સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“સેપ્ટ્યુઆજીંટ” આજે પણ ઉપયોગી છે

“સેપ્ટ્યુઆજીંટ” આજે પણ ઉપયોગી છે

“સેપ્ટ્યુઆજીંટ” આજે પણ ઉપયોગી છે

ઈથિયોપિયાનો એક મોટો અમલદાર યરૂશાલેમથી પાછો પોતાના વતનમાં જતો હતો. રથમાં મુસાફરી કરતી વખતે, તે મોટા સાદે ધાર્મિક પુસ્તક વાંચતો હતો, જે એક વીંટામાં હતું. એ પુસ્તકની સમજણ મળ્યા પછી, તેનું આખું જીવન બદલાઈ ગયું. (પ્રેરિતોનાં કૃત્યો ૮:૨૬-૩૮) તે યશાયાહ ૫૩:૭, ૮ વાંચતો હતો. એ બાઇબલનું સૌથી પહેલું ગ્રીકમાં ભાષાંતર થયેલું સેપ્ટ્યુઆજીંટ હતું. સદીઓથી આખા જગતમાં બાઇબલનો સંદેશો ફેલાવવા માટે એ ભાષાંતર બહુ જ ઉપયોગી થયું છે. ખરેખર, આ બાઇબલ ભાષાંતરે આખા જગતને બદલી નાખ્યું છે.

સેપ્ટ્યુઆજીંટનું ક્યારે અને કેવા સંજોગો હેઠળ ભાષાંતર કરવામાં આવ્યું? એ ભાષાંતરની શા માટે જરૂર હતી? સદીઓથી એનો કઈ રીતે ઉપયોગ થયો છે? અને આજે શું આપણે એમાંથી કંઈ શીખી શકીએ છીએ?

ગ્રીક ભાષા બોલતા યહુદીઓ માટે

મહાન સિકંદરે તૂરના ફોનેસિયન શહેરનો નાશ કર્યા પછી, ઈ.સ. પૂર્વે ૩૩૨માં (આશરે ૨,૩૩૪ વર્ષ અગાઉ) ઇજિપ્તમાં કૂચ કરી. ત્યાંના રહેવાસીઓએ તેનો તારણહાર તરીકે પૂરા માનથી આવકાર કર્યો હતો. સિકંદરે ત્યાં એલેક્ઝાંડ્રિયા નામનું એક શહેર ઊભું કર્યું, જે એ જમાનામાં ભણવા-ગણવા માટે ખૂબ પ્રખ્યાત બન્યું હતું. સિકંદરે પોતાનું રાજ જગતના ચારે ખૂણાઓમાં ફેલાવ્યું હતું. તેની ઇચ્છા પોતાના રાજ્યમાં સામાન્ય લોકોની ગ્રીક ભાષા (કોયની) અને ગ્રીક સંસ્કૃતિ ફેલાવવાની હતી.

ઈ.સ. પૂર્વે ત્રીજી સદી દરમિયાન ઘણા યહુદીઓ એલેક્ઝાંડ્રિયામાં રહેવા ગયા હતા. બાબેલોનની ગુલામીમાંથી છૂટ્યા પછી, જે યહુદીઓ પેલેસ્તાઈનની આસપાસ રહેતા હતા તેઓ પણ પછી એલેક્ઝાંડ્રિયા રહેવા માટે ચાલ્યા ગયા. પરંતુ શું આ યહુદીઓ પોતાની માતૃભાષા હેબ્રી જાણતા હતા? એ વિષે મેકક્લિન્ટોક અને સ્ટ્રોંગની સાયક્લોપેડિયા કહે છે: “યહુદીઓ બાબેલોનની ગુલામીમાંથી છૂટ્યા એ પહેલાં જ પોતાની માતૃભાષા હેબ્રી ભૂલવા લાગ્યા હતા. પછી પેલેસ્તાઈનનાં ધર્મસ્થાનોમાં, તેઓને બાબેલોની ભાષા, ખાલદીમાં મુસાના પુસ્તકો સમજાવવામાં આવતા હતા. . . . જે યહુદીઓ એલેક્ઝાંડ્રિયામાં રહેવા ગયા તેઓ પોતાની મોટા ભાગની હેબ્રી ભાષા ભૂલી ગયા હતા. હવે તેઓ એલેક્ઝાંડ્રિયાની ગ્રીક ભાષા બોલતા હતા.” તેથી, હવે એલેક્ઝાંડ્રિયામાં હેબ્રી શાસ્ત્રોનું ગ્રીકમાં ભાષાંતર કરવાનો સમય પાકી ગયો હતો.

