‘તેના જેવું કદી કોઈ બોલ્યું નથી’
‘તેના જેવું કદી કોઈ બોલ્યું નથી’
‘બધાએ તેને વિષે સાક્ષી આપી, અને તેના મોંમાંથી જે કૃપાની વાતો નીકળી તેથી તેઓ અચરત પામ્યા.’—લુક ૪:૨૨.
૧, ૨. (ક) શા માટે સૈનિકો ખાલી હાથે પાછા આવ્યા? (ખ) શું બતાવે છે કે ઈસુના શિક્ષણની ફક્ત સૈનિકો પર જ અસર પડી ન હતી?
મુખ્ય યાજકો અને ફરોશીઓએ ઈસુને પકડવા સૈનિકોને મોકલ્યા. પરંતુ, સૈનિકોએ ઈસુને પકડ્યા નહિ. તેથી, તેઓએ તેમને પૂછ્યું: “તમે તેને કેમ લાવ્યા નહિ?” ઈસુ તેઓનો વિરોધ કરવા લડ્યા ન હતા, તોપણ તેઓએ શા માટે તેમને પકડ્યા નહિ? સૈનિકોએ જણાવ્યું: ‘તેના જેવું કદી કોઈ બોલ્યું નથી.’ તેઓ પર ઈસુના શિક્ષણની એટલી અસર થઈ હતી કે તેઓએ તેમને પકડ્યા નહિ. *—યોહાન ૭:૩૨, ૪૫, ૪૬.
૨ ઈસુના શિક્ષણની એવી અસર ફક્ત આ સૈનિકો પર જ પડી ન હતી. બાઇબલ આપણને જણાવે છે કે તેમનું શિક્ષણ સાંભળવા અસંખ્ય લોકો આવ્યા હતા. ઈસુના ગામના લોકોએ પણ ‘તેના મોંમાંથી કૃપાની વાતો’ સાંભળીને ઘણા વખાણ કર્યા. (લુક ૪:૨૨) ઈસુએ ગાલીલના સમુદ્ર કાંઠે લોકોને હોડીમાંથી અનેક વખત પ્રવચન આપ્યું હતું. (માર્ક ૩:૯; ૪:૧; લુક ૫:૧-૩) એક પ્રસંગે “અતિ ઘણા લોકો” ખાધા-પીધા વગર અમુક દિવસ તેમની સાથે રહ્યા હતા. —માર્ક ૮:૧, ૨.
૩. ઈસુ કુશળ શિક્ષક હતા એનું મુખ્ય કારણ શું હતું?
૩ ઈસુ એવા શિક્ષક કઈ રીતે બની શક્યા? એનું મુખ્ય કારણ પ્રેમ હતું. * ઈસુ લોકોને જે સત્ય શીખવતા હતા એ તેમને ખૂબ જ પ્રિય હતું. એટલું જ નહિ, પણ લોકોને પણ તે ખૂબ ચાહતા હતા. ઈસુ પાસે શીખવવાની કળા પણ હતી. આ મેગેઝિનના અભ્યાસ માટેના લેખોમાં આપણે જોઈશું, કે ઈસુએ આટલું સરસ શિક્ષણ કઈ રીતોએ આપ્યું અને આપણે પણ કઈ રીતે એમ જ કરી શકીએ.
ઈસુનું સીધું-સાદું શિક્ષણ
૪, ૫. (ક) ઈસુએ લોકોને શીખવવા શા માટે સાદી ભાષા વાપરી અને એ શા માટે નોંધપાત્ર છે? (ખ) ઈસુએ તેમના ઉપદેશમાં વાપરેલી સાદી ભાષા શા માટે શિક્ષણ આપવાનો સુંદર નમૂનો છે?
૪ મોટે ભાગે ભણેલા લોકોની ભાષા સહેલાઈથી સમજી ન શકાય એવી હોય છે. પરંતુ, આપણે એવી રીતે બોલીએ તો શું કોઈને ફાયદો થશે? શિક્ષક તરીકે ઈસુ કદી પણ એ રીતે બોલતા ન હતા. ઈસુ પણ ભણેલાની ભાષા વાપરી શક્યા હોત. પરંતુ, તે જાણતા હતા કે ઘણા લોકો ‘અભણ તથા અજ્ઞાની’ હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૩) તેથી, તેમની પાસે ઘણું જ જ્ઞાન હોવા છતાં, લોકો સમજી શકે એ જ રીતે ઈસુ બોલ્યા. એટલે જ તો તેમના શબ્દો સાદા હોવા છતાં, લોકોના દિલ પર ઊંડી છાપ પાડનારા હતા.
