‘ઉદાહરણ વગર તેણે તેઓને કંઈ કહ્યું નહિ’
‘ઉદાહરણ વગર તેણે તેઓને કંઈ કહ્યું નહિ’
“આ બધું ઈસુએ લોકોને ઉદાહરણો દ્વારા સમજાવ્યું. ઉદાહરણનો ઉપયોગ કર્યા સિવાય તેઓ તેમને કોઈ વાત સમજાવતા ન હતા.”—માત્થી ૧૩:૩૪, પ્રેમસંદેશ.
૧, ૨. (ક) શા માટે સારાં ઉદાહરણો આપણે ભૂલી શકતા નથી? (ખ) ઈસુએ કેવા ઉદાહરણોનો ઉપયોગ કર્યો હતો અને કયા પ્રશ્નો ઊભા થાય છે? (ફૂટનોટ જુઓ.)
શું તમને વર્ષો અગાઉ કોઈ ટોકમાં સાંભળેલું ઉદાહરણ યાદ છે? આપણે સારા ઉદાહરણો સહેલાઈથી ભૂલી જતા નથી. એક લેખકે જણાવ્યું કે ઉદાહરણોથી “સાંભળનાર પોતાના મનની આંખોથી જોઈ શકે છે.” ઉદાહરણોથી શબ્દો ચિત્રોમાં ફેરવાય જાય છે અને આપણે ચિત્રોની સારી રીતે કલ્પના કરી શકતા હોવાથી, ઉદાહરણો આખી બાબતને સહેલાઈથી સમજાવે છે. તેથી ઉદાહરણો, બોધપાઠ એવી રીતે શીખવે છે, જે આપણા મગજમાં ઠસી જાય છે.
૨ ઈસુ ખ્રિસ્તની જેમ ઉદાહરણનો ઉપયોગ કરવામાં કોઈ પણ શિક્ષક કુશળ નથી. લગભગ બે હજાર વર્ષ પહેલાં, ઈસુએ કહેલા ઘણા ઉદાહરણો કે દૃષ્ટાંતો આજે પણ યાદ કરવામાં આવે છે. * શા માટે તેમણે લોકોને શીખવવા આ રીતનો ઉપયોગ કર્યો? શા માટે તેમના ઉદાહરણોની એટલી બધી અસર પડી?
ઈસુએ ઉદાહરણોથી શીખવ્યું
૩. (ક) માત્થી ૧૩:૩૪, ૩૫ પ્રમાણે ઈસુએ શા માટે ઉદાહરણોનો ઉપયોગ કર્યો? (ખ) શું બતાવે છે કે યહોવાહ શીખવવાની આ રીતને કિંમતી ગણે છે?
૩ ઈસુએ કેમ ઉદાહરણો વાપર્યાં, એ વિષે બાઇબલ બે મહત્ત્વનાં કારણો આપે છે. પહેલું, ભવિષ્યવાણીમાં જણાવ્યું હતું કે ઈસુ ઉદાહરણોથી શીખવશે, અને તેમણે એ જ રીતે શીખવ્યું. પ્રેષિત માત્થીએ લખ્યું: ‘આ બધું ઈસુએ લોકોને ઉદાહરણો દ્વારા સમજાવ્યું. ઉદાહરણનો ઉપયોગ કર્યા સિવાય તે તેઓને કોઈ વાત સમજાવતા ન હતા. સંદેશવાહકે [પ્રબોધકે] જે કહ્યું હતું તે પરિપૂર્ણ થાય માટે એમ બન્યું: “તેઓની સાથે વાત કરતા હું ઉદાહરણોનો ઉપયોગ કરીશ.”’ (માત્થી ૧૩:૩૪, ૩૫, પ્રેમસંદેશ) અહીં માત્થીએ જે પ્રબોધકની વાત કરી, તેમણે ગીતશાસ્ત્ર ૭૮:૨ની રચના કરી હતી. એ લેખકે ઈસુ જન્મ્યા એની સદીઓ પહેલાં પરમેશ્વરની પ્રેરણાથી લખ્યું. યહોવાહે પોતાનો પુત્ર ઉદાહરણથી શીખવશે એવું હજારો વર્ષો અગાઉથી નક્કી કર્યું, એ પણ કેવી નવાઈની વાત કહેવાય! સાચે જ, યહોવાહ શીખવવાની આ કળાને બહુ જ કિંમતી ગણતા હોવા જોઈએ.
