સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સાચા સંતો કેવી રીતે આપણને મદદ કરે છે?

સાચા સંતો કેવી રીતે આપણને મદદ કરે છે?

સાચા સંતો કેવી રીતે આપણને મદદ કરે છે?

અનેક બાઇબલોમાં “સંત” માટેના ગ્રીક શબ્દનું ‘પવિત્ર જનો’ તરીકે પણ ભાષાંતર કરવામાં આવ્યું છે. પરંતુ આ ‘પવિત્ર જનો’ અથવા ‘સંતો’ કોણ છે? એક નવા કરારનો શબ્દકોશ (અંગ્રેજી) જણાવે છે કે, નવા કરારમાં “એ શબ્દ બહુવચનમાં વપરાતો હોવાથી, કોઈ એક વ્યક્તિને લાગુ પડતો નથી. વધુમાં, એ શબ્દ ગુજરી ગયા પહેલાં જેઓએ ઉત્તમ કામો કર્યાં હોય તેઓને જ નહિ, પરંતુ બધા જ ખ્રિસ્તીઓને લાગુ પડતો હતો.”

પહેલી સદીના દરેક ખ્રિસ્તીઓને પ્રેષિત પાઊલ સંતો કહીને બોલાવતા હતા. દાખલા તરીકે, પહેલી સદીમાં તેમણે “કોરીંથમાંની દેવની મંડળી તથા તેઓની સાથે આખા આખાયામાંના સર્વ સંતોને” એક પત્ર લખ્યો હતો. (૨ કોરીંથી ૧:૧) પછી પાઊલે રોમના ખ્રિસ્તીઓને લખેલા પત્રમાં પણ તેઓને “સંતો” કહ્યા. (રૂમીઓને પત્ર ૧૬:૧૫) આ સંતો હજુ મરી ગયા ન હતા અને તેઓને સારાં કામો બદલ બીજા ખ્રિસ્તીઓ કરતાં વધારે માન-મોભો પણ મળ્યો ન હતો. તો પછી, તેઓને શા માટે સંતો કહેવામાં આવ્યા?

પરમેશ્વર પવિત્ર કરે છે

બાઇબલ સમજાવે છે કે, કોઈ પણ માણસ અથવા સંસ્થા વ્યક્તિને સંત બનાવી શકે એમ નથી. શાસ્ત્ર જણાવે છે: ‘પરમેશ્વરે આપણને તાર્યા તથા પવિત્ર તેડાથી આપણને તેડ્યા, આપણી કરણીઓ પ્રમાણે નહિ, પણ તેના જ સંકલ્પ તથા કૃપા પ્રમાણે.’ (૨ તીમોથી ૧:⁠૯) તેથી, વ્યક્તિને ખુદ યહોવાહ પવિત્ર કરે છે. એમ કરીને યહોવાહ તેમની કૃપા બતાવે છે અને એનાથી તેમનો હેતુ પણ પૂરો થાય છે.

ખ્રિસ્તી મંડળના પવિત્ર જનો અથવા સંતો “નવા કરારમાં” જોડાય છે. ઈસુ ખ્રિસ્તના બલિદાનથી આ નવો કરાર ચાલુ થયો અને જેઓ એમાં જોડાયા છે તેઓને એ પવિત્ર કરે છે. (હેબ્રી ૯:૧૫; ૧૦:૨૯; ૧૩:૨૦, ૨૪) આ રીતે, તેઓ પરમેશ્વરની નજરે પવિત્ર થાય છે. તેઓ ‘પવિત્ર યાજકો છે, અને ઈસુ ખ્રિસ્તમાં પસંદ થઈને ઈશ્વરની પાસે આવે છે, અને તેમને પસંદ પડે તેવાં આત્મિક બલિદાનો અર્પણ કરે છે.’⁠—​૧ પીતર ૨:૫,, IBSI.

શું સંતો દ્વારા પ્રાર્થના કરવી જોઈએ?

ઘણા લોકો એમ માને છે કે સંતોની મૂર્તિઓ રાખવાથી તેઓને કંઈક શક્તિ મળે છે અથવા તેઓ દ્વારા જ પ્રાર્થના કરી શકાય છે. શું બાઇબલ ખરેખર આવું શીખવે છે? પરમેશ્વરને કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ એ વિષે, ઈસુએ પહાડ પરના તેમના એક પ્રખ્યાત ઉપદેશમાં કહ્યું: “માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો: આકાશમાંના અમારા ઈશ્વરપિતા, તમારા પવિત્ર નામનું સન્માન થાઓ.” (માત્થી ૬:​૯, પ્રેમસંદેશ) આમ, ફક્ત યહોવાહને જ પ્રાર્થના કરવી જોઈએ.

