સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કસોટીઓનો સામનો કરવો

કસોટીઓનો સામનો કરવો

કસોટીઓનો સામનો કરવો

કસોટી! પરીક્ષણો! દરેક વ્યક્તિએ એનો સામનો કરવો પડે છે. તેમ જ, એ કોઈ પણ કારણોને લીધે થઈ શકે. કદાચ વ્યક્તિના ભિન્‍ન સ્વભાવ, પૈસાની તકલીફ, બીમારી, લાલચો, મિત્રોનું દબાણ, સતાવણી, તટસ્થ રહેવું, મૂર્તિપૂજા અને બીજી ઘણી બાબતોથી પરીક્ષણો થઈ શકે. કસોટી ગમે તે રીતે આવે પરંતુ, એનાથી આપણે ઊંડી ચિંતામાં ડૂબી જઈએ છીએ. તેથી, કઈ રીતે આપણે એનો સામનો કરી શકીએ? શું કસોટીથી આપણને કોઈ લાભ થાય છે?

સૌથી સારી મદદ

રાજા દાઊદનું આખું જીવન કસોટીઓથી ભરેલું હતું. તેમ છતાં, તે મરણ સુધી વિશ્વાસુ રહ્યાં. તે કઈ રીતે ટકી શક્યા? તેમને મદદ પૂરી પાડનાર વિષે તેમણે કહ્યું: “યહોવાહ મારો પાળક છે; તેથી મને કશી ખોટ પડશે નહિ.” વળી તે કહેવાનું ચાલુ રાખે છે: “જોકે મરણની છાયાની ખીણમાં હું ચાલું, તોએ હું કંઈ પણ ભૂંડાઈથી બીશ નહિ; કેમકે તું મારી સાથે છે; તારી લાકડી તથા તારી છડી મને દિલાસો દે છે.” (ગીતશાસ્ત્ર ૨૩:૧,) હા, યહોવાહ પરમેશ્વર સૌથી સારી મદદ પૂરી પાડનાર છે. તેમણે દાઊદને ઘણા કઠિન સમયોમાં મદદ પૂરી પાડી. તેમ જ, તે આપણને પણ જરૂર હોય ત્યારે મદદ કરવા તૈયાર છે.

પરંતુ, આપણે કઈ રીતે યહોવાહ તરફથી મદદ મેળવી શકીએ? બાઇબલ આપણને કહે છે: “અનુભવ કરો અને જુઓ કે યહોવાહ ઉત્તમ છે.” (ગીતશાસ્ત્ર ૩૪:૮) કેવું પ્રેમાળ આમંત્રણ! પરંતુ એનો શું અર્થ થાય છે? એનો એ અર્થ થાય છે કે, આપણને યહોવાહની સેવા કરવા અને તેમની ઇચ્છા પ્રમાણે જીવવા ઉત્તેજન આપવામાં આવે છે. એમ કરવાથી ઘણી વખતે કસોટીઓ કે સતાવણી આવી શકે અથવા દુઃખ પણ સહન કરવું પડે. તેથી, ભલે ગમે તેટલી કસોટીઓ આવે પણ આપણે ખરા દિલથી યહોવાહનું આમંત્રણ સ્વીકારીશું તો, જીવનમાં કદી નિરાશ થઈશું નહિ. કેમ કે યહોવાહ આપણી સાથે દયાથી વર્તશે અને તેમની સેવા કરનારાઓની કાળજી રાખીને તેઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે. તેમ જ, દરેક કસોટીનો સામનો કરવા તે પોતાનો શબ્દ બાઇબલ, પવિત્ર આત્મા અને ખ્રિસ્તી મંડળ દ્વારા મદદ કરશે. એટલું જ નહિ તે આપણને અનંતજીવનનો આશીર્વાદ પણ આપશે.​—ગીતશાસ્ત્ર ૨૩:૬; ૨૫:૯; યશાયાહ ૩૦:૨૧; રૂમીઓને પત્ર ૧૫:⁠૫.

