સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મહાન શિક્ષક પાસેથી શીખો

મહાન શિક્ષક પાસેથી શીખો

મહાન શિક્ષક પાસેથી શીખો

“તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; . . . મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ.”​—⁠માત્થી ૨૮:૧૯, ૨૦.

૧, ૨. (ક) ક્યા અર્થમાં આપણે સર્વ શિક્ષકો છીએ? (ખ) બીજાઓને શીખવવાની આપણી કઈ જવાબદારી છે?

 શું તમે શિક્ષક છો? અમુક રીતે આપણે સર્વ શિક્ષક છીએ. તમે કોઈને રસ્તો બતાવો, કામ શીખવો, અથવા તો બાળકને બુટની દોરી બાંધવાનું સમજાવો ત્યારે, તમે શીખવી રહ્યા છો. શું એ ખરું નથી કે બીજાઓને એ રીતે મદદ કરવાથી આપણને આનંદ થાય છે?

બીજાઓને શીખવવાની વાત આવે ત્યારે, સાચા ખ્રિસ્તીઓ પાસે ભારે જવાબદારી રહેલી છે. આપણને કામ સોંપવામાં આવ્યું છે કે “સર્વ દેશનાઓને શિષ્ય કરો; . . . તેઓને શીખવતા જાઓ.” (માત્થી ૨૮:૧૯, ૨૦) મંડળમાં પણ આપણે શીખવવાનું હોય છે. મંડળના ભાઈઓને “પાળકો તથા શિક્ષકો” તરીકે નીમવામાં આવે છે, જેથી તેઓ દરેકને વિશ્વાસમાં દૃઢ કરે. (એફેસી ૪:૧૧-૧૩, પ્રેમસંદેશ) અનુભવી બહેનોએ જુવાન સ્ત્રીઓને “સારી શિખામણ આપનારી થવું જોઈએ.” (તીતસ ૨:૩-૫) આપણને દરેકને વિનંતી છે કે આપણા ભાઈ-બહેનોને ઉત્તેજન આપતા રહીએ. ઉત્તેજન આપવા માટે આપણે બાઇબલ વાપરીએ. (૧ થેસ્સાલોનીકી ૫:૧૧) બીજાઓને યહોવાહ વિષે શીખવવાની આપણી પાસે કેવી સુંદર તક છે, જેનાથી હંમેશ માટે લાભ થઈ શકે છે!

૩. કઈ રીતે આપણે સારા શિક્ષક બની શકીએ?

તો પછી, આપણે કઈ રીતે શીખવવામાં કુશળ બની શકીએ? સૌ પ્રથમ, આપણે મહાન શિક્ષક ઈસુને પગલે ચાલવું જોઈએ. ‘પરંતુ, આપણે કઈ રીતે એમ કરી શકીએ?’ કદાચ આપણને લાગે કે, ‘તે તો સંપૂર્ણ હતા.’ ખરું કે આપણે તેમના જેવા શિક્ષક બની શકતા નથી. તોપણ, આપણે ઈસુની જેમ શીખવવા, બનતું બધું જ કરવું જોઈએ. ચાલો હવે જોઈએ કે કઈ રીતે આપણે પણ તેમની શીખવવાની ચાર રીતો અપનાવી શકીએ. જેમ કે સાદી રીતે શીખવવું, પ્રશ્નોનો ઉપયોગ કરવો, સમજી શકાય એવી દલીલો કરવી અને યોગ્ય ઉદાહરણો વાપરવા.

સાદી રીતે શીખવો

૪, ૫. (ક) શા માટે બાઇબલનું સત્ય સાદી રીતે શીખવવું જોઈએ? (ખ) સાદી રીતે શીખવવા માટે કેવા શબ્દો વાપરવા જોઈએ?

બાઇબલમાં મળી આવતું યહોવાહનું સત્ય અઘરું નથી. એ વિષે ઈસુએ પ્રાર્થનામાં આમ કહ્યું: “ઓ પિતા . . . હું તમારો આભાર માનું છું કે જ્ઞાનીઓથી સત્યને ગુપ્ત રાખીને તમે તે બાળકો સમક્ષ પ્રગટ કર્યું છે.” (માત્થી ૧૧:​૨૫, IBSI) નમ્ર અને પ્રમાણિક લોકોને જ યહોવાહે પોતાના હેતુઓ જાહેર કર્યા છે. (૧ કોરીંથી ૧:૨૬-૨૮) તેથી, બાઇબલમાંથી સત્ય શીખવું સહેલું છે.

