સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે યહોવાહને વફાદાર રહેશો?

શું તમે યહોવાહને વફાદાર રહેશો?

શું તમે યહોવાહને વફાદાર રહેશો?

ગઈ કાલે કેટલી ચકલીઓ મરી ગઈ, એ શું તમને ખબર છે? એ તો કોઈ જાણતું નથી, મોટે ભાગે કોઈને એ જાણવાની કંઈ જ પડી નથી. કારણ કે પક્ષીઓ તો ગણ્યા ગણાય નહિ એટલા બધા હોય છે. પરંતુ યહોવાહ તેઓ દરેકની કાળજી રાખે છે. આવી મામુલી ચકલીઓ વિષે ઈસુએ કહ્યું: “ઈશ્વરપિતાની જાણ બહાર તેમાંની એક પણ નાશ પામતી નથી.” અને પછી તેમણે જણાવ્યું કે, “તેથી ગભરાશો નહિ. ઈશ્વરની નજરમાં ઘણી ચકલીઓ કરતાં તમે વધારે મૂલ્યવાન છો.”⁠—​માત્થી ૧૦:૨૯, ૩૧, IBSI.

અમુક સમય પછી, શિષ્યો સમજી શક્યા કે તેઓ યહોવાહને ખરેખર કેટલા વહાલા હતા. તેઓમાંના એક પ્રેષિત યોહાને લખ્યું: “દેવે પોતાના એકનાએક પુત્રને જગતમાં મોકલ્યો, કે આપણે તેનાથી જીવીએ, એ પરથી આપણા પર દેવનો પ્રેમ પ્રગટ થયો.” (૧ યોહાન ૪:૯) યહોવાહે પોતાના સેવકો માટે ફક્ત ઈસુનું બલિદાન જ ન આપ્યું પરંતુ, તેમણે તેઓને ખાતરી આપી કે, “હું તને કદી મૂકી દઈશ નહિ, અને તને તજીશ પણ નહિ.”⁠—​હેબ્રી ૧૩:૫.

ખરેખર, યહોવાહ પોતાના લોકોને એટલો તો પ્રેમ કરે છે કે એને કોઈ તોડી શકે એમ નથી. પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આપણે યહોવાહને, એક બાળક પોતાની માને વળગી રહે છે તેમ વળગી રહીશું?

શું શેતાન આપણી વફાદારી તોડી શકે?

યહોવાહે શેતાનને અયૂબની વફાદારી વિષે જણાવ્યું ત્યારે, શેતાને જવાબ આપ્યો: “શું અયૂબ કારણ વગર ઇશ્વરની ભક્તિ કરે છે?” (અયૂબ ૧:⁠૯) શેતાન એમ કહેવા માંગતો હતો કે માણસો પોતાના સ્વાર્થ માટે જ પરમેશ્વરની ભક્તિ કરે છે. જો આ દાવો સાચો હોય તો, લાલચમાં આવી જઈને કોઈ પણ ખ્રિસ્તી પોતાની વફાદારી તોડી શકે છે.

અયૂબના કિસ્સામાં શેતાને એવો દાવો કર્યો હતો કે અયૂબને જે કંઈ વહાલું હોય, એ તેની પાસેથી છીનવી લેવામાં આવે તો તે વફાદાર રહેશે નહિ. (અયૂબ ૧:૧૦, ૧૧) શેતાનનો આ આરોપ ખોટો પડ્યો ત્યારે તેણે કહ્યું: “માણસ પોતાના જીવને બદલે તો પોતાનું સર્વસ્વ આપે.” (અયૂબ ૨:૪) શેતાનનો આ દાવો અમુક લોકો માટે કદાચ સાચો હશે પરંતુ અયૂબે પોતાની વફાદારી તોડી નહિ, એ હકીકત આપણને તેમના કિસ્સામાંથી જોવા મળે છે. (અયૂબ ૨૭:૫; ૪૨:૧૦-૧૭) શું તમે અયૂબ જેવા વફાદાર છો? કે પછી શેતાનને તમારી વફાદારી તોડવા દેશો? ચાલો આપણે અમુક હકીકતો તપાસીએ જે દરેક ખ્રિસ્તીને અસર કરે છે. તમે એને વાંચશો તેમ, તમારા પોતાના વિષે વિચાર કરી શકશો.

