંડો વિચાર કર્યો હતો, જેથી પોતે એ સમજી શકે અને એમાંથી બોધપાઠ પણ શીખી શકે. એ કલમોમાં જે સિદ્ધાંતો હતા એ તેમને ખૂબ જ ગમતા હતા. તેથી તેમણે એ ઉદાહરણ અને મૂસાના નિયમને ટાંકીને બતાવ્યું કે યહોવાહનો નિયમ ખરેખર કેટલો વાજબી છે. ઈસુને ‘બાઇબલ’ પર બેહદ પ્રેમ હતો, તેથી તે હંમેશાં એની સાચી સમજણ આપતા હતા. પરંતુ ધર્મગુરુઓ તો પોતાના સ્વાર્થ અને ફાયદા માટે જ શાસ્ત્રોનો ઉપયોગ કરતા હતા. વધુમાં, તેઓ શાસ્ત્રો કરતાં રીતિરિવાજો પર વધારે ભાર મૂકતા હતા.

૧૦. ઈસુ જે રીતે શીખવતા હતા એમાં ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ?

૧૦ ઈસુને સત્ય શીખવવું ખૂબ ગમતું. તેમને એ આડેધડ કે મન ફાવે એમ શીખવવાનું જરાય પસંદ ન હતું. પરમેશ્વરે ભવિષ્યવાણીમાં જણાવ્યું હતું કે મસીહ ‘કૃપાથી ભરેલા હોઠોથી’ લોકો સાથે વાત કરશે, જેમાં “ઉત્તમ શબ્દો” સમાયેલા હશે. (ગીતશાસ્ત્ર ૪૫:૨; ઉત્પત્તિ ૪૯:૨૧) ઈસુ એ ભવિષ્યવાણી પ્રમાણે જ જીવ્યા. લોકોને સાંભળવામાં રસ આવે એવી સરસ રીતે તેમણે પોતાનો સંદેશો રજૂ કર્યો. તે સત્ય શીખવતા ગયા તેમ, તેમના મોંમાંથી મધ જેવી “કૃપાની વાતો નીકળી.” (લુક ૪:૨૨) ઈસુ શીખવતા ત્યારે, તેમના ચહેરા અને હાવભાવ પરથી તેમનો ઉત્સાહ દેખાઈ આવતો હતો. તેમને સાંભળવાની કેવી મજા આવી હશે! ચાલો આપણે પણ બીજા લોકો સાથે સત્ય વિષે વાત કરીએ ત્યારે, ઈસુના પગલે ચાલીએ.

૧૧. ઈસુમાં શીખવવાની સારી કળા હોવા છતાં, તે શા માટે ઘમંડી ન બન્યા?

૧૧ ઈસુને શાસ્ત્રનું આટલું બધું જ્ઞાન હતું અને તે બોલવામાં પણ એકદમ હોંશિયાર હતા. શું તે એનાથી ફૂલાઈ ગયા હતા? કદાચ બીજા શિક્ષકોમાં ઘણી વાર એમ થતું હશે. પરંતુ ઈસુ તેઓ જેવા ન હતા. તેમના જ્ઞાનની પાછળ ઈશ્વરનો ડર પણ હતો. જો એમ હોય તો, વ્યક્તિ ફૂલાઈ નહિ જાય, કારણ કે, “નમ્ર જનો પાસે જ્ઞાન હોય છે.” (નીતિવચનો ૧૧:૨) એ ઉપરાંત, ઈસુમાં બીજી એક બાબત પણ હતી જેના કારણે તે ઘમંડી ન બન્યા.

ઈસુ લોકોને ખૂબ ચાહતા હતા

૧૨. ઈસુએ કઈ રીતે બતાવ્યું કે તેમના શિષ્યોએ તેમનો ખોટો ડર રાખવો ન જોઈએ?

૧૨ ઈસુના શિક્ષણમાંથી એ દેખાઈ આવતું કે તે લોકોને ખૂબ ચાહતા હતા. તે જે કંઈ શીખવતા એ લોકોને જરાય અઘરું લાગતું ન હતું. બીજી બાજું, ઘમંડી લોકોનું શિક્ષણ બહુ જ અઘરું હતું. (સભાશિક્ષક ૮:૯) ઈસુનો એક ચમત્કાર જોયા પછી, પીતરના અચંબાનો કોઈ પાર ન રહ્યો, અને તે તરત જ ડરીને ઈસુને પગે પડ્યા. પણ ઈસુ એવું ઇચ્છતા ન હતા કે તેમના શિષ્યો તેમનો ખોટો ડર રાખે. તેથી, તેમણે કોમળ અવાજે કહ્યું, “બી મા.” પછી તેમણે પીતરને શિષ્યો બનાવવાના કાર્ય વિષે જણાવ્યું, જેમાં પીતર પોતે ભાગ લેવાના હતા. (લુક ૫:૮-૧૦) ઈસુ એવું ઇચ્છતા હતા કે તેમના શિષ્યોનું દિલ ગુરુના ડરથી નહિ, પણ પરમેશ્વરના સત્ય માટેના પ્રેમથી ઉભરાયેલું હોવું જોઈએ.