તમે કોઈને બાઇબલ શીખવો અથવા એ વિષે કોઈને વધુ જાણવું હોય, તેને ફરી મળો ત્યારે, તમે કઈ સાદી રીતે શીખવી શકો? આપણે મહાન શિક્ષક પાસેથી શું શીખ્યા? લોકો સહેલાઈથી સમજી શકે એ માટે ઈસુ સાદી ભાષામાં બોલ્યા, કેમ કે તેઓમાંના ઘણા “અભણ તથા અજ્ઞાન” હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૩) સાદી રીતે શીખવવા માટે સૌ પ્રથમ તમારા શબ્દો પર ધ્યાન આપો. બીજાઓને સત્ય શીખવવા માટે, આપણે અઘરા શબ્દો કે વાક્યો વાપરવાની જરૂર નથી. “ભારે શબ્દો” વાપરવાથી, ખાસ કરીને ઓછું ભણેલા લોકો શરમાઈ જઈ શકે. (૧ કોરીંથી ૨:૧, ૨, IBSI) ઈસુના ઉદાહરણો બતાવે છે કે સાદા શબ્દોથી સત્ય સમજાવી શકાય છે.

૬. આપણે કોઈને બાઇબલ શીખવતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ?

આપણે બાઇબલ સાદી રીતે શીખવીએ ત્યારે ઘણી માહિતી એકસાથે આપી દેવી ન જોઈએ. ઈસુએ પોતાના શિષ્યોની મર્યાદા ધ્યાનમાં રાખી હતી. (યોહાન ૧૬:૧૨) આપણે પણ એમ જ કરવું જોઈએ. દાખલા તરીકે, જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તકમાંથી શીખવતી વખતે, આપણે બધું જ સમજાવવાની જરૂર નથી. * તેમ જ, એ પુસ્તકમાં અમુક ભાગ પૂરા કરવા જ જોઈએ એમ વિચારીને ઉતાવળ કરવાની જરૂર નથી. એના બદલે, વિદ્યાર્થી જેટલું સમજી શકે અને તેને જરૂર હોય એટલી જ માહિતી આપી શકાય. આપણો ધ્યેય તેમને ખ્રિસ્તના શિષ્ય અને યહોવાહના સેવક બનાવવાનો છે. તે જે શીખે છે એ સારી રીતે સમજી શકે માટે, આપણે તેને પૂરતો સમય આપવાની જરૂર છે. આમ, સત્ય તેના દિલમાં ઉતરવાથી તે પોતાના જીવનમાં ફેરફાર કરી શકે.​—⁠રૂમીઓને પત્ર ૧૨:૨.

૭. મંડળમાં ટોક આપતી વખતે કયા સૂચનો આપણને સહેલાઈથી શીખવવામાં મદદ કરી શકે?

આપણે મંડળમાં ટોક આપીએ ત્યારે, ખાસ કરીને નવી વ્યક્તિ ‘સમજી શકે’ એમ કઈ રીતે બોલી શકીએ? (૧ કોરીંથી ૧૪:૯) ત્રણ ઉદાહરણોનો વિચાર કરો જે મદદ કરી શકે. પ્રથમ, અઘરા શબ્દોને સમજાવો. બાઇબલમાંથી આપણે એવા ઘણા શબ્દો શીખીએ છીએ જે બધા જાણતા નથી. જેમ કે, “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર,” “બીજાં ઘેટાં” અને “મહાન બાબેલોન.” હવે આવા શબ્દો વાપરીએ ત્યારે, લોકો સમજી શકે એવા સાદા શબ્દોમાં આપણે એ સમજાવવા જોઈએ. બીજું, ઘણા શબ્દો ન વાપરો. ઘણા શબ્દો વાપરવાથી અને વધારે વિગતો જણાવવાથી, આપણે લોકોને થકવી નાખીશું. વધારે પડતા શબ્દો અને વાક્યો ન વાપરવાથી ટોક સહેલાઈથી સમજી શકાય છે. ત્રીજું, ઘણી બધી માહિતી આપવાનો પ્રયત્ન ન કરો. આપણે કરેલા સંશોધનમાં ઘણી રસપ્રદ માહિતી હોય શકે. પણ માહિતી સાદી હોય તો વધારે સહેલાઈથી સમજી શકાય છે. તેમ જ, મુદ્દાને ટેકો આપતી અને સમય પ્રમાણે પૂરી કરી શકાય, એટલી જ મહિતી વાપરો.