પાઊલ માનતા હતા કે દરેક ખ્રિસ્તી પોતાની વફાદારીમાં અડગ રહી શકે છે. તેમણે લખ્યું: “કેમકે મારી ખાતરી છે કે મરણ કે જીવન, . . . વર્તમાનનું કે ભવિષ્યનું, કે . . . કોઈ પણ બીજી સૃષ્ટ વસ્તુ, દેવની જે પ્રીતિ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં છે, તેનાથી આપણને જુદા પાડી શકશે નહિ.” (રૂમીઓને પત્ર ૮:૩૮, ૩૯) આપણે યહોવાહને ઊંડો પ્રેમ કરતા હોઈશું તો, આપણે પણ એવી જ ખાતરી રાખી શકીશું. કોઈની મજાલ છે કે આ પ્રેમના બંધનને તોડે! અરે, મરણ પણ એ બંધનને તોડી શકે એમ નથી.

જો યહોવાહ સાથે આપણો ગાઢ સંબંધ હશે તો, આપણે ક્યારેય એમ નહિ વિચારીએ કે ‘હું અમુક સમય સુધી જ યહોવાહની સેવા કરીશ.’ આવો વિચાર બતાવે છે કે આપણા જીવનમાં કોઈ મુશ્કેલીઓ ન આવે તો જ આપણે પરમેશ્વરની સેવા કરીશું. પરંતુ ખરી વફાદારી, ગમે એવા સંજોગોમાં પણ યહોવાહને વળગી રહે છે. આવી વફાદારી, આપણે ખરેખર કેવા દિલના છીએ એના પર આધાર રાખે છે. (૨ કોરીંથી ૪:૧૬-૧૮) આપણે યહોવાહને પૂરા દિલથી પ્રેમ કરતા હોઈએ તો, કદી એવું નહિ કરીએ જેનાથી તેમને દુઃખ થાય.⁠—​માત્થી ૨૨:૩૭; ૧ કોરીંથી ૧૩:૮.

આપણે એ યાદ રાખવું જોઈએ કે શેતાન રાત-દિવસ આપણી વફાદારી તોડવાની કોશિશ કરે છે. તે આપણને કોઈ ખરાબ કામ કરવા લલચાવી શકે. યહોવાહને છોડી દેવા તે કોઈ દબાણ કે સખત મુશ્કેલી પણ લાવી શકે. આપણા પર આ રીતે હુમલાઓ કરવા માટે શેતાન, ખાસ કરીને આ જગતનો ઉપયોગ કરે છે. શેતાન આપણી નબળાઈઓનો ગેરલાભ ઉઠાવે છે જેથી તે આપણી વફાદારી તોડી શકે. (રૂમીઓને પત્ર ૭:૧૯, ૨૦; ૧ યોહાન ૨:૧૬) પરંતુ આપણે હિંમત હારીશું નહિ, કારણ કે આપણે શેતાનની ચાલાકીઓ જાણી શકીએ છીએ.⁠—​૨ કોરીંથી ૨:૧૧.

તો પછી, શેતાન આપણા પર કઈ ચાલાકીઓ વાપરે છે? પાઊલ એફેસીઓને પત્રમાં એને “દુષ્ટ ચાલાકીઓ” કહે છે. (એફેસી ૬:​૧૧, પ્રેમસંદેશ) શેતાન ચાલાકીથી ડગલેને પગલે આપણી વફાદારી તોડવા માંગે છે. બાઇબલ વાંચીને આપણે પણ શેતાનની ચાલાકીઓ જાણી શકીએ છીએ. ચાલો આપણે જોઈએ કે શેતાને ઈસુ અને અયૂબની વફાદારી તોડવા કઈ રીતે કોશિશ કરી. આપણે એ પણ જોઈશું કે તે આજે આપણી વફાદારી તોડવા શું કરે છે.