જીવનમાં જરૂરી ફેરફારો કરીને યહોવાહની જ સેવા કરવાનો નિર્ણય લીધો છે, તેઓને યહોવાહ ચોક્કસ આશીર્વાદ આપે છે. ઈસ્રાએલીઓ વચનના દેશમાં જવા યહોશુઆને અનુસરી રહ્યા હતા ત્યારે, તેઓએ પણ એવું અનુભવ્યું. તેઓએ યરદન નદી પાર કરીને ઘણી કસોટીઓમાંથી પસાર થવાનું હતું, લડાઈઓ લડવાની હતી અને બોધપાઠો શીખવાના હતા. પરંતુ આ પેઢી, મિસરમાંથી બહાર આવીને અરણ્યમાં મરણ પામનાર તેમના બાપ-દાદાઓ કરતાં વધારે વિશ્વાસુ હતી. તેથી, આ વિશ્વાસુ પેઢીને યહોવાહે ઘણી મદદ કરી અને યહોશુઆ મરણની અણી પર હતો ત્યારે તેઓ વિષે બાઇબલમાં આમ નોંધવામાં આવ્યું: “યહોવાહે તેઓના પૂર્વજોની આગળ સમ ખાધા હતા, તે પ્રમાણે તેણે તેઓને ચારે તરફ શાંતિ આપી; . . . યહોવાહે ઇસ્રાએલના સંતાનને જે જે સારાં વચનો આપ્યાં હતાં તેમાંથી એકે નિષ્ફળ ગયું નહિ; સર્વ ફળીભૂત થયાં.” (યહોશુઆ ૨૧:૪૪, ૪૫) તેથી, પરીક્ષણમાં આવી પડીએ ત્યારે યહોવાહ પર આધાર રાખવાથી આપણને પણ એવો જ અનુભવ થશે.

એવી કઈ બાબત છે જે યહોવાહ પ્રત્યે આપણા વિશ્વાસને નબળો પાડી શકે? ઈસુએ કહ્યું તેમ: “કોઈથી બે ધણીની ચાકરી કરાય નહિ; . . . દેવની તથા દ્રવ્યની સેવા તમારાથી કરાય નહિ.” (માત્થી ૬:૨૪) આપણો ભરોસો યહોવાહ પર હશે તો, આપણે જગતના લોકોની જેમ ધન-દોલતમાં શાંતિ શોધીશું નહીં. ઈસુએ તેમના શિષ્યોને સલાહ આપી: “તમે જીવનમાં ઈશ્વરને પ્રથમ સ્થાન આપો અને તેમની ઇચ્છા પ્રમાણે ચાલો, તો તે તમારી તમામ જરૂરિયાતો પૂરી પાડશે.” (માત્થી ૬:​૩૩, IBSI) તેથી, ધન-દોલત પર નહિ પરંતુ ઈશ્વરને જીવનમાં પ્રથમ મૂકનાર ખ્રિસ્તી, પોતાના જીવનમાં યોગ્ય નિર્ણય લે છે. (સભાશિક્ષક ૭:૧૨) આમ કરવામાં કદાચ તેણે કંઈ ગુમાવવું પડે અથવા પૈસા બાબતે ત્યાગ કરવો પડે. પરંતુ તેને યહોવાહ તરફથી ઘણા આશીર્વાદો મળશે અને તે ચોક્કસ તેને મદદ કરશે.​—યશાયાહ ૪૮:૧૭, ૧૮.

કસોટીઓમાંથી શીખવું

તેમ છતાં, ‘યહોવાહનો અનુભવ કરો અને જુઓ કે તે ઉત્તમ છે’ એનો અર્થ એમ નથી કે આપણે જીવનમાં ન ધારેલા બનાવોથી બચી જઈશું. અથવા શેતાન અને તેના ચેલાઓ તરફથી થતા હુમલાઓ સામે રક્ષણ મળી જશે. (સભાશિક્ષક ૯:૧૧) એને બદલે, એક ખ્રિસ્તીના મક્કમ નિર્ણય અને પ્રમાણિકતાની કસોટી પણ થઈ શકે. પરંતુ, શા માટે યહોવાહ તેમના સેવકો પર થતા પરીક્ષણો ચાલવા દે છે? પ્રેષિત પીતર એનું એક કારણ જણાવે છે: “જો કે અહીં પૃથ્વી પર થોડો સમય મુસીબતો છે પણ સ્વર્ગમાં તમને અનહદ આનંદ મળશે. અગ્‍નિ જેમ સોનાને તપાવીને તેની કસોટી કરે છે તેમ આ મુસીબતો તમારા વિશ્વાસની કસોટી માટે છે. તમારો વિશ્વાસ દૃઢ રહે તો પુનરાગમનના દિવસે તમને મહિમા, પ્રશંસા અને સન્માન મળશે.” (૧ પીતર ૧:૬, ૭, IBSI) હા, કસોટી આપણો વિશ્વાસ અને યહોવાહ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. એ ઉપરાંત, શેતાનના ખોટા આરોપોનો સામનો કરતા પણ શીખવે છે.​—નીતિવચનો ૨૭:૧૧; પ્રકટીકરણ ૧૨:૧૦.