૪. ઈસુએ ઉદાહરણોનો ઉપયોગ કર્યો એનું બીજુ કારણ કયું હતું?
૪ ઈસુએ ઉદાહરણનો ઉપયોગ કર્યો એનું બીજું કારણ એ હતું કે એનાથી તેમણે હઠીલા લોકોને જુદા પાડ્યા. “અતિ ઘણા” લોકોને વાવનારનું ઉદાહરણ આપ્યા પછી તેમના શિષ્યોએ તેમને પૂછ્યું: “તું તેઓની સાથે દૃષ્ટાંતોમાં શા માટે બોલે છે? ત્યારે તેણે તેઓને ઉત્તર દીધો, કે આકાશના રાજ્યના મર્મો જાણવાનું તમને આપેલું છે, પણ તેઓને નથી આપેલું. એ માટે હું તેઓની સાથે દૃષ્ટાંતોમાં બોલું છું; કેમકે જોતાં તેઓ જોતા નથી, ને સાંભળતાં તેઓ સાંભળતા નથી, ને સમજતા પણ નથી. અને યશાયાહની વાત તેઓના સંબંધમાં પૂરી થઈ છે, જે કહે છે, કે તમે સાંભળતાં સાંભળશો, પણ સમજશો નહિ; ને જોતાં જોશો, પણ તમને સૂઝશે નહિ. કેમકે એ લોકોનાં મન જડ થઈ ગયાં છે.”—માત્થી ૧૩:૨, ૧૦, ૧૧, ૧૩-૧૫; યશાયાહ ૬:૯, ૧૦.
૫. કઈ રીતે ઈસુનાં ઉદાહરણો હઠીલા લોકોને જુદા પાડતા હતા?
૫ ઈસુના ઉદાહરણમાં એવું શું હતું, જે હઠીલા લોકોને જુદા પાડે? અમુક કિસ્સામાં, લોકોએ તેમના કહેવાનો અર્થ સમજવા માટે વધારે પૂછપરછ કરવાની હતી. વળી, વધારે જાણવા ચાહતા લોકોએ ફરીથી પ્રશ્નો પૂછ્યા. (માત્થી ૧૩:૩૬; માર્ક ૪:૩૪) ઈસુના ઉદાહરણોએ સત્ય વિષે જાણવું હતું તેઓને સત્ય જણાવ્યું. એ જ સમયે, તેમના ઉદાહરણોએ હઠીલા લોકોથી સત્ય છૂપાવ્યું. ઈસુ કેવા કુશળ શિક્ષક હતા! ઈસુનાં ઉદાહરણોની આટલી અસર કેમ પડતી હતી, એના અમુક કારણો હવે જોઈએ.
માહિતીની પસંદગી
૬ પ્રથમ સદીના શિષ્યોને ઈસુ પાસેથી સીધેસીધું શીખીને કેવું લાગ્યું હશે? ઈસુનો અવાજ સાંભળવો એ એક આશીર્વાદ કહેવાય. પરંતુ, તેઓની પાસે ઈસુએ જે કહ્યું એનું કોઈ લખાણ ન હતું, જેમાંથી તેઓ વારંવાર વાંચીને લાભ ઉઠાવી શકે. તેઓએ ઈસુના શબ્દો મન અને હૃદયમાં સંઘરી રાખવાના હતા. તેથી, ઈસુએ ઉદાહરણોનો ઉપયોગ એવી રીતે કર્યો કે લોકો તેમનું શિક્ષણ સહેલાઈથી યાદ રાખી શકે. તેમણે એમ કઈ રીતે કર્યું?