ઈસુની વફાદારી તૂટી નહિ

ઈસુએ તેમનું સેવા કાર્ય શરૂ કર્યું ત્યારે, ૪૦ દિવસ સુધી તેમણે ઉપવાસ કર્યા હતા. તેમણે કંઈ અન્‍ન ખાધું ન હોવાથી, તે ભૂખથી ટળવળતા હશે. શેતાને આ પરિસ્થિતિનો લાભ ઊઠાવીને તેમની કસોટી કરવાની હિંમત કરી. તેણે ખુદ ઈશ્વરના બેટાને પથ્થરમાંથી રોટલી બનાવવાનું કહ્યું. કેવી દુષ્ટ ચાલાકી! (લુક ૪:૨, ૩) શેતાને ઈસુને લલચાવ્યા કે એમ કરીને તે તરત જ પોતાની ભૂખ મટાડી શકે છે. જો ઈસુએ એમ કર્યું હોત તો, તેમણે યહોવાહની વફાદારી તોડી હોત. એવી જ રીતે, આજે આ જગત આપણને લલચાવે છે કે હમણાં જ મોજમજા કરી લો, ભલે પછી એનું ખરાબ પરિણામ આવે. બસ, બધાને હમણાં જ લાભ મેળવવા પોતાને મન ફાવે તેમ વર્તવું છે.

ઈસુએ વગર વિચાર્યે પોતાની ભૂખ મટાડી હોત તો, શેતાન જરૂર તેમની વફાદારી તોડી શક્યો હોત. પરંતુ ઈસુ યહોવાહની જેમ વિચારતા હતા, તેથી તેમણે કહ્યું: “એમ લખેલું છે, કે માણસ એકલી રોટલીથી નહિ જીવશે.”​—⁠લુક ૪:૪; માત્થી ૪:⁠૪.

પછી શેતાને તેની ચાલબાજી બદલી, અને ઈસુ શાસ્ત્રમાંથી જે કલમો ટાંકતા હતા એનો ગેરઉપયોગ કરવા લાગ્યો. શેતાન ઈસુને મંદિરના બુરજ પરથી નીચે ઠેકડો મારવાનું કહે છે અને જણાવે છે કે ‘દુતો તારો બચાવ કરશે.’ પરંતુ ઈસુ એવું ઇચ્છતા ન હતા કે યહોવાહ તેમનો ચમત્કારિક રીતે બચાવ કરે અને ઈસુનું નામ રોશન થાય. તેથી તેમણે શેતાનને કહ્યું: “પ્રભુ તારા દેવનું પરીક્ષણ તું ન કર.”​—⁠માત્થી ૪:૫-૭; લુક ૪:૯-૧૨.

પછી શેતાન સીધે-સીધી રીતે ઈસુ પર દબાણ લાવે છે. તેણે ઈસુને વધારે લલચાવવા માટે એક શરત મૂકી. તેણે ઈસુને આખું જગત આપવાની ઑફર કરી, પરંતુ એના બદલામાં ઈસુએ શેતાનને પગે પડીને તેની પુજા કરવાની હતી. શેતાનની આ સૌથી મોટી ઑફર હતી. પરંતુ ઈસુ કદી પણ યહોવાહને છોડીને, તેમના દુશ્મન, શેતાનના પગે પડવાના ન હતા! તેથી ઈસુએ શેતાનને જણાવ્યું: “પ્રભુ તારા દેવનું ભજન કર ને તેની એકલાની જ સેવા કર.”⁠—​માત્થી ૪:૮-૧૧; લુક ૪:૫-૮.

આમ, શેતાન ત્રણેય વખત નિષ્ફળ ગયો. પરંતુ તે ‘થોડા સમય માટે ત્યાંથી ચાલ્યો ગયો.’ (લુક ૪:​૧૩, IBSI) આ બતાવે છે કે શેતાન ઈસુની વફાદારી તોડવા માટે બીજી તકો શોધતો હતો. અને એ તક તેને જરૂર મળી, જ્યારે ઈસુ તેમના શિષ્યોને પોતાના મરણ વિષે તૈયાર કરતા હતા, ત્યારે પ્રેષિત પીતરે કહ્યું: “અરે પ્રભુ . . . એવું તને કદી થશે નહિ.”​—⁠માત્થી ૧૬:૨૧, ૨૨.

ઈસુના શિષ્યએ આપેલી એ સલાહ કદાચ ઈસુને સારી લાગી હશે. પરંતુ ઈસુ તરત જ ઓળખી ગયા કે એ શબ્દો પાછળ યહોવાહનો નહિ પણ શેતાનનો હાથ હતો. તેથી ઈસુએ તેને કહ્યું: “અરે શેતાન, મારી પછવાડે જા; તું મને ઠોકરરૂપ છે; કેમકે દેવની વાતો પર નહિ, પણ માણસની વાતો પર તું ચિત્ત લગાડે છે.”⁠—​માત્થી ૧૬:૨૩.

