સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિચાર કરવાથી તમે બચી જશો!

વિચાર કરવાથી તમે બચી જશો!

વિચાર કરવાથી તમે બચી જશો!

સમુદ્રના ઊછળતાં મોજા જોવાની કેવી મઝા આવે છે! પરંતુ, નાવિકો એને એ રીતે જોતા નથી. આ ઊછળતાં મોજાઓ તેઓ માટે ખૂબ જ જોખમી હોય છે, કેમ કે એ જહાજને ડૂબાડી દઈ શકે.

આપણી મુસીબતો પણ આ ઊછળતાં મોજાઓ જેવી છે જે ખાસ કરીને યહોવાહના ભક્તો તરીકે આપણી સામે ટકરાતી હોય છે. એક ખ્રિસ્તી તરીકે તમે પોતે અનુભવ્યું હશે કે મોજા જેવી તકલીફો અને લાલચો રાત-દિન આવતી જ રહે છે. તમે નાવિકોની જેમ, એ મોજાનો સામનો કરવા તરત જ પગલાં લેવા ઇચ્છો છો, જેથી તમારું વિશ્વાસનું જહાજ ડૂબી ન જાય. (૧ તીમોથી ૧:૧૯) આપણે જોઈ-વિચારીને પગલાં લઈએ તો, બચી જઈ શકીએ. પણ પ્રશ્ન એ ઊભો થાય છે કે આપણે કઈ રીતે વિચારવાની ટેવ વિકસાવી શકીએ?

નીતિવચનો ૧:૪માં ઉલ્લેખ કરેલા “વિવેકબુદ્ધિ” માટે, મૂળ હેબ્રી ભાષામાં મેઝીમા એટલે કે “અગાઉથી યોજના કરવી” અર્થ થાય છે. એ કારણે અમુક બાઇબલ ભાષાંતરો મેઝીમા માટે “વિચારવિવેક” કે “ડહાપણ” જેવા શબ્દો વાપરે છે. બાઇબલના અમુક પંડિતો (જેમીસન, ફોસેટ અને બ્રૌન) કહે છે કે મેઝીમાનો અર્થ એ પણ થઈ શકે કે “સાવધાન રહેવાથી તમે ખરાબથી નાસી જશો અને સારી બાબતને વળગી રહેશો.” એનો મતલબ એ થાય છે કે તમે હમણાંના અને ભાવિના પરિણામો પર જોઈ-વિચારીને પગલાં લો છો. જો આપણે વિવેકબુદ્ધિથી ફેંસલો લઈએ તો, આપણે કોઈ પણ બાબતના બધા પાસાઓનો વિચાર કરીને પગલાં લઈશું. ખાસ કરીને મોટા નિર્ણયો લેતી વખતે એ બહુ જ મહત્ત્વનું છે.

આપણે કંઈ પણ કરીએ એ પહેલાં, આપણી વિવેકબુદ્ધિથી બાબતને ચારે બાજુથી જોઈશું. એમ કરવાથી આપણે હમણાં કે ભાવિમાં ઊભી થઈ શકે એવી કોઈ પણ તકલીફો જોઈ શકીશું. પછી આપણે એ તકલીફોથી કઈ રીતે દૂર રહી શકીએ એના પર વિચાર કરીશું. આપણે એમ પણ વિચારીશું કે બીજા લોકોની કે સંજોગોની આપણા નિર્ણય પર કોઈ અસર પડે છે કે કેમ. આવી યોજના એક નકશાની જેમ આપણને સારું માર્ગદર્શન આપે છે અને પરિણામે આપણે યહોવાહ પાસેથી આશીર્વાદ પણ મેળવી શકીએ છીએ. તો ચાલો આપણે જોઈએ કે રોજિંદા જીવનમાં આવી વિચાર કરવાની ટેવ કેવી રીતે મદદ કરે છે.

અનૈતિકતાના ફાંદાથી દૂર રહો

જ્યારે તોફાની પવન વાય અને મોટા મોટા મોજાઓ જહાજના મોરાને કે આગળની કોઈ પણ એક બાજુએ ટકરાય ત્યારે, એ બહુ જ જોખમકારક બની શકે છે. જો નાવિકો મોજાઓ સામે જહાજને સીધેસીધું ન લઈ જાય તો, એ જહાજ ઊથલીને ડૂબી જઈ શકે છે.