“સંતો” દ્વારા પ્રાર્થના કરવી જોઈએ એવું ભરમાવવા માટે, અમુક ધર્મ પંડિતો રૂમીઓને પત્ર ૧૫:​૩૦-૩૨નો ગેરઉપયોગ કરે છે. ત્યાં આમ લખવામાં આવ્યું છે: “હવે, ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખાતર તથા પવિત્ર આત્માના પ્રેમની ખાતર હું તમને વિનંતી કરૂં છું કે . . . તમે મારે માટે આગ્રહપૂર્વક દેવની પ્રાર્થના કરીને મને સહાય કરો.” નોંધ કરો કે પાઊલ તેઓને ઈસુની ખાતર વિનંતી કરવાનું જણાવે છે. તે એમ નથી કહેતા કે તમે મારા દ્વારા ઈસુને વિનંતી કરો. સંતો દ્વારા પરમેશ્વરને પ્રાર્થના કરવામાં આવે એવું બાઇબલમાં ક્યાંય પણ શીખવવામાં આવ્યું નથી.⁠—​ફિલિપી ૧:૧, ૩, ૪.

આપણે પરમેશ્વરને કોના દ્વારા પ્રાર્થના કરી શકીએ? ઈસુએ જણાવ્યું: “માર્ગ તથા સત્ય તથા જીવન હું છું; મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી.” ઈસુએ એમ પણ કહ્યું: “જે કંઈ મારે નામે તમે માગશો, તે હું કરીશ, જેથી બાપ દીકરામાં મહિમાવાન થાય. જો તમે મારે નામે કંઈ મારી પાસે માગશો, તો તે હું કરીશ.” (યોહાન ૧૪:૬, ૧૩, ૧૪) આપણે ઈસુ દ્વારા યહોવાહને પ્રાર્થના કરીશું તો, ખાતરી રાખી શકીએ કે યહોવાહ એને જરૂર સાંભળશે. ઈસુ વિષે બાઇબલ જણાવે છે: “જેઓ તેમના દ્વારા ઈશ્વર પાસે આવે છે તેમનો તે ઉદ્ધાર કરવા માટે હમણાં અને હંમેશાં શક્તિમાન છે. કારણ, એવા લોકો માટે ઈશ્વર સમક્ષ મધ્યસ્થી કરવા તે સર્વકાળ જીવે છે.”⁠—​હેબ્રી ૭:​૨૫, પ્રેમસંદેશ.

આમ, ઈસુ દ્વારા પ્રાર્થના કરવી જોઈએ તોપણ, ઘણા ખ્રિસ્તી ધર્મના પંથો શા માટે બીજા “સંતો” દ્વારા પ્રાર્થના કરવાનું શીખવે છે? વિલ ડ્યુરાંટ નામના એક ઇતિહાસકાર, શ્રદ્ધાનો સમય (અંગ્રેજી) નામના પુસ્તકમાં એ શિક્ષણની શરૂઆત વિષે જણાવે છે. એમાં તે નોંધ કરે છે કે લોકો પરમેશ્વરમાં માનતા હતા, પણ તેઓને લાગતું હતું કે ઈસુને પ્રાર્થના કરવી વધારે સહેલું છે. આગળ તે કહે છે: “જો તેઓ ઈસુના શિક્ષણ પ્રમાણે ચાલતા ન હોય તો, કયા મોઢે તેમને પ્રાર્થના કરી શકે? તેથી લોકોને થયું કે કોઈ સ્વર્ગવાસી નીમેલા સંતને પ્રાર્થના કરવી વધારે યોગ્ય છે, જે પછી તેઓની પ્રાર્થનાઓને ઈસુ પાસે લઈ જઈ શકે છે.” પરંતુ શું આ સાચું છે?

બાઇબલ આપણને શીખવે છે કે ઈસુ દ્વારા પ્રાર્થનામાં “સંપૂર્ણ ખાતરીથી ઈશ્વરની હાજરીમાં જવાની આપણને સ્વતંત્રતા છે.” (એફેસી ૩:૧૧, ૧૨, પ્રેમસંદેશ) પરમેશ્વર આપણી પ્રાર્થનાઓ સાંભળી શકે છે. રાજા દાઊદે પૂરા ભરોસાથી પ્રાર્થના કરી: “હે પ્રાર્થનાના સાંભળનાર, તારી પાસે સર્વ લોક આવશે.” (ગીતશાસ્ત્ર ૬૫:૨) યહોવાહ કોઈ સંતની મૂર્તિ દ્વારા શક્તિ આપતા નથી. જે કોઈ વિશ્વાસથી યહોવાહ પાસે પવિત્ર આત્મા કે શક્તિ માંગે છે, તેને યહોવાહ ઉદારતાથી એ આપે છે. એ વિષે ઈસુએ જણાવ્યું: “તમે ભૂંડા છતાં તમારાં છોકરાંને સારાં દાન આપી જાણો છો, તો આકાશમાંના બાપની પાસેથી જેઓ માગે, તેમને તે પવિત્ર આત્મા આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?”—​લુક ૧૧:૧૩.