પરીક્ષણો બીજા ઘણા ખ્રિસ્તી ગુણો કેળવવા પણ મદદ કરે છે. દાખલા તરીકે, ગીતશાસ્ત્રના શબ્દોનો વિચાર કરો જે કહે છે કે “[યહોવાહ] નમ્રજનોની કદર કરે છે, પણ ગર્વિષ્ઠ માણસોને તે વેગળેથી ઓળખે છે.” (ગીતશાસ્ત્ર ૧૩૮:૬) આપણે કંઈ જન્મથી જ નમ્ર હોતા નથી પરંતુ, પરીક્ષણો આપણને એ ગુણ કેળવવા મદદ કરે છે. યાદ કરો કે મુસાના સમયમાં ઈસ્રાએલીઓને ચમત્કારથી માન્‍ના પૂરું પાડવામાં આવ્યું હતું. તેઓ અઠવાડિયાઓ અને મહિનાઓ સુધી માન્‍ના ખાઈને કદર કરવાને બદલે કંટાળી ગયા હતા. હકીકતમાં, આ તેઓની કસોટી હતી. પરંતુ, શા માટે તેઓની કસોટી કરવામાં આવી? મુસાએ કહ્યું: “[યહોવાહે] અરણ્યમાં માન્‍નાથી તારું પોષણ કર્યું; . . . આખરે તારૂં ભલું કરવા સારૂ તે તારૂં પારખું કરે.”​—⁠પુનર્નિયમ ૮:૧૬.

એ જ રીતે આપણી નમ્રતાની કસોટી પણ થઈ શકે. કઈ રીતે? દાખલા તરીકે, સંસ્થા દ્વારા કરવામાં આવેલી ગોઠવણોને આપણે કઈ રીતે જોઈએ છીએ? (યશાયાહ ૬૦:૧૭) શું આપણે પ્રચાર કાર્યમાં અને બાઇબલ શીખવતી વખતે પૂરા હૃદયથી ભાગ લઈ રહ્યા છીએ? (માત્થી ૨૪:૧૪; માત્થી ૨૮:૧૯, ૨૦) “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” બાઇબલની જે સમજણ આપે છે એને શું આપણે દિલથી સ્વીકારીએ છીએ? (માત્થી ૨૪:૪૫-૪૭; નીતિવચનો ૪:૧૮) શું આપણે સૌથી આધુનિક વસ્તુઓ, નવી ફેશનના કપડાં કે નવા મોડલની કાર મેળવવાની લાલચને ઠોકર મારીએ છીએ? નમ્ર વ્યક્તિ આ પ્રશ્નોનો હામાં જવાબ આપશે.​—૧ પીતર ૧:૧૪-૧૬; ૨ પીતર ૩:૧૧.

પરીક્ષણો આપણને બીજો એક મહત્ત્વનો ગુણ, સહનશક્તિ કેળવવા મદદ કરે છે. શિષ્ય યાકૂબે કહ્યું: “મારા ભાઈઓ, જ્યારે તમને તરેહ તરેહનાં પરીક્ષણો થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ માનો; કેમકે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઊતર્યાથી ધીરજ ઉત્પન્‍ન થાય છે.” (યાકૂબ ૧:૨, ૩) પરીક્ષણોનો સામનો કરતી વખતે યહોવાહ પર પૂરો ભરોસો રાખીશું તો આપણે મક્કમતા, દૃઢતા અને પ્રમાણિકતા જેવા ગુણો કેળવી શકીશું. તેમ જ, આ જગતનો ક્રોધિત દેવ, શેતાનના દરેક હુમલાનો સામનો કરવા આપણને શક્તિ મળશે.​—૧ પીતર ૫:૮-૧૦; ૧ યોહાન ૫:૧૯; પ્રકટીકરણ ૧૨:૧૨.