૫ દાખલા તરીકે, માત્થી ૫:૩–૭:૨૭માંના ઈસુના ઉપદેશનો વિચાર કરો. એ ઉપદેશ કદાચ તેમણે લગભગ ૨૦ મિનિટમાં આપ્યો હોય શકે. છતાં, એમાં તેમણે વ્યભિચાર, છૂટાછેડા અને માલ-મિલકતના મોહ વિષે સ્પષ્ટ જણાવ્યું. (માત્થી ૫:૨૭-૩૨; ૬:૧૯-૩૪) આમ તો એ વિષયો પર સહેલાઈથી વાત કરવું મુશ્કેલ બની શકે. વળી, એ ટોળામાં ખેડૂતો, ઘેટાંપાળકો અને માછીમારો પણ હતા. તેમ છતાં, ઈસુએ એ વિષયોની એવી રીતે સમજણ આપી કે, બાળકો પણ મોટા ભાગે સમજી શક્યા. એમાં કંઈ નવાઈ નથી કે ઈસુએ ઉપદેશ પૂરો કર્યો ત્યારે, ટોળું ‘તેમના ઉપદેશથી અચરત પામ્યું.’—માત્થી ૭:૨૮.
૬. ઈસુએ કઈ રીતે શીખવ્યું હતું?
૬ લોકો સમજી શકે એવી નાની નાની કહેવતો વાપરીને, ઈસુએ સાદી રીતે તેઓને શીખવ્યું. પરંતુ, એમાં ઊંડુ સત્ય હતું. ઈસુએ એટલું સહેલી રીતે સમજાવ્યું કે તેમનો સંદેશો લોકોના મન અને દિલ પર છવાઈ ગયો હતો. ચાલો હવે આપણે એના કેટલાંક ઉદાહરણો જોઈએ: ‘કોઈથી બે ધણીની ચાકરી કરાય નહિ; દેવની તથા દ્રવ્યની સેવા તમારાથી કરાય નહિ.’ “તમે કોઈને દોષિત ન ઠરાવો, એ માટે કે તમને કોઈ દોષિત ન ઠરાવે.” “તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો.” “જેઓ સાજા છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ માંદા છે તેઓને છે.” “જેટલા તરવાર પકડે છે તેઓ સર્વ તરવારથી નાશ પામશે.” “જે કાઈસારનાં છે તે કાઈસારને, ને જે દેવનાં છે તે દેવને ભરી આપો.” “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.” * (માત્થી ૬:૨૪; ૭:૧, ૨૦; ૯:૧૨; ૨૬:૫૨; માર્ક ૧૨:૧૭; પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) આજે લગભગ ૨૦૦૦ વર્ષ પછી પણ, ઈસુની કહેવતો ભૂલાય નથી.
પ્રશ્નનો ઉપયોગ
૭. ઈસુએ શા માટે પ્રશ્નો પૂછ્યા?
૭ ઈસુએ અજોડ રીતે પ્રશ્નનો ઉપયોગ કર્યો હતો. તે જાણતા હતા કે લોકોને સીધો જ જવાબ આપવાથી સમય બચી શકે, છતાં તેમણે પ્રશ્નો પૂછ્યા. શા માટે? અમુક સમયે, તેમણે લોકોના હેતુઓ ખુલ્લા પાડવા અને તેઓને ચૂપ કરવા પ્રશ્નો પૂછ્યા. (માત્થી ૧૨:૨૪-૩૦; ૨૧:૨૩-૨૭; ૨૨:૪૧-૪૬) તેમ છતાં, ઘણી વખતે ઈસુએ સત્ય જણાવવા, લોકોના પેટની વાત કઢાવવા અને શિષ્યોને વિચાર કરતા શીખવવા, તેઓને પ્રશ્નો પૂછ્યા. ચાલો આપણે પ્રેષિત પીતરનો સમાવેશ કરતા બે ઉદાહરણો જોઈએ.