પવિત્ર જનો શું ભાગ ભજવે છે?

પાઊલે જે પવિત્ર જનોને પત્રો લખ્યા હતા, તેઓને ગુજરી ગયાને ઘણો વખત થઈ ગયો છે. સમય જતા, તેઓને સ્વર્ગમાં સજીવન કરવામાં આવ્યા, એટલે કે તેઓને “જીવનનો મુગટ” મળ્યો છે. (પ્રકટીકરણ ૨:૧૦) પરંતુ યહોવાહના ભક્તો બાઈબલમાંથી જાણે છે કે આ સાચા સંતોની ઉપાસના કરવી ન જોઈએ. કારણ કે આ સંતો તેઓને માંદગી, કુદરતી આફતો, બેકારી, કે પછી મરણ સામે કંઈ રક્ષણ આપી શકતા નથી. તેથી, તમને કદાચ લાગશે કે ‘શું આ સંતો કે પવિત્ર જનોને આપણી કંઈ જ પડી નથી? શું આપણે એવી આશા રાખવી જોઈએ કે તેઓ આપણા લાભમાં કંઈ કરે?’

દાનીયેલની ભવિષ્યવાણીમાં પવિત્ર જનો વિષે ખાસ ચર્ચા કરવામાં આવી છે. દાનીયેલે આશરે ૬૦૦ બી.સી.ઈ.માં (લગભગ ૨,૬૦૦ વર્ષ પહેલાં) એક સંદર્શન જોયું હતું. એમાં તેમણે ચાર ભયંકર જાનવરોને દરિયામાંથી બહાર નીકળતા જોયા, જે માનવ સરકારોને લાગુ પડે છે. આ સરકારો માણસજાતની જરૂરિયાતો પૂરી પાડી શકતી નથી. આ સંદર્શન આપણા દિવસોમાં પૂરું થઈ રહ્યું છે. દાનીયેલે પછી ભવિષ્યમાં જે થવાનું છે એ વિષે કહ્યું: “પરાત્પરના પવિત્રો રાજ્ય સંપાદન કરશે, ને તે રાજ્ય સદા, હા, સદાસર્વકાળ ભોગવશે.”⁠—​દાનીયેલ ૭:૧૭, ૧૮.

પાઊલે જણાવ્યું કે આ ‘પવિત્રોના વારસાની મહિમાની સંપત્તિ’ ઈસુ ખ્રિસ્ત સાથે સ્વર્ગમાં રહેલી છે. (એફેસી ૧:૧૮-૨૧) ઈસુ ખ્રિસ્તના બલિદાનથી ૧,૪૪,૦૦૦ પવિત્ર જનોને સ્વર્ગમાં સજીવન થવાનો લહાવો મળ્યો છે. તેથી પ્રેષિત યોહાને કહ્યું કે “પહેલાં પુનરુત્થાનમાં જેને ભાગ છે તે ધન્ય તથા પવિત્ર છે; એવાઓ પર બીજા મરણનો અધિકાર નથી; પણ તેઓ દેવના તથા ખ્રિસ્તના યાજક થશે, અને તેની સાથે હજાર વર્ષ રાજ કરશે.” (પ્રકટીકરણ ૨૦:૪, ૬; ૧૪:૧,) એક સંદર્શનમાં યોહાને હજારો સ્વર્ગદૂતોને ઈસુ આગળ કીર્તન કરતા જોયા: “તેં તારા રક્તથી દેવને સારૂ સર્વ કુળોના, ભાષાના, પ્રજાના તથા દેશોમાંના લોકોને વેચાતા લીધા છે; અને અમારા દેવને સારૂ તેમને રાજ્ય તથા યાજકો કર્યા છે; અને તેઓ પૃથ્વી પર રાજ કરે છે.” (પ્રકટીકરણ ૫:૯, ૧૦) આ સ્ત્રીઓ અને પુરુષોને યહોવાહે સમજી વિચારીને પૃથ્વી પરથી પસંદ કર્યા છે એ જાણીને આપણને કેટલી શાંતિ મળે છે! એ ઉપરાંત, તેઓએ ગમે એવી મુશ્કેલીઓ કે કસોટીઓમાં પણ પૃથ્વી પર પૂરી વફાદારીથી પરમેશ્વરની સેવા કરી છે. (૧ કોરીંથી ૧૦:૧૩) તેથી, આપણે આ સજીવન થયેલા પવિત્ર જનો કે સંતો પર પૂરો ભરોસો રાખી શકીએ કે, તેઓ આપણી બધી નબળાઈઓને ધ્યાનમાં લઈને આપણા પર સારી રીતે રાજ કરશે.