૧૩, ૧૪. ઈસુએ કઈ રીતે લોકો પ્રત્યે દયા બતાવી?

૧૩ ઈસુ લોકોને શીખવતા ત્યારે, તેઓને દયા પણ બતાવતા હતા. એ તેમના માયાળુ સ્વભાવ પરથી દેખાઈ આવ્યું. “લોકોને જોઈને તેને તેઓ પર દયા આવી; કેમકે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હેરાન થએલા તથા વેરાઇ ગએલા હતા.” (માત્થી ૯:૩૬) આ બિચારા લોકોની હાલત જોઈને ઈસુને ખૂબ દયા આવતી હતી અને તે તેઓને મદદ કરવા માગતા હતા.

૧૪ બીજા એક કિસ્સામાં ઈસુએ કઈ રીતે દયા બતાવી એનો વિચાર કરો. લોહીવાવાળી એક સ્ત્રી, ટોળામાંથી આવીને ઈસુને અડી ત્યારે, તરત જ સાજી થઈ ગઈ. ઈસુને ખબર તો પડી કે તેમની શક્તિથી કોઈક સાજું થયું છે, પરંતુ તે જાણવા ઇચ્છતા હતા કે એ કોણ હતું. પરંતુ એ સ્ત્રીએ ધાર્મિક નિયમ તોડ્યો હોવાથી, ઈસુ સામે આવતા તે ડરતી હતી. શું ઈસુ તેના પર ગુસ્સે થયા? ના. એને બદલે ઈસુએ તેને કહ્યું: “દીકરી, તારા વિશ્વાસે તને બચાવી છે; શાંતિએ જા, ને તારા દરદથી સાજી થા.” (માર્ક ૫:૨૫-૩૪) કેવો દયાળુ સ્વભાવ! તેમણે ફક્ત એમ જ ન કહ્યું કે “સાજી થા.” પણ તેમણે કહ્યું કે “તારા દરદથી સાજી થા.” માર્ક અહીં “દરદ” માટે જે મૂળ શબ્દ વાપરે છે એનો મતલબ, “અતિશય પીડા” થાય છે. એને બહુ જ ફટકા મારવાથી થતી પીડા સાથે સરખાવી શકાય. આ બતાવે છે કે ઈસુ ખરેખર એ સ્ત્રીનું દુઃખ સમજતા હતા. તેથી તેમનું દિલ દયાથી ઊભરાઈ ગયું.

૧૫, ૧૬. શું બતાવે છે કે ઈસુ હંમેશાં લોકોનું સારું જ જોતા હતા?

૧૫ ઈસુએ લોકોની ભૂલો જોવાને બદલે, પ્રેમથી તેઓમાં સારું જોયું. નાથાનાએલનો વિચાર કરો, જે પછીથી ઈસુના શિષ્ય બન્યા હતા. ઈસુ તેમને પહેલી વાર મળ્યા ત્યારે શું થયું? “ઈસુ નાથાનાએલને પોતાની પાસે આવતો જોઈને તેને વિષે કહે છે, કે જુઓ, આ ખરેખરો ઈસ્રાએલી છે, એનામાં કંઈ પણ કપટ નથી!” ઈસુ ચમત્કારિક રીતે નાથાનાએલનું દિલ પારખીને તેમને સારી રીતે ઓળખી શક્યા. નાથાનાએલમાં પણ આપણા બધાની જેમ, ઘણી ખામીઓ હતી. તેણે ઈસુ વિષે સાંભળ્યું ત્યારે, કટાક્ષમાં કહ્યું હતું: “શું નાઝારેથમાંથી કંઈ સારૂં નીકળી શકે?” (યોહાન ૧:૪૫-૫૧) ભલે નાથાનાએલ ગમે તેવો હોય, પણ તેનામાં કોઈ કપટ ન હતું. ઈસુએ તેના આ સારા ગુણ પર ધ્યાન ખેંચ્યું.