૮, ૯. મંદિરનો કર ભરવા વિષે ખરો નિર્ણય લેવા, ઈસુએ પીતરને કેવા પ્રશ્નો પૂછ્યા?
૮ પ્રથમ, એ પ્રસંગ યાદ કરો જ્યારે ઈસુ મંદિરનો કર ભરે છે કે નહિ, એ વિષે કર ઉઘરાવનારે પીતરને પૂછ્યું હતું. * પીતરે ઉતાવળે જવાબ આપ્યો, “હા.” તેમ છતાં, ઈસુએ પીતરને સમજાવવા પ્રશ્નો પૂછ્યા: “સીમોન, તને શું લાગે છે? પૃથ્વીના રાજાઓ કોની પાસેથી દાણ અથવા કર લે છે? પોતાના દીકરાઓ પાસેથી કે પારકાઓ પાસેથી? અને પીતરે તેને કહ્યું, કે પારકાઓ પાસેથી. ત્યારે ઈસુએ તેને કહ્યું, ત્યારે દીકરાઓ તો છૂટા છે.” (માત્થી ૧૭:૨૪-૨૭) ઈસુના પ્રશ્નો પરથી પીતર તેમના કહેવાનો અર્થ જાણી ગયા હોવા જોઈએ. શા માટે?
૯ ઈસુના દિવસમાં રાજવંશે કર ભરવાનો ન હતો. યહોવાહ તો વિશ્વના રાજા છે. તેથી, તેમના દીકરાને મંદિરનો કર ભરવાની કોઈ જરૂર ન હતી. જો કે ઈસુએ પીતરને સીધે-સીધો જવાબ આપ્યો નહિ. પરંતુ, તેમણે એવા પ્રશ્નો પૂછ્યા જેથી પીતર પોતે ખરા નિર્ણય પર આવી શકે. કદાચ પીતરને એ પણ સમજાયું હશે કે બોલતા પહેલાં વિચાર કરવો જોઈએ.
૧૦, ૧૧. પીતરે એક માણસનો કાન કાપી નાખ્યો ત્યારે ઈસુએ શું કર્યુ, અને ઈસુ પ્રશ્નોનો કઈ સુંદર રીતે ઉપયોગ કર્યો?
૧૦ બીજો પ્રસંગ ૩૩ સી.ઈ. પાસ્ખાપર્વની રાતનો છે, જ્યારે ઘણા લોકો ઈસુને પકડવા આવ્યા હતા. શિષ્યોએ ઈસુને પૂછ્યું કે અમે લડીએ? (લુક ૨૨:૪૯) ઈસુ જવાબ આપે એ પહેલાં, પીતરે તલવારથી એક માણસનો કાન કાપી નાખ્યો (કદાચ પીતર નિશાન ચૂકી ગયો હોય શકે). ઈસુ તેઓની સાથે જવા તૈયાર હતા છતાં, પીતર તેમની ઇચ્છા વિરુદ્ધ ગયા. ઈસુએ શું કર્યું? હંમેશની જેમ, ઈસુએ ધીરજથી પીતરને ત્રણ પ્રશ્નો પૂછ્યા: “જે પ્યાલો મારા બાપે મને આપ્યો છે તે શું હું ના પીઉં?” “શું તું એવું ધારે છે કે હું એવો શક્તિમાન નથી કે જો મારા બાપની પાસે માગું, તો તે હમણાં જ દૂતોની બાર ફોજ કરતાં વધારે મારી પાસે નહિ મોકલી દે? તો ધર્મલેખોમાં જે લખેલું છે કે એવું થવું જ જોઈએ, તે કેવી રીતે પૂરૂં થશે?”—યોહાન ૧૮:૧૧; માત્થી ૨૬:૫૨-૫૪.
૧૧ જરા વિચાર કરો. ઈસુ ઉશ્કેરાયેલા ટોળાથી ઘેરાયેલા હતા. તે જાણતા હતા કે જલદી જ તેમનું મરણ થવાનું છે. તેમ જ, તેમના પર પોતાના પિતાના નામને દોષમુક્ત કરવાની, અને માનવ કુટુંબને તારણ આપવાની જવાબદારી હતી. તોપણ, તેમણે સમય લઈને પીતરના હૃદયમાં સત્ય પહોંચાડવા મહત્ત્વના પ્રશ્નો પૂછ્યા. એનાથી આપણે જોઈ શકીએ છીએ કે ઈસુ પ્રશ્નોનો સુંદર રીતે ઉપયોગ કર્યો.