પ્રશ્નો સારી રીતે વાપરો

૮, ૯. આપણે સામેવાળી વ્યક્તિને જાણવાનું મન થાય એવા પ્રશ્નો કઈ રીતે પૂછી શકીએ?

યાદ કરો કે ઈસુ સારી રીતે પ્રશ્નનો ઉપયોગ કરતા હતા, જેથી શિષ્યોના મનની વાત જાણે અને તેઓને ઊંડા વિચારો કરતા શીખવી શકે. ઈસુ પ્રશ્નોથી તેઓના દિલ સુધી પહોંચી શક્યા હતા. (માત્થી ૧૬:૧૩, ૧૫; યોહાન ૧૧:૨૬) આપણે ઈસુની જેમ કઈ રીતે પ્રશ્નો પૂછી શકીએ?

આપણે પ્રચારમાં હોઈએ ત્યારે સામેવાળી વ્યક્તિને જાણવાનું મન થાય એવા પ્રશ્નો પૂછીએ. આમ, પરમેશ્વરના રાજ્ય વિષે વાત કરવાની તક ઊભી થશે. તેઓને ગમે, એવા પ્રશ્નોની પસંદગી આપણે કઈ રીતે કરી શકીએ? વ્યક્તિ જોડે વાત કરતી વખતે આસપાસની વસ્તુઓને ધ્યાન આપો. શું ત્યાં રમકડાં પડ્યાં છે જેથી આપણને ખબર પડે કે ઘરમાં બાળકો પણ છે? એમ હોય તો, તમે તેઓને પૂછી શકો: ‘તમારા બાળકો મોટા થશે ત્યારે, આ જગતની પરિસ્થિતિ કેવી હશે એ વિષે શું તમે કદી વિચાર્યું છે?’ (ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧) શું ઘરના દરવાજા પર ઘણા બધા તાળાં અથવા ઘર પર અલાર્મ સિસ્ટમ છે? એમ હોય તો આપણે પૂછી શકીએ: ‘શું તમને લાગે છે કે આપણે પોતાના ઘરમાં કે બહાર હોઈએ ત્યારે, કોઈનો ડર ન લાગે એવો સમય આવશે?’ (મીખાહ ૪:૩, ૪) શું તમે ઘર આગળ એવું કંઈ જુઓ છો જે બતાવી શકે કે ઘરમાં અપંગ વ્યક્તિ છે? તો આપણે પૂછી શકીએ: ‘શું એવો વખત આવશે જ્યારે કોઈ બીમાર નહિ થાય?’ (યશાયાહ ૩૩:૨૪) વળી, બાઇબલ ચર્ચા કઈ રીતે શરૂ કરવી અને ચાલુ રાખવી પુસ્તિકામાંથી ઘણાં સૂચનો મળી શકે છે. *

૧૦. આપણે કેવા પ્રશ્નોથી વ્યક્તિના મનના વિચારો “બહાર કાઢી” શકીએ, પણ કઈ સાવચેતી રાખવી જોઈએ?

