તમારા પડોશીઓ કોણ છે?
તમારા પડોશીઓ કોણ છે?
“આજે સમાજમાં કોઈ પોતાના પડોશીને પણ ઓળખતું નથી.”—બેન્જામિન ડીઇઝરાયેલી, ૧૯મી સદીના ઇંગ્લૅંડના નેતા.
ક્યુબાના વૃદ્ધ લોકો સમાજમાં પ્રેમ વધારવા અજોડ રીતે એકબીજાને મદદ કરે છે. વર્ષ ૧૯૯૭ના અહેવાલ પ્રમાણે, ઘરડા લોકોમાં પાંચમાંથી એક વ્યક્તિ એકબીજાને સહારો અને ઉત્તેજન આપવા તેમ જ તંદુરસ્ત રહેવા મદદ આપી રહી છે. વિશ્વ આરોગ્ય (અંગ્રેજી) મેગેઝિન નોંધે છે કે, “જ્યારે પણ ડૉક્ટરને એવું લાગે કે લોકોને ઇંજેક્શનની જરૂર છે, ત્યારે તે બીજાઓને જણાવવા આ વૃદ્ધ લોકોની મદદ લે છે, કારણ કે તેઓ બીજાઓને જણાવવા આતુર હોય છે.”
પરંતુ દુઃખની વાત છે કે આજે બધે જ આવો પ્રેમ જોવા મળતો નથી. દાખલા તરીકે, વોલ્ફગેન ડર્કસનો વિચાર કરો જે જર્મનીમાં રહેતો હતો. ધ કેનબેરા ટાઈમ્સ છાપાએ અમુક વર્ષો પહેલાં અહેવાલ આપ્યો કે વોલ્ફગેન બીજા ૧૭ કુટુંબો સાથે એક એપાર્ટમેન્ટમાં રહેતો હતો. તે લાંબા સમય સુધી દેખાયો ન હોવા છતાં, “તેના પડોશીઓમાંથી કોઈએ તેની ખબર જ ન લીધી.” છેવટે એ એપાર્ટમેન્ટનો માલિક અમુક સમય પછી તેને મળવા ગયો ત્યારે, “તેને ટીવી સામે બેઠેલા વોલ્ફગેનનું હાડપિંજર જોવા મળ્યું. તેના ખોળામાં ડિસેમ્બર ૫, ૧૯૯૩નું ટીવીના કાર્યક્રમો દર્શાવતું એક છાપું પડ્યું હતું.” હા, વોલ્ફગેન પાંચ વર્ષથી મરણ પામ્યો હતો! લોકોને પોતાના પડોશીની કંઈ પડી હોતી નથી ત્યારે, એના આવા પરિણામો આવે છે. એ કેટલું દુઃખદ કહેવાય! ધ ન્યૂ યૉર્ક ટાઈમ્સ મેગેઝિનના લેખકે લખ્યું કે ઘણા વિસ્તારોમાં લોકો વર્ષોથી રહેતા હોવા છતાં, પોતાના પડોશીઓને ઓળખતા નથી. એવું જ તેમના વિસ્તારમાં પણ “થઈ રહ્યું છે.” શું તમારા વિસ્તારમાં પણ એવું જ છે?
એ ખરું છે કે આજે મોટા ભાગના ગામડાંમાં લોકોમાં પ્રેમભાવ જોવા મળે છે. તેમ જ શહેરમાં પણ અમુક લોકો સારા પડોશી બનવા સખત પ્રયત્ન કરી રહ્યા છે. તેમ છતાં, મોટા ભાગના શહેરના રહેવાસીઓ સૂનું સૂનું અનુભવે છે, કેમ કે તેઓને ડર છે કે લોકો તેમનો ગેરફાયદો ઉઠાવશે. તેથી તેઓ પડોશીઓ સાથે કોઈ જાતનો સંબંધ રાખતા નથી. શા માટે એમ?
શા માટે ઓળખવા માંગતા નથી?
એ ખરું છે કે આપણામાંના મોટા ભાગના લોકો પડોશીઓ વચ્ચે રહેતા હોય છે. બારીમાંથી ટીવીનો અવાજ, લોકોની અવર-જવર, ચાલુ-બંધ થતી લાઇટો, આવ-જાવ કરતા વાહનોનો અવાજ, ચાલીમાં થતી હલચલ અને ખોલ-બંધ થતા દરવાજાઓથી, આપણે ખરેખર જાણીએ છીએ કે આસપાસ પડોશીઓ “રહે છે.” પરંતુ, ઘણા લોકો પડોશીઓ સાથે કોઈ સંબંધ રાખ્યા વગર, એકલા-અટૂલા રહેતા હોય છે. વળી, કેટલાક ભાગદોડના જીવનમાં પડોશીઓને ભૂલી જતા હોય છે. કદાચ આપણને એવું લાગી શકે કે પડોશીના જીવનમાં માથું મારવાની કોઈ જરૂર નથી. ઑસ્ટ્રેલિયાનું છાપું હેરોલ્ડ સન સ્વીકારે છે: “અમુક લોકો પોતાના વિસ્તારમાં એકલા-અટૂલા રહેતા હોય છે. તેથી, તેઓ સમાજમાં સહેલાઈથી ભળી જતા નથી. તેઓ મળતાવડા સ્વભાવના ન હોવાથી લોકો સહેલાઈથી તેઓને ભૂલી જાય છે.”
એમાં કંઈ નવાઈ નથી, કેમ કે આજે મોટા ભાગના લોકો “સ્વાર્થી” હોવાથી, પોતાના પડોશીઓનો ગેરલાભ ઉઠાવે છે. (૨ તીમોથી ૩:૨) એથી ઘણા લોકો એકલવાયું જીવન જીવતા હોય છે, ખાસ કરીને એવા વિસ્તારમાં, જ્યાં ગુનાઓ વધારે થતા હોય છે. એ ઉપરાંત, લોકો એકબીજા પર ભરોસો કરતા ન હોવાથી પણ એકલવાયું જીવન જીવે છે. પહેલાં જેવો પ્રેમભાવ આજે જોવા મળતો નથી.
ભલે તમારા વિસ્તારમાં ગમે એવી પરિસ્થિતિ હોય, તમે ચોક્કસ સહમત થશો કે સમાજમાં સારા પડોશીઓની ખરેખર જરૂર છે. લોકો સંપીને કામ કરે છે ત્યારે, ઘણી સફળતા મળે છે. તેમ જ સારા પડોશીઓ સમાજનું ભલું કરવામાં મોટો ભાગ ભજવે છે. હવે પછીનો લેખ બતાવશે કે આપણે પોતે કઈ રીતે સારા પડોશી બની શકીએ.