૭ ઈસુએ ઉદાહરણોમાં જરૂરી માહિતી જ આપી હતી. ઉદાહરણને લાગુ પડતી કે ભાર આપવા ખાસ માહિતીની જરૂર હતી તે જ તેમણે આપી હતી. જેમ કે, ભરવાડ એક ઘેટાને શોધવા કેટલાને મૂકી જાય છે. દ્રાક્ષાવાડીના મજૂરોને કેટલા કલાક કામ કરવું. સેવકોને તેઓની આવડત પ્રમાણે કેટલા તાલંત આપવામાં આવ્યા.—માત્થી ૧૮:૧૨-૧૪; ૨૦:૧-૧૬; ૨૫:૧૪-૩૦.
૮ એ જ સમયે, ઈસુએ ઉદાહરણ સમજવામાં ગૂંચવાઈ જવાય એવી વધારે પડતી માહિતી ન આપી. દાખલા તરીકે, દેવાદાર ચાકરના ઉદાહરણમાં એ ચાકરનું ૬,૦૦,૦૦,૦૦૦ દીનારનું દેવું હતું. કઈ રીતે તે ચાકર એટલા દેવામાં ગયો એની માહિતી આપી નથી, કેમ કે એ મહત્ત્વનું ન હતું. ઈસુ એના પર ભાર મૂકી રહ્યા હતા કે દેવાદારને કઈ રીતે માફ કરવામાં આવ્યો, અને તે દેવાદારે થોડાક પૈસા માટે પોતાના ચાકર સાથે કેવો વર્તાવ કર્યો. (માત્થી ૧૮:૨૩-૩૫) એવી જ રીતે, ઉડાઉ દીકરાના ઉદાહરણમાં પણ શા માટે નાના દીકરાએ વારસાની માંગણી કરીને એને વેડફી નાખ્યો એની ઈસુ કોઈ માહિતી આપતા નથી. પરંતુ, ઈસુ એ માહિતી આપે છે કે દીકરો પસ્તાવો કરીને ઘરે આવે છે ત્યારે, પિતાને કેવી લાગણી થાય છે અને તે શું કરે છે. પિતાએ જે કર્યું એ માહિતી આપવી જરૂરી હતી, કેમ કે ઈસુ ભાર મૂકવા માંગતા હતા કે યહોવાહ “પૂરી માફી” આપે છે.—યશાયાહ ૫૫:૭, IBSI; લુક ૧૫:૧૧-૩૨.
૯, ૧૦. (ક) ઈસુએ ઉદાહરણમાં વ્યક્તિનું વર્ણન કરવામાં શાના પર ભાર મૂક્યો? (ખ) ઈસુએ પ્રથમ સદી અને આવનાર સમયના લોકો માટે ઉદાહરણો કઈ રીતે સહેલા બનાવ્યા?
૯ ઈસુએ પોતાના ઉદાહરણમાં, વ્યક્તિનું વર્ણન કરવામાં બહુ સાવચેતી રાખી હતી. તેમણે વ્યક્તિના દેખાવ કરતાં, તેણે શું કર્યું એની વધારે માહિતી આપી. તેથી, ઈસુએ ભલા સમરૂનીના ઉદાહરણમાં તેના દેખાવનું વર્ણન કરવાને બદલે, એનાથી વધુ મહત્ત્વની વાત જણાવી. તેમણે જણાવ્યું કે સમરૂનીએ માર્ગે પડેલા ઘાયલ યહુદીને કઈ રીતે મદદ કરી. આમ, ઈસુએ શીખવ્યું કે પડોશી પ્રેમ ફ્કત પોતાની જાતિના લોકો પૂરતો જ નહિ, પણ બધા પર રાખવો જોઈએ.—લુક ૧૦:૨૯, ૩૩-૩૭.