૧૦ કોઈની સાથે બાઇબલની ચર્ચા કરતી વખતે આપણે કેવા પ્રશ્નો પૂછવા જોઈએ? ઈસુની જેમ આપણે મન વાંચી શકતા નથી. તેમ છતાં, સમજી વિચારીને પૂછેલા પ્રશ્નો વ્યક્તિના મનની વાત અને વિચારોને “બહાર કાઢી” લાવવા મદદ કરી શકે. (નીતિવચનો ૨૦:૫) દાખલા તરીકે, “શા માટે દેવમય જીવન જીવવું સુખ લાવે છે,” એ પ્રકરણની જ્ઞાન પુસ્તકમાંથી આપણે ચર્ચા કરી રહ્યા હોઈએ. એમાં અપ્રમાણિકતા, વ્યભિચાર અને બીજી બાબતો વિષે પરમેશ્વરના વિચારોની ચર્ચા કરવામાં આવી છે. શીખનાર વ્યક્તિ પુસ્તકમાંથી પ્રશ્નોના જવાબ સાચો આપી શકે. પરંતુ, શું તે શીખી રહ્યો છે એની સાથે સહમત છે? આપણે પૂછી શકીએ: ‘યહોવાહ આ વિષે જે જણાવે છે એના બારામાં તમારો શું વિચાર છે?’ ‘તમે બાઇબલના આ સિદ્ધાંતને કઈ રીતે લાગુ પાડશો?’ જો કે ખાસ સાવચેતી રાખીએ કે આપણે તેમની સાથે માનથી વાતચીત કરીએ. આપણે એવા કોઈ પ્રશ્નો ન પૂછીએ જેનાથી વ્યક્તિને શરમાવું પડે.​—⁠નીતિવચનો ૧૨:૧૮.

૧૧. ટોક આપનાર કેવા પ્રશ્નોનો ઉપયોગ કરી શકે?

૧૧ ટોક આપનારા ભાઈઓ પણ પ્રશ્નનો સારી રીતે ઉપયોગ કરી શકે છે. તે એવા પ્રશ્નો પૂછી શકે, જે સાંભળનારને વિચારવા મદદ કરી શકે. આ એવા સવાલ છે, જે સવાલોમાં એના જવાબ પણ આવી જાય છે. ઈસુએ પણ એવા પ્રશ્નોનો ઉપયોગ કર્યો હતો. (માત્થી ૧૧:૭-૯) વળી, ટોક આપનાર ભાઈ શરૂઆત કર્યા પછી, મહત્ત્વના મુદ્દાની ચર્ચા કરવા માટે પણ પ્રશ્નનો ઉપયોગ કરી શકે. તે કહી શકે: “આજની ચર્ચામાં આપણે આ પ્રશ્નોને ધ્યાન આપીશું . . . .” પછી, અંતે તે મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકવા, ફરીથી એ પ્રશ્નો જણાવી શકે.

૧૨. કઈ રીતે વડીલો ભાઈ-બહેનોને બાઇબલમાંથી દિલાસો આપવા પ્રશ્નો પૂછી શકે?

૧૨ વડીલો ભાઈ-બહેનોની મુલાકાત લે ત્યારે પણ, નિરાશ થયેલાને બાઇબલમાંથી દિલાસો આપવા પ્રશ્નો પૂછી, તેઓને મદદ કરી શકે છે. (૧ થેસ્સાલોનીકી ૫:૧૪) દાખલા તરીકે, નિરાશ ભાઈ કે બહેનને મદદ કરવા, એક વડીલ ગીતશાસ્ત્ર ૩૪:૧૮ તરફ ધ્યાન દોરી શકે: “આશાભંગ થએલાઓની પાસે યહોવાહ છે, અને નમ્ર આત્માવાળાને તે તારે છે.” એ વચન તેમને લાગુ પડે છે, એ બતાવવા માટે વડીલ પૂછી શકે: ‘યહોવાહ કોની પાસે છે? શું તમને નથી લાગતું કે તે “આશાભંગ” થયેલા અને “નમ્ર” લોકો પાસે છે? બાઇબલ કહે છે કે યહોવાહ એવા લોકો પાસે છે તો, શું એનો અર્થ એવો નથી કે યહોવાહ તમારી નજીક પણ છે?’ આવી પ્રેમાળ રીતે ખાતરી આપવાથી, નિરાશ થયેલા આપણા ભાઈ-બહેનને ખરેખર ઉત્તેજન મળશે.​—⁠યશાયાહ ૫૭:૧૫.

સમજી શકાય એવી દલીલ

૧૩, ૧૪. (ક) પરમેશ્વરમાં ન માનતી વ્યક્તિ સાથે આપણે કેવી દલીલ કરી શકીશું? (ખ) દરેક વ્યક્તિ આપણું સાંભળે એવી આશા શા માટે રાખવી જોઈએ નહિ?