એવી જ રીતે, આજે આપણે જાતીયતા પાછળ પાગલ થયેલી દુનિયા સામે લડીએ છીએ. તોફાની મોજાની જેમ, ગંદા વિચારો કે ચિત્રો આપણી સામે રોજબરોજ ભટકાતા જ હોય છે. આ ઊછળતા મોજા જેવા વિચારો આપણને તાણી જઈને બગાડી શકે છે. તેથી, આપણે અનૈતિકતા કે લંપટતા સામે લડવા સારી રીતે વિચાર કરીને પગલાં લેવા જોઈએ, તો જ આપણે પોતાને બચાવી શકીશું. પરંતુ, જો આપણે કંઈ ન કરીએ તો, છેવટે એ આપણને મોતના મોંમાં તાણી લઈ જશે.

દાખલા તરીકે, ઘણા યહોવાહના સાક્ષી ભાઈઓએ દુનિયાના લોકો સાથે કામ કરવું પડે છે. પરંતુ અમુક દુન્યવી માણસોના વિચારો વિચિત્ર હોય છે. તેઓ બસ એવું જ વિચારતા હોય છે કે સ્ત્રીઓ ફક્ત તેઓની જાતીય ઇચ્છાઓ સંતોષવા માટે જ છે. તેઓ કદાચ વાતચીતમાં ગંદી વાતો કે જોક્સ કરતા હોય છે. દરરોજ આવું સાંભળીને આ ખ્રિસ્તી ભાઈઓનું મન પણ ધીમે ધીમે સડી જઈ શકે છે.

ખ્રિસ્તી બહેનોને પણ નોકરી પર અમુક દબાણોને સહન કરવા પડે છે. તેમના કામ પર એવા ઘણા લોકો હશે જેઓ તેમના જેવાં શુદ્ધ વિચારો ધરાવતા નથી. કદાચ ખ્રિસ્તી બહેનની સાથે કામ કરતો કોઈ પુરુષ તેમનામાં વધારે રસ લઈ રહ્યો હોય. શરૂઆતમાં તે બહેન સાથે મીઠું મીઠું બોલે છે અને વધારે સંભાળ રાખે છે. બહેન બહુ ધાર્મિક હોવાથી, એ પુરુષ કદાચ તેમને માન પણ આપે છે. છેવટે આ બહેન પણ તે પુરુષમાં રસ લેવા માંડે અને તેના મોહમાં ફસાઈ જઈ શકે.

આવા સંજોગોમાં વિવેકબુદ્ધિ કઈ રીતે ખ્રિસ્તીઓને મદદ કરી શકે? પ્રથમ તો, પાપમાં પડતા પહેલાં એ આપણને ચેતવણી આપે છે. અને આપણને જુદા રસ્તે જવા વિચાર કરાવે છે. (નીતિવચનો ૩:૨૧-૨૩) આવા કિસ્સામાં આપણી સાથે કામ કરે છે તેઓને સીધેસીધું એમ કહી દેવું વધારે સારું રહેશે, કે બાઇબલને કારણે આપણા ધોરણો એકદમ જુદા છે. (૧ કોરીંથી ૬:૧૮) આપણા વર્તન અને બોલીથી પણ આપણે બતાવી શકીએ કે આપણા ધોરણો તદ્દન જુદા છે. વધુમાં, આપણે આવા અમુક લોકો સાથે કામ પૂરતો જ સંબંધ રાખવો જોઈએ.

આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે આવા અનૈતિક દબાણો ફક્ત કામ પરથી જ આવતા નથી. ઘણી વાર પરણેલી વ્યક્તિઓ વચ્ચે કોઈ અણબનાવ બને છે ત્યારે, તેઓ આવા અનૈતિક દબાણોમાં આવી શકે છે. એક પ્રવાસી નિરીક્ષકે નોંધ્યું કે “છુટાછેડા આંખના પલકારામાં જ થઈ જતા નથી. લાંબા સમયથી એ યુગલનો પ્રેમ ઠંડો થઈ ગયો હોય છે. તેઓ એકબીજા સાથે માંડ-માંડ બોલતા હોય છે અને દેખાડા માટે જ ભેગા રહે છે. લગ્‍નજીવનમાં કંઈ ખુશી ન મળવાથી, તેઓ પૈસા પાછળ દોડીને આનંદ મેળવવા ફાંફાં મારે છે. તેઓને એકબીજા સાથે બનતું ન હોવાથી, તેઓ હવે બીજા કોઈ તરફથી પ્રેમ ઝંખે છે.”