અજોડ ઉદાહરણો
૧૨, ૧૩. (ક) ઈસુએ કેવા અજોડ ઉદાહરણો વાપર્યાં? (ખ) ઈસુએ કઈ રીતે બતાવ્યું કે પોતાના ભાઈનો વાંક શોધવો એ મૂખર્તાભર્યું છે?
૧૨ ઈસુએ પોતાના શિક્ષણમાં બીજી એક રીતનો ઉપયોગ કર્યો હતો. એ છે વાત પર ભાર મૂકવા, માની ન શકાય એવા ઉદાહરણો જાણીજોઈને વાપરવા. એવા ઉદાહરણ દ્વારા ઈસુએ ભૂલાય નહિ એવું ચિત્ર મનમાં ઊભું કર્યું. ચાલો એના અમુક ઉદાહરણો જોઈએ.
૧૩ “કોઈને દોષિત ન ઠરાવો” એવા ઉપદેશ પર ભાર આપતા ઈસુએ કહ્યું: “તું તારી આંખમાંનો ભારોટિયો ધ્યાનમાં ન લાવતાં તારા ભાઈની આંખમાંનું તણખલું શા માટે જુએ છે?” (માત્થી ૭:૧-૩) શું તમે એની કલ્પના કરી શકો છો? એ ઉદાહરણમાં વાંક કાઢનારને પોતાના ભાઈની આંખમાંથી “તણખલું” કાઢવાની આદત હોય છે. કદાચ તે એવું વિચારે કે તેનો ભાઈ બરાબર ન્યાય કરી શકતો નથી, કેમ કે તે હકીકતો સ્પષ્ટ જોઈ શકતો નથી. પરંતુ તેની પોતાની આંખમાં “ભારોટિયો,” અથવા ઘરને ટેકો આપતા મોભના લાકડા જેટલી મોટી ખામી હોવાથી, પોતે બરાબર જોઈ શકતો નથી. આમ, ઈસુએ ભાર મૂક્યો કે પોતાની મોટી મોટી ભૂલો સામે આંખ આડા કાન કરીને, નાની નાની બાબતોમાં પોતાના ભાઈઓનો વાંક કાઢવો, એ કેવું મૂર્ખતાભર્યું કહેવાય!
૧૪. ઈસુએ ઊંટ અને મચ્છરનું ઉદાહરણ વાપરીને શાના પર મૂક્યો?
૧૪ બીજા એક પ્રસંગે ઈસુએ ફરોશીઓનું આમ વર્ણન કર્યું: “આંધળા દોરનારાઓ, તમે મચ્છરને ગાળી કાઢો છો, પણ ઊંટને ગળી જાઓ છો.” (માત્થી ૨૩:૨૪) આ ઉદાહરણમાં ઈસુએ માની ન શકાય એવી વાત જાણીજોઈને કહી હતી. શા માટે? એ સમયના લોકોના મનમાં મચ્છર અને ઊંટમાંથી કોણ મોટું હતુ? અંદાજ પ્રમાણે ૭ કરોડ મચ્છરોનું વજન સરેરાશ એક ઊંટ જેટલું હતું! ઈસુ એ પણ જાણતા હતા કે ફરોશીઓ દ્રાક્ષારસને કપડાંથી ગાળતા હતા, જેથી તેઓ મચ્છર ગળી ન જાય અને અશુદ્ધ ન થાય. નિયમ પ્રમાણે ઊંટ અશુદ્ધ પ્રાણી હતું, જેના જેવા તેઓના ખોટાં કાર્યો હતાં, જે તેઓ જરાય ધ્યાન પર લેતા ન હતા. (લેવીય ૧૧:૪, ૨૧-૨૪) ઈસુનું કહેવું સમજાય એવું હતું. ફરોશીઓ નાની નાની બાબતોમાં પણ નિયમો બનાવતા હતા. પરંતુ, મહત્ત્વની બાબતો એટલે કે ‘ન્યાય, દયા તથા વિશ્વાસ’ જેવું કશું જ તેઓમાં ન હતું. (માત્થી ૨૩:૨૩) ઈસુએ તેઓનો ઢોંગ ખુલ્લો પાડ્યો.