પરમેશ્વરના રાજ્યમાં આશીર્વાદો

પરમેશ્વરનું રાજ્ય બધા લોકોના દુઃખો દૂર કરવા અને દુષ્ટતાનો અંત લાવવા જલદી જ પગલાં ભરશે. એ સમયે, આપણે પરમેશ્વર સાથે એકદમ નજીકનો સંબંધ બાંધી શકીશું. યોહાને એ વિષે લખ્યું: “જુઓ, દેવનો મંડપ માણસોની સાથે છે, દેવ તેઓની સાથે વાસો કરશે, તેઓ તેના લોકો થશે, અને દેવ પોતે તેઓની સાથે રહીને તેઓનો દેવ થશે.” પરમેશ્વર માણસજાત પર પુષ્કળ આશીર્વાદો લાવશે અને “તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમજ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.”​—⁠પ્રકટીકરણ ૨૧:૩, ૪.

એ કેવો આનંદનો સમય હશે! ઈસુ અને ૧,૪૪,૦૦૦ પવિત્ર જનોના ન્યાયી રાજનું મીખાહ ૪:૩, ૪માં આમ વર્ણન કરવામાં આવ્યું છે: “[યહોવાહ] ઘણી પ્રજાઓની વચ્ચે ન્યાય કરશે, ને દૂરના બળવાન લોકોનો ઈન્સાફ કરશે; અને તેઓ પોતાની તરવારોને ટીપીને હળની કોશો બનાવશે, ને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે; પ્રજાઓ એકબીજાની વિરૂદ્ધ તરવાર ઉગામશે નહિ, ને તેઓ ફરીથી કદી પણ યુદ્ધકળા શીખશે નહિ. પણ તેઓ સર્વ પોતપોતાના દ્રાક્ષાવેલા તળે તથા પોતપોતાની અંજીરી તળે બેસશે; અને કોઈ તેમને બીવડાવશે નહિ; કેમકે સૈન્યોના યહોવાહના મુખમાંથી એ વચન નીકળ્યું છે.”

આ આશીર્વાદો મેળવવા પવિત્ર જનો આપણને આમંત્રણ આપે છે. આ સાચા સંતો કહે છે: “આવ. અને જે તરસ્યો હોય તે આવે; જે ચાહે તે જીવનનું પાણી મફત લે.” (પ્રકટીકરણ ૨૨:૧૭) આ ‘જીવનના પાણીમાં’ શું સમાયેલું છે? એમાં પરમેશ્વરના હેતુઓનું સાચું જ્ઞાન લેવાનો સમાવેશ થાય છે. ઈસુએ પરમેશ્વરને પ્રાર્થનામાં કહ્યું: “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.” (યોહાન ૧૭:૩) બાઇબલનો નિયમિત અભ્યાસ કરીને આ જ્ઞાન લઈ શકાય છે. સંતો કે પવિત્ર જનોની સાચી ઓળખ અને તેઓ દ્વારા યહોવાહ કઈ રીતે માણસજાત પર હંમેશના આશીર્વાદો લાવશે એ વિષે બાઇબલમાંથી શીખીને આપણે કેટલા ખુશ થઈએ છીએ!

[પાન ૪ પર ચિત્ર]

પાઊલે પરમેશ્વરની પ્રેરણાથી સાચા સંતોને પત્રો લખ્યા

[પાન ૪, ૫ ચિત્રો]

ઈસુના વિશ્વાસુ શિષ્યો ખરા સંતો અથવા પવિત્ર જનો બન્યા

[પાન ૬ પર ચિત્ર]

આપણે ઈસુ દ્વારા પરમેશ્વરને પૂરા ભરોસાથી પ્રાર્થના કરી શકીએ છીએ

[પાન ૭ પર ચિત્ર]

સજીવન થયેલા સંતો અથવા પવિત્ર જનો, આપણા પર પ્રેમથી સારી રીતે રાજ કરશે