ઈ.સ. પૂર્વે બીજી સદીમાં એરીસ્ટોબ્લુઅસ નામના એક યહુદીએ લખ્યું કે, હેબ્રી નિયમશાસ્ત્રનું ગ્રીક ભાષામાં ટોલેમી ફિલીઓડેલ્ફસના રાજમાં (ઈ.સ. પૂર્વે ૨૮૫-૨૪૬) ભાષાંતર થઈ ચૂક્યું હતું. આ “નિયમશાસ્ત્ર” શું છે એ વિષે પંડિતો ઘણા જુદા જુદા મંતવ્યો આપે છે. અમુક ધારે છે કે એ બાઇબલના પહેલાં પાંચ પુસ્તકોનું જ ભાષાંતર હતું. બીજાઓ માને છે કે એમાં પૂરેપૂરા હેબ્રી શાસ્ત્રનો (જૂનો કરાર) સમાવેશ થતો હતો.

ભલે ગમે તે હોય, એવું માનવામાં આવે છે કે શાસ્ત્રોનું હેબ્રીમાંથી ગ્રીકમાં ભાષાંતર કરવા માટે શરૂઆતમાં લગભગ ૭૨ યહુદી પંડિતોને ભેગા કરવામાં આવ્યા હતા. પછી એમાંના ૭૦ પંડિતોએ એનું ભાષાંતર કર્યું હતું. તેથી એનું નામ સેપ્ટ્યુઆજીંટ પાડવામાં આવ્યું, જેનો મતલબ લેટિન ભાષામાં “૭૦” થાય છે. એને LXX પણ કહેવામાં આવે છે, જે રોમન નંબર “૭૦” છે. ઈ.સ. પૂર્વે બીજી સદીના અંતમાં, હેબ્રી શાસ્ત્રના બધા જ પુસ્તકો ગ્રીક ભાષામાં વાંચી શકાતા હતા. આમ, આખા હેબ્રી શાસ્ત્રનું ગ્રીકમાં ભાષાંતર થયું હતું, જેનું નામ છેવટે સેપ્ટ્યુઆજીંટ રાખવામાં આવ્યું.

પહેલી સદીમાં એનો ઉપયોગ

ઈસુ ખ્રિસ્ત અને તેમના શિષ્યોના સમય દરમિયાન અને એ પહેલાં, જે યહુદીઓ ગ્રીક ભાષા બોલતા હતા, તેઓ સેપ્ટ્યુઆજીંટનો ખૂબ જ ઉપયોગ કરતા હતા. ઘણા યહુદીઓ અને બીજા લોકો પેન્તેકોસ્ત ૩૩માં પાસ્ખાપર્વ ઉજવવા માટે યરૂશાલેમ આવ્યા હતા. તેઓ એશિયા, ઇજિપ્ત, લીબિયા, રોમ અને ક્રિતથી આવ્યા હતા. એ બધા શહેરોનાં લોકો ગ્રીક ભાષા બોલતા હતા. તેથી, તેઓ સેપ્ટ્યુઆજીંટ પણ જરૂર વાંચતા હશે. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૯-૧૧) પહેલી સદીમાં શુભસંદેશો ફેલાવવા માટે સેપ્ટ્યુઆજીંટ ખૂબ ઉપયોગી હતું.