૧૫. ઈસુએ કેવા ઉદાહરણો વાપરીને શીખવ્યું?
૧૫ ઈસુએ તેમના પ્રચારમાં વારંવાર એવા ઉદાહરણોનો ઉપયોગ કર્યો. એમાંના અમુક ઉદાહરણોનો વિચાર કરો. “રાઈના દાણા જેટલો વિશ્વાસ” પહાડ ખસેડી શકે છે. થોડા વિશ્વાસથી ઘણી બાબતો સિદ્ધ થઈ શકે એ બતાવવા, ઈસુએ કેટલા સરસ ઉદાહરણનો ઉપયોગ કર્યો! (માત્થી ૧૭:૨૦) એ જ રીતે ઈસુએ વાપરેલા બીજા એક ઉદાહરણની કલ્પના કરો, જેમાં ઊંટ સોયના નાકામાંથી પસાર થતું હોય. આ બતાવે છે કે જે માલમિલકત પાછળ પડ્યો હોય, તેના માટે પૂરા દિલથી પરમેશ્વરની સેવા કરવી કેટલું અઘરું છે. (માત્થી ૧૯:૨૪) ઈસુએ થોડા શબ્દોમાં જે મહત્ત્વનું સત્ય શીખવ્યું એનાથી શું તમને આશ્ચર્ય થતું નથી?
સત્ય શીખવતી દલીલો
૧૬. ઈસુએ કઈ રીતે સત્ય શીખવ્યું?
૧૬ ઈસુ સંપૂર્ણ હોવાથી તેમની પાસે યોગ્ય રીતે દલીલ કરવાની આવડત હતી. તેમ છતાં, તેમણે એનો કદી ખોટી રીતે ઉપયોગ કર્યો ન હતો. ઈસુએ લોકોને હંમેશાં સમજી વિચારીને સત્ય શીખવ્યું હતું. અમુક સમયે, તેમણે પોતાનો વિરોધ કરનાર ધર્મ ગુરુઓના આરોપોને જૂઠા પાડવા યોગ્ય દલીલ કરી હતી. ઘણા કિસ્સામાં, તેમણે પોતાના શિષ્યોને મહત્ત્વનો પાઠ ભણાવવા માટે સમજી શકાય એવી દલીલો કરી. ચાલો આપણે જોઈએ કે ઈસુએ કઈ રીતે દલીલો કરી હતી.
૧૭, ૧૮. ફરોશીઓના આરોપો જૂઠા પાડવા ઈસુએ કેવી દલીલ કરી?
૧૭ ભૂત વળગેલો એક માણસ આંધળો અને મૂંગો હતો, તેને ઈસુએ સાજો કર્યો એ પ્રસંગનો વિચાર કરો. એ વિષે સાંભળીને ફરોશીઓએ કહ્યું: “ભૂતોના સરદાર બાલઝબુલની [શેતાનની] મદદ વગર તે ભૂતોને કાઢતો નથી.” નોંધ કરો કે ફરોશીઓ સ્વીકારતા હતા કે ભૂતોને કાઢવા માણસનું કામ નથી. તેમ છતાં, ઈસુમાં લોકો માને નહિ એ માટે તેઓએ એને શેતાનની શક્તિ કહી. તેઓનો નિર્ણય યોગ્ય ન હતો એ બતાવવા માટે, ઈસુએ આમ કહ્યું: “પ્રત્યેક રાજ્ય જેમાં ફૂટ પડે, તે તૂટી પડે છે; અને પ્રત્યેક નગર અથવા ઘર જેમાં ફૂટ પડે, તે સ્થિર નહિ રહેશે. અને જો શેતાન શેતાનને કાઢે તો તે પોતે પોતાની સામે થયો; તો પછી તેનું રાજ્ય શી રીતે સ્થિર રહે?” (માત્થી ૧૨:૨૨-૨૬) હકીકતમાં ઈસુ કહેતા હતા કે ‘તમારા કહેવા પ્રમાણે હું શેતાનની શક્તિથી આ કરતો હોઉં તો, હું તેના કાર્યોને રદ કરું છું. બીજા શબ્દમાં, શેતાન પોતાના જ પગ પર કુહાડી મારે છે.’ કેવી જોરદાર દલીલ હતી!