૧૦ આ રીતે ઈસુએ પોતાના ઉદાહરણમાં પસંદગી કરીને માહિતી આપી. તેમણે પ્રથમ સદીના અને આવનાર સમયના લોકો માટે એ ઉદાહરણો સહેલા બનાવ્યા. એ માટે કે લોકો એ ઉદાહરણો અને એનું શિક્ષણ સહેલાઈથી વાંચીને યાદ રાખી શકે.
રોજના જીવનના ઉદાહરણો
૧૧. ઈસુના ઉદાહરણોમાં તેમણે ગાલીલમાં વિતાવેલા બાળપણની બાબતો કઈ રીતે દેખાય આવે છે?
૧૧ લોકોના રોજના જીવનમાંથી ઉદાહરણો લેવાની ઈસુમાં આવડત હતી. તેમના ઘણા ઉદાહરણોમાં ગાલીલનું તેમનું બાળપણ દેખાય આવે છે. ચાલો આપણે જરા તેમના બાળપણમાં ડોકિયું કરીએ. તેમણે કેટલી વાર તેમની માતાને બ્રેડ બનાવવા માટેનો લોટ ફૂલાવવા, એમાં આગળથી બચાવેલું ખમીર નાખતા જોયા હશે? (માત્થી ૧૩:૩૩) કેટલી વાર તેમણે માછીમારોને ગાલીલના સમુદ્રમાં જાળ નાખતા જોયા હશે? (માત્થી ૧૩:૪૭) કેટલી વાર ચૌટાઓમાં બાળકોને રમતા જોયા હશે? (માત્થી ૧૧:૧૬) એના જેવી બીજી ઘણી બાબતો પર ઈસુએ ઉદાહરણો આપ્યા હતા. જેમ કે, બી વાવનાર, લગ્નની મિજબાની, જોતજોતામાં બીમાંથી ફળ થવા.—માત્થી ૧૩:૩-૮; ૨૫:૧-૧૨; માર્ક ૪:૨૬-૨૯.
૧૨, ૧૩. કઈ રીતે ઘઉં અને કડવા દાણાનું ઉદાહરણ બતાવે છે કે ઈસુ આસપાસના બનાવોથી જાણકાર હતા?
૧૨ તેથી એમાં કંઈ આશ્ચર્ય નથી કે ઈસુના ઘણા ઉદાહરણો રોજના જીવનના સંજોગો પર આધારિત છે. તેમણે એ કઈ રીતે કર્યું? એ જાણવા ચાલો જોઈએ કે તેમને સાંભળી રહેલા યહુદીઓ માટે એનો શું અર્થ થતો હતો. આપણે એના બે ઉદાહરણો જોઈએ.
૧૩ પ્રથમ, ઘઉં અને કડવા દાણાનું ઉદાહરણ જોઈએ. ઈસુએ એક માણસ વિષે કહ્યું કે જેણે પોતાના ખેતરમાં સારા ઘઉં વાવ્યા હતા. પરંતુ, “વૈરી” આવીને ઘઉંમાં કડવા દાણા નાખી જાય છે. ઈસુએ શા માટે આવું ઉદાહરણ આપ્યું? ધ્યાનમાં રાખો કે તેમણે એ ઉદાહરણ ગાલીલ સમુદ્ર નજીકના વિસ્તારમાં આપ્યું હતું. ગાલીલના મોટા ભાગના લોકો ખેડૂતો હતા. કોઈ દુશ્મન રાત્રે આવીને સારા પાકમાં કડવા દાણા વાવી જાય તો, શું ખેડૂતની મહેનત પાણીમાં ન જાય? એ સમયના કાયદા-કાનૂનથી આપણે જોઈ શકીએ છીએ કે હકીકતમાં એમ બનતું હતું. ખરેખર, ઈસુએ એવા જ ઉદાહરણો કહ્યાં જે લોકો તરત જ સમજી શકે.—માત્થી ૧૩:૧, ૨, ૨૪-૩૦.