ઈસુને યહોવાહ પ્રત્યે ઊંડો પ્રેમ હતો, તેથી શેતાને ભલે ગમે એવા ધમપછાડા કર્યા, તે ઈસુની યહોવાહ પ્રત્યેની વફાદારી કદી ન તોડી શક્યો. શું આપણે પણ ગમે એવા અઘરા સંજોગોમાં આપણી વફાદારી જાળવી રાખીશું? અયૂબનો દાખલો આપણા કોઈ પણ આકરા સંજોગોને સારી રીતે સમજવા માટે મદદ આપશે.

દુઃખ-સંકટોમાં પણ વફાદાર

આપણે અયૂબના જીવનમાંથી જોઈ શકીએ છીએ કે દુઃખ-સંકટો આપણા પર ગમે ત્યારે તૂટી પડે છે. અયૂબનું લગ્‍નજીવન સુખી હતું, તેમને દસ બાળકો હતા અને તે યહોવાહની સેવા પણ કરતા હતા. (અયૂબ ૧:૫) પરંતુ અયૂબને સપનેય એ ખ્યાલ નહિ આવ્યો હોય કે તેમની વફાદારી વિષે સ્વર્ગમાં દલીલ થતી હતી, અને શેતાને ગમે એ રીતે અયૂબની વફાદારી તોડવાનું નક્કી કર્યું હતું.

પછી આંખના પલકારામાં જ અયૂબની બધી માલ-મિલકતનો નાશ થઈ ગયો. (અયૂબ ૧:૧૪-૧૭) પરંતુ અયૂબ એ કસોટી સહન કરી શક્યા, કારણ કે ધનદોલતમાં તેમને જરાય ભરોસો ન હતો. અયૂબ પોતે અમીર હતા એ સમયને યાદ કરતા કહે છે: ‘જો મેં સોના પર ભરોસો રાખ્યો હોય, જો મારૂં ધન ઘણું હોવાને લીધે હું કદી હરખાયો હોઉં; તો એ દોષ શિક્ષાને પાત્ર હોત. કેમકે દેવનો મેં ઈનકાર કર્યો હોત.’​—⁠અયૂબ ૩૧:૨૪, ૨૫, ૨૮.

આજે આપણે પણ રાતોરાત બધું જ ગુમાવી બેસી શકીએ. એક વેપારીનો વિચાર કરો, જે યહોવાહના એક સાક્ષી છે. કોઈએ તેમને બહુ મોટો દગો કર્યો, જેમાં તેમણે પોતાના બધા જ પૈસા ગુમાવી દીધા. તે જણાવે છે: “મને તો હાર્ટ એટેક આવી ગયો હોય એમ લાગ્યું. જો હું યહોવાહને ચાહતો ન હોત તો, મને જરૂર હાર્ટ એટેક આવી જાત. આ અનુભવમાંથી હું એ પણ શીખ્યો કે મારો વિશ્વાસ મજબૂત ન હતો. હું તો બસ પૈસા બનાવવા પાછળ જ પડી ગયો હતો અને મને બીજી કંઈ પડી ન હતી.” હવે આ સાક્ષી ભાઈએ તેમનો કામ-ધંધો સાવ ઓછો કરી નાખ્યો છે અને એક સહાયક પાયોનિયર તરીકે, પ્રચાર કામમાં દર મહિને ૫૦ કલાક ગાળે છે. આપણા જીવનમાં બીજી એવી આફતો પણ આવી પડે છે જે પૈસા ગુમાવવા કરતાં વધારે આકરી હોય છે.