૧૮ ઈસુએ એના વિષે વધારે સમજાવ્યું. તે જાણતા હતા કે અમુક ફરોશીઓ પણ ભૂતો કાઢતા હતા. તેથી, તેમણે સાદો પણ છક કરી દે એવો પ્રશ્ન પૂછ્યો: “જો હું બાલઝબુલની મદદથી ભૂતોને કાઢું છું, તો તમારા દીકરા કોનાથી કાઢે છે? માટે તેઓ તમારા ન્યાયાધીશ થશે.” (માત્થી ૧૨:૨૭) ઈસુની દલીલ આ પ્રમાણે હતી: ‘હકીકતમાં હું શેતાનની શક્તિથી ભૂતોને કાઢતો હોવ તો, તમારા શિષ્યો પણ તેની શક્તિથી જ એમ કરે છે.’ હવે ફરોશીઓ શું કહી શકે? તેઓ થોડા કબૂલ કરવાના હતા કે પોતાના શિષ્યો પણ શેતાનની શક્તિથી જ એમ કરે છે. ઈસુની આવી જોરદાર દલીલથી ફરોશીઓને નીચું જોવું પડ્યું.
૧૯, ૨૦. (ક) ઈસુએ કેવી યોગ્ય દલીલો કરી? (ખ) “એ કેટલું વિશેષ” એવા શબ્દોથી ઈસુએ શિષ્યોને કઈ રીતે પ્રાર્થના કરતા શીખવ્યું?
૧૯ એ ઉપરાંત, ઈસુએ ધર્મ ગુરુઓને ચૂપ કરવા યોગ્ય દલીલ કરીને યહોવાહ વિષેનું ખરું સત્ય શીખવ્યું. અમુક સમયે તેમણે “તે કેટલું વિશેષ” જેવા શબ્દો વાપરીને દલીલ કરી. તેમ જ, લોકો જે સત્ય જાણતા હતા એમાં વિશ્વાસ વધારવા માટે તેમણે મદદ કરી. ચાલો આપણે એના બે ઉદાહરણો જોઈએ.
૨૦ ઈસુના શિષ્યોએ પ્રાર્થના કરતા શીખવવાનું કહ્યું ત્યારે, તેમણે એક માણસનું ઉદાહરણ આપ્યું. એમાં એ માણસ પોતાની જરૂરિયાત માટે પોતાના મિત્રને “આગ્રહ” કર્યા કરે છે. તેથી, તે છેવટે તેની માંગ પૂરી પાડે છે. ઈસુએ એ પણ જણાવ્યું કે માબાપ પોતાની ઇચ્છાથી બાળકોને “સારાં દાન” આપે છે. પછી તેમણે અંતમાં કહ્યું: ‘તમે ભૂંડા છતાં તમારાં છોકરાંને સારાં દાન આપી જાણો છો, તો આકાશમાંના બાપની પાસેથી જેઓ માગે, તેમને તે પવિત્ર આત્મા આપશે, એ કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?’ (અક્ષરો અમે ત્રાંસા ર્ક્યા છે.) (લુક ૧૧:૧-૧૩) ઈસુ અહીં યહોવાહ અને અપૂર્ણ મનુષ્યોની સરખામણી નહિ, પણ તફાવત બતાવતા હતા. એક મિત્ર પોતાના પડોશીના આગ્રહને કારણે તેની જરૂરિયાતો પૂરી પાડે છે. તેમ જ અપૂર્ણ માનવો પણ પોતાનાં બાળકોની કાળજી રાખે છે. તો પછી, શું યહોવાહ તેમના સેવકોની પ્રાર્થના સાંભળીને તેઓને પવિત્ર આત્મા નહિ આપે?
૨૧, ૨૨. (ક) જીવન જરૂરિયાતની ચિંતા ન કરવા વિષે સલાહ આપતા ઈસુએ કેવી દલીલ કરી? (ખ) ઈસુની શીખવવાની રીતોને તપાસ્યા પછી આપણે શું કહી શકીએ?