૧૬ રોમન લશ્કરના એક અફસરનો વિચાર કરો, જે પોતે યહુદી ન હતો. તે ઈસુ પાસે ગયો અને તેના એક બીમાર નોકરને સાજો કરવા વિનંતી કરી. ઈસુ એ અફસરના ખરાબ કામો જાણતા હતા. તેણે તો કેટલાયના ખૂન-ખરાબા કર્યા હશે અને ખોટા ધર્મમાં પણ માનતો હશે. તોપણ ઈસુ જોઈ શક્યા કે તેને પૂરી શ્રદ્ધા હતી. (માત્થી ૮:૫-૧૩) છેલ્લે ઈસુ વધસ્તંભ પર મોતની અણીએ હતા ત્યારે, એક ગુનેગાર સાથે વાત કરી. શું ઈસુએ તેણે કરેલા ગુનાઓ બદલ ઠપકો આપ્યો? ના. તેમણે તેને ભવિષ્યની આશા વિષે ઉત્તેજન આપ્યું. (લુક ૨૩:૪૩) ઈસુને ખબર હતી કે બીજાઓનું ખરાબ જોવાથી કંઈ ફાયદો થતો નથી. એનાથી તો તેઓ હિંમત હારી જાય છે. ઈસુએ બીજા લોકોના સારા ગુણો જોયા. એનાથી તેઓને ઉત્તેજન મળ્યું અને વધારે સારા બનતા ગયા.

રાજી–ખુશીથી લોકોની સેવા કરી

૧૭, ૧૮. ઈસુએ પૃથ્વી પર આવ્યા પછી કઈ રીતે બીજાઓની રાજી-ખુશીથી સેવા કરી?

૧૭ ઈસુ રાજી-ખુશીથી લોકોની સેવા કરતા હતા, એમાંથી દેખાઈ આવે છે કે તેમને લોકો પર ખૂબ જ પ્રેમ હતો. ઈસુ સ્વર્ગમાં હતા ત્યારે પણ માણસોને ખૂબ ચાહતા હતા. (નીતિવચનો ૮:૩૦, ૩૧) તે યહોવાહના “શબ્દ” હોવાથી, તેમણે યહોવાહ વતી માણસો સાથે ઘણી વાર વાત કરી હતી. (યોહાન ૧:૧) માણસોને શિક્ષણ આપવા તે સ્વર્ગ છોડીને પૃથ્વી પર આવ્યા. તેમણે “દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો.” (ફિલિપી ૨:૭; ૨ કોરીંથી ૮:૯) ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, બધા તેમની પાછળ દોડે એમ ઇચ્છતા ન હતા. એને બદલે તેમણે કહ્યું કે હું “સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને, તથા ઘણા લોકની ખંડણીને સારૂ પોતાનો જીવ આપવાને આવ્યો છે.” (માત્થી ૨૦:૨૮) ઈસુએ જે કહ્યું એ પ્રમાણે જ જીવ્યા.

૧૮ ઈસુ નમ્રતાથી જે લોકોને શીખવતા, તેઓને મદદ કરવા હંમેશાં તૈયાર હતા. લોકોને પ્રચાર કરવા, તેમણે ઈસ્રાએલમાં ચારે બાજુ હજારો કિલોમીટર ચાલીને મુસાફરી કરી હતી, જેથી તે તેઓને સત્ય જણાવી શકે. ઈસુ કંઈ ઘમંડી ફરોશીઓ જેવા ન હતા. દરેક પ્રકારના લોકોને ઈસુની પાસે જવામાં જરાય સંકોચ થતો ન હતો. મોટા મોટા સાહેબો, સૈનિકો, વકીલો, સ્ત્રીઓ, બાળકો, ગરીબો, બીમાર લોકો, અરે, નાત બહાર હતા તેઓ પણ તેમની પાસે કોઈ બીક વગર જઈ શકતા હતા. ઈસુ પરમેશ્વરના દીકરા હતા તોપણ, તે આપણી જેમ થાકી જતા હતા અને તેમને ભૂખ પણ લાગતી હતી. તે થાકીને લોથપોથ થઈ ગયા હોય, તેમને આરામ કરવો હોય અથવા એકાંતમાં પ્રાર્થના કરવી હોય તોપણ, તેમણે પોતાનું નહિ પણ બીજા લોકોનું વધારે ધ્યાન રાખ્યું.​—⁠માર્ક ૧:૩૫-૩૯.

૧૯. ઈસુએ કઈ રીતે નમ્રતા, ધીરજ અને દયા બતાવવામાં નમૂનો બેસાડ્યો?