અયૂબની બધી ધનદોલતનો નાશ થઈ ગયો, એ સમાચાર હજુ તો તેના ગળે પણ ઊતર્યા ન હતા કે તરત જ તેને બીજા માઠા સમાચાર મળે છે. તેના દસ બાળકો મરી ગયા હતા! તેમ છતાં, તે કહે છે: “યહોવાહના નામને ધન્ય હો.” (અયૂબ ૧:૧૮-૨૧) જો તમારા કુટુંબમાંથી ઓચિંતા અનેક જણ ગુજરી જાય તો, શું તમે યહોવાહને વફાદાર રહેશો? સ્પેનમાં રહેતા ફ્રાંચીસ્કો નામના એક ખ્રિસ્તી વડીલનો વિચાર કરો. તેમના બે બાળકો બસના એક ખરાબ અકસ્માતમાં ગુજરી ગયા. ફ્રાંચીસ્કોભાઈ યહોવાહને જ વળગી રહ્યા અને તેમની સેવામાં પણ વધુ સમય ગાળ્યો. આમ કરવાથી, તેમને આ સમયે ખૂબ જ દિલાસો મળ્યો.

અયૂબના બધા જ બાળકો મરી ગયા, એનો તેમને કેવો ભારે આઘાત લાગ્યો હશે! પરંતુ એ તેમની કસોટીનો અંત ન હતો. શેતાને તેમના પર એક ગંભીર રોગ ફેલાવ્યો. એ સમયે અયૂબની પત્નીએ તેમને ખોટી સલાહ આપતા કહ્યું: “દેવને શાપ દે, અને મરી જા.” અયૂબે તેનું સાંભળ્યું નહિ અને “પોતાના મોંથી પાપ ન કર્યું.” (અયૂબ ૨:૯, ૧૦) અયૂબ યહોવાહને ખૂબ જ ચાહતા હોવાથી, તેમને વફાદાર રહી શક્યા. પછી ભલે તેમના કુટુંબનો ટેકો હોય કે ન હોય.

ફ્લોરાબહેનના પતિ અને સૌથી મોટા દિકરાએ લગભગ દસ વર્ષ અગાઉ સત્ય છોડી દીધું હતું. આ બહેન અયૂબની સ્થિતિ બરાબર સમજી શકે છે. “અચાનક તમારું કુટુંબ તમને ટેકો આપવાનું છોડી દે ત્યારે, એ સહન કરવું ખૂબ અઘરું હોય છે. પરંતુ હું જાણતી હતી કે યહોવાહની સંસ્થામાંથી નીકળી જવાથી મને કંઈ સુખ નહિ મળે. તેથી હું મક્કમ રહી અને યહોવાહની ભક્તિને મારા જીવનમાં પ્રથમ મૂકી. મેં એક પત્ની અને માતા તરીકે પણ મારી ફરજ સારી રીતે બજાવી. હું યહોવાહને વારંવાર પ્રાર્થના કરતી, જેથી મને જોઈતી હિંમત મળે. મારા પતિ મને ઘણી વાર હેરાન કરે છે, તેમ છતાં હું નારાજ થતી નથી કેમ કે હું યહોવાહ પર પૂરેપૂરો ભરોસો રાખું છું.”

છેવટે શેતાન અયૂબની વફાદારી તોડવા માટે અયૂબના જ ત્રણ મિત્રોનો ઉપયોગ કરે છે. (અયૂબ ૨:૧૧-૧૩) તેઓ અયૂબને ટોંણા મારે છે ત્યારે, તેમને કેટલું દુઃખ થયું હશે. પરંતુ જો અયૂબે તેઓનું માન્યું હોત તો, યહોવાહમાં તેમનો વિશ્વાસ નબળો પડી જાત. અયૂબે તેઓની ખોટી સલાહ સાંભળી હોત તો, તેમનું દિલ તૂટી ગયું હોત અને તે વફાદાર પણ રહી શક્યા ન હોત. પછી તો શેતાનના મનની મુરાદ પણ પૂરી થઈ ગઈ હોત.

પરંતુ એમ કરવાને બદલે, અયૂબે જણાવ્યું: “મરતાં સુધી હું મારા પ્રામાણિકપણાનો ઈનકાર કરીશ નહિ.” (અયૂબ ૨૭:૫) અયૂબે એમ ન કહ્યું કે ‘તમે લોકો મારી વફાદારી તોડી શકશો નહિ.’ અયૂબ જાણતા હતા કે તે પોતે યહોવાહને પ્રેમ કરશે તો જ તેમને વફાદાર રહી શકશે.

