સારા પડોશીઓ કેટલા મહત્ત્વના છે!
સારા પડોશીઓ કેટલા મહત્ત્વના છે!
“દૂર વસતા ભાઈ કરતાં પાસેનો પડોશી સારો છે.”—નીતિવચનો ૨૭:૧૦.
પહેલી સદીના એક પંડિતે ઈસુને પૂછ્યું: “મારો પડોશી કોણ છે?” ઈસુએ તેને જવાબમાં એમ ન કહ્યું કે તેનો પડોશી કોણ છે. પરંતુ તેમણે જણાવ્યું કે શું કરવાથી સારા પડોશી બની શકાય. ઈસુએ તેને સમજાવવા જે વાર્તા કહી, એ કદાચ તમે જાણતા હશો. ઘણા એને ‘ભલા સમરૂની’ નામની વાર્તાથી ઓળખે છે, જે બાઇબલમાં લુકના પુસ્તકમાં મળી આવે છે. એ વાર્તા આવી છે:
“એક પુરુષ યરૂશાલેમથી યરેખો જતો હતો; અને તે લૂંટારાના હાથમાં પડ્યો, અને તેઓ તેનાં લૂગડાં ઉતારી લઈને તથા તેને મારીને તેને અધમૂઓ મૂકીને ચાલ્યા ગયા. દૈવયોગે [એ સમયે એમ બન્યું કે] એક યાજક તે માર્ગે થઈને જતો હતો; અને તે તેને જોઈને બીજી બાજુએ ચાલ્યો ગયો. એમજ એક લેવી પણ તે ઠેકાણે આવ્યો, ત્યારે તેને જોઈને તે પણ બીજી બાજુએ ચાલ્યો ગયો. પણ એક સમરૂની માર્ગે ચાલતાં ચાલતાં જ્યાં તે પડ્યો હતો ત્યાં આવ્યો; અને તેને જોઈને તેને કરુણા આવી. તે તેની પાસે ગયો, તેના ઘા પર તેલ તથા દ્રાક્ષારસ રેડીને પાટા બાંધ્યા; એને તેને પોતાના જાનવર પર બેસાડીને ઉતારામાં લઈ ગયો, અને તેની માવજત કરી. બીજે લુક ૧૦:૨૯-૩૬.
દહાડે તેણે બે દીનાર કાઢીને ઉતારાવાળાને આપીને કહ્યું, કે એની માવજત કરજે; અને એ કરતાં જે કંઈ વધારે ખરચ લાગશે તે હું પાછો આવીશ ત્યારે તને આપીશ. હવે તું શું ધારે છે, લૂંટારાના હાથમાં પડેલા માણસનો પડોશી એ ત્રણમાંનો કોણ ઠર્યો?”—પંડિતને તરત જ આ વાર્તામાંથી એનો જવાબ મળી ગયો. તેણે અચકાયા વિના કહ્યું કે લૂંટારાના હાથમાં પડેલા માણસનો પડોશી, જેણે “તેના પર દયા કરી તે” હતો. ઈસુએ તેને કહ્યું કે “તું જઈને એ પ્રમાણે કર.” (લુક ૧૦:૩૭) સારા પડોશી બનતા શીખવતો કેવો ઉત્તમ બોધપાઠ! ઈસુની વાર્તા પરથી આપણે પોતાને પૂછવું જોઈએ કે ‘હું કેવો પડોશી છું? જો કોઈને મદદની જરૂર હોય તો, શું હું પહેલાં એ જોઉં છું કે એ કોણ છે? શું હું દુઃખી લોકોને મદદ કરતાં પહેલાં, તેની જાતિ કે રંગનો વિચાર કરું છું? શું હું કોઈને પણ મદદ કરવા મારાથી બનતું બધું જ કરું છું?’
શરૂઆત ક્યાંથી કરવી?