૨૧ રોટી, કપડાં અને મકાનની ચિંતા ન કરવા વિષે સલાહ આપતા, ઈસુએ એવી જ દલીલ કરી હતી. તેમણે કહ્યું: “કાગડાઓનો વિચાર કરો; તેઓ તો વાવતા નથી અને કાપતા નથી, તેઓની પાસે વખાર કે કોઠાર નથી; તોપણ દેવ તેઓનું પોષણ કરે છે: પક્ષીઓ કરતાં તમે કેટલા વિશેષ મૂલ્યવાન છો! ફૂલઝાડોનો વિચાર કરો, તેઓ કેવાં વધે છે: તેઓ મહેનત કરતાં નથી, તેઓ કાંતતાં પણ નથી; . . . એ માટે ખેતરનું ઘાસ જે આજ છે અને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે, તેને જો દેવ એવું પહેરાવે છે, તો ઓ અલ્પવિશ્વાસીઓ, તે તમને પહેરાવશે એ કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?” (અક્ષરો અમે ત્રાંસા ર્ક્યા છે.) (લુક ૧૨:૨૪, ૨૭, ૨૮) હા, યહોવાહ પક્ષીઓ અને ફૂલોની કાળજી રાખે છે. તો શું તે તેમના સેવકોની કાળજી નહિ રાખે! ખરેખર, ઈસુની આવી પ્રેમાળ અને અસરકારક દલીલો લોકોના દિલ પર છવાઈ ગઈ હતી.
૨૨ ઈસુની શીખવવાની થોડી રીતો તપાસ્યા પછી, આપણે કહી શકીએ કે પેલા સૈનિકોએ સાચું જ કહ્યું હતું કે ‘તેના જેવું કદી કોઈ માણસ બોલ્યું નથી.’ કદાચ લોકોને જે રીતથી શીખવવામાં ઈસુ વધારે જાણીતા હતા, એ ઉદાહરણો અને દૃષ્ટાંતો હોય શકે. તેમણે એવી રીતો શા માટે વાપરી? તેમના ઉદાહરણો શા માટે આટલા અસરકારક હતા? હવે પછીનો લેખ આ પ્રશ્નોના જવાબ આપશે.
[ફુટનોટ્સ]
^ એ સૈનિકો સાન્હેડ્રીન અને મુખ્ય યાજકોના હાથ નીચે કામ કરતા હતા.
^ ઑગસ્ટ ૧૫, ૨૦૦૨ના ચોકીબુરજમાંથી “મેં તમને નમૂનો આપ્યો છે” અને ‘કાયમ મારી પાછળ ચાલો’ લેખો જુઓ.
^ છેલ્લી કહેવત પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫માં જોવા મળે છે. એ ફક્ત પ્રેષિત પાઊલ જ જણાવે છે. તેમ છતાં, એવા જ વિચારો માત્થી, માર્ક, લુક અને યોહાનના પુસ્તકોમાં પણ જોવા મળે છે. પાઊલે એ કહેવત (સજીવન થયેલા ઈસુ પાસેથી અથવા તેમના શિષ્યો પાસેથી) સાંભળી હોય શકે, કે પછી પરમેશ્વરની પ્રેરણાથી એ જાણી હોય શકે.—પ્રેરિતોનાં કૃત્યો ૨૨:૬-૧૫; ૧ કોરીંથી ૧૫:૬, ૮.
^ યહુદીઓની ફરજ હતી કે દર વર્ષે બે ચાંદીના સિક્કા (લગભગ બે દિવસનો પગાર) મંદિરના કર માટે આપે. એ પૈસા મંદિરના સમારકામ, એની દેખરેખ અને લોકો માટે દરરોજ બલિદાન ચઢાવવા વપરાતા હતા.
શું તમને યાદ છે?
• કયા ઉદાહરણો બતાવે છે કે ઈસુએ સીધી-સાદી રીતે શીખવ્યું?
• શા માટે ઈસુએ શીખવતી વખતે પ્રશ્નો પૂછ્યા?
• ઈસુએ વાપરેલા અજોડ ઉદાહરણો કેવા હતા અને કઈ રીતે તેમણે એનો ઉપયોગ કર્યો?
• ઈસુએ શિષ્યોને યહોવાહ વિષે સત્ય શીખવવા કેવી દલીલો કરી હતી?
[Questions]
[પાન ૯ પર ચિત્ર]
ઈસુએ સાદી ભાષા વાપરી જેથી લોકો સમજી શકે
[પાન ૧૦ પર ચિત્ર]
ફરોશીઓ ‘મચ્છરને ગાળી અને ઊં ટને ગળી જતા હતા’