આ અનુભવી વડીલ આગળ કહે છે: “પરિણીત યુગલોએ વારંવાર સાથે બેસીને એકબીજાના સુખ-દુઃખની વાત કરવી જોઈએ. શું તેઓના લગ્‍નજીવનમાં એવું કંઈ છે, જે તેઓનો આનંદ લૂંટી લે છે? તેઓ બન્‍નેએ ભેગા મળીને અભ્યાસ, પ્રાર્થના અને પ્રચાર કામ કરવાનું નક્કી કરવું જોઈએ. તેઓ સાથે ‘ઘરમાં બેઠા હોય, ને રસ્તે ચાલતા હોય, ને સૂઈ જતા હોય, ને ઊઠતા હોય’ ત્યારે, માબાપ બાળકો સાથે દિન-રાત વાત કરે છે તેમ, તેઓએ એક બીજા સાથે વાત કરવી જોઈએ.’ એ તેઓના જ લાભમાં છે.​—⁠પુનર્નિયમ ૬:૭-૯.

ખ્રિસ્તીઓ તરફથી જ મનદુઃખ થાય તો શું?

ખરેખર, વિવેકબુદ્ધિ આપણને અનૈતિકતાથી દૂર રહેવામાં મદદ કરે છે. વધુમાં, ખ્રિસ્તી ભાઈ-બહેનો આપણને કોઈ રીતે ખોટું લગાડે ત્યારે, એ આપણને ઠંડા રહેવામાં પણ મદદ કરી શકે છે. અમુક વાર જહાજની પાછળ ઓચિંતા તોફાની મોજાઓ ભટકાય છે ત્યારે, જહાજ માટે એ ખતરનાક બની શકે છે. અરે, એ મોટા મોજાઓ જહાજને સહેલાઈથી ફેરવીને ઊઠલાવી શકે છે.

પાછળથી અચાનક ધસી આવતાં મોજાની જેમ, અમુક વાર આપણને સપનેય ખ્યાલ ન હોય એવા લોકો પાસેથી તકલીફો આવી શકે છે. આપણે લાખો ભાઈ-બહેનો સાથે “એકમતે” યહોવાહની ભક્તિ કરીએ છીએ. (સફાન્યાહ ૩:૯) પરંતુ, તેઓમાંનું કોઈ આપણી સાથે ગેરવર્તાવ કરે ત્યારે, એ આપણા દિલમાં એક કાંટાની જેમ ખૂંચે છે. સમય જતાં, કદાચ એ વ્યક્તિ સાથેના આપણા સંબંધમાં દિવાલ ઊભી થઈ ગઈ હોય એમ લાગી શકે. પરંતુ, વિવેકબુદ્ધિ કે ડહાપણ, આપણે આવા દુઃખોમાં ડૂબી ન જઈએ એ માટે કઈ રીતે મદદ કરી શકે?

યાદ રાખો કે “પાપ ન કરે એવું માણસ કોઇ નથી.” (૧ રાજાઓ ૮:૪૬) તેથી, જો કોઈ ભાઈ કે બહેન ભૂલથી આપણા પર ગુસ્સે થાય કે ખોટું લગાડે તો એમાં કંઈ નવું નથી. તો પછી, આવા સંજોગો ઊભા થાય ત્યારે હું શું કરીશ, કે શું નહિ કરું એ વિષે પહેલેથી વિચાર કરીએ એ સારું છે. અમુક ભાઈઓ પ્રેષિત પાઊલને મનદુઃખ થાય એ રીતે બોલ્યા ત્યારે તેમણે શું કર્યું? ગરમ થવાને બદલે, પાઊલે એમ વિચાર્યું કે માણસને ખુશ કરવાને બદલે, પરમેશ્વરને ખુશ કરવું વધારે મહત્ત્વનું છે. (૨ કોરીંથી ૧૦:૧૦-૧૮) આવું સરસ વલણ અને વિવેકબુદ્ધિ આપણને શાંત રહેવા મદદ કરશે.