આપણને એવું લાગે કે આ બાબતમાં સુધારો કરવાની જરૂર છે તો, પોતાના વલણથી એની શરૂઆત કરવી જોઈએ. આપણે સારા પડોશી બનવાનો ધ્યેય રાખી શકીએ. એમ કરવાથી આપણા પડોશીઓ પણ આપણી સાથે સારો વ્યવહાર રાખશે. લગભગ બે હજાર વર્ષ પહેલાં ઈસુએ પ્રવચનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે એ કેટલું મહત્ત્વનું છે. તેમણે કહ્યું: “માટે જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તે તે તમે પણ તેઓને કરો.” (માત્થી ૭:૧૨) આપણે બીજાઓ સાથે પ્રેમભાવથી અને માનથી વર્તીશું તો, તેઓ પણ આપણી સાથે એ જ રીતે વર્તશે.
લીસા ફૂંડરબર્ગ નામની એક લેખિકાએ, ૧૮૬૫થી આવતું રાષ્ટ્ર (અંગ્રેજી) નામના મેગેઝિનમાં, “તમારા પડોશીને પ્રેમ બતાવો” વિષય પર એક લેખ લખ્યો હતો. એ લેખમાં તેણે પડોશીઓમાં પ્રેમ વધારવા અમુક વ્યવહારુ સૂચનાઓ આપી હતી. તેણે લખ્યું: “હું એવું જોવા ઇચ્છું છું કે પડોશીઓ એકબીજાને નાની નાની બાબતોમાં પણ મદદ કરે. જેમ કે છાપું લઈ આવવું, બાળકો સાચવવાં અથવા દુકાનેથી ખરીદી કરી લાવવી. આજે જગતમાં વધી રહેલી ગુનાખોરી અને ભયને કારણે સમાજમાં ભાગલા પડી રહ્યા છે. પરંતુ હું તેઓમાં સંપ જોવા ઇચ્છુ છું. એની ક્યાંકથી તો શરૂઆત કરવી જ જોઈએ. ચાલો આપણે પોતે સારા પડોશી બનીને એની શરૂઆત કરીએ.”
કેનેડિયન જીઓગ્રાફિક મેગેઝિનની લેખિકા, માર્ની જૅક્સને પણ પડોશીઓમાં સારો સંબંધ કેળવવા માટે અમુક વ્યવહારુ સૂચનાઓ આપી. તે નોંધે છે: “જેમ જન્મ પહેલાં આપણે કુટુંબ પસંદ કરી શકતા નથી, એ જ રીતે આપણે પડોશીઓને પણ પહેલેથી પસંદ કરી શકતા નથી. તેથી સારા સંબંધો કેળવવા માટે આપણામાં પ્રેમભાવ અને સમજણ હોવી જોઈએ.”
સારો પડોશી ઉદાર હોય છે
એ ખરું છે કે અજાણ્યા પડોશીઓ સાથે વાત કરવી કદાચ આપણને અઘરું લાગશે. તેઓ સાથે કોઈ વ્યવહાર ન રાખીને, એકલા-અટૂલા રહેવું આપણને સહેલું લાગી શકે. પરંતુ બાઇબલ કહે છે કે “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) એ કારણે સારા પડોશીઓ શક્ય હોય તેમ આસપાસના લોકોને મદદ કરવા પ્રયત્ન કરે છે. આપણે તેઓ સાથે ગાઢ સંબંધ બાંધવા ઇચ્છતા ન હોઈએ તોપણ, તેઓના ખબર-અંતર જરૂર પૂછવા જોઈએ.
આ રીતે આપણે પડોશીઓને “નાની નાની બાબતોમાં” મદદ કરીને, સારો સંબંધ કેળવી શકીશું. પડોશીને મદદરૂપ થવા આપણે દરેક તક શોધવી જોઈએ. એમ કરવાથી એકબીજા માટે માન અને સંપ વધશે. એ ઉપરાંત, આપણે બાઇબલની સલાહને પણ લાગુ પાડીશું: “હિત કરવાની શક્તિ તારા હાથમાં હોય તો જેને માટે તે ઘટારત હોય તેનાથી તે પાછું ન રાખ.”—નીતિવચનો ૩:૨૭; યાકૂબ ૨:૧૪-૧૭.