૧૪. સમરૂની પડોશીના ઉદાહરણમાં ઈસુએ પોતાનો મુદ્દો સમજાવવા શા માટે ‘યરૂશાલેમથી યરેખો જતા’ રસ્તાની વાત કરી?
૧૪ બીજું, સમરૂની પડોશીનું ઉદાહરણ યાદ કરો. ઈસુએ કહ્યું: “એક પુરુષ યરૂશાલેમથી યરેખો જતો હતો; અને તે લૂંટારાના હાથમાં પડ્યો, અને તેઓ તેનાં લૂગડાં ઉતારી લઈને તથા તેને મારીને તેને અધમૂઓ મૂકીને ચાલ્યા ગયા.” (લુક ૧૦:૩૦) અહીં ઈસુએ પોતાનો મુદ્દો સમજાવવા ‘યરૂશાલેમથી યરેખો જતા’ રસ્તાની વાત કરી. આ ઉદાહરણ જણાવતા હતા ત્યારે તે યહુદાહમાં હતા, જે યરૂશાલેમથી બહુ દૂર ન હતું. તેમના સાંભળનારા એ રસ્તો સારી રીતે જાણતા હોવા જોઈએ. એ રસ્તો ખાસ કરીને એકલા ‘યરૂશાલેમથી યરેખો જતા’ મુસાફરો માટે જોખમી હતો. એના રસ્તા વાંકાચૂકા હતા અને લૂંટારાઓ લાગ જોઈને સંતાઈ રહે એવી ઘણી જગ્યાઓ હતી.
૧૫. સમરૂની પડોશીના ઉદાહરણમાં શા માટે યાજક અને લેવી કોઈ બહાનું કાઢી શકે એમ ન હતા?
૧૫ ઈસુએ ‘યરૂશાલેમથી યરેખો જતા’ રસ્તાનો ઉપયોગ કર્યો, એનું બીજું પણ કારણ હતું. ઉદાહરણ પ્રમાણે, પ્રથમ યાજક અને પછી લેવી એ રસ્તા પરથી પસાર થાય છે. પરંતુ કોઈ પણ એ રસ્તે પડેલા અધમૂઆ માણસને મદદ કરતું નથી. (લુક ૧૦:૩૧, ૩૨) યાજકો યરૂશાલેમના મંદિરમાં સેવા આપતા હતા અને લેવીઓ તેઓને મદદ કરતા હતા. ઘણા યાજકો અને લેવીઓને મંદિરમાં સેવા કરવાનો વારો ન હોય ત્યારે યરેખોમાં રહેતા હતા, કેમ કે એ યરૂશાલેમથી ફક્ત ૨૩ કિલોમીટર દૂર હતું. તેથી, એમાં કોઈ શક નથી કે તેઓએ પણ રસ્તા પરથી જ મુસાફરી કરી હશે. એ પણ નોંધ લો કે યાજક અને લેવી “યરૂશાલેમથી” જઈ રહ્યા હતા. આમ તેઓ મંદિરથી ઘરે જઈ રહ્યા હતા. તેથી તેઓ એમ કહી ન શકે કે ‘તેઓએ અધમૂઆ માણસને મદદ ન કરી કારણ કે તે મરેલો લાગતો હતો. નિયમ પ્રમાણે શબને અડે તો, તેઓ મંદિરમાં કામ કરવા માટે થોડો સમય અશુદ્ધ થઈ જાત.’ (લેવીય ૨૧:૧; ગણના ૧૯:૧૧, ૧૬) શું એ સ્પષ્ટ નથી કે ઈસુના ઉદાહરણના બનાવોથી લોકો જાણકાર હતા?
સૃષ્ટિના ઉદાહરણો
૧૬. શા માટે ઈસુ સૃષ્ટિથી સારી રીતે જાણકાર હતા?