દાખલા તરીકે, સાયરિન, એલેક્ઝાંડ્રિયા, સિસીલીઆ અને એશિયામાં રહેતા લોકોને શુભસંદેશો ફેલાવતી વખતે સ્તેફન નામના શિષ્યએ કહ્યું: “યુસફે સંદેશો મોકલીને પોતાના બાપ યાકૂબને તથા પોતાનાં સઘળાં સગાંને, એટલે પોણોસો માણસને પોતાની પાસે તેડાવ્યાં.” (પ્રેરિતોનાં કૃત્યો ૬:૮-૧૦; ૭:૧૨-૧૪) ઉત્પત્તિના અધ્યાય ૪૬માં મૂળ હેબ્રી લખાણ જણાવે છે કે યુસફના સગાંવહાલાઓની કુલ સંખ્યા “સિત્તેર” હતી. પરંતુ સેપ્ટ્યુઆજીંટ તેઓની કુલ સંખ્યા “પંચોતેર” જણાવે છે. તેથી, સ્તેફને પોતાની માહિતી સેપ્ટ્યુઆજીંટમાંથી લીધી હતી.⁠—​ઉત્પત્તિ ૪૬:૨૦, ૨૬, ૨૭.

પ્રેષિત પાઊલે પોતાની પહેલી અને બીજી મિશનરી મુસાફરી દરમિયાન, એશિયા માયનોર અને ગ્રીસના, યહુદી ન હતા એવા લોકોને તથા “ધાર્મિક ગ્રીકોમાંના ઘણાને” પ્રચાર કર્યો હતો. (પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૧૬, ૨૬; ૧૭:⁠૪) આ લોકો ધાર્મિક અથવા પરમેશ્વરથી ડરીને ચાલનારા હતા કારણ કે તેઓ સેપ્ટ્યુઆજીંટમાંથી પરમેશ્વર વિષે કંઈક શીખ્યા હતા. પાઊલ જ્યારે પણ આ ગ્રીક ભાષા બોલતા લોકોને પ્રચાર કરતા, ત્યારે સેપ્ટ્યુઆજીંટમાંથી કંઈક કહી સંભળાવતા અથવા એમાંથી કંઈક ટાંકતા હતા.⁠—​ઉત્પત્તિ ૨૨:૧૮; ગલાતી ૩:૮.

ગ્રીક શાસ્ત્રવચનોમાં અથવા નવા કરારમાં, લગભગ ૮૯૦ વાર હેબ્રી શાસ્ત્રો કે જૂના કરારમાંથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એમાં, ૩૨૦ અવતરણો સીધેસીધા ટાંકવામાં આવ્યા છે. એમાંથી મોટા ભાગના વાક્યો કે અવતરણો મૂળ હેબ્રી જૂના કરારમાંથી લેવાને બદલે, સેપ્ટ્યુઆજીંટમાંથી લેવામાં આવ્યા છે. તેથી, હેબ્રી શાસ્ત્રવચનોમાંથી ભાષાંતર થયેલા સેપ્ટ્યુઆજીંટમાંથી જે અવતરણો લેવામાં આવ્યા, એ ઈશ્વર પ્રેરિત નવા કરારમાં સમાઈ ગયા હતા. એ ખૂબ જ મહત્ત્વનું હતું! ઈસુએ જણાવ્યું હતું કે શુભસંદેશાનો પ્રચાર આખા જગતમાં થશે. (માત્થી ૨૪:૧૪) જો એનો પ્રચાર આખા જગતમાં થવાનો હોય તો, યહોવાહ જરૂર તેમનું શાસ્ત્ર અનેક ભાષાઓમાં પ્રાપ્ય બનાવે, જેથી જગત ફરતે ઘણા લોકો એને વાંચી શકે.