સારો પડોશી બીજાની કદર કરે છે
બધા જ પોતાને મળતી મદદ માટે કદર બતાવે તો જીવન કેટલું આનંદી બની જાય. પરંતુ, એવું હંમેશાં જોવા મળતું નથી. ઘણા લોકો સાચા દિલથી બીજાઓને મદદ કે ભેટ આપતા હોય છે. પરંતુ, સામેની વ્યક્તિ ખોટું સમજી લે છે અથવા તેને એની કોઈ જાતની કદર હોતી નથી. તેથી, મદદ કે ભેટ આપનાર એવું વિચારવા લાગે છે કે ‘હવે હું તેના માટે કંઈ કરીશ નહિ!’ અમુક વખતે એવું બને છે કે આપણે કોઈના સાચા દિલથી ખબર-અંતર
પૂછીએ તો, જાણે આપણે કંઈ ખોટું કરી બેઠા હોય એવી રીતે તેઓ આપણી સાથે વર્તે છે.પરંતુ, મોટે ભાગના લોકો આપણી મદદ કે ભેટની દિલથી કદર કરતા હોય છે, પછી ભલે આપણને દેખાઈ આવતું ન હોય. કદાચ તે અમુક સમાજમાંથી આવતા હોવાથી મદદ કે ભેટ બદલ કદર બતાવતા મૂંઝાતા હોય શકે. આજે લોકો કદર બતાવતા ન હોવાથી, તમે કોઈને પ્રેમથી મદદ કે ભેટ આપો ત્યારે, તેને એ વિચિત્ર લાગી શકે. તે કદાચ તમારા પર ખોટી શંકા પણ કરી શકે. આવા સમયે તમારે તેઓને ખાતરી કરાવવાની જરૂર પડી શકે કે તમે ખરેખર તેઓનું ભલું ચાહો છો. તેઓ સાથે સારો સંબંધ બાંધવા આપણે થોડો સમય રાહ પણ જોવી પડે. તોપણ, જે પડોશીઓ ખુશીથી ઉદાર બને અને કદર કરતા શીખે છે, તેઓ સમાજમાં સુખ-શાંતિભર્યો માહોલ ઊભો કરે છે.
આફત આવે ત્યારે
કોઈ આફત આવે છે ત્યારે સારા પડોશીઓ મૂલ્યવાન સાબિત થાય છે. આવા સમયે પડોશીનો સાચો પ્રેમ દેખાઈ આવે છે. એવા ઘણા અનુભવો છે, જ્યારે પડોશીઓએ આફતના સમયે સાચા દિલથી એકબીજાને મદદ કરી હતી. આફત આવી પડે છે ત્યારે, પડોશીઓમાં સંપ આવી જાય છે અને એકબીજાને મદદ કરવા તેઓ પોતાથી બનતું બધું જ કરે છે. પછી ભલેને તેઓને એકબીજા સાથે જરાય બનતું ન હોય, છતાં એક મતથી તેઓ કામ કરે છે.
દાખલા તરીકે, ધ ન્યૂ યૉર્ક ટાઈમ્સ છાપું જણાવે છે કે ૧૯૯૯માં તુર્કીમાં ભૂકંપ થયો ત્યારે, વર્ષોથી દુશ્મનો હતા, તેઓ એકબીજાને મદદ કરવા લાગ્યા. પત્રકાર અના સ્ટરગ્યીએ એથેન્સના એક ગ્રીક છાપામાં આમ લખ્યું: “સદીઓથી અમને તુર્કીના લોકોને ધિક્કારવાનું શીખવવામાં આવ્યું હતું. પરંતુ, તેઓનું દુઃખ જોઈને અમને આનંદ થતો ન હતો. નાના બાળકોની લાશ જોઈને અમારું હૈયું દુઃખી થઈ ઊઠ્યું અને તેઓ પ્રત્યેનો સદીઓનો ધિક્કાર પીગળી ગયો.” ધરતીકંપ થયો એના અમુક દિવસો પછી, સરકાર તરફથી બચાવ કામ બંધ થયું તોપણ, ગ્રીક લોકોએ દટાયેલાં લોકોને શોધવાનું ચાલુ જ રાખ્યું.