પરીક્ષણમાં સમતુલા જાળવવી

યહોવાહ પરમેશ્વરના પુત્ર, ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ હોવા છતાં, પૃથ્વી પર તેમની ઘણી જ કસોટીઓ થઈ. પરંતુ, દરેક કસોટીઓનો ધીરજપૂર્વક સામનો કરવાથી તેમને ઘણા લાભો થયા. પાઊલે લખ્યું કે ઈસુએ “જે જે સંકટો સહન કર્યાં તેથી તે આજ્ઞાપાલન શીખ્યો.” (હેબ્રી ૫:૮) ઈસુએ મરણ સુધી વફાદાર રહીને યહોવાહના નામને મહિમાવાન કર્યું. એટલું જ નહિ, તેમણે માનવજાતને પાપમાંથી મુક્ત કરવા પોતાના સંપૂર્ણ જીવનનું બલિદાન પણ આપ્યું. એનાથી, ઈસુમાં વિશ્વાસ રાખે છે અને અનંતજીવનની આશા રાખે છે તેઓ માટે એક દ્વાર ખુલી ગયું. (યોહાન ૩:૧૬) ઈસુ કસોટીઓ દરમિયાન વિશ્વાસુ રહ્યા, તેથી તે આપણા મુખ્ય યાજક અને રાજ્યના રાજા છે.​—હેબ્રી ૭:૨૬-૨૮; ૧૨:⁠૨.

આપણા વિષે શું? આપણે પણ કસોટીઓ કે પરીક્ષણો વખતે વફાદારી જાળવી રાખીશું તો, ઘણા આશીર્વાદો મળશે. તેથી બાઇબલ જેઓને સ્વર્ગીય આશા છે તેઓ માટે કહે છે: “જે માણસ પરીક્ષણમાં પાર ઊતરે છે તેને ધન્ય છે; કેમકે પાર ઊતર્યા પછી, જીવનનો જે મુગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાને કબૂલ કર્યું છે તે તેને મળશે.” (યાકૂબ ૧:૧૨) તેમ જ, પૃથ્વી પર જીવવાની આશા છે તેઓને ખાતરી આપવામાં આવે છે કે તેઓ વિશ્વાસુ રહેશે તો, નવી દુનિયામાં મરણ વગરનું જીવન પ્રાપ્ત કરશે. (પ્રકટીકરણ ૨૧:૩-૬) તેમ જ, સૌથી મહત્ત્વનું તો એ છે કે ધીરજપૂર્વક વિશ્વાસ રાખવાથી તેઓ યહોવાહના નામને મહિમા આપે છે.

તેથી, આજના સમયમાં ગમે તેવી કસોટી આવે તોપણ, આપણે ઈસુની આજ્ઞા પાળતા રહીશું તો, દરેક કસોટીઓમાંથી પાર ઊતરીશું. (૧ કોરીંથી ૧૦:૧૩; ૧ પીતર ૨:૨૧) કઈ રીતે? યહોવાહ પર ભરોસો રાખીને. યહોવાહ પર ભરોસો રાખે છે તેને તે “પરાક્રમની અધિકતા” પૂરી પાડે છે. (૨ કોરીંથી ૪:૭) તેથી, ચાલો આપણે પણ અયૂબના જેવો વિશ્વાસ રાખીએ જેમણે કઠિન પરીક્ષણોમાંથી પસાર થયા પછી કહ્યું: “મને તે પરખશે ત્યારે હું સોના જેવો નીકળીશ.”​—અયૂબ ૨૩:૧૦.

[પાન ૩૧ પર ચિત્ર]

ઈસુએ કસોટીઓ હેઠળ પણ વફાદાર રહીને યહોવાહના નામને મહિમા આપ્યો, આપણે પણ એમ જ કરી શકીએ છીએ