૧૬ ઈસુના ઘણા ઉદાહરણો અને દૃષ્ટાંતો બતાવે છે કે તે વનસ્પતિઓ, પ્રાણીઓ અને કુદરતી વાતાવરણથી જાણકાર હતા. (માત્થી ૬:૨૬, ૨૮-૩૦; ૧૬:૨, ૩) આવું જ્ઞાન તેમની પાસે ક્યાંથી મળ્યું હોય? તે ગાલીલમાં મોટા થયા ત્યારે, તેમને જરૂર પરમેશ્વરની સૃષ્ટિમાંથી ઘણું જાણવાની તકો મળી હશે. વળી, ઈસુ ‘સર્વ સૃષ્ટિના પ્રથમજનિત’ છે અને યહોવાહે બીજું સર્વ બનાવવા માટે તેમનો “કુશળ કારીગર” તરીકે ઉપયોગ કર્યો. (કોલોસી ૧:૧૫, ૧૬; નીતિવચનો ૮:૩૦, ૩૧) તેથી, ઈસુ સૃષ્ટિથી સારી રીતે જાણકાર હોય એમાં કંઈ શક નથી! ચાલો આપણે જોઈએ કે તેમણે આ જ્ઞાનનો ઉપયોગ પોતાના શિક્ષણમાં કઈ રીતે કર્યો.
૧૭, ૧૮. (ક) યોહાનના ૧૦માં અધ્યાયમાં ઈસુ કઈ રીતે બતાવે છે કે તે ઘેટાંથી સારી રીતે જાણકાર હતા? (ખ) બાઇબલમાં જણાવેલા દેશમાં ફરવા જનારાઓએ ઘેટાં અને ઘેટાંપાળકના સંબંધ વિષે શું કહ્યું?
૧૭ ઈસુના સૌથી પ્રેમાળ ઉદાહરણોમાંનું એક યોહાનના ૧૦માં અધ્યાયમાં જોવા મળે છે. એમાં તે પોતાના અને શિષ્યોના ગાઢ સંબંધને ઘેટાં અને ઘેટાંપાળકના સંબંધ સાથે સરખાવે છે. ઈસુના શબ્દો બતાવે છે કે તે ઘેટાંથી સારી રીતે જાણકાર હતા. તેમણે જણાવ્યું કે ઘેટાં પોતાના ઘેટાંપાળકને અનુસરે છે અને તેને વફાદાર છે. (યોહાન ૧૦:૨-૪) બાઇબલમાં જણાવેલા દેશોમાં ફરવા જનાર લોકોએ પણ ઘેટાં અને ઘેટાંપાળક વચ્ચેનો ગાઢ સંબંધ જોયો છે. સૃષ્ટિનો અભ્યાસ કરનાર એચ. બી. ટ્રીસ્ટ્રામે ૧૯મી સદીમાં નોંધ્યું: “એક વખતે મેં એક ઘેટાંપાળકને પોતાના ઘેટાં સાથે રમતા જોયા. મસ્તીમાં તે ઘેટાંથી દૂર ભાગવા લાગ્યો. ઘેટાં પણ તેનો પીછો કરીને તેને ઘેરી વળ્યા. . . . આખરે, ઘેટાં તેની ફરતે ટોળે વળી ગયા અને કૂદવા લાગ્યા.”