જો આપણને શરીરમાં અચાનક કોઈ ઈજા થાય ત્યારે, આપણું મગજ કામ કરતું નથી. પણ થોડીક વાર પછી દુઃખ ઓછું થાય છે ત્યારે, આપણું મગજ ઠેકાણે આવે છે અને આપણે શાંતિથી વિચારી શકીએ છીએ. એ જ રીતે, કોઈ આપણને ખીજ ચડાવે ત્યારે આપણે તરત જ તેઓને તોડી પાડવા ન જોઈએ. આપણે ગુસ્સાથી બોલતા પહેલાં વિચારવું જોઈએ કે એનું પરિણામ શું આવશે.

માલકોમ વર્ષોથી મિશનરી તરીકે સેવા આપે છે. તે સમજાવે છે કે કોઈ તેમને ખોટું લગાડે ત્યારે તે શું કરે છે. “પહેલાં તો, હું પોતાને પૂછું છું કે, મને તેમની સાથે બનતું નથી, એટલે હું તેમના પર ગુસ્સે થાઉં છું? તેમણે જે કહ્યું એ શું ખરેખર મહત્ત્વનું છે? શું મેલેરિયાની બીમારીને કારણે મારું મગજ તપી જાય છે? શું બે-ત્રણ કલાકમાં મારું મગજ શાંત થઈ જશે?” આ પ્રશ્નો પર વિચાર કરવાથી, માલકોમ ઘણી વાર જોઈ શક્યો કે કોઈની સાથે મતભેદ થાય એ કંઈ મોટી વાત નથી, અને એને ભૂલી જવામાં જ સારું છે. *

માલકોમ આગળ કહે છે: “શાંતિ જાળવી રાખવા હું બનતું બધુ કરું છું. સામેનો ભાઈ જો હજુ પણ મારી સાથે રાજી-ખુશીથી બોલવા ઇચ્છતો ન હોય તો, હું નિરાશ થઈ જતો નથી. મારાથી થાય એટલું કર્યા પછી હું આ મતભેદને બીજી રીતે જોઉં છું. ‘મારે હમણાં જ કંઈક કરવું પડશે’ એવું વિચારવાને બદલે હું મતભેદને ભૂલી જાઉં છું. કદાચ સમય જતા એ એની મેળે ઠીક થઈ જશે. હું ધ્યાન રાખું છું કે આ તકલીફો મને સત્યમાં ધીમો ન પાડી દે, તેમ જ યહોવાહ અને ભાઈબહેનો સાથેની મારી દોસ્તી ન તોડે.”

માલકોમની જેમ, આપણને કોઈ ખીજ ચડાવે ત્યારે, આપણે વાંધો ઉઠાવવાને બદલે શાંત રહેવું જોઈએ. બધાં મંડળોમાં ઘણા સારા ભાઈબહેનો હોય છે, અને તેઓની સાથે એકતામાં રહીને યહોવાહની સેવા કરવામાં બહુ આનંદ મળે મજા આવે છે. (ફિલિપી ૧:૨૭) આપણે એ પણ યાદ રાખી શકીએ કે યહોવાહ, એક પ્રેમાળ પિતાની જેમ આપણને ટેકો આપે છે. મતભેદ જેવી બાબતોમાં પણ પરમેશ્વર આપણને સારાં પગલાં લેવા મદદ કરશે.​—⁠ગીતશાસ્ત્ર ૨૩:૧-૩; નીતિવચનો ૫:૧, ૨; ૮:૧૨.

આ દુનિયા પર મોહ ન રાખો

વિવેકબુદ્ધિ છૂપા ફાંદાઓથી પણ દૂર રહેવામાં મદદ કરી શકે. દાખલા તરીકે, નાના નાના મોજાઓ જહાજ સાથે ટકરાઈને એને ધીમે ધીમે ગેરમાર્ગે લઈ જઈ શકે. પરંતુ, ભારે તોફાન આવે ત્યારે, જોરથી ઊછળતા મોજાઓ જહાજને ઊથલાવી નાખી શકે છે.