૧૯ ઈસુએ પોતાના શિષ્યોની પણ રાજીખુશીથી સેવા કરી. ઈસુ તેઓને ધીરજથી અને શાંતિથી શીખવતા હતા. તેઓ અમુક બાબતો સમજવામાં ધીમા હતા, તોપણ ઈસુ તેઓ પર ખીજાયા નહિ, કે તેઓને નીચા પણ ન પાડ્યા. એને બદલે, ઈસુએ તેઓને બીજી અનેક રીતે સમજાવવાની કોશિશ કરી. દાખલા તરીકે, શિષ્યો કેટલીક વાર એકબીજા સાથે ઝગડ્યા કે તેઓમાં કોણ મોટું છે. ઈસુએ પોતાના જીવનના અંત સુધી તેઓને અનેક રીતે સમજાવ્યું કે તેઓએ એકબીજા સાથે નમ્રતાથી વર્તવું જોઈએ. નમ્રતા વિષે અને બીજી અનેક બાબતો વિષે ઈસુ ખરેખર કહી શક્યા કે, “મેં તમને નમૂનો આપ્યો છે.”​—⁠યોહાન ૧૩:૫-૧૫; માત્થી ૨૦:૨૫; માર્ક ૯:૩૪-૩૭.

૨૦. કઈ રીતે ઈસુનું શિક્ષણ ફરોશીઓથી અલગ હતું?

૨૦ નોંધ લો કે ઈસુએ તેમના શિષ્યોને ફક્ત સમજાવ્યું જ નહિ, પરંતુ તેમણે પોતે “નમૂનો આપ્યો.” આમ, તેમણે પોતે નમૂનો બેસાડીને તેઓને શીખવ્યું. તેમણે કદી તેઓને નીચા પાડ્યા નહિ. ‘હું કંઈક છું’ એવું અભિમાન ઈસુમાં જરાય ન હતું. બીજી બાજુ, ફરોશીઓ જે શીખવતા હતા, એ પ્રમાણે કરતા ન હતા. તેથી, ઈસુએ તેઓ વિષે કહ્યું: “તેઓ કહે છે ખરા, પણ કરતા નથી.” (માત્થી ૨૩:૩) આમ, ઈસુએ પોતે જે શીખવ્યું એ પ્રમાણે જીવ્યા. એ જોઈને તેમના શિષ્યો પણ તેમને અનુસર્યા. તેમણે પોતાના શિષ્યોને કહ્યું કે તેઓએ સાદું જીવન જીવવું જોઈએ ત્યારે, તેઓ જરાય મુંઝવાયા ન હતા. કેમ કે તેઓ ઈસુના જીવનમાંથી જોઈ શક્યા: “લોંકડાંને દર હોય છે, ને આકાશનાં પક્ષીઓને માળા હોય છે; પણ માણસના દીકરાને માથું ટેકવવાનો ઠામ નથી.” (માત્થી ૮:૨૦) ખરેખર, ઈસુએ સારો નમૂનો બેસાડીને, તેમના શિષ્યોની નમ્રતાથી સેવા કરી હતી.

૨૧. આવતા લેખમાં શાની ચર્ચા કરવામાં આવશે?

૨૧ એમાં કોઈ શંકા નથી કે ઈસુ સૌથી મહાન શિક્ષક હતા! તેમને સત્યના શિક્ષણ પર અને જેઓને શીખવતા તેઓ પર ખૂબ પ્રેમ હતો. તેમણે જે નમૂનો બેસાડ્યો એને લોકો જોઈ શક્યા અને આજે પણ જોઈ શકે છે. પરંતુ આપણે ઈસુના પગલે કેવી રીતે ચાલી શકીએ? હવે પછીનો લેખ એની ચર્ચા કરશે.

તમે કેવો જવાબ આપશો?

• સારી રીતે શીખવવાનો પાયો શું છે અને એમાં કોણે સારો નમૂનો બેસાડ્યો છે?

• ઈસુએ કઈ રીતે બતાવ્યું કે તેમને સત્ય ખૂબ જ ગમતું હતું?

• લોકોને શીખવતી વખતે, ઈસુએ કઈ રીતે બતાવ્યું કે તે તેઓને ખૂબ જ ચાહે છે?

• કયા દાખલાઓ બતાવે છે કે ઈસુ જેઓને શીખવતા, તેઓની રાજી-ખુશીથી સેવા કરવા તૈયાર હતા?

[Questions]

[પાન ૧૨ પર ચિત્ર]

ઈસુએ કઈ રીતે બતાવ્યું કે તેમને પરમેશ્વરના સિદ્ધાંતો બહુ જ ગમતા હતા?