૧૩ આપણે સેવાકાર્યમાં સમજી શકાય એવી દલીલો કરીને લોકોના હૃદય સુધી પહોંચવા માંગીએ છીએ. (પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૮; ૨૮:૨૩, ૨૪) શું એનો અર્થ એ કે બાઇબલનું સત્ય જણાવવા, આપણે અટપટી દલીલો કરવી જોઈએ? બિલકુલ નહિ. સમજી શકાય એવી દલીલો ગૂંચવણભરી હોવી જોઈએ નહિ. દલીલ સાદી હોય તો, લોકો સારી રીતે સમજી શકે છે. એક ઉદાહરણનો વિચાર કરો.

૧૪ કોઈ કહે કે તે પરમેશ્વરને જોઈ શકતા ન હોવાથી, તેમને માનતા નથી, ત્યારે આપણે શું કહી શકીએ? આપણે દલીલ કરી શકીએ કે દરેક વસ્તુ કોઈએ બનાવી છે. આપણે આમ કહી શકીએ: ‘તમે કોઈ ઉજ્જડ વિસ્તારમાં જાવ અને એક એવું ઘર જુઓ, જે બધી ચીજ-વસ્તુઓથી ભરેલું હોય. તમે તરત જ કહેશો કે કોઈએ એ ઘર બનાવ્યું છે અને સમજી વિચારીને એની ગોઠવણ કરી છે. તેથી, આપણે કુદરતી વસ્તુઓ અને પૃથ્વીને હરેક ચીજ-વસ્તુઓથી ભરેલી જોઈએ ત્યારે, શું આપણને નથી લાગતું કે એને કોઈએ બનાવી છે?’ બાઇબલ સાદી રીતે દલીલ કરે છે કે “દરેક ઘર કોઈએ બાંધ્યું છે; પણ સઘળી વસ્તુઓનો સરજનહાર તો દેવ છે.” (હેબ્રી ૩:૪) ખરું કે અમુક વખત સમજી શકાય એવી દલીલ હોવા છતાં, દરેક વ્યક્તિ એને માની લેશે નહિ. બાઇબલ યાદ કરાવે છે કે ફક્ત ‘પસંદ કરાયેલાઓ જ’ માનશે.​—⁠પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૮; ૨ થેસ્સાલોનીકી ૩:​૨, IBSI.

૧૫. યહોવાહના ગુણો અને તેમના કાર્યો પર ભાર મૂકવા કેવી દલીલ કરી શકાય? એના બે ઉદાહરણો આપો.

૧૫ આપણે સેવાકાર્યમાં કે મંડળમાં શિખવતા હોઈએ ત્યારે, યહોવાહના ગુણો અને તેમના કાર્યો પર ભાર મૂકવા સમજી શકાય એવી દલીલ વાપરી શકીએ. ખાસ કરીને, ઈસુએ અમુક વખત ‘એ કેટલું વિશેષ’ છે, એમ કહીને દલીલ કરી. (લુક ૧૧:૧૩; ૧૨:૨૪) આમ તફાવત બતાવતી દલીલ વધારે અસર કરી શકે. નર્ક વિષેની માન્યતા જૂઠી સાબિત કરવા કહી શકીએ: ‘કોઈ પ્રેમાળ પિતા પોતાના બાળકનો હાથ દઝાડીને શિક્ષા કરશે નહિ. તો પછી, એ કેટલું વિશેષ છે કે પરમેશ્વર યહોવાહ પણ નર્કના એ વિચારોને બહુ જ ધિક્કારે છે!’ (યિર્મેયાહ ૭:૩૧) યહોવાહ પોતાના દરેક સેવકોની કાળજી રાખે છે, એ શીખવવા આપણે કહી શકીએ: ‘અબજો તારાઓને યહોવાહ નામથી જાણે છે. હવે મનુષ્ય તો યહોવાહને દિલથી પ્રેમ કરે છે અને તેમના પુત્રના કીંમતી લોહીથી તેઓને ખરીદવામાં આવ્યા છે. તેથી, યહોવાહ તેઓની કેટલી વિશેષ કાળજી રાખતા હશે!’ (યશાયાહ ૪૦:૨૬; પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮) આવી સારી દલીલ આપણને લોકોના દિલ સુધી પહોંચવામાં મદદ કરી શકે છે.

યોગ્ય ઉદાહરણો

૧૬. શા માટે શીખવતી વખતે ઉદાહરણો જરૂરી છે?