આજે પણ ઉપયોગી

આજે પણ સેપ્ટ્યુઆજીંટ ઉપયોગી છે. જો પ્રાચીન હેબ્રી શાસ્ત્રવચનોની નકલ કરતી વખતે અજાણતા કોઈ ભૂલ થઈ ગઈ હોય તો, સેપ્ટ્યુઆજીંટ સાથે એને સરખાવીને એ ભૂલ પકડી શકાય છે. દાખલા તરીકે, ઉત્પત્તિ ૪:૮નો અહેવાલ જણાવે છે: “અને કાઈને પોતાના ભાઇ હાબેલને કહ્યું, કે આપણે ખેતરમાં જઈએ. અને તેઓ ખેતરમાં હતા ત્યારે એમ થયું કે કાઈને પોતાના ભાઈ હાબેલ સામે ઊઠીને તેને મારી નાખ્યો.”⁠—​ઉત્પત્તિ ૪:⁠૮.

કલમમાં ઉલ્લેખેલું, “આપણે ખેતરમાં જઈએ,” વાક્ય દસમી સદીના હેબ્રી લખાણોની નકલોમાં જોવા મળતું નથી. પરંતુ એનાથી જૂના સેપ્ટ્યુઆજીંટમાં અને બીજાં અમુક પુસ્તકોમાં એ વાક્ય જોવા મળે છે. આ પ્રાચીન પુસ્તકોમાં કોઈ વ્યક્તિ કંઈ કહેતી હોય ત્યારે, એના પહેલાં અવતરણ ચિહ્‍ન જેવી કોઈ નિશાની વાપરવામાં આવી છે. પણ દસમી સદીના હેબ્રી લખાણોની નકલોમાં, આ નિશાની પછી કોઈ શબ્દો આપવામાં આવ્યા નથી. તો શું વાંધો પડ્યો હોય શકે? નોંધ કરો કે ઉત્પત્તિની એ કલમમાં બે વાક્યોમાં “ખેતર” શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેથી મેકક્લિન્ટોક અને સ્ટ્રોંગની સાયક્લોપેડિયા જણાવે છે: ‘હેબ્રી ભાષાની નકલ કરનારા એક કલમમાં બે સરખા શબ્દો જોઈને, સહેલાઈથી ભૂલ કરીને એક શબ્દ ચૂકી ગયા હોય શકે.’ તેથી, નકલ કરનારાઓ એ કલમમાં “ખેતર” શબ્દ ઉલ્લેખ કરેલા પહેલા વાક્યને સહેલાઈથી ચૂકી ગયા હોય શકે. આમાંથી આપણે જોઈ શકીએ છીએ કે સેપ્ટ્યુઆજીંટ અને બીજાં જૂનાં પુસ્તકો, હેબ્રી ભાષાની નકલોની કોઈ પણ ભૂલને સુધારવામાં ખૂબ જ ઉપયોગી બને છે.

પરંતુ સેપ્ટ્યુઆજીંટની નકલોમાં પણ ભૂલો હોય શકે છે અને એને સુધારવા માટે મૂળ હેબ્રીમાં લખેલા શાસ્ત્રો સાથે સરખાવવું પડે છે. આમાંથી આપણે જોઈ શકીએ છીએ કે, પ્રાચીન હેબ્રી, ગ્રીક અને અનુવાદ કરેલા બીજી ભાષાઓના શાસ્ત્રોને એકબીજા સાથે સરખાવીએ છીએ ત્યારે, નકલ કરનારાઓની અને ભાષાંતરકારોની ભૂલો સહેલાઈથી મળી આવે છે. છેવટે આપણને પરમેશ્વરનો શબ્દ શુદ્ધ સોના જેવો જોવા મળે છે.