જો આપણે આ જગતમાં મોજ-શોખ કરવાનો મોહ રાખીએ તો, એ આપણને યહોવાહથી ધીમે ધીમે દૂર ખેંચી જઈ શકે છે. (૨ તીમોથી ૪:૧૦) જો આપણે ધ્યાન ન રાખીએ તો, આપણે પણ આ દુનિયાના લોકોની જેમ વિચારવા લાગીશું. અને છેવટે યહોવાહને પણ છોડી દઈ શકીએ. (૧ યોહાન ૨:૧૫) તો પછી, એવા ફાંદાઓથી દૂર રહેવા, વિવેકબુદ્ધિ આપણને કેવી રીતે મદદ કરી શકે?

આપણે વિચાર કરીશું તો, અગાઉથી જ આપણને ખબર પડશે કે આપણે કેવી બાબતોથી દૂર રહેવું જોઈએ. આ દુનિયા જુદી જુદી રીતોથી આપણને લલચાવવાની કોશિશ કરે છે. ઊછળતા મોજાઓની જેમ, આ દુનિયા દિન-રાત એવું ઠસાવવા માંગે છે કે આપણે બધાએ અમીર લોકો કે ફિલ્મી હિરોની જેમ જીવવું જોઈએ. (૧ યોહાન ૨:૧૬) જો આપણે મોટું નામ બનાવીએ તો, બધા લોકો અને ખાસ કરીને આપણા મિત્રો અને પડોશીઓ આપણી વાહ વાહ કરશે. પરંતુ, વિવેકબુદ્ધિ આપણને યાદ કરાવે છે કે “ઊજળું એટલું દૂધ નહિ.” એ જાણીને આપણે આ ફાંદાથી દૂર રહી શકીશું. વિવેકબુદ્ધિ આપણને એ પણ યાદ દેવડાવશે કે આપણે ‘નિર્લોભી થવું જોઈએ,’ કેમ કે યહોવાહે વચન આપ્યું છે કે તે આપણને ‘કદી મૂકી દેશે નહિ.’​—⁠હેબ્રી ૧૩:⁠૫.

વિવેકબુદ્ધિ, જેઓ પોતાનો “વિશ્વાસ ઉલટાવીને” ગેરમાર્ગે ગયા છે, તેઓથી દૂર રહેવા પણ મદદ કરે છે. (૨ તીમોથી ૨:૧૮) પરંતુ, આપણા મિત્રો ગેરમાર્ગે ચાલતા હોય ત્યારે, તેઓની સાથે ન ચાલવાનો નિર્ણય લેવો સહેલું નથી. (૧ કોરીંથી ૧૫:૧૨, ૩૨-૩૪) યહોવાહને ત્યજી દીધા હોય, એવી વ્યક્તિઓ સાથે થોડી વાર પણ ચાલવાથી આપણી શ્રદ્ધા નબળી પડી શકે, અને એ આપણને પરમેશ્વરથી દૂર લઈ જઈ શકે. પછી, આપણે એવા જહાજ જેવા બની જઈ શકીએ, જેને ચલાવવામાં જરાક ભૂલ કરી હોય તો, એ છેવટે ખોટી જગ્યાએ પહોંચી જાય છે.​—⁠હેબ્રી ૩:૧૨.

વિવેકબુદ્ધિ આપણને સારી રીતે બતાવી શકે કે આપણે હમણાં યહોવાહની ભક્તિમાં શું કરી રહ્યાં છીએ, અને આપણે ક્યાં પહોંચવું છે. કદાચ વધારે વિચાર કરવાથી આપણને ખબર પડશે કે આપણે યહોવાહની સેવામાં વધારો કરવાની જરૂર છે કે નહિ. (હેબ્રી ૬:૧૧, ૧૨) નોંધ કરો કે એક યુવાન સાક્ષી આ રીતે વિચાર કરીને સારા ધ્યેયો બેસાડી શક્યો: “મને પત્રકારના કામમાં આગળ વધવાની એક સરસ તક મળી હતી. મને એમાં આગળ વધવાની બહુ જ તમન્‍ના હતી. પરંતુ, મને એક બાઇબલ કલમ યાદ આવી કે આ ‘દુનિયા તથા એની લાલસા જતા રહે છે, પણ જે પરમેશ્વરની ઇચ્છા કરે છે તે સદા રહે છે.’ (૧ યોહાન ૨:૧૭) પછી હું ફરી વિચારવા લાગ્યો કે મારે એવો ફેંસલો લેવો જોઈએ જે ખરેખર બતાવે કે હું ધાર્મિક છું. મારા માબાપે યહોવાહને છોડી દીધા હતા, પરંતુ હું તેઓ જેવું કરવા માગતો ન હતો. તેથી મેં મારો ધ્યેય બદલ્યો અને પૂરા દિલથી પાયોનિયર તરીકે સેવા કરવાનો નિર્ણય લીધો. હવે હું ચાર વર્ષથી પાયોનિયરીંગ કરી રહ્યો છું અને ખરેખર કહી શકું છું કે મેં સારી પસંદગી કરી છે.”