કોઈ પણ આફત આવ્યા પછી લોકોને બચાવવામાં લાગી જવું, એ ખરેખર ભલાઈનું અને બહાદુરીનું કામ છે. એ જ રીતે, આફત આવતા પહેલાં પડોશીઓના જીવન બચાવવા તેઓને ચેતવણી આપવી, એ તો સૌથી સારું કામ છે. ઐતિહાસિક પુરાવાઓ બતાવે છે કે લોકોને આવી રહેલી આફતો વિષે ચેતવણી આપવામાં આવી ત્યારે, તેઓને એ જરાય ગમ્યું ન હતું. એ ખરેખર દુઃખની વાત છે. મોટા ભાગે ચેતવણી આપનારા લોકોને હસી કાઢવામાં આવે છે. જેઓ જાણતા નથી કે પોતે જોખમમાં છે તેઓને વારંવાર ચેતવણી આપવામાં હિંમત અને સમય માગી લે છે.
પડોશી માટેનો સૌથી ઉત્તમ પ્રેમ
મનુષ્યો પર જે કુદરતી આફતો આવી પડી છે, એનાથી પણ વધારે મોટી આફત બહુ જ જલદી આવી રહી છે. એ વિષે બાઇબલ ભાખે છે કે પરમેશ્વર આખી પૃથ્વી પરથી ગુનાઓ, દુષ્ટતા અને એને લગતી સઘળી મુશ્કેલીઓ દૂર કરશે. (પ્રકટીકરણ ૧૬:૧૬; ૨૧:૩, ૪) એમાં કોઈ શંકા નથી, એ જરૂર બનશે! આ વિનાશમાંથી બચવા માટે જીવન બચાવનાર જ્ઞાન લેવાની જરૂર છે. યહોવાહના સાક્ષીઓ પૂરા ઉત્સાહથી, શક્ય એટલા લોકોને આ જ્ઞાન શીખવી રહ્યા છે. તેઓ આખી પૃથ્વી પર આ પ્રચાર કાર્ય માટે જાણીતા છે. (માત્થી ૨૪:૧૪) પરમેશ્વર અને લોકો માટેના પ્રેમને કારણે તેઓ રાજીખુશીથી આ કામ કરે છે.
તેથી, યહોવાહના સાક્ષીઓ તમારા ઘરે આવે કે તમને ગમે ત્યાં મળે ત્યારે, ભલે તમને તેઓ વિષે ગમે એવું લાગે, તેઓનું જરૂર સાંભળજો. તેઓ ફક્ત સારા પડોશી બનવા માંગે છે. તેથી, તેઓ તમને બાઇબલમાંથી શીખવવાનું કહે ત્યારે એનો સ્વીકાર કરજો. બાઇબલ આપણને ખાતરી આપે છે કે હવે થોડા જ સમયમાં પડોશીઓ હંમેશ માટે એકબીજા સાથે સુખ-શાંતિમાં રહેશે. એવું કઈ રીતે બનશે એ યહોવાહના સાક્ષીઓ પાસેથી શીખો. એ સમયે નાત-જાત, ધર્મ કે ઊંચ-નીચને લગતા કોઈ ભેદભાવ હશે નહિ. આપણે દિલથી ઇચ્છા રાખીએ છીએ તેમ, સર્વ લોકો કાયમ માટે સુખ-શાંતિમાં રહેશે.
[ચિત્રો on page 6, 7]
આપણા પડોશીઓનું ભલું કરતા રહેવું જોઈએ
[ક્રેડીટ લાઈન]
પૃથ્વીનો ગોળો: Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.