આજે આપણને છેક ચોથી સદીની સેપ્ટ્યુઆજીંટની પૂરેપૂરી નકલો જોવા મળે છે. પરંતુ આ પુસ્તકોમાં અને ત્યાર પછીની નકલોમાં આપણને મૂળ ચાર હેબ્રી અક્ષરોમાં (ટેટ્રાગ્રામેટનમાં) યહોવાહનું નામ જોવા મળતું નથી. આ નકલોમાં એ નામને બદલે “ઈશ્વર” અથવા “પ્રભુ” જેવા ખિતાબો વાપરવામાં આવ્યા છે. પરંતુ લગભગ ૫૦ વર્ષ પહેલા પેલેસ્તાઈનમાં જે શોધ થઈ એ આ બાબત પર પ્રકાશ ફેંકે છે. અમુક લોકો કુમરાનના ખંડિયેરમાં આવેલી ગુફાઓમાં શોધખોળ કરતા હતા. એ સમયે તેઓને ચામડા પર ગ્રીકમાં લખેલા, બાર પ્રબોધકોના (હોશીયાથી માલાખી) લખાણોના ટૂકડા મળી આવ્યા. આ લખાણોની તારીખ લગભગ ઈ.સ. પૂર્વે ૫૦થી ઈ.સ. ૫૦ સુધીની આપવામાં આવી હતી. આ પ્રાચીન લખાણોમાં ખરેખર યહોવાહનું નામ જોવા મળતું હતું. “પ્રભુ” કે “ઈશ્વર” જેવા ખિતાબોથી એ નામ બદલવામાં આવ્યું ન હતું. આમ, પ્રાચીન સેપ્ટ્યુઆજીંટમાં ખુદ પરમેશ્વરના નામ વિષે કોઈ શંકા ઊભી થતી નથી.

વર્ષ ૧૯૭૧માં પહેલી વાર પ્રાચીન પપાઈરસ વીંટા પર લખેલા સેપ્ટ્યુઆજીંટ વિષેનું એક પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું. (ફોઉડ પપાઈરા ૨૬૬) તો પછી, ઈ.સ. પૂર્વે પહેલી અને બીજી સદીના આ સેપ્ટ્યુઆજીંટમાંથી આપણને શું જાણવા મળે છે? એ જ કે એમાં પણ યહોવાહનું નામ જાળવી રાખવામાં આવ્યું હતું. આ પ્રાચીન સેપ્ટ્યુઆજીંટમાંથી જોઈ શકાય છે કે ઈસુ અને તેમના શિષ્યો યહોવાહનું નામ વાપરતા હતા.

ઈતિહાસના કોઈ પણ પુસ્તક કરતાં બાઇબલનો સૌથી વધુ ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે. જગતના નેવું ટકા કરતાં વધારે લોકોને તેઓની પોતાની ભાષામાં આખું બાઇબલ અથવા એના અમુક ભાગો પ્રાપ્ય છે. ખાસ કરીને પવિત્ર શાસ્ત્રવચનોનું નવી દુનિયાનું ભાષાંતર (અંગ્રેજી) બાઇબલ એકદમ ચોકસાઈભર્યું છે એ જાણીને આપણે કેટલા ખુશ થઈએ છીએ. આ બાઇબલ આખું કે અમુક ભાગોમાં ૪૦ ભાષાઓમાં મળી આવે છે. પવિત્ર શાસ્ત્રવચનોનું નવી દુનિયાનું ભાષાંતરસંદર્ભ સાથે (અંગ્રેજી) બાઇબલમાં હજારો ફૂટનોટ આપવામાં આવી છે. એમાંની ઘણી ફૂટનોટમાં સેપ્ટ્યુઆજીંટ અને બીજા પ્રાચીન લખાણો પર સંદર્ભો આપવામાં આવ્યા છે. જેઓ બાઇબલનો અભ્યાસ કરે છે તેઓ આજે સેપ્ટ્યુઆજીંટનો ખૂબ ઉપયોગ કરે છે અને એની ઘણી કદર કરે છે.

[પાન ૨૬ પર ચિત્ર]

અમલદારે “સેપ્ટ્યુઆજીંટમાંથી” જે ભાગ વાંચ્યો એની શિષ્ય ફિલિપે સમજણ આપી

[પાન ૨૯ પર ચિત્રો]

પ્રેષિત પાઊલે ઘણી વાર “સેપ્ટ્યુઆજીંટમાંથી” ઉલ્લેખ કર્યો