૧૮ ઘેટાં શા માટે ઘેટાપાળકની પાછળ પાછળ જાય છે? ઈસુએ કહ્યું: “તેઓ તેનો સાદ ઓળખે છે.” (યોહાન ૧૦:૪) શું ઘેટાં ખરેખર ઘેટાંપાળકનો સાદ ઓળખે છે? પવિત્ર દેશનું ઐતિહાસિક ભૂગોળશાસ્ત્ર નામના પુસ્તકમાં, જ્યોર્જ એ. સ્મીથએ પોતાના અનુભવ પરથી લખ્યું: “અમુક વખતે અમે યહુદાહના એક કૂવા પાસે બપોરે આરામ કરવા જતા હતા. ત્યાં ત્રણથી ચાર ભરવાડો ઘેટાંના ટોળા સાથે આવતા હતા. હંમેશા બધા ટોળા એકબીજા સાથે ભળી જતા હતા. અમે વિચારતા હતા કે દરેક ભરવાડ કઈ રીતે પોતાના ઘેટાં પાછા શોધશે. પરંતુ, પાણી પાઈને અને રમતો રમીને ભરવાડો અલગ અલગ જગ્યાએ ઊભા રહ્યા. દરેકે પોતાની રીત પ્રમાણે અવાજ કાઢ્યો. અમે જોતા જ રહી ગયા કે દરેક ઘેટું પોતાના ભરવાડ પાસે પાછું ગયું. ટોળું જે રીતે આવ્યું હતું એમ પાછું ગયું.” ઈસુ પોતાનો મુદ્દો સમજાવવા આનાથી કયું સારું ઉદાહરણ આપી શક્યા હોત! આપણે તેમની પાસેથી શીખીને એ પ્રમાણે કરીશું તો, “ઉત્તમ ઘેટાંપાળક” આપણી પ્રેમાળ કાળજી રાખશે.—યોહાન ૧૦:૧૧.
જાણીતા બનાવો પરથી ઉદાહરણો
૧૯. ઈસુએ જૂઠું શિક્ષણ ખુલ્લું પાડવા કયા જાણીતા બનાવનું ઉદાહરણ આપ્યું?
૧૯ જાણીતા બનાવો પરથી પણ સારાં ઉદાહરણો આવી શકે જેમાંથી ઘણું શીખી શકાય. એક પ્રસંગે, ઈસુએ જૂઠું શિક્ષણ ખુલ્લું પાડવા જાણીતા બનાવનો ઉપયોગ કર્યો. તેમણે કહ્યું: “સીલોઅમમાં જે અઢાર માણસ પર બુરજ પડ્યો, ને તેઓને મારી નાખ્યા, તેઓ યરૂશાલેમમાંના બીજા સર્વ રહેવાસીઓ કરતાં વિશેષ ગુનેગાર હતા, એમ તમે ધારો છો શું?” (લુક ૧૩:૪) ઈસુએ ખોટી માન્યતા વિરુદ્ધ કુશળતાથી દલીલ કરી. મરણ પામેલી ૧૮ વ્યક્તિ કંઈ પાપી ન હતા કે પરમેશ્વરના કોપે તેઓને મારી નાખ્યા. પરંતુ, તેઓ ખોટા સમયે અને ખોટી જગ્યાએ હોવાથી આ કરુણ બનાવમાં મરણ પામ્યા. (સભાશિક્ષક ૯:૧૧) આમ, ઈસુએ જાણીતા બનાવમાંથી ઉદાહરણ આપીને જૂઠું શિક્ષણ ખુલ્લું પાડ્યું.
૨૦, ૨૧. (ક) શા માટે ફરોશીઓએ ઈસુના શિષ્યોનો દોષ કાઢ્યો? (ખ) પરમેશ્વર સાબ્બાથના નિયમને કઈ રીતે જોતા હતા એ બતાવવા ઈસુએ બાઇબલનો કયો બનાવ જણાવ્યો? (ગ) આપણે હવે પછીના લેખમાં શાની ચર્ચા કરીશું?