૧૬ યોગ્ય ઉદાહરણો મસાલા જેવા છે, જેનાથી લોકોને આપણું શિક્ષણ સ્વાદિષ્ટ લાગે. શીખવતી વખતે ઉદાહરણો શા માટે જરૂરી છે? એક શિક્ષકે કહ્યું: “કોઈ ચીજ મનમાં રાખ્યા વિના વિચારવું, એ મનુષ્ય માટે મુશ્કેલ છે.” પરંતુ, ઉદાહરણો મનમાં ચિત્ર ઊભું કરે છે અને નવા વિચારો સહેલાઈથી સમજવા મદદ કરે છે. ઈસુ ઉદાહરણોનો ઉપયોગ કરવામાં કુશળ હતા. (માર્ક ૪:૩૩, ૩૪) ચાલો આપણે પણ એ રીતનો ઉપયોગ કરતા શીખીએ.

૧૭. યોગ્ય ઉદાહરણ આપવા કયા ચાર મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ?

૧૭ કઈ રીતે યોગ્ય ઉદાહરણ આપી શકાય. પ્રથમ, એનાથી આપણા સાંભળનાર જાણકાર હોવા જોઈએ, જેથી તેઓ સહેલાઈથી સમજી શકે. યાદ કરો કે ઈસુએ ઘણાં ઉદાહરણો લોકોને રોજના જીવન પર આપ્યાં હતાં. બીજું, ઉદાહરણ મુદ્દા સાથે મળતું હોવું જોઈએ. એમ ન હોય તો, ઉદાહરણથી લોકો ગૂંચવાઈ જઈ શકે. ત્રીજું, ઉદાહરણમાં બિનજરૂરી માહિતી હોવી જોઈએ નહિ. યાદ કરો કે ઈસુએ ફક્ત જરૂરી માહિતી જ આપી હતી. ચોથું, આપણે ઉદાહરણ કઈ રીતે લાગુ પાડે છે એ પણ સમજાવવું જોઈએ. એમ નહિ કરીશું તો, અમુકને સમજાશે નહિ કે શા માટે ઉદાહરણ આપવામાં આવ્યું હતું.

૧૮. આપણે કઈ રીતે યોગ્ય ઉદાહરણો આપી શકીએ?

૧૮ કઈ રીતે આપણે યોગ્ય ઉદાહરણો આપી શકીએ? આપણે બહુ માહિતીવાળા ઉદાહરણો આપવાની જરૂર નથી. ટૂંકાં ઉદાહરણો દિલને અસર કરી શકે છે. ચર્ચવામાં આવેલા મુદ્દા પર કોઈ ઉદાહરણ વિચારો. દાખલા તરીકે, પરમેશ્વર માફ કરે છે એ વિષય પર આપણે ચર્ચા કરતા હોઈએ. યહોવાહ આપણી ભૂલો કે પાપને ‘ભૂંસી નાખે’ અથવા ધોઈ નાખે છે એવું કહી શકીએ. (પ્રેરિતોનાં કૃત્યો ૩:​૧૯) આ પણ સારા ઉદાહરણો છે. પરંતુ, આપણે રબર કે સ્પંજનું ઉદાહરણ પણ આપી શકીએ. આપણે કહી શકીએ: ‘યહોવાહ આપણા પાપોને માફ કરે છે ત્યારે તે જાણે કે સ્પંજથી (અથવા રબરથી) એને ભૂંસી નાખે છે.’ આવા સાદા ઉદાહરણથી આપણે મુદ્દો સહેલાઈથી સમજાવી શકીશું.

૧૯, ૨૦. (ક) આપણને સારાં ઉદાહરણો ક્યાંથી મળી શકે? (ખ) આપણા પ્રકાશનોમાંના અમુક સરસ ઉદાહરણો કયાં જોવા મળે છે? (બૉક્સ જુઓ.)