જૂનો ફાંદો, નવો શિકાર

શેતાન હજુ પણ એવી ચાલબાજી વાપરે છે. ઘણી વાર તે આપણા કોઈ મિત્ર કે ખ્રિસ્તી ભાઈબહેનોનો કઠપુતળીની જેમ ઉપયોગ કરે છે, જેથી તેઓ આપણા દિલને ચોટ પહોંચે એવું વગર વિચાર્યું બોલે. મંડળનું કોઈ આપણને દુઃખી કરે ત્યારે, એ સહન કરવું બહુ જ અઘરું હોય છે. બહારની કોઈ પણ સતાવણી કરતાં, મંડળનું કોઈ ચોટ પહોંચાડે ત્યારે, આપણે સાવ નબળા પડી જઈ શકીએ. પહેલાં સૈનિક તરીકે અનેક લડાઈઓ લડી ચૂકેલા, એક મંડળના વડીલ જણાવે છે કે કોઈ ભાઈ-બહેન તેમને વગર વિચાર્યું બોલી ગયા ત્યારે, તેમને ખૂબ જ મનદુઃખ થયું. પહેલાં એવું ક્યારેય બન્યું ન હોવાથી, એ સહન કરવું તેમના માટે બહુ જ અઘરું હતું. એના વિષે તે જણાવે છે: “એ મારી સૌથી આકરી કસોટી હતી.”

બીજી બાજું, આપણા ભાઈ કે બહેને કોઈ ભૂલ કરી હોય તો, આપણે એટલા નારાજ થઈ જઈ શકીએ કે તેઓની સાથે બોલવાનું પણ બંધ કરી દઈએ અને આપણી મીટીંગોમાં પણ આવવાનું ચૂકી જઈએ. આપણને એમ લાગી શકે કે એ જ આપણા દુઃખનો સૌથી સારો ઇલાજ છે. પરંતુ શું આપણે કોઈના કહેવાથી, જીવનમાં સૌથી મહત્ત્વના યહોવાહ માટેના આપણા પ્રેમને નબળો થવા દઈશું? જો એમ કરીશું તો, આપણે પણ શેતાનના જૂના ફાંદામાં ફસાઈ જઈ શકીએ.

એ ખરું છે કે આપણા ખ્રિસ્તી મંડળોના ધોરણો ઊંચા હોવા જોઈએ. પરંતુ આપણે બધા માણસો ભૂલને પાત્ર હોવાથી, ભાઈબહેનો પાસેથી જે વાજબી ન હોય એવા ધોરણોની અપેક્ષા રાખીએ તો, જરૂર નારાજ થઈ જઈશું. આપણી સરખામણીમાં, યહોવાહ પરમેશ્વર પોતાના ભક્તો પાસેથી મોટી મોટી અપેક્ષાઓ રાખતા નથી કારણ કે તે વાજબી છે. તેમની જેમ વાજબી બનીશું તો, આપણે પણ આપણા ભાઈ-બહેનોની ભૂલોને સહન કરી શકીશું. (એફેસી ૪:૨, ૩૨) પ્રેષિત પાઊલે આ સલાહ આપી: “જો તમે ગુસ્સે થાઓ, તો તમારો ગુસ્સો તમને પાપમાં દોરી જાય એવું ન થવા દો; અને આખો દિવસ ગુસ્સે ન રહો. શેતાનને તક ન આપો.”​—⁠એફેસી ૪:૨૬, ૨૭, પ્રેમ સંદેશ.

આપણે બાઇબલમાથી જોઈ શક્યા કે શેતાન આપણી વફાદારી તોડવા, ઘણી જાતની દુષ્ટ ચાલાકીઓ વાપરે છે. તેના અમુક ફાંદાઓમાં ફસાવવા, તે આપણને લલચાવે છે અથવા આપણને દુઃખ પણ આપે છે. આ લેખમાં આપણે એ જોઈ શક્યા કે આપણે હંમેશાં સાવચેત રહેવું જોઈએ. ચાલો આપણે યહોવાહને પૂરા દિલથી ચાહીએ અને એવું નક્કી કરીએ કે ભલે ગમે એ થાય, આપણે યહોવાહના દિલને રાજી રાખીશું અને શેતાનને જૂઠો ઠરાવીશું. (નીતિવચનો ૨૭:૧૧; યોહાન ૮:૪૪) આપણે એ પણ યાદ રાખીએ કે ભલે આપણા પર ગમે તેવી કસોટીઓ આવે, આપણે હંમેશાં યહોવાહને વફાદાર રહીને તેમને વળગી રહીએ.