૨૦ ઈસુએ પોતાના ઉદાહરણોમાં બાઇબલના અનુભવો પણ વાપર્યા. યાદ કરો કે ઈસુના શિષ્યોએ સાબ્બાથના દિવસે કણસલા તોડીને ખાધા ત્યારે, ફરોશીઓએ તેઓ પર દોષ મૂક્યો. હકીકતમાં, શિષ્યોએ સાબ્બાથ વિષે પરમેશ્વરનો નહિ, પણ ફરોશીઓનો નિયમ ભંગ કર્યો હતો. એ નિયમમાં ફરોશીઓએ મારી મચકોડીને પોતાના વિચારો આપ્યા હતા. પરંતુ, પરમેશ્વર સાબ્બાથના નિયમને કઈ રીતે જોતા હતા, એ માટે ઈસુએ ૧ શમૂએલ ૨૧:૩-૬નો બનાવ જણાવ્યો. એક વખત દાઊદ અને તેના માણસો ભૂખ્યા હોવાથી યહોવાહના મંડપ આગળ થોભ્યા. તેઓએ ત્યાં એ પવિત્ર રોટલી ખાધી, જેના બદલે મંડપમાં ગરમ રોટલી મૂકવામાં આવી હતી. જૂની રોટલી ફક્ત યાજકો ખાય શકતા હતા. પરંતુ, સંજોગોને કારણે દાઊદ અને તેમના સાથીઓને એ રોટલી ખાવા માટે કોઈ સજા થઈ ન હતી. બાઇબલમાં ફક્ત આ જ અહેવાલ એવો છે જેમાં યાજકો ન હતા, એવા લોકો પવિત્ર રોટલી ખાય છે. ઈસુ જાણતા હતા કે ક્યારે કયા બનાવોનો ઉપયોગ કરવો. વળી, એમાં કોઈ શક નથી કે યહુદીઓ આ બનાવોથી સારી રીતે જાણકાર હતા.—માત્થી ૧૨:૧-૮.
૨૧ સાચે જ, ઈસુ મહાન શિક્ષક હતા! ઈસુએ લોકોને સમજાય એ રીતે મહત્ત્વનાં સત્યો રજૂ કર્યાં. ખરેખર, તેમની શીખવવાની કળાથી આપણે મોંમાં આંગળા નાખી જઈએ છીએ. આપણે પણ કઈ રીતે તેમની જેમ શીખવી શકીએ? હવે પછીના લેખમાં આપણે એની ચર્ચા કરીશું.
[ફુટનોટ]
^ ઈસુના ઉદાહરણોમાં દૃષ્ટાંતો, સરખામણી અને કહેવતોનો પણ સમાવેશ થાય છે. તે ઉદાહરણોનો ઉપયોગ કરવા માટે જાણીતા છે. એ ઉદાહરણોને “ટૂંકી, કલ્પના ચિત્ર આપીને સત્ય શીખવતી વાર્તા” તરીકે વ્યાખ્યા આપવામાં આવી છે.
શું તમને યાદ છે?
• શા માટે ઈસુએ ઉદાહરણોથી શીખવ્યું?
• કઈ રીતે કહી શકાય કે ઈસુએ એવા ઉદાહરણો વાપર્યા હતા જેનાથી લોકો જાણકાર હોય?
• કઈ રીતે ઈસુએ સૃષ્ટિ વિષેના પોતાના જ્ઞાનનો સારી રીતે ઉપયોગ કર્યો?
• ઈસુએ કઈ રીતે એવા બનાવોનો ઉપયોગ કર્યો જેનાથી લોકો જાણકાર હતા?
[Questions]
૬-૮. (ક) પ્રથમ સદીમાં ઈસુને સાંભળનારા પાસે શું ન હતું? (ખ) કયા ઉદાહરણો બતાવે છે કે ઈસુએ જરૂરી માહિતી જ આપી?
[પાન ૧૫ પર ચિત્રો]
ઈસુએ થોડું દેવું પણ માફ ન કરનાર કંજુસ ચાકર વિષે અને બધી મિલકત વેડફી નાખનાર પુત્રને માફ કરનાર પિતા વિષે જણાવ્યું
[પાન ૧૬ પર ચિત્ર]
ભલા સમરૂનીના ઉદાહરણમાં ઈસુનો મુદ્દો શું હતો?
[પાન ૧૭ પર ચિત્ર]
શું ઘેટાં ખરેખર ઘેટાંપાળકનો સાદ ઓળખે છે?