૧૯ તમે યોગ્ય ઉદાહરણો અને અનુભવો ક્યાંથી મેળવી શકો? તમે એ તમારા અને ભાઈ-બહેનોના જીવનમાંથી મેળવી શકો. ઉદાહરણો જીવંત અને નિર્જિવ વસ્તુઓ, ઘરની વસ્તુઓ અને સમાજના પ્રખ્યાત બનાવો જેવી બાબતો પરથી પસંદ કરી શકાય છે. આપણે રોજના બનાવો ધ્યાનથી ‘જોઈએ,’ જેથી એમાંથી સારા ઉદાહરણ આપી શકીએ. (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૨, ૨૩) એક લખાણ જાહેરમાં બોલવા વિષે જણાવે છે: “જે વ્યક્તિ માનવ જીવન અને તેના કાર્યોને ધ્યાન આપે, સર્વ પ્રકારના લોકો સાથે વાત કરે, બાબતોને નજીકથી તપાસે અને પોતે સમજે ત્યાં સુધી પ્રશ્નો પૂછે, તે અઢળક ઉદાહરણો ભેગા કરશે. પછી, તેને જરૂર પડે ત્યારે, તેની પાસે એનો ખજાનો હશે.”

૨૦ ચોકીબુરજ અને સજાગ બનો! મેગેઝિનો તથા યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલાં પ્રકાશનોમાં પણ સારાં ઉદાહરણો અને અનુભવો જોવા મળે છે. આ પ્રકાશનોમાં આપેલાં ઉદાહરણો પર ધ્યાન આપીને પણ તમે શીખી શકો છો. * દાખલા તરીકે, જ્ઞાન પુસ્તક, પ્રકરણ ૧૭, ફકરા ૧૧માંના ઉદાહરણનો વિચાર કરો. એમાં મંડળના ભાઈ-બહેનોને રસ્તા પરનાં જુદાં જુદાં વાહનો સાથે સરખાવ્યાં છે. આ કઈ રીતે સારું ઉદાહરણ છે? નોંધ લો કે એ રોજના બનાવ પરથી છે, મુદ્દાને યોગ્ય છે અને એનો બોધપાઠ પણ સ્પષ્ટ છે. આપણે પ્રકાશનોમાંના આ ઉદાહરણો પણ વાપરી શકીએ. એને બાઇબલ શીખનારની જરૂરિયાત પ્રમાણે વાપરી શકીએ અથવા ટોકમાં એનો ઉપયોગ કરી શકીએ.

૨૧. પરમેશ્વરના શબ્દના સારાં શિક્ષક બનવાથી કયા આશીર્વાદ મળે છે?

૨૧ સારાં શિક્ષક બનવાથી ઘણા આશીર્વાદ મળે છે. આપણે શીખવીએ છીએ ત્યારે બીજાઓને મદદ કરીએ છીએ; આપણે તેઓને કંઈક આપીએ છીએ. આમ કરવાથી આનંદ મળે છે જે વિષે બાઇબલ પણ કહે છે: “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા [આનંદ] છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) પરમેશ્વરના શબ્દના શિક્ષકો તરીકે આપણે લોકોને યહોવાહ વિષેનું મૂલ્યવાન સત્ય શીખવીએ છીએ એ જાણીને આપણને આનંદ થાય છે. આપણે મહાન શિક્ષક, ઈસુ ખ્રિસ્ત પાસેથી શીખીએ છીએ એવું જાણવાથી પણ સંતોષ મેળવી શકીએ છીએ.

[ફુટનોટ્‌સ]

^ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલું પુસ્તક.

^ “પ્રસ્તાવના, ક્ષેત્ર સેવામાં ઉપયોગમાં લેવા માટે” પાન ૨-૭ જુઓ.—યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલી પુસ્તિકા.

^ વૉચટાવર પબ્લીકેશન ઈન્ડેક્ષ ૧૯૮૬-૨૦૦૦માં “ઉદાહરણો” નીચે અમુક અનુભવો જુઓ. આ યહોવાહના સાક્ષીઓ દ્વારા ઘણી ભાષાઓમાં મળે છે.

શું તમને યાદ છે?

• બાઇબલ શીખવતા હોઈએ અથવા મંડળમાં ટોક આપતા હોઈએ ત્યારે આપણે કેવી રીતે શીખવવું જોઈએ?

• પ્રચાર કરતા હોઈએ ત્યારે કઈ રીતે આપણે સારા પ્રશ્નોનો ઉપયોગ કરી શકીએ?

• યહોવાહના ગુણો અને કાર્યો પર ભાર મૂકવા આપણે સમજી શકાય એવી દલીલનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ?