તોફાનમાંથી બચવું

આપણે શા માટે આજે સમજી-વિચારીને પગલાં લેવા જોઈએ? નાવિકો હંમેશાં સજાગ રહે છે, અને ખાસ કરીને તોફાન ચાલુ થાય ત્યારે તેઓ વધુ સાવધ હોય છે. જો હવામાન ઠંડું થવા લાગે અને પવન ઊપડે તો, નાવિકો આવનાર તોફાન માટે જહાજને તરત જ તૈયાર કરે છે. તેવી જ રીતે, આ દુષ્ટ દુનિયાનો અંત નજીક આવતો જાય છે તેમ, આપણે પણ વાવાઝોડાં જેવાં દબાણોને સહન કરવા તૈયારી કરવી પડે છે. આ દુનિયા દિવસે દિવસે ખરાબ થઈ રહી હોવાથી, ‘દુષ્ટ માણસો વધુને વધુ દુષ્ટ બનતા જાય છે.’ (૨ તિમોથી ૩:⁠૧૩, IBSI) નાવિકો દરરોજ હવામાનનાં સમાચાર સાંભળતા હોય છે, જેથી તેઓને અગાઉથી ખબર પડે કે વાવાઝોડું આવવાનું છે કે કેમ. એવી જ રીતે, આપણે પણ ચેતવણી આપતી પરમેશ્વરની ભવિષ્યવાણીઓને ધ્યાન આપવું જોઈએ.​—⁠ગીતશાસ્ત્ર ૧૯:૭-૧૧.

જ્યારે આપણે વિચારીને પગલાં લઈ છીએ ત્યારે, આપણે જીવનના માર્ગ પર દોરી જતા જ્ઞાનને સાંભળીએ છીએ. (યોહાન ૧૭:૩) આપણને ખબર છે કે તકલીફો ઊભી થવાની છે, અને એ કારણે આપણે એની સામે લડવાનો પણ વિચાર કરીએ છીએ. યહોવાહની સેવામાં સારા ધ્યેયો બેસાડીને આપણે “ભવિષ્ય માટે મજબૂત પાયો” બાંધીશું. એમ કરીને આપણે જીવનના માર્ગથી કદી દૂર નહિ જઈએ.​—⁠૧ તીમોથી ૬:​૧૯, પ્રેમસંદેશ.

જો આપણે આપણી વિવેકબુદ્ધિથી વિચારતા શીખીશું તો, કદી પણ ‘અચાનક આવી પડતા ભયથી ડરીશું નહિ.’ (નીતિવચનો ૩:૨૧, ૨૫, ૨૬) આવા સમયે આપણે યહોવાહના સુંદર વચનોમાંથી દિલાસો મેળવી શકીશું. તે વચન આપે છે કે “ડહાપણ અને સત્ય તમારા હૃદયમાં પ્રવેશ કરશે અને તમારું જીવન આનંદથી ભરપૂર થશે. વિવેકબુદ્ધિ અને સમજદારી તને બચાવી લેશે.”​—⁠નીતિવચનો ૨:૧૦, ૧૧, IBSI.

[ફુટનોટ]

^ ખ્રિસ્તીઓએ માત્થી ૫:​૨૩, ૨૪ની સલાહ પાળીને શાંતિ જાળવી રાખવી જોઈએ. અને જો કોઈએ મોટું પાપ કર્યું હોય તો, માત્થી ૧૮:​૧૫-૧૭ની સલાહ પાળીને તેઓને પ્રેમથી મદદ કરવી જોઈએ. ઑક્ટોબર ૧૫, ૧૯૯૯ના ચોકીબુરજમાં પાન ૧૭-૨૨ પર જુઓ.

[પાન ૨૩ પર ચિત્ર]

વારંવાર વાતચીત કરવાથી લગ્‍ન ખુલ્લા દિલથી ટકી રહે છે