સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વફાદારીનો બદલાતો રંગ

વફાદારીનો બદલાતો રંગ

વફાદારીનો બદલાતો રંગ

તેલ અવીવ, ઈઝરાયેલમાં એક શુક્રવારે સાંજે, નાઈટ ક્લબની બહાર રાહ જોતા યુવાનોના ટોળામાં એક યુવાન જોડાઈ ગયો. થોડીક જ વારમાં એ ટોળા વચ્ચે જબરજસ્ત બૉંબ ધડાકો થયો.

બીજા એક આત્મઘાતી બૉમ્બરે બૉંબ ધડાકો કરીને બીજા ૧૯ યુવાનોના જીવ લઈ લીધા. “મેં ક્યારેય આવો કરુણ બનાવ જોયો નથી; ચોતરફ યુવાનોના શરીરના ટૂકડે-ટૂકડા વેરાયેલા હતા,” આમ એક ડૉક્ટરે પત્રકારોને કહ્યું.

તરસ્તન બ્રુઈને લેન્સેટ નામના પુસ્તકમાં લખ્યું: “વફાદારી એવા સદ્‍ગુણોમાંનો એક છે જેને બધા ચાહે છે. . . . પણ બીજી બાજુ, એનાથી યુદ્ધની ચિનગારી ભડકી ઊઠે છે જે પછી જલદી બુઝાતી નથી.” અરે, વફાદારીના નામે ખ્રિસ્તીઓએ ધર્મયુદ્ધો કરીને, અને હિટલરના રાજમાં નાઝીઓએ લાખો લોકોના લોહીની નદીઓ વહેવડાવી છે!

બેવફાઈથી દુઃખો વધે છે

લોકો ઝનૂની બનીને જે આડેધડ વફાદારી બતાવે છે એ ખતરનાક તો છે જ; પરંતુ નાની અમથી બેવફાઈ પણ સમાજને નુકસાન કરે છે. ભગવદ્રોમંડલ શબ્દકોશ પ્રમાણે, વફાદારીનો અર્થ, “સ્વામીભક્તિ, ઈમાન, નિષ્ઠા, રાજભક્તિ, કે વચનને વળગી રહેનાર” થાય છે. બીજા અર્થમાં, એ ‘પ્રાણ જાય પણ વચન ન જાય’ એ કહેવતને લાગુ પડે છે. આજે મોટા ભાગના લોકો વફાદારીને સૌથી સારો ગુણ માને છે પરંતુ, કુટુંબોમાં દિવસે દિવસે લોકો એકબીજાને બેવફા થતા જાય છે જેના કારણે ઘણા દુઃખો આવે છે. જીવનનું ટેન્શન, સ્વાર્થ અને અનૈતિકતાને કારણે લોકોમાં છૂટાછેડાનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. તેલ અવિવમાં થયેલા હુમલામાં યુવાનોએ વગર વાંકે જાનથી હાથ ધોવા પડ્યા તેમ, કુટુંબમાં છૂટાછેડા થાય છે ત્યારે, બિચારા બાળકોને ખૂબ સહન કરવું પડે છે.

“છૂટાછેડા કે અણબનાવને કારણે માબાપ એકબીજા સાથે રહેતા નથી અથવા બાળકો ફક્ત મા કે બાપ સાથે રહેતા હોય છે ત્યારે, બાળકો સારી રીતે ભણી શકતા નથી,” એમ એક રિપોર્ટ કહે છે. જે છોકરાઓ ફક્ત મા સાથે રહે છે તેઓ ભણતરમાં કંઈ ઉકાળી શકતા નથી, તેઓમાં આપઘાતનું પ્રમાણ વધારે હોય છે અથવા તેઓ તરૂણ વયે ગુનાઓ કરી બેસે છે. દર વર્ષે અમેરિકામાં દસ લાખ બાળકો પોતાના માબાપના છૂટાછેડા થતા જુએ છે. અમેરિકામાં જેટલા પણ લગ્‍નો થાય છે એમાં, લગભગ પચાસ ટકાથી વધારે કિસ્સામાં બાળકો ૧૮ વર્ષના થાય ત્યાં સુધીમાં તેઓના માબાપને છૂટાછેડા લેતા જોશે. અહેવાલો બતાવે છે કે દુનિયાના બીજા દેશોમાં પણ બાળકો છૂટાછેડાને કારણે આવા જ દુઃખોને સહન કરે છે.

વફાદારી​—⁠પાળી ન શકાય એવો ગુણ?

આપણા સમયમાં બેવફાઈના જે કિસ્સાઓ જોવા મળે છે એ રાજા દાઊદના આ દુઃખી શબ્દોને વધારે બંધબેસે છે: “હે યહોવાહ, બચાવ કર; કેમકે ધાર્મિક માણસો ખૂટે છે; જનસમાજમાંથી વિશ્વાસુ [વફાદાર] માણસો ઘટી જાય છે.” (ગીતશાસ્ત્ર ૧૨:૧) શા માટે આટલી બધી બેવફાઈ? રોજર રોઝેમ્બ્લાટ, ટાઈમ મેગેઝિનમાં કહે છે: “વફાદારી એક સરસ ગુણ છે તોપણ, આપણે એને પહોંચી વળતા નથી. કેમ કે આપણને અનેક બાબતોની બીક લાગતી હોય છે; આપણે પોતાને નકામા ગણીએ છીએ, અથવા આગળ વધવા માટે પ્રમાણિકતા બતાવી શકતા નથી. આ બધી નબળાઈઓ આપણી રગેરગમાં હોવાથી, વફાદાર રહેવું ખૂબ અઘરું છે.” આપણે રહીએ છીએ એ સમયનું વર્ણન કરતા બાઇબલ જણાવે છે: ‘માણસો સ્વાર્થી, પ્રેમરહિત અને વિશ્વાસઘાતી થશે.’​—⁠૨ તીમોથી ૩:૧-૫.

આપણે જોયું તેમ, વફાદારી કે બેવફાઈની લોકોના આચાર-વિચાર પર ઊંડી અસર પાડે છે. તો પછી, પ્રશ્ન એ ઊભો થાય છે કે આપણે ખરેખર કોને વફાદાર રહેવું જોઈએ? હવે પછીનો લેખ આ પ્રશ્નનો જવાબ આપતા એની ચર્ચા કરે છે.

[પાન ૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

ઉપરનો ફોટો:© AFP/CORBIS