• આપણને યોગ્ય ઉદાહરણો ક્યાં જોવા મળે છે?

[પ્રશ્નો]

[પાન ૨૩ પર બોક્સ/ચિત્ર]

શું તમને આ ઉદાહરણો યાદ છે?

નીચે થોડાંક સારાં ઉદાહરણો આપવામાં આવ્યા છે. કેમ નહી કે તમે એ ઉદાહરણોને જુઓ અને નોંધ લો કે એ ઉદાહરણ ચર્ચાવામાં આવેલા મુદ્દાને કઈ રીતે સમજાવે છે?

• સરકસમાં ખેલ બતાવનાર અને આઈસ-સ્કેટિંગ કરતા એક યુગલની જેમ, મજબૂત લગ્‍નજીવન સારા સાથી પર આધારિત છે.—મે ૧૫, ૨૦૦૧નું ચોકીબુરજના પાન ૧૬.

• તમારી લાગણીઓને જણાવવી એ દડો ફેંકવા બરાબર છે. તમે એને ધીરેથી પણ નાખી શકો અથવા જોરથી ફેંકી શકો કે જેનાથી ઈજા પણ થઈ શકે.—એપ્રિલ-જૂન ૨૦૦૧નું સજાગબનો! પાન ૧૦.

• પ્રેમ બતાવતા શીખવું એક નવી ભાષા શીખવા બરાબર છે.—ફેબ્રુઆરી ૧૫, ૧૯૯૯ના ચોકીબુરજના પાન ૧૮, ૨૨-૨૩.

• કલ્પના કરો કે તમને એવી માંદગી થઈ છે કે તમે સર્જરી કરાવશો તો જ બચશો. ઑપરેશનની કિંમત તમે ચૂકવી શકો એ કરતાં ઘણી વધારે હોય તો તમને કેવું લાગશે? તમારુ કુટુંબ અને મિત્રો પણ એ કિંમત ચૂકવી ન શકે તો શું? આવી બાબતનો સામનો કરવો કેવું અઘરું લાગી શકે!—ફેબ્રુઆરી ૧૫, ૧૯૯૯ના ચોકીબુરજના પાન ૧૩.

• પિશાચવાદ અપદૂતો માટે એ જ કાર્ય કરે છે જે શિકારીએ મૂકેલી લાલચ તેના માટે કરે છે: એ શિકારને આકર્ષે છે.—જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે, પાન ૧૧૧.

• કઈ રીતે ઈસુ આદમના વંશજોને બચાવવા આવે છે એને ધનવાન વ્યક્તિ સાથે સરખાવી શકાય. તે ફેક્ટરીનું દેવું (જે નકામાં મેનેજરે કર્યું હતું) ચૂકતે કરી અને ફરીથી ખોલે છે. આમ કામદારોને લાભ થાય છે.—ફેબ્રુઆરી ૧૫, ૧૯૯૯નું ચોકીબુરજના પાન ૧૬.

• વિનાશકારી સ્થળ પર બચાવનાર તરીકેનું કામ કરનારાઓનો વિચાર કરો. કેટલાક વિસ્તારમાં બચનારા થોડાક હોય છતાં પણ, તેઓ શોધવાનું છોડી દેશે નહિ. ભલે તેઓના સાથીઓને બીજી જગ્યાએ વધારે બચનારાઓ મળતા હોય છે. આપણા બચાવનાર કાર્યનો હજુ અંત આવ્યો નથી. દર વર્ષે, લાખો લોકો કે જેઓ “મોટી વિપત્તિમાંથી” બચવા ઇચ્છે છે તેઓને શોધવામાં આવી રહ્યા છે.—પ્રકટી. ૭:૯, ૧૪; ૧૯૯૮ના ડિસેમ્બરની આપણી રાજ્ય સેવામાં પાન ૧.

[પાન ૨૦ પર ચિત્રો]

સાચા ખ્રિસ્તીઓ પરમેશ્વરના શબ્દના શિક્ષક છે

[પાન ૨૧ પર ચિત્ર]

ભાઈબહેનો પરમેશ્વરના શબ્દમાંથી દિલાસો મેળવી શકે માટે વડીલો પ્રશનો વાપરીને